Opinion Magazine
Number of visits: 9459038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબંધોના કૂકડાઓ બોલે છે

બીજલ જગડ|Opinion - Opinion|29 March 2022

સબંધ આપણો સ્મૃતિમાં સ્થિર અટકી ગયો,
ગત જિવતરે સબંધોના કૂકડાઓ બોલે છે.

સાત જનમનો ડૂમો મારી લાગણીમાં તણાઈ,
ખોબે ખોબે સબંધોના કૂકડાઓ બોલે છે.

ચકલી જેવી જાત ને એનો પર્વત જેવો ગ્રંથ,
પાને પાને સબંધોના કૂકડાઓ બોલે છે.

ઉઘાડ ઘરના બંધ દરવાજા ઉંબરો વટાવી,
ઈટે ઇટે સબંધોના કૂકડાઓ બોલે છે.

તારાં સ્મરણનાં ભીનાં શુકન ઊગ્યાં નહિ,
પળે પળે સબંધોના કૂકડાઓ બોલે છે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

દિન કરે દીન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 March 2022

હાસ્યલેખ

એક સમયે માણસ મહારાજોની કથા સાંભળતો અને થાક વધારતો. જેમ ગધેડો બોજ વગર નથી ચાલી શકતો એમ જ માણસ પણ ઉપદેશ, સલાહો વગર નથી ચાલી શકતો. એક વાત સ્પષ્ટ છે કે નાનેથી માણસને સમૂહ વગર નથી ચાલતું. તે ભણતો ત્યારે પણ તેને સમૂહજીવનનો પિરિયડ આવતો ને પિરિયડ પૂરો થતો ત્યાં સુધીમાં ન તો સમૂહની ખબર પડતી કે ન તો જીવનની સમજ વધતી. એ જ કારણે કદાચ માણસ વધારે એકલો પડતો ગયો. તે ફ્યુઝ્ડ રહેવાને બદલે ક્ન્ફ્યુઝ્ડ વધારે રહેવા લાગ્યો. ન તેને એકલા ગમતું કે ન તો ટોળામાં તેને ફાવતું. એમાં હિન્દી ફિલ્મનો એક ડાયલોગ – મુઝે અકેલા છોડ દો – તેને હોઠે રહેતો. તેમાં જો પ્રેમમાં નિષ્ફળ જતો કે કોઈ પ્રેમમાં ન પડતું તો – ઇતના અકેલા હૂં કિ ક્યા બતાઉં – જેવો સંવાદ બોલતો રહેતો. એની એટલી અસર પડતી કે મને ‘અકેલા’માં ‘અ’ સાઇલંટ જણાતો. અંગ્રેજી શબ્દોમાં કેટલાક અક્ષરો સાઇલંટ હોય તેમ ગુજરાતીમાં પણ સગવડ પ્રમાણે કેટલાક અક્ષરો સાઇલંટ થઈ જાય છે. જેમ કે, ‘અમર’માં ‘અ’, ‘ચક્રમ’માં ‘ચ’, ‘પતંગ’ માં ‘પ’, ’મરણ’માં મ … સાઇલંટ છે. એ તો ઠીક છે, પણ મારી મૌલિક શોધ એવી પણ છે કે કેટલાક શબ્દની આગળ કોઈ અક્ષર કે શબ્દ આપોઆપ ઉમેરાઈ જઈને અર્થ કે ક્રિયા બદલી નાખે છે. જેમ કે ઘણાના ‘ગુણ’ની આગળ ‘અવ’ ઉમેરાઈને અર્થ બદલાય છે, તો ઘણાને ઘણી વાતમાં ‘સાર’ જ્ણાતા,‘અતિ’ ઉમેરાઈને ‘અતિસાર’નો ભોગ બનવાનું પણ આવે છે. ‘વડ’ વધતો અટકી જાય જો ‘ઘુ’ આગળ આવીને અંધારું કરી દે. નામ ‘લતા’ હોય ને ‘એક’ આગળ ધસી જાય તો ‘એકલતા’થી ઘેરાવાનું થાય જ છે.

હું ગંભીરપણે માનું છું કે માણસ એકલો રહી શકતો નથી. એમ તો ગધેડો પણ એકલો રહી નથી શકતો, કારણ કે એ ગધેડો છે, પણ માણસ નથી, એટલે પોતે ગધેડો નથી એ બતાવવા માણસ એકલો રહેવા મથે છે. એમાં વળી જ્યારથી મોબાઈલ, નેટ અને સોશિયલ મીડિયા જીવનમાં આવ્યાં છે, માણસને એકલા રહેવાનું જ ફાવવા લાગ્યું છે. હવે એકલતાની ફરિયાદ તે ઓછી જ કરે છે. નેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા હાથવગાં થવાને કારણે તે દિવસો, મહિનાઓ સુધી એકલો રહી શકે છે. આજે કૈં ન કરવા છતાં માણસ બિઝી થઈ ગયો છે. ગમ્મત એ છે કે કામ કોઈને નથી, પણ બિઝી તો બધાં જ છે.

સાચું તો એ છે કે બીજાને દેખાડવા જેવી બહુ રહી નથી, એટલે આપણે દેખાડાની જિંદગી જીવી રહ્યાં છીએ. જાણે કરવાનું જ ખાસ કૈં રહ્યું નથી. બધાં પાસે સમય જ સમય છે, પણ નવરું કોઈ નથી. માથું અંદર ઘૂસતું નથી, નહિતર મોબાઇલની અંદર ઊંડે સુધી ડોકિયું કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે. નેટના આવવાથી બહારના લોકો અંદર આવી ગયા છે ને અંદરના લોકો  બહાર થઈ ગયા છે. એક જ ઘરમાં બધાં જ પાસેપાસે બેસે છે, પણ એમની વચ્ચે વાતો નથી થતી. વાતો બહારવાળાઓ સાથે થાય છે. પાસેનાની અવગણના અને દૂરનાની બહુગણના એ આજની હકીકત છે. ઘરમાં બેઠે બેઠે જ સંબંધો એટલા વધી ગયા છે કે ઔપચારિક્તાઓ નિભાવવામાં જ સમય નીકળી જાય છે. એમાં હોય તો પણ સચ્ચાઈ નામની જ છે.

દાખલા તરીકે તમે ભર ઊંઘમાં છો ને ઓચિંતો મોબાઈલ વાગી પડે છે. ઊંઘમાં જ તમે પૂછો છો, ‘કોણ?’ અને મિત્ર ફાટે છે, ‘હેપી બર્થ ડે !’ તમે કૈં બોલો એ પહેલાં મિત્ર તો સૂઈ જાય છે, પણ તમારી ઊંઘ ઊડી જાય છે, એ વિચારે કે બર્થ ડે પણ બહારથી આવે છે ને પત્ની બાજુમાં છે, પણ એ તો વૈધવ્ય માણતી હોય તેમ નિરાંતે ઘોરે છે. સવાર થાય ત્યાં સુધીમાં તો ઘણાંની બર્થ ડે પણ આવી ધમકે છે ને દૂરનો મિત્ર કહે છે, ‘મને વિશ ના જ કર્યુંને !’ તમે છોભીલા પડીને કહો છો, ‘સોરી યાર, ભૂલી ગયો.’ પછી તો ન ઓળખતા હો તેવાઓને પણ તમે શુભેચ્છાઓના ગુલદસ્તા મોકલી આપો છો. તમને ખબર છે કે તમારી શુભેચ્છાઓથી કોઈ તણખલું ય તોડી શકે એમ નથી, પણ એમ જ વિશિશની ડિશિશ બધાં મોકલતાં રહે છે. એનાથી આંખો ભરાય છે, પણ પેટ ભરાતું નથી. ફુગ્ગામાં હવાનું હોય એટલું વજન પણ શુભેચ્છાઓનું હોતું નથી, પણ આપણે પરપોટા ફોડતાં જ રહીએ છીએ. એમાં સચ્ચાઈ હોય તો સલામ ભરવાની, પણ ન હોય તો લગામ કસવાની જરૂર જણાય છે એવું ખરું કે કેમ?

કેટલા બધા તહેવારો આપણી આસપાસ ઘુમરાતા જ રહે છે. માંડ પત્ની સાથે સમાધાન થયું હોય ત્યાં કોઈ મેસેજ ખડકે, ’હેપી હોળી !’ તો ફરી ધુમાડો જ થાય કે બીજું કૈં? ઘરમાં ધણી, ધાણીની જેમ ફૂટતો રહેતો હોય ત્યાં કોઈ ‘હેપી પ્રજાસત્તાક દિન’ કહે તો એ પ્રજાને સટ્ટાક સટ્ટાક દેવાનું મન થાય કે નહીં? ઘરમાં પાવર કટ હોય ને મેસેજ પર મેસેજ આવે, ’હેપી દિવાળી !’ તો વગર લાકડે જ હોળી થાય કે નહીં? ના, ના, મોબાઈલ ન હતો તો હોળી પહેલાં ને પછી પણ ઘરમાં ધુમાડો થતો જ હતો ને ! એમ તો બીજાની રોશનીથી પણ આપણે દીવા સળગાવતાં જ હતાને ! ને ‘હેપી ઉત્તરાયણ’ કોઈ નો’તું કહેતું તો ઠુમકા નો’તાં મારતા? ત્યારે શું હેપી નો’તાં? ને અત્યારે ‘હેપી, હેપી’ થાય છે તો ‘હેપી’ થઈ જવાય છે? કોઈ મને નેગેટિવ કહી શકે, પણ ગમે એટલો પોઝિટિવ માણસ પણ પોતે કોરોના પોઝિટિવ હોય તેવું ન જ ઈચ્છે, ખરું કે નહીં? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ કહેતું નથી ને આપણે ઔપચારિક્તાને રિલિજિયસલી ફોલો કરીએ છીએ. ગરબડ એમાં જ ક્યાંક છે !

સારું છે કે વર્ષ, હજાર દિવસનું નથી, નહિતર  બીજા ઘણા દિવસો ઉજવણીના હજી ઉમેરાય. વેલેન્ટાઇન ડે-ની જેમ ટર્પેન્ટાઈન ડે ઉજવવાની કોઈ માંગ કરે તો ના ન પડાય ને ના પાડો તો તમને ગણે કોણ? ‘હેપી વિશ્વ ભાષા દિવસ’ કહેનારા ગુજરાતીઓ ‘ભાસા’ ને ‘ભૂસા’માં કોઈ ફરક ન કરે એમ બને. ગુજરાતીને અંગ્રેજી કરનારા, ‘વિશ્વ ભાષા’ને હેપી નહીં કરે તો રાષ્ટ્રભાષાને કરશે? ‘હેપી બાલ દિન’ ઉજવનાર સામે કોઈ ‘હેપી ટાલ દિન’ માટે સરઘસ કાઢે તો તેનું માથું ન પકડાય. આ ભીડમાં ક્યારે સવારની ચા પીવાઇ જાય તેની ય ખબર ના પડે ને પત્નીને બીજી ‘ચા’નું કહો તો તે ‘ચાહ’ કેટલી ખૂટે છે તેનું ધારદાર વક્તવ્ય આપે એની તૈયારી રાખવી પડે. એટલા બધા દિવસો ઉજવાય છે કે વર્ષ ટૂંકું પડે. ‘ફેશન ડે’, ‘સારી ડે’, ‘વર્લ્ડ હેલ્થ ડે’, ‘કોમનવેલ્થ ડે’ ‘હેરિટેજ ડે’ ‘ડાયાબિટીસ ડે’ … ને એવું તો કૈં કૈં ચાલે છે. જેને કારણે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે તે કારેલાનો દિવસ કોઈ ઉજવવાનું શરૂ કરે તો નવાઈ નહીં ! પેરાસિટામોલ વગર તો મોલમાં જવાની તાકાત જ ના રહે. તો એનો દિવસ પણ હોયને ! કૂતરા આપણી રખેવાળી કરે છે ને વફાદાર તો છે જ, તો ‘કૂતરા દિવસ’ કેમ નહીં? ને ગધેડો આટલો બોજ ઉઠાવે છે તો ‘ગધ્ધા દિવસ’ પણ ઊજવી જ શકાયને ! કાગડાને કારણે તો મહેમાન આવે છે ને એ ન હોય તો આખું શ્રાદ્ધ પર્વ અનાથ થઈ જાય તો ‘કૌવા દિન’ પણ કા – કા – કરે તો ના કેમ પાડવી? ચાલો, રાજકારણ કોમન થઈ ગયું છે તો એ ન ઉજવાય તે સમજાય, પણ એને પગલે ‘તારાજકારણ’ ઉજવાય તો તેની તૈયારી રાખવી પડે. એવી જ રીતે ખાસડા ડે, ટેબ્લેટ ડે, બિસ્કિટ ડે, મંચૂરિયન ડે, પિત્ઝા ડે … વગેરે કેટલા બધા ડે, ડે એન્ડ નાઈટ ઊજવી શકાય. એ હિસાબે તો ડે ઉજવવામાં આપણો જ પનો ટૂંકો પડે છે એવું નહીં?

જો કે, ખાસડા ડે ન રાખવો. કારણ એ પહેરીને બહાર જવાનું તો લગભગ બંધ જ થઈ ગયું છે. હવે તો મોબાઇલમાં જ એટલું ફરવાનું થાય છે કે બહારનું જગત જોવાની જરૂર જ નથી પડતી. સાચું તો એ છે કે મોબાઈલે, મોબિલિટી જ ખતમ કરી નાખી છે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

કુલસુમ સયાની : સેવા, સામર્થ્ય અને સંનિષ્ઠાનું સૌંદર્ય

સોનલ પરીખ|Opinion - Opinion|29 March 2022

કુલસુમ સયાની એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. મહિલા દિન નિમિત્તે કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ …

આજે જે સૂત્ર ખૂબ પ્રચલિત છે, ‘ઈચ વન ટીચ વન’ એ એક સ્ત્રી દ્વારા લોકપ્રિય થયું હતું એ બહુ ઓછા જાણે છે. એ સ્ત્રીનું નામ છે કુલસુમ સયાની. ભારતમાં પ્રૌઢ શિક્ષણનો પાયો કુલસુમજીએ નાખ્યો હતો. આ કુલસુમ સયાની એટલે વિખ્યાત રેડિયો ઉદ્દઘોષક અમીન સયાનીનાં મા. કુલસુમ એટલે સુંદર. કુલસુમજીના વ્યક્તિત્વમાં સામર્થ્ય અને સંનિષ્ઠાનું છલોછલ સૌંદર્ય હતું. મહિલા દિવસ નિમિત્તે જાણીએ આ પ્રતિભાના સૌંદર્યથી છલોછલ મહિલાને.

કુલસુમજીને આ કામ કરવાની પ્રેરણા આપનાર હતા ખુદ મહાત્મા ગાંધી. કુલસુમજીના પિતા ડૉ. રજબઅલી પટેલ ગાંધીજી અને મૌલાના આઝાદના અંગત ડૉક્ટર હતા. ડૉ. રજબઅલીને પાંચ સંતાનો હતાં. બધાં ખૂબ સુશિક્ષિત હતાં, સાચા દેશપ્રેમીઓ હતાં અને વૈશ્વિક માનવતાના સ્તરે વિચારનારાં અને જીવનારાં હતાં. ગાંધીજીની પ્રેરણાથી કુલસુમજીએ દેશસેવા માટે નિરક્ષરતા નિવારણનું ક્ષેત્ર પસંદ કર્યું. 18 વર્ષની ઉંમરે એમનાં લગ્ન ડૉ. જાનમહમ્મદ સાથે થયાં. ડૉ. જાનમહમ્મદનો પરિવાર મૂળ કચ્છનો પણ વર્ષોથી મુંબઈમાં વસી ગયેલો. એ સમયનું મુંબઈ દેશકાર્યો અને આંદોલનોથી ધબકતું હતું. ડૉ. જાનમહમ્મદના પિતા ઈબ્રાહીમભાઈ અને કાકા રહીમતુલ્લા પણ દેશસેવા અને સમાજસુધારણામાં ઊંડો રસ લેતા. રહીમતુલ્લા સયાની 1896માં કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા.

1921માં પ્રિન્સ ઑફ વૅલ્સનું આગમન થયું ત્યારે એના વિરોધમાં મુંબઈમાં અનેક દેખાવો થયા. અંગ્રેજ સરકાર મારપીટ અને ગોળીબારો પર ઊતરી આવી હતી. એ સમયને યાદ કરતાં કુલસુમબહેન કહેતાં, ‘ઘવાયેલાની સારવાર કરવા માટે એક ખાસ હૉસ્પિટલ ઊભી થઈ હતી. મારા પતિ જાનમહમ્મદ એમાં નીમાયેલા પ્રથમ ડૉક્ટર હતા. અમારી પાસે રેડક્રોસના બિલ્લાવાળી નાની સેક્સન મોટરકાર હતી. મારા પતિ કરફ્યુ મુકાયેલા વિસ્તારમાંથી પસાર થઈ હૉસ્પિટલમાં જાય. બન્ને તરફ સરકારી પોલિસ ઊભી હોય. જ્યાં સુધી એમનો પહોંચી ગયાનો ફોન ન આવે ત્યાં સુધી હું ફોનને ચોંટી રહું.’

મહાત્મા ગાંધી સાથે અને પરિવારમાં થતી વાતોથી કુલસુમજીને શિક્ષણનું મહત્ત્વ સમજાયું હતું. 1938માં એમણે 100 રૂપિયાની મૂડીથી બે શિક્ષકો રાખ્યા. પોતે મુસ્લિમ વિસ્તારોમાં ફરી વિદ્યાર્થિનીઓ શોધવા લાગ્યાં. એ વખતે મુસ્લિમ વિસ્તારમાં છોકરીઓને ભણાવવાનું કહેવું કેટલું અઘરું હશે એ કલ્પવું મુશ્કેલ નથી. કેટલી ય વાર તો લોકો એમના મોં પર ઘરનો દરવાજો બંધ કરી દેતા – છોકરીને ભણાવીએ? શા માટે?

આવા પ્રસંગે હતાશ થવાને બદલે, શિક્ષણ માટે કેટલું બધું કામ કરવાની જરૂર છે એની પ્રતીતિ તેમને થાય. તેઓ મુંબઈની અનેક સમિતિ સાથે જોડાયાં. કાઁગ્રેસે 1938માં સ્થપાયેલી પહેલી નેશનલ પ્લાનિંગ કમિટી સાથે તેઓ સંકળાયેલાં હતાં. તેમણે મુસ્લિમ કન્યાઓને ઘેર બેઠા શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી. જો કે તેઓ માત્ર મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ નહોતાં કરતાં. 1944ની ઑલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સનાં તેઓ સચિવ હતાં અને સ્ત્રીસશક્તિકરણનાં અનેક કામ કરતાં.

પણ તેમનું સૌથી ઉમદા કામ શિક્ષણક્ષેત્રે રહ્યું. માર્ચ 1970માં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ની દિલ્હી આવૃત્તિએ નોંધ્યું છે કે ‘કુલસુમ સયાનીએ 1939માં ‘ધ બોમ્બે સિટી એજ્યુકેશન સોસાયટી’નો વહીવટ સંભાળ્યો. ત્રણ દાયકામાં સોસાયટીએ ઉર્દૂ, હિંદી, ગુજરાતી, મરાઠી અને તેલુગુ ભાષામાં પાંચ લાખ પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપ્યું છે. કુલસુમ સયાનીના દિવસો શાળાઓ શરૂ કરવા અને વિદ્યાર્થીઓ શોધવામાં વીતે છે અને રાત પ્રૌઢશિક્ષણમાં.’ તે વખતની મોટા ભાગની શિક્ષણ પ્રવૃત્તિઓમાં કુલસુમજીની આગેવાની હતી અને ‘ઇચ વન ટીચ વન’ જેવી અનેક સ્કીમ એમણે શરૂ પણ કરેલી. શાળાઓમાં જઈ તેઓ વિદ્યાર્થીઓને મળતાં, સંબોધતાં અને કહેતાં કે રોજની માત્ર 15 મિનિટ આપો અને કોઈ એકને શીખવો. વડીલો પાસે બેસીને પૌરાણિક વાર્તાઓ સાંભળો – ગરીબ સ્ત્રીઓને કમાવા જવું પડે છે અને શ્રીમંત સ્ત્રીઓ સભાસમારંભોમાંથી ઊંચી નથી આવતી. બાળકોને આપણી સંસ્કૃતિ કોણ શીખવશે? તેઓ મોટેથી વાંચવાને મહત્ત્વ આપતાં. થોડા મિત્રો એકઠા થાય અને વારાફરતી મોટેથી વાંચે. નવશિક્ષિતોને આનાથી પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ મળે છે એમ કહેતાં. અઠવાડિયે ત્રણચાર શાળાઓમાં જઈ તેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતાં.

પુખ્ત વયના નવશિક્ષિતો માટે એમણે એક અખબાર ‘રાહબર’ શરૂ કર્યું હતું. આ અખબાર હિંદી, ઉર્દૂ અને ગુજરાતી ત્રણ લિપિમાં પ્રગટ થતું. તેની ભાષા હિંદી અને ઉર્દૂના સંયોજન સમી ‘હિંદુસ્તાની’ હતી. એ સમયે હિંદી અને ઉર્દૂ વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. પોતપોતાની ઓળખ અને મહત્ત્વ સ્થાપિત કરવા હિંદીના સમર્થકો સંસ્કૃતપ્રચૂર હિંદીનો ઉપયોગ કરતા અને ઉર્દૂ ભાષા પર્શિયન અને અરેબિક શબ્દોથી પ્રચૂર હતી. આ બન્ને ભાષાભાષીઓ નિકટ આવે તે માટે ગાંધીજી હિંદી અને ઉર્દૂના સંયોજન હિંદુસ્તાની ભાષાનો પ્રસાર કરતા. ‘રાહબર’માં ‘હિંદુસ્તાની’ ભાષા પ્રયોજવી એવું સૂચન ગાંધીજીનું જ હતું. શહેર-ગામનાં લોકોથી માંડી જેલોમાં પુરાયેલા દેશપ્રેમીઓ સૌ ગાંધીજીની ‘હિંદુસ્તાની’માં રસ લેતા અને ‘રાહબર’ વાંચતા. 1945માં ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખેલો, ‘બેટી કુલસુમ, ‘રાહબર’નું હિંદી અને ઉર્દૂને એક કરવાનું મિશન મને ખૂબ ગમ્યું છે. એ સફળ થાઓ.’

સ્વતંત્રતા મળી ત્યારે ભાષાવિવાદ ફરી છેડાયો. 22 જુલાઈ 1947ના દિવસે ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખ્યો, ‘બંધારણસભા શું નક્કી કરશે તે ખબર પડતી નથી, મારો અને તારો આદર્શ તો બે લિપિમાં લખાયેલી હિંદુસ્તાની જ રહેશે.’

કુલસુમજીએ અનેક આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1953માં તેમણે પેરિસમાં ભરાયેલી યુનેસ્કો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યાં આવેલા અનેક દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી નવા વિચારો મેળવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સુમેળ થાય તેવા તમામ પ્રયત્ન તેઓ કરતાં. વર્ષોનાં અનુભવો અને કામગીરીએ એમને એવી પ્રતિષ્ઠા આપી હતી કે બન્ને દેશોમાં એમના પ્રશંસકો હતા. બન્ને દેશોના નેતાઓને તેઓ મળી શકતાં.

પંડિત નહેરુ, બી.જી. ખેર, વી.કે. કૃષ્નમેનન, રફી અહમદ કિડવાઈ અને ઈન્દિરા ગાંધી જેવાં નેતાઓ ‘રાહબર’ના તંત્રી તરીકે કુલસુમજીને સન્માનથી જોતાં અને એમનાં ભારત-પાકિસ્તાન સુમેળના પ્રયાસોને પ્રોત્સાહિત કરતાં. જો કે પંડિત નહેરુ અને કિડવાઈના મૃત્યુ બાદ એમણે વધુ ધ્યાન હિંદુસ્તાની ભાષાના પ્રચાર પર આપ્યું હતું.

વીસ વર્ષ એમણે એકલે હાથે ‘રાહબર’ સંભાળ્યું. 1960માં વધતી ઉંમર અને અમલદારશાહીને કારણે ‘રાહબર’ બંધ પડ્યું, પણ તેમનું હિંદુસ્તાની પ્રચાર સભા અને અન્ય પ્રવૃત્તિઓ સાથેનું અનુસંધાન છેક સુધી કાયમ રહ્યું. નિરક્ષરતા નિવારણનું એમનું ધ્યેય કદી ન વીસર્યાં. 1960માં એમને પદ્મશ્રી અને 1969માં નહેરુ સાક્ષરતા અવૉર્ડ મળ્યાં. 1987ના મે મહિનામાં એમનું નિધન થયું.

મહાત્મા ગાંધી સાથે પિતા સંદર્ભે સંકળાયેલા હતાં, લગ્ન પછી પતિના સંબંધે પણ સંકળાયેલાં રહ્યા. બન્ને પરિવારો સુશિક્ષિત, રાષ્ટ્રીય આંદોલનોમાં સક્રિય અને સમાજસુધારણા, અંધશ્રદ્ધા નિર્મૂલન, કોમી એકતા માટે કામ કરતા. કુલસુમજીએ આ બધું શિક્ષણ દ્વારા કર્યું. સાથે રેંટિયો, જનજાગરણનાં કામો કર્યાં. મુસ્લિમ લીગના આગેવાનો એમનો વિરોધ કરતાં. એમને ડર હતો કે આમ તો વંચિત-ગરીબ મુસ્લિમો કૉંગ્રેસતરફી થઈ જશે. કુલસુમજીને રાજકારણ સ્પર્શતું નહીં. તેઓ સમાજને ઊંચો લાવવા, સ્ત્રીઓને સશક્ત બનાવવા અનેક પ્રયત્નો કરતાં. ‘ફાયરબ્રાન્ડ રિફૉર્મર’ શબ્દો વાપર્યા છે. 42ની ચળવળ વખતે અંડરગ્રાઉંડ થયેલાં અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી કુલસુમજીના ઘરમાં આશ્રય લેતાં. પરિવાર અને દેશસેવાનું આબાદ સંતુલન જાળવ્યું. કુલસુમજીનું જીવન અનેક રીતે પ્રેરણાદાયક હતું. ત્રણ દીકરાઓના ઉછેર સાથે દેશસેવા કરવાનું સહેલું નહોતું પણ બન્ને ક્ષેત્રોને તેમણે સામર્થ્યપૂર્વક અને અથાક મહેનતથી સંભાળ્યાં. એમના બન્ને પુત્રો હમીદ અને અમીન પ્રખ્યાત રેડિયો ઉદ્દઘોષકો બન્યા અને મોટા હબીબ અમેરિકામાં સ્થિર થયા. અમીન પોતાની હિંદુસ્તાની ભાષા પરના પ્રભુત્વનું શ્રેય માતા કુલસુમ અને એમના ‘રાહબર’ને આપે છે.

કુલસુમજી એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. આજની મહિલાઓ ખૂબ સશક્ત અને આત્મવિશ્વાસથી ભરેલી છે. મહિલા દિને કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ … 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 માર્ચ 2022

Loading

...102030...1,4521,4531,4541,455...1,4601,4701,480...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved