Opinion Magazine
Number of visits: 9672121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હા, મુંબઈના વિકાસમાં મોટો ફાળો તો ગુજરાતીઓનો જ છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2022

મુંબઈમાં એક સ્થળે બોલતા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એવું કહ્યું કે મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સિંહફાળો છે અને જો તેઓ મુંબઈ છોડીને જતા રહે તો મુંબઈ-થાણેમાં કોઈ પૈસો જ બચે નહીં. તેમના આ નિવેદનના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં હોબાળો મચ્યો છે, તે ત્યાં સુધી કે મહારાષ્ટ્રના બી.જે.પી.ના નેતાઓ પણ તેમના પોતાના રાજ્યપાલની મદદે આવતા નથી, બલકે ટીકા કરી છે એટલે રાજ્યપાલે માફી માગવી પડી છે.

હવે સત્ય શું છે એની વાત કરતાં પહેલાં બીજા એક સત્યની વાત કરી લઈએ. તમે જોયું, ગર્વ સે કહો હમ હિંદુ હૈ એમ કહેનારા હિંદુઓમાં તકરાર પડી. હજુ મહિના પહેલા કેટલાક શિવસેનાના વિધાનસભ્યોને અચાનક જ્ઞાન થયું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના હિન્દુત્વનો રસ્તો ચાતરી ગઈ છે, પુત્રએ પિતા બાળાસાહેબનો દ્રોહ કર્યો છે અને માત્ર બી.જે.પી. જ સેનાસહોદર હોઈ શકે; જે હિંદુ હોવાનો ગર્વ નથી અનુભવતા એવા કાઁગ્રેસ અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ નહીં. રાજ્યપાલે પણ રાજ્યપાલ હોવાનું ભાન અને વિવેક ભૂલીને ઉદ્ધવ ઠાકરેને સંભળાવ્યું હતું કે તમે હિંદુદ્રોહી છો. અંતે હિંદુ-હિંદુ એક થયા, ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડવામાં આવી અને મહારાષ્ટ્રમાં હિંદુરાજ્ય સ્થાપવામાં આવ્યું.

તો પછી ઝઘડી કેમ પડ્યા? શું ગુજરાતીઓ અને મારવાડીઓ હિંદુ નથી? મુંબઈના વિકાસમાં જે ગુજરાતીઓ અને મારવાડીઓએ યોગદાન આપ્યું છે એમાંથી ૯૯ ટકા લોકો હિંદુ કે જૈન છે. રાજ્યપાલે મુંબઈના વિકાસનો શ્રેય અફઘાનોને, તુર્કોને, ઈરાનીઓને કે યવનોને તો આપ્યો નથી; આપણા પોતાના હિંદુબાંધવોને જ આપ્યો છે. ગુજરાતીઓ અને મારવાડીઓને શ્રેય આપવામાં આવે એમાં મરાઠીઓને શા માટે પેટમાં દુઃખવું જોઈએ, જ્યારે આપણે પહેલા અને છેલ્લા હિંદુ છીએ? અને જો પેટમાં દુઃખતું હોય તો “આપણે પહેલા હિંદુ”નું હિન્દુત્વ ક્યાં ગયું? મરાઠી હોવાપણાએ સરસાઈ કેમ મેળવી? રાજ્યપાલે ‘પરાયા હિંદુ’ઓની પ્રસંશા કરી એટલે ‘આપણા ઘરના’ હિંદુઓ નારાજ થયા.

ભારતમાં સરેરાશ ભારતીય સરેરાશ દસેક જેટલી ઓળખો લઈને જીવે છે. તે ઓછામાં ઓછો ભારતીય છે અને બાકીની ઓળખો સમય અને જરૂરિયાત મુજબ બદલાતી રહે છે. તે ક્યારેક હિંદુ કે મુસલમાન થઈ જાય, ક્યારેક ગુજરાતી કે મરાઠી થઈ જાય, ક્યારેક તે વૈષ્ણવ કે શૈવ થઈ જાય, ક્યારેક જ્ઞાતિગરવીલો થઈ જાય, ક્યારેક પેટા-જ્ઞાતિનો બંદો થઈ જાય, જો કોઈ દક્ષિણ ભારતીય હોય તો તે ક્યારેક દ્રવિડ બની જાય અને તેની સામે બીજો ઉત્તર ભારતીય આર્ય બની જાય, શુદ્ધ હિન્દીમાં એક વાક્ય ભલે ન બોલી શકે પણ તે ક્યારેક હિન્દીરક્ષક બની જાય, તો હિન્દીની જોહુકમીનો વિરોધ કરનારો માતૃભાષાપ્રેમી અને રક્ષક થઈ જાય, દેશનો સામાન્ય નાગરિક જે સરળ હિન્દુસ્તાની ભાષા બોલે છે તેનો વિરોધ કરીને સંસ્કૃતમિશ્રિત હિન્દી ભાષાનો સૈનિક બની જાય, સ્ત્રીના અધિકારની વાત આવે તો પુરુષ બની જાય અને જો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમાતી હોય તો ભારતીય થઈ જાય. ભારતીય એ માત્ર ક્રિકેટમેચ પૂરતો જ બને છે. ખરું પૂછો તો હિંદુ પણ એ ત્યારે જ બને છે જ્યારે સામે મુસલમાન હોય. ટૂંકમાં સરેરાશ ભારતીય સામેવાળાને જોઇને પોતાની ઓળખ બદલતો રહે છે.

અને માણસ? સરેરાશ ભારતીય માણસ હોવાની તસ્દી ઓછી લે છે, કારણ કે માણસ બનવું પડે છે, એ એક તપશ્ચર્યા છે. માણસ હોવાની ઓળખ આપોઆપ વગર મહેનતે જન્મ સાથે નથી મળતી. ઊલટું માણસ બનવા માટે માણસાઈને કુંઠિત કરતી ઓળખો છોડવી પડે છે. એક વાર માણસ બનવાનો જરાક પ્રયાસ કરી જુઓ, તમને ખાતરી થવા લાગશે કે ઓળખો એમાં કેવી વિઘ્નરૂપ છે. માણસ, માણસ બનતા ડરે છે, કારણ કે તેમાં એકલા પડી જવાની નિશ્ચિત સંભવના છે. ડરપોક માનવી ઓળખનો પાલવ પકડીને ટોળાંમાં આશ્રય મેળવે છે, જેનો નેતાઓ અને ધર્મગુરુઓ લાભ લે છે.

તો વાત એમ છે કે સરેરાશ ભારતીય; માણસ બનવાથી તો સાવ ભાગે છે, ભારતીય પણ એ પાકિસ્તાન સામેની ક્રિકેટમેચ પૂરતો જ બને છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે હિંદુ પણ એ મુસલમાન સામે હોય તો જ બને છે. મોટી ઓળખ એ ત્યારે જ અપનાવે છે જ્યારે સામે મોટો દુશ્મન (વાસ્તવિક, કાલ્પનિક કે બીજા દ્વારા પકડાવેલો) હોય.

મહારાષ્ટ્રમાં અત્યારે આ જ બની રહ્યું છે. રાજ્યપાલને કડવો અનુભવ થઈ રહ્યો છે કે તેમણે એક પ્રાંતના શહેરનો વિકાસ કરનારા બીજા પ્રાંતના હિંદુઓનો મહિમા કર્યો એમાં લાભાર્થી પ્રાંતના હિંદુઓને હિંદુ હોવા માટે ગર્વ અનુભવવાની જગ્યાએ કે ઓશિંગણ ભાવ અનુભવવાની જગ્યાએ માઠું લાગ્યું. મરાઠી હિન્દુત્વવાદીઓએ તો ગર્વ લેવો જોઈતો હતો કે હિંદુ પ્રજા કેટલી મહાન છે, કે તે પોતાની વહાલી જન્મભૂમિ છોડીને, હાથમાં દોરી લોટો લઈને, કષ્ટ ઉઠાવીને પરાયા પ્રાંતનો વિકાસ કરવા જેટલી ઉદારતા ધરાવે છે. હિદુ હો તો ઐસા!

પણ એવું બન્યું નહીં. હિન્દુત્વવાદીઓમાં તકરાર પેદા થઈ છે. એક હિંદુ બીજા હિન્દુનો શ્રેય નકારે છે. ઓળખ આધારિત કૃત્રિમ એકતા કેટલી તકલાદી હોય છે એનો આ નમૂનો છે. માટે તો ઓળખનું રાજકારણ કરનારાઓએ ઓળખને ખીલે બાંધેલાં ઘેટાંઓને રોજ ઓળખનો ચારો નીરતા રહેવું પડે છે. 

પહેલા સત્યની વાત કર્યા પછી હવે બીજા સત્યની વાત. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને મારવાડીઓનો ફાળો ઘણો મોટો છે, એ સાચી વાત છે? 

જવાબ છે; નિ:સંદેહ હા. ૧૭મી સદીથી લઈને વીસમી સદી બેઠી ત્યાં સુધી મુંબઈનો વિકાસ મુખ્યત્વે ગુજરાતીઓ થકી થયો છે. ગુજરાતીઓમાં પણ પારસી અગ્રેસર. મુંબઈ શું, કરાચીનો વિકાસ પણ ગુજરાતીઓ થકી થયો હતો. મુખ્યત્વે કચ્છ, હાલાર, ઘેડ અને સોરઠના ગુજરાતી હિંદુઓ અને મુસલમાનો થકી. ભારતનાં વિભાજન પહેલાં ૧૯૪૧ની વસ્તીગણતરી મુજબ કરાચીમાં ગુજરાતીઓની વસ્તી ૫૫ ટકા હતી.

ગુજરાતીઓ મુંબઈ શા માટે આવ્યા એનાં પણ કારણો છે. એ સમયે સુરત ધીકતું બંદર હતું, પણ અંગ્રેજો સુરતની જગ્યાએ મુંબઈનું બારું વિકસાવવા માગતા હતા. એક તો ખંભાતનો અખાત છીછરો થતો જતો હતો જેને કારણ ખંભાતનું બંદર બિનઉપયોગી થઈ ગયું હતું અને સુરતનું બંદર થવામાં હતું. એની સામે મુંબઈની ખાડી કુદરતી રીતે એટલી ઊંડી હતી કે મોટાં વહાણોને છેક કિનારે લાંગરી શકાતાં હતાં, પણ સમસ્યા એ હતી કે મુંબઈનું હવામાન અને ભૌગોલિક રચના પ્રતિકૂળ હતાં. મુંબઈને કિનારે પાણી નહોતું, પાણીમાં મુંબઈ હતું. એક સમયે અંગ્રેજોએ મુંબઈનો વિકાસ કરવાનું પડતું મૂકીને સામે કિનારે ઉરણમાં બંદર વિકસાવવાનું પણ વિચાર્યું હતું. આઝાદી પછી ઉદ્યોગધંધા વધતાં મુંબઈનું બારું ટૂંકું પડવા લાગ્યું ત્યારે ભારત સરકારે ઉરણમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ(જે.એન.પી.ટી.)ના નામે નવું બંદર વિકસાવ્યું છે. તો ગુજરાતીઓ (એ સમયે મુખ્યત્વે પારસીઓ) મુંબઈ આવવા લાગ્યા એનું એક કારણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો મુંબઈનો વિકાસ હતું. મુંબઈમાં ધંધાની તકો પેદા થવા લાગી હતી.

ગુજરાતીઓ સુરત છોડીને મુંબઈ આવ્યા અથવા ગુજરાત-કાઠિયાવાડનાં ગામડાંઓના ગુજરાતીઓ સુરતની જગ્યાએ મુંબઈ આવવા લાગ્યા એનું બીજું એક કારણ મરાઠાઓનો ત્રાસ હતો. ઈ.સ. ૧૬૬૪ની સાલમાં પહેલી વાર અને ૧૬૭૦માં બીજી વાર, શિવાજી મહારાજે સુરત લુંટ્યું હતું. એ પછી વેપારીઓએ મરાઠા સરદારોને અને સૈનિકોને લાગો આપવો પડતો હતો, એનો કોઈ ઠરાવેલો દર નહોતો, મરાઠાઓની મનમાની ચાલતી હતી અને સૌથી મોટું કારણ કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ નહોતી. ટૂંકમાં ગુજરાતના પારસી અને હિંદુ વેપારી ભાઈઓ મરાઠા હિંદુ ભાઈઓના રોજેરોજના રંજાડથી ત્રાસેલા હતા અને માટે તેઓ મુંબઈ આવવા લાગ્યા હતા.

માનવઇતિહાસ વાંચતા આવડવો જોઈએ અને જો તે વાંચતા ન આવડે તો કોઈ આપણો હથિયાર તરીકે ઉપયોગ કરે અને આપણે જીવતા બોમ્બ બનીને સમાજની વચ્ચે ફરીએ. “આપણે” શ્રેષ્ઠ અને આપણાં લોકો આપણું અહિત કરે જ નહીં અને અહિત કરનારા “પરાયા” જ હોય છે એવી સમજ ભોળી સમજ છે. એક સર્વગુણસંપન્ન હીરો અને બીજો ગામના ઉતાર જેવો વિલન એ સિનેમા થિયેટરનું અને પોલિટીકલ થિયેટરનું મન બહેલાવનારું કલ્પન છે. સિનેમા થિયેટરમાંથી તો પ્રેક્ષકનો ત્રણ કલાક પછી છુટકારો થાય છે, પણ પોલિટીકલ થિયેટરમાં જે ઘુસી જાય છે તેનો બાપડાનો જિંદગી આખી છુટકારો થતો નથી. તો ઇતિહાસસિદ્ધ હકીકત એ છે કે ગુજરાતી વેપારીઓ ઉદ્યમી યવનોએ જીદપૂર્વક મુંબઈ બંદર વિકસાવતા હતા તેમાં તક નજરે પડતા અને મરાઠા હિંદુ ભાઈઓના રંજાડથી બચવા મુંબઈ આવવા લાગ્યા હતા.

સામે મુંબઈના ટાપુઓ ઉપર ખાસ કોઈ વસ્તી નહોતી અને જે હતી એ કોળી અને માછીમારોની હતી. તેઓ મુંબઈનો વિકાસ થતો નિહાળી રહ્યા હતા, પણ તેમાં કોઈ પણ રીતે ભાગીદાર નહોતા, લાભાર્થી તો જરા ય નહોતા, ઊલટું તેઓ તેમની હકની જગ્યા ગુમાવી રહ્યા હતા અને તેની સામે ખ્રિસ્તી મિશનરીઓ તેમને ઈસાઈ ધર્મ પકડાવતા હતા. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે શહેરોનો વિકાસ માનવ દ્વારા માનવના કરવામાં આવતા શોષણના પાપ દ્વારા અને હિંસા (સુક્ષ્મ અને સ્થૂળ બન્ને) દ્વારા જ થાય છે. રહી વાત બાકીના મહારાષ્ટ્રના મરાઠીઓ માટે મુંબઈમાં આવીને વસવાનો તો તેઓ વેપારવણજ કરતા નહોતા એટલે તેમને મુંબઈ જેવા દુર્ગમ શહેરમાં આવવા માટે કોઈ કારણ નહોતું. તેઓ ત્યારે આવતા થયા જ્યારે મુંબઈમાં વહીવટી નોકરીઓ અને વકીલાત જેવી તક વિકસી. એમ કહી શકાય કે ઈ.સ. ૧૮૨૦-૩૦ પછી. આનો અર્થે થયો કે આખી સત્તરમી, અઢારમી અને ઘણા પ્રમાણમાં ઓગણીસમી સદીમાં મુંબઈનો પાયાનો વિકાસ અંગ્રેજો અને ગુજરાતીઓએ મળીને કર્યો હતો. તેમણે પ્રચંડ સંઘર્ષ કર્યો હતો.

હા, કોંકણના મુસલમાનો તેમાં અપવાદ હતા. કચ્છ-કાઠિયાવાડના મુસલમાનોની માફક કોંકણી મુસલમાન દરિયાખેડુ પ્રજા હતી અને વહાણવટું કરતા હોવાથી તેમને મુંબઈના વિકાસમાં ધંધાની તક નજરે પડી હતી. ચીનમાં અફીણની નિકાસ કરીને જમશેદજી જીજીભાઈ અને મોતીશાહ શેઠની માફક તેઓ ખૂબ કમાયા હતા. નૈતિકતા પણ સમયસાપેક્ષ હોય છે. એક જમાનામાં ગુલામોનો અને અફીણનો વેપાર અનૈતિક નહોતો ગણાતો. પણ કોઈ હિંદુ મરાઠીએ કોંકણી મુસલમાનોને મુંબઈના વિકાસમાં આપેલા ફાળાનો શ્રેય આપ્યો છે? ક્યાંથી આપે? મુસલમાન છે.

મુંબઈમાં મારવાડીઓ મુખ્યત્વે વીસમી સદીમાં આવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા પોતાના વતનથી મુંબઈ કમાવા આવ્યા ત્યારે તેમણે જોયું કે મુંબઈમાં ગુજરાતીઓનો દબદબો છે અને તેમાં જગ્યા બનાવવી એ થોડું અઘરું કામ છે એટલે તેઓ કલકત્તા ગયા હતા અને ત્યાં તેમણે જગ્યા બનાવી હતી. અને રહી વાત મરાઠીઓની તો મુંબઈના આર્થિક વિકાસમાં મરાઠીઓનો ફાળો ફૂટનોટમાં સમાવેશ પામે એટલો જ છે. 

અને છેલ્લું સત્ય. મહારાષ્ટ્રમાં પ્રાદેશિક અસહિષ્ણુતા કટ્ટરપંથી મુસલમાનો કરતાં અને હિન્દુત્વવાદીઓ કરતાં જરા ય ઓછી નથી. ઉદારમતવાદી પ્રગતિશીલ લોકોએ પણ સંભાળીને બોલવું પડે છે અથવા કહેવાતા મરાઠી ગર્વને પોષવો પડે છે. કેટલાક તો પોષે પણ છે. આમ દરેક રીતે ઉદારમતવાદી, પણ થોડી મરાઠીઅસ્મિતા માટેનો આગ્રહ આવી જાય. ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધ કરનારા વિનોબા (ભાવે)ને માકડોબા (વાંદરો) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને મરાઠી થઈને ગુજરાતીમાં લખનાર કાકાસાહેબ કાલેલકરને ફીતુર તરીકે માફ કરવામાં નથી આવ્યા.

માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે ભારતમાં કોઈ ભારતીય છે જ નહીં. ચામડી ખતરોડો તો અસ્મિતાઓના ભૂત નાચવા લાગશે. અને માટે મારો આગ્રહ છે કે જો કોઈ એક ઓળખ પાળવી જ હોય તો માણસ હોવાની પરમ ઓળખ કેમ નહીં? એ નરવી અને નિર્વિરોધ ઓળખ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2022

Loading

વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 August 2022

સરકારી પરિભાષામાં એને સ્કૂલ ડ્રોપ આઉટ ચિલ્ડ્રન અર્થાત્‌ શાળા છોડી જતાં વિદ્યાર્થીઓ કહે છે. ગુજરાત સરકારની આ વરસની પ્રવેશોત્સવની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે  બે દાયકા પહેલાં ગુજરાતમાં ધોરણ એકથી આઠનો ડ્રોપ આઉટ રેટ ૩૭.૨૨ ટકા હતો. જે ૨૦૨૦-૨૧માં લગભગ દસ ગણો ઘટીને ૩.૩૯ ટકા થઈ ગયો છે. જો કે આ દાવામાં અર્ધસત્ય છે. કેમ કે બે દાયકા પહેલાં ધોરણ ૧થી ૮નું એકમ નહોતું અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા કોલેજ –યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતાં પહોંચતાં કેટલાં વિદ્યાર્થીઓ ટકે છે તે ભયાવહ વાસ્તવિકતા માત્ર પ્રાથમિક શિક્ષણના ડ્રોપ આઉટ રેટથી જાણી શકાતી નથી.

૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શાળા છોડી જતાં બાળકો સંબંધી પ્રકરણ ત્રણમાં જણાવવામાં આવ્યું છે કે દેશનો ધોરણ ૬થી ૮નો જી.ઈ.આર. (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) ૯૦.૯ ટકા છે. એટલે કે પહેલા ધોરણમાં દાખલ થયેલાં બધાં બાળકો પાંચમા ધોરણ સુધી જ બરાબર ટકે છે. તે પછી તેઓનું શાળા છોડવાનું શરૂ થાય છે. ધોરણ ૧થી ૫માં ૧૦૦ ટકા બાળકો , ધોરણ ૬થી ૮માં ઘટીને ૯૦.૯ ટકા, ધોરણ ૯-૧૦માં ૭૯.૩ ટકા અને ધોરણ ૧૧ અને ૧૨માં ૫૬.૫ ટકા થઈ જાય છે. આ સરકારી દસ્તાવેજમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ૬થી ૧૭ વરસના સ્કૂલ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા દેશમાં ૩.૨૨ કરોડ છે. ૨૦૨-૨૧માં પ્રાથમિક શિક્ષણનો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૦.૮ ટકા જ છે પણ માધ્યમિક શિક્ષણનો ૧૪.૬ ટકા છે.

શાળા છોડી જતાં બાળકોની આ વાસ્તવિકતા અંગે ભારત સરકાર સજાગ થઈ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ બાદ શાળા છોડી જતાં બાળકોને ફરી શાળામાં દાખલ કરવા તેણે પ્રયત્નો આદર્યા છે. દેશભરમાં સ્કૂલ ડ્રોપ આઉટનો સર્વે અને તેમને શાળામાં દાખલ કરવા માટે આર્થિક સહાયથી માંડીને શિક્ષણ સંસાધનો પૂરા પાડવાની દિશામાં સરકાર ગંભીર બની છે.

આખરે બાળકો શાળા છોડી જાય છે (સ્કૂલ ડ્રોપ આઉટ) કે તેમને શાળા બહાર ધકેલવામાં આવે છે (પુશ આઉટ) ? તે લાખેણો સવાલ છે. ૨૦૧૯-૨૧ના પાંચમા કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ, યુનિફાઈડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન અને કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના આંકડાના અધ્યયન પરથી જણાય છે કે આપણી શૈક્ષણિક, સામાજિક અને આર્થિક અનવસ્થાને કારણે બાળકોને શાળા બહાર ધકેલવામાં આવે છે કે તેમને શાળા છોડી જવા વિવશ કરાય છે.

અધ્યયનો જણાવે છે કે ૨૦ ટકા છોકરીઓ અને ૧૬ ટકા છોકરાઓના શિક્ષણનો ખર્ચ તેમનું કુટુંબ વહન કરી શકતું નથી એટલે તેમને શિક્ષણ છોડવાની ફરજ પડે છે. ૧૩ ટકા છોકરીઓ અને ૧૦ ટકા છોકરાઓને માબાપને ઘરકામમાં મદદ કરવા રોકાવું પડે છે એટલે તે ભણતર છોડે છે. ૬ ટકા છોકરા અને ૨.૫ ટકા છોકરીઓને રોકડ રકમ કે વસ્તુના બદલામાં કામ કરવું પડે છે એટલે તે શાળા છોડે છે. ૪.૪ ટકા છોકરા અને ૨.૩ ટકા છોકરીઓને માબાપને ખેતીવાડી કે કુટુંબના વ્યવસાયમાં મદદ કરવાની થતાં તે ભણતર અધૂરું મૂકે છે.

માત્ર આર્થિક જ નહીં શૈક્ષણિક કારણોસર પણ વિદ્યાર્થીઓ ભણવાનું છોડે છે. ૫ ટકા છોકરાઓ અને ૪ ટકા છોકરીઓ એકના એક ધોરણમાં નાપાસ થવાના કારણે શિક્ષણને અલવિદા કરે છે. ૫ ટકા છોકરા-છોકરીઓ ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવી ન શકવાને કારણે શાળા છોડે છે. ૬ ટકા છોકરીઓ અને ૨ ટકા છોકરાઓ શાળા ઘરથી દૂર હોવાથી, ૪ ટકા છોકરા – છોકરીઓને આગળનો અભ્યાસ જરૂરી ન લાગતો હોવાથી, ર ટકા કન્યાઓ અસલામતીના કારણે તથા ૧.૭ ટકા પરિવહન અને અન્ય સુવિધાના અભાવે શાળા છોડે છે. અભ્યાસમાં રસ-રુચિના અભાવે સૌથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ છોડે છે. આઘાત અને આશ્ચર્યજનક બાબત છે કે ૨૦૧૯-૨૦ના વરસમાં ૬થી ૧૭ વરસના ૩૫.૭ ટકા કુમારો અને ૨૧.૪ ટકા કન્યાઓએ અભ્યાસ છોડવાનું કારણ તે કંટાળાજનક અને તેમની રસ-રુચિને અનુકૂળ ન હોવાનું દર્શાવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિના અભાવે શિક્ષણ છોડે તેનો આપણા નીતિનિર્માતાઓ અને શિક્ષણવિદો પાસે જાણે કે કોઈ ઉપાય જ નથી.

બાળલગ્ન, કન્યા શિક્ષણ પ્રત્યે જાગ્રતિનો અભાવ, નાના ભાઈ-બહેનની દેખભાળ, મહિલા શિક્ષકોનો અભાવ, શાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટની સગવડ ન હોવી જેવા સામાજિક કારણો પણ શાળા છોડવા માટે જવાબદાર છે. દેશની ૩૫.૫ કરોડ મહિલાઓને માસિકનો સામનો કરવાનો થાય છે. પરંતુ તેમાંથી ૩૬ ટકા જ સેનેટરી નેપકિન જેવી સ્વચ્છતા સુવિધા મેળવી શકે છે. દર પાંચમાંથી એક કિશોરી માસિકને કારણે શાળામાં અનિયમિત હોય છે કે શાળા છોડે છે. આજે પણ ૮.૪ કરોડ બાળકો શાળા શિક્ષણની બહાર છે દલિત, આદિવાસી, સામાજિક અને શૈક્ષણિક પછાત, લઘુમતી જેવા સમાજના વંચિત વર્ગો શિક્ષણથી પણ વંચિત રહે છે. ૨૦૧૭-૧૮નો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૧૮.૯૬ ટકા હતો પણ મુસ્લિમ બાળકોનો ૨૩.૧ ટકા હતો. ઓડિસાના મુસ્લિમ બાળકોનો શાળા છોડવાનો દર ૪૭.૪ ટકા, બિહારનો ૩૬.૯ ટકા, હરિયાણાનો ૩૫.૧ ટકા, દિલ્હીનો ૨૫. ૧ ટકા, ઉત્તર પ્રદેશનો ૧૨.૯ ટકા અને ગુજરાતનો ૪.૩ ટકા હતો.

સરકાર ૨૦૩૦ સુધીમાં માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકન કરવા માંગે છે. પરંતુ તે પૂર્વે શાળા છોડવાના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક કારણો દૂર કરવાનાં છે. ગરીબી, બેકારી, કુપોષણ, વાલીઓનું શિક્ષણ પ્રત્યે ઉદાસીન વલણ, છોકરા-છોકરી વચ્ચેનો ભેદ જેવાં કારણોનો કાયમી નિવેડો લાવ્યા સિવાય આ પ્રશ્ન હલ થઈ શકવાનો નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કેટલાક ઉપાયો જણાવાયા છે. સરકારી શાળાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા વધારવી, મફત અને સર્વ સુલભ શિક્ષણ, શિષ્યવૃતિ, મધ્યાહ્ન ભોજન, કન્યા છાત્રાલયો ઊભા કરવા, સ્થળાંતરિત કામદારોનાં બાળકો માટે ખાસ સગવડો ઊભી કરવી, સુરક્ષિત અને આકર્ષક સ્કૂલ શિક્ષણ, પૂરતા અને તાલીમબદ્ધ શિક્ષકો, અસરકારક અને પર્યાપ્ત મૂળભૂત શૈક્ષણિક સગવડો જેવા ઉકેલ ત્યારે જ ફળીભૂત થઈ શકશે જ્યારે આ સવાલના ઉકેલ માટે બાળકો અને માતાપિતાની સહભાગિતા નિશ્ચિત કરવામાં આવશે. 

(તા.૨૦.૦૭.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

મીંડું

બીજલ જગડ|Opinion - Opinion|3 August 2022

મૌનમાં સ્થિર મર્મસ્થાને ખુદ કેન્દ્રમાં જડી જાય,

બધી વાણી ડહાપણની જ્યારે જ્યારે શમી જાય.

એક મીંડું અંદર બેઠું છે તગ તગ તાગી રહ્યું,

ચિત્તતંત્ર અનોખી દુનિયાનો મુખ પ્રેક્ષક બની જાય.

ઊંડે .. ઓર .. ઊંડે .. આ વમળમાં ઊતરતાં જ,

મનની અંદર પળમાં *હું પણાંને મારું* શમી જાય.

એક કોમળ કળી પર ઝાકળ ને અંદર ગેબી નાદ,

પરમ આનંદની અનુભૂતિ પળ ભરમાં થઈ જાય.

અહમ્‌ના વળ જ્યારે જ્યારે બ્લેક હોલમાં ડૂબે,

સકળ બ્રહ્માંડમા ખુદને મળી માણસ તરતો જાય.

આ લાંબી સફર છે જીવન યાત્રા તો શેની સકળ ડખળ,

હાથ ના ટેરવા ફરતા રહ્યા આ જન્મ જન્મ જો જાય.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,4341,4351,4361,437...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved