Opinion Magazine
Number of visits: 9670499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંઘની નજરે નેતાજી અને નહેરુજી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 October 2022

સામાન્ય લોકોમાં તો ભગતસિંઘ (૧૯૦૭-૧૯૩૧) અંગ્રેજ અફસરની હત્યા કરનાર અને એસેમ્બલી પર બોંબ ફેંકનાર વીરલ લોકનાયક, ક્રાંતિવીર અને શહીદેઆઝમ તરીકે જ વધુ જાણીતા છે. પરંતુ તેઓ લેખક, વિચારક, ચિંતક અને અધ્યયનશીલ બૌદ્ધિક પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું હતું. સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજી. હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લૉ કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્ક્સથી ગાંધી અને ગોર્કીથી રવીન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષયો પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલ ડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હું’ પુસ્તિકા લખી હતી.

લગભગ છ ભાષાના જાણકાર ભગતસિંઘે ‘કિરતી’ અને ‘અકાલી’ સામયિકોનું સંપાદન પણ કર્યું હતું. ‘ભગતસિંઘ ઔર ઉનકે સાથીયોં કે દસ્તાવેજ’ પુસ્તકમાં ભગતસિંઘના પત્રો, લેખો અને વિચારો પ્રગટ થયા છે. ‘કિરતી’ના જુલાઈ ૧૯૨૮ના અંકમાં છપાયેલ અને આ પુસ્તકમાં સંગૃહિત “નયે નેતાઓં કે અલગ-અલગ વિચાર” લેખમાં ભગતસિંઘે નેતાજી સુભાષચન્દ્ર બોઝ (૧૮૯૭-૧૯૪૫) અને પંડિત જવાહરલાલ નહેરુ(૧૮૮૯-૧૯૬૪)ના વિચારોની તુલના કરી છે. ૧૯૨૮માં ૨૧ વરસના ભગતસિંઘે ૩૯ વરસના નહેરુ અને ૩૧ વરસના નેતાજીના વિચારોનું જે મૂલ્યાંકન કર્યું છે તેમાં તેમની વૈચારિક સ્પષ્ટતા અને પાકટતાના દર્શન થાય છે.

અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને કોમી રમખાણોને કારણે દેશમાં ફેલાયેલી નિરાશાના એ દિવસોમાં આધુનિક વિચારોના જે અનેક નવા નેતાઓ ઉભરી રહ્યા હતા તેમાં ભગતસિંઘને નેતાજી અને નહેરુજી સવિશેષ ઉલ્લેખનીય લાગ્યા હતા. ભગતસિંઘ નેતાજીને ‘બંગાલના પૂજનીય’ અને નહેરુજીને ‘માનનીય’ તરીકે ઓળખાવે છે. તેઓ આ બંને નેતાઓને સમજદાર, સાચા દેશભક્ત અને આઝાદીના કટ્ટર સમર્થક ગણાવે છે.

જવાહરલાલ ૧૯૧૯માં અને સુભાષચન્દ્ર ૧૯૨૧માં ગાંધીજીને પ્રથમવાર મળ્યા હતા. બંને યુવાવયથી જ કાઁગ્રેસમાં સક્રિય હતા. એટલે ભગતસિંઘ જ્યારે તેમના વિચારોની મૂલવણી કરે છે ત્યારે બંનેનું ખાસ્સા એક દાયકાનું જાહેરજીવન હતું. ભગતસિંઘ લેખના આરંભે બંનેનો ટૂંકો પરિચય આપી તેમના વિચારો વચ્ચે આભ-જમીનનું અંતર હોવાનું જણાવી દે છે. મદ્રાસ, અમૃતસર અને મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધિવેશનોમાં તેમણે આપેલા ભાષણોને સંભારે છે મુંબઈની એક જાહેરસભામાં નહેરુ અધ્યક્ષ હતા અને સુભાષબાબુ વક્તા હતા તેની જિકર કરી ત્યાં આપેલા પ્રવચનોના આધારે તેમના વિચારોની તુલના કરે છે.

ભગતસિંઘ સુભાષબાબુની ભાવુક બંગાળી, પ્રાચીન સંસ્કૃતિના ઉપાસક અને અંગ્રેજ સરકારની નજરે “તખ્તાપલટ ગિરોહ”ના સદસ્ય તરીકેની ઓળખ આપે છે. નહેરુની અધ્યક્ષતા હેઠળની મુંબઈની સભામાં નેતાજીએ કહ્યું હતું કે, “હિંદુસ્તાનનો દુનિયાને એક વિશેષ સંદેશ છે. તે  વિશ્વને આધ્યાત્મિક શિક્ષણ આપશે.” નેતાજીના પૂનાના એક અન્ય પ્રવચનમાં તેમણે રાષ્ટ્રવાદને આંતરરાષ્ટ્રીયવાદીઓ સંકીર્ણ વિચારધારા માને છે તેને ભૂલભરેલી ગણાવી હતી તે નોંધીને નેતાજીએ ભારતીય રાષ્ટ્રવાદનું મૂળ સત્યમ્‌, શિવમ્‌, સુંદરમ્‌ અર્થાત્‌ સત્ય, કલ્યાણકારી અને સુંદર છે તેમ જણાવ્યું હોવાનું ભગતસિંઘ નોંધે છે ભગતસિંઘ નેતાજીના આ વિચારોને  કોરી ભાવુકતા, દીવાનાપણું અને પુરાતનપંથી ગણાવે છે.

પંડિત નહેરુના વિચારો સુભાષબાબુ કરતાં સાવ સામા છેડાના હોવાનું ભગતસિંઘ જણાવે છે. નહેરુને તેઓ પૂર્ણરૂપે પશ્ચિમના શિષ્ય અને યુગ પલટો કરનાર તરીકે ઓળખાવે છે. ભગતસિંઘ નહેરુને એમ કહેતા ટાંકે છે  કે, “દુનિયાના કોઈ પણ દેશમાં જાવ તે તમને તેનો વિશ્વને એક વિશેષ સંદેશ હોવાનું કહેશે. ઈંગ્લેન્ડ તો આખી દુનિયાને તેણે જ સંસ્કૃતિ શીખવ્યાનું કહે છે. પરંતુ હું કોઈ વિશેષ વાત મારા દેશ પાસે જોતો નથી. સુભાષબાબુને આવી વાતોમાં બહુ ભરોસો છે મને નથી.” નહેરુજી યુવાનોને ન માત્ર રાજકીય ક્ષેત્રે સામાજિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રે પણ વિદ્રોહ કરવા આહ્વવાન આપે છે. પંડિતજીના શબ્દોમાં તો તેમને એવી કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી જે એમ કહે કે ફલાણી વાત કુરાનમાં લખી છે. જે વાત આપણી સમજદારી અને વિવેકબુદ્ધિને સ્વીકાર્ય ન હોય તેને ભલે ગમે તે ધર્મશાસ્ત્રએ સારી બાબત ગણાવી હોય આપણે માનવી ન જોઈએ.

ભગતસિંઘ નહેરુજી અને નેતાજીના વિચારોની તુલના કરીને નહેરુના વિચારોને યુગાંતકારી અને નેતાજીના વિચારોને રાજપરિવર્તનકારી ગણાવે છે. નેતાજીના વિચારોમાં અતીતની મહાનતાના ગુણગાન છે જ્યારે નહેરુજી તેની વિરુદ્ધમાં વિદ્રોહ ઝંખે છે. સુભાષ અને નહેરુ બંને પૂર્ણ સ્વરાજ ઝંખે છે. ગાંધીજીની ઉપરવટ જઈને તેમણે કાઁગ્રેસને પૂર્ણ સ્વરાજના ઠરાવની ફરજ પાડી હતી. અને કેટલાક વરસો ગાંધીની કાઁગ્રેસ નહેરુ-સુભાષની કાઁગ્રેસ બની રહી હતી. પરંતુ નેતાજીને મન પૂર્ણ સ્વરાજ એટલે અંગ્રેજો પશ્વિમના છે અને હિંદુસ્તાનીઓ પૂર્વના છે એટલો જ છે જ્યારે નહેરુ કહે છે કે આપણે પૂર્ણ સ્વરાજ મેળવીને આપણું રાજ્ય સ્થાપીને સમગ્ર સમાજવ્યવસ્થા બદલવી જોઈએ. તે માટે પૂર્ણ સ્વરાજ જરૂરી છે.

સુભાષચન્દ્ર બોઝના વિચારો યુવાનોના દિલને ઝકઝોરી મૂકે તેવા હોવાનું શહીદેઆઝમ ભગતસિંઘને લાગે છે, પરંતુ જવાહરલાલ નહેરુના વિચારો દિલની સાથે દિમાગને પણ ઝકઝોરે છે. પંજાબના યુવાનોને માત્ર મનનો જમણવાર જ ખપનો નથી, દિમાગનો પણ આવશ્યક છે. એમ લખીને ભગતસિંઘ લેખના અંતે નહેરુના વિચારો જ તેમના માટે જરૂરી હોવાનું જણાવે છે.

નેતાજી અને નહેરુજીના વિચારોની ભગતસિંઘે બહુ સીમિત સામગ્રીના આધારે મૂલવણી કરી છે તે સ્વીકારીને પણ કહી શકાય કે તેમનું મૂલ્યાંકન ઘણું દીર્ઘદૃષ્ટિયુક્ત છે. ભગતસિંઘ આ લેખ લખ્યાના ત્રણેક વરસો પછી જ શહાદતને વર્યા હતા. જ્યારે નેતાજી-નહેરુજી લાંબુ જીવ્યા અને તેમનું જાહેરજીવન દીર્ઘ સમયનું હતું એટલે આ લેખમાં બંને નેતાઓની સમગ્ર વિચારસૃષ્ટિની તુલના નથી પણ તેની ઝલક જ છે. જો કે દેશમાં આજે બળવત્તર જમણેરી પરિબળો જ્યારે નહેરુને ભૂંસી નેતાજીને મહાન દર્શાવી રહ્યા છે કે નેતાજી અને ભગતસિંઘના વિચારો એક સમાન હોવાની છાપ ઉપસાવી રહ્યા છે ત્યારે ભગતસિંઘનું આ મૂલ્યાંકન ખૂબ જ મહત્ત્વનું બની જાય છે.

ભગતસિંઘના જન્મને એકસો પંદર વરસ અને શહાદતને એકાણું વરસો વીતી ગયા છે ત્યારે કે  નેતાજી વિરુદ્ધ નહેરુ, ભગતસિંઘ વિરુદ્ધ ગાંધીજી અને સરદાર વિરુદ્ધ નહેરુના વર્તમાન માહોલમાં જે તે સમય સંદર્ભમાં આ નેતાઓના વિચારો અને તેમના પરસ્પર સાથેના સંબંધોને જોવા-તપાસવા રહ્યા. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

કાઁગ્રેસ જો નવો અવતાર પામશે તો દેશ માટે આશીર્વાદ ગણાશે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2022

પક્ષની અંદર સાચુકલી લોકશાહી હોય એવો એક જ પક્ષસમૂહ બચ્યો છે અને તેનું નામ છે; ડાબેરી મોરચો. ભારતીય સામ્યવાદી પક્ષ હોય, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ હોય કે ડાબેરી મોરચાના બીજા ઘટક પક્ષ હોય તેમાં લોકશાહી મજબૂત છે. ૧૯૯૬માં ત્રીજા મોરચાના ઘટક પક્ષોએ પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા. જ્યોતિ બસુએ ઉમેદવારી નહોતી કરવાની, નિર્ણય લેવાઈ ગયો હતો અને ત્રીજા મોરચાની સરકારને બહારથી સમર્થન આપનાર કૉંગ્રેસે બસુના નામને મંજૂર રાખ્યું હતું. જ્યોતિ બસુએ કહ્યું હતું કે તેઓ નિર્ણય લેવા સ્વતંત્ર નથી. પક્ષ નિર્ણય લેશે અને પક્ષનો નિર્ણય તેઓ માથે ચડાવશે. પક્ષની બેઠક મળી જેમાં જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને એવો નિર્ણય લેવાયો હતો. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ત્રીજા મોરચામાં ડાબેરી પક્ષો નિર્ણાયક બેઠકો નથી ધરાવતો અને ઉપરથી કૉન્ગ્રેસ સરકારને ટેકો આપવાની છે જેની નીતિઓનો ડાબેરી મોરચો દાયકાઓથી વિરોધ કરતો આવ્યો છે. જ્યોતિ બસુ સીનિયર નેતા છે, આદરણીય છે, બધા તેમને સ્વીકારે છે એ વડા પ્રધાન બનવા માટે પૂરતું નથી.

ભારતના રાજકીય ઇતિહાસમાં એ વિરલ ઘટના હતી. જે પક્ષ તાત્ત્વિક રીતે મજૂરોની તાનાશાહીમાં માને છે એ તેના આંતરિક પક્ષીય માળખામાં લોકશાહીમાં નિષ્ઠા ધરાવે છે. કૉન્ગ્રેસમાં એક જમાનમાં મજબૂત લોકતંત્ર હતું. આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં શરૂનાં વર્ષોમાં. ગાંધીજીની મરજી વિરુદ્ધ સુભાષચન્દ્ર બોઝ પ્રમુખપદ માટેની ચૂંટણી લડી શકતા હતા અને જીતી શકતા હતા. સી. રાજગોપાલાચારી જેવા નેતા ભારત છોડો આંદોલનનો વિરોધ કરી શકતા હતા. આઝાદી પછી કૉન્ગ્રેસના હિંદુ વલણ ધરાવનારા નેતાઓ ગાંધી અને નેહરુની ઉપરવટ જઇને સોમનાથનું મંદિર બાંધી શકતા હતા. નેહરુની મરજી વિરુદ્ધ પુરુષોત્તમદાસ ટંડન કૉન્ગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડી શકતા હતા અને જીતી શકતા હતા. કોન્ગ્રેસના અનેક નેતાઓએ સમૂહ ખેતી(કલેકટીવ ફાર્મિંગ)નો વિરોધ કર્યો હતો.

પણ જવાહરલાલ નેહરુના અવસાન પછી પક્ષઅંતર્ગત લોકશાહી ધરાવતી કૉન્ગ્રેસ લોકશાહી ગુમાવવા લાગી. પક્ષ સત્તાકેન્દ્રી બનવા લાગ્યો અને ગાંધી પરિવાર કૉન્ગ્રેસનો ચહેરો બની ગયો. કોઈ પણ સંગઠન જ્યારે સાચી ટકોરાબંધ લોકશાહી ગુમાવે છે ત્યારે તે સંગઠન નેતાઓનું સંગઠન બની જાય છે અને નીચેથી વાયા કાર્યકર્તા પ્રજા દ્વારા મળતી પ્રાણશક્તિ મળતી બંધ થઈ જાય છે. કૉન્ગ્રેસની અંદર પણ આવું જ થયું છે. લોકોના પ્રશ્નો ઉઠાવવાથી અને લોકોની ભાગીદારી સાથે કામ કરવાથી લોકનેતાઓ પેદા થતા હોય છે. કૉન્ગ્રેસમાં લોકનેતાઓનું ઘડતર અટકી ગયું. દિલ્હીમાં રહેનારા અને ડ્રોઈંગરૂમ પોલિટિક્સ કરનારા લોકો કૉન્ગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ બની ગયા. જે કદાવર લોકનેતાઓ હતા તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા હતા કે જેથી પરિવારની આજ્ઞા ઉથાપે નહીં. પોતાની તાકાત હોય એ માથું ઊંચું કરે, જેની તાકાત જ ન હોય અને જેઓ પરિવારના ઋણી હોય એ માથું ઊંચું કરવાના નથી.

કૉન્ગ્રેસ ૩૨ વરસથી ક્રમશ: ક્ષીણ થઈ રહી છે. રાજીવ ગાંધીના અવસાન પછી પરિવારે કૉન્ગ્રેસને મુક્તિ આપી હતી, પરંતુ કૉન્ગ્રેસના નેતાઓ મુક્તિનો લાભ લઈ શક્યા નહોતા. દરેકને પક્ષ અંતર્ગત લોકતંત્રનો અને એકબીજાનો ડર લાગતો હતો અને પરિવારની ધરીમાં સલામતી લાગતી હતી. ધરી મજબૂત હશે તો ગાડું ગબડ્યા કરશે, કાલ કોણે જોઈ છે અને પક્ષની આવતી કાલની ચિંતા કરવાની આજે આપણે જરૂર પણ શું છે! ૧૯૯૮માં પક્ષે ફરી વાર ગાંધી પરિવારની શરણાગતિ સ્વીકારી લીધી.

હવે એ ધરી પણ કામ આવતી નથી અને ગાડું ચાલી શકે એમ નથી ત્યારે કરવું શું? આનો દ્વિસૂત્રીય ઉપાય રાહુલ ગાંધીએ બતાવ્યો છે. એક છે પક્ષ ફરી વાર સીધો લોકોની વચ્ચે જાય અને લોકોના પ્રશ્નો ઉઠાવે. કાર્યકર્તાઓની કેડર વિકસાવવામાં આવે અને જે કાર્યકર્તાઓ છે એને પ્રતિષ્ઠા આપવામાં આવે. કાર્યકર્તાને એમ લાગવું જોઈએ કે તે પોતાની તાકાતથી વડા પ્રધાન બની શકે છે. વડા પ્રધાન બનવા માટે ગાંધીપરિવારમાં જન્મવું જરૂરી નથી. બીજો ઉપાય છે પક્ષની અંદર લોકતંત્ર દાખલ કરવામાં આવે. લોકતંત્ર એક એવી સીડી છે જે અદના કાર્યકર્તાને તેનામાં જો તાકાત હોય તો તેને ઉપર સુધી પહોંચાડી શકે છે. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા યોજીને પહેલો કષ્ટપ્રદ ઉપાય અજમાવવાનું બીડું ઝડપ્યું છે અને પક્ષની અંદર પ્રમુખપદની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેમાં તેઓ કે તેમના પરિવારના કોઈ સભ્ય ઉમેદવાર નથી. મહેનતના મોરચે આગળ રહીને અને પદની બાબતે બાજુએ ખસીને તેઓ નવી કૉન્ગ્રેસ માટે કામ કરી રહ્યા છે.

પ્રમુખપદની ચૂંટણીમાં બે ઉમેદવાર છે. એક છે મલ્લિકાર્જુન ખડગે અને બીજા છે શશી થરૂર. ખડગે પરિવારના ઉમેદવાર છે એમ કહેવાય છે અને થરૂર સ્વતંત્ર ઉમેદવાર છે જેને પરિવારનો ટેકો નથી. એક અર્થઘટન એવું પણ કરવામાં આવી રહ્યું છે કે ખડગે સત્તાવાર ઉમેદવાર છે અને થરૂર બળવાખોર ઉમેદવાર છે. શશી થરૂર તેમના પ્રચારમાં કહે પણ છે કે જો તમારે નવી કૉન્ગ્રેસ જોઈતી હોય તો મને મત આપો અને એ રીતે તેઓ એમ સૂચવી રહ્યા છે કે ખડગે જૂની પરિવારની મરજી દ્વારા ચાલતી રગશિયા ગાડા જેવી કૉન્ગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. થરૂર યુવાન છે, ચાર્મિંગ છે, વિદ્વાન છે, દુનિયા જોઈ છે, વૈશ્વિક પ્રશ્નોની સમજ ધરાવે છે, વાચાળ છે, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે અને સરસ હિન્દી પણ બોલી જાણે છે. સૌથી વધુ તો નવી યુવા પેઢીને અપીલ કરી શકે એમ છે. થરૂર નવી કૉન્ગ્રેસનું પ્રતિક છે.

પણ વિડંબના એવી છે કે મલ્લિકાર્જુન ખડગે અસ્સલ કૉન્ગ્રેસમાં નીચેથી નિસરણી ચડીને ઉપર આવ્યા છે અને શશી થરૂર પરિવારની ડ્રોઈંગરૂમ કૉન્ગ્રેસમાં સીધા ઉપરથી આવ્યા છે તેનું શું? ખડગે દલિત છે અને વિદ્યાર્થી આંદોલન દ્વારા પક્ષમાં પ્રવેશ્યા હતા. ખડગેનો મજૂર આંદોલન સાથે સંબંધ રહ્યો છે અને તેમણે મજૂરોના વકીલ તરીકે કર્ણાટકમાં નામના મેળવી હતી. તેઓ ૧૯૭૨માં પહેલીવાર કર્ણાટક વિધાનસભામાં ચૂંટાઈને ગયા હતા અને ત્યારથી આજ સુધી એકેય ચૂંટણી હાર્યા નથી. (અપવાદ ૨૦૧૯ની લોક સભાની) ખડગે ખરા અર્થમાં લોકોની વચ્ચે રહેનારા લોકનેતા છે. શશી થરૂર આખી જિંદગી યુનોમાં નોકરી કર્યા પછી સીધા કૉન્ગ્રેસમાં જોડાયા હતા અને લોકસભાની ટિકિટ મેળવીને સંસદ સભ્યબન્યા હતા. એ વાત સાચી કે થરૂર જેવું આકર્ષક વ્યક્તિત્વ ખડગેનું નથી, પરંતુ ખડગે કૉન્ગ્રેસની અંદરના એક સમયના સાચા લોકતંત્રની પેદાશ છે, જ્યારે થરૂર બિન લોકતાંત્રિક ડ્રોઈંગરૂમ પોલિટિક્સની પેદાશ છે.

ખડગે વિજયી થશે તો એ એક સમયના કૉન્ગ્રેસ અંતર્ગત લોકતંત્રનો વિજય થયો ગણાશે, પણ દેશના લોકતંત્રને બચાવવા માટે આજે થરૂર જેવા નેતાની જરૂર છે જે લોકોની સાથે તાર જોડી શકે. કૉન્ગ્રેસની અંદર લોકતાંત્રિક ધર્મસંકટ પેદા થયું છે એ પણ કેવો સંયોગ! કૉન્ગ્રેસ જો નવો અવતાર પામશે તો એ દેશ માટે આશીર્વાદરૂપ ગણાશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2022

Loading

બે ગઝલ

"પ્રણય" જામનગરી|Poetry|5 October 2022

નભની ય પાર ભાળે ! 

જૂઠો જવાબ આપે; કાં તો જવાબ ટાળે ! 

કાં મૌન સાવ પાળે; હૈયા ઉદાસ બાળે ! 

એવા સમયની પીડા, ક્યાંથી બયાન થાયે ? 

લોકો મજાનો દિવસ; ઘરમાં જ જ્યારે ગાળે ! 

માળી હજી ન સમજે; એની મને છે ચિંતા,

શોલા ખીલેલ જોઉં; ગુલશનની ડાળ-ડાળે ! 

આંખો બીડી જ બેઠા; લોકો તમામ એવા,

જોઈ શકે અનાગત; નભની ય પાર ભાળે ! 

હોઠો બીડેલ જોઉં; હૈયા ધખેલ જોઉં,

પીડા ‘પ્રણય’, ન કોઈ; શબ્દો મહીં જ ઢાળે ! 

તા. ૧૯-૦૧-૨૦૨૧   

•••

અઘરું થઇ ગયું ! 

ભીડથી અળગા થવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

સાચી રીતે જીવવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

આંખ સામે ફૂલ ચૂંટાયાં ઘણાં ખૂશ્બુભર્યાં,

એ પછીથી મ્હેકવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

સ્વાર્થ માટે કૈં ય કરવા સજ્જ સહુને જોઇને,

સત્યને ઉચ્ચારવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

માનવીનો અર્થ માનવતા ભરેલી વ્યક્તિ હો,

વાત એવી માનવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

ત્યાં તમાશો હોય, એ રીતે બધા ભેગા થયા,

કોઇને સન્માનવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

આપણે લેવામાં સમજ્યા; ને પરિગ્રહ બહુ કર્યો,

હોય જ્યાં કૈં આપવું; સાચે જ અઘરું થઇ ગયું !

જિન્દગીમાં જો મળે મિત્રો કદી જૂના ‘પ્રણય’,

મન ભરીને મ્હાલવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

“વાહ-વાહ”, “ઈર્શાદ”, “દુબારા”નો કોલાહલ હતો,

ત્યાં ગઝલને વાંચવું; સાચે જ અઘરું થઇ ગયું ! 

તા. ૦૬-૦૨-૨૦૨૧    

Loading

...102030...1,3681,3691,3701,371...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved