ને પછી સમાજ પર સત્તા હાવી થાય છે
ને પછી એમાં જ જુઠ્ઠાણાંના અમીબા મલ્ટિપ્લાય થાય છે!
ને પછી એ જુઠ્ઠાણાં જ જીવતરનું ખાતર બને છે.
ને પછી એ ખાતરથી જ જીવન ખાતર થાય છે.
ને પછી એ સિલસિલો ચાલ્યા જ કરે છે.
ને પછી એમાંથી રમૂજો-મજાકો-મશ્કરીઓ ઊગ્યા કરે છે
ને પછી એમ એ બધું ઊધઈમાં ફરી જાય છે.
ને પછી એ ઊધઈ ધરમકરમની વાતો ખાઈ-ખાઈ પુષ્ટ થાય છે.
ને પછી એ આંધળા અંધારે જીવ્યા કરે છે.
ને પછી આવનારી પેઢી એમાં જ ભળ્યા કરે છે.
ને પછી એય એની એ જ વાતો જુદા રાગે ગાયા કરે છે!
ને પછી જુઠ્ઠાણાંના જાતજાતના થોર ઊગે છે
ને પછી એના કાંટાથી નવી હવા ચિરાયા કરે છે
ને પછી એનાથી જ સમાજ આખો ખદબદે છે.
ને પછી એને જ વિકાસ કહેવાય છે.
ને પછી એમ જ દિવસો …
મહિનાઓ ….
વરસો જાય છે!
– જોઉં છું તો સવારે
ખડખડાટ હસતો સૂર્ય
ક્ષિતિજ પર …
ને પછી એમ જ ….
E-mail : ybmacwan@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 05
![]()



સિનિયર સિટીઝન્સ આમ પણ ઘરમાં અને દેશમાં બોજ છે. એ વાત તેઓ સારી રીતે જાણે છે. એ એટલા મૂરખ પણ નથી કે કોઈ પતાવે છે કે પટાવે છે તે ન સમજે. સરકારે એમનું ઘણું ભલું કરવું છે, પણ તે હોય ત્યાં સુધી તો શક્ય લાગતું નથી. સરકાર તેમનું ભલું કરવાનાં નાટકો હોલસેલમાં કરતી રહે છે, પણ વૃદ્ધો છેતરાવા તૈયાર હોય છે એટલે સરકાર પણ છેતરવાનો આનંદ લઈ શકે છે. સિનિયર્સ પણ જેમ એમનું ઘરમાં જુદું કઢાતું હોય છે એમ સરકારનું પણ જુદું કાઢે છે. હવે ગાય-કૂતરાનું ને સરકારનું લગભગ ઘણાં ઘરો જુદું કાઢતાં થયાં છે જેથી કોઈ બારણેથી ખાલી પેટે ન જાય. એક જમાનામાં માંગનારાઓ બારણે ટહેલ નાખતા રહેતા, તે હવે સરકાર પાસે જાય છે ને સરકાર અનેક રૂપે સવારથી જ બારણાં ઠોકતી જનતાની સામે હાથ લંબાવતી ઊભી રહી જાય છે. કોર્પોરેશન, વીજળી કંપની ને એવાં તો કૈં કૈં ઉઘરાણી કાઢતાં હાજર થઈ જાય છે. આવકવેરો ભર્યા પછી પણ બિસ્કિટના પેકેટથી માંડીને અનેક વસ્તુઓની ખરીદી પર અને વેચાણ પર એટલી બધી જાતના ટેક્સ લાગે છે કે સાધારણ માણસની આવક એ વેરા ભરવા માટે તો નથી ને એવો વહેમ પડે. ઇન્કમ એટલે જ ટેક્સ એવું સમીકરણ સામાન્ય માણસ માટે સાચું થઈ ગયું છે. એ પણ પ્રશ્ન જ છે કે જેટલા વેરા ભરાય છે તે તો સીધા આવકમાંથી જ કપાય છે તો વેરા, ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર ખરા કે કેમ? ખરેખર તો સિનિયર્સને આવકવેરામાંથી કાયમી ધોરણે મુક્તિ આપવી જોઈએ, પણ નાણા મંત્રીએ બધાં ઘરડાંઓની એમ કહીને મશ્કરી કરી હતી કે એમણે રિટર્ન ભરવાનું નથી. એમણે જ્યારે કહ્યું કે 75 ઉપરનાઓએ હવેથી રિટર્ન ફાઇલ કરવાનું નથી, તો ડોસાઓ રાજી થયેલા કે ટેક્સ ભરવામાંથી તેમને મુક્તિ મળી છે, પછી ભોપાળું બહાર આવ્યું કે રિટર્ન ન ભરો તો ચાલે, પણ તે ફોર્મ ન ભરો એટલા પૂરતું જ, બાકી ટેક્સ લાગતો હોય તો, તે પેન્શનરનાં ખાતામાંથી બેન્ક જ કાપી લેશે. ડોસાઓએ એ દિવસે ઉલ્લુ બન્યાનો આનંદ લીધેલો.