Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદીઓનું જોડાણ : કેટલું ઉપકારક, કેટલું વિનાશક ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 April 2022

૨૦૨૧ના વિશ્વ જળ દિવસે (૨૨મી માર્ચ) વડા પ્રધાનની ઉપસ્થિતિમાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજનાનો આરંભ કરવાના કરાર પર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓના હસ્તાક્ષર થયા હતા. રૂ. ૪૪,૬૦૫ કરોડના અંદાજિત ખર્ચના કેન-બેતવા રિવર લિકિંગ પ્રોજેકટ માટે ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ.૧,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રએ અગાઉ મંજૂર કરેલ મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પના વિરોધમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હાલમાં આંદોલન કરી રહ્યા છે. એટલે નદી જોડાણ પરિયોજનાના લાભાલાભ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

આધુનિક ભારતની અકલ્પનીય અને વિશાળ એવી નદી જોડાણ પરિયોજના દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ આણવાનો ખ્યાલ છે. જળ સમૃદ્ધ નદીઓનું પૂરનું વધારાનું પાણી બંધો અને જળાશયો રચી, નદીઓનું જોડાણ કરી, નહેરો દ્વારા સૂકી કે ઓછું પાણી ધરાવતી નદીઓમાં ઠાલવવામાં આવશે. મધ્ય પ્રદેશમાંથી નીકળતી અને ઉત્તર પ્રદેશમાં યમુના નદીમાં મળી જતી કેન અને બેતવા યમુનાની સહાયક નદીઓ છે. બુંદેલખંડની જળ સમસ્યાના નિરાકરણ માટે જળસમૃદ્ધ કેન નદીનું પાણી મધ્ય પ્રદેશના પન્ના નજીકથી ઉઠાવીને એક બંધમાં સંગ્રહિત કરવામાં આવશે અને ૨૨૧ કિલોમીટર લાંબી નહેર મારફતે ઉત્તર પ્રદેશના ઝાંસી પાસે ઓછું પાણી ધરાવતી બેતવા નદીમાં  ઠાલવવામાં આવશે. આ પ્રકારે દેશની ૩૪ નદીઓનું જોડાણ કરવાનું વિચારાયું છે.

ભારતમાં નદીઓનાં જોડાણનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ શાસનકાળમાં ઉદ્દભવ્યો હતો. ઈ.સ. ૧૮૫૮માં મદ્રાસ પ્રેસિડેન્સીના ચીફ એન્જિનિયર સર આર્થર થોમસ કાર્ટને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વધુ બંદરોનો લાભ મળે અને તેના વિદેશી માલના પરિવહનનો ખર્ચ બચે તે માટે નદીઓનાં જોડાણનો વિચાર આપ્યો હતો. આઝાદ ભારતમાં ગઈ સદીના સાતમા દાયકે તત્કાલીન સિંચાઈ મંત્રી કે.એલ. રાવે ગંગા-કાવેરી નદીનાં જોડાણની યોજના વિચારી હતી. ઉત્તર ભારતની તુલનાએ દક્ષિણ અને મધ્ય ભારતમાં પાણીની અછત રહે છે. તેથી ઉત્તરની નદીઓનું પાણી દક્ષિણ ભારતમાં લઈ જવાની યોજના હતી. પરંતુ વિચારણાના અંતે આ યોજના નાણાકીય દૃષ્ટિએ અતિ ખર્ચાળ, તકનીકી દૃષ્ટિએ અવ્યવહારુ અને બિનઉપયોગી જણાઈ હતી.

સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨માં જાહેર હિતની અરજી પરના ચુકાદામાં ભારત સરકારને નદીઓનાં જોડાણની યોજના અંગે ગંભીરતાથી વિચારવા અને અમલ કરવા જણાવતાં આ યોજનામાં ગતિ આવી હતી. જો કે તે પૂર્વે નેશનલ વોટર ગ્રીડની રચનાનો પ્રસ્તાવ થઈ ચૂક્યો હતો અને નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની રચના પણ થઈ હતી. ૨૦૦૨માં અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે તેમની કેબિનેટના સાથી સુરેશ પ્રભુના અધ્યક્ષપદે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સે નદીઓનાં જોડાણ માટે રૂ. ૫,૬૦,૦૦૦ કરોડના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું. યુ.પી.એ. સરકારે નદી જોડાણ પરિયોજના અંગે કોઈ ખાસ પગલાં લીધાં નહોતા. હવે વર્તમાન સરકાર આ પરિયોજના અંગે આગળ વધી રહી છે.

છેલ્લી દોઢ સદીથી ચર્ચાતો અને નક્કર અમલની રાહ જોતો નદી જોડાણનો વિચાર વિરોધીઓને દિવાસ્વપ્ન તો સમર્થકોને જાદુઈ ચિરાગ લાગે છે. નદી જોડાણ પરિયોજનાના તરફદારો તેના ભારતના સઘળા દુ:ખોની દવા જેટલા લાભ ગણાવે છે : આ પ્રકલ્પથી પીવાનાં અને સિંચાઈનાં પાણીનો પ્રશ્ન ઉકલી જશે. નદીઓના પૂરનું અધિશેષ પાણી સ્થળાંતરિત કરીને યોગ્ય સ્થળે પહોંચાડીને પૂર નિયંત્રણ તો થશે જ દુકાળમાં પણ રાહત મળશે. સિંચાઈ યોગ્ય જમીનમાં ૧૫ ટકાનો વધારો થશે તેથી ખેડૂતોની આવક વધશે અને ખેતકામદારોને રોજી મળશે. જળપરિવહન વધતાં પ્રવાસનને વેગ મળશે. જળવિદ્યુતનું ઉત્પાદન થશે. લોકોની આર્થિક સ્થિતિ સુધરશે અને સમૃદ્ધિ આવશે. દરિયામાં નિરર્થક વહી જતાં પાણીને અન્ય નદીઓમાં સ્થળાંતરિત કરાતાં નદીઓનાં જળનો અધિકતમ ઉપયોગ થશે. ભૂગર્ભ જળ ઊંચાં આવશે. વનીકરણ અને મત્સ્યોધ્યોગનો વિકાસ થશે.

નદી જોડાણના વિરોધીઓ તેને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠ ગણાવે છે. ૨૦૦૨માં આ યોજનાનો ખર્ચ ૫.૬૦ લાખ કરોડ અંદાજાયો હતો જે આજે વધીને ૧૦ લાખ કરોડ થયો છે. સરકાર આટલો મોટો ખર્ચ વહન કરી શકે નહીં તેથી ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થશે. મૂળ દેવાનું વરસે ૨૦થી ૨૫ હજાર કરોડ વ્યાજ થશે. યોજનાનો લાભ ૨૫ કે ૩૦ વરસે મળશે. ત્યાં સુધી સમસ્યા વકરશે અને ખર્ચ વધશે. પાણી રાજ્યનો વિષય છે. અને અનેક રાજ્યો વચ્ચે સહિયારાં પાણીનો વિવાદ પ્રવર્તે છે તેથી રાજ્યોની સંમતિ વિના યોજનાનો અમલ શક્ય નથી આંતરરાજ્ય અને કેટલીક આંતરરાષ્ટ્રીય (નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન) સંમતિની પણ આવશ્યકતા રહેશે.

કેટલાક નિષ્ણાતોના મતે આ પરિયોજના હાનિકારક જ નહીં વિનાશક પણ નીવડી શકે છે. કુદરત સાથેની આ રમત માણસજાતને મોંઘી પડી શકે છે. નદીઓની ભૂર્ગભીય સ્થિતિ, કાંપની માત્રા, નદીમાં જીવતી અને તેની પર આધારિત જીવસૃષ્ટિ અને પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખ્યા વિના કે તેની ઉપેક્ષા કરીને અમલ કરતાં નુકસાન થઈ શકે છે. નદીઓનાં પાણીની દિશા નહેરો દ્વારા ફેરવવાનું ખતરનાક છે. નદીઓનાં વધારાનાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેનો અને જે નદીમાં પૂરનું વધારાનું પાણી ઠાલવવાનું છે તે નદીમાં પણ પૂર આવેલું હોઈ શકે તેનો વિચાર થયો નથી. જળ સંસાધન સાથે સંકળાયેલ કોઈ પણ નિષ્ણાત પૂર નિયંત્રણ માટે નદી જોડાણનો વિચાર માન્ય રાખતા નથી. છેક ઉત્તરની નદીઓનું પાણી ઊચે ચઢાવીને દક્ષિણમાં લઈ જવામાં થનારો વીજળીનો વપરાશ અને મળનારા લાભની તુલના કરતાં ખોટ જ દેખાય છે. આવું હાલ હયાત બંધોનું પણ છે. ખુદ નીતિ આયોગનો અભ્યાસ સતલજ યમુના લિંક નહેરનો ફાયદો ન થયાનું જણાવે છે.

વિસ્થાપન, ભૂમિ અધિગ્રહણ અને વૃક્ષોનું છેદન પણ આ પરિયોજનાનું અગત્યનું વિચારણીય પાસું છે. કેન-બેતવા પરિયોજનામાં પન્ના જિલ્લાની ૫,૨૫૮ હેકટર વનભૂમિ સાથે ૯,૦૦૦ હેકટર જમીન ડૂબમાં જવાની છે. ૧૮થી ૨૧ લાખ વૃક્ષો કપાવાનાં છે. પાર-તાપી-નર્મદા લિંક યોજનાથી ૧૦ લાખ આદિવાસીઓ અસરગ્રસ્ત થવાની દહેશત છે. આ તો હિમશીલાનું ટોચકું જ છે.જ્યારે ત્રણ ડઝન જેટલી નદી જોડાણ પરિયોજનાઓ હાથ ધરાશે ત્યારે કેટલા મોટા પાયે જમીન, વૃક્ષો અને માનવીઓને સહન કરવાનું આવશે તેનો કોઈ અંદાજ આવી શકતો નથી.

વિકાસ યોજનાઓનો ભોગ ગરીબો અને આદિવાસીઓ બનતા રહે છે અને સમૃદ્ધ વર્ગ તેનો લાભ લઈ વધુ સમૃદ્ધ થાય છે આ વલણ આઝાદીના અમૃતકાળમાં પણ યથાવત્‌ છે તે ભારતીય લોકતંત્રની બલિહારી ગણાય. અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોને નદી જોડાણનાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે. તે અનુભવો પણ આપણે લક્ષમાં લેવા જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચાલો, જાતને સવાલો કરીએ (૨)

સુમન શાહ|Opinion - Literature|6 April 2022

સવાલ : શું ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકાર પશ્ચિમથી પ્રભાવિત છે?

વિચારીએ :

ભરત-પ્રણીત રસને કે ઍરિસ્ટોટલ-પ્રણીત અનુકરણને સમજવા છતાં તે-તે-ના પ્રયોગ કે પ્રમાણ માટે ગુજરાતી સાહિત્યકારે પોતાના સાહિત્યને તરડ્યું-મરડ્યું નથી.

એ વાયકા છે કે એ પશ્ચિમથી પ્રભાવિત છે. સાચું એ છે કે એથી એ, માત્ર જ્ઞાત છે, માહિતગાર છે. એને એમ જોવાથી, હકીકતે, એની એવી પ્રશંસનીય જિજ્ઞાસાવૃત્તિની મશ્કરી થાય છે, પોતાનાં વડે થાય છે.

એનાં પરમ્પરાનુસરણો કે એની પ્રયોગશીલતાઓ એની પોતાની છે. મારી દૃષ્ટિએ ગુજરાતી વિવેચન-સાહિત્યની કશી ‘દિશાભૂલ’ (towards wrong direction) થઇ નથી. ખરેખર તો એ અભિપ્રાય તપાસ માગે છે. નર્મદથી વિચારાતા રહેલા સૈદ્ધાન્તિક સમ્પ્રત્યયોનો ઇતિહાસ તપાસનારને જણાશે કે તે કેટલા તો તદ્ભવ સ્વરૂપના છે, અને તત્સમ નથી.

સુધારકયુગથી માંડીને આજ પર્યન્તનાં પ્રત્યક્ષ વિવેચન-લેખનોનું કાળજીથી અધ્યયન કરનારને સમજાશે કે તે એની આગવી રીતનું છે. તેમાં, ગુજરાતી પ્રજાકીય માનસિકતા આવશ્યક વસ્તુલક્ષીતાની લગીર દુશ્મન જરૂર ભાસે છે, પણ પશ્ચિમમાંથી લાધેલા એકેય સાહિત્યિક વાદનું તેમાં સીધું અનુસરણ નથી. અપવાદો બતાવી શકાય, છતાં, આ વાત નવલરામથી માંડીને સુરેશ જોષી કે તે પછીના પ્રત્યક્ષના કોઇ પણ ગણમાન્ય વિવેચકને લાગુ પડે છે.

લેખક-જીવનને ગોવર્ધનરામે સાક્ષર-જીવન કહીને તેનો એક સર્વગ્રાહી ખયાલ રજૂ કર્યો તેમાં પણ એવી પોતીકી ભાત છે. એ ચિન્ત્ય વાત છે કે એ એક ઉચ્ચગ્રાહી આદર્શ છે. એવું ભાવક કે વાચક વિશે નથી વિચારાયું તે મોટી ખોટ છે. છતાં, એ અંગે ભરત અને ઍરિસ્ટોટલ-પ્રણીત બન્ને મહા-કીર્તનોમાંથી જ્યારે જે કંઇ ઠીક વરતાયું તેનો આછોપાતળો વિચાર પણ થયો છે. તેમ છતાં, ચિન્તા તો પોતાના આગવા લેખનની અને તેના જરૂરી ભાવનની જ રખાઇ છે :

આ નિરીક્ષણ એટલે લગી સાચું ભાસે છે કે આપણા દરેક લેખકે જાણે પોતાનો વાચક કલ્પી-કલ્પીને ન લખ્યું હોય ! જાણે દરેકના મનમાં વોલ્ફગૅન્ગ ઇઝરે (૧૯૨૬-૨૦૦૭) વર્ણવેલો ઇમ્પ્લાઇડ રીડર, વિવક્ષિત વાચક, નક્કી ન હોય !

Pic courtesy : YouTube.

દરેક યુગમાંથી એકાદા દૃષ્ટાન્તને અમસ્તુ જ યાદ કરીએ :

રણછોડભાઇ ઉદયરામે વિધવા બાઇ લલિતાનાં દુ:ખ દર્શાવતું નાટક લખ્યું ત્યારે એમને ખબર હતી કે પોતે કોને અને શા માટે સમ્બોધે છે.

ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’ લખ્યું ત્યારે એમનો આશય સુસ્પષ્ટ હતો, ને કેમ એમ હતો, તે જાણીતી વાત છે.

ગાંધીજીએ કોશિયાને સમજાય તેવું સાહિત્ય માગ્યું તે તે જ રૂપે શક્ય નહોતું, છતાં, સુન્દરમે કોયા ભગતની કડવી વાણી લખી ત્યારે, કે ઉમાશંકરે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે એમ ભાખ્યું ત્યારે, સાહિત્યના પ્રૉમિસને એ સ્તરે લઇ જવાનો ઇરાદો સાફ હતો.

સુરેશ જોષીએ આપણા સાહિત્યિક વાચકમાં વિશ્વ-સાહિત્યની આરત ઉગાડી ને ત્યારે એમને ખબર હતી કે પોતે શું કરી રહ્યા છે.

જોસેફ મૅક્વાનને જાણ હતી કે પોતે કોની વ્યથાનાં વીતક કોને કહી રહ્યા છે.

વગેરે.

= = =

(April 4, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

એટલું જ

પન્ના નાયક|Poetry|6 April 2022

આપણે
એકમેકને પ્રેમ કરીએ છીએ
ત્યારે
પરિવર્તનશીલ જગતમાં
આપણે લીધે
નવું કશું જ બનતું નથી.
માત્ર
ધુમ્મસિયું પ્રભાત સ્વચ્છ બને છે,
વાદળાં ખસી જઈ
આકાશી નીલિમાને પ્રગટ કરે છે,
બંધ કળીઓનો 
માદક પુષ્પોમાં ઉઘાડ થાય છે,
અને પતંગિયાં
ઠેર ઠેર
આપણી વાતોનો
રંગબેરંગી આસવ ઢોળે છે.
બસ, એટલું જ!
    —

સૌજન્ય : પન્નાબહેન નાયકની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4391,4401,4411,442...1,4501,4601,470...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved