Opinion Magazine
Number of visits: 9458822
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝટ ભેળું કરી લ્યો, વખત ઓછો છે!

રમણીક અગ્રાવત|Opinion - Opinion|3 June 2022

આપણને જે જે જોઈએ છે તે-તે ધરાર લઈને / મેળવીને જ જંપીએ છીએ. કાંકલૂદી કરીએ કાં ત્રાગાં કરીએ. પ્રેમની ખટપટ કરીએ. બળજબરી કરીએ. પણ હાંસલ કરીએ, કરીએ ને, કરીએ. બધું ભેગું કરી લેવું છે. લવાય એટલું લઈ લેવું છે. કોઠાકબાડા કરીને કે હેં…હેં…હેં… આદર નમન કરીને છેવટ તો કંઈ હાંસલ કરવાનો જ પેંતરો!

નદીમાંથી જોઈએ છે આપણને રેતી, પાણી નહીં. પર્વતો પરથી ઝટ લઈ લેવા છે પથ્થરો, ઔષધિ નહીં.  વૃક્ષો પાસેથી ઇચ્છીએ છીએ લાકડું, છાંયડો નહીં. ખેતરોમાંથી જોઈએ છે રોકડિયા પાક, અનાજ નહીં. રેતી કાઢવાના ચક્કરમાં નદીના પટો ભેંકાર બની ગયા. મોતના ખાડાઓ ઊભા કર્યા ચોફેર. વચમાં જાળવી-જાળવીને પગ મૂકવાના, નહીં તો ગયા. છાંયડાઓ કાપીકાપીને વેચી નાખ્યા છે. બધું વેચીસાટીને ઝટ રોકડ ગજવે ઘાલી લેવી છે. નદીઓને કચરાના ખાડાઓ બનાવી દીધી. તળાવ? ક્યાં છે તળાવ. એને શોધવા બહુ આઘે નહીં જવું પડે. જરાક ઝીણવટથી જોજો. તળાવોનાં તળાવો પર કોલોનીઓ ઊભી થઈ ગઈ. બહુમાળી મકાનો ખડાં થઈ ગયાં. સોસાયટીઓ વસી ગઈ. ગૌચરોને કઈ ગાયો ચરી ગઈ છે. એની તપાસમાં વખત બગાડશો નહીં. જેને એનો વહીવટ કરવા આપ્યો હતો, એ જ વહેંચીને હજમ કરી ગયા છે.

હવે ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છીએ. કાપો, હજી કાપોના ખોબચ્યાં ખૂંચ્યાં ઝાડને કે વાત પતે.  ઘરમાં એ.સી. નખાવી લઈશું. બપોરના બહાર નહીં નીકળીએ. ગમે ત્યાં ગમે ત્યારે વરસાદ પડી જાય છે. કલાકમાં વીસ ઇંચ પાણી પડી જાય. ગટરો તો બધી પ્લાસ્ટિકનાં ઝભલાઓથી પૅક કરી દીધી છે. ચારે તરફ ઘડીમાં તો પાણી ફરી વળે. ગાંડો વરસાદ ક્યાંથી આવી જાય છે? કુદરત રૂઠી બીજું શું. માણસ બિચારો શું કરે?

કોઈ-કોઈ દોઢડાહ્યાઓ હડી કાઢીને ધસી આવશે. એક તો ગરમીનો મારો. વરસાદનો કોપ. એમાં આમ કરો ને આમ ન કરો. નકરી સલાહોનો મારો. તમે ય મારો. શું કામ પાછળ રહી જાવ, તમે બાપલિયા. તમે ય કાઢો વારો ?

નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૦૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13

Loading

કાશ્મીરમાં કબ્રસ્તાનો જ રાખવાં છે કે સ્મશાનો પણ જોઈએ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 June 2022

370મી કલમ નાબૂદ થઈ ત્યારે લાગેલું કે કાશ્મીરમાં સ્થિતિ સુધરશે અને કોઈ પણ ભારતીય ત્યાં રહી શકશે કે તેનો વ્યવસાય કરી શકશે, પણ એવું થયું નથી. આજ સુધીમાં સાતેક ભારતીયોએ ત્યાં રહેવાની હિંમત કરી છે, એ સિવાય 370મી ખસવાનો ખાસ પ્રભાવ ત્યાં નથી. હા, ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવાં કાશ્મીરી નેતાઓએ 370મી કલમ હટાવવાનો સખત વિરોધ કરેલો, પણ એ વિરોધનું કૈં ઉપજ્યું ન હતું ને 370મી હટી હતી, પણ એ કાગળ પર જ હટી હોય તેમ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી પડી છે. શાસકોનું કૈં જ ન ચાલતું હોય તેમ ત્યાં હિંસાની ઘટનાઓ બનતી રહે છે ને થોડા આતંકીઓ ઠાર પણ મરાય છે, પણ તે સાથે જ ભારતીય જવાનો શહીદ થાય છે ને નાગરિકોને પણ મોતને ઘાટ ઉતારાય છે. આતંકીઓ ઠાર મરાતા હોય તો પણ ભારતીય સૈનિકોને ગુમાવવાનું આપણને ન પરવડવું જોઈએ, પણ એનો કોઈ કાયમી ઉકેલ જડતો નથી તે દુ:ખદ છે.

આમ થવાનું એક કારણ કાશ્મીરી નેતાઓની વફાદારી શંકાસ્પદ છે તે છે. તેઓ ભારતના નાગરિકો છે, પણ તેમની નજરે પાકિસ્તાન ચડેલું છે. એમની રહેમ નજરને કારણે આતંકીઓ કાશ્મીરમાં હુમલાઓ કરવામાં સફળ રહે છે. હવે સરહદી ને આંતરિક સુરક્ષા વધારાઈ છે એટલે વ્યાપક હુમલાઓ ઘટ્યા છે, પણ વ્યક્તિઓ પરના હુમલાઓ વધ્યા છે. ટાર્ગેટ કિલિંગથી ભયનું વાતાવરણ ફેલાયું છે. અત્યાર સુધીમાં આવી આઠ હત્યાઓ થઈ છે. કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. એક રાજસ્થાની બેન્ક મેનેજર વિજયકુમારની, કુલગામની બેંકમાં ઘૂસીને 2 જૂને હત્યા કરાયાના સમાચાર છે. ત્રણ દિવસ પહેલાં, 31 મે એ એક શિક્ષિકાની કુલગામમાં જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. મે મહિનામાં જ આવી 6 હત્યાઓ થઈ છે. ગૃહ મંત્રાલયે સદનમાં જણાવ્યું કે ઓગસ્ટ, 2019થી માર્ચ, 2022 સુધીમાં 4 કાશ્મીરી પંડિતો અને 14 હિન્દુ અને બિન કાશ્મીરી મજૂરોની હત્યાઓ થઈ છે. યાદ રહે કે 370મી કલમ ઓગસ્ટ, 2019માં હટાવવામાં આવી હતી.

3 જૂને ગૃહ મંત્રી હાઇલેવલ મીટિંગ કરશે ને સ્થિતિની સમીક્ષા કરશે. એ બધું રાબેતા મુજબ ચાલશે, પણ હકીકત એ છે કે સમીક્ષા થાય કે ન થાય, કાશ્મીરી પંડિતો અને હિન્દુઓની હત્યાઓ તો થઈ જ છે ને કાશ્મીરી પંડિતો ઘાટીઓમાં રહી શકે એવી સ્થિતિ નથી. કાશ્મીરી પંડિતોને ઘાટીઓ ખાલી કરવાના આદેશો અગાઉ પણ અપાઈ ચૂક્યા છે ને ડરીને પંડિતો ભાગી છૂટે એટલે વ્યક્તિઓને ટાર્ગેટ કરીને હત્યાઓ દ્વારા દાખલા બેસાડવામાં આવી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક, 370મી કલમની વિદાય, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદ- જેવી ઘટનાઓના પડઘા ટાર્ગેટ કિલિંગમાં પડ્યા છે. એના વિરોધમાં કાશ્મીરી પંડિતો 19 દિવસથી આંદોલન કરી રહ્યા છે. પ્રધાન મંત્રી રોજગાર પેકેજ અંતર્ગત નોકરી કરનારા પંડિતો કામનો બહિષ્કાર કરી પ્રદર્શન કરી રહ્યા છે. પ્રશાસને હિન્દુ સરકારી કર્મચારીઓને 6 જૂન સુધીમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. આમ તો હિન્દુ કર્મચારીઓની માંગ હતી કે તેમની જમ્મુ બદલી કરવામાં આવે, પણ હાલ પૂરતું પ્રશાસને કર્મચારીઓને જિલ્લા મુખ્યાલયમાં લાવવાનું નક્કી કર્યું છે.

31મીએ થયેલી એક શિક્ષિકા રજની બાલાની હત્યાના વિરોધમાં બુધવારે લોકો સડક પર ઊતરી આવ્યા હતા ને ન્યાયની માંગણી કરતાં સૂત્રો પોકાર્યાં હતાં ને સાથે જ 24 કલાકમાં કાશ્મીરી પંડિતોને સુરક્ષિત સ્થાન પર નહીં પહોંચાડાય તો તેઓ ઘાટી છોડી દેશે એવી ધમકી પણ ઉચ્ચારાઈ હતી. બી.જે.પી. નેતા આશ્વાસન તો આપે છે કે રજનીની હત્યાનો બદલો લેવાશે ને કોઈને બક્ષવામાં નહીં આવે કે દિલ્હીના મંત્રી કેજરીવાલ જેવા કહે છે કે પંડિતોની હત્યા થઈ રહી છે ને કોઈ કૈં કરતું નથી. આનાથી ફેર પડતો નથી. આ બધું પણ રાબેતા મુજબનું જ છે. ગાડી ઉપડે ને સ્ટેશન આવે એવું ! 24 કલાકનું અલ્ટિમેટમ છતાં કોઈ ફેર ન પડતાં 150 પંડિત પરિવારોએ હિજરત શરૂ કરી દીધી છે. મોતના ભયે પોતાના જ દેશમાં હિજરત કરવી પડે એ કરુણતા છે. ઘણાંએ કીમતી સામાન અડધી કિંમતે વેચવો પડ્યો છે, કારણ તે સાથે લઈ જવાય તેવું ન હતું. જે લોકો સરકારી ટ્રાન્ઝિટ કેમ્પોમાં છે તેમણે જમ્મુ જવું છે, પણ તેમને બહાર જવા દેવાતા નથી. જેમણે હિજરત કરી છે તેઓ ખાનગી કે ભાડાંનાં મકાનોમાં રહેતાં હતાં ને વધારે અસલામત હતાં.

આનાં મૂળમાં કાશ્મીરનાં મહારાજા હરિ સિંહ ને શેખ અબ્દુલ્લા પડેલા છે. શેખ અબ્દુલ્લા છાશવારે હરિ સિંહ પર મુસ્લિમોનાં દમનનો આરોપ મૂકતા રહેતા હતા. એક સમય હતો જ્યારે રાજ્યનાં શાસનમાં મુસ્લિમોની કોઈ દાખલ ન હતી, પણ શેખે કોમી તરફેણનું આંદોલન સતત ચલાવ્યું. જેણે પાછળથી સંસ્થાનું રૂપ લીધું ને તે ‘નેશનલ કોન્ફરન્સ’ને નામે ઓળખાઈ. એ આંદોલનનું પરિણામ એ આવ્યું કે મહારાજાએ જ શાસન ઉદાર બનાવવું પડ્યું ને એમાં મુસ્લિમોની હિંમત વધી. શેખનો પ્રભાવ એટલો હતો કે મહારાજા વિરુદ્ધ ‘કાશ્મીર છોડો’ આંદોલન પણ છેડાયું ને મહારાજાએ પછી કાશ્મીર છોડ્યે જ છૂટકો થયો. મહારાજાની વિદાયથી એટલું થયું કે હિન્દુઓનું વર્ચસ્વ ઘટ્યું ને હવે એ જ વાત હિન્દુઓની હકાલપટ્ટી પર આવીને અટકી છે. એક વર્ગ ઈચ્છે છે કે કાશ્મીરમાં મુસ્લિમો જ હોય ને તેમનું જ આધિપત્ય હોય. એમ થાય તો અલગ કાશ્મીરની માંગ મજબૂત બને ને તેની સાંઠગાંઠ પડોશી પાકિસ્તાન સાથે વધે. એ જ કારણ છે કે 370મી કલમને ફરી લાગુ કરવાની વાત ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવાં કરે છે. એમ થાય તો બીજા કોઈને કાશ્મીરમાં ઘૂસવા ન દેવાય ને જે હિન્દુઓ છે તેમને ભગાડી મુકાય તો કેવળ મુસ્લિમોનું ધાર્યું થાય. આ વાત કેન્દ્ર સરકાર નહીં જાણતી હોય એવું નથી. જો સરકાર જાણતી હોય ને ગૃહખાતું પણ સજાગ હોય તો કાશ્મીર મામલે ઢીલાશ ઘાતક પુરવાર થશે.

1990માં કાશ્મીરી પંડિતોને મોટે પાયે ખદેડી મૂકવામાં આવ્યા ત્યારે ભારે વિરોધ થયો. તે વખતની સરકારે એનો લાભ પણ લીધો. મતોનું ધ્રુવીકરણ પણ થયું. 370મી નાબૂદ થઈ ત્યારે કાશ્મીરી પંડિતોને ફરીથી ઘાટીઓમાં વસાવવાના વાયદા પણ થયા ને સરકારના એ વાયદા પર ભરોસો મૂકી કેટલાક પંડિતોએ ત્યાં ફરી વસવાની કોશિશો કરી જોઈ, પણ હવે ફરી હિજરત પર આવીને વાત અટકી છે. 370ને હટાવીને અન્ય રાજ્યમાંથી કોઈ પણ નાગરિક ત્યાં વસી શકે એ સ્થિતિ ઊભી કરવાની વાત હતી, પણ બહારનાં રાજ્યોનાં ત્યાં વસે એ વાત તો દૂર રહી, ત્યાંના મૂળ નિવાસીઓએ પણ હિજરત કરવી પડે એ સ્થિતિ છે. બહુ સ્પષ્ટ ઇરાદો તો આ પ્રવૃત્તિનો એ જ છે કે ભારતથી અલગ એવું સ્વતંત્ર અસ્તિત્વ કાશ્મીરને મળે. પાકિસ્તાનને એમાં રસ એ છે કે કાશ્મીર છૂટું પડે ને તેને પાકિસ્તાનમાં ભેળવી દેવાય. આવું કૈં થાય એમાં ત્યાંની બિન હિન્દુ પ્રજાને પણ રસ છે. દરેક વખતે આતંકવાદીઓને નામે કાશ્મીરનો પ્રશ્ન ચડાવી દેવાનું યોગ્ય નથી. આતંકવાદીઓને મોકળાશ ત્યાંની પ્રજા પણ આપે છે. આ એવી પ્રજા છે જે નાગરિકત્વ ભારતનું ભોગવે છે ને મોં પાકિસ્તાન ભણી રાખે છે. એ જે હોય તે, પણ મોટે ભાગની બિન હિન્દુ પ્રજાનો ને પાકિસ્તાનનો ઇરાદો કાશ્મીરમાં હિન્દુ પ્રજા રહે જ નહીં એવો છે. એવું ન હોય તો કાશ્મીરી પંડિતોને ભગાડી મૂકવાનું બને કઇ રીતે? ત્યાંની બિન હિન્દુ પ્રજાને આ પંડિતો એટલા ખટકે કે એમને ભગાડી મૂકવા પડે? એવું તે પંડિતોએ એમનું શું બગાડ્યું છે કે તેમની નૃશંસ હત્યાઓ કરવી પડે? આ રીતે ભગાડનારા બધા જ આતંકવાદીઓ છે? એવું હોય તો એનો અર્થ એવો થાય કે કાશ્મીરમાં કેવળ આતંકવાદીઓ જ વસે છે ને પ્રશાસન જેવું ત્યાં ખાસ નથી.

એવું પણ લાગતું નથી કે ત્યાં ભારતની કેન્દ્ર સરકાર નથી? દિલ્હીથી રાષ્ટ્રીય તહેવારોમાં મંત્રીઓ ધ્વજ ફ્રરકાવવા ત્યાં જાય છે ને આતંકી ઓછાયા હેઠળ ધ્વજવંદન ને પરેડ પણ થાય છે, પણ પછી બધું ટાઢું પડી જાય છે. ખરેખર તો ત્યાં ચોવીસે કલાક જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવી ઘટે. સરહદી સુરક્ષા આતંકીઓને પ્રવેશવા ન દે એટલી કડક છે જ, છતાં ત્યાંની ભૌગોલિક વ્યવસ્થાનો લાભ આતંકીઓ ઉઠાવે છે ને તેને ભારતીય જવાનો ઠાર પણ મારે છે. એ બાબતે તો ભારતીય સૈન્યની પીઠ થાબડવી પડે. એ સાથે જ વરવી વાસ્તવિકતા એ પણ છે કે આતંકીઓ સ્કૂલ, બેન્ક વગેરે વિસ્તારોમાં પહોંચે છે ને સ્થળ પર જ હત્યાઓ કરે છે. સવાલ એ છે કે આટલે ઊંડે સુધી આતંકીઓ પહોંચે છે કેવી રીતે? કોણ એને ત્યાં સુધી પહોંચાડે છે? જેની હત્યા થાય છે તે પંડિત છે કે હિન્દુ છે એની માહિતી આતંકીઓ પાસે પહોંચાડનારા કોણ છે? આ હત્યાઓ ભૂલમાં ને અજાણતાં નથી થતી. આતંકીઓ ખોટા નથી પડતા. એ કોણ છે જે એમને ખોટા  નથી પડવા દેતા?

નથી લાગતું કે કોકડું ખરાબ રીતે ગૂંચવાયેલું છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જૂન 2022

Loading

‘સાર્થક જલસો’નો સોળમો અંક

રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|3 June 2022

થોડાં વર્ષો પહેલા પપ્પા દિલ્હી આવેલા. દીકરી મને પૂછે છે કે “મમ્મી તે નાના માટે આજે શું કર્યું?” પહેલાં તો હું કઈ સમજી નહીં. પછી તેણે ફોડ પડતાં કહ્યું “આજે ફાધર’સ ડે છે, મમ્મી.” 

“નાનાનાં કપડાં ધોઈ નાંખ્યાં”, કપડાં સૂકવતાં સૂક્વતાં મેં જવાબ આપ્યો. તે પછી મારુ મન વિચારે ચડ્યું, શું ફાધર્સ ડે નિમિત્તે કઇંક અભિવ્યકિત કરવી અનિવાર્ય છે? વાત ધીરે–ધીરે વિસરાઈ ગઈ.

પછી જ્યારે જુલાઇ 2019માં ઉર્વીશભાઇ અને મિત્રોએ પ્રકાશોત્સવનું આયોજન કર્યું, ત્યારે સંજોગોવશાત્‌ હું હાજર રહી શકી નહોતી. દિલ્હીમાં બેઠે બેઠે મન તો ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં આગોતરું જ પહોંચી ગયું  હતું. એક પછી એક પપ્પા સાથેના બાળપણના પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ ટક-ટક કરતી ગઈ. તે પછી રોજીંદી ઘટમાળમાં વાત વિસરાઈ ગઈ. પ્રકાશોત્સવ પછી જ્યારે પપ્પાની કૃપાલાની વ્યાખ્યાનમાળા transcribe કરવાનું ચાલુ કર્યું, ત્યારથી સાહિત્ય વારસાને સમાજજીવન સાથે સાંકળતા પ્રકાશ ન. શાહની છબી મનમાં ચોવીસે કલાક ગુંજતી રહેતી, ત્યાં તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ચૂંટણીનાં ઉમેદવાર તરીકે પ્રકાશ ન. શાહની પાત્રતા વિષે કંટ્રોવર્સી ચાલી, ત્યારે સમાજજીવી સાહિત્યકાર પ્રકાશ ન. શાહની કથા માંડ્યા વગર રહેવાયું નહીં. તે લખતાં-લખતાં  વચ્ચે-વચ્ચે તો એક શિક્ષિકા વિદ્યાર્થીનું પ્રગતિપત્રક લખવા બેઠી હોય, તેવા ઉભરા પણ મારા મને અનુભવ્યા હશે. તે નિમિત્તે જ પહેલી વખત ફેસબુક એકાઉન્ટ પણ  ખૂલ્યું, ત્યાં વળી પાછું ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશભાઈ કોઠારીનું ‘સાર્થક જલસા’ માટે આમંત્રણ મળ્યું. ઉર્વીશભાઈનું કહેવું હતું કે વિસ્તારથી લખવું. લેખ ગમે તેટલો લાંબો થાય તેની ચિંતા નથી. તેમણે પપ્પા સાથે કરાવેલી આંતરિક યાત્રા તે મારે માટે એક આધ્યાત્મિક યાત્રા બની રહી. ચંદુભાઈ, ઉર્વીશભાઇ તથા સમગ્ર ‘સાર્થક પરિવાર’નો આભાર માનું એટલો ઓછો. 

− રીતિ શાહ

[રીતિબહેનની ફેઈસબૂક દીવાલેથી સાદર]

••••• 

‘સાર્થક જલસો’નો સોળમો અંક

ઑક્ટોબર ૨૦૧૩થી, કોરોનાકાળનાં બે મોજાંને બાદ કરતાં, દર છ મહિને નિયમિત રીતે પ્રગટ થતા સામયિક ‘સાર્થક જલસો’નો ૧૬મો અંક પ્રકાશિત થયો છે.

દર વખતની જેમ અવનવા વિષયો અંગેના વિગતવાર લેખો આ અંકમાં પણ જોવા મળે છે. જેમ કે, આયુર્વેદની તરફેણ કે વિરોધની આત્યંતિકતામાં ગયા વિના, સ્વસ્થ-અભ્યાસનિષ્ઠ દૃષ્ટિથી આયુર્વેદનાં વિવિધ પાસાં ચર્ચતો ડૉ. વિરલ દેસાઈનો લેખ, રાયપુરની-અમદાવાદની પોળની ઉત્તરાયણનાં અનેક પાસાંનું હાડોહાડ પતંગરસિયા પ્રણવ અધ્યારુએ કરેલું આલેખન, ગુજરાતના રાજકારણ વિશે હસમુખ પટેલનો લેખ.

બીરેન કોઠારીનો આઇ.પી.સી.એલ.ની લુપ્ત ‘પેટાસંસ્કૃતિ’ વિશેનો લેખ અને જગદીશ પટેલનો નંદેસરીની ખાનગી ફૅક્ટરીમાં સોળ વર્ષની કામગીરીનો અનુભવ – બે સામા છેડાની વાસ્તવિકતાઓનો પરિચય કરાવે છે. આઈ.પી.સી.એલ.માં કર્મચારીઓ માટે અઢળક સુવિધાઓ અને તેની વચ્ચે પાંગરતી વિશિષ્ટ માનસિકતા તથા તેની સામે ખાનગી ફૅક્ટરીમાં નાનામાં નાની બાબતમાં કરવા પડતા સંઘર્ષોની વાત એક જ અંકમાં મુકાઈ હોવાથી તે સ્વતંત્ર લેખ ઉપરાંત, એકબીજાના સંદર્ભે પણ વિશિષ્ટ બની રહ્યા છે.

ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે ડૉ. સુશ્રુત પટેલે તૈયાર કરેલો ગુજરાતીનાં જ્ઞાનવિજ્ઞાન સામયિકો-પત્રકારત્વ વિશેનો લેખ અભૂતપૂર્વ છે. તેમાં લગભગ દોઢસો વર્ષના પ્રવાહો આવરી લેવાયા છે. એ જ સિલસિલામાં ઉર્વીશ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વના અભ્યાસ માટે ઉપયોગી એવાં કેટલાંક પુસ્તકોનો પરિચય કરાવ્યો છે અને તેમની ઉપયોગિતા ચીંધી આપી છે.

આરતી નાયરે લંડનમાં અભ્યાસ દરમિયાન કેરેબિયન ટાપુઓ, પાકિસ્તાન, ચીન અને પેલેસ્ટાઇન જેવા દેશોના સહાધ્યાયીઓ સાથે થયેલી વાતચીત દ્વારા જુદી દુનિયાનું દર્શન કરાવ્યું છે. કેપ્ટન નરેન્દ્રના ટૂંકા લેખમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓનો સ્વાહિલી ભાષા સાથેનો સંબંધ હળવી રીતે આલેખાયો છે. રીતિ શાહે તેમના પિતા પ્રકાશ ન. શાહ વિશે પોતાનાં બાળપણથી મોટપણ સુધીનાં અંગત સંસ્મરણો હળવાશપૂર્વક છતાં ભાવગંભીર રીતે લખ્યાં છે. તે લેખમાં પ્રકાશભાઈએ રીતિને જેલમાંથી લખેલા અને ‘સેન્સર્ડ’ની છાપ ધરાવતા કેટલાક પત્રો પણ છે. આ ઉપરાંત, રજનીકુમાર પંડ્યાના આત્મકથાનકનો અંશ પણ છે, જે તેમના જીવનના નાટ્યાત્મક ચઢાવઉતાર અને તે સમયને તીવ્ર સંવેદન સાથે પુનઃજીવિત કરે છે.

‘સાર્થક જલસો-૧૬’ મેળવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ (મોઃ ૯૮૨૫૨ ૯૦૭૯૬), ઓનલાઇન મેળવવા માટે saarthakprakashan.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13

Loading

...102030...1,3671,3681,3691,370...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved