Opinion Magazine
Number of visits: 9671840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પવિત્ર પાપી: પરિક્ષિત સાહનીનો જીવનબોધ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 September 2022

હિન્દી સિનેમાના સન્માનીય અભિનેતા બલરાજ સાહનીના એટલા જ પ્રતિભાશાળી પુત્ર પરિક્ષિત  સાહનીએ તેમના પિતા પર એક સંસ્મરણ લખ્યું છે; ધ નોન- કન્ફૉર્મિસ્ટ : મેમરીઝ ઓફ માય ફાધર બલરાજ સાહની (નોન- કન્ફૉર્મિસ્ટ એટલે રૂઢિ વિરોધી). તેમાં એક ફિલ્મના સેટ પર શુટિંગ પહેલાં બંને વચ્ચે થયેલો એક સંવાદ છે. એક રીતે એ સંવાદ એક્ટિંગના કોચિંગ ક્લાસ જેવો છે. પરિક્ષિતની ઉંમર ત્યારે 26 વર્ષની હતી. સામ્યવાદી પિતાના સંગમાં યુરોપિયન ફિલ્મોના રંગે રંગાયેલો પરિક્ષિત નાચવા-ગાવાવાળી હિન્દી ફિલ્મોને લઈને ગંભીર નહોતો, અથવા એવું કહો કે થોડીક નફરત પણ હતી. સેટ પર એક ગીતનું શુટિંગ ચાલતું હતું અને વચ્ચે બ્રેક પડ્યો, ત્યારે યુવાન પરિક્ષિત એક ડાન્સર સાથે ખૂણામાં ફલર્ટ કરતો હતો. ડિરેકટર અને પિતા બંનેએ એ જોયું. પિતા પરિક્ષિત પાસે ગયા અને પૂછ્યું કે શું ચાલે છે. સંવાદ આ રીતનો હતો :

“મારે કશું કામ નથી. સાંજે આ ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે.”

“બેટા, સેટ ઉપર એક એક્ટર પાસે ‘કશું ન કરવાનું’ ન હોય. એવું જ હોત, તો તું આ દૃશ્યમાં જ નહોત. તને આ ગીતનું  મહત્ત્વ સમજ પડે છે?”

“ના. બીજી હિન્દી ફિલ્મોની જેમ ખાલી નાચ-ગાન છે. નરી બેવકૂફી છે. યુરોપિન સિનેમામાં આવા નાચ-ગાન નથી હોતાં.”

“એ ખાલી નાચ-ગાન નથી. તું એક છોકરીના પ્રેમમાં છે અને આ ગીત બીજા છોકરા સાથે તેનાં લગ્નની ખુશીમાં છે. તારા માટે એ દુઃખની ક્ષણ છે. તારે એ રીતે વર્તવાનું ના હોય?”

“અરે, એમાં કશું સિરિયસ નથી, ડેડ. આ કોઈ ત્રૂફો કે ફેલિનિની ફિલ્મ નથી!”

“તું રશિયાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું ભણીને આવ્યો છું?”

“ઓહ, કમ ઓન ડેડ! ખાલી ગીત જ છે!”

“તું કોણ છે? તું અહીં કેમ છે? તું અહીં ક્યારે આવ્યો? તું અહીં કેમ આવ્યો? તું ક્યાં છે?”

મને આ સવાલોથી વિસ્મય થયું.

“હું તમારો પુત્ર છું! ડિરેકટરે મને આ ફિલ્મ માટે લીધો છે એટલે હું અહીં છું. સવારના અગિયાર વાગ્યા છે અને હું તમારી સાથે કારમાં આવ્યો હતો. એટલે હું અહીં છું,” મેં શબ્દશ: જવાબ આપ્યો.

“ખોટું! અહીં તું મારો પુત્ર નથી. તું કેદાર નાથ છે. મેં તને ઘડિયાળી તરીકે નોકરીમાં રાખ્યો છે એટલે તું અહીં છે અને તું મારા ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. અત્યારે સવારના અગિયાર નથી વાગ્યા. આ રાતનું દૃશ્ય છે. તું મારી સાથે કારમાં નથી આવ્યો. તું રેલવે સ્ટેશનેથી ચાલતો આવ્યો છું. તારા રોલની આ જરૂરિયાત છે.”

“ઓહ, તમે મારા પાત્રની વાત કરો છો .. આઈ સી, પણ તમે મને આ બધું કેમ કહો છો?”

“સાંભળ બેટા, આ ફિલ્મનો સેટ નથી. માર માટે આ પૂજાસ્થળ છે. હું ધાર્મિક નથી. હું નાસ્તિક છું. હું ઈશ્વરમાં માનતો નથી. હું મંદિર, ચર્ચ કે ગુરુદ્વારામાં જતો નથી. મારા માટે આ જ પૂજાસ્થળ છે. મારા માટે પરિશ્રમ એ જ પરમેશ્વર છે. એ હિન્દી ફિલ્મ હોય કે હોલીવૂડની ફિલ્મ, દૃશ્ય લાંબુ હોય કે ટૂંકું, હું જ્યારે પણ મેક-અપ કરીને સેટ પર આવું છું, દર વખતે મારું શ્રેષ્ઠ આપું છું.”

હું ચૂપચાપ તેમને તાકી રહ્યો. એ બોલતા રહ્યા, “શુટિંગ પછી જ્યાં જવું હોય ત્યાં જજે, જે કરવું હોય તે કરજે, દારૂ પીજે, વેશ્યા પાસે જજે, હું તને નહીં રોકું, તું મોટો થઇ ગયો છું, સારું શું-ખરાબ શું એ તને શીખવાડવાની ઉંમર નથી, પણ એક ફેવર કરજે. હું જ્યાં પૂજા કરું છું તે મંદિરને દૂષિત ના કરતો. મેં કહ્યું તેમ, આ ભૂમિ મારા માટે પવિત્ર છે. જીવનમાં આપણું કામ શ્રેષ્ઠતા માટે સંઘર્ષ કરવાનું છે. તું જે પણ કામ હાથમાં લે, તે તારી પૂરી ક્ષમતાથી કરશે, અથવા કરતો જ નહીં.”

તેમણે દૂર કેમેરા તરફ આંગળી કરી અને બોલ્યા, “આ લેન્સ એક અસલી રાક્ષસ છે. એ દરેકની પાર જોઈ લે છે. એ તમારા સૌથી અંદરના વિચારો અને મૂડ પકડી પાડે છે. તું જો ગંભીર નહીં હોઉં, તો કેમરા લેન્સ દરેક વિચારને પકડીને હજાર ગણો મોટો કરીને બતાવશે. એટલે મારી સલાહ છે કે કાં તો તું આ જ મિનિટે ફિલ્મ છોડી દે, અને જો કામ કરવું હોય, તો ગંભીરતાથી કર. મને ખબર નથી રશિયામાં એ લોકો શું કરે છે, પણ અહીં તું વાતાવણને ગંદુ ના કરીશ. સેટ પર રમત ના કરતો. અહીં આપણે કામ પર ધ્યાન આપવાનું છે.”

તે પાછા જવા લાગ્યા અને મારી તરફ પાછુ જોઇને દોહરાવ્યું, “યાદ રાખજે, મારા માટે આ પૂજાસ્થળ છે.”

એ ફિલ્મનું નામ હતું “પવિત્ર પાપી,” ફિલ્મના ડિરેકટર હતા રાજેન્દ્ર ભાટિયા અને ફિલ્મમાં બલરાજ સહાની, પરિક્ષિત સહાની અને તનુજા મુખ્ય ભૂમિકામાં હતાં. પરિક્ષિતની આ પહેલી હીટ હિન્દી ફિલ્મ હતી. તે પહેલાં તેણે દિલીપ કુમાર-નરગીસની “દીદાર”(1951)માં બાળ કલાકાર તરીકે અને 1968માં સંજીવ કુમારની “આખરી રાત”માં નાનકડી ભૂમિકા કરી હતી.

“પવિત્ર પાપી” ઘણા બધા કારણોસર પરિક્ષિતના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતી. એક તો, ઉપર જોયું તેમ, આ ફિલ્મના સેટ પર જ તેને જીવન અને કારકિર્દીને લઈને પિતા તરફથી અમૂલ્ય બોધપાઠ મળ્યો હતો. બીજું, આ ફિલ્મની પટકથા પરિક્ષિતે જ લખી હતી અને તેનું નિર્દેશન પણ કરવું હતું, પરંતુ ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર ભાટિયાએ તેને અભિનય કરવા મનાવ્યો અને પોતે નિર્દેશન કર્યું. ત્રીજું, આગલી ફિલ્મ “આખરી રાત”માં સંજીવ કુમારે તેનું નામ અજય સાહની રાખ્યું હતું, જે પરિક્ષિતને પસંદ નહોતું અને “પવિત્ર પાપી”માં તેનું અસલી નામ સાથે પદાર્પણ થયું હતું, અને ચોથું પણ અતિ મહત્ત્વનું, પિતા બલરાજ સાહની ત્યારે હિન્દી સિનેમામાં સૌથી સફળ, સાર્થક અને સન્માનીય અભિનેતા હતા અને પરિક્ષિતને તેની પહેલી જ મોટી ફિલ્મમાં પિતા સાથે કામ કરવાની તક મળી હતી.

પંજાબી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નાનક સિંહની એ જ નામની વાર્તા પરથી “પવિત્ર પાપી” બની હતી. વાર્તા બેહદ સુંદર અને સંવેદનશીલ હતી. કેદારનાથ (પરિક્ષિત) નામનો પ્રેમાળ યુવાન લાલા અત્તરચંદ(આઈ.એસ. જોહર)ને ત્યાં ઘડિયાળના કારીગર તરીકે નોકરીએ લાગે છે. તેને એ વાતનું દુઃખ છે કે તે જે કારીગર પન્નાલાલ(બલરાજ સાહની)ની જગ્યાએ આવ્યો છે, તેણે નોકરી જતી રહેવાથી આત્મહત્યા કરી છે. તેની વિધવા માયા (અચલા સચદેવ) એવું માને છે કે તેનો પતિ ગુમ થઇ ગયો છે અમને એક દિવસ પાછો આવશે. કેદાર તેના અનાથ પરિવારની સાર-સંભાળ લેવાનું શરૂ કરે છે, અને પન્નાલાલના નામે છોકરી વીણા(તનુજા)ને પરણાવવા માટે પૈસા મોકલતો રહે છે. એમાં તે તેને પ્રેમ પણ કરી બેસે છે. છેલ્લે પન્નાલાલ સાચે જ પાછો આવે છે અને સૌને કેદારની સેવાની ખબર પડે છે.

ફિલ્મમાં સાત ગીતો હતાં, પરંતુ કિશોર કુમારના કંઠે “તેરી દુનિયા સે, હો કે મજબૂર ચલા, મૈં બહોત દૂર” સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં આવે છે. 1987માં જ્યારે કિશોરનું અવસાન થયું, ત્યારે આ ગીત દેશભરમાં રેડીઓ-ટી.વી. પર ગૂંજ્યું હતું. મનોજ કુમારની દેશભક્તિનાં ગીતોથી પ્રખ્યાત થયેલા ગીતકાર પ્રેમ ધવને આ ગીતમાં એક બેબસ પણ સહનશીલ પ્રેમીની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી હતી. એ લખે છે :

આંખ ભર આયી અગર, અશ્કો કો મૈં પી લૂંગા

આહ નિકલી જો કભી, હોંઠો કો સી લૂંગા

તુજ સે વાદા હૈ કિયા, ઇસ લિયે મૈં જી લૂંગા

બાય ધ વે, ફિલ્મમાં આપણા ઉપેન્દ્ર ત્રિવેદીનો પણ એક નાનકડો રોલ હતો.

પ્રગટ : ‘સુપરહીટ’ કોલમ, “સંદેશ”, 31 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટૂંકમાં (૪) : ગઝલ  

સુમન શાહ|Opinion - Literature|1 September 2022

એક ઠાંસુ ભાષાબાજ વાર્તાકાર એની કૉલમમાં કહે – ગઝલના શેઅર તો બકરીની ડબ ડબ પડતી લીંડીઓ છે. એ વાત મેં એક ઝિંદાદિલ નવોદિતને કરી. નવોદિત કહે – એ લીંડીઓ એના મૉંમાં ઓરવી જોઈએ. મેં નવોદિતને કહ્યું – તારી બ્લૅક હ્યુમરની સૅન્સ સારી કહેવાય, બાકી, આપણા હાથ ખરડાય … 

ગઝલ હલકો કાવ્યપ્રકાર નથી. કોઇ પણ કાવ્યપ્રકાર હલકો કે નાનો નથી. સાહિત્યપ્રકારો વચ્ચે ઊંચનીચ જેવા ઘાતક ભેદ કદી નથી હોતા. એ તો નિર્માલ્ય સાહિત્યકારોએ ઊભા કર્યા હોય છે.

સાહિત્યપ્રકારો રસ નિષ્પન્ન કરવાની વિવિધ રીતિઓ છે જેમ કોઈપણ ગેમ જાતે આનન્દ મેળવવાની અને કેટલીક ગેમ્સ સામાને પણ આનન્દ આપવાની રીતો છે. બાલિશ લોકો જ ક્રિકેટને ગ્રેટ કહે ને કબડ્ડીને યુઝલેસ અથવા લંગડીને ગ્રેટ ને ટેબલટેનિસને યુઝલેસ …

કસોટી એ છે કે ગેમમાં રહીને સર્જનાત્મક પ્લે કરી બતાવો; તો ખરા ! યાદ કરો, ગઝલસમ્રાટોને – રુમિને – હાફિઝને – ગાલિબને – અમીર ખુશરોને – ફૈઝ અહમદ ફૈઝને. યાદ કરો, મરીઝ ઘાયલ શેખાદમ કે નાઝિરને, ગની અનિલ હબીબ કે ખલીલને, આદિલ ચિનુ મનહરને, કૈલાસને, શોભિતને, મનોજ ખંડેરિયાને, મિસ્કિનને, રાજેન્દ્ર શુક્લને કે હરીશ મીનાશ્રુને. તેઓ ગેમના નિયન્ત્રણમાં રહીને સર્જનાત્મક રમનારા પ્લેયર્સ છે.

ગાલિબ

Pic courtesy : SHAYARIWALA.COM

જરૂરી એ છે કે ગઝલમાં સદ્ય – તરત જ – ભાવાર્થ પ્રગટવો જોઈએ. ગઝલને અર્થવિલમ્બન ન પાલવે. જરૂરી એ છે કે ગઝલમાં ગઝલિયત પ્રગટવી જોઈએ. જરૂરી એ છે કે ગઝલમાં ગઝલકાર અને તેનો મિજાજ અનુભવાય એમ થવું જોઈએ, જેમ પર્સનલ ઍસેમાં પર્સન અને એની પર્સનાલિટીના વિશેષ અનુભવાવા જોઇએ.

ગઝલ પુષ્કળ લખાય છે કેમ કે સરળ મનાય છે, પણ હકીકત અવળી છે. પાંચ શેઅર લખી નાખવા અ-સરળ નથી, પણ રચનામાં કશો ઝોલ ન પડે એવા ચુસ્ત પાંચથી વધારે લખવા અઘરા છે. ગઝલશાસ્ત્રના ભાન વિના ય લખાય પણ એ તો અસર / માત્રા જાણ્યા વિના લઈ લીધેલો જુલાબ હશે, અતિસારનું કારણ બનશે.

એક ધ્યાનમાં લેવા જેવી વાત એ કે ગઝલકારોની વાહવાહી થાય તેથી બીજાઓએ બળવાની જરૂર નથી. બીજી ધ્યાન આપવાજોગ વાત ગઝલકાર માટે છે. એણે હમેશાં ચિન્તા રાખવી જોઈશે કે – કોરી વાહવાહી જતે દિવસે મને મારી તો નહીં નાખે ને. હમેશાં એણે ખાસ એ પણ વિચારવું જોઈશે કે સમજદારો ચૂપ કેમ છે.

ગઝલના સમીક્ષકો ક્યાં છે? સમીક્ષાની જરૂર નથી કહેનારાઓને ધ્યાનમાં ન લેવા, કેમ કે એ નાદાનિયત છે, ગુસ્તાખી છે. ગઝલમાં કાવ્યત્વ પ્રગટ્યું છે કે કેમ તેની સમીક્ષા જ લખનારાને સંયમી બનાવશે, ને તો જ ગઝલ લખનારાઓ ઘટશે, કહો કે, ટકી શકનારા ટકશે.

અને, પેલા લીંડીવાળાને ગમ પડશે કે બકવાસ કરવાથી દરેક વખતે વટ નથી પડતો.

આજકાલ, ગઝલ લખનારા પણ ‘ગજલ’ બોલે છે ! શું કરવાનું?

(Aug 30 ’22 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંસદ અને વિધાનસભામાં પ્રશ્નોત્તરી : પુછાતા, નહીં પુછાતા અને રદ થતા પ્રશ્નો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|31 August 2022

પ્રશ્નોત્તરી સંસદીય કાર્યવાહીનો મહત્ત્વનો હિસ્સો છે. ભારતની સંસદીય કાર્યવાહીમાં પ્રશ્નોત્તરીનો સમાવેશ બ્રિટનની સંસદીય પરંપરાનું અનુકરણ છે. ચૂંટાયેલા સભ્યોને સંસદ અને રાજ્યોના ધારાગૃહોમાં લોકમહત્ત્વના પ્રશ્નો પૂછવાનો સંસદીય અધિકાર છે.

મુખ્યત્વે તારાંકિત અને અતારાંકિત એમ બે પ્રકારના પ્રશ્નો હોય છે. તારાંકિત પ્રશ્નો સંસદ કે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પૂછાય છે. તેના લેખિત ઉપરાંત મૌખિક જવાબ મળે છે. તારાંકિત પ્રશ્નો પર પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના પર ચર્ચા થાય છે. સરકારને જવાબમાં ન માત્ર આશ્વાસન, ખાતરી પણ આપવી પડે છે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોમાં આરંભનો એક કલાક તારાંકિત પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે પણ પૂછી શકાય છે તેના માત્ર લેખિત જવાબ મળે છે, કોઈ મૌખિક જવાબ, પૂરક પ્રશ્ન કે ચર્ચા થઈ શકતી નથી.

સરકાર અને મંત્રીઓ માટે પ્રશ્નોત્તરી કસોટીનો કલાક ગણાય છે એટલે અનિવાર્ય કારણો સિવાય સંસદના પ્રશ્નકાળમાં વડા પ્રધાન, રાજ્યોના ધારાગૃહોમાં મુખ્ય મંત્રી અને સિનિયર મંત્રીઓ પણ ઉપસ્થિત રહે છે. વહીવટી તંત્ર, સરકારી યોજનાઓ અને લોકોની સમસ્યાઓ અંગે માહિતી માંગતા પ્રશ્નો પૂછાય છે, ચર્ચાય છે એટલે સરકારને પ્રજાજીવનના ધબકાર પ્રશ્નકાળ દરમિયાન જાણવા મળે છે. સત્તા પક્ષના સભ્યો અને મંત્રીઓ પોતાની વાહવાહી માટે તો વિપક્ષો સરકારને ભીંસમાં લેવા કે મૂંઝવવા પ્રશ્નોત્તરી સમયનો ઉપયોગ કરતા હોય છે. પ્રશ્નકર્તા સભ્ય અને ઉત્તરદાતા મંત્રી વચ્ચેના સંવાદ-વિવાદ, વ્યંગ્ય-વિનોદ અને હાજરજવાબીપણાને કારણે પ્રશ્નકાળ રસપ્રદ બની રહે છે.

વર્તમાન ચૌદમી ગુજરાત વિધાનસભા(૨૦૧૭થી ૨૦૨૨)ના સભ્યો વિશેનો અહેવાલ, “પરફોર્મન્સ રિપોર્ટ ઓફ એમ.એલ.એ. ઑફ ગુજરાત”, તાજેતરમાં પ્રગટ થયો છે. ‘એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ અને ‘માહિતી અધિકાર ગુજરાત પહેલ’ દ્વારા તૈયાર થયેલ આ અહેવાલમાં ગુજરાત વિધાનસભાના ૨૦૧૮થી ૨૦૨૧ના ચાર વરસો દરમિયાન પુછાયેલા તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોની વિશ્લેષણાત્મક વિગતો છે.

અહેવાલ મુજબ ચાર વરસોના નવ વિધાનસભા સત્રો પૈકી આઠ સત્રોમાં વિધાનસભા સચિવાલયને ૩૮,૧૨૧ તારાંકિત પ્રશ્નો મળ્યા હતા. તેમાંથી ૨૭,૯૭૯ પ્રશ્નો સ્વીકારાયા હતા. જ્યારે ૮,૯૦૫ પ્રશ્નો (૨૩.૩૫ટકા) સ્વીકારવામાં આવ્યા નહોતા. સ્વીકૃત પ્રશ્નોમાંથી ૬૨૩ રદ્દ કરવામાં આવ્યા હતા. તારાંકિત પ્રશ્નોના મૌખિક જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે. પરંતુ આ રિપોર્ટ મુજબ રાજ્યના ૫૬ વિભાગોના મંત્રીઓના વારા પ્રમાણે અપાયેલા જવાબો ૬૫૭ જ છે. એટલે બહુ જ થોડા તારાંકિત પ્રશ્નોની વિધાનસભામાં મૌખિક ચર્ચા થઈ છે. તારાંકિત પ્રશ્નોની તુલનામાં લગભગ ચોથા ભાગના (૧૦,૨૨૪) જ અતારાંકિત પ્રશ્નો ચાર વરસોમાં પૂછાયા છે. મતલબ કે ચાર વરસોમાં કુલ ૧૧૫ દિવસ વિધાનસભાનું કામકાજ ચાલ્યું હતું. તે દરમિયાન ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો માટે જ  વિશેષ સક્રિય રહ્યા છે.

તારાંકિત-અતારાંકિત પ્રશ્નો પૂછવાના, તેના અસ્વીકાર અને રદ્દ કરવાના પણ ચોક્કસ નિયમો છે. દોષારોપણ, ચારિત્ર હનન, ન્યાયાધીન બાબત, પુનરાવૃતિ, દોઢસો કરતાં વધુ શબ્દોનો પ્રશ્ન, મિત્ર દેશ કે રાજ્ય અંગે અવિનય, વહીવટની સામાન્ય બાબતો અને સરકારની નિયમિત કામગીરી જેવા મુદ્દે પ્રશ્નોનો અસ્વીકાર કરવામાં આવે છે. બીજી તરફ પ્રશ્નોત્તરી દરમિયાન સરકારને ઘણું છૂપાવવાનું હોય છે એટલે મંત્રીઓ લાંબાલચ્ચક, ભળતાસળતા, ઉડાઉ કે સાવ ટૂંકા અને સંદર્ભહીન જવાબો આપી માહિતી છૂપાવતા હોવાની ફરિયાદ વિપક્ષોની રહે છે. તેથી સભ્યોને સંતોષપ્રદ જવાબો મળતા નથી. અને પ્રશ્નોત્તરીનો મૂળ હેતુ સરતો નથી. મંત્રીઓ મુદ્દાસર જવાબ આપતા ન હોવાથી ઘણીવાર સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષો તેમને ઠપકો પણ આપે છે.

અસ્વીકૃત કે રદ્દ થતા પ્રશ્નો બાબતે સંસદ કે ધારાગૃહોના સચિવાલય અને અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે. તે અંગે કોઈ વિવાદ કે કોર્ટકચેરી થઈ શકતી નથી. જો કે ઘણા સભ્યો આ અંગે જાહેર ચર્ચા કરતા હોય છે. જૂન ૨૦૨૦માં ભારત-ચીન સરહદે લદ્દાખની ગલવાન ઘાટી પર હિંસા થઈ હતી. તેમાં ૨૦ ભારતીય અને ૫ ચીની સૈનિકોના મોત થયા હતા. લોકસભા સચિવાલયે રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો આગળ ધરીને આ અંગેના ૧૭ સવાલો નકાર્યા હતા. સંરક્ષણ, ગૃહ અને  વિદેશ મંત્રાલય તથા વડા પ્રધાન કાર્યાલયને પૂછાયેલા આ પ્રશ્નો મુખ્યત્વે વિપક્ષી સાંસદોના હતા. પરંતુ ખુદ ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો સવાલ પણ અસ્વીકૃત થયો હતો. સ્વામીએ સરકારને પૂછ્યું હતું કે, “શું ચીની સૈનિકોએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી હતી ? વડા પ્રધાને સર્વપક્ષીય બેઠકમાં ચીને એલ.એ.સી.(લાઈન ઓફ એકચુઅલ કન્ટ્રોલ) પાર કર્યાનો ઈન્કાર કર્યા પછી પોતાના જ પક્ષના સભ્યનો પ્રશ્ન નકારે અને તેને રાષ્ટ્રીય હિત સાથે સાંકળે ત્યારે સરકાર કશું છૂપાવી રહ્યાનો અંદેશો રહે છે.

ક્યારેક સરકાર મેટર સબજ્યુડીસ હોવાનો હવાલો આપીને પણ પ્રશ્નો નહીં સ્વીકારવા જણાવે છે. પેગાસસ જાસૂસીને લગતા પ્રશ્નો પણ આ રીતે સંસદમાં દાખલ થઈ શક્યા નહોતા. ગુજરાત વિધાનસભામાં કોરોના કાળમાં કેટલીક હોસ્પિટલોમાં લાગેલી આગ અને જાનહાનિના સવાલો આ કારણથી જ પ્રશ્નોતરીમાં દાખલ થવા દીધા નહોતા. પૂર્વે અધ્યક્ષોએ ન્યાયાધીન બાબતો પણ વ્યાપક જનહિતની હોય તો તેની ચર્ચા જરૂરી હોવાના ચુકાદા આપી પ્રશ્નો દાખલ કર્યા છે. પરંતુ મોટે ભાગે પ્રશ્નના અસ્વીકાર અંગે સંસદ કે ધારાગૃહોના સચિવાલયોનું વલણ સરકારના સંબંધિત વિભાગના અભિપ્રાયને સ્વીકારી લેવાનું હોય છે. એટલે સરકારને અણગમતા સવાલો દાખલ જ થઈ શકતા નથી.

રાજ્યસભાના તૃણમૂલ કાઁગ્રેસના સાંસદ શાંતા છેત્રીએ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારતને ખામીયુક્ત લોકતંત્રની શ્રેણીમાં મૂકવા અંગે સવાલ પૂછ્યો તો ભારત સરકારના કાયદા મંત્રાલયે આ પ્રકારના સવાલને ખૂબ જ “સંવેદનશીલ પ્રકૃતિ”નો ગણાવી દાખલ થવા દીધો નહોતો. ખેડૂત આંદોલન દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં પૂછેલા પ્રશ્નમાં ત્રણ મુદ્દા હતા. પરંતુ સરકારે તેના પહેલા બે મુદ્દા, કિસાન આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂત પરિવારોને વળતર અને એમ.એસ.પી.ની કાનૂની ગેરન્ટીનો જવાબ  ગૂપચાવી દીધો હતો. રાજ્યસભામાં કાઁગ્રેસના કે.સી. વેણુગોપાલનો એક સ્વીકૃત પ્રશ્ન છેક ચર્ચાના દિવસે રદ્દ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે સરકાર પાસેથી એવી માહિતી માંગી હતી કે એરપોર્ટ પર કોઈ એન.આર.આઈ. સાથે  ખરાબ વર્તન કરી, તેમને પરત મોકલી દેવાયાની અને તેઓ ખેડૂત આંદોલનને કોઈ મદદ કરશે નહીં તેમ સરકારે જણાવ્યાની ઘટના સાચી છે ?

લોકતંત્રનો પ્રાણ સવાલ-દાર નાગરિક અને જવાબ-દાર સરકાર છે. પરંતુ અહીં તો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સવાલો જ નકારાય છે. લોકશાહી માટે આ સ્થિતિ ઈચ્છનીય નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,4041,4051,4061,407...1,4101,4201,430...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved