Opinion Magazine
Number of visits: 9671845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પપ્પા એટલે ….

નિહાર મેઘાણી|Profile|15 July 2022

પપ્પાના અવસાન પછી સ્નેહી મિત્ર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા ‘મિત્ર-મધુ’ નામે ઓનલાઇન ઉપક્રમનું આયોજન જાન્યુઆરી [2021] મહિનામાં થયું હતું. તેની અંતર્ગત પપ્પાના મિત્રો તથા ચાહકોએ એમની સાથેના પોતપોતાનાં સંસ્મરણોની વાતો કરી. એમના વ્યક્તિત્વનાં અનેક અજાણ્યા પાસા વિશે જાણવા મળ્યું. એમની વિદાય પછીનો ઊંડો ખાલીપો સ્મૃતિઓ થકી થોડોઘણો પુરવાનો પ્રયત્ન કરું છું.

—

વર્ષ ૨૦૧૭માં ‘પ્રસાર’નું કામ બંધ કર્યું, એ પછી પપ્પાને રહેવા અને પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા એક અલાયદી જગ્યાની જરૂર ઊભી થયેલી, જ્યાં તેમને કામ કરવા માટે શાંતિ હોય, પ્રાઇવસી હોય, પોતાની સ્પેસ હોય, માત્ર પોતાનું કહી શકાય એવું રસોડું હોય અને કુટુંબીજનો નજીક હોય. એ જ અરસામાં, જાણે કુદરતની જ કોઈ ગોઠવણ હોય એમ, અમારા ઘરની સાવ નજીક 'સત્વ' નામના બિલ્ડિંગમાં સુંદર હવાઉજાસવાળા બે ફ્લેટ મળી ગયા. ચોથા માળે પપ્પા અને બીજા માળે હું મારા કુટુંબ સાથે સ્થાયી થયાં.

પપ્પાની અનેક લોકો સાથે મૈત્રીનું સૌથી મોટું રહસ્ય એમના સંબંધોમાં રહેલી ઉદારતા હતી. એ માત્ર મિત્રો પૂરતી જ મર્યાદિત નહીં. અજાણી વ્યક્તિ આવીને અભ્યાસસંબંધી કે કોઈ લખાણ કરાવવા મદદ માગે તો બધું કામ બાજુએ મૂકીને તે મદદમાં બેસી જાય. કોઈ પુસ્તક અંગે માહિતી લેવા આવે તો પણ તેને બેસાડીને, પૂરતો સમય આપીને, વાતો કરવા લાગે. કોઈ કંકોત્રી માટે મેટર લખાવી જતા, તો કોઈ ચોપાનિયા માટે આવતા. ક્યારે ય તે આર્થિક પાસાનો વિચાર ન કરે. છેતરાયા હોય તો પણ ફરી ફરીને છેતરાય. ક્યારે ય કોઈ જગ્યાએ ભાવતાલ કરતા નથી જોયા. રિક્ષાવાળા સાથે ભાવ કર્યા વગર જ રિક્ષામાં બેસી જાય અને ઊતરીને જે માગે એ આપી દે. ક્યારે ય છુટ્ટા પૈસા ગણે નહીં.

માતા ચિત્રાદેવી સાથે, ડાબેથી વિનોદભાઈ, અશોકભાઈ અને જયંતભાઈ

સામેવાળાને ભાર થાય એ હદે વિવેક તથા આગ્રહ કરે. દરેક ઉંમરના એમને અનેક મિત્રો હતા. યુવાન મિત્રો વધુ મળવા આવે. યુવાનો સાથે દોસ્તી તે બહુ પસંદ કરતા, એમને ખૂબ પ્રોત્સાહન આપતા અને એમના વ્યક્તિત્વને મઠારતા. અભ્યાસુ લોકો માટે અલગ જ લગાવ. ઠેકઠેકાણે અનેક લોકો સાથે સંપર્કમાં રહેતા. એનેક લોકો સાથે ઇ-મેઇલ, વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી જોડાયેલા રહે. જેને જેમાં રસ હોય એવું કંઈ પણ ધ્યાનમાં આવે કે તરત જ લિન્ક મોકલતા રહેતા.

આવા કોઈ મિત્રો ઘેર કે ‘પ્રસાર’માં આવ્યા હોય તો જાતે ઊભા થઇ તેમને આરામથી બેસાડવા વ્યવસ્થા કરવા લાગે. ‘પ્રસાર’માં આવેલા મહેમાનોને જાતે શરબત કે ચા બનાવી પીવડાવે. કોઈ મળવા આવવાનું હોય એની અગાઉથી ખબર હોય તો ઘેરથી ખાસ વરિયાળીનું શરબત બનાવી ‘પ્રસાર’ લઈ જાય. લૅમિનેટ કરાવેલાં સુંદર ચિત્રો, અગરબત્તીઓ, અત્તર, બુકમાર્ક જેવી ચીજોનો જથ્થો હંમેશાં હાથવગો જ હોય. મળવા આવનાર જાણ્યા-અજાણ્યાંને પ્રેમથી આવી ચીજો ભેટમાં આપતા.

પુત્રો – નિહારભાઈ (ડાબે) અને (જમણે) નીરજભાઈ સાથે

પોતાની જાતને હંમેશાં પાછળ રાખે. કાર્યક્રમોમાં આગળ બેસવાનું ટાળતા. ‘પહાડનું બાળક’ નાટકમાં તે મુખ્ય મહેમાન હોય તો પણ એમ કહે કે ‘આપણે આગળ કેમ બેસી શકાય?’ લગ્નપ્રસંગમાં કલાત્મક એન્વેલપમાં સુંદર લખાણ સાથે ચાંલ્લો અને શુભેચ્છા પાઠવીને જમ્યા વગર જ હળવેકથી સરકી જાય. કોઈ દિવસ કોઈ ઓળખાણનો ઉપયોગ કરી કામ કઢાવવાની વૃત્તિ નહીં. સંકોચવાળી પ્રકૃતિ હતી. સામે ચાલીને કોઈ દિવસ પોતાની આવડતનું પ્રદર્શન ન કરે. પોતાની પ્રતિભા છુપાવી રાખે. મેઘાણીના વારસદાર તરીકે ખૂબ સજાગ હતા અને એટલે જ હંમેશાં કહેતા કે આપણાથી દાદાજીના નામનો ઉપયોગ ભૂલથી પણ ન થવો જોઈએ.

લતાબહેન, નિહારભાઈ, નીરજભાઈ સાથે 

કોઈ કામની કમર્શિયલ વૅલ્યુ કેટલી એ જોવાની તેમની બિલકુલ દૃષ્ટિ નહીં અને વૃત્તિ પણ નહીં. પૈસા કમાવવા એ ધંધાનો ઉદ્દેશ નહીં. ગુડવીલ માટે જ કામ કરે. ‘પ્રસાર’ને કોઈ દુકાન કહીને બોલાવે એ તેમને જરા ય પસંદ નહોતું. અમેરિકાની લાયબ્રેરી ઓફ કૉંગ્રેસનું પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠિત પુસ્તકાલય. તે દુનિયાભરમાંથી પુસ્તકો મેળવે. તેના માટે ગુજરાતી પુસ્તકોની પસંદગીનું તથા પુસ્તકો પૂરાં પાડવાનું કામ છેલ્લાં ત્રીસેક વર્ષથી ‘પ્રસાર’ કરતું હતું. આ કામ પપ્પા માટે ધંધાદારી નહીં, પણ પ્રતિષ્ઠાનું હતું. ગુજરાતી ભાષા પ્રત્યેની પોતાની જવાબદારી ગણીને તે આ કામગીરી બજાવતા. ખૂબ સજાગ રહીને પુસ્તકોની પસંદગી કરતા, જેથી એક પણ નકામું પુસ્તક ત્યાં પહોચી ન જાય અને કોઈ યોગ્ય પુસ્તક રહી ન જાય.

પત્ની લતાબહેન સાથે, 1967

૧૯૬૯માં ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે ‘લોકમિલાપે’ યોજેલા ભારતીય પુસ્તકોના પ્રદર્શનોની યોજના હેઠળ એમને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, સિંગાપોર તથા આફ્રિકાના દેશો અને ૧૯૭૭માં મિત્ર દેવરાજ પટેલ સાથે યુરોપના દેશોમાં ફરવાનું થયેલું. યુરોપિયન સંસ્કૃતિનો સારો એવો પ્રભાવ એમના પર પડ્યો હતો એવું મને હંમેશાં લાગ્યું છે. રીતભાતના ખૂબ જ આગ્રહી હતા. શું બોલાય, કેમ બોલાય, કેટલું બોલાય એ માટે સજાગ. જાહેરમાં બે જણા વાત કરતા હોય તો બાજુમાં બેઠેલાને પણ ન સંભળાવું જોઈએ એટલું ધીમું બોલાય. બીજાની પ્રાઇવસીને આદર આપવાના આગ્રહી અને પોતાના માટે એ જ અપેક્ષા રાખતા.

ઘરના સભ્યોએ પણ એકબીજાની ટપાલ ખોલાય નહીં, વંચાય તો નહીં જ. આંગળાં થૂંકવાળા કરી ચોપડીનાં પાનાં ફેરવવાની લોકોની ટેવની એમને ખૂબ જ ચીડ હતી. આ અંગે ઘણી વાર ‘પ્રસાર’માં ગ્રાહકોને પણ નમ્રતાથી ઠપકો આપી દેતા. ખાદી ખૂબ ગમે, હંમેશાં ખાદી જ પહેરે. કારણ કે ખાદી એમની કલાદૃષ્ટિનો હિસ્સો હતી. પણ ખાદીવાદ કદી નથી કર્યો. કોઈ દિવસ અમને સંતાનોને ખાદી પહેરવા નથી કહ્યું. ઝભ્ભા ખાસ ડિઝાઇનના સિવડાવતા, પેન રાખવા માટે અલગ લાંબુ-સાંકડું જુદું ખિસ્સું કરાવતા, સરસ ઇસ્ત્રી કરાવેલાં કપડાં જ પહેરતા. પોતાની અલાયદી ફેશન માટે સજાગ રહેતા. પોતાની દરેક વસ્તુની પસંદગી માટે ખૂબ આગ્રહી હતા.

શાસ્ત્રીય સંગીતના તે ચાહક હતા. કેસેટના જમાનામાં અમૂલ્ય કહેવાય એવી કેસેટનો ખજાનો વસાવ્યો હતો, જેમાં નવા રેકોર્ડીંગ ઉમેરાતા રહેતા અને ખજાનાનો વિસ્તાર થતો રહેતો. જેને રસ હોય એ છૂટથી કેસેટો સાંભળવા લઈ શકતા. ભૈરવી અને દેશ એમના સૌથી પ્રિય રાગ. વાદ્યસંગીત તેમને વધુ પ્રિય હતું. ટિકિટ સંગ્રહ એમના બહુ ગમતા શોખમાંનો એક હતો. પત્ર-મૈત્રીના જમાનાથી તે દેશ-વિદેશની અલભ્ય ટિકિટો મેળવીને પોતાના સંગ્રહમાં ઉમેરતા. ભારતનાં ફિલાટેલિક બ્યૂરોના તે આજીવન સભ્ય બન્યા હતા, જેથી ભારતમાં બહાર પડતી દરેક ટિકિટ તેમને અચૂક મળી જાય. આ કિંમતી સંગ્રહ ટિકિટોમાં રસ ધરાવનાર એક યુવાન મિત્રને તેમણે ઉદાર ભાવે સોંપી દીધો હતો.

 

ફિરેન્ઝે, ઇટલી, 1977

છેલ્લાં બારેક વરસથી ટાગોરના અનુવાદોનું કામ શોખથી કરતા. એ વખતે તેમને પુસ્તકોનું વાચન કરતા જોયા છે. એ અપવાદ સિવાય ક્યારે ય એમને સિરિયસ રીડિંગ કરતા નથી જોયા. પોતાના અંગત સંગ્રહમાંનાં પુસ્તકો પણ ક્યારે ય વાચતા જોયા નથી. હા, ઘણી વાર પુસ્તકોનાં પાના ઉથલાવે, પણ સિરિયસ રીડિંગ કરતા નથી જોયા. આમ છતાં અસંખ્ય પુસ્તકો વિશે માહિતી એમની પાસેથી અભ્યાસીઓને મળી રહેતી. એમને યોગ્ય લાગે એ વ્યક્તિને પોતાના સંગ્રહમાંથી પુસ્તકો સામેથી વાચવા/જોવા માટે આપતા. પુસ્તકોનો સંગ્રહ પણ જાણે મિત્રોના લાભ માટે જ હતો. પોતાને ગમી જાય એ પુસ્તક મિત્રોને ભેટ આપવા થોકબંધ નકલો મંગાવી લેતા. બહારગામ મોકલવાનું હોય તો પોતે જ કુરિયરનું પડીકું બાંધતા અને સરનામાં પોતાના મરોડદાર અક્ષરોથી સુંદર રેખાંકનોવાળા લેબલ પર લખતા.

તેમની કલાદૃષ્ટિ ઉચ્ચ કોટિની હતી. સારાં ચિત્રો કોને કહેવાય એ વિશે સૂઝ એમણે કેળવેલી. પોતાને ગમતા ચિત્રકારોનાં ચિત્રોની પ્રિન્ટ મંગાવતા, એમના આલ્બમ મંગાવતા, ચિત્રોને ફ્રેમમાં મઢાવતા. વર્ષો પહેલાં, જહાંગીર સબાવાલા નામના એક ચિત્રકારનાં ચિત્રો એમને એટલાં ગમ્યા કે એમના આલ્બમની થોકબંધ નકલો મંગાવીને એમાંથી ગમતા ચિત્રોનું જાતે કટિંગ કરીને, લૅમિનેટ કરાવીને મિત્રોને ભેટ આપતા. આ ઉપરાંત કે.કે. હેબરના સ્કેચનો ઉપયોગ બુકમાર્કમાં કરતા. વેન ગોગ, ખોડીદાસ પરમાર, પ્રદ્યુમ્ન તન્ના, ભરત માલી, જ્યોતિ ભટ્ટ જેવા કળાકારોના સ્કેચનો ઉપયોગ પોતાની સ્ટેશનરી પર તથા પોતે પ્રકાશિત કરેલાં પુસ્તકોની અંદર કરતા.

ઘરની ગોઠવણીની તેમની અલાયદી સૂઝ હતી. ક્યારે ય ભભકાવાળા રંગો ન ગમે. હંમેશાં નરમ-સૌમ્ય રંગો પસંદ કરતા. નાની નાની ચીજોને સુંદર રીતે ગોઠવ્યા કરે, ગોઠવણીઓ બદલ્યા કરે. રૂમમાં પોતાની સુવાની જગ્યાઓ બદલ્યા કરે. સૉફ્ટ બોર્ડ પર અવનવાં લખાણ, કોઈએ ભેટમાં આપેલાં બુકમાર્ક, મિત્રો/સગાંના ફોટા વગેરે ચીવટપૂર્વક ગોઠવે. કેબિનેટ, ટેબલ, ચિત્રો, કુંડાં, નદીકિનારેથી વીણેલા નાના પથ્થર, કલાત્મક માટીની અને વાંસની વસ્તુઓની ગોઠવણી કરવાનું તેમને ઓબ્સેશન હતું, ક્યારે ય આવી બધી ચીજોને કાયમી સ્થાન મળતું નહીં, થોડા થોડા દિવસે બધું જ બદલાતું રહે.

ઉપરાંત, તે ખાવાપીવાના, જમાડવાના અને રસોઈ જાતે બનાવવાના પણ શોખીન. નવી નવી વાનગીઓ બનાવે, પ્રયોગો કરે, યુટ્યુબ પર રેસિપીઓ શોધે. રસોઈવાળાં બહેન સાથે વાનગીઓની ચર્ચા કરે અને નવી નવી વાનગીઓ બનાવડાવે. કોથમીર, છીણેલું લીલું કોપરું, લીંબુ, સેવ વગેરે વિવિધ વાનગીઓમાં ઉપરથી ભભરાવીને ખાવાના શોખીન. એમનું રસોડું નમૂનારૂપ કહી શકાય એવું સુંદર સજાવતા. રસોડામાં પણ સૉફ્ટ બોર્ડ લગાવેલું હોય, જેમાં વાનગીઓ વિશેની રસપ્રદ વિગતો શોધીને લગાવે. રસોઈકળા તથા વાનગીઓ સાથે પોતાનો આ નાતો વારસામાં જેમની પાસેથી મળ્યો હતો, એવાં તેમનાં બા, ચિત્રાદેવીનો ફોટો રસોડામાં સુંદર રીતે ગોઠવેલો.

ફરવાના-ભમવાના ખૂબ શોખીન અને સ્વભાવથી સાહસિક હતા. નવી નવી જગ્યાઓની માહિતી એકઠી કરતા રહેતા. પ્રવાસનાં આયોજન કર્યા કરે. દરેક જગ્યાથી નકશા ભેગા કરે. પ્રવાસની જગ્યાઓનો અભ્યાસ પહેલેથી જ હોય. ફરવા માટે અનેક જગ્યાઓ સૂચવી શકતા. ક્યારે ય ચીલાચાલુ રીતે ફરવું ન ગમે કે ન ગમે ચીલાચાલુ કંપની. ફરવા માટે ખાસ કંપની જ હોય, એવું તે માનતા. એમનું ફરવું એટલે અભ્યાસપૂર્વક ફરવું. જ્યાં પણ જાય એ જગ્યાના લોકોની રહેણીકરણી, વાનગીઓ, લોકોનો સ્વભાવ, ભાષા, બોલી, પહેરવેશ, તે જગ્યાનું લેન્ડસ્કેપ વગેરે બાબતો ખાસ નોંધે. મ્યુઝિયમમાં ખૂબ રસ પડે, આ માટે બીજાઓને પણ ખાસ પ્રેરે. નાનપણમાં ગોપનાથના દરિયે અવારનવાર જવાનું બનતું. પપ્પાને દરિયામાં નહાવાનો ખૂબ શોખ, માત્ર નહાવાનો નહીં, દૂર સુધી જઈ ઊંડાણવાળા ભાગમાં તરવાનો પણ ખરો. અમને પણ નહાવા ખેંચી જાય. એવું યાદ છે કે ઊંડા પાણીમાં મને સાથે લઈ જાય ને એમની છાતી પર મને બેસાડી પોતે ઊંધા તરવા લાગે. મમ્મી આ દૃશ્ય જોઈ અમને પાછા ફરવા બૂમો પાડે.

હું દસ વરસનો હોઈશ, ત્યારે મેં આમ જ કહેલું કે ‘મારે હિમાલયમાં ટ્રૅકિંગ કરવા જવું છે’. આ સાંભળીને તે ખૂબ રાજી થઈ ગયા. તાત્કાલિક તપાસ કરી અને લવકુમાર ખાચર દ્વારા યોજાતા મનાલી-ભૃગુ લેકના ટ્રેકિંગ કેમ્પ માટે અમદાવાદથી નીકળતા એક ગ્રુપ સાથે કોઈ ગોઠવણ કરી મને મોકલ્યો. એ સમયે બહુમૂલ્ય કહી શકાય એવો વિદેશથી મંગાવેલો એક કૅમેરો અમારા ઘરે હતો. તે એમણે મને વિના સંકોચે સોંપી દીધો. બિયાસ નદી પાછળ બરફથી છવાયેલી પર્વતમાળા દેખાતી હોય એવી એક છબી એ કેમેરાએ કેદ કરેલી, જે એ સાલનું દિવાળી-કાર્ડ બની સગાંસંબંધી તથા મિત્રોને ત્યાં પહોંચેલી.

હું સાતમા-આઠમા ધોરણમાં હોઈશ ત્યારે મેઘાણી સાહિત્યના પ્રકાશનના કામ દરમિયાન મને પ્રૂફ-રીડિંગનાં કામમાં સાથે જોડતા. આગળ જતા હું ‘પ્રસાર’માં જોડાયો ત્યારે પાર્સલ બાંધવાં-ખોલવાં, ટ્રાન્સપોર્ટ ઑફિસેથી પાર્સલ લાવવાં-મોકલવાં, પુસ્તકો ગોઠવવાં, ઝાપટવાં જેવાં શ્રમવાળાં કામ પણ કરવાં પડતાં. પરંતુ એ ઘડતર મને હંમેશાં કામ લાગ્યું છે—ખાસ કરીને જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો એ પછી. કેળવણીના ભાગરૂપે અનેક વાર એમની કડકાઈ સહન કરી છે, પણ આજે એ જ વાતો જીવનને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.

ઘરનાં દરેક કામ દરેકે કરવા જોઈએ, એ જાતની તાલીમ અમને બાળપણથી જ આપવાનો પ્રયત્ન થતો. કામવાળાં બહેન રજા પર હોય એ દિવસે વાસણ મમ્મીને માંજવાં ન પડે, એ માટે પપ્પા એક ‘સ્કીમ’ બહાર પાડતા. એક જણ સાબુ લગાવે અને બીજાએ વાસણ વીછળવાનાં. આવી વાસણ માંજવાની ભાગીદારી મારે પપ્પા સાથે અનેક વાર કરવી પડતી. હું છ વરસ લંડનમાં રહ્યો એ દરમિયાન દરેક નાની નાની વાતની કાળજી લેતા ઇ-મેલ આવતા. ત્યાં કઈ કઈ જગ્યાઓ મારે જોવી જોઈએ એ સ્થળો જણાવે. ત્યાંનાં છાપાં વિશે, ત્યાંનાં મ્યુઝિયમ વિશે, બૂકશોપ વિશે, ત્યાંની રહેણીકરણી વિશે એમની પાસે માહિતીઓનો ભંડાર હતો. કદાચ ત્યાંના લોકો નહીં જાણતાં હોય એવી ઝીણી વિગતો એમની પાસે હોય. તેઓ ઈચ્છતા કે હું ત્યાં કોઈ બૂક શૉપમાં નોકરી કરું, પણ દુર્ભાગ્યે એવું બની શક્યું નહીં.

ચીલાચાલુ લોકોથી તે દૂર રહેવાનું પસંદ કરતા. સાધારણ લોકો સાથે તે  હંમેશાં આદરપૂર્વક વાત કરે, પરંતુ કોઈ ગેરવર્તણૂક કરે તો રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરતા. દરેક પર હંમેશાં ભરોસો કરે, કોઈ ઉપર અવિશ્વાસ નહીં. હંમેશાં એવું માનતા કે આપણે ભરોસો કરીએ તો સામેવાળો એ તોડશે નહીં. પોતાનાથી અલગ મત હોય તો પણ એની સાથે દોસ્તી કરી લેતા.

વધારે પડતો લાગણીશીલ સ્વભાવ હોવાના લીધે નાની નાની વાતોમાં રડી પડે અને નાની વાતોમાં ગુસ્સે પણ થઈ જાય. ઘરેથી કોઈ બહારગામ ગયું હોય તો અચૂક ફોન કરીને પૂછે કે જમ્યાં? ક્યાં જમ્યાં? સારી રેસ્ટોરાંઓ સૂચવે. કુટુંબીજન તરીકે દરેકની ખૂબ કાળજી લેતા. ખૂબ ચિંતાવાળો સ્વભાવ. પોતાની બંને નાની બહેનોની હંમેશાં ફિકર કરતા. ‘મુરલીએ શું ખાધું હશે?’ એવું એમના મોઢે વારંવાર સાંભળ્યું છે. ઘરે કોઈ સારી વાનગી બની હોય તો મુરલીબહેનને અચૂક પહોચાડે. સામેવાળાની ગૂંચવણ તરત પામી જાય અને બોલ્યા વગર જ મદદ પહોચાડતા રહે, પણ ક્યારે ય ઉલ્લેખ ન કરે.

પોતાનાં બધાં ભાંડુઓ સાથે લાગણીના સંબંધ. અશોકભાઈ દર વર્ષે અમેરિકાથી ભારત બે-ત્રણ મહિના રોકાવા આવે. પાછા ફરવાના સમયે ઢીલા પડીને ભેટીને ખૂબ રડી પડે. ઘરનાં બધાં જ બાળકો સાથે ખૂબ જ લગાવ. સૂકો મેવો, ચોકલેટ, વિવિધ પ્રકારનાં પીણાનો સ્ટોક હંમેશાં હોય જ અને બાળકો આવે એટલે એમની સામે ધરી દે. પોતાને આમ તો વડીલ ગણવાની ના પાડે, પણ કુટુંબમાં વડીલ તરીકેની ફરજો મક્કમ બની નિભાવે અને શીતળ છાયડો હંમેશાં પૂરો પડતા.

મોટાભાઈ, મહેન્દ્રભાઈ જોડે ‘લોકમિલાપ’ પ્રાંગણના હીંચકે જયંતભાઈ મેઘાણી

પોતે સંપૂર્ણ અધાર્મિક હોવા છતાં શીલચંદ્રસૂરિ મહારાજ તથા પ્રદ્યુમ્નસૂરિ મહારાજ જેવા વિદ્વાન જૈન મુનિઓ અને તેમના અભ્યાસી શિષ્યો સાથે ખૂબ આત્મીય સંબંધો. તે ભાવનગર હોય એ દરમિયાન તેમને ઉપાશ્રય પર મળવા જતા અને મહારાજો પણ અચૂક ‘પ્રસાર’માં આવે, તેમની સાથે બેસે, સાહિત્ય તથા બીજા અનેક વિષયો પર લાંબી વાતો થાય. પોતાના સંગ્રહમાંથી તેમને પુસ્તકો જોવા મોકલે. એમના શિષ્યોનો ઉલ્લેખ તો પોતાના ‘દોસ્ત’ તરીકે કરતા. આ સિલસિલો ‘પ્રસાર’ બંધ થયું પછી પણ ચાલુ રહ્યો. એમના ફ્લેટ પર પણ આવી મુલાકાતો થતી રહેતી.

કોઈ થોડો પણ એમના માટે ભાવ બતાવે તો પોતે ઉમળકામાં વહી પડે, સામેવાળા માટે જાતને ઘસી નાખે. એમના ભાગે જીવનમાં ખૂબ શ્રમ હતો. એ કદાચ નિયતિ હશે, જે તેમણે બખૂબી નિભાવી. છેલ્લે સુધી આર્થિક રીતે કાર્યરત રહ્યા, હંમેશાં સ્વાવલંબી રહ્યા. ક્યારે ય કોઈની સેવા લેવી ગમતી નહીં. એ બાબતમાં મારી સાથે પણ વિવેક કરે. ‘તું તારે જા, જરૂર હશે ત્યારે ફોન કરીશ.’ પણ એ સવારે ફોન ન આવ્યો. કોઈ અંદેશો આપ્યા વિના જ તેમણે અનંતની વાટ પકડી લીધી.

e.mail : curiofact@gmail.com

203 Satva, Near Green Park, Hill Drive, BHAVNAGAR 364 002 GUJARAT

પ્રગટ : “સાર્થક જલસો – 15”, ઑક્ટોબર 2021; પૃ. 07-12

Loading

સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દો તો શ્રીલંકામાં જે બન્યું તે બને

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2022

જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી જવા માગે છે અને એવા અહેવાલ છે કે અમેરિકાએ તેને શરણ આપવાની ના પાડી દીધી છે. શ્રી લંકાના પ્રમુખ ગોટાયાબા રાજપક્સે નવમી તારીખે પ્રમુખપદેથી શરતી રાજીનામું આપ્યું હતું. શરત એવી હતી કે તેમનું રાજીનામું ૧૩મી જુલાઈથી અમલમાં આવે એ પહેલાં તેમને અને તેમના પરિવારને દેશ છોડીને જતા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. દાવેદાર દેશપ્રેમીઓની જ્યારે સમય કસોટી કરે છે, ત્યારે તે કેવા નમાલા પુરવાર થાય છે એનાં એક નહીં, સેંકડો ઉદાહરણ ઇતિહાસમાંથી મળી રહે છે. 

સમયનો ખેલ અજીબ છે. સમય જ્યારે કરવટ બદલે ત્યારે શું નથી થતું! ૧૩મી જુલાઈ ૧૯૮૩ની એ વરસાદી સાંજ મને યાદ છે. ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશવા માટે હું ‘જન્મભૂમિ’ના તંત્રી હરીન્દ્ર દવે પાસે ગયો હતો. મેં અરજી કરી હતી અને મને ઈન્ટરવ્યુ કૉલ નહોતો આવ્યો એ વાતનું મને આશ્ચર્ય થયું હતું. મેં હરીન્દ્રભાઈને આ કહ્યું ત્યારે તેમણે ચીફ સબ એડિટર મનુભાઈ ભટ્ટને કહ્યું હતું કે આ ભાઈની અનુવાદક્ષમતા તપાસી જુઓ. મનુભાઈએ મને પહેલો તાર અનુવાદ માટે આપ્યો હતો એ શ્રી લંકા વિશેનો હતો. એ દિવસે શ્રી લંકામાં અલગ થવા માટેનાં તમિલોનાં હિંસક આંદોલનના શ્રીગણેશ થયાં હતાં. શ્રી લંકા વિશેના મારા અનુવાદિત સમાચાર બીજા દિવસે એમને એમ કોઈ પણ પ્રકારના સુધારા વિના છપાયા પણ હતા, પણ મને નોકરી આપવામાં નહોતી આવી એ જુદી વાત છે. આ માણસ પરવડે એવો નથી એવી તંત્રીસાહેબને સલાહ આપવામાં આવી હતી. 

એ પછી થોડા મહિને મને ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશ મળ્યો હતો અને પાછળ વળીને જોઉં છું ત્યારે નજરે પડે છે કે ત્યારથી લઈને અત્યાર સુધી શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે. ચાર દાયકા થવા આવ્યા પણ આ ટચુકડો દેશ વૈશ્વિક મીડિયામાં ઝળકતો જ રહે છે. શ્રી લંકાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો સુધ્ધા જાન લીધો છે. 

શા માટે? શા માટે શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે? શું ત્યાંની પ્રજાની એકબીજા સામે લડવાની ખુમારી કે જીદને કારણે કે પછી સત્તા ખાતર પ્રજાને સતત લડાવતી રાખવાની શાસકોની પ્રવૃત્તિને કારણે? કોઈ પણ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો બલકે સત્તા જાળવી રાખવા તેને ગુંચવવાને કારણે?

આ જે છેલ્લું કારણ કહ્યું છે એ વધારે સાચું છે. કોઈ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો અને જ્યારે તમે કોઈ પ્રશ્નનો નિવેડો ન લાવો તો એ વધારેને વધારે ગુંચવાય. એ પછી તો નિવેડો લાવવો પણ અઘરો પડે. શાસકોની ભરોસાની દુનિયા ક્રમશઃ સંકોચાતી જાય. પહેલાં તમિલો સામે સિંહાલીઓ ઉપર મદાર હતો. એ પછી કેટલાક સિંહાલીઓએ સિંહાલી રાષ્ટ્રવાદથી ધરાઈને સુખાકારી તરફ નજર દોડાવી ત્યારે કોઈ પણ ભોગે તમિલોનું નખોદ કાઢવું જોઈએ એવું માનનારા તામસિક મનોવૃત્તિ ધરાવતા સિંહાલીઓ ઉપર ભરોસો સીમિત થયો. આ સિવાય નાસી જનારા ભરોસામંદ સિંહાલીઓ નાસી ન જાય એ માટે મુસલમાનો સામે નવો મોરચો ખોલવામાં આવ્યો. એ પછી ખ્રિસ્તીઓ અને એ પછી નાનીમોટી વાંશિક અથડામણો. બધા સિંહાલીઓને એકલા તમિલો માટે જ દ્વેષ હતો એવું થોડું જ છે! 

દૂરનું નહીં જોઈ શકનારા કે નહીં જોનારા સત્તાંધ રાજકારણીઓને એક વાત સમજાતી નથી કે સત્તા માટેનું રાજકારણ જ્યારે પ્રજાકીય થવા માંડે ત્યારે અથડામણો નિમ્ન સ્તરે (જમીની સ્તરે) અને નિમ્ન કક્ષાની થવા લાગે છે. છેક ગ્રામીણ સ્તરે લોકો જે તે અસ્મિતાઓનાં રાજકારણનો ઉપયોગ કરીને ‘બીજા’નો છેદ ઉડાડે છે. માત્ર ‘બીજા’ને જ નહીં, ‘પોતાના’ને પણ મોકો જોઇને રસ્તામાંથી દૂર કરવામાં આવે છે, એમ કહીને કે જે ‘પોતાનો’ છે એ હકીકતમાં પોતાનો નથી, પણ ગદ્દાર છે જે ‘બીજા’ને મદદ કરે છે. આવા ગદ્દારોને જીવવાનો અધિકાર નથી. આમાં નર્યો સ્વાર્થ હોય છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક હોય છે અને હિન્દી વાક્યપ્રયોગનો ઉપયોગ કરીએ તો ‘ઉલ્લુ સીધા કરને કી’ પ્રવૃત્તિ હોય છે. અસ્મિતા માટેની નિસ્બત તો એક બહાનું હોય છે. ભારતના વિભાજન વખતે આ વાતનો અનુભવ આપણને થયો હતો. જેમના વિષે કલ્પના ન કરી હોય એવા લોકોએ જાનવર જેવું વર્તન કર્યું હતું. 

માટે સમજદાર રાજપુરુષો પ્રશ્નોનો નિવેડો લાવે છે. એનો રાજકીય ઉપયોગ કરતા નથી ત્યાં તેને ગૂંચવવાની વાત તો દૂર રહી. આવા રાજપુરુષો ઇતિહાસમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. જે અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરે છે એવા રાજકારણીઓ બે પ્રકારના હોય છે. એક એવા જેને આગ સાથે કેટલું રમવું અને ક્યાં અટકવું એનું ભાન હોય છે. તેઓ સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દેતા નથી. તેમને ખબર છે કે આ જોખમી છે. આ વાઘસવારી છે જ્યાંથી ઊતરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે પ્રજા હિસાબ કરવા લાગે ત્યારે અરાજકતા પેદા થાય છે જે દેશને ચાર-પાંચ દાયકા પાછળ ધકેલી દે છે. અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરનારા બીજા પ્રકારના રાજકારણીઓને ક્યાં અટકવું એનું ભાન હોતું નથી. તેઓ કોકડું વધુને વધુ ગૂંચવાવે છે અને પછી ઉકેલી શકતા નથી. આને કારણે ઉપર કહ્યું એમ તેમના ઉપર ભરોસો રાખનારા સમર્થકોનો વર્ગ સંકોચાતો જાય છે. એક પ્રકારનું વિષચક્ર શરૂ થાય છે. સમર્થન ટકાવી રાખવા માટે વધુને વધુ હાડકાં નાખતા રહેવું પડે છે અને એ વધારે અરાજકતા નોતરે છે. પહેલા તમિલો સામે. એ પછી મુસલમાનો સામે. એ પછી ખ્રિસ્તીઓ સામે અને એ પછી વાંશિક પ્રજાઓ સામે. 

અને એક દિવસ એનો પણ અંત આવે છે. સમર્થકોનો છેલ્લો વર્ગ પણ અરાજકતા અને અવ્યવસ્થાથી ગળે આવી જાય છે ત્યારે શ્રી લંકા રચાય છે. આ મારું શ્રી લંકા વિશેનું ચાર દાયકાનું દર્શન છે. યોગાનુયોગ આજે લખ્યા તારીખ ૧૩મી જુલાઈ છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2022

Loading

ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 

સોનલ પરીખ|Opinion - Opinion|14 July 2022

મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે; તો પણ મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી, કેમ કે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. બાય ધ વે, લોહીના આઠ પ્રકાર વિષે તો આપણે જાણીએ છીએ, પણ બોમ્બે બ્લડ ગ્રુપ નામનો પણ લોહીનો એક પ્રકાર છે, એ ખબર છે ? 

યાદ છે ને 1977ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’? બાળપણમાં જુદા પડેલા ત્રણ ભાઈઓમાં એક હિંદુ, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી તરીકે ઉછરે છે. અંધ મા પણ છૂટી પડી ગયેલી છે. એક વાર એને અકસ્માત થાય છે અને એકબીજાને કે માને ન ઓળખતા આ ભાઈઓ, એને એક્સાથે લોહી આપે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ‘ખૂન ખૂન હોતા હૈ પાની નહીં …’ દર્શકોને ઈમોશનલ બનાવવામાં સફળ નીવડેલું આ દૃશ્ય હિંદી સિનેમાના ‘મોસ્ટ ઈલ્લોજિકલ’ અર્થાત્‌ સૌથી વધારે અતાર્કિક દૃશ્યોમાંનું એક ગણાય છે!

ફિલ્મનું દૃશ્ય ભલે અતાર્કિક હોય, પણ રક્તદાન એવી પ્રક્રિયા છે જેના એક છેડે જીવ બચ્યાનો ને બીજા છેડે જીવ બચાવ્યાનો આનંદ હોય છે. ટોટલી વિન-વિન સિચ્યુએશન. 

14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડૉનેશન ડે – વિશ્વ રક્તદાન દિવસ છે. આ દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે તેમ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તપ્રવાહ ચાલુ રહે એ હેતુથી ઉજવવામાં આવે છે. 14 જૂન એ.બી.ઓ. બ્લડગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. 

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના આ બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઈનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું, એના વિવિધ પ્રકાર હોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એવી ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આર.એચ. ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે એવું એમણે સાબિત કર્યું. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એને માટે બ્લડ-ગ્રુપના શોધક કાર્લ લૅન્ડસ્ટેઇનરના જન્મદિવસ ૧૪ જૂનથી વધારે યોગ્ય દિવસ કયો હોઈ શકે ? રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે. 

તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન ‘એ’ અને ‘બી’ હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ આવા ચાર પ્રકારો પડે છે. અને એ ચારે પૉઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય છે એટલે કુલ આઠ પ્રકારના બ્લડગ્રુપ હોય છે. લોહીના કણોમાં ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આર.એચ.(રહેસસ) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ – નેગેટિવ ગ્રુપ જુદાં પડે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? એ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ એ ગ્રુપ તેમ જ એ.બી. ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને એ તેમ જ ઓ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘બી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘બી’ અને ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને ‘બી’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘એ.બી.’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે. ઓ ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર ‘ઓ’ ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ ઓ-પૉઝિટિવ કે ઓ-નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી દુર્લભ બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે, અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે. મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી. અર્થાત્‌ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે. રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. દાતાને એઈડ્સ કે હિપેટાઈસ જેવી લોહી દ્વારા ફેલાતી બિમારી ન હોવી જોઈએ. ઉપરાંત તે નશીલા પદાર્થનું સેવન કરતો ન હોવો જોઈએ. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે અનેક મૃત્યુ થાય છે. પ્રસૂતિ અને હૃદય-કિડની કે અન્ય મોટાં ઓપરેશનો દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. જો કે આપણે ત્યાં બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ લોહી વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને બ્લડ-ડોનેશન કૅમ્પોવાળાને કહેવાનું મન થાય કે ભાઈ, જરા સંભલ કે – ખૂન ખૂન હોતા હૈ, પાની નહીં … 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જૂન 2022 

Loading

...102030...1,4591,4601,4611,462...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved