Opinion Magazine
Number of visits: 9672645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંગડી બંધન 

મનીષી જાની|Poetry|24 July 2022

જેમ અડધી આલમને

બંધનની બંગડીઓમાં પૂરી 

રખાઈ છે,

એમ જ

મારા દેશની લોકશાહીને

બંગડી આકારનાં પાર્લામેન્ટમાં

પૂરી દેવાઈ છે …

એ

બંગડીમાં બેઠેલાં બગલા જેવાં સફેદ વસ્ત્રધારીઓ

એકબીજાને કલંકિત

કાળાંમેશ વસ્ત્રધારી કહીને

બસ,

ભાંડ્યા કરે છે,

એક દળ બીજા દળને ચોર

કહે છે,

બીજું દળ પહેલા દળને

ચોર કહે છે,

પછી એકબીજા પર

માઈકો ફેંકવાની રમત રમે છે

પછી એકબીજા ને ભેટી

ખાધું પીધું ને રાજ કરે છે …

બંગડીની બહાર

દલ દલ કાદવમાં

બેરોજગાર

ઉછળતું લોહી ખૂંપી રહ્યું છે,

પેટ્રોલના ઊંચા ઉછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,

નીચે ને નીચે પડી રહેલો,

ખાંસતો, ગબડતો, બબડતો

રૂપિયો ….

મોંઘીદાટ કોલેજોની દુકાનોની

બહાર ઊભાં ઊભાં

ચમકદાર, ભભકદાર

શૉકેસને જોયાં કરતાં

યુવક યુવતીઓ,

વિન્ડો શોપિંગમાં ખોવાઈ

ગયેલાં છાત્ર છાત્રાઓ …

ડોક્ટરોએ

લખી આપેલાં દવાઓનાં લાંબા પ્રિસ્ક્રીપ્શનના કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો

ને વૃદ્ધાઓ ..

ખિસ્સામાં અફવાઓનાં

ટોળાં લઈ ફરતાં ચહેરાઓ

જે

મરેલી ગાયનાં ચામડાં

ઉતરડનારને અસ્પૃશ્ય

ગણી પાણીનાં છાંટે

સ્નાન કરે છે

એ

જીવતાં માણસની

ચામડી

ઉતરડી નાંખવાના

સામૂહિક આનંદનાં

મેળા યોજે છે …

બધું જ દલદલમાં

ખૂંપી રહ્યું છે ..

ભૂખ્યાં તરસ્યાં લોકોની

ખાલી થાળીઓની

ઉઠાંતરી કરી

ભકતો

થાળીઓના મંજીરાં

બનાવી

લોકશાહીનાં ભજનો

ભસી રહ્યાં છે ..

મારા દેશની લોકશાહી

બંગડી આકારનાં

પાર્લામેન્ટના 

બંધનમાં

બંધાઈ ગઈ છે ..

22 જુલાઈ 2018
(મને અંધારાં બોલાવે – કાવ્ય સંગ્રહમાંથી)

Loading

આપણને માણસજાત તરીકે હિંસા માફક આવી ગઇ છે કે આપણને સાચી પ્રતિક્રિયા નથી ખબર?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 July 2022

ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું, કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે

1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય. પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી, અને એટલી હદે વધી કે છેલ્લાં 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ. જેમ કે સીરિયાના સિવિલ વૉરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.

આ તો થઇ એવા સંઘર્ષોની વાત જેમાં હિંસા, અરાજકતા, જાન-માલનું નુકસાન, રાજકારણ જેવું ઘણું બધું ગુંચવાયેલું છે.

પરંતુ તમે માનશો કે 2017માં આખી દુનિયામાં પાંચ લાખ લોકોના મોત હત્યા કરવાને કારણે થયા હતા – આ આંકડો સશસ્ત્ર સંઘર્ષમાં માર્યા ગયેલા 89,000 અને આતંકી હુમલાઓમાં માર્યા ગયેલા 19,000 કરતા કંઇ ગણો મોટો છે. યુ.એન.ના જે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 16’ છે તેમાંનો એક મુદ્દો છે કે હિંસામાં થતા મોતનો આંકડો નોંધનીય રીતે ઘટાડવાનો છે, તેને સિદ્ધ કરવા માટે સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિઓ બદલાય તે જરૂરી છે. જે રીતે દુનિયા આખીમાં હિંસક ગુનાઓની સંખ્યા વધી રહી છે તે જોતાં આ સિદ્ધિ જે 2030 સુધીમાં મેળવવાની છે, તે શક્ય જ નહીં બને.

જેમ આપણે ઉપર વાત કરી તેમ હિંસાના પણ અલગ અલગ પ્રકાર હોય છે – આપણા દેશમાં ગૅંગ વૉર્સ નથી થતા – અથવા તો દેખીતી રીતે એ સંઘર્ષો બહાર નથી આવતા એનો મતલબ એમ નથી કે દુનિયામાં બીજે આ પ્રકારના ગુના નથી આચરાઇ રહ્યા. અમેરિકાના બન્ને ખંડોના અલગ અલગ દેશોમાં ખૂનના બનાવો સૌથી વધુ બને છે – આખી દુનિયામાં થતા હત્યાના બનાવોમાંથી 37 ટકા જેટલા ગુના અહીં થાય છે. – તે પણ એવા પ્રદેશોમાં જે વૈશ્વિક વસ્તીમાં માંડ 13 ટકા હિસ્સો ધરાવે છે. વળી આપણે ત્યાં પણ ભાઇએ બહેનને રહેંસી નાખી, માએ બાળકોને મારી નાખ્યા, પિતાએ ભાઇના પરિવારને પતાવી દીધો, બૉયફ્રેન્ડે ધોળા દિવસે ગર્લફ્રેન્ડની હત્યા કરી, બળાત્કાર પછી બાળકી કે યુવતીની હત્યા કરી નાખી, જેવા સમાચારો કંઇ નવા નથી. બિમારુ રાજ્યો હોય, હાઇ સોસાયટી વાળા મેટ્રોઝ હોય કે પછી મધ્ય ભારત હોય – બધે જ, બધા જ પ્રકારના હિંસક ગુનાઓ થાય છે. એટલું ઓછું હોય તેમ મહિલાઓ, પત્રકારો, તાજેતરમાં તો પોલીસ સામે આચરાયેલા હિંસક ગુનાઓના સમાચારો આપણે માટે નવા નથી. આવા કિસ્સાઓ વિદેશમાં પણ બને જ છે.

અચાનક જ હિંસાના આંકડાની ચર્ચા શા માટે? આપણે બધા ડિજિટલી સતત પ્રવૃત્ત રહીએ છીએ – ગમે કે ન ગમે પણ એક હકીકત એ છે કે હત્યા-મારપીટ જેવી કોઇ પણ હિંસાને લગતું ‘કોન્ટેન્ટ’ હાથ લાગે તો એની પર નજર કરી લેવાનું આપણને કઠતું નથી. હિંસાનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને બદલાતા રહ્યાં છે – કોઇને ભાંડવાથી માંડીને ધમકી આપવી, કોઇને અપમાનિત કરવા, કોઇની ઉશ્કેરણી કરવી, મારઝૂડ કરવાથી માંડીને હત્યા સુધીની ઘટનાઓ થકી હિંસા આચરાય છે. કમનસીબે હિંસાનું આ વમળ આપણી પર પણ અસર કરે છે. હિંસા કેવી છે, તેની તીવ્રતા વધારે છે કે ઓછી છે તે બધાને આધારે આપણે માણસજાત તરીકે તેની ગંભીરતા કે ક્ષુલ્લકતાને નાણવા લાગ્યા છીએ. હિંસા ક્યાં આચરાઇ છે, તેમાં કયા વર્ગના લોકો સામેલ છે, હત્યા કેટલી ક્રૂર રીતે કરાય છે, જે પણ ગુનામાં સામેલ હતા તે – ભોગ બનનારા અને ગુનો આચરનારા તેમની સમાજમાં પ્રતિષ્ઠાથી માંડીને તેમના રાજકીય ઝૂકાવને સુધ્ધાં આપણે ગણતરીમાં લઇએ છીએ – કમનસીબે આપણે તો ધર્મનો પણ આ લિસ્ટમાં ઉમેરો કરીએ છીએ. હિંસાના બનાવ પ્રત્યે આપણી પ્રતિક્રિયા આ બધા પરિમાણોને આધારે નક્કી થાય છે. ઘણીવાર આપણે એવી હિંસાની વાત આવે ત્યારે એવો પ્રતિભાવ સાંભળીએ કે – “આવું તો થાય જ છે ને વળી, ચાલે આ તો” – એવો જ હિંસક બનાવ – અથવા તો રાજકીય સંઘર્ષની સ્થિતિ ક્યાંક બીજે બને તો આપણા કાટલાં બદલાઇ જાય છે કારણ કે એ આપણું ‘કન્ડિશનિંગ’ છે. વળી ચર્ચાઘેલા આપણને આપણો અભિપ્રાય આપવાનો ઉત્સાહ ચાર ગણો હોય છે – ગુનેગાર તો પોતાને જે કાંડ કરવો છે કરીને કાં તો છટક્યો છે કાં તો પોલીસના હાથમાં છે – પણ આપણે એક સમાજ તરીકે આગવું ન્યાયાલય – ‘આપકી અદાલત’ નહીં પણ આગવી અદાલત ખોલી બેસીએ છીએ – ચર્ચા જીતવાના મોહલમાં ‘વિક્ટિમ’ – ભોગ બનનારનું શું? – એ મુદ્દાનો આખા સમીકરણમાંથી છેદ ઊડી જાય છે. વળી પોતાનો મુદ્દો જ સાચો છે એ સાબિત કરવાની હોડમાં આપણે આપણી માણસાઇ ખોઇ બેસીએ છીએ – અચાનક જ હિંસાની યોગ્યતા કે અયોગ્યતાને બદલે અરાજકતા જ ફેલાયલી રહે તે આપણને માફક આવી જાય છે. બીજાઓ સાથે આચરાતી હિંસાનો સીધો કે આડકતરો હિસ્સો બનવાનું પણ આપણને ફાવી ગયું છે. ટૂંકમાં આપણા પેટનું પાણી નથી હલતું, આપણે નિંભર થઇ ગયા છીએ. ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું , કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે. હિંસાને મામલા આપણો અભિગમ ‘કોણ ગયું છે’ તેના આધારે નક્કી થઇ રહ્યો છે, એક સ્વસ્થ સમાજ માટે આ લાલ બત્તી છે.

બાય ધી વેઃ

આપણી માનસિકતામાં આવેલો બદલાવ એક બાબત છે તો બીજી બાબત છે કે ગુના આચરનારાઓ પાસે હવે વિકલ્પો વધ્યા છે. ટૅક સૅવી બનેલા આતંકીઓ હોય કે સિરિયલ કિલર્સ કે પછી કોઇ છોકરીને ડરાવનારો પૂર્વ પ્રેમી તેમની પાસે ડેટા છે. વૈશ્વિક દૃષ્ટિએ વાત કરીએ તો બાયોલૉજિકલ હુમલાઓ અને ન્યુક્લિઅર હથિયારો આધુનિક યુગની શોધ છે, સાઇબર અટેક્સ આંતરરાષ્ટ્રીય વૉર ફૅરનું હથિયાર બન્યા છે. માણસની પ્રતિક્રિયાની પણ જુદી જ હોય છે, માન્યામાં ન આવતું હોય તો તમે પોતે જ આ સવાલનો જવાબ જાતને આપજો – કોઇનું આર્મીમાં શહીદ થવું, કોઇ ગુનેગારનું એન્કાઉન્ટર થવું, વિદેશમાં ક્યાંક અંધાધૂંધ ગોળીબારી થવી, કોઇ મુસલમાનનું લિન્ચિંગમાં મોત થવું, કોઇ ક્લબમાં બળાત્કાર કે પછી કોઇ ગામડામાં એક કોમ દ્વારા બીજી કોમની છોકરી સાથેનું બેહૂદું કૃત્ય, કોઇ દલિતની ઘોડસવારી બદલ હત્યા કે પછી કાશ્મીરમાં થતી હિંસા – આ દરેકમાં ઘટના હિંસા છે – નકરી હિંસા … શું તમારી પ્રતિક્રિયા એ તમામ પ્રત્યે ઓછા વત્તા પ્રમાણમાં સહાનુભૂતિની છે કે પછી વિગતો પ્રત્યેની ઉત્સુકતા છે કે પછી ‘આપણે કેટલા ટકા’ની છે. – જવાબ કહેશે કે તમારામાં માણસાઇ કેટલી બચી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જુલાઈ 2022

Loading

“તું તારું કર” – બિન્દુમાં સિન્ધુ જેવડી વાત …

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|24 July 2022

સામાન્ય વાતચીતમાં આપણે ઘણીવાર બીજાઓને એમ કહેતા હોઈએ છીએ કે “તું તારું કર”. આમ તો આપણે કોઈ વિશેષ પ્રયોજન કે આશય વિના સહજ ભાવે આમ બોલતા હોઈએ છીએ, પણ જો આ સૂત્ર પાછળનો ભાવાર્થ જાણવા પ્રયાસ કરીશું તો ખ્યાલ આવશે કે આ લઘુસૂત્રને જીવનનો મૂળમંત્ર બનાવીએ તો વ્યક્તિવિશેષ અને રાષ્ટ્ર સમસ્ત માટે ઝાઝી માથાકૂટ વિના અપ્રતિમ પરિણામો હાંસલ કરી શકાય એમ છે. વસ્તુત: આ ત્રિઅક્ષરી લઘુસૂત્ર જીવનનો મૂળમંત્ર છે એ કદાચ બોલતી વખતે આપણી જાણ બહાર હોય છે.

આવો, આપણે ગાગરમાં સાગર જેવા આ ત્રણ શબ્દો કેટલું અર્થગાંભીર્ય ધરાવે છે તેની વાત કરીએ. વાત સીધી-સાદી અને નાની અમથી છે. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં આપણે તે કહેતા ફરતા હોઈએ છીએ કે, “બીજી બધી પંચાતમાં પડ્યા વિના તું તારું કર ને, ભાઈ”! અહીં ‘તું તારું કર’, અર્થાત તું તારા જીવન-લક્ષ્ય સિવાયની બીજી આડી-અવળી વાતોમાં પડ્યા વિના અને વાહિયાત બાબતોમાં મગજ ચલાવ્યા વિના તારે જે કરવાનું છે તેના પર તું તારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર, જેથી કરીને તું તારું લક્ષ્યાંકિત કાર્ય તારી બધી આવડત, કુનેહ, કૌશલ્ય, ક્ષમતા અને બુદ્ધિશક્તિને કામે લગાડીને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકે અને તેમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી શકે. ઉપરાંત અન્યોના કામકાજમાં દખલ નહિ કરીને તેઓને પણ તેમના કાર્ય શ્રેષ્ઠ રીતે કરવામાં મદદ કરી શકે.

કેટલી સુંદર વાત! માત્ર ત્રણ શબ્દોમાં કેટલી મોટી વાત ધરબાયેલી પડી છે! સાચે જ, આ ત્રિઅક્ષરી મંત્ર મુજબ જો પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના કામમાં પોતાનું સો ટકા ધ્યાન કેન્દ્રિત કરી પોતાની સમસ્ત શક્તિ કામે લગાડી દે તો સામાન્ય કરતાં અનેકગણું વધારે ફળદાયી પરિણામ હાંસલ કરી શકાય છે, એમાં ઝાઝી શંકા કરવાને કોઈ સ્થાન નથી. માત્ર એટલું જ નહિ, દરેક વ્યક્તિ આ તદ્દન સાદા-સીધા મંત્ર (તું તારું કર) ને પોતાનો જીવનમંત્ર બનાવી લે અને તે પ્રમાણે દરેક કાર્ય તે કરે તો કલ્પનાતીત પરિણામો હાંસલ કરી શકાય છે.

સામાન્ય રીતે અન્યોની કામગીરીમાં બિનજરૂરી દખલ કરવી એ માનવ-સહજ પ્રકૃતિ છે. આના પરિણામે કોઈ ફળદાયી નિષ્કર્ષ કે નિપજ વિના નાહકનો આપણો પોતાનો અને અન્યોનો કિંમતી સમય આપણે બગાડતા હોઈએ છીએ. વ્યક્તિ અમીર હોય કે ગરીબ, સમયનું મૂલ્ય સૌને માટે સરખું છે. આપણે ગમે તેવી વ્યક્તિ હોઈએ તો પણ વિના કારણ કોઈનો મૂલ્યવાન સમય બગાડવાનો આપણને કોઈ હક નથી. દરેકના જીવનમાં સમયનું મૂલ્ય તો હોય જ છે કોઈકને માટે ઓછું હોય તો કોઈકને માટે વધારે.

‘તું તારું કર’ એ મર્મસભર વિધાનમાં વ્યક્તિ-વિકાસની વાત તો છે જ, પરંતુ એનાથી આગળ વધી તેમાં રાષ્ટ્ર સમસ્ત અને માનવજીવનના સર્વાંગી વિકાસની વાત પણ આડકતરી રીતે ધરબાયેલી પડી છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાના કાર્યમાં પૂર્ણત: મગ્ન થઈ પોતાની તમામ શક્તિ, જ્ઞાન, જાણકારી, કાબેલિયત અને કૌશલ્યો અને શ્રમ તેમાં રેડી દઈ પોતાનાથી બનતા શ્રેષ્ઠત્તમ પ્રયાસો કરે છે ત્યારે ચોક્કસપણે તે કાર્ય તેની સંભવિત શ્રેષ્ઠ ગુણવત્તાની કક્ષાએ પહોંચે છે. આ રીતે પાર પડેલા કાર્યનો હેતુ યથાર્થ રીતે સિદ્ધ થાય છે, એટલું જ નહિ આવું કાર્ય તેના કર્તાને તો ગૌરવ અપાવે જ છે, સાથોસાથ અન્યો માટે પણ તે ઉપયોગી અને પ્રેરણાદાયી નીવડે છે. આખરે તો વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે એ વધુ અગત્યનું છે, નહિ કે વ્યક્તિ ક્યું કાર્ય કરે છે. કાર્ય નહિ પણ કાર્ય કરવાની શૈલી વ્યક્તિને અન્યો કરતાં અલગ તારવે છે. સારી રીતે કાર્ય કરવાની સલાહ આપવી એક વાત છે અને પોતે સારી રીતે કાર્ય કરવું અલગ વાત છે. કોઈને સારી રીતે કાર્ય કરવાની સલાહ આપીએ એના કરતાં એ સલાહનો પહેલો ઉપયોગ આપણા પોતાના જ કાર્ય માટે કરીએ તો એ વધુ ઉપયોગી પુરવાર થશે. આપણી સલાહ કરતાં આપણું કાર્ય અન્યોને વધુ સારી રીતે પ્રેરિત કરી શકે છે.

આનાથી સહેજ આગળ વાત કરીએ. રાષ્ટ્રની અંદર એક સામાન્ય પટાવાળાથી માંડી પ્રધાન મંત્રી સુધી, એક સાધારણ શ્રમિકથી માંડી માલેતુજાર ઉદ્યોગકર્મી સુધીની દરેક વ્યક્તિ જો આ રીતે કાર્ય કરે તો દરેક કાર્યની કેટલી ગુણવત્તા જળવાય અને એના આધારે રાષ્ટ્ર કેટલી પ્રગતિ કરી શકે એની તમે કલ્પના પણ નહિ કરી શકો ! સાર્વજનિક ચર્ચાઓમાં આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસ માટે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઇએ. ઘણી વાર કોઈ રાષ્ટ્રના અવિકસિત રહી જવા માટે આપણે અપૂરતા સંસાધનો અને સાધનોને દોષ દેતા હોઈએ છીએ. અલબત્ત આ બધામાં સમય વેડફ્યા વિના આપણી પાસે જે કંઈ સંસાધનો-સાધનો છે તેનો ઈષ્ટત્તમ ઉપયોગ કરી “તું તારું કર” એ જીવનમંત્રને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં તમામ શક્તિ, ક્ષમતા, આવડત, કૌશલ્ય અને બૌદ્ધિક કાબેલિયત વડે પોતાના લક્ષ્યાંકિત કાર્યો કરે તો ખૂબ ઉમદા પરિણામો હાંસલ કરી શકાય છે અને ટાંચા સાધનો વડે પણ રાષ્ટ્ર બહુ ઝડપથી પ્રગતિ કરી શકે એમાં શંકા કરવા જેવું લાગતું નથી. અસ્તુ.

ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...1,4451,4461,4471,448...1,4601,4701,480...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved