Opinion Magazine
Number of visits: 9671272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી નામનો માણસ કાં આપીને જાય છે અને કાં લઈને જાય છે

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|2 October 2022

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો માણસ છે જે જીવનમાં પ્રવેશે તો કાંઈક આપીને જાય અને કાં લઈને જાય. આ કથન મારું નથી. આ કથન હજારો લોકોનું છે, જેમણે ગાંધીજી સાથે કામ કર્યું હતું, અથવા ગાંધીનો અભ્યાસ કર્યો હતો અથવા અમસ્તા જ કુતૂહલ ખાતર આ માણસ હતો કોણ એ જાણવા માટે ગાંધીજીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. એ દરેકને એવો અનુભવ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે કે આ ગાંધી નામનો માણસ કાં આપીને જાય છે અને કાં લઈને જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાં પકડાવીને જાય છે, કાં છોડાવીને જાય છે. તેમણે દરેકે પોતપોતાની રીતે અલગ અલગ ભાષામાં ગાંધીજી માટે આવું કહ્યું છે. ખાતરી કરવી હોય તો તમે કરી શકો છો. એકાદ હજાર કથન મળી આવશે.

અનેકાંતવાદ અથવા સ્યાદવાદ સમજ્યા વિના કે અપનાવ્યા વિના જૈન તરીકે સો વરસ જીવી શકાય અને જૈનની આગલી પેઢી મૂકી જવાય. અને આવું જ બીજા ધર્મોના અનુયાયીઓ માટે. ધર્મને સમજ્યા વિના ધાર્મિક થઈ શકાય. ખરા અર્થમાં ‘સન્યાસી’ થયા વિના વસ્ત્ર બદલીને સન્યાસી થઈ શકાય, સન્યાસી તરીકેની કીર્તિ સાથે મરી શકાય અને ચેલા પણ પાછળ મૂકીને જઈ શકાય. અંગત જીવનમાં કોઈ પ્રકારનો ત્યાગ કર્યા વિના સમાજવાદી કે સામ્યવાદી બની શકાય. વધુ સંગ્રહ (શોષણ દ્વારા) અને થોડીક સખાવત કરીને ધનપતિ દાનેશ્વરી તરીકે પંકાઈ શકાય અને મૂડીવાદનો માનવીય ચહેરો ચીતરીને મૂડીવાદી થઈ શકાય. રાષ્ટ્રને સમજ્યા વિના કે રાષ્ટ્ર માટે ઘસાયા વિના (ત્યાગ અને બલિદાન તો બહુ દૂરની વાત છે) રાષ્ટ્રવાદી થઈ શકાય. ન ગમતા અવાજોને સાંભળ્યા વિના કે તેને ગૂંગળાવીને પણ લોકશાહીવાદી બની શકાય.

આ બધું જ શક્ય છે અને માટે લોકોને ધાર્મિક, સમાજવાદી, મૂડીવાદી, રાષ્ટ્રવાદી બનવામાં કોઈ તકલીફ પડતી નથી; કારણ કે એમાં ખાસ કાંઈ છોડવું પડતું નથી કે અપનાવવું પડતું નથી. એમાં ઢોંગ અને બેવડા જીવન માટે જોઈએ એટલી મોકળાશ મળે છે. માત્ર ગાંધી એક એવો માણસ છે જે પરેશાન કરે છે.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના ‘ચંપારણ કા ઇતિહાસ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીએ ભય છોડાવી નિર્ભયતા પકડાવી. તેમણે નોકર – ચાકરવાળી સામંતશાહી જીવનશૈલી છોડાવી અને સ્વાશ્રય પકડાવ્યો. તેમણે પોતાનાથી ઉતરતાની સેવા લેવાની જગ્યાએ અમને તેમની સેવા કરતા કર્યા. તેમણે કાનૂનનો આશ્રય લેવાની જગ્યાએ પ્રજવિરોધી અન્યાયી કાનૂનનો અસ્વીકાર કરતા શીખવ્યું. તેમણે અંગ્રેજની જગ્યાએ પ્રજાજનની ભાષા અપનાવતા કર્યા. તેમણે છેવાડાના માણસની દયા ખાવાની જગ્યાએ તેની અંદર રહેલી આંતરિક તાકાતનો પરિચય કરાવ્યો. હિંસાની જગ્યાએ અહિંસાની તાકાતનો પરિચય કરાવ્યો. તેમણે અમને પોતપોતાને રસોડે જમવાની જગ્યાએ એક રસોડે જમતા કર્યા. રાજેન્દ્રબાબુએ તેમની અંદર માત્ર એક અઠવાડિયામાં થયેલા પરિવર્તન વિશે ઉક્ત પુસ્તકમાં લખ્યું છે.

અને આ બધું જ માત્ર એક અઠવાડિયામાં. અને આવો અનુભવ એકલા રાજેન્દ્રબાબુને નહોતો થયો. પણ એ સમયે ચંપારણમાં ગાંધીજીની સાથે ઉપસ્થિત હતા એવા આચાર્ય કૃપલાણી, અનુગ્રહ નારાયણ સિંહ જેવા એક ડઝન નેતાઓને થયો હતો. આવું સામાન્ય જનતાની સાથે પણ થયું હતું. આવું જ, આજે પણ એ લોકોની સાથે થઈ રહ્યું છે જે ગાંધીને સમજવાનો પ્રયાસ કરે છે. આ માણસ કાંઈક છોડાવે છે અને કાંઈક પકડાવે છે.

ગાંધીજીના આગમન પછી દેશના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું એ આ હતું. ઘણું બધું છોડવું પડે એમ હતું અને ઘણું બધું અપનાવવું પડે એમ હતું. આ છોડવા અપનાવવાની જદ્દોજહદ આસાન નહોતી. રૂઢ માન્યતાઓ અને સંસ્કારો છોડવા પડે એમ હતાં. બીજાં કરતાં  સામાજિક કે શૈક્ષણિક રીતે ઉપરવટ હોવાને કારણે મળતા લાભ છોડવા પડે એમ હતાં. બીજા પાસે સેવા કરાવવાનાં સદીઓ જૂનાં સંસ્કાર કે અધિકાર છોડવા પડે એમ હતાં. છેવાડાના માણસ સાથે એકપંક્તિએ બેસવાનું હતું. હરિજનોને અપનાવવા પડે એમ હતાં. સાચી નિસ્બત વિનાના નકલી સમાજવાદ રાષ્ટ્રવાદની કલાઈ ટકાવી રાખવી મુશ્કેલ હતી. સ્થાનિક ભાષા અને મહિલાઓનો રાષ્ટ્રજીવનમાં સહભાગ સ્વીકારવા પડે એમ હતાં. સાદગી અપનાવવી પડે એમ હતી. હવે ઢોંગ માટે કે અંગત જીવન અને જાહેર જીવન એમ બે અલગ અને વિરોધાાસી જીવન માટે જગ્યા રહી નહોતી.

ગાંધીજીના આગમન પછી દરેક ભારતીયે છોડવા અને અપનાવવાને લગતા નિર્ણયો લેવા પડયા હતા અને આજે પણ લેવા પડે છે. આ માણસથી છૂટકારો નથી. જે લોકો ધર્મ, જ્ઞાતિ, ભાષા કે જે તે પ્રકારની સરસાઇ છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને બદનામ કરે છે. સો વરસથી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમનું ચારિત્ર્યહનન કરવામાં આવે છે અને હનન (હત્યા) પણ કરવામાં આવી છે. જે લોકો સુખસુવિધાવાળું જીવન છોડી શકતા નથી અને લોકોની વચ્ચે લોકોની જેમ રહી શકતા નથી, જે લોકોને અંગ્રેજી દ્વારા આર્થિક સુખાકારી મળે છે અને તેને જે છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને અવ્યવહારુ આદર્શવાદી કહીને પોતાનો પિંડ છોડાવે છે.

પણ તમને શું લાગે છે? ગાંધીજી જે છોડવાનું અને અપનાવવાનું કહે છે એ યોગ્ય છે કે અયોગ્ય? એ ગાંધીજીના યુગ માટે, આજ માટે અને આવતીકાલ માટે દુરસ્ત છે અને માટે ગાંધી લાખ પ્રયત્નો પછી પણ મારતો નથી અને મારવાનો પણ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—164

દીપક મહેતા|Opinion - Opinion|1 October 2022

દેશના ભાગલાએ મુંબઈને આપી પંજાબી, સિંધી, અને બંગાળી હોટેલો

મુંબઈગરાને જાતજાતનાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ ખાતાં કોણે શીખવ્યું?

‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ.’ આપણા રાષ્ટ્રગીતના આ શબ્દોને કોઈ એક જ જગ્યાએ સાર્થક થતા જોવા હોય તો? તો એ જોવા મળે મુંબઈમાં, અને તેમાં ય ખાસ તો આ શહેરની જાતભાતની હોટેલોમાં! આજે મુંબઈની હોટેલોમાં જો કોઈએ સૌથી વધુ પગપેસારો કર્યો હોય તો તે પંજાબી – કે કહેવાતી પંજાબી – વાનગીઓએ. બીજા કેટલાક પ્રદેશો કરતાં પંજાબી ફૂડ થોડું આવ્યું મોડું મુંબઈમાં. પણ પછી ઝડપથી એ પ્રસરી ગયું હોટેલોમાં, ઘરોમાં, અને લોકોમાં. મુંબઈમાં પંજાબીઓનું ઘોડાપૂર આવ્યું તે તો ૧૯૪૭ના અરસામાં, દેશના ભાગલા વખતે અને પછી.

એ વખતે જે હિન્દુસ્તાનમાં હતું અને આજે જે પાકિસ્તાનમાં છે તે સિયાલકોટનો એક છોકરો, નામ ગુરનામ સિંહ. સાલ ૧૯૪૫, ઉંમર વરસ ચૌદ. પછી વર્ષો સુધી એને એક વાત યાદ રહી ગઈ : ‘મારા બાપે મને કચકચાવીને લાફો ઠોકી દીધો. અને મેં ઘરને અને ગામને છોડવાનું નક્કી કર્યું.’ માને કહ્યું કે એક સગાને ત્યાં થોડા દિવસ રહેવા જાઉં છું. અને ટ્રેન પકડીને સીધો પહોંચ્યો અમૃતસર. કોણ જાણે કેમ, એ છોકરાને અણસાર આવતો હતો કે દેશમાં કશુંક અણધાર્યું, અજબગજબનું બનવાનું છે. અમૃતસરમાં તો લોકોનાં ટોળે ટોળાં ઊભરાતાં હતાં એટલે છોકરો આવ્યો મુંબઈ. પછી કહેતો : ‘મારાં નસીબ પાધરાં તે હું હેમખેમ અમૃતસર અને ત્યાંથી મુંબઈ પહોંચી ગયો. પછીથી મારા મા-બાપ તો બધું પાછળ છોડીને પહેરેલે કપડે આવી શક્યાં.

મુંબઈના ઘણા વિસ્તારો હવે માત્ર નામ પૂરતા ‘કોળી વાડા’ રહ્યા છે. એવો એક કોળી વાડો છે સાયન કહેતાં શિવમાં. ત્યાં રહ્યો આ છોકરો. પૂરાં વીસ વરસ ટેક્સી ચલાવી. હવે એને કોઈ પૂછે કે ‘તને તારા વતનમાં પાછા જવાની ઈચ્છા થાય ખરી?’ ત્યારે તે જવાબ આપે છે, ‘આ મુંબઈએ, આ દેશે મને શું નથી આપ્યું? હવે અહીંથી બીજે શા માટે જાઉં? આવા સાયન કોળી વાડામાં આવેલી છે ‘ગુરુકૃપા’ હોટેલ. ઠઠારો નહિ, ખિસ્સાફાડ ભાવ નહિ, અને ટેસ્ટ અસ્સલ પંજાબી. અહીંના સમોસાં છોલે ચડે કે છોલે ભટુરે એ નક્કી કરવું મુશ્કેલ. પનીર પરાઠા અને આલુ પરાઠા વચ્ચે પસંદગી કરવાનું સહેલું નહિ.

પંજાબી છોલે સમોસાં

આજે મુંબઈમાં એવા કેટલાયે લોકો છે જે પંજાબી ખાવા માટે દહિસર સુધી ગાડી હંકારી જાય. વિશાળ ખુલ્લી જગ્યામાં ગામડાનું વાતાવરણ. ચાર પાઈ કહેતાં ખાટલા ઢાળેલા. ઘીથી લસલસતી વાનગીઓની સોડમ તમારો પીછો છોડે નહિ. પીવાના શોખીનોની તરસ પણ સાથોસાથ છિપાવી શકાય, પટિયાળા પેગ દ્વારા. નહિતર ધીંગી લસ્સી તો છે જ. હા, જી. આ જગ્યા ‘દારાના ઢાબા’ તરીકે ઓળખે છે. તો કેટલાક કહેશે કે અસ્સલ પંજાબી વાનગીઓનો આસ્વાદ લેવા માટે તો પંજાબ ગ્રીલ જવું પડે. પછી જાવ લોઅર પરેલ, બી.કે.સી., ફોર્ટ. બટર ચિકન કુલચા અને મટર આચારી કુલચા પર નોન-વેજ ખાનારાઓ વારી જાય. બીજા માટે મલાઈ કુલચા છે જ. આલુ-ગોબીની સબ્ઝી, ધનિયા મિર્ચ દા કુક્કડ તો છે જ.

પંજાબીઓની જેમ સિંધીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા તે ભાગલાને કારણે. બન્નેએ મુંબઈગરાઓની ખાવાપીવાની ટેવમાં કેટલાક ધરખમ ફેરફાર કર્યા. આજે શહેરના કોઈ પણ  વિસ્તારમાં તમને ફ્રૂટ વેચતા ફેરિયા જોવા મળે, ફ્રૂટની દુકાનો જોવા મળે. આજથી ૭૫-૮૦ વરસ પહેલાં એવું નહોતું. મધ્યમ વર્ગના મુંબઈગરા માટે એ વખતે ફ્રૂટ એટલે લીલી છાલનાં કેળાં, ચીકુ, દ્રાક્ષ, નારંગી કહેતાં સંતરાં. ઘણાં ઘરોમાં કોઈ માંદુ પડે ત્યારે તેને માટે મોસંબી આવે. સીઝનમાં કેરી. જુદી જુદી વાનગીઓમાં ઘીનો અને સૂકા મેવાનો ભરપટ્ટે ઉપયોગ કરવાનું પણ આપણે પંજાબીઓ અને સિંધીઓ પાસેથી શીખ્યા. 

આજે નામ તો યાદ નથી રહ્યું, પણ જ્યાં જિંદગીનાં પહેલાં ૩૨ વરસ વીત્યાં તે વજેરામ બિલ્ડિંગની બરાબર સામે આવેલી ડુક્કર વાડી(આજનું નામ ડોકટર નગીનદાસ શાહ લેન)ના કોર્નર પર એક સિંધીની દુકાન આવેલી હતી. એની બે વાનગી બહુ ભાવતી. એક તવા પેટીસ. ગોળ નહિ, હાર્ટના આકારની અને ખાસ્સી મોટી. ઉપ્પર ખાટી અને તીખી ચટણીઓ. તેના પર કાંદાની બારીક છીણ. પછી મૂકે લાલ ચટક ટમેટાની તાજી કાપેલી સ્લાઈસ. આજે બજારમાં મોટે ભાગે લંબગોળ, જામ્બુલ ટમેટાં મળે છે એ તે વખતે લગભગ અજાણ્યાં. મોટાં, લાલ, ગોળ ટમેટાં, રસથી ભરપૂર.

મૂળચંદાની ભાઈઓ મૂળ કરાચીના વતની. કરાચીના બાન્સ રોડ પર નાનકડી દુકાન. ચાટની થોડી આઈટમ વેચે. ભાગલા પછી આવ્યા મુંબઈ અને મુંબઈમાં કોલાબામાં સ્ટ્રેન્ડ સિનેમા સામે સિંધી વાનગીઓ પીરસતી નાની હોટેલ શરૂ કરી, કૈલાસ પરબત. કોકી, પકવાન, આલુ ટુક, જેવી સિંધી વાનગીઓ, ખિસ્સાને પોસાય એવા ભાવે. પછી તો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ હોટેલ શરૂ કરી, પરદેશ પણ પહોચ્યાં. તો ચેમ્બુરની VIG રિફ્રેશમેન્ટ્સ શરૂ થઈ ૧૯૫૨માં. મસાલા-ચણા ભરેલી કટલેટ્સ એ એની જાણીતી-માનીતી વાનગી.

૧૯૪૭ના અરસામાં બંગાળીઓ પણ પોતાનું વતન – પૂર્વ પાકિસ્તાન, હાલનું બાંગ્લાદેશ – છોડીને ભારત આવ્યા. તેમણે પણ હોટેલો શરૂ કરી. બંગાળીઓની મોટી વસ્તી અંધેરીમાં. એટલે ત્યાં તેમની હોટેલો વધારે. પંજાબી ફૂડ જેટલું બંગાળી ફૂડ મુંબઈમાં લોકપ્રિય ન બની શક્યું. પણ હા, બંગાળી મીઠાઈઓ ખૂબ ફેલાઈ ગઈ. બંગાળની આઇકોનિક વાનગી એટલે મિષ્ટી ડોઈ. પણ દેશ અને દુનિયામાં સૌથી વધુ જાણીતી બંગાલી મીઠાઈ તે રોશોગુલ્લા. મુંબઈમાં બંગાળી મીઠાઈની દુકાનો શરૂ થઈ તે પહેલાં કલકત્તાના દાસનાં રસગુલ્લાં મુંબઈ પહોંચી ગયેલાં, ટીન્ડ અવતારમાં. તેવી જ રીતે યમુના-ગંગાના ઉત્તર પ્રદેશની મીઠાઈઓ પણ મુંબઈગરાની દાઢે વળગી ગઈ. અગાઉ મુંબઈમાં મુખ્યત્વે મરાઠી અને ગુજરાતી મીઠાઈઓનું ચલણ. પણ પછી મુંબઈ બહારથી આવેલી મીઠાઈઓએ સ્થાનિક મીઠાઈઓને આઘી ખસેડી. જેમ કે દૂધપાક, ચૂરમા લાડુ. ખીર હવે ફક્ત શ્રાદ્ધપક્ષમાં ઘરે બને. પછી બાકીનું વરસ લગભગ ખોવાઈ જાય. એવું જ મોહનથાળ, ચંદ્રકળા, સૂર્યકળા વગેરે પરંપરાગત મીઠાઈઓનું.

ચના જોર ગરમ લાયા મૈ બાબુ મઝેદાર

પણ સારી ખાવાપીવાની વાનગીઓ માત્ર હોટેલોમાં જ મળે એવું નહિ. મુંબઈની ફૂટપાથો પર પણ મળે. સૌથી પહેલાં યાદ આવે સાઈકલ પર ફરી ફરીને ગરમાગરમ ચા-કોફી વેચનારા. જો કે હવે કાગળની સાવ નાનકડી પ્યાલીમાં જે ચા મળે છે તેનાથી બત્રીસ દાંત પણ ભીના ન થાય! લાગે છે કે હવે એવો વખત આવશે જ્યારે ચાવાળો મારા-તમારા મોઢામાં ડ્રોપરથી ચાનાં ટીપાં નાખશે. એક રૂપિયાનું એક ટીપું! સો ટીપાં લો તો દસ ટીપાં મફત! એવી જ રીતે સાઈકલ પર ફરી ફરીને ઇટલી-વડા વેચનારા સાઈકલનું ભોપું વગાડીને ઘરાકોનું પોતાના તરફ ધ્યાન ખેંચે. એક જમાનામાં શિંગ-ચણા, ચણા જોર ગરમ, ચણીબોર, લીલી આમલી, તાડ ગોળા, ગંડેરી, બાફેલાં શિંગોડાં, વગેરે વેચતા ફેરિયાઓની બોલબાલા. એમાં ચણા જોર ગરમ તો હિન્દી ફિલ્મ સુધી પહોંચી ગયા હતા. ૧૯૫૬માં આવેલી નયા અંદાઝ ફિલ્મનું શમશાદ બેગમ અને કિશોર કુમારે ગાયેલું ‘ચણા જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર’ આજે ય જૂની ફિલ્મોના ચાહકોની જીભે રમે છે. હવે મોટે ભાગે આવા ફેરિયા સ્કૂલોની બહાર જોવા મળે તો મળે.

મુંબઈની આગવી ઓળખ જેવાં વડા-પાઉં

પછી આવે રસ્તાની ધારે નાનકડી મોબાઈલ હાટડી માંડી ચા-કોફી, ઇટલી-વડા, કાંદાપોહે, ઉપમા વગેરે વેચનારાઓ. અમુક ચોક્કસ વખતે જ જોવા મળે. લાવેલો બધો માલ વેચાઈ જાય એટલે ચાલતી પકડે. પછીને પગથિયે આવે રોડ સાઈડ સ્ટોલવાળા. તેમાં સૌથી માનીતા વડાપાંઉવાળા. કાયમી ઘરાકો તો અમુક ચોક્કસ સ્ટોલના બંધાણી હોય. એવા જ બીજા સ્ટોલ તે ઢોસાના. ‘એક વર્યો ગોપીજન વલ્લભ નહિ સ્વામી બીજો’ની જેમ કેટલાક તો ફક્ત ઢોસા જ વેચે, ઉત્તપમ પણ નહિ! પણ ઢોસામાં ૫૦-૬૦ જાતની વેરાઈટી! આવા કોઈ સ્ટોલથી દસ ડગલાં દૂર પાછી કોઈ મલ્ટી નેશનલ ચેનનું આઉટલેટ હોય જ્યાં વેનીલા મિલ્કશેકના સ્મોલ મગના ૪૦૦-૫૦૦ રૂપિયા આપવા પડે. જીવનની બીજી બધી બાબતોની જેમ મુંબઈમાં મધ્યમ વર્ગના લોકો બંને બાજુથી ભિસાતા જાય. ઉપલા વર્ગ માટેનું પોસાય નહિ, નીચલા વર્ગ સાથે ઊઠતાં-બેસતાં સંકોચ થાય. આવા મધ્યમ વર્ગના લોકો માટે રોડ સાઈડ સ્ટોલ વરદાનરૂપ.

૧૮૪૮માં શરૂ થયેલી મુંબઈની સૌથી જૂની હોટેલ

મુંબઈની સૌથી જૂની, અને આજે પણ ચાલતી હોય તેવી, હોટેલ કઈ? આવી ઝીણી વિગતો સંઘરવાની આપણને ટેવ જ નથી. પણ કદાચ વી.ટી. કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થોડે દૂર આવેલ પંચમ પૂરીવાલાને આ માન મળી શકે. પંચમ શર્મા નામના સાહસિક છેક ઉત્તર પ્રદેશથી પગરસ્તે મુંબઈ આવ્યા, કારણ હજી એ વખતે દેશમાં રેલવે શરૂ થઈ જ નહોતી. અને ૧૮૪૮માં શરૂ કરી પૂરી-ભાજીની નાનકડી દુકાન. પોતાનું નામ પંચમ એટલે દરેક પ્લેટમાં પાંચ પૂરી આપતા. આ પરંપરા આજે પણ ચાલુ જ છે .વિક્ટોરિયા ટર્મિનસનું ભવ્ય મકાન ૧૮૮૭ના જૂનની ૨૦મી તારીખે ખુલ્લું મૂકાયેલું. એટલે કે આ પંચમ પૂરીવાલા વી.ટી. સ્ટેશન કરતાં ય વધુ જૂની હોટેલ. અરે, ૧૮૫૩માં જ્યાંથી દેશની પહેલવહેલી ટ્રેન સેવા શરૂ થયેલી તે બોરીબંદરનું લાકડાનું મકાન પણ આ દુકાન પછી બંધાયેલું! ત્યારથી માંડીને આજ સુધી જાતભાતની હોટેલો મુંબઈમાં આવતી અને જતી રહી છે. કારણ મુંબઈ ક્યારે ય થોભતું કે થંભતું નથી. સતત ચાલતું, ના દોડતું રહે છે. આવા દોડતા મુંબઈની બીજી કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 ઓક્ટોબર 2022

Loading

જાહેરખબરોની માયાવી દુનિયા પર લગામ જરૂરી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 September 2022

મોટા ભાગના ગ્રાહકો વસ્તુ અને સેવાની પસંદગી તેની જાહેરખબરોના આધારે કરે છે. તેના કારણે તે ઘણીવાર છેતરાય છે. જાહેરખબરોની માયાવી દુનિયામાં ગ્રાહક હિતનો સવાલ અગ્રસ્થાને નથી પણ કોઈ પણ રીતે પોતાના ઉત્પાદનનું વેચાણ અગત્યનું છે. એટલે ઘણીવાર ભ્રામક અને જુઠ્ઠી જાહેરખબરો પણ આપવામાં આવે છે. આવી ભ્રામક જાહેરખબરોને સાચી માની વસ્તુ કે સેવા મેળવનાર ગ્રાહકો છેતરાય છે .. અતિરંજિત વાયદા, નિરાધાર દાવા, ખોટી માહિતી અને જુઠ્ઠી જાણકારી ધરાવતી જાહેરખબરોથી છેતરાયેલા ગ્રાહકોની સંખ્યા અને ગ્રાહક અદાલતોમાં તેમની ફરિયાદો સતત વધતી રહી છે. એટલે કેન્દ્ર સરકારના ગ્રાહકો બાબતના મંત્રાલય હસ્તકની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટીએ ભ્રામક જાહેરખબરો પર લગામ લગાવતી કડક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.

આજે જમાનો જાહેરખબરોનો છે. સોયથી સાબુ, ટાંકણીથી ટી.વી. અને મુરબ્બાથી મુંબઈની જાહેરખબરો જોવા મળે છે. જાહેરખબરો વેચાણ કલાનું માધ્યમ છે. ઉત્પાદકો તેમના ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા તેનો આશરો લે છે. તેના થકી તેઓ વસ્તુ અને સેવાની જરૂરિયાત સમજાવે છે અને તેને લોકપ્રિય બનાવે છે. અખબારો, સામયિકો, ટી.વી. ચેનલ્સ, રેડિયો, ફિલ્મો, હોર્ડિંગ્સ, યુ ટ્યૂબ, બ્લોગ, વેબસાઈટસ જેવા અનેક માધ્યમોમાં જાહેરખબરો આવે છે. ઉત્પાદકો જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં તેમના ઉત્પાદનમાં રસ-રુચિ પેદા કરે છે. બજારમાં નવી આવેલી પ્રોડકટની માહિતી આપે છે. તેની ઉપયોગિતા અને વિશેષતા જણાવે છે. તેને કારણે તેમના ઉત્પાદનોનું વેચાણ વધારવા ચાહે છે.

જાહેરખબરો આધુનિક વેપાર-વણજનો આધારસ્તંભ છે. બજાર તેના પર ટક્યું છે. ભારે સ્પર્ધાના યુગમાં પોતાના ઉત્પાદનને ટકાવી રાખવા, બીજા કરતાં ચડિયાતું બતાવવા અને તેની માંગ વધારવા તેની વિશેષતાઓ બઢાવી-ચઢાવીને દર્શાવવામાં આવતી હોય છે. આખી દુનિયા તેનાથી ગ્રસ્ત છે અને પ્રભાવિત છે. ભારતમાં ૨૦૨૧માં રૂ.૮૦,૧૨૩ કરોડનું જાહેરખબરોનું બજાર હતું. વિશ્વમાં ૨૦૧૫માં ૫૩૦ બિલિયન અમેરિકી ડોલર જાહેરખબરો પાછળ ખર્ચાયા હતા. આજે તો તેમાં અનેક ગણો વધારો થયો છે.

ગ્રાહકો જાહેરખબરોથી આકર્ષાઈને તે ખરીદે છે. તેને આ વસ્તુ કે સેવાની વિશેષતાઓની તો માહિતી છે પરંતુ તેની ગુણવત્તાનો ખ્યાલ તો ખરીદીને ઉપયોગ કર્યા પછી જ આવે છે .જ્યારે તેને છેતરાયા કે લૂંટાયાની લાગણી થાય છે ત્યારે તે લાચાર હોય છે. જુઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો સામે તેને કાયદાનું સંરક્ષણ નથી. તેથી તે તેની વિરુદ્ધ ખાસ કંઈ કરી શકતો નથી. ગ્રાહક અદાલતોમાં તે ફરિયાદ કરે છે પણ તે અદાલતો ફરિયાદોથી ઉભરાય છે એટલે તેને ન્યાય મળવામાં બહુ વિલંબ થાય છે અને ત્યાં સુધી તે બીજી કોઈ ભ્રામક જાહેરખબરનો ભોગ પણ બની બેસે છે.

નવમી જૂન ૨૦૨૨ના સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણના નોટિફીકેશનથી હવે ગ્રાહકોને છેતરનારી જાહેરખબરો સામે રક્ષણ મળવાની શક્યતા ઊભી થઈ છે. જૂઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો પર લગામ કસવાના અને ગ્રાહકોના અધિકારોના રક્ષણના ઉદ્દેશથી સરકારે આ માર્ગદર્શિકા ઘડી છે. તેને ૨૦૧૯ના ગ્રાહક સંરક્ષણ અધિનિયમની ધારા ૧૦ મુજબ સત્તાઓ પણ મળી છે.

જે કંપનીઓ કે ઉત્પાદકો પોતાના ઉત્પાદનની જાહેરખબરમાં વળી નૈતિક શું અને અનૈતિક શું તેમ માને છે તેના પર સરકારની ગાઈડલાઈન્સ નિયંત્રણ મૂકે છે. ભ્રામક જાહેરખબર આપનાર ઉત્પાદક, પ્રોડ્યુસર, પ્રચારક અને પ્રસારક દંડ અને સજાને પાત્ર થશે. પહેલીવારના ગુના માટે રૂ. દસ લાખ અને બીજીવારના ગુના માટે રૂ. પચાસ લાખના અર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. વળી આવી જાહેરખબરો પર એક વરસથી ત્રણ વરસના પ્રતિબંધની પણ સજા કરવામાં આવશે. ભ્રામક જાહેરખબરમાં કામ કરતા ફિલ્મ, રમતજગત કે અન્ય ક્ષેત્રના જાણીતા મહાનુભાવો પણ દંડને પાત્ર ઠરશે. 

સરકારી માર્ગદર્શિકામાં બાળકોને અસરકર્તા જાહેરખબરો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે જાહેરખબરોમાં કાયદા હેઠળ આરોગ્ય સંબંધી ચેતવણી આવશ્યક છે અને તે વસ્તુઓ બાળકો દ્વારા ખરીદી શકાતી નથી તેવી વસ્તુઓની જાહેરખબરો સિનેમા, રમત કે સંગીત ક્ષેત્રની હસ્તીઓને દર્શાવતી પ્રતિબંધિત કરી છે. દારુ, સિગારેટ, તમાકુ, જંકફૂડ, ગોરા દેખાવાની ક્રીમ અને કેટલાંક ઠંડાંપીણાંની જાહેરખબરો બાળકો અને કિશોરોના કુમળા માનસ પર અસર કરે છે. મધ્યમ વર્ગના બાળકો તેની ખરીદી માટે લલચાય છે. તેથી આવી જાહેરખબરો પર પણ પ્રતિબંધ આવશ્યક જણાય છે. તે જ પ્રમાણે કેટલીક આર્થિક રોકાણો  કે લોન વગેરેની જાહેરખબરો પણ ગ્રાહકોને ભરમાવે છે.

ખાટલે મોટી ખોટ ભ્રામક જાહેરખબરોની ઓળખ કરવાની છે. ૨૦૨૦માં ગઠિત સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેકશન ઓથોરિટી પાસે ઓળખ અને અમલીકરણનું મસમોટું તંત્ર છે કે કેમ તે સવાલ છે. ૮૫૦થી વધુ બહુભાષી ટી.વી. ચેનલો અને ૧૦,૦૦૦ મુદ્રિત માધ્યમોમાંથી ભ્રામક જાહેરખબરો તારવવી અને તેને સજા કરવી તે બહુ મુશ્કેલ કામ છે. વળી હાલ સરકારે માત્ર માર્ગદર્શિકા જ જાહેર કરી છે. તેને કાયદાનું કેટલું પીઠબળ છે તે પણ પ્રશ્ન છે. ગાઈડલાઈન્સમાં મીડિયાની પણ જવાબદારી નક્કી કરી તેને પણ દંડ કરવાની જોગવાઈ કરી છે. પૂર્વે જાહેરખબર ઉદ્યોગે પોતે સ્વનિયમન માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ઝાઝા સફળ થયા નથી. દીર્ઘ પ્રતીક્ષા પછીનો વર્તમાન પ્રયત્ન ગ્રાહકોને છેતરતી જાહેરખબરો પર લગામ મૂકવાનો હોવાનો સરકારનો દાવો છે, પરંતુ અનેક રીતે વિચારતાં તે ભ્રામક લાગે છે અને ગ્રાહકોના લમણે છેતરાવાનું લખાયેલું જારી રહેશે તેમ લાગે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,3741,3751,3761,377...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved