Opinion Magazine
Number of visits: 9670482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીન લ્યૂક ગોડાર્ડનો જીવનમાં પણ જમ્પ કટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 October 2022

જીન લ્યૂક ગોડાર્ડ (ફ્રેંચમાં જ્યાં-લીક ગોડા), ફ્રેચ ન્યૂ વેવ સિનેમાના પ્રણેતા માત્ર નહોતા, તે દુનિયાભરના કળાપ્રેમીઓ અને બુદ્ધિજીવીઓનું ‘ડ્રગ્સ’ પણ હતા. તે કહેતા હતા કે સિનેમા તેમનો નશો છે. એ એવો નશો હતો કે તે સિનેમાને ઘોળીને પી ગયા હતા. “હું જીવનને માત્ર સિનેમાના માધ્યમથી જાણું છું,” એવું તેમણે એકવાર કહ્યું હતું. જે લોકો તેમની ફિલ્મો જોતા હતા, તે તેમને વિચારવા માટે મજબૂર કરી દેતી હતી. તેમને હંમેશાં સિનેમાના માધ્યમથી કશુંક એવું કહેવું હતું જેમાં એક પ્રકારના વિદ્રોહનો ભાવ રહેતો હતો. ગોડાર્ડ માટે ઇતિહાસ અને સિનેમા બે એવાં ધ્રુવ હતાં, જેની વચ્ચે તેમનું જીવન, વિચાર અને કાર્ય લોલકની માફક ફરતું હતું.

સરખામણીથી જો સમજવું હોય, તો તેઓ ફ્રેંચ સિનેમાના પ્રેમચંદ, ઉર્દૂ વાર્તાઓના મંટો, પેન્ટિંગના પિકાસો અને સંગીતની લતા મંગેશકર હતા. ગઈ 13 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું, ત્યારે ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોંએ ટ્વીટ કરી હતી, “તેઓ ફ્રાંસની સિનેમામાં એક હિરો સમાન હતા. પછી તેઓ ગુરુ બની ગયા હતા. ગોડાર્ડે પૂરી રીતે આધુનિક મુક્ત કળાનો આવિષ્કાર કર્યો હતો. આપણે એક રાષ્ટ્રીય ખજાનો ગુમાવી દીધો છે.”

તેમના અવસાનના સમાચાર સાંભળીને જાણીતા ફિલ્મ સર્જક અદૂર ગોપાલકૃષ્ણએ કહ્યું હતું, “ગોડાર્ડે ફિલ્મ નિર્માણના વ્યાકરણને બદલી નાખ્યું હતું અને ફિલ્મો બનાવામાં પોતાનો રસ્તો શોધ્યો હતો.” ગોડાર્ડની જાણીતી ફિલ્મોમાં ‘બ્રેથલેસ,’ ‘અ વુમન ઇઝ અ વુમન,’ ‘કન્ટેમ્પ્ટ,’ ‘બેન્ડ ઓફ આઉટસાઈડર્સ,’ ‘અલ્ફાવિલે,’ ‘મસ્ક્યુલિન ફેમિનિન,’ ‘ટુ ઓર થ્રી થિંગ્સ આઈ નો અબાઉટ હર’ અને ‘વીક-એન્ડ’નો સમાવેશ થાય છે.

3 ડિસેમ્બર 1930ના રોજ પેરિસમાં જન્મેલા જીન લ્યૂક ગોડાર્ડ 91 વર્ષના હતા, અને અવસાનના સમયે સ્વિત્ઝરલૅન્ડના રોલે નામના ગામડામાં રહેતા હતા. આખી જિંદગી દુનિયાના સૌથી ખૂબસુરત શહેર પેરિસમાં રહેલા ગોડાર્ડ 1978થી સ્વિત્ઝરલૅન્ડ જઈને વસ્યા હતા તેનાં બે કારણો હતાં; એક, તેમને મોટા શહેરની ધમાલથી દૂર એકાંતમાં રહેવું હતું, અને બે, સ્વિત્ઝરલૅન્ડ તેમના આઝાદ ખયાલી અને વિદ્રોહી આત્માને અનુકૂળ આવે તેવો પ્રગતિશીલ સમાજ હતો.

1974માં અચનાક પેરિસ છોડીને ફ્રેંચ આલ્પ્સના ગ્રેનોબલ શહેર અને પછી સ્વિત્ઝરલૅન્ડ જતા રહેવાના નિર્ણય અંગે પૂછવામાં આવતાં તેમણે દાવો કર્યો કે એક દિવસ તુક્કો સુજ્યો અને “મેં કારમાં કૂદકો માર્યો અને હાઈવે પર મારી મૂકી.” તેમની પહેલી જ ફિલ્મ “બ્રેથલેસ”માં હિરો જીન-પોલ બેલ્મોન્ડો પણ માર્સેલ શહેરમાંથી એક કાર ચોરીને કોઈ પ્લાન વગર એવી જ રીતે ગામડાઓ તરફ નીકળી પડે છે.

સ્વિત્ઝરલૅન્ડ યુરોપની સરખામણીમાં પણ એટલો પ્રગતિશીલ છે કે ત્યાં જાતે ઈચ્છામૃત્યુ પસંદ કરવાની છૂટ આપતો કાયદો છે. યુરોપમાં અન્ય ઠેકાણે પણ ઈચ્છામૃત્યુની છૂટ છે, પરંતુ તેમાં ડોક્ટરની મદદ લેવી પડતી હોય છે. યુરોપમાં સ્વિત્ઝરલૅન્ડ પહેલો દેશ છે, જેણે 1942માં ઈચ્છા મૃત્યુને કાનૂની વૈધતા આપી હતી. સ્વિત્ઝરલૅન્ડમાં વ્યક્તિ, કાનૂની અને મેડિકલ વિધિઓ પૂરી કર્યા પછી, પોતાની જાતે જાતે ઘાતક દવાનો ડોઝ લે છે. આના માટે ‘ડિગ્નિટાઝ’ નામનું એક સંગઠન સમગ્ર પ્રક્રિયામાં મદદ કરે છે.

આત્મઘાત એ કાયરતા છે? જન્મ પર આપણો અધિકાર નથી. માત્ર મૃત્યુમાં જ પસંદગીનો અવકાશ છે, તો તેનું ગૌરવ કેમ નહીં? આ લીગલ અને ફિલોસોફિકલ મુદ્દો છે. આનો કોઇ સ્પષ્ટ જવાબ નથી, કારણ કે અમુક દેશોમાં આત્મહત્યા અપરાધ નથી, જ્યારે અમુક દેશોમાં જન્મ પર વ્યક્તિનો અધિકાર ન હોય તો મૃત્યુ પર પણ ન હોય તેવા તર્ક સાથે તેને અપરાધના દાયરામાં મુકવામાં આવે છે.  ઈચ્છામૃત્યુનું અપરાધિકરણ પશ્ચિમમાંથી આવ્યું છે. ત્યાં પુનર્જન્મની ધારણા નથી. આ એક જ જીવન છે, એટલે મરવું એ પાપ છે એ ઈસાઈ અને ઇસ્લામિક ખયાલ છે. પરિણામે, પશ્ચિમની લીગલ સંહિતામાં તેને અપરાધ ગણવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે હવે પશ્ચિમમાં જ ઈચ્છામૃત્યુને અપરાધના દાયરામાંથી બહાર કાઢવાની ઝુંબેશ ચાલે છે.

ગોડાર્ડે આ રસ્તો અપનાવ્યો હતો. તેમણે સ્વેચ્છાએ જ અલવિદા ફરમાવાનું નક્કી કર્યું હતું.

2014માં તેમણે સાર્વજનિક રીતે આત્મહત્યાની તરફેણ કરી હતી. તે વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે તેમને બીમારીમાં વ્હીલચેરમાં જીવવાનું પસંદ નહીં પડે અને એવું થશે તો સ્વિત્ઝરલૅન્ડમાં સ્વહસ્તે જીવનનો અંત લાવશે. 2021માં, કોરોનાની મહામારી વચ્ચે યોજાયેલા વર્ચુઅલ આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ ફેસ્ટીવલમાં 85 મિનિટના વાર્તાલાપમાં ગોડાર્ડે જાહેર કર્યું હતું કે અગામી બે ફિલ્મો પૂરી કરીને તેઓ ફિલ્મ નિર્દેશનમાંથી સન્યાસ લઇ લેશે. “હું મારા સિનેમા જીવનની બે સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છું. એ પછી, હું સિનેમાને અલવિદા કહી દઈશ.”

“લિબરેશન” નામના એક ફ્રેંચ અખબાર અનુસાર ગોડાર્ડ કોઈ અસહ્ય બીમારીઓના ભોગ બન્યા ન હતા. તેમના પરિવારના નજીકના લોકોને ટાંકીને અખબારે કહ્યું હતું કે તેઓ થાકી ગયા હતા અને સ્વેચ્છાએ જતા રહેવું હતું. તેમના ગયા પછી કોઈને કાનૂની મુશ્કેલી ન આવે તે માટે તેમણે ઈચ્છા મૃત્યુની વાત સાર્વજનિક કરવાની વ્યવસ્થા કરી હતી. તેમના કાનૂની સહાયક પેટ્રિક જીનનેરેટે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના પત્રકારને કહ્યું હતું, “એ મારી-તમારી જેમ જીવી શકે તેમ નહોતા. તેઓ આખી જિંદગી એક સ્પષ્ટતા સાથે જીવ્યા હતા, અને એ જ રીતે નક્કી કર્યું કે હવે જવાનો સમય આવી ગયો છે. તેમને ગરિમા સાથે જવું હતું અને એવું જ કર્યું હતું.”

ગોડાર્ડે એકવાર કહ્યું હતું, “ફિલ્મનો આરંભ, મધ્ય અને અંત હોવો જોઈએ, પરંતુ જરૂરી નથી કે એ જ ક્રમમાં હોય.” તેઓ ફિલ્મ પણ એવી જ રીતે બનાવતા હતા, જેમાં પરંપરાગત રીતે એક સીધી દિશામાં વાર્તાની ટાઈમલાઈન ન હોય. તેના બદલે તેઓ વાર્તાને ‘કુદાવતા’ રહેતા (ફિલ્મ એડિટિંગની ભાષામાં તેને ‘જમ્પ કટ’ કહે છે). તેમણે ખુદની જીવન કથામાં પણ એવો જ ‘જમ્પ કટ’ લીધો હતો.

(લેખકની ‘ફાયરવોલ’ નામક સાપ્તાહિક કોલમ, “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 02 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એ જ જીવન છે !

આશિષ મકવાણા|Poetry|4 October 2022

સવાલો આંખમાં વંચાય છે ને ! એ જ જીવન છે,

જૂની વાતો હવે સમજાય છે ને ! એ જ જીવન છે,

ખુશી, આનંદ, રાજીપો; હતાશા, વેદના, અશ્રુ,

ઉંમરના ત્રાજવે તોલાય છે ને ! એ જ જીવન છે.

જશનની ભીડમાં વર્તાય છે અંગત બધા ચહેરા,

દુઃખોમાં છેવટે દેખાય છે ને ! એ જ જીવન છે.

અહીં સૌ પાયદળની વેષભૂષા એક જેવી છે,

તને શતરંજ તો સમજાય છે ને ! એ જ જીવન છે.

હતો વિધ્વંસ કેરો કાળક્રમ પ્રત્યક્ષ આંખોમાં,

છતાંયે કૃષ્ણ જે મલકાય છે ને ! એ જ જીવન છે.

ભાવનગર, ગુજરાત.
Email :- ashishmakwana@live.com

Loading

आगाज़े दोस्ती -آغازِ دوستی

સુરેશ જાની|Opinion - Opinion|4 October 2022

ગુજરાતી વેબ સાઈટ પર ઉર્દૂ ભાષામાં શીર્ષક માટે વાચકો ક્ષમા કરે. બાઅદબ બામુલાયેજ઼ા સલામ કરવી પડે તેવી પાકિસ્તાનની છોરીની આ વાત છે – નામ આલિયા હરીર. એણે પહેલી પચીસીમાં જ કરેલ ખાનદાન, નેક, અને મોટા ગજાનાં કામને ઉર્દૂમાં સલામ કરીને વાતની શરૂઆત કરીએ.

૨૦૧૧, ટ્રોય યુનિવર્સિટી, ટ્રોય, અલબામા, યુ.એસ.એ.

વીસ વર્ષની આલિયા હરીર અલબામાના ટ્રોય શહેરમાં આવેલી યુનિવર્સિટીમાં Student Exchange program હેઠળ હજુ ગઈકાલે જ, છ મહિના માટે પાકિસ્તાનથી આવી છે. આમ તો ‘દેશ’માંથી ઘણી બધી ચીજો તે સાથે લાવી છે, પણ બ્રેડ, દૂધ, માખણ, શાકભાજી, ઈંડાં વિ. જેવી રોજ બ રોજની જરૂરિયાતની ચીજો તો સ્થાનિક દુકાનમાંથી જ ખરીદવી પડે ને? યુનિવર્સિટીની બસ આવતાં હજુ કલાક થવાનો છે.

ત્યાં એક પાકિસ્તાની જેવો જ જણાતો યુવક બસ સ્ટેન્ડ પાસે કાર ઊભી રાખે છે, અને તેને સાથે આવવા આમંત્રણ આપે છે. તેની સાથે બીજો પણ એક યુવક છે. અજાણ્યા માણસો સાથે જવામાં થોડોક ખચકાટ હોવા છતાં, એ યુવકના ચહેરા પરની નિખાલસતા અને સૌજન્ય આલિયાને અસર કરી જાય છે. આલિયા ગાડીમાં બેસે છે. થોડીક ઔપચારિક વાતચીત પછી, આલિયાએ પૂછી નાંખ્યું, ‘તમે પાકિસ્તાની જેવા જ લાગો છો? તમારા ગામનું નામ શું?’

આલિયાને બોમ્બ ધડાકા જેવો જવાબ મળે છે, “ના, હું તો ખટમંડુ(નેપાળ)થી આવું છું. આ રાકેશ દિલ્હીનો છે.’ આલિયાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. (આમે ય પૂરપાટ ચાલતી કારની નીચે અલબામાની ધરતી કલાકના ચાલીસ માઈલની ઝડપથી સરકી જ રહી હતી ને?!

‘ગજબની ફસાણી. ખરેખર મુસીબત આવી પડશે તો શી રીતે પહોંચી વળીશ? હવે તો અલ્લા ઊગારે તો શુકર ગુજ઼ાર.’ પણ સ્વસ્થતા જાળવી રાખી, સાથેની પર્સની બાજુના ખાનામાં મુકેલા સેલ ફોન પર નજર જતાં તેને થોડીક ટાઢક થાય છે.

પાંચેક જ મિનિટ અને કાર વોલમાર્ટના પાકિંગ લોટમાં આવી પહોંચે છે. તે યુવકે કોઈ અનધિકાર ચેષ્ટા નથી કરી, અને સીધો યોગ્ય જગ્યાએ પોતાને લાવ્યો છે, એ હકીકતથી આલિયાનો વિશ્વાસ વધે છે. હવે તે જરા વધારે સ્વસ્થતાથી તે યુવકોની સાથે વાતો કરવા લાગે છે. જેમ જેમ વાતચીત આગળ વધતી જાય છે, તેમ તેમ બન્નેની ખાનદાની વધારે ને વધારે છતી થતી જાય છે.

આલિયા હોસ્ટલના રૂમમાં પાછી આવી, થાકી પાકી પથારીમાં આડી પડી. પણ ભૂતકાળની માન્યતાઓ તેનો પીછો છોડતી ન હતી. દિલમાં ભારત અને ભારતીયો માટે ઘર કરી ગયેલી નફરત કાંઈ એમ ને એમ થોડી જ અદૃશ્ય થઈ જાય?

આમ તો આલિયાનાં માબાપ સુધારક વિચારનાં છે. તેના અબ્બા તો ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ રહી ચૂકેલા છે. તેમણે ગળથૂથીમાંથી જ માનવ મૂલ્યોનું શિક્ષણ ચારેય બાળકોને આપેલું છે. આલિયાના ઈસ્માઈલી શિયા જાતિના બાપનો ધંધો પણ  દેશ-વિદેશના પ્રવાસનું આયોજન કરી આપવાનો છે. એ નિમિત્તે ઘણા વિદેશી પ્રવાસીઓને તે હોટલમાં જમવા લઈ જતો, અને કદીક ઘરનાં સૌ પણ એમાં જોડાતાં. પણ આલિયાની બહેનપણીઓ અને શિક્ષકોને આ વાતની ખબર પડે ત્યારે અચૂક તેને ટોકતા, ‘કાફરોની સાથે શી રીતે જમી શકે છે?’ ઘણી આવી પળોએ આલિયાને પોતાના સુન્ની મુસ્લીમ ન હોવા માટે અફસોસ થતો.

ઉત્તર પાકિસ્તાનના પર્વતાળ પ્રદેશમાં આવેલા નાનકડા શહેરમાં ટી.વી., છાપાં અને સામાજિક વર્તુળોમાંથી સતત ઓકાતા ભારત વિરોધી પ્રચારનું ઝેર આલિયાની રગે રગમાં વ્યાપેલું છે. ‘ગમે ત્યારે યુદ્ધ થશે અને ભારતની સેના તેમના જીવનને તહસ નહસ કરી નાંખશે’ – તેવા ભયનો ઓથાર તાજો થઈ જાય છે. આ પરદેશી લોકોની વચ્ચે જરૂર કોઈ દુર્ભાગ્ય તેને નડવાનું છે, એવાં ડરામણાં સપનાંઓમાં આલિયાની રાત પસાર થઈ જાય છે.

ત્યાર બાદ તો યુનિવર્સિટીનો અભ્યાસ શરૂ થયો. ઘણા બધા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે સમય ગુજારતાં, ધીમે ધીમે એ ભય પીગળતો ગયો. એમાંના છ સાત તો ભારતનાં જ હતાં. એક દિવસ આલિયા રાતે ઊઠી અને બાથરૂમમાં ગઈ ત્યારે એને લોહીની ઊલટી થઈ. બધા સાથીઓ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયાં અને ક્ષયની પ્રારંભિક અસર હોવાનું નિદાન થયું. આલિયાને હેલિકોપ્ટરમાં બર્મિંગહામ ખસેડવામાં આવી. આ તો ટ્રોય કરતાં દસ ગણી વસ્તીનું શહેર. ત્યાં એક મહિનો તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું. એ વખતે પણ બર્મિંગહામના ભારતીય વિદ્યાર્થીઓએ તેની કાળજી લીધી. બોલિવુડની ફિલ્મો, પાકિસ્તાન જેવો જ ભારતીય ખોરાક, અને એને ગમતીલી ક્રિકેટની વાતો. બધાંએ આલિયાને સહેજ પણ એકલવાયું ન લાગવા દીધું. ટ્રોયમાંના મિત્રો પણ ત્રણેક વખત ત્રણ કલાક ગાડી ચલાવીને તેને મળવા આવતા. તેનો ક્ષય તો દૂર થયો જ પણ રગ રગમાં વ્યાપેલું, ભારત માટેનું એ ઝેર પણ ઓગળી ગયું.

એક નવી જ આલિયાનો પુનર્જન્મ થઈ ચૂક્યો હતો.

છ મહિના બાદ, આલિયા પાકિસ્તાન પાછી આવી અને તેને પાટનગર ઇસ્લામાબાદમાં નોકરી મળી. તક મળતાં જ આલિયાએ તેના મનની વાત તેના સાથી મિત્રોને કરી. એમાંના ઘણાં પણ તેના વતનના નાનકડા શહેર કરતાં વિશ્વની ઘટનાઓ વિશે વધારે જાગરૂક ને ઉદારમતવાદી હતાં. એ બધાં મિત્રોની સાથે આલિયા થોડાક વખત પહેલાં જ શરૂ થયેલ એક વિચાર વર્તુળમાં જોડાઈ ગઈ.

आगाज़े दोस्ती
آغازِ دوستی
મિત્રતાની શરૂઆત

આલિયાને અચંબા સાથે એ હકીકતની જાણ પણ થઈ કે, તેના જેવા વિચારવાળાં ઘણાં યુવાનો અને યુવતીઓ પાકિસ્તાન જ નહીં, ભારતમાં પણ મોજૂદ હતાં. ‘આગાજ઼ે દોસ્તી’ની ગાડી તો પૂરપાટ દોડવા લાગી. એ નિમિત્તે તેને પાંચેક વખત ભારત યાત્રા કરવાની તક પણ મળી. ટ્રોય અને બર્મિંગહામમાં ફૂટેલું માનવતાનું ઝરણું હવે આલિયાના મનોરાજ્યમાં ગેરસપ્પાના ધોધની જેમ વહેવા લાગ્યું.

લો ને…. આ ૨૦૧૬, ઓક્ટોબરની જ વાત .. આલિયા તેની વીસ સખીઓ સાથે ભારત પાક નાગરિક મૈત્રીભાવની એક સભા (conference) માટે પંજાબના ચંદીગઢમાં આવી હતી. બે જ દિવસમાં ‘સર્જિકલ સ્ટ્રાઈક’નાં ડીમ ડીમ શરૂ થઈ ગયાં. બધી સખીઓ ચિંતાતૂર બની ગઈ કે, સહીસલામત વતન પાછાં જવાશે કે નહીં. હિમ્મતવાન આલિયાએ ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આ ચિંતા વ્યક્ત કરતી ટ્વિટ કરી અને પટ … આ જવાબ મળ્યો –

જો કે, આલિયાની સફરમાં ઘણા બધા અવરોધો પણ છે જ. ઘર આંગણે તેને દેશદ્રોહી માનનારાં ઘણાં છે. પણ હવે ‘પાક’ માનવ ધર્મમાં આલિયાનો વિશ્વાસ હિમાલય જેટલો ઊંચો બની ગયો છે.

આગાજ઼ે દોસ્તીનો બ્લોગ –

તેના આ શીર્ષક પર ક્લિક કરો

સંદર્ભ –

Sushma Swaraj’s response on twitter

http://www.huffingtonpost.in/2016/10/04/sushma-swarajs-heartwarming-response-to-pakistani-girl-stuck-in/

The Better India

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,3701,3711,3721,373...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved