Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તિલોર

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Opinion|20 May 2025

પુસ્તક પરિચય –

ધ્રુવભાઈ ભટ્ટ સમયાંતરે તેમની કથાઓ પુસ્તક સ્વરૂપે આપતા રહ્યા છે. એ બીબાઢાળ નથી. દરેકે દરેકમાં એક આગવું પોત હોય છે. એ જ નીખરી આવતું હોય છે. અમે પ્રથમથી જ એમના ચાહક-ભાવક રહ્યા છીએ. આથી અમે એમની પુસ્તક-પ્રસાદીની વાટમાં જ હંમેશ રહેતા હોઈએ છીએ.

હજી હમણાં જ, તાજેતરમાં ‘તિલોર’ નામે – શીર્ષકથી પ્રકાશિત થયું છે. ધ્રુવભાઈ ક્યારેક એમનાં પુસ્તકોના શીર્ષકની છણાવટ પણ કરતા હોય છે. ‘તિલોર’ નામથી અમે એકદમ અજાણ હતા. એટલે ‘તિલોર’ શું? આથી તરત જ પુસ્તક ખોલ્યું. ત્યારે ખબર પડી કે આ એક કચ્છમાં વસવાટ કરતા પક્ષીનું નામ છે. પુસ્તકનો ઉઘાડ જ હૃદયસ્પર્શી છે. લેખક પક્ષી સાથે વાતચીત કરતા પૂછે છે, તારું નામ શું ? ‘તિલોર’ તેણે કહ્યું. નિશાળમાં ભણતી વખતે મેં કોઈ શબ્દકોશમાં ટિલોર શબ્દ વાંચ્યો હતો.

‘તમે બીજું બોલ્યા તે હશે. અમે તમારા જેટલું સરસ રીતે બોલી નથી શકતા.’ પેલાએ કહ્યું, અને ઉમેર્યું, ‘અને તિલોર પણ મારા એકલાનું નામ નથી. તમારી યાદી પ્રમાણે તો અમે અમારો આખો વંશ તિલોર કહેવાઈએ.’

‘આ વળી નવું’ મેં કહ્યું. કોઈ પોતાના અંગત નામ વગરનું પણ હોઈ શકે એ નવાઈ કહેવાય. જ્યારે આપણે બધા જ મનુષ્યો નામથી તો ઓળખાઈએ પણ સાથે સાથે કેટલાંક વિશેષણો પણ જોડી દઈએ. નિયામક, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી, ડૉ. (પીએચ.ડી.) – એવા ભાતભાતના અને જાતજાતના. આપણી ઓળખ એ આપણો છૂપો અહંકાર છે. એ વાત એટલી સહજ રીતે મૂકી છે કે આપણે વારી જઈએ.

આ જ વાત આગળ વધારતાં લેખક લખે છે, ‘હા, તારુંયે કોઈ નામ હોવું જોઈએ, હશે પણ ખરું પણ….’ ‘બસ આથી વધુ કોઈ કંઈ કહી શકતું નથી.’ હું બોલ્યો, ‘કુટુંબમાં કે સગાં-સંબંધીઓને, કોઈને તારા નામની ખબર ન હોય તે બહુ નવાઈ કહેવાય.’ ‘હા નવાઈ તો કહેવાય. પણ કોઈને તમે જેને કુટુંબ કહો છો તે ન હોય અને સગાં પણ બહુ જ થોડાં બચ્યાં હોય, ત્યારે કોઈને એકબીજાનાં નામ ન આવડે તો તે નવાઈ નહીં કહેવાતી હોય.’ આ જાતનાં પક્ષીઓ વિલુપ્ત થતાં જાય છે એના સંદર્ભમાં કહેવાઈ છે. ત્યારે લેખક વ્યથા વ્યક્ત કરતાં લખે છે, ‘હું શું કરું ? છાતી ફાટી જાય તેવા ઉત્તરો મળે અને તરત બીજો એવો જ પ્રશ્ન પણ પુછાય ત્યારે શું કરવું તેની ફરજ ભાગ્યે જ કોઈને હોય છે.’

પક્ષી સાથેના સંવાદ-વાતો ખૂબ મઝાનાં છે. આડકતરા ઈશારાઓ પણ છે, જે આપણે પકડવાના છે. પક્ષીઓની સાથે વાત કરતાં કરતાં તેમના અવાજને-ઉચ્ચારણને પકડી તેમનાં નામોની જે કલ્પના કરી છે એ અદ્ભુત છે. ‘અમે જન્મ્યા ત્યારે મા નજીક નહોતી, પણ કોઈ જોરથી બોલતું સંભળાયેલું, ‘યશ ક્લીક, જલદી કર યશ.’ એટલે અમે એક બચ્ચાનું નામ ‘યશ’ અને મારું નામ ‘ક્લીક’ એમ સમજેલાં. એવી જ રીતે બીજી જાતનાં પક્ષી ઘોરાડનાં બચ્ચાંનાં નામ પડેલાં. કોઈક બોલ્યું, ‘સૉ ક્યુટ’ એટલે એકનું નામ ‘સૉ’ અને બીજાનું ‘ક્યુટ’. ધ્રુવભાઈ લખે છે, ‘મેં સોઓઓ ક્યુઉઉટ પૂરા ભાવથી અને લહેકાથી બોલાતું હશે તેની કલ્પના કરી.’

આ પુસ્તકમાંની ઘણી બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી છે. માનવતાની મહેક દરેકમાંથી ડોકાય છે જેમ કે ગંગાબા, કે રમીમા, આસ્કાના વગેરે સ્ત્રી પાત્રોમાં. સૌમાં અરસપરસ મદદ કરવાની સહજતા નજરે પડે છે. લેખકની એક વિશિષ્ટતા રહી છે કે એમની કથાઓમાં સ્ત્રી-પાત્રો એક આગવી રીતે તરી આવતાં હોય છે. એવું જ કંઈક આ પુસ્તકમાં પણ છે. રમીમા ગામમાં રહેતી બધી જ જિંદગીઓને સરળતાથી ઓળખતાં, પાસે આવવા દેતાં, સ્વીકારતાં અને તે જિંદગીઓની સમસ્યાને ઉકેલવા મદદ કરતાં. સૌ પ્રથમ પોતાની સમસ્યાને ઉકેલી. પરાણે વૃદ્ધ પુરુષ સાથે પરણી. તેના ત્રણ દીકરા સાથે. પરણી કે તરત જ બધાને લઈને, બીજા એક ગામમાં જઈને પોતાની જિંદગી કાળી મજૂરી સાથે જોડી દીધી. કડિયા-મજૂર તરીકે જ જીવ્યાં. ધીમે ધીમે ગામની સ્ત્રીઓને પણ એ જ કામમાં નિપુણ બનાવી પૈસા રળતી કરી. બચત કરતાં શીખવ્યું. કથાનાયકે જે બેંક ખોલી હતી તેમાં સૌનાં ખાતાં પણ ખોલાવ્યાં. સ્વનિર્ભર બનાવી. આપણે ત્યાં પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણ હતું. માત્ર મહિલા દિવસ ન ઉજવાતો.

કથામાં કેટલાક સરસ પ્રસંગો છે, એ આપણે માણીએ. એક વાર લેખક મધ્યરાત્રીએ પોતાની મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા. ‘એકાદ રાતપંખી પણ પસાર થતાં બોલ્યું, “હવે તમે પણ રાત-વરત અહીં ફરતા થઈ ગયા ? પાછા આખાં વન ગજવતાં ફરો છો. તમને લોકોને ઘોંઘાટ સાંભળ્યા વગર ચાલતું જ નથી કે શું ?” જવાબ આપ્યા વગર કથાનાયકે મોટર સાઈકલ બંધ કરી અને ધકેલતા આગળ વધ્યા. આમ વાતનો મર્મ પકડી, આચરણમાં મૂક્યું. આ થીંક ઑફ અધર્સ ‘બીજાના વિચારની વાત’ સલૂકાઈથી સાંભળી સરકી જાય છે. જતાં જતાં પણ હેણોતરા (એક જાતનું પશુ) પાસેથી પસાર થતાં સાંભળવું પડ્યું કે, “પહેલાં ચોક્કસ શિકારી કે ચોર લોકો જ રાતે આવતા. હવે તમે ય આવતા-જતા થઈ ગયા. પાછા આખા જંગલને બીવરાવતા ફરો છો.” આ આખી વાત-સંવાદ એવો રમણીય છે કે આપણે આફરીન થઈ જઈએ. આ પુસ્તકમાં લેખક-પક્ષી-પશુ સખ્ય સંવાદ જ વિશેષ છે. આધુનિકતાના નામે આપણે જે વિકાસ ભણી દોટ મૂકી રહ્યા છીએ, એ અભિશાપ છે કે આશીર્વાદ એ નક્કી કરવાનો સમય આવી પૂગ્યો છે એમ જરૂર કહી શકાય.

આવો એક બીજો પ્રસંગ જાણીએ. લેખકને, બેંક કર્મચારી હોવાથી ઝાડ-વૃક્ષો વાવવાનું ફરમાન થાય છે. એ માટે સૌની સાથે એ અંગે વાત કરે છે, એનું મહત્ત્વ સમજાવે છે. ઝાડ-વૃક્ષો જમીન પર રોપાવાં જ જોઈએ. ત્યારે ત્યાંનો સ્થાનિક એક અભણ માણસ કહે છે, “ઝાડ વાવો કે ગમે તે કરો. આ તો સરકારની માલિકીની વાત કરી, તો સરકાર બનાવનાર તો આપણે ને ! રાજા કે સરકાર માણસોએ કેમ રે’વું, કેમ નૈ એના કાયદા ભલે નક્કી કરે પણ ધરતીએ કેમ રે’વું એ સરકાર થોડી નક્કી કરે ? સરકાર જમીનને વતાવે જ શું કામ ? જમીન ક્યાં મત આપવા ગઈ’તી ?” લેખકનું મનોમંથન ચાલે છે અને સ્વગત બોલે છે કે “આદિકાળથી આજ સુધી અનુત્તર રહેલી આ પરિસ્થિતિએ પૃથ્વીને અને તેના પર પાંગરેલા તૃણથી લઈને મનુષ્ય સુધીના તમામ સજીવોને અતિ, અતિ, અતિ વિષમ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ફરી પાછો પેલા અભણનો બડબડાટ સંભળાયો કે ‘જમીનુંને જેમ ફાવે તેમ રગડાવો, પણ યાદ રાખજો, ધરતી તો મા છે. એના ખોળામાં રે’વાય. એને ગમે તેમ રગડાય નૈ. કો’ક દી શ્રાપ દઈ બેસે ત્યારે ભારે પડી જાશે.’ આવો જ એક અનન્ય પ્રસંગ છે. એક રબારીની ભેંસ ખોવાઈ અને મળતી નથી. મુસલમાન બહેનને તે મળી. ભેંસ તો મરી ગઈ પણ તેનું બચ્ચું અદ્દલ તેની મા જેવું છે. એટલે મા નહીં તો તેનું બચ્ચું પરત કરવા જાય છે ત્યારે તે વખતનો વાર્તાલાપ હલાવી નાંખે તેવો છે. બંને પક્ષે હૃદયની વત્સલતા, માનવતા, સમજણની ઊંચાઈ નવાઈ પમાડે તેવી છે. આંખોમાં આંસુ ઊભરાઈ આવે તેવી છે. મનના મોટપની વાત સ્પર્શી જાય તેવી છે.

કથાનાયક બેંક સાથે જોડાયેલા છે. એટલે કચ્છમાં વસતી જત કોમના માલધારીઓ માટેનાં કેટલાંક કામો માટે જવાનું બન્યું. “રસ્તામાં બબ્બુએ રોકાવા કહ્યું. કહે, ‘લ્યો માંક જીભે મૂકો.’ પાંદ પર ઝીલાયેલી ‘માંક’ ઝાકળનો સ્વાદ માણ્યો. ન ચાખેલો એક મંદ, નવતર સ્વાદ, એ અજાણી મધુર સુગંધ, હવા, એ ઝાકળનો સ્પર્શ, જીવનભર જોયા જ કરીએ તેવો ધૂમિલ દૃશ્યોને હળુહળુ ઉઘાડતો જતો ઝાકળભીનો પ્રકાશ, કુદરત કેટલાંક દૃશ્યો, કેટલાક સ્પર્શો, કેટલીક સુગંધ, કેટલાક સ્વર અને કેટલાક સ્વાદ એવી રીતે રજૂ કરે છે કે આપણે તેને ઓળખી નથી શકતા, નથી તેને કોઈ નામ આપી શકાતું. ન તો ‘હું’ અને ‘તે’ એવું સ્પષ્ટ દર્શાવી શકાતું. આપણાથી તેમાં ભળી જવા સિવાય કશું થઈ શકતું નથી !” આ માણેલું વર્ણન આપણને સ્પર્શે તો ખરું જ પણ સાથેસાથે ભીંજવી જાય તેવું છે.

આવી જ વાતો ઊંટોને પણ છે. કાદવ વિસ્તારમાંથી પસાર થવાની અને કાદવમાં ફસાયેલા ઊંટને કાદવમાંથી કેવી રીતે બહાર કાઢવું તેની. સહિયારા પ્રયાસોથી આફતોને ઓળંગે છે તેની રોચક કથાઓ – પ્રસંગો છે. જત-ઊંટ એક જ તત્ત્વે સ્થિત છે. બંને એકબીજાથી એવા સંબંધિત છે કે એ સંબંધનું નામકરણ અશક્ય છે. એક-બીજાના સુખે-સુખી અને દુ:ખે દુ:ખી એવા અરસપરસ આશ્રિત છે. સાવલાપીર ફકીરાણી જત લોકોના પીર છે. એમનાં જે વચનો છે એનાથી જત લોકો બંધાયેલા છે. એ પણ સમજવા જેવું છે.

અભણના મુખેથી વિભાજનની વાત કહેવાઈ છે તે હૃદયને હલબલાવનારી છે. ઈબલાના મુખેથી જ સાંભળીએ : “જન્મથી તેની ઉંમરનાં સાઠ વરસ સુધી ઈબલો અને તેનાં ઊંટ, બકરાં-ઘેટાં કચ્છથી આ તરફ છેક બંગાળના છેડે અને આ તરફ સિંધ વીંધતાં બલોચ અને અફઘાન કબીલાઓમાં નિરાંતે જઈ શકતાં. ૧૯૪૭ના વરસાદી દિવસોમાં એક રાતે ન જાણે શું બન્યું કે આ બધાને કચ્છીભૂમિ વળોટવાની મનાઈ થઈ ગઈ. ‘રાતે સૂતા સુધી બેહદમાં હતાં સવારે જાગતાં પહેલાં તો હદમાં આવી ગયાં.’

“સંસ્કૃતિઓનાં આદાન-પ્રદાન અટકી પડ્યાં. આનંદના કે દર્દભર્યાં ગીતોની આપ-લે અટકી ગઈ, કહેવતો અને રહસ્યકથાઓ વિસરાવા માંડ્યાં. સરળ અધ્યાત્મની રેશમ-દોરી ક્યાંક ગંઠાઈ ગઈ. સાહિત્ય અને સંગીતના લય પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં. મારા જેવાને એ ક્યારે ય નથી સમજાવાનું કે અનહદને હદ લાગી જાય એટલે શું ?”

આ વિભાજન અંગે, તેની વીતક-વ્યથા અંગે ખૂબ ખૂબ લખાયું છે. પણ જે શબ્દો થકી, ટૂંકાણમાં, સારગર્ભથી આ લખાયું છે તે નોખું – અનોખું છે એમ અમને લાગે છે. આ આખી કથા કચ્છની પૃષ્ઠભૂમિમાં લખાઈ છે. લેખકની દરેક કથામાં એક વિશેષતા સદા ય રહી છે કે જે પ્રદેશની વાત કરવાની હોય તે પ્રદેશને પોતાનો કરી દે છે. જરૂરી સમય એક યાત્રિક તરીકે રહી, ત્યાંનું લોકજીવન, પરિવેશ, રહેણી-કરણી, બોલાતી બોલી એમ સઘળું આત્મસાત્ કરે છે. માત્ર કલ્પનો જ નથી હોતાં પણ સત્ય અને કલ્પનોને લઈને એક સર્વાંગ સુંદર સાયુજ્ય રચાય છે. જે વાચકને ગ્રસી લે છે. ક્યારેક તો આપણને એવું જ લાગે કે આ સત્યઘટના છે.

પુસ્તકનો ઉઘાડ જેટલો સુંદર છે એટલો જ અંત પણ સુંદર છે. કથાનાયક બેંકમાંથી રાજીનામું આપે છે. વતન જવા નોકરી છોડે છે. એટલે વિદાયવેળાએ સૌને હાય-હેલ્લો કરવા નીકળે છે. સોહનચીડિયા (પક્ષી) મળે છે ને પૂછે છે, “બોલો બોલો તમારાં નામ તો કહો. લોકો તમને જોઈને શું બોલે છે તે જાણું તો ખરો !” ‘મારું નામ’…. એક સોહનચીડિયા બોલી ‘પરહેપ્સ’ (perhaps) કદાચ. લાસ્ટવન (last one) છેલ્લી એક માત્ર.

કવિ-લેખક ધ્રુવભાઈને સો-સો સલામ. ગૂર્જર ગ્રંથરત્નને પણ આવા પ્રકાશન બદલ અભિનંદન.

પ્રાપ્તિસ્થાન  : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ફોન  : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૦૯૨૨૭૦૫૫૭૭૭

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 18-19  

Loading

માથેરાનમાં હાથી અને ઊંટ! 

દીપક મહેતા|Opinion - Opinion|20 May 2025

ગ્રંથયાત્રા : 4

મુંબઈનાં કેટલાંક છાપાંમાં એક અહેવાલ પ્રગટ થયો છે : મુંબઈગરાઓના પ્રિય હિલ સ્ટેશન માથેરાનમાં પોલ્યુશન વધી રહ્યું છે. કારણ? ‘અભ્યાસ’ કર્યા પછી સરકારી નિષ્ણાતોની એક સમિતિએ કહ્યું છે કે આનું મુખ્ય કારણ છે ઘોડાની લાદ! અરે ભલા માણસ! અંગ્રેજોએ એક હિલ સ્ટેશન તરીકે માથેરાન ‘શોધી કાઢ્યું’ ત્યારથી ત્યાં ઘોડા-રાજ ચાલે છે. દાયકાઓ સુધી ઘોડા અને હાથ રિક્ષા સિવાય બીજું કોઈ વાહન અહીં વપરાતું નહિ. પહેલાં ઈ-રિક્ષા દાખલ કરીને હાથ રિક્ષા ચલાવનારાઓના પેટ પર પાટુ માર્યું. હવે થોડા વખતમાં ઘોડાવાળાઓનું આવી બનશે. મુંબઈમાં પોલ્યુશનનું એક મુખ્ય કારણ મોટર-બસ છે, માટે અહીંથી મોટર-બસ હાંકી કાઢો એમ કોઈ નહિ કહે. પણ માથેરાનમાં પોલ્યુશન! મારો ઘોડાવાળાનાં પેટ પર લાત!

પણ સવા સો વરસ પહેલાંના  માથેરાનમાં તો ઘોડા ઉપરાંત હાથી અને ઊંટ પણ જોવા મળતાં! માન્યામાં નથી આવતું? તો જાણો ૧૮૯૧માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી માથેરાનની કેટલીક અવનવી વાતો.

*  

માથેરાનમાં હાથી અને ઊંટ! 

તમે માથેરાન તો ગયા જ હશો. પણ ત્યાં તમે ક્યારે ય હાથી કે ઊંટ જોયાં છે? તમે પૂછશો : ભાઈ, તમારું ઠેકાણે તો છે ને? ત્યાં તો ઘેટાં-બકરાં જોવા મળે, ઘોડા-ખચ્ચર જોવા મળે, પણ હાથી અને ઊંટ? હા, આજે ન જોવા મળે, પણ ૧૮૯૧ની સાલમાં કદાચ જોવા મળતાં હશે. કારણ તે વખતે દસ્તૂરી આગળ ટોલ ટેક્સના દરનું જે પાટિયું માર્યું હતું તેમાં હાથી માટેનો ટેક્સ દોઢ રૂપિયો અને ઊંટ માટેનો ટેક્સ આઠ આના લખ્યો હતો. પાલખી માટે એક રૂપિયો, ઘોડા માટે એક રૂપિયો છ આના, ઘેટાં, બકરાં, ડુક્કર માટે એક પાઈ, અને બીજાં કોઈ પણ જાનવર માટે ત્રણ પાઈ ટેક્સ લેવાતો. આ માહિતી મળે છે ૧૮૯૧માં પ્રગટ થયેલ ‘માથેરાન : તેનો મુખતેસર હેવાલ, આબોહવા, તવારીખ, ઈત્યાદી : તેના વિગતવાર નકશા સાથે’ એવા લાંબાલચક નામવાળા પુસ્તકમાંથી. એ પુસ્તકના રચનાર છે ગુલબાઈ ફરામજી પાઠક. મુંબઈના કૈસરે હિન્દ પ્રેસમાં છપાયેલા ૭૨ પાનાંના આ પુસ્તકની કિંમત હતી એક રૂપિયો, એટલે કે એક હાથી પરના ટોલ ટેક્સ કરતાં પણ ઓછી! લેખિકાએ આખું પુસ્તક બે રંગમાં છપાવ્યું છે – દરેક પાને ઘેરા લાલ રંગની બોર્ડર છાપી છે. પુસ્તકને અંતે માથેરાનનો ખાસ્સો મોટો એવો નકશો ચોડેલો છે. 

પુસ્તકમાં જણાવ્યું છે કે માથેરાનની ટેકરીને સરકાર અને લોકોના ધ્યાન પર પહેલી વાર લાવનાર હતો તે વખતનો થાણાનો કલેકટર હ્યુ પોઈન્ઝ મેલેટ.૧૮૫૦માં ત્યાં પહેલો બંગલો પણ આ મેલેટે જ બાંધ્યો હતો, જે ‘ધ બાઈક’ તરીકે ઓળખાતો. વખત જતાં બંગલાઓ બાંધવા માટે કુલ ૬૫ અરજીઓ આવી હતી. મોટા ભાગના અરજદારો બ્રિટિશ હતા. ઉપરાંત સર જમશેદજી જીજીભાઈ, રૂસ્તમજી મેરવાનજી, હિરજી જહાંગીર, મંચેરજી જમશેદજી વગેરે ૧૨ પારસીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. યાદીમાં એક પણ હિંદુ ગુજરાતીનું નામ જોવા મળતું નથી. હા, વિનાયક ગંગાધર એ એક માત્ર મરાઠીભાષીનું નામ જોવા મળે છે.

આ પુસ્તક પ્રગટ થયું ત્યારે હજી નેરલ-માથેરાન ટ્રેન થઇ નહોતી. એટલે નેરળથી પગરસ્તે જ જવું પડતું. લેખિકાએ મુંબઈથી નેરલ (જેને તેઓ ‘નારેલ’ કહે છે) અને ત્યાંથી માથેરાન સુધીની મુસાફરીનું વર્ણન કર્યું છે. તે પછી માથેરાનનાં ઋતુઓ, ભૂગોળ, વગેરેની ટૂંકી માહિતી આપી છે. ત્યાર બાદ પેનોરામા, ગારબૂત, હાર્ત, એકો, વગેરે પોઇન્ટની માહિતી આપી છે. આ ઉપરાંત પાણીના ઝરા અને તળાવોનો પરિચય પણ આપ્યો છે. તેમણે એ વખતની બજારનું જે વર્ણન કર્યું છે તે પરથી જણાય છે કે બજારમાં કુલ દસ દુકાન હતી. બે ગાંધીની, બે શાકભાજીની, એક દરજીની, એક કન્દોઇની અને ત્રણ કરિયાણાની. ‘હોલ શોપ’ નામની એક ફિરંગી દુકાન પણ હતી. 

માથેરાનમાં જોવા મળતાં પશુપંખી, પેટે ચાલનારાં પ્રાણીઓ, વગેરે વિષે લખ્યા પછી લેખિકાએ હોટેલોની વાત કરી છે. આજે તો જ્યાં જુઓ ત્યાં નાની મોટી હોટેલો જ હોટેલો જ જોવા મળે છે. પણ એ વખતે માથેરાનમાં ફક્ત છ હોટેલ હતી : ગ્રેન્વિલ, પિન્ટો, રગબી, ક્લેરેન્ડન, વિક્ટોરિયા, અને આલ્બર્ટ વિક્ટર. તેમાંની પહેલી ચાર હોટેલ માત્ર અંગ્રેજો માટે હતી, ‘દેશી’ઓને માટે તેમાં પ્રવેશબંધી હતી. ‘દેશી’ઓ માટે ફક્ત બે જ હોટેલ હતી. તેમાં પણ વિક્ટોરિયા હોટેલ તો ફક્ત પારસીઓ માટે જ હતી. એટલે કે બિન-પારસી ‘દેશી’ઓ તો માત્ર એક જ હોટેલમાં ઉતરી શકતા – આલ્બર્ટ વિક્ટરમાં! અંગ્રેજો માટેની ચારે ચાર હોટેલમાં રોજનું ભાડું પાંચ રૂપિયા હતું, જેમાં ભોજનનો સમાવેશ થતો, પણ દારૂનો નહિ. જ્યારે વિક્ટોરિયા હોટેલનું ભાડું ત્રણ રૂપિયા હતું. શાપુરજી નવરોજીએ તે શરૂ કરેલી. ‘દેશી’ઓ માટેની એક માત્ર હોટેલનું ભાડું કેટલું હતું તે લેખિકાએ જણાવ્યું નથી. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સામે આવેલી લાયબ્રેરી અને જીમખાનાની વિગતો પણ પુસ્તકમાં આપી છે. અને છેલ્લે આપી છે એક મજાની વાત. ૧૮૯૦માં મુંબઈની મિસ્ટર બાલીવાલાની વિક્ટોરિયા નાટક મંડળી માથેરાન ગઈ હતી. ખાસ બાંધેલા તંબુમાં ત્રણ દિવસ સુધી નાટકના ખેલો થયા હતા. તેમાંથી જે કાંઈ આવક થઇ તે બધી બાલીવાલાએ માથેરાનને દાનમાં આપી દીધી હતી. એ રકમમાંથી દરેક પોઈન્ટ પર લોકોને બેસવા માટે એક-એક બાંકડો મૂકવામાં આવ્યો હતો. આજે એ બાંકડા ક્યા હશે? આજે આ લેખિકા માથેરાન જાય તો એમાંના કોઈ બાંકડા પર બેસી શકે? આજના માથેરાનને ઓળખી શકે? આજે ઘણું બદલાયું છે, પણ આ લખનારે પુસ્તકની જે નકલ જોઈ છે તેનું મૂળ અસલનું બાઈન્ડીંગ સચવાઈ રહ્યું છે. ભૂરા રંગના પાકા પૂંઠા પર ઉપર નીચે કાળા રંગમાં ફૂલ-વેલની ડિઝાઈન છાપી છે, અને વચમાં પુસ્તકનું અને લેખિકાનું નામ સોનેરી શાહી વડે છાપ્યું છે. આજે ૧૨૩ વર્ષ પછી પણ એ સોનેરી રંગ એવો ને એવો રહ્યો છે, જરા ય ઝાંખો પડ્યો નથી. હા, માથેરાનના રંગો ઘણા બદલાઈ ગયા છે, ઝાંખા પડી ગયા છે. 

XXX XXX XXX

20 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|20 May 2025

પ્રવીણભાઈ જે. પટેલ

હિંદુત્વવાદીએ સોક્રેટિસ સાથે કરેલ પહેલા સંવાદમાં તેણે ઐતિહાસિક કારણોસર આઝાદ ભારતમાં પ્રવર્તમાન હિન્દુ-મુસ્લિમ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બીજા સંવાદમાં તે દલીલ કરે છે કે ભારતની વધતી મુસ્લિમ વસ્તી હિન્દુ સમાજ માટે ખતરો છે. તદુપરાંત, તેણે ગૌમાંસનું સેવન, બહુપત્નીત્વ, લવ જેહાદ, ધાર્મિક પરિવર્તન અને વૈશ્વિક ઇસ્લામિક ઉગ્રવાદ જેવી બાબતો અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી. પરંતુ, ધીરજવાન અને તર્કસંગ સોક્રેટિસ ધ્યાનથી તેને સાંભળીને તેના ડરની વિવેચનાત્મક તપાસ કરવા માટે માર્ગદર્શન આપે છે. તે સોક્રેટિસના વિચારો સાથે સંમત તો થાય છે  પણ તેને લાગે છે કે સોક્રેટિસ એક ફિલસૂફ હોવાને કારણે વધુ પડતા આદર્શવાદી છે.

તેથી તે સોક્રેટિસને ત્રીજી વાર મળે છે  અને સોક્રેટિસને જણાવે છે કે ભારતમાં કાયમી કોમી એખલાસ માટે  મુસ્લિમોનું તુષ્ટિકરણ બંધ કરીને તેમને દાબમાં રાખવાની  જરૂરિયાત પર ભાર મૂકે છે. અને કહે છે કે ભારતમાં હિન્દુ સંસ્કૃતિની શ્રેષ્ઠતા પર ભાર મૂકવો જોઈએ. તેના જવાબમાં સોક્રેટિસ જણાવે છે કે જોર-જુલમથી સ્થિરતા નહીં, પણ રોષ પેદા થાય  છે. અને તેને સમજાવે છે કે ભેદભાવની નીતિઓથી  લોકશાહી નબળી પડે છે તથા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. વધુમાં, તેથી વિદેશમાં વસતા હિન્દુઓ સામે બદલો લેવાનું જોખમ ઊભું થાય છે. આખરે, હિંદુત્વવાદી સમજે છે કે સાચી દેશભક્તિ ન્યાય અને સમાવેશકતામાં રહેલી છે, વિભાજન અને અસહિષ્ણુતામાં નહીં. આમ શ્રેણીબદ્ધ પ્રશ્નો દ્વારા, સોક્રેટિસ તેને તેની કઠોર માન્યતાઓથી આગળ વધવા અને આવા જટિલ મુદ્દાઓ પર વધુ તાર્કિક અને સમાવિષ્ટ દૃષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરે છે.

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગની એક નયનરમ્ય વાટિકામાં સોક્રેટિસ એક ઘટાટોપ વૃક્ષ નીચે ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે. ત્યાં તેમના ચિર પરિચિત હિંદુત્વવાદી મિત્ર તેમને શોધતા શોધતા આવી ચઢે છે.  આવતાંની સાથે જ તેઓ સોક્રેટિસ સાથે વાતોએ વળગે છે.

હિન્દુત્વવાદી : સોક્રેટિસ, મેં આપણી અગાઉની ચર્ચાઓ પર વિચાર કર્યો. તમારી દલીલો સચોટ હોવા છતાં, મને લાગે છે કે તમારા જેવા ફિલસૂફો ખૂબ આદર્શવાદી હોય છે.

સોક્રેટિસ : તમે સાચા છો, મારા મિત્ર. અમે આદર્શવાદી છીએ માટે ફિલોસોફર છીએ. પરંતુ મને કહો કે આદર્શવાદ વિશે તમારી શું પરેશાની છે?

હિન્દુત્વવાદી : મને લાગે છે કે વિભાજન પછી અમે હિંદુઓ આઝાદ ભારતમાં  મુસ્લિમો પ્રત્યે ખૂબ નરમ હતા અને અમે તેમનું ખૂબ તુષ્ટિકરણ કર્યું. પરંતુ તેમણે તેમની અવળચંડાઈ છોડી નહીં. કહે છે ને કે ‘દયાની માને ડાકણ ખાય’. શાંતિથી રહેવાને બદલે તેઓએ અમારી ઉદારતાનો લાભ લીધો અને તેમનું તોફાન ચાલુ રાખ્યું. હમણાં છેલ્લા થોડા સમયથી અમને અમારી મૂર્ખાઈનો અહેસાસ થયો છે. અમે હવે મુસ્લિમોને તેમની ઓકાત બતાવી દેવા માગીએ છીએ.

સોક્રેટિસ : એટલે? તમે શું કહેવા માગો છો તે મને સમજાયું નહીં.

હિન્દુત્વવાદી : સોક્રેટિસ! ભારતના મુસલમાનોએ જાણવાની જરૂર છે કે ભારતમાં અમે હિન્દુઓ બહુમતીમાં છીએ, અને અમે તેમને અમારા પર વર્ચસ્વ જમાવવા નહીં દઈએ. અમે એવી નીતિઓ લાગુ કરવા માંડી છે કે તેઓ કાબૂમાં રહે. જેથી દેશમાં શાંતિ રહે.

સોક્રેટિસ : વાહ! શાંતિની વાત તો બહુ સરસ. તમે મને કહો કે તમારા દેશમાં શાંતિ કેવી રીતે સ્થાપવા માંગો છો?

હિન્દુત્વવાદી : મુસલમાનોને તેમની ઓકાત બતાવી દઈને. ઉઘાડે છોક ‘કાણાને કાણો’ કહીને.  અને અમારી હિન્દુ સંસ્કૃતિ જ શ્રેષ્ઠ છે તે બતાવીને.

સોક્રેટિસ : જો હું તમને બરાબર સમજ્યો હોઉં તો એનો અર્થ એ થાય કે તમે મુસલમાનોને દાબી દઈને, જાહેરમાં ધિક્કારીને, અને તમારી હિંદુ સંસ્કૃતિની મહાનતા સાબિત કરીને તાબે કરવા માંગો છો. બરાબર?

હિન્દુત્વવાદી : હા, બિલકુલ બરાબર.

સોક્રેટિસ : (ભમર ઊંચી કરીને) આ તો એક આત્યંતિક યોજના છે. પરંતુ તમે તો જાણો છો કે મારા મત પ્રમાણે અવિચારી જીવન જીવવાલાયક નથી (An unexamined life is not worth living). તેથી ચાલો આપણે તમારી આ યોજના પર વિચાર કરીએ. તમે એમ સૂચવો છો કે તમારી મુસલમાનો પ્રત્યેની અસહિષ્ણુતા તેમને વશ કરવામાં કારગત થશે. તમે આ અંગે કેવા પ્રકારની યોજનાઓ વિચારી છે?

હિન્દુત્વવાદી : અમે મક્કમપણે માનીએ છીએ કે તેમને દાબમાં રાખવાની જરૂર છે. બહુ થયું તેમનું તુષ્ટિકરણ. અમારા વિકસિત ભારતમાં તેમને બહુ લાડ લડાવવાની જરૂર નથી, વધારે પડતું મહત્ત્વ આપવાની જરૂર નથી.

સોક્રેટિસ : હં. વધારે પડતું તુષ્ટિકરણ નુકસાનકારક હોઈ શકે છે. પણ તમે મને કહો, જો તમે મુસ્લિમોને દબાવી દેશો તો શું તે તેઓ તમારા પ્રતિ વધુ વફાદાર બનશે? કે  તેમની નારાજગીને કારણે તેઓ તમારાથી વિમુખ થશે? જ્યારે લોકોને લાગે કે તેમની સાથે ઓરમાયું વર્તન થાય છે ત્યારે શું થાય?

હિન્દુત્વવાદી : (અનિચ્છાએ) તેઓ કદાચ પ્રતિકાર પણ કરે. કદાચ થોડું ઘણું તોફાન કરે. પણ તેથી શું?

અમે બહુમતીમાં છીએ. તેમને પહોંચી વળીશું.

સોક્રેટિસ : તો શું આવો તોફાનોવાળો સમાજ બનાવવો એ સમજદારીની વાત છે? શું આવા પ્રતિકારથી  તમારો દેશ વધુ સુરક્ષિત બનશે કે વધુ અસ્થિર?

હિન્દુત્વવાદી : (રક્ષણાત્મક) પરંતુ અમે તેમને કાબૂમાં નહીં રાખીએ, તો તેઓ અમારા પર ચડી બેસશે. તમે આ કોમને ઓળખતા નથી.

સોક્રેટિસ : મારા મિત્ર, શું તમે ક્યારે ય એવી આગ જોઈ છે જે બળતણ ઉમેરવાથી ઓલવાતી હોય ?

હિન્દુત્વવાદી : તમે કેવી વાત કરો છો, સોક્રેટિસ? બળતણ ઉમેરવાથી તો આગ વધુ  ભડકે.

સોક્રેટિસ : બરાબર. ભેદભાવની નીતિ અપનાવવી એટલે રોષની આગમાં ઘી નાખવું. જો તમારે સંવાદિતા જોઈતી હોય તો પક્ષપાતી નીતિ ન અપનાવવી જોઈએ, આગમાં ઈંધણ ન ઉમેરવું જોઈએ. ઊલટાનું આગને ઠંડી પાડવી જોઈએ. તમારા સમાજમાં તેમને બરાબરની તકો આપવાથી તેમનો અસંતોષ ઓછો થશે અને તેઓ માનશે કે તમામ દેશવાસીઓનું ભવિષ્ય સહિયારું છે. દરેક સમાજમાં ન્યાય જરૂરી હોય છે. ન્યાય સમાજને બાંધે છે, અને અન્યાય સમાજને તોડે છે. કારણ કે, લોકો અનંત કાળ સુધી અન્યાય સહન કરી શકતા નથી. શું તમે મુસલમાનો સાથે અન્યાય કરીને તમારા દેશને નબળો પાડવા માંગો છો?

હિન્દુત્વવાદી : (માથું હલાવીને) ના, અમારો દેશ તો મજબૂત હોવો જોઈએ.

સોક્રેટિસ : મિત્ર, ઇતિહાસ આપણને શીખવે છે કે સાચી તાકાત બીજા ઉપર ધાક જમાવવામાં નહીં પણ સહકારમાં છે. બાદબાકીથી નહીં પણ સરવાળાથી રકમ વધે છે. તમે જે માર્ગે ચાલવા માંગો છો તે તો સંઘર્ષ અને અસ્થિરતા તરફ દોરી જશે. શું ન્યાય, સમજણ, સમાનતા, અને પરસ્પર આદર વધારવામાં વધુ બુદ્ધિમાની નથી?

હિન્દુત્વવાદી : (ઊંડું ચિંતન કરતાં) હું તમારી વાત સમજું છું, સોક્રેટિસ.

સોક્રેટિસ : ચાલો, હવે આપણે તમારા બીજા અભિગમ વિષે વિચારીએ. તમે મુસલમાનોને સાચી વાત કહેવાની વાત કરતા હતા, બરાબર?

હિન્દુત્વવાદી : હા, અમારે જે સાચું છે તે તડ અને ફડ કહી દેવું જોઈએ. જે સાચું છે તે કહેવામાં શરમાવાનું શું? બધાએ મુસ્લિમો વિશે સત્ય જાણવાની જરૂર છે.

સોક્રેટિસ : અને તમારા મત પ્રમાણે ‘સત્ય’ એટલે બધા મુસ્લિમો ખતરનાક છે?

હિન્દુત્વવાદી : હા. સહુએ જાણવું જોઈએ કે તેઓ કેટલા જોખમી છે. એમને અમારા હિન્દુ રાષ્ટ્રમાં ભળી જવાને બદલે એમની અલગ પહેચાન બનાવી રાખવી છે. પેલા આરબના ઊંટની માફક તંબુમાં પેસીને અમને બહાર કાઢવા છે. પેટમાં પેસીને પગ પહોળા કરવા છે. હિજાબ; દાઢી; બીફ; તીન તલાક; ચાર પત્નીઓ; હમ પાંચ, હમારે પચીસ!

સોક્રેટિસ : ઓહો … હો … હો! આટલો બધો ધિક્કાર? પણ તમે જાણો છો કે જ્યારે તમે ધિક્કારભરી ભાષા વાપરો ત્યારે શું થાય છે? શું તે સમજણ અને શાંતિ તરફ દોરી જાય છે, કે સામાવાળામાં ગુસ્સો પેદા કરે છે?

હિન્દુત્વવાદી : (નિસાસો નાખતાં) કદાચ ગુસ્સો પેદા કરે. પણ તેથી શું?

સોક્રેટિસ : નફરત ફેલાવવાથી ઝગડા વધશે, ઓછા નહીં થાય. શું તે ખરેખર તમારા લોકોના હિતમાં છે?

હિન્દુત્વવાદી : વિચારમાં પડી જાય છે.

સોક્રેટિસ : હવે, ચાલો હિન્દુઓની ધાર્મિક શ્રેષ્ઠતાનો પ્રચાર કરવાની તમારી ત્રીજી યોજના પર વિચાર કરીએ. શું તમે માનો છો કે હિંદુ ધર્મની શ્રેષ્ઠતાની જોરશોરથી જાહેરાત કરવાથી ફાયદો થશે?

હિન્દુત્વવાદી : હા! અમારી હિન્દુ સંસ્કૃતિ સૌથી જૂની અને સૌથી પ્રબુદ્ધ સંસ્કૃતિ છે. અને અમારે બતાવવાની જરૂર છે કે અમારો પંથ સૌથી સારો છે.

સોક્રેટિસ : પણ મને કહો, શું તમારી સંસ્કૃતિ ખરેખર મહાન હોય તો તેનો ઢંઢેરો પીટવાની શી જરૂર? શું ફૂલની સુવાસ આપોઆપ ફેલાય છે કે ફૂલને કહેવું પડે છે કે જુઓ મારી સુગંધ કેટલી સરસ છે? અને બીજું, જ્યારે તમે આ રીતે તમારા ધર્મની બડાઈ કરીને બીજા ધર્મના લોકોને નીચા બતાવવાની કોશિશ કરો ત્યારે શું તેઓ તમારી વાત સ્વીકારશે કે પછી  તેઓ તેમની પોતાની ઓળખને વધુ ચુસ્તપણે વળગી રહેવાની  જીદ કરશે?

હિન્દુત્વવાદી : કદાચ, તેઓ પોતાની અલગ ઓળખ જાળવી રાખવાની જીદ કરે. પણ તેથી શું?

સોક્રેટિસ : તમારી  શ્રેષ્ઠતાનો દાવો કરીને તમે વિભાજનને વધુ ઊંડું કરો છો. અને જો તમારો ધ્યેય વધુ શક્તિશાળી રાષ્ટ્ર બનવાનો હોય તો તમારે સમાજનાં જુદાં જુદાં અંગોને જોડતો સેતુ બનાવવો જોઈએ કે તેમની વચ્ચે ખાઈ બનાવવી જોઈએ?

હિન્દુત્વવાદી : (અનિચ્છાએ) સેતુ. પરંતુ, સોક્રેટિસ તમને નથી લાગતું કે જે રાષ્ટ્રની એક જ સંસ્કૃતિ હોય, એક જ ઓળખ હોય, તો તે વધુ મજબૂત બને છે?

સોક્રેટિસ : આ એક વિચિત્ર વિચાર છે. મને કહો, શું માત્ર એક જ સ્વરને વળગી રહેવાથી સંગીતની સુરાવલી મધુર બને છે કે પછી સુરાવલીમાં અનેક સ્વરોનો સુમેળભર્યો તાલમેલ હોય ત્યારે તે વધુ કર્ણપ્રિય અને મનમોહક બને છે?

હિન્દુત્વવાદી : (નિષ્ઠાપૂર્વક) સ્વરોની વિવિધતા સુરાવલીને વધુ મધુર બનાવે છે.

સોક્રેટિસ : ખરેખર. ભારત સદૈવ વિવિધતાની ભૂમિ રહી છે. ભારતમાં સહસ્રાબ્દીઓથી  વિવિધ ભાષાઓ, રીતરિવાજો, અને આસ્થાઓ સાથે રહે છે. શું આ વિવિધતા જ ભારતની આગવી પહેચાન નથી?

હિન્દુત્વવાદી : પણ, સોક્રેટિસ, વધુ પડતા તફાવતો સંઘર્ષનું કારણ બને છે!

સોક્રેટિસ : હા. પણ ક્યારે? જ્યારે આપણા પૂર્વગ્રહોને કારણે આપણે ડર અનુભવીએ છીએ ત્યારે. જ્યારે બધા લોકો સાથે ન્યાયી અને ઉચિત વર્તન કરવામાં આવે છે ત્યારે તેઓમાં આત્મગૌરવની અને આપણાપણાની ભાવના જાગે છે. અને, ત્યારે તેઓ સમાજની પ્રગતિમાં ફાળો આપે છે. પરંતુ જ્યારે તેઓ પર દમન કરવામાં આવે છે, ત્યારે તેમનામાં રોષ વધે છે, જે તેઓ છૂપી રીતે કે જાહેરમાં વ્યક્ત કરે છે. તેથી ક્યારેક ઘર્ષણ પણ થઈ શકે અને બળવો પણ થઈ શકે. મને કહો, તમે શાંતિ ઇચ્છો છો કે કાયમી ઝઘડા?

હિન્દુત્વવાદી : અમને શાંતિ ખપે છે પણ અમારી સંસ્કૃતિના ભોગે નહીં.

સોક્રેટિસ : શું હિન્દુ ધર્મ સર્વસમાવેશક નથી? શું તે ન્યાય અને સહિષ્ણુતા શીખવતો નથી? જો તમે આ સિદ્ધાંતોને છોડી દો, તો તમારી સંસ્કૃતિમાં શું બચે?

હિન્દુત્વવાદી : (નિરાશ થઈને) સોક્રેટિસ! હું તો ફક્ત અમારા લોકોની અને અમારી સંસ્કૃતિની સુરક્ષાની વાત કરું છું.

સોક્રેટિસ : અને તમારા લોકોનું રક્ષણ કરવાનો અર્થ એ થાય છે કે તમારા સમાજને જોડી  રાખતા સિદ્ધાંતોનું રક્ષણ ન કરવું? ભલા માણસ, ભેદભાવ આ સિદ્ધાંતોને નબળા પાડે છે. તે તમારી સંસ્કૃતિનું રક્ષણ નહીં પણ ભક્ષણ કરશે, વહેલા-મોડા અરાજકતા તરફ દોરી જશે. શું તમે નિરંતર શાંતિ અને સંવાદિતાને બદલે સતત ભય અને ઝગડા ઇચ્છો છો?

હિન્દુત્વવાદી : (નિસાસો નાખતાં) અલબત્ત, શાંતિ અને  સંવાદિતા ઇચ્છનીય છે.

સોક્રેટિસ : તો પછી યાદ રાખો, સાચું ગૌરવ બધા સાથે ન્યાયી વર્તન કરવામાં છે, વહાલાં-દવલાંની નીતિમાં નહીં. તમારે તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે તેમના કલ્યાણમાં જ તમારા સૌનું કલ્યાણ છે.

હિન્દુત્વવાદી : (ઊંડે ઊંડે ચિંતન કરતાં) કદાચ મુસલમાનો પ્રત્યેની મારી ખીજમાં હું અવિચારી બની ગયો હતો. વિશાળ સામાજિક હિતને જોવાનું ચૂકી ગયો હતો.

સોક્રેટિસ : સાચી વાત છે, મિત્ર. અવિચારી રોષ આપણને વિવેકશૂન્ય બનાવે છે. પરંતુ સારા-નરસાનો વિચાર, ડહાપણ, અને ચિંતન આપણને સાચા અને ન્યાયના માર્ગ પર પાછા લઈ આવે છે. સાચી દેશભક્તિ કોઈને દબાવવામાં નથી, પરંતુ દરેક વ્યક્તિ વિકાસ કરી શકે તેવા સમાજના નિર્માણમાં છે.

હિન્દુત્વવાદી : (ધીમેથી માથું હલાવતાં) કદાચ તમે સાચા છો, સોક્રેટિસ. કદાચ ભારતનું સાચું રક્ષણ કરવા વાસ્તે અમારે અમારા રાષ્ટ્રની અંદર રહેનાર દરેક વ્યક્તિનું રક્ષણ કરવું જરૂરી છે. કદાચ મારી વિચારવાની રીત બરાબર નહોતી એમ હવે મને લાગે છે. તમારી વાત સાચી લાગે છે — સાચી  તાકાત એકતામાં છે, વિભાજનમાં નહીં.

સોક્રેટિસ : બિલકુલ. જે સમાજમાં બધા લોકો એકબીજાને આદર આપે છે તે એક સારી રીતે ફીટ કરાયેલા પથ્થરોની બનેલી મજબૂત દીવાલ જેવો છે. ભેદભાવ, નફરત, અને બીજાને નીચા બતાવવાથી સમાજમાં તિરાડો પડે છે, સમાજનું બંધારણ નબળું પડે છે. તો શું આપણે આ તિરાડોને ઊંડી કરવાને બદલે સાંધવાનું કામ ન કરવું જોઈએ?

હિન્દુત્વવાદી : હા, સોક્રેટિસ. એવું લાગે છે કે મારે આ અંગે વધુ વિચારવાની જરૂર છે.

સોક્રેટિસ : એટલે તો હું કહું છું કે, અવિચારી જીવન જીવવા લાયક નથી. ચાલો, તમારી ભેદભાવ, નફરત, અને હિંદુ શ્રેષ્ઠતાના પ્રચારની નીતિઓ વિષે વધુ વિચાર કરીએ. ભારત એક લોકશાહી રાષ્ટ્ર હોવાનો તમને ગર્વ છે?

હિન્દુત્વવાદી : હા, ભારત ભૂમિ લોકશાહીની જનેતા છે. અને અમારો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે તેનું અમને ગૌરવ છે.

સોક્રેટિસ : એવું તો શું છે જે ભારતને લોકશાહી દેશ બનાવે છે, મારા મિત્ર?

હિન્દુત્વવાદી : (વિચારીને) મુક્ત ચૂંટણીઓ, ન્યાય અને કાયદાનું શાસન, અને તમામ નાગરિકો માટે સમાન અધિકાર.

સોક્રેટિસ : બરાબર! માત્ર ચૂંટણીઓ જ નહીં,  પણ ન્યાય અને કાયદાનું શાસન તથા નાગરિક અધિકારો લોકશાહી વ્યવસ્થાનો પ્રાણ છે. અને આ અધિકારો કોને લાગુ પડે છે? માત્ર ચોક્કસ જૂથોને કે દરેક નાગરિકને?

હિન્દુત્વવાદી : સિદ્ધાંતમાં તો દરેકને….

સોક્રેટિસ : માત્ર સિદ્ધાંતમાં જ નહીં, પરંતુ વ્યવહારમાં પણ. જ્યારે કોઈ રાષ્ટ્ર તેના તમામ નાગરિકોને સમાન અધિકારોનું વચન આપે છે પણ વાસ્તવમાં કોઈ ચોક્કસ જૂથને તે અધિકારોથી વંચિત રાખે છે, ત્યારે તે સિસ્ટમમાં લોકોના વિશ્વાસનું શું થાય?

હિન્દુત્વવાદી : (નિષ્ઠાપૂર્વક) તેઓ તેમાં વિશ્વાસ ગુમાવી દે.

સોક્રેટિસ : બરાબર. અને જ્યારે લોકશાહીમાં વિશ્વાસ ઊઠી જાય તો આગળ શું થાય?

હિન્દુત્વવાદી : કદાચ, અરાજકતા અને અંધાધૂંધી.

સોક્રેટિસ : અલબત્ત. ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે કોઈ સમાજ તેની વસ્તીના એક વર્ગ સાથે ભેદભાવ અને જુલમ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે એક ખતરનાક દાખલો બેસાડે છે. આજે કોઈ એક જૂથ અન્યાયનો ભોગ બને તો કદાચ આવતી કાલે બીજા કોઈ જૂથનો વારો આવી શકે છે. શું તમે એવી અંધાધૂંધી ભરી વ્યવસ્થા ઇચ્છો છો?

હિન્દુત્વવાદી : ના, એવું તો કોણ ઇચ્છે ?

સોક્રેટિસ : વધુમાં, મુસ્લિમો સાથે ભેદભાવ કરવાથી તમારા ભારતના બંધારણમાં જેની તમામ નાગરિકોને ખાતરી આપવામાં આવી છે તેવા માનવઅધિકારોનું ઉલ્લંઘન થશે. માનવઅધિકાર એ કોઈ પણ ન્યાયી સમાજનો પાયો છે. તે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ જાતિ, ધર્મ, કે આર્થિક પૃષ્ઠભૂમિની ચિંતા કર્યા વિના, સન્માન સાથે જીવે.

હિન્દુત્વવાદી : (ખચકાતાં) પણ તેથી શું?

સોક્રેટિસ : તમારા દેશના કોઈ એક સમુદાયને વશ કરવા તેની સાથે ભેદભાવ કરીને, શું તમે લોકશાહી મૂલ્યો પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા નબળી પાડતા નથી ? જ્યારે તમે મુસ્લિમો સાથે ભેદભાવ કરો છો, ત્યારે શું તમે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોનો ભંગ નથી કરતા? શું તેથી માનવાધિકારોનો ભંગ નથી થતો? અને જો આ સિદ્ધાંતો છોડી દેવામાં આવે, તો શું ભારત લોકશાહી રાષ્ટ્ર કહેવાશે?

હિન્દુત્વવાદી : પણ સોક્રેટિસ અમારા ભારતમાં વધારે પડતી લોકશાહી છે, લોકશાહીનો અતિરેક થઈ ગયો છે. અને કેટલાક લોકો  તેનો દુરુપયોગ કરે છે.

સોક્રેટિસ : ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર રાષ્ટ્રની એકતાનું રહસ્ય શું છે?

હિન્દુત્વવાદી : (વિચારીને) અમારાં સહિયારાં મૂલ્યો.

સોક્રેટિસ : બરાબર. કાયદાનું શાસન, ન્યાય, સ્વતંત્રતા, અને સમાનતા જેવાં મૂલ્યો. પણ જો કોઈ એક જૂથ સાથે ભેદભાવ કે અન્યાય થાય તો શું તે એકતાની ભાવના લાંબા સમય સુધી ટકી રહેશે? બીજો ભય પણ છે. જ્યારે તમે કોઈક જૂથના અધિકારોનું ઉલ્લંઘન કરો છો, ત્યારે સિસ્ટમમાં તેમના વિશ્વાસને ઘટાડો છો. અને જ્યારે લોકો વિશ્વાસ ગુમાવે છે, ત્યારે તેઓ શું કરે ?

હિન્દુત્વવાદી : (અનિચ્છાએ) તેઓ લડાઈ-ઝગડા કરે … ક્યારેક હિંસક પણ બને.

સોક્રેટિસ : બરાબર. તેમના અધિકારોનું ઉલ્લંઘન કરીને, તમે રોષ, ગુસ્સો અને બદલો લેવાનું ચક્ર ચલાવો છો. શાંતિ અને પ્રગતિને બદલે તમે સંઘર્ષનાં બીજ વાવો છો. શું તમે ભારત માટે આવું ભવિષ્ય ઇચ્છો છો?

હિન્દુત્વવાદી : (માથું હલાવીને) ના, અમારે શાંતિપૂર્ણ, સમૃદ્ધ રાષ્ટ્ર જોઈએ છે. અમે વિશ્વ ગુરુ બનવા માગીએ છીએ!

સોક્રેટિસ : વળી, મુસ્લિમો સહિત તમામ સમુદાયોના વૈજ્ઞાનિકો, કલાકારો, કારીગરો, શિક્ષકો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોનો વિચાર કરો. શું તેમનું પ્રદાન મૂલ્યવાન નથી? મુસ્લિમોને હાંસિયામાં ધકેલીને, તમે ભારતને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વિવિધતાથી વંચિત કરો છો. શું તે કિંમત ચૂકવવા જેવી છે?

હિન્દુત્વવાદી : (નિસાસો નાખતાં) સોક્રેટિસ તમે બહુ અટપટી વાતો કરો છો. પણ તમારી વાતો વિચારવા જેવી લાગે છે. કદાચ મજબૂત ભારતનો પાયો અમારી એકતામાં રહેલો છે, ભાગલામાં નહીં.

સોક્રેટિસ : તો પછી યાદ રાખો, મારા મિત્ર, સાચી તાકાત સમાનતા, ન્યાય, માનવાધિકાર, અને બિનસાંપ્રદાયિકતા જેવા લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવામાં છે. જ્યારે આ સિદ્ધાંતો સાથે ચેડાં થાય છે ત્યારે રાષ્ટ્રનો પાયો આપોઆપ નબળો પડે છે. જે રાષ્ટ્ર તેના તમામ નાગરિકોને સમાન ગણે છે તે મજબૂત બને છે. અને જે દેશ પોતાના લોકોને દબાવવા માંગે છે તે વહેલો કે મોડો અંદરથી ખોખલો થઈ જાય છે.

હિન્દુત્વવાદી : (ધીમેથી માથું હલાવતાં) તમે મને અમારી ભેદભાવની નીતિઓ ઉપર વિચારવા માટે મજબૂર કર્યો છે. કદાચ સાચી દેશભક્તિનો અર્થ એ છે કે દરેકના અધિકારોનું રક્ષણ કરવું.

સોક્રેટિસ : બરાબર. હવે તમે મને કહો, વિશ્વની નજરમાં ભારતને શાથી આદર આપવામાં આવે છે?

હિન્દુત્વવાદી : (આત્મવિશ્વાસથી) તેનું કદ, તેની સંસ્કૃતિ, તેની સભ્યતા.

સોક્રેટિસ : હા, અને લોકશાહી તથા બિનસાંપ્રદાયિકતા માટેની તેની પ્રતિબદ્ધતાને કારણે પણ શું તેને વૈશ્વિક સમુદાયમાં સન્માન નથી મળતું ?

હિન્દુત્વવાદી : (માથું હલાવતાં) હા, લોકો વારંવાર કહે છે કે ભારતમાં લોકશાહી મજબૂત છે.

સોક્રેટિસ : બરાબર. હવે, જો ભારતને લોકશાહી રાષ્ટ્ર હોવાનો ગર્વ છે, તો તે આ અધિકારોનું જ્યારે ઉલ્લંઘન કરે છે ત્યારે તે વિશ્વને શું સંદેશ આપે છે? તેવી પરિસ્થિતિમાં તમારા ભારતની પ્રતિષ્ઠાનું શું થશે?

હિન્દુત્વવાદી : (ખચકાતાં) કદાચ તેથી અમારું સન્માન થોડું ઓછું થશે. પણ અમારું ગૌરવ મહત્ત્વનું છે! આમારે વિદેશી દબાણ સામે ઝૂકવું જોઈએ નહીં.

સોક્રેટિસ : આહ, ગૌરવ! શું પોતાની ભૂલો ન  સુધારવી કે કોઈને અન્યાય કરવો એ ગૌરવની વાત છે? તમે મને કહો, જ્યારે કોઈ રાષ્ટ્ર તેના પોતાના લોકો પર જુલમ કરવા માટે જાણીતું હોય ત્યારે તેની પ્રતિષ્ઠાનું શું થાય છે?

હિન્દુત્વવાદી : અન્ય રાષ્ટ્રો અમારી ટીકા કરી શકે છે.

સોક્રેટિસ : શું આંતરરાષ્ટ્રીય સ્તરે આદર ગુમાવવો તમારા દેશને પરવડે?

હિન્દુત્વવાદી : પરંતુ બીજા દેશો શું વિચારે છે તેની અમારે શા માટે ચિંતા કરવી જોઈએ?  ભારત એક મહાન રાષ્ટ્ર છે – અમે અમારા પોતાના દમ પર ઊભા રહી શકીએ છીએ. વિદેશીઓ અમારા વિષે શું વિચારે છે તેની સાડાબારી કરવાની જરૂરત જ કેમ હોવી જોઈએ?

સોક્રેટિસ : આ એક રસપ્રદ મુદ્દો છે, મારા મિત્ર. તમે મને કહો, શું તમે એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ એકલતામાં રહી શકો છો કે પછી તમારા અડોશી-પડોશી, કુટુંબ, સગાં-સંબંધીઓ અને વિશાળ સમુદાય પર તમારે આધાર રાખવો પડે છે?

હિન્દુત્વવાદી : અલબત્ત, સમાજમાં તો રહેવું પડે ને ? કોઈ એકલું કેવી રીતે જીવી શકે?

સોક્રેટિસ : બરાબર. અને જો તમારા પડોશીઓ તમારા પ્રતિ અણગમો કે અવિશ્વાસ વ્યક્ત કરે તો શું થાય? શું તમે  શાંતિથી જીવી શકશો?

હિન્દુત્વવાદી : ના. તેથી તો જીવન કઠિન બની જાય.

સોક્રેટિસ : રાષ્ટ્રોનું પણ એવું જ છે. કોઈ પણ રાષ્ટ્ર બીજાં રાષ્ટ્રોથી અલગ ન રહી શકે. દરેક રાષ્ટ્ર પોતાની કેટલીક જરૂરિયાતો માટે અન્ય દેશો પર આધાર રાખે છે. જો ભારત વિશ્વનો આદર અને વિશ્વાસ ગુમાવી દે તો તે કેવી રીતે વિકાસ કરી શકશે કે તેનાં હિતોનું રક્ષણ કરી શકશે?

હિન્દુત્વવાદી :  પણ અમે મજબૂત છીએ. અમારી પાસે વિશાળ વસ્તી, પુષ્કળ સંસાધનો, અને મજબૂત સૈન્ય છે. અમે આત્મનિર્ભર બનવા માગીએ છીએ. અમને કોઈની મદદની જરૂર નથી. અમે અમારા પોતાના દમ પર ટકી શકીએ એમ છીએ.

સોક્રેટિસ : હા, કોઈ પણ રાષ્ટ્રે પોતે બને તેટલા આત્મનિર્ભર થવું જોઈએ, તે ખરેખર એક ઉમદા વિચાર છે. પરંતુ શું સાચી તાકાત એકલતામાં જોવા મળે છે કે સહકારમાં?

હિન્દુત્વવાદી : (દૃઢપણે) આત્મનિર્ભરતામાં. અમારે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી.

સોક્રેટિસ : તો જરા વિચારો. ભારત માલની નિકાસ કરે છે, સંસાધનોની આયાત કરે છે અને ટેકનોલોજી, દવા વગેરેના વેપાર અને વાણિજ્યમાં ભાગ લે છે. જો અન્ય રાષ્ટ્રો ભારતમાં કરેલું તેમનું રોકાણ પાછું ખેંચી લે, તમારી સાથે વેપાર કરવાનો ઇન્‌કાર કરે, કે માનવાધિકારના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધો લાદે તો શું તમને નુકસાન નહીં થાય?

હિન્દુત્વવાદી : (ખચકાતાં) હા, અમારી અર્થવ્યવસ્થાને કદાચ અસર થઈ શકે છે.

સોક્રેટિસ : વધુમાં, સમગ્ર વિશ્વમાં ભારતીય આપ્રવાસીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. જો ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થાય, તો શું વિદેશમાં વસતા ભારતીયો પર તેની અસર ન થઈ શકે?  વિદેશમાં કામ કરતા લાખો ભારતીયો જે તેમના પરિવારોને અબજો રૂપિયા મોકલે છે તેનું શું? જો અન્ય દેશો ભારતને અન્યાયી ગણીને આ કામદારો સાથે દુર્વ્યવહાર કરે કે હાંકી કાઢે તો શું થાય?

હિન્દુત્વવાદી : આ તો અન્યાય કહેવાય.

સોક્રેટિસ : ખરેખર. પરંતુ શું તે તમારી પોતાની નીતિઓનું પરિણામ નહીં હોય? જ્યારે આપણે આપણી સરહદોની અંદર કોઈ એક જૂથ સાથે દુર્વ્યવહાર કરીએ છીએ, ત્યારે આપણે અન્યત્ર આપણા લોકો માટે ન્યાયી વ્યવહારની માંગ કરી શકતા નથી. બધાં સાથે ન્યાયી વ્યવહાર કરવાથી જ સાચી તાકાત અને આદર મળે છે. મુસ્લિમો સહિત તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું, એ માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને મજબૂત બનાવે છે. અને જે રાષ્ટ્ર માનવઅધિકારોનું સન્માન કરે છે તેની વિશ્વમાં પ્રશંસા થાય છે. ભેદભાવ અને ધિક્કાર માત્ર વિભાજન, દુ:ખ, અને પતન તરફ દોરી જાય છે.

હિન્દુત્વવાદી : (ઊંડે ઊંડે ચિંતન કરતાં) મેં તેના વિશે આવું વિચાર્યું ન હતું. કદાચ મારા ગુસ્સાએ મને આંધળો કરી દીધો હતો. કદાચ સાચી દેશભક્તિનો અર્થ દરેક માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, માત્ર કેટલાક માટે નહીં.

સોક્રેટિસ : ખરેખર. અને વૈશ્વિક આદર એ માત્ર ગૌરવની બાબત નથી; તે પ્રભાવની બાબત પણ છે. શું તમે માનો છો કે વૈશ્વિક બાબતોમાં ભારતનો અવાજ મજબૂત હોવો જોઈએ?

હિન્દુત્વવાદી : અલબત્ત! અમે  વિશ્વ ગુરુ બનવા માગીએ છીએ!

સોક્રેટિસ : બરાબર. જો ભારતને પોતાના નાગરિકો સાથે ભેદભાવ કરતા રાષ્ટ્ર તરીકે જોવામાં આવે તો વિશ્વના મંચ પર તેનો પ્રભાવ ઘટે કે વધે? અને તે અન્ય દેશોમાં થતા માનવાધિકારના ઉલ્લંઘનની નિંદા કેવી રીતે કરી શકે જો તે પોતે જ દોષિત હોય તો ?

હિન્દુત્વવાદી : (ધીમેથી માથું હલાવતાં) તેનાથી અમારી સ્થિતિ નબળી પડે.

સોક્રેટિસ : બરાબર. હજુ પણ એક અગત્યની બાબત છે જેની ચર્ચા પ્રસંગોચિત છે. અને તે  છે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં લઘુમતી તરીકે રહેતા હિન્દુઓ પર આ નીતિઓની અસરો. શું તમે વિચાર્યું છે કે તેઓ કેવી રીતે અસર કરી શકે છે?

હિન્દુત્વવાદી : સોક્રેટિસ, તમારો મતલબ શું છે?

સોક્રેટિસ : જો ભારત તેના મુસ્લિમ નાગરિકો સાથે ભેદભાવ કરે, તો શું મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પ્રતિક્રિયા કરવા  માટે લલચાશે નહીં?

હિન્દુત્વવાદી : તમારો મતલબ છે કે તેઓ ત્યાં રહેતા હિન્દુઓને નિશાન બનાવી શકે છે?

સોક્રેટિસ : ચોક્કસ. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને કેટલાંક આરબ રાષ્ટ્રો જેવા દેશોમાં રહેતા હિન્દુઓનો વિચાર કરો. જો ભારત મુસ્લિમો પર જુલમ કરતી નીતિઓ અપનાવે, તો શું તમને નથી લાગતું કે તે રાષ્ટ્રો તેમની હિંદુ લઘુમતીઓ પર જુલમ કરવા લલચાશે અને  તેને વાજબી ઠેરવશે?

હિન્દુત્વવાદી : (ચિંતિત) તે શક્ય છે. પરંતુ તેઓએ બધા લોકોના અધિકારોનું સન્માન ન કરવું જોઈએ?

સોક્રેટિસ : હા. સૈદ્ધાંતિક રીતે તેઓ તેમ કરવા બંધાયેલા છે. પરંતુ, અભિમાન અને પ્રતિશોધ એ માનવસ્વભાવનું લક્ષણ છે. ભારતના મુસલમાનો સાથેના તમારા પોતાના વ્યવહારોથી તમે તેમને તેમના દેશોમાં વસતા હિંદુઓ સાથે દુર્વ્યવહાર કરવાનું કારણ નથી આપતા? શું આ મૂર્ખતા નથી?

હિન્દુત્વવાદી : મુસ્લિમ બહુમતી વાળા દેશોમાં રહેતા હિન્દુઓને નુકસાન થશે તે વિશે મેં વિચાર્યું ન હતું …

સોક્રેટિસ : ચાલો, એક સરળ સિદ્ધાંત પર વિચાર કરીએ. કહેવાય છે કે તમે જેવું વાવો છો, તેવું લણો છો. જ્યારે તમે અસહિષ્ણુતાનાં બીજ વાવો છો, ત્યારે તમે શું લણવાની અપેક્ષા રાખી શકો છો?

હિન્દુત્વવાદી : બદલામાં અસહિષ્ણુતા.

સોક્રેટિસ : ચોક્કસ. જો ભારતમાં મુસ્લિમો સાથે દુર્વ્યવહાર થાય, તો શું અન્ય દેશોના લોકોને ત્યાંના હિંદુઓ સાથે દુર્વ્યવહાર કરવાની દુષ્પ્રેરણા ન મળે? તમે એવો દાખલો નથી બેસાડતા કે જેથી તેમને બદલો લેવાનું મન થાય? અને જો હિંદુઓ અન્ય દેશોમાં દુશ્મનાવટ અથવા સતામણીનો ભોગ બને તો તેની તેમના જીવન પર કેવી અસર પડે ?

હિન્દુત્વવાદી : તેઓ ભેદભાવનો સામનો કરશે, ભયમાં જીવશે, અને કદાચ હિંસાનો પણ ભોગ બનશે.

સોક્રેટિસ : તો પછી ભારતમાં મુસ્લિમો સાથે અન્યાયી વર્તન કરીને શું તમે વિદેશોમાં વસતા હિંદુઓને આડકતરી રીતે નુકસાન નથી પહોંચાડતા?

હિન્દુત્વવાદી : (અનિચ્છાએ) હા, એવું થઈ શકે.

સોક્રેટિસ : શું ભારતની સરહદોની બહાર રહેતા ભારતીયોના કલ્યાણની સુરક્ષા કરવાની ભારતની ફરજ નથી?

હિન્દુત્વવાદી : હા, અલબત્ત.

સોક્રેટિસ : જો તમે વિદેશમાં વસતા હિંદુઓને ભેદભાવથી બચાવવા માગતા હો તો શું તમે તમારા દેશમાં વસતા મુસ્લિમો સાથે ભેદભાવને વાજબી ગણાવી શકશો?

હિન્દુત્વવાદી : (નિસાસો નાખતાં) ના, બિલકુલ નહીં.

સોક્રેટિસ : અને જો ભારત દાખલો બેસાડીને આગેવાની લે, તેના તમામ નાગરિકો સાથે ન્યાય અને આદર સાથે વર્તે, તો શું તે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા ન આપે?

હિન્દુત્વવાદી : (વિચારીને) હા. અમે વિશ્વને બતાવી શકીએ કે સાચી શક્તિ ન્યાય અને નૈતિકતામાં છે.

સોક્રેટિસ : તો પછી, મારા મિત્ર, શું તમે સમજી શકો છો કે ભારતમાં ન્યાય, સર્વસમાવેશકતા અને ઔચિત્યને પ્રોત્સાહન આપવાથી માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ વિદેશમાં વસતા હિન્દુઓને પણ કેટલો ફાયદો થાય?

હિન્દુત્વવાદી : (વિશ્વાસ સાથે) હા, સોક્રેટિસ. તમે મારી આંખો ખોલી છે. ભેદભાવ સૌને માટે નુકસાનકારક છે. ન્યાયી વ્યવહાર જ આપણને બધાને મજબૂત બનાવે છે.

સોક્રેટિસ : યાદ રાખો, બધા માટે ન્યાયી વર્તન કરીને, તમે તમારા પોતાના લોકોનું રક્ષણ કરી શકો છો. અને એક એવી દુનિયાનું નિર્માણ કરી શકો છો જ્યાં સૌ ન્યાયને આદર આપતા હોય.

હિન્દુત્વવાદી : આભાર, સોક્રેટિસ. હું હવે સમજી શકું છું કે સાચી તાકાત એકતા અને ન્યાયમાં છે, વિભાજન અને નફરતમાં નહીં. મારે કબૂલ કરવું જોઈએ કે તમારો આદર્શવાદ મારા વ્યવહારવાદ કરતાં વધુ શાણો છે.

બંને ખુશીથી વિદાય લે છે. હિંદુત્વવાદી પહેલાં કરતાં વધુ હળવાશ અનુભવે છે.

001, પવનવીર, પ્રતાપગંજ,વડોદરા – 390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 માર્ચ 2025; પૃ. 04-07 તેમ જ 20-22

Loading

...102030...146147148149...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved