Opinion Magazine
Number of visits: 9671274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2022

Ramesh Oza

ગયા અઠવાડિયે મારા એક હિન્દુત્વવાદી મિત્રએ મને હિન્દુત્વવાદીઓના અંગ્રેજી સામયિક ‘સ્વરાજ્ય’નાં અંકની લીંક મોકલી અને પૂછ્યું કે આમાં ડૉ. રામમનોહર લોહિયા વિશે જે કહેવાયું છે એ બધું હકીકત આધારિત છે કે પછી લખનારે સત્ય સાથે ચેડાં કર્યાં છે? લખનારે જો બદમાશી કરી હોય તો તમારે સત્ય શું છે એ ઉજાગર કરવું જોઈએ અને જરૂર લાગે તો આખો લેખ પણ લખવો જોઈએ. હિન્દુત્વવાદીઓમાં, ભલે સાવ જૂજ પ્રમાણમાં, પણ થોડા એવા લોકો મળી આવે છે જેઓ વાંચે છે અને વિચારે પણ છે. ગુજરાતના એક બીજા પત્રકાર મિત્ર, જે ઉઘાડા હિન્દુત્વવાદી તો નથી, પણ થોડી સહાનુભુતિ ધરાવે છે એ પણ મને લગભગ છાશવારે કાંઈ ને કાંઈ મોકલીને “શું આ સાચું છે?” એવો પ્રશ્ન કરે છે. આવા બીજા કેટલાક લોકોના મેસેજીઝ પણ મળતા રહે છે.

સુરતમાં રહેતા એક સાહિત્યકાર મિત્ર ગેરહિન્દુત્વવાદીઓએ (મુખ્યત્વે કાઁગ્રેસીઓએ અને મુસલમાનોએ) કરેલા કુકર્મોની માહિતી આપતી ક્લીપ મોકલીને મને સવાલ કરે છે કે આ વિષે તમારે શું કહેવાનું છે? તેઓ અત્યંત આદરપૂર્વક પ્રકાશ પાથરવાનું અને ચર્ચામાં ઉતરવાનું ઈજન આપે છે.

હું મોટાભાગે આવી કોઈ જિજ્ઞાસા(સાચી કે પછી જિજ્ઞાસાનો વરખ ચડાવેલી)નો કે પડકારોનો જવાબ આપતો નથી. હું કબૂલ કરું છું કે આ અવિવેક છે. ગાંધીજી મારાં કરતાં હજારગણા વ્યસ્ત હોવા છતાં તેઓ દરેક પત્રનો જવાબ આપતા હતા, દરેક પ્રશ્નનો ઉત્તર આપતા હતા અને દરેક શંકાનું નિવારણ કરતા હતા. કેટલીકવાર તો નનામા પત્રોના પણ જાહેરમાં જવાબ આપતા હતા જ્યારે કે નનામા પત્રોના જવાબ આપવામાં આવતા નથી અને એવી જરૂર પણ હોતી નથી. એમાં લખનારનું સરનામું હોતું નથી એટલે ગાંધીજી જાહેરમાં જવાબ આપતા હતા. તેઓ ઉપેક્ષા કોઈની ય નહોતા કરતા.

મને ઘણી વાર પ્રશ્ન થાય કે ગાંધીજી આ યુગમાં થયા હોત તો શું કરત? દરેક વ્યક્તિને પૂરી પ્રામાણિકતાથી ખુલ્લા મનથી સાંભળવાની અને તેની સાથે સંવાદ સાધવાની નિષ્ઠા તેઓ પાળી શક્યા હોત? જી હા, પ્રત્યેક વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવી અને ખુલ્લા મનથી તેની સાથે સંવાદ કરવો એ તેમની જીવનનિષ્ઠા હતી. તેમને એમ લાગતું હતું કે સામેવાળાનું પ્રત્યેક વાક્ય એ સામેવાળાને નજરે પડતું સત્ય છે અથવા સત્ય-અસત્ય વચ્ચે વિવેક કરવાની તેની મથામણ છે. એ ગમાર છે, કે વિરોધી છે, કે સુધરે એમ નથી, કે માથું ખાય છે, કે સમય બરબાદ કરે છે એમ માનીને કોઈની પણ તેમણે અવગણના કરી નહોતી. એમ કરવું એ તેમને મન પાપ હતું. કોઈની ઉપેક્ષા કરવી એ હિંસા છે.

પણ સવાલ એ છે કે ગાંધીજી આજના યુગમાં થયા હોત તો? આ એવો યુગ છે જેમાં સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક લોકો ધૂળેટી રમે છે. કોઈની પાસે માહિતીઓના રંગ છે, કોઈની પાસે કાદવ છે, કોઈની પાસે જલદી ન છૂટે એવાં રસાયણો છે અને દરેક પાસે સોશ્યલ મીડિયાની પિચકારી છે. કોઈના ચહેરા ઓળખાતા નથી, દરેક ચહેરા રંગાયેલા અને ખરડાયેલા છે. ત્યાં સુધી કે જિજ્ઞાસુ હિન્દુત્વવાદી મિત્રને તેમની પોતાની વિચારધારાને વરેલા સામયિકમાં કહેવામાં આવતી વાત પર ભરોસો નથી. સ્થિતિ જ્યારે આવી હોય ત્યારે આની વચ્ચે નીરક્ષીર સંવાદમાં ઉતરવાનો કોઈ કીમિયો મારી પાસે નથી, એટલે હું મારી કોલમમાં મારી વાત કહીને બાજુએ ખસી જઉં છું. આ ખોટું છે એ હું કબૂલ કરું છું, પણ મનમાં એક પ્રશ્ન હંમેશાં ઘોળાયા કરે છે કે સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત? ગાંધીજીને ગ્રેટેસ્ટ એવર કોમ્યુનિકેટર તરીકે ઓળખવામાં આવે છે તો આજના યુગમાં તેઓ શું કરત?

એક વાતની મને ખાતરી છે કે ગાંધીજીએ પિચકારીધારી ધૂળેટી રમનારાઓ સાથે સંવાદ સાધવાનો કોઈ કીમિયો તો શોધી જ કાઢ્યો હોત. અસત્યના ધોધની વચ્ચે સત્યનું ઝરણું કેમ શોધવું અને લોકોને ઝરણે કેમ પહોંચાડવા તેનો કોઈ રસ્તો શોધી આપ્યો હોત. હું એમ પણ માનું છું કે આજના આ અરાજકતાના યુગમાં વ્યવસ્થા ત્યારે જ પ્રસ્થાપિત થશે જ્યારે સંવાદ રચવા માટે કોઈ જમીન તૈયાર થશે. એવો કોઈ માણસ થશે એની પણ મને ખાતરી છે, કારણ કે એ યુગની જરૂરિયાત છે. દરેક યુગમાં યુગની જરૂરિયાત મુજબ યુગપુરુષ પેદા થતા હોય છે. મારી વાત કરું તો મારામાં એવી રજમાત્ર પણ ક્ષમતા નથી એટલે હું મને સૂઝે છે એવું સત્ય તમારી સમક્ષ રજૂ કરીને બાજુએ ખસી જઉં છું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઑગસ્ટ 2022 

Loading

ફરી પાછા

‘બાબુલ’|Poetry|6 August 2022

ભર્યા તડકામાં અચાનક વિખરાઈ જવાનું

નથી સમજાયું આજ તક વિસરાઈ જવાનું

જવા દો કે પડછાયા ફરી પાછા સંભારશે

જરાક જમીન મળી કે બસ પથરાઈ જવાનું

થઈ ગયાં છે ભીનાં વદન પાદર ઉપર

ફરી બસ બેડલું ઘેલું છલકાઈ જવાનું

એ એમ ઢાળી દે છે નજર મળ્યા પછી

કાજળ મઢી આંખને શરમાઈ જવાનું

હોઠ પર છો ને લખી સનાતન ચુપકીદી

ભલા પળમાં હઇયું ભીનું પરખાઈ જવાનું 

સખી ઝુલ્ફો તમારી વેલ રાતરાણી શી

કશે વરસે મેઘ મોઘમ વિટળાઇ જવાનું

ઘડીભર તો એમનું મલકવું ખૂબ લાગે  

ઉતાવળમાં પછી ‘બાબુલ’ ગભરાઈ જવાનું

Loading

સંપાદનનું કામ બહુ અઘરું છે 

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|6 August 2022

આપણાં સાહિત્યિક સામયિકોના સંપાદનકર્મ વિષે કશું કહેવા જેવું નથી ! કારણમાં કેટલાંક કારણો જોઈએ તો સંપાદકે નૈતિક હિમ્મતના અભાવે કેટલીક નબળી કૃતિઓ એક જ સર્જકની હોય તો પણ વધુ સંખ્યામાં પ્રકાશિત કરવી પડી છે, કારણ કે એ સર્જકનું અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં પણ વર્ચસ્વ ઘણું ! કેટલીક કૃતિઓ નોકરિયાત સંપાદક પર ઉપરથી ભલામણ-દબાણ આવે એટલે ય જે તે સર્જકની અણગમતી કૃતિઓ ય પ્રકાશિત કરવી પડે ! આપણા મોટા ભાગનાં સાહિત્યિક સામયિકો સાહિત્યિક સંસ્થાના મુખપત્રો છે એટલે એ સંસ્થાના હોદ્દેદારો – મોટાભા-ઓની કૃતિઓની ગુણવત્તા જોયા વિના જ કૃતિ/કૃતિઓની પ્રકાશિત કરવાની લાચારી સંપાદકોની હોય છે ! કેટલીક વાર  સંપાદકની આસપાસ ઘેરી વળનારું સર્જકોનું ટોળું હોય છે એટલે સંપાદકની નજરે અન્ય ચહેરાઓ ચડતા જ નથી ! આવા સર્જકોનાં ઓશિંગણ બનતા સંપાદક પણ હોઈ શકે છે. સુરેશ દલાલને સંપાદન માટે ટ્રસ્ટની સ્વતંત્રતા હતી એટલે કેટલાક પ્રસંગે એમણે નૈતિક હિમ્મત બતાવી છે. કહેવાય છે કે રમેશ પારેખે “કવિતા” માટે કેટલાક કરફ્યુ કાવ્યો મોકલ્યા ત્યારે સુરેશ દલાલે એ પરત મોકલતા નોંધ કરી કે “કર ફ્યુ” (ઓછા કર) !

એવું જ સ્વરૂપલક્ષી સંપાદનોમાં ગઝલોનું હરીન્દ્ર દવેનું “મધુવન” જોઇએ તો કેટલીક કૃતિઓ ગઝલેતર પણ લાગે ! (મક્તા-મત્લા, રદીફ-કાફિયા – બે મિસરાથી બનતા શેરની વ્યવસ્થાનો અભાવ વ.) “ઉશનસ્”ની ગઝલોનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે, છતાં ય એમની ગઝલોથી અસંમત થનાર ચિનુ મોદી “ગઝલ ઉસને છેડી”, “ગુજરાતી ગઝલ” વ. સંપાદનમાં એમની કૃતિ સમાવે ! સંપાદનોમાંની ઘણી કૃતિ સંપાદિત પુસ્તક પર બોઝ બનતી અનુભવાય !

સર્જકલક્ષી – સ્વરૂપલક્ષી સંપાદિત પુસ્તકમાં સંપાદકે કોઈ સર્જક – કૃતિનો સમાવેશ ન કર્યો હોય તો એણે સંપાદકીય લેખમાં એના પ્રતીતિકર કારણો જણાવવા જોઈએ.

સંપાદનને બિનજવાબદાર સમજી ડાબે હાથે સંપાદન કરનારનો તોટો નથી; આવા સંપાદકોમાં કેટલાક તો તજ્જ્ઞ પણ હોઈ શકે છે !

તા.ક. આ સંદર્ભે આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટે નોંધેલ એક પ્રસંગ નોંધપાત્ર છે :

એ દિવસોમાં વિનોદભાઈ લેખક તરીકે હજુ નવા જ ગણાય; “નવચેતન” સામયિકમાં એમના લેખો પ્રકાશિત થાય; “નવચેતન”ના તંત્રી અને સંપાદક ચાંપશીભાઈ ઉદ્દેશી.

એક વાર અમદાવાદમાં લાલ દરવાજા પાસે “વીજળીઘર” પાસે બન્ને મળ્યા. ત્યાં જ ચાની હોટલમાં વિનોદભાઈ તંત્રી ચાંપશીભાઈને આગ્રહપૂર્વક ચા-પાણી માટે લઈ ગયા, ચા-પાણી કર્યા બાદ આગ્રહપૂર્વક એના પૈસા પણ વિનોદભાઈએ જ ચૂકવ્યા. ચાંપશીભાઈની સ્પષ્ટવક્તા તરીકેની નૈતિકતાભરી તંત્રીવાણી જૂઓ; એમણે વિનોદભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું;

“હવે એક મહિના સુધી “નવચેતન” માટે તારો લેખ ન મોકલીશ.”

આપણા સંપાદકો અને તંત્રીઓને માટે આ પ્રસંગ અને ચાંપશીભાઈના આ શબ્દો દીવાદાંડીરૂપ છે.

તા. ૦૬-૦૮-૨૦૨૨    

Loading

...102030...1,4311,4321,4331,434...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved