Opinion Magazine
Number of visits: 9744379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—170

દીપક મહેતા|Opinion - Opinion|12 November 2022

 તરસ્યાંને પાણી પાશો? 

મુંબઈની તરસ છીપાવવાના નુસ્ખા

સોડા વોટર પીવાથી સાજાસારા રહેવાય? 

ખાણીપીણી. સાધારણ રીતે સાથે વપરાતા બે શબ્દો. એવી જ રીતે ખાધેપીધે સુખી. ખાધુંપીધું ને રાજ કર્યું. ઘણાં વરસ પહેલાં ભજવાયેલા એક નાટકનું નામ હતું ‘ખાધુંપીધું તારાજ કર્યું.’ ઈરાની હોટેલના વેટરો ઘણી વાર ગલ્લે બેઠેલાને બૂમ પાડી કહેતા : ‘ખાયાપિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આને.’ જેનાથી કોઈનું પેટ ભરાતું નથી એવી કેટલીક શારીરિક ક્રિયાઓ પણ પીવાતી નથી, ખવાય છે : છીંક ખાધી, ઉધરસ ખાધી, બગાસું ખાધું. અરે, કોઈને ખાવી ન ગમે, છતાં ઠોકર પણ ખાવી પડે છે અને માર પણ ખાવો પડે છે.

ક્યાં સુધી અકરાંતિયાની જેમ ખાવાની વાતો કર્યા કરશો એમ સુજાણ વાચકો પૂછે એ પહેલાં પાટો બદલીએ. ખાણીની નહિ, થોડી વાતો પીણીની કરીએ! સૌથી વધુ પોપ્યુલર ડ્રિંક કયું? ના, કોઈ માર્કેટિંગ સર્વેની મદદ લેવાની જરૂર નથી. કારણ, જવાબ છે પાણી, જળ, વોટર. અંગ્રેજી ડિક્ષનરીઓ કહે છે કે વોટર શબ્દ ગ્રીકમાંથી અવતર્યો છે. તો ગુજરાતી-મરાઠીમાં વપરાતો ‘પાણી’? સાર્થ ગુજરાતી જોડણીકોશ આ અંગે મૌન છે. ભગવદ્ગોમંડળ કોશ કહે છે કે સંસ્કૃતના ‘પાનીય’નો વંશજ છે પાણી શબ્દ.

આજે હવે બોલાતી અને લખાતી ભાષામાં રૂઢિપ્રયોગોનો ઉપયોગ ઘટતો જાય છે. પણ જેમાં પાણી શબ્દનો ઉપયોગ થતો હોય તેવા ૧૬૪ રૂઢિપ્રયોગો ભગવદ્ગોમંડળકોશ નોંધે છે!

તેમાંનો એક છે ‘સો ગળણે ગાળીને પાણી પીવું.’ અને એક જમાનામાં મુંબઈવાસીઓએ આમ જ કરવું પડતું. કારણ અસલમાં તો મુંબઈ એટલે સાત ટાપુઓનો સમૂહ. નદીનું તો નામોનિશાન નહિ પણ તળાવ પણ નહિ. એટલે પાણી માટે આધાર રાખવો પડતો માત્ર કૂવા પર. માણસ, ઢોર-ઢાંખર, પંખીઓ, બધા પાણી પીવા કૂવે આવે. એ કૂવા પણ પાકા, બાંધેલા નહિ. એટલે આજુબાજુનો કચરો પાણીમાં પડે. માણસ અને ઢોર-ઢાંખર તેમાં ઉમેરો કરે. આવામાં અવારનવાર રોગચાળો માથું ન ઊંચકે તો બીજું શું થાય? વખત જતાં સાત ટાપુ એકબીજા સાથે સંધાતા ગયા. ખેતી અને વેપાર-વણજની સાથે વસ્તી વધતી ગઈ. એ વખતે સખીદાતાઓ આગળ આવ્યા. કોઈએ કૂવાને પાકા બનાવ્યા તો કોઈએ તળાવ ખોદાવ્યાં. માણસો માટે તેમ જ પશુઓ માટે પણ. એટલે જ તો એક તળાવનું નામ પડ્યું ‘ગોવાળિયા તળાવ.’ પોતાનાં ઢોરઢાંખરને પાણી માટે ગોવાળો જ્યાં લઈ આવે તે ગોવાળિયા તળાવ.

પણ વસતી તો વધતી જ જાય. એમાં પાછા દુકાળ આવે. સરકાર માબાપ દૂર દૂરથી ગાડાંઓમાં લાવીને કૂવા-તળાવમાં પાણી ઠાલવે. પણ પછી સરકારે આકરું પગલું લીધું. આ ઢોરઢાંખર પાણી જેટલું વાપરે છે એના કરતાં બગાડે છે વધુ. અને પાછા રોગચાળો ફેલાવે છે. એ વખતે મુંબઈ શહેરની હદ હતી માહિમ સુધી. સરકારે કાઢ્યો ફતવો : ‘મુંબઈ શહેરની મર્યાદામાં, એટલે કે માહિમ સુધીના વિસ્તારમાં, કોઈ ઢોરઢાંખર રાખી નહિ શકે. એ બધાંને મુંબઈની બહાર, એટલે કે માહિમ પછીના વિસ્તારમાં લઈ જવાં પડશે, ફરજિયાત.’

મુંબઈની જીવાદોરી પાણીની પાઈપ

થોડો વખત તો ગાડું ગબડ્યું. પણ પછી સમજાયું કે દૂર દૂરનાં તળાવોમાંથી પાણી લાવ્યા વગર છૂટકો નથી. પણ પાણી લાવવું કઈ રીતે? એ માટે ખાસ પાઈપ લાઈન નાખીને. વિહાર એ મુંબઈની સૌથી નજીકનું તળાવ. એનું કામ ૧૮૫૬માં શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું. મોટા મોટા પાઈપ નાખીને વિહારનું પાણી મુંબઈનાં ઘરો સુધી પહોંચ્યું. શરૂઆતમાં ઘણા રૂઢિચુસ્તોએ વિરોધ કર્યો. આ તો ભ્રષ્ટ પાણી છે. પણ પછી બધાને નળનાં પાણીના ફાયદા સમજાયા. વાપરવા લાગ્યા એ પાણી. પણ ઘણાં ઘરોમાં પીવા માટે તો કૂવાનું પાણી જ વપરાય. પાણીનો વપરાશ વધતો ગયો તેમ વધુ ને વધુ દૂરના તળાવો સુધી પાઈપ નાખવા પડ્યા. આજે પણ એ કામ ચાલુ જ છે. 

તરસ્યાંને પાણી પાશો,

હું તરસી સરવર કાંઠે,

અથડાતી વાટે ઘાટે,

જગ જોઈ રહ્યું છે તમાશો,

તરસ્યાંને પાણી પાશો.

પહેલવહેલી ગુજરાતી સામાજિક ફિલ્મ ‘સંસાર લીલા’નું આ ગીત. લખેલું રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે. સંગીતકાર હતા લલ્લુભાઈ નાયક. ગાયું હતું તખ્તા અને ફિલ્મની જાજરમાન કલાકાર રાજકુમારીએ. પણ અત્યારે આ ગીત યાદ આવવાનું કારણ? કારણ એક જમાનામાં તરસ્યાને પાણી પાવું એ મોટું પુણ્યનું કામ ગણાતું. અને એટલે એ જમાનામાં શાણા દાનવીરો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ પ્યાઉ કહેતાં પરબ બંધાવતા. અને એ પણ માત્ર માણસો માટે નહિ. ગાડી-ગાડાં સાથે જોતરાતા જીવો માટે પણ. વળી એને સ્થાપત્યનાં અલંકરણોથી સજાવતા. લગભગ ૧૮૬૦થી ૧૯૩૦ સુધીના ગાળામાં તળ મુંબઈમાં અને દાદર સુધી ઘણા પ્યાઉ બંધાયા. એકલા કાવસજી જહાંગીરજી રેડીમનીએ મુંબઈમાં ૪૦ પ્યાઉ બંધાવેલા. એટલું જ નહીં તેમણે એક પ્યાઉ લંડનના રીજન્ટ પાર્કને પણ ભેટ આપ્યો હતો જે આજે ય અડીખમ ઊભો છે. આ ઉપરાંત રામજી સેતીબા, ફરદુનજી જીજીભાઈ, કેશવજી નાયક, જમશેદજી જીજીભાઈ વગેરેએ પણ મુંબઈને પ્યાઉની ભેટ આપેલી.

કાવસજી જહાંગીરજી રેડીમનીએ લંડનના રીજન્ટ પાર્કને ભેટ આપેલો ડ્રિન્કીંગ ફાઉન્ટન

આવા દાનવીરો પોતાને પૈસે પ્યાઉ બંધાવતા, પણ સરકાર તેને માટેનું પાણી મફત આપતી નહિ. દરેક પ્યાઉ પર મિટર લગાડતા અને જેટલું પાણી વપરાયું હોય તેના પૈસા સરકારને ચૂકવવા પડતા. અને હા. આ પ્યાઉ એ મુંબઈની એક લાક્ષણિકતા છે. મુંબઈ બહારના મહારાષ્ટ્રમાં તે ક્યાં ય જોવા મળતા નથી. અને છતાં વખત જતાં, પાણીની છૂટ થતાં, ઉપયોગિતા ઘટી જતાં ઘણા પ્યાઉ અલોપ થયા. કોઈ ભાંગીતૂટી હાલતમાં મરવા વાંકે જીવતા રહ્યા. ભલે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ એનું મહત્ત્વ બહુ ન હોય, તો ય આ એક જાળવી રાખવા જેવો વારસો છે એ પણ કોઈના ધ્યાનમાં ન આવ્યું. છેક ૨૦૦૮માં રાહુલ ચેમ્બુરકરની આગેવાની નીચે બચી ગયેલા પ્યાઉનો જીર્ણોધ્ધાર કરવાનું કામ શરૂ થયું. લગભગ ૩૦ જેટલા પ્યાઉને નવજીવન મળ્યું છે.

મુંબઈનો એક પ્યાઉ : અગાઉ અને આજે

૧૯૬૫ સુધી કોઈએ સપનામાંયે વિચાર્યું નહિ હોય કે બાટલીમાં ભરેલું પાણી મુંબઈમાં વેચાશે. ૧૯૬૫મા ‘બિસ્લેરી’ નામની ઇટાલિયન કમ્પની મુંબઈમાં શરૂ થઈ. ત્યારે પ્લાસ્ટિકની નહિ, કાચની બાટલીઓમાં એ કંપની પાણી વેચતી. એ પાણીના પાછા બે પ્રકાર : સાદું અને ‘બબલી.’ શરૂઆતમાં તો આ પાણી વાપરવું એ સ્ટેટસ સિમ્બલ ગણાતું. પૈસા ખરચીને પાણી ખરીદવાનું મધ્યમ વર્ગના લોકોને ગળે ઉતરતાં વાર લાગી. પણ પછી ધીમે ધીમે તેનો પ્રચાર-પ્રસાર વધતો ગયો. ઇટાલિયન બિસ્લેરી કંપની માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં બોટલ્ડ વોટર વેચનાર પહેલી કંપની હતી. વખત જતાં એ કંપની ‘દેશી’ બની. બીજી કંપનીઓએ પણ ઝૂકાવ્યું. આજે તો મુંબઈમાં ઘણા એવા લોકો છે જે સાદા, કુદરતી પાણીનો સ્વાદ પણ ભૂલી ગયા છે. તેમને  માટે તો આ બાટલિયું પાણી સ્ટેટસ સિમ્બલ બની ગયું છે.

પ્લાસ્ટિકની બાટલીઓ આવી ત્યારે બે ફાયદા થયા. એક, કિંમત ઘટી. બીજું, ખાલી બાટલીનું શું કરવું એ પ્રશ્ન ન રહ્યો. ખાલી બાટલી ફેંકો રસ્તામાં કે ગમે ત્યાં. આ ખાલી બાટલીઓ રિસાઈકલ થઈ શકે છે અને એટલે એના ખરીદનાર પણ હોય છે એ વાત ધ્યાનમાં આવતાં ખાલી બાટલીઓ અને પ્લાસ્ટીકની બીજી ફેંકી દીધેલી વસ્તુઓ ભેગી કરનારા રેગ-પીકરની સંખ્યા વધતી ચાલી. કચરો સાફ કરનારા સફાઈ કામદારો પણ ભેગા કરેલા કચરામાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરી વેચવા લાગ્યા. કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે મોટે ભાગે એનો વિરોધ થાય છે કે પછી એને માથે ચડાવાય છે. પણ ઘણુંખરું નવી વસ્તુની અસર સારી પણ હોય અને ખરાબ પણ હોય. પ્લાસ્ટીકના પ્રદૂષણને નાથવાની જરૂર છે જ. પણ આ જ પ્લાસ્ટીકે હજારો લોકોને ભલે થોડી, પણ રોજીરોટી આપી એ ભૂલવું ન જોઈએ.

હા, કાચની બાટલીમાં પીવાનું પાણી આવ્યું એ પહેલાં આવ્યાં હતાં ઠંડા પીણ. બરફ છૂટથી મળતો થયો પછી જૂદા જૂદા સ્વાદ, રંગ, ગંધવાળાં સોફ્ટ ડ્રિન્કસ બજારમાં આવ્યાં. લંડનમાં તો ૧૯મી સદીની શરૂઆતથી જ ‘સોડા’ લોકપ્રિય થવા લાગી હતી. અલબત્ત, અમીર-ઉમરાવોના ઘરમાં. સોડા જેમ જેમ લોકપ્રિય થવા લાગી તેમ તેમ સોફ્ટ ડ્રિન્કસમાં નવી નવી ફ્લેવર ઉમેરાતી ગઈ : લેમન, ઓરેન્જ, રાસબરી વગેરે.

૧૮૩૭માં શરૂ થયેલી મુંબઈની પહેલી સોફ્ટ ડ્રિંક કંપની

૧૮૩૭માં હેન્રી રોજર્સ નામના મુંબઈના કેમિસ્ટે ‘એરેટેડ વોટર’ બનાવવા માટે કંપની શરૂ કરી. આ રોજર્સ કંપની તે પશ્ચિમ ભારતની ‘સોડા’ બનાવનારી પહેલવહેલી કંપની. અને ઘણાં વરસ સુધી તેણે એ ક્ષેત્રમાં રાજ કર્યું. પીણાં બનાવતી વખતે જે કાર્બોનિક એસિડ વપરાતો તેને કારણે એ પાણીમાંના ઘણા જીવાણું નાશ પામતા. એટલે સોડા પીવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે એવો પ્રચાર પણ થતો. પછી ૧૮૫૮માં આવ્યું કાર્બોનેટેડ ટોનિક વોટર, જેમાં ક્વિનાઈન ઉમેરાતું અને એટલે એ પીવાથી મલેરિયાથી બચી શકાય છે એમ મનાતું. આવાં પીણાં ઘણા વખત સુધી અંગ્રેજો, પારસીઓ અને બીજા ધનવાનોનાં ઘરમાં જ જોવા મળતાં. ૧૮૬૬માં લખેલા એક લેખમાં જાણીતા સમાજ સુધારક કરસનદાસ મૂળજી કહે છે કે મોટા ભાગના હિંદુઓ માને છે કે રોજર્સની લેમોનેડ પીવાથી પોતાનો ધરમ રસાતાળ જાય છે! પણ પારસીએઓને આવો કોઈ છોછ નહોતો. તેમણે સોફ્ટ ડ્રિન્કસ બનાવવાના ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. ૧૯૧૩માં માત્ર મુંબઈ શહેરમાં સોડા વોટર બનાવનારી નાની મોટી ૧૫૦ કંપની હતી! અને હા. પીવા ઉપરાંત આ સોડા વોટર બાટલીઓનો બીજો પણ એક ઉપયોગ થતો.

એ ઉપયોગ તે કિયો એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 નવેમ્બર 2022

Loading

શિસ્ત વિના સ્વપ્ન સાકાર થતાં નથી : લિ ક્વાન યુ

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2022

·       રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી.

·       માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 

·       ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 

—     લિ ક્વાંગ યુ

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણું અમુક રીતે વિચારવા ટેવાયેલું મન આવી રહેલા સમયમાં જેને સિદ્ધ કરવાના છે એવાં સ્વપ્નો અને ધ્યેયો તરફ વળે છે – આવતા વર્ષમાં મારે આટલું તો સિદ્ધ કરવું જ છે – પછી વાત કસરતની હોય કે કારકિર્દીની. સાકાર ન થઈ શકે એ સ્વપ્નનો કોઈ અર્થ નથી; અને સ્વપ્ન સાકાર કરવા માટે દૃષ્ટિ, પરિશ્રમ અને શિસ્તની જરૂર પડે છે. વાત કરીએ સિંગાપોર નામના નાનકડા રાષ્ટ્રની. તેની કાયાપલટને ‘આધુનિક ચમત્કાર’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ચમત્કાર કરનાર છે તેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિ ક્વાંગ યુ. શું કર્યું તેમણે, શું કર્યું સિંગાપોરે કે એક વખતનું ગરીબ અને ગુલામ રાષ્ટ્ર આજે પર્યટન અને વ્યાપારનું ગ્લૉબલ સેન્ટર બન્યું છે?

સિંગાપોર, દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ 1,500 કિલોમીટર દૂર એક નાનો, સુંદર ટાપુ છે. આધુનિક સિંગાપુરની સ્થાપના 1819માં સર સ્ટેમફોર્ડ રેફલ્સે કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તરીકે તત્કાલીન વાઈસરૉયે તેમને કંપનીનો વેપાર વધારવા સિંગાપુર મોકલ્યા હતા. પછી સિંગાપોર પર બ્રિટિશ અને એ પછી મલયેશિયન શાસન આવ્યું. 1965માં સિંગાપોર મલયેશિયાથી સ્વતંત્ર થયું.

સિંગાપોરમાં પ્રાકૃતિક સ્રોતોની અતિશય તંગી છે. પાણી મલેશિયાથી; દૂધ, ફળ તેમ જ શાકભાજી ન્યૂઝિલૅન્ડ-ઑસ્ટ્રેલિયાથી અને દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની ચીજો થાઈલૅન્ડ, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે. કદમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં 2019ના આંકડા મુજબ લગભગ 57 લાખની વસતિ છે જેમાં ચીની, મલય તથા 8 ટકા ભારતીય લોકો છે. બે સમુદ્રધુનીઓ સિંગાપોરને મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી અલગ કરે છે. સિંગાપોરને મુખ્ય આવક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં ઉત્પાદન-નિકાસ અને પ્રવાસન દ્વારા થાય છે. 

સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન અને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા હતા લિ ક્વાંગ યુ. તેઓ 1959થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા. 1990માં તેમણે વડા પ્રધાન પદનો ત્યાગ કર્યો અને ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે 2004 સુધી રહ્યા. એમના પુત્ર લી હેઈન્સ લૂંગ ત્રીજા વડા પ્રધાન બન્યા ત્યારે લિ સલાહકાર મંત્રી હતા. મૃત્યુ પર્યંત તેમણે તાંજોગપગાર વિસ્તારમાંથી સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

સિંગાપોરને ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં લઈ આવનાર લિ ક્વાંગ યુ અને તેમના નેતૃત્વ વિશે જાણવા જેવું છે. વકીલ બનવા માટે તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ફિટ્ઝવિલિયમ કૉલેજ ઑફ લૉમાં અભ્યાસ કર્યો, પછી રાજકારણ તરફ વળ્યા. તેઓ આરોગ્ય, કસરત અને ધ્યાન બાબત ખૂબ ચોક્ક્સ હતા. 1990થી 2013 દરમ્યાન તેમના છ સ્મૃતિગ્રંથો પ્રગટ થયા છે.

અમેરિકાને વટાવી ગયેલી સિંગાપોરની ગજબનાક પ્રગતિ કોઈ ચમત્કાર કે અકસ્માત નથી, એની પાછળ અત્યંત પ્રતિભાશાળી અને દેશપ્રેમી દીર્ઘકાલીન વડા પ્રધાન લિ ક્વાન યુની દૂરંદેશી છે. જબરા અને મોટા દેશોથી ઘેરાયેલું અને સંસાધનોના સદંતર અભાવવાળું નાનકડું સિંગાપોર નિષ્ફળ અને દબાયેલું રહેવા જ સર્જાયું છે એવું સૌને લાગતું હતું. પણ લિ ક્વાન યુએ તેને ટકાવ્યું, ઊભું કર્યું અને સફળ બનાવ્યું. સુપિરિયર ઈન્ટેલિજન્સ, શિસ્ત અને સંગઠિત પુરુષાર્થની કમાલ સંસાધનોના અભાવને ઓળંગી ગઈ. લિ વડા પ્રધાન થયા ત્યારે સિંગાપોરની માથાદીઠ આવક 400 ડૉલર હતી. બે પેઢી પછી તે 50,000 ડૉલરનો આંકડો વટાવી ગઈ છે.

કેવી રીતે બન્યું આ? વિશ્વએ, ખાસ કરીને આપણા જેવા ત્રીજા વિશ્વના દેશોએ એમની પાસેથી શું શીખવું જોઈએ? તેઓ ભારત આવ્યા હતા અને જાણકારો કહે છે કે તેઓ ભારતના વડા પ્રધાનોને જે રીતે સમજ્યા હતા એ રીતે ભાગ્યે જ કોઈ સમજ્યા હતા. પંડિત નહેરુને તેઓ ‘લોકોને ખુશ રાખનારા અને સરમુખત્યાર બનવાનું પસંદ ન કરનાર’ કહેતા. લિ ઈન્દિરા ગાંધીએ મૂકેલી કટોકટીના સમર્થક હતા – ‘ભારત જેવા દેશને ડિસીપ્લિન્ડ કરવા કડક પગલાં લેવાં જરૂરી હોય છે.’ તેઓ ભારત આવ્યા ત્યારે એમની દીર્ઘ મુલાકાતો લેનાર અને એનું પુસ્તક કરનાર સુનંદા કે. દત્તા-રૉય કહે છે કે લિ અને શ્રીમતી ગાંધી બન્ને આસપાસના વિશ્વ પર કાબૂ ધરાવતા અને સત્તા માટે કટિબદ્ધ વ્યક્તિત્વો હતાં. પછીનાં વર્ષોમાં નરસિંહરાવ, મનમોહન સિંહ અને અન્ય વડા પ્રધાનો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો હોવા છતાં તેઓ ભારતના સ્વાતંત્ર્ય બાદ થયેલા વિકાસથી ખૂબ અસંતુષ્ટ હતા અને ભારતને વધારે ‘પૂર્વાભિમુખ’ બનાવવા પર ભાર મૂકતા. ‘ભારત વાસ્તવિક અર્થમાં રાષ્ટ્ર નથી, પણ બ્રિટિશ લોકોએ નાખેલી રેલવે લાઈનની આસપાસ વિસ્તરી ગયેલા પ્રદેશોનો લોકશાહી નહીં પણ જમીનદારશાહી સમૂહ છે.’ એવા વિધાનને લીધે એમને ભારતવિરોધી ગણવામાં આવેલા, પણ તેઓ ભારતવિરોધી નહીં, પણ ભારતથી નિરાશ હતા. ભારતની વિપુલ શક્તિ ખોટા રસ્તે વેડફાય છે એવું એમને લાગતું. ‘સાધારણ રીતે ભારતના અમલદારો પોતાના વિસ્તારને કાબૂમાં રાખવા અને શ્રીમંત બનવા પર એકાગ્ર હોય છે. ઉદ્યોગમાલિકોને તેઓ લાલચુ અને તકવાદીઓ કહે છે, એમનો ભરોસો કરતા નથી અને સુવિધાઓ વધારવામાં ભાગ્યે જ ધ્યાન આપે છે.’ આ વિધાનમાં રહેલા સત્યને નકારી શકાય નહીં.

2005માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ લેક્ચર આપવા તેઓ ભારત આવેલા, ત્યારે કહેલું, ‘ભારત પ્રગતિના પંથે જરૂર છે, પણ એની ગતિ ખૂબ ધીમી અને ભૂલભરેલી છે. જે સમય ચાલ્યો ગયો છે એની ભરપાઈ કરવા ભારતે દોડવું જોઈએ અને એ પણ સાચી દિશામાં. નિયતિ સાથે નવો કરાર કરવાનો સમય આવી ગયો છે.’

એમનાં વિચારો આપણે જ નહીં, વિશ્વના દરેક જાગૃત રાષ્ટ્રએ ધ્યાનમાં રાખવા જેવા છે : 

*નવી વિભાવનાઓની મુક્ત લેવડદેવડ જરૂરી છે. ચીન આવકની બાબતમાં અમેરિકાને અડકી ગયું છે, પણ સર્જનાત્મકતાની બાબતમાં તે કદી અમેરિકાને આંબી નહીં શકે કેમ કે એની સંસ્કૃતિ મુક્ત વિચારને મંજૂરી આપતી નથી. 

    • હવેનાં વર્ષોમાં ટેકનોલોજીને લીધે સરકારની શાસનપદ્ધતિ પર બહુ મોટી અસર પડશે. 2030 સુધીમાં વિશ્વની 70 ટકા વસતી શહેરોમાં રહેતી હશે અને ઈંટરનેટ વગેરેને કારણે દરેક બાબતમાં એની જાણકારી અને જાગૃતિ વધારે હશે. અત્યારની રીત પ્રમાણેનું શાસન ત્યારે કરવું શક્ય નહીં રહે. 
    • જે દેશો લોકશાહીથી ટેવાયેલા ન હોય એમના પર લોકશાહી લાદવી એ ભૂલ છે. 
    • માનવસંસાધનની ગુણવત્તા એ રાષ્ટ્ર માટે સૌથી અગત્યનું પરિબળ છે. લોકોની સર્જનાત્મકતા, ઈનોવેશન, સાહસિકતા, ટીમ વર્ક અને વેપારની નીતિઓ રાષ્ટ્રને વિકાસના શિખરે પહોંચાડે છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ત્રણ ગુણો મહત્ત્વનાં છે : 1. નવી શક્યતાઓ શોધવી અને ગણતરીપૂર્વકનાં જોખમો ખેડવા તૈયાર હોવું 2. ઈનોવેટિવ થવું. 3. વહીવટી કૌશલ્ય કેળવવું જેથી ઉત્પાદનને નવાં બજાર, નવાં વિતરણ-માળખાં મળે. અર્થકારણ નવી જાણકારીઓ અને નવાં સંશોધનોથી ધબકતું રહે. પુસ્તકોની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં ઝંપલાવી માર્કેટિંગ અને મેનેજમેન્ટ, રોકાણ અને નફા જેવી બાબતોમાં નવાં પદાર્પણ કરનાર અર્થશાસ્ત્રી આજે મહત્ત્વનો છે. 
    • રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી. 
    • હું મેકિયાવેલી સાથે સંમત છું કે જો કોઈ મારાથી ડરતું ન હોય તો હું નકામો છું. જ્યારે હું બોલું, મારા શબ્દો ખૂબ ગંભીરતાથી લેવાવા જોઈએ. 
    • માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 
    • ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઑક્ટોબર 2022

Loading

ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં નહીં પહોંચેલી કેટલીક ટીમોની આઈસીસીમાં ધા

કેતન રુપેરા|Opinion - Opinion|11 November 2022

 હસતાં રમતાં

ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં પ્રવેશેલી બે ટીમ તરીકે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ નક્કી થઈ ગઈ છે, પણ ફાઈનલમાં નહીં પહોંચનાર કેટલીક ટીમને ફરિયાદ છે કે ફાઈનલ માટેના સાચા દાવેદાર તો અમે છીએ. એટલે આ બધી અસંતુષ્ઠ ટીમ આઈ.સી.સી.માં ધા નાખે છે. કાં તો ફાઈનલ રદ્દ કરો, કાં તો અમને સાંભળો ને યોગ્ય નિર્ણય કરો.

હવે ….

આઈ.સી.સી. મુંઝાય છે :

“એવું તો કેમ ચાલે?! ક્રિકેટ વર્લ્ડકપ તો છેક બાબા આદમ; સૉરી, ક્લાઇવ લોઈડના જમાનાથી રમાય છે. કદી નહીં ને આ વખતે જ કેમ ફાઈનલ રદ્દ કરવાની માંગ કરો છો. તમે ફાઈનલમાં નથી પહોંચ્યા એ બરાબર છે, પણ જે ટીમ ફાઈનલમાં પહોંચી છે એ પોતે જ્યારે અગાઉના ઘણા વર્લ્ડકપમાં ફાઈનલમાં નહોતી પહોંચી ત્યારે તેમણે કદી આવી ધા નહોતી નાંખી.”

“એ અમે કંઈ ના જાણીએ, પણ તમે એકવાર ફાઈનલ રદ્દ કરો, પછી જુઓ …. એ ટીમો પણ ફાઈનલ કેમ રદ્દ કરી? એમ ન કરાય. એમ કહીને ધા નાંખે છે કે નહીં, જોઈ લેજો.” બધી ટીમો એક સુરે સાથે બોલી ઊઠે છે.

“કેવી વાત કરો છો!! એવું કરે છે કે નહીં તે જોવા માટે કંઈ ફાઈનલ રદ્દ કરાય?! તમારે શું કહેવું છે, એ કહોને.” આઈ.સી.સી.ના સત્તાવાહી સુરનો બધી ટીમોને અહેસાસ થાય છે, એટલે હવે બધી ટીમો નરમ પડે છે.

કાકલુદીભર્યા સુરે બધી ટીમો બોલી ઊઠે છે :

“પણ તમે અમને સાંભળીને ફાઈનલ રદ્દ કરશો ને?”

“એ બધું અત્યારે ના કહી શકાય, તમારે કહેવું હોય એ કહો. અમે સાંભળીશું.”

પહેલાં, “વિશ્વગુરુ ભારત”, સૉરી. અહીં એવું ના આવે.

ટીમ ઇન્ડિયા : અમે સુપર ટ્વેલ્વમાં છેક સુધી સારું રમ્યા. અમારું ગ્રૂપ ટોપ કર્યું. એક જ મેચ હાર્યા. એ પણ ગ્રૂપની સૌથી મજબૂત કહેવાતી ટીમ સાઉથ આફ્રિકા સામે જ. અને એ પછી સેમીફાઈનલ કહેવાતી એવી માત્ર એક જ મેચ હાર્યા ને બહાર?! એ હાર પણ વળી એવી ટીમ સામે જેને આયર્લેન્ડ જેવી નબળી ટીમે હરાવી દીધી હતી!! આવો કેવો નિયમ?!!

સાઉથ આફ્રિકા : અમે ભારતને હરાવ્યું. અમે પાકિસ્તાનને હરાવ્યું. ગ્રૂપ બીમાં આ બે ટીમો ટોપ પર રહી, પણ ટોપ પર રહેતાં પહેલાં અમારી સામે તો એ બંને હારી ગઈ હતી! તો વળી, ટોપની ટીમ કેવી?! અને અમે દર વખતે નોક આઉટ મુકાબલામાં હારી જઈએ છીએ, એ તમને ખબર તો છે. તો આવા નિયમો કેમ બનાવો છો?!

ઑસ્ટ્રેલિયા : ભારત અને આફ્રિકાની વાત જવા દો. અમે તો ઘરઆંગણે જ રમ્યા હતા. લેગ ને ઑફ સાઈડમાં શૉર્ટ બાઉન્ડ્રી, મોટાં મેદાનો, બાઉન્સી પીચ …. બધી જ અમને ખબર હતી. આ વર્ષે જ બીગ બૅશની ફાઈનલ રમનાર ત્રણ ખેલાડીઓ તો અમારી ઇલેવનમાં હતા. અને વરસાદે અમારી એક મૅચ વળી શું ધોઈ નાંખી કે અમે તમારી કહેવાતી એવી સેમીફાઈનલમાંથી બહાર! તમને ખબર છે … એટલે ખબર જ હોય એ તો કે ફાઈનલમાં પહોંચનાર ઇંગ્લેન્ડની ટીમને ગ્રૂપ મૅચમાં હરાવનાર આયર્લેન્ડને અમે ૪૨ રનથી હરાવ્યું હતું ને ૧૧ બૉલ બાકી હતા ત્યારે તો એમને ઑલઆઉટ કરી દીધું હતું. અમારા ય ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની જેમ સાત પોઈન્ટ્સ હતા ને રન રેટની વાત કરતા હોવ તો ….

આઈ.સી.સી. : (અટકાવીને) બસ બસ, સમજાઈ ગયું. યજમાન ટીમ છો એટલે આટલું બધું બોલવાનું?! કોણ છે હવે આગળ?!

શ્રીલંકા : અમે.

સુપર ટ્વેલ્વમાં ઇંગ્લેન્ડને હરાવનાર આયર્લેન્ડને અમારી પહેલી જ મૅચમાં અમે ૩૦ બૉલ બાકી રાખીને નવ વિકેટે હરાવ્યું હતું. અને તો ય …..

આઈ.સી.સી. : (વચ્ચે અટકાવીને) ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ મેચ સિવાયની વાત કરો. એ દલીલ ભારતે કરી દીધી છે.

(શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગુસપુસ : જોયું, આ ઇન્ટરનૅશનલ નહીં, ‘ઇન્ડિયન’ ક્રિકેટ કાઉન્સિલ જ છે. આપણી દલીલ પણ પૂરી સાંભળતા નથી.)

આઈ.સી.સી. : નેક્સ્ટ!

બાંગલાદેશ : જો પાકિસ્તાન સામેની મૅચ અમે જીતી ગયા હોત તો પાકિસ્તાનના બદલે આજે અમે ફાઈનલમાં હોત. આ તો સાઉથ આફ્રિકા નેધરલૅન્ડ સામે (હવે ધીમા અવાજે) જાણીજોઈને હારી ગયું એટલે અમે બહાર થઈ ગ્યા.

આઈ.સી.સી. : એક મિનિટ, આવી ધડમાથા વગરની વાત નહીં કરવાની. આઈ.સી.સી.ની બધી ટીમો તરફ ચાંપતી નજર છે. ફરી આવી વાત કરશો તો માંડમાંડ મળેલો ટેસ્ટ દરજ્જો છીનવી લઈશું. અને પાકિસ્તાન સામેની મૅચ તમે જીતી ગયા હોત તો તમે કેવી રીતે ફાઈનલમાં હોત? એ તો ગ્રૂપ મૅચ હતી અને ગ્રૂપ મૅચ પછી તો સેમીફાઈનલ આવે ને?

બાંગલાદેશ : હા. સેમીફાઈનલ જ આવે, પણ સેમીફાઈનલમાં તો ન્યુઝીલેન્ડનું હારવાનું નક્કી જ હોય છે. એટલે અમે જ ફાઈનલમાં આવીએ ને …

આઈ.સી.સી. ચકરાવે ચઢી જાય છે. ખરેખર, મુંઝાય છે. સાલું, વાત તો સાચી. બધી ટીમની દલીલોમાં દમ તો છે. કોઈની એકબીજા પરની હાર-જીતના સાંધા જ નથી જડતા. પણ અનિર્ણયાત્મકતાની આ અવસ્થા જાહેરમાં દર્શાવાય તો નહીં ને. એટલે આઈ.સી.સી. વિચારવાનો ડોળ કરે છે. થોડી વાર ગાલ-દાઢીએ ને થોડી વાર કપાળે અંગૂઠા-આંગળી પ્રસરાવી-ઠપકારીને વિચારવાનું ચાલુ રાખે છે. ફરિયાદી ટીમો રાહમાં છે કે આઈ.સી.સી. શું ચુકાદો સંભળાવશે. બીજી બાજુ આઈ.સી.સી. જેટલું વિચારે એટલી વધુ અટવાય છે … ત્યાં જ દૂરથી ધીમી ધીમી બૂમો સંભળાય છે. Oo la la la le o, Oo la la la le o ….  નજીક આવતા સુધીમાં બૂમો બદલાય છે. થોડી મોટી પણ થાય છે.

DJ Bravo DJ Bravo

DJ Bravo DJ Bravo

Champion champion

Champion champion

Champion champion…. સંભળાવા લાગે છે.

બધી ટીમો આમતેમ ભાગવા માંડે છે. ફાઈનલમાં નહીં પહોંચી શકવાના દુઃખની આવી પળોમાં આઈ.પી.એલ.ની દોસ્તીના કારણે ફરજિયાત તાલમાં તાલ મિલાવીને નાચવું પડશે. નાચવું ન પડે એ માટે કોઈક ટેબલ નીચે સંતાઈ જાય છે તો કોઈક વૉશરૂમમાં જતી રહે છે, તો કોઈક વળી પોતાની કિટ પૅક કરવા મંડે છે. પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ નમાજની મુદ્રામાં ગોઠવાઈ જાય છે તો બાંગલાદેશના કેટલાક ખેલાડીઓ રૅપ ડાન્સ ન કરવો પડે એટલા માટે એમાં જોડાઈને નાગીન ડાન્સ કરવા માંડે છે.

…. પણ અનિર્ણયાત્મકતામાં અટવાયેલી આઈ.સી.સી.ને આ તકનો લાભ મળતાં કંઈક ચમકારો થઈ જાય છે. કોણ ક્યાં છે ને શું કરે છે એની પરવા કર્યા વગર પોતાનો ચુકાદો સંભળાવે છે.

આઈ.સી.સી. : જુઓ, આ વેસ્ટ ઇન્ડીઝની ટીમ જુઓ. એક નહીં, બબ્બે વાર ચેમ્પિયન બની છે આ ટીમ! એમના સિવાય કોઈ ટીમ બે વાર ચેમ્પિયન બની છે?! અને તેમ છતાં, આ વખતના વર્લ્ડકપમાં જુઓ, એમનાં શું હાલ છે!

તમે બધા સુપર ટ્વેલ્વ અને સેમીફાઈનલની વાત કરો છો, આ ટીમ તો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી. અને પૂછી જુઓ એમને કે કોની સામે હારી હતી? વિવિયન રિચાર્ડઝ અને યુનિવર્સલ બૉસનો વારસો ધરાવતી ટીમ એમને પોતાને ય યાદ નહીં હોય એવા ખેલાડીઓની બનેલી સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમ સામે હારી ગઈ છે. અને જુઓ, તો ય કેટલી ખુશ છે. ….

(પોતાના બૉર્ડે પણ ક્યારે વખાણ કર્યા હતા એ યાદ નથી એવી વિન્ડીઝ ક્રિકેટ ટીમ આઈ.સી.સી.ના મુખે પોતાના વખાણ સાંભળીને વધુ ખુશ થઈ જાય છે. ફાઈનલમાં પહોંચનાર પાકિસ્તાનની ટીમને સુપર ટ્વેલ્વમાં હરાવનાર ઝિમ્બાબ્વેની ટીમને પોતે ગ્રૂપ સ્ટેજમાં દસ બોલ બાકી હતા ત્યારે જ આખી ટીમનું ફીંડલું વાળીને ૩૧ રનથી કેવી હરાવી હતી…. થોડી સેકન્ડો એની યાદોમાં ખોવાઈ જાય છે…..આ બાજુ આઈ.સી.સી.નું ભાષણ, નહીં નહીં … ચુકાદો સંભળાવવાનું ચાલુ છે.)

 … આને કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને પોઝિટિવ અપ્રોચ. અને આ સ્પિરિટ ને અપ્રોચ કેવો રંગ લાવ્યા છે, જુઓ. યોગાનુયોગ ૨૦૨૪નો વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાઈ રહ્યો છે એટલે યજમાન દેશ તરીકે તેમને આપમેળે જ એન્ટ્રી મળી ગઈ છે. એટલે જ કહીએ છીએ કે આ બધી નકારાત્મકતા અને ફરિયાદો છોડો. હસતા રહો, હકારાત્મક વલણ દાખવો. કોરોના પછી માંડ સ્ટેડિયમમાં નેવું હજાર-લાખ પબ્લિક ભેગી થઈને આઈ.સી.સી.ના અને એ થકી ક્રિકેટના કે પછી ક્રિકેટના અને એ થકી આઈ.સી.સી.ના વિકાસમાં ફાળો આપી રહી છે એને ખુલ્લા મને સ્વીકારતા શીખો. આવી ફરિયાદો કરવામાંથી બહાર આવો અને જ્યાં સુધી વાત ટી-૨૦ની છે એ તો જે દિવસે જે ટીમ સારું રમે એ જ જીતે.

આઈ.સી.સી.નો સમજાય નહીં એવો ગોળ ગોળ ચુકાદો સાંભળીને શિસ્ત જાળવતાં બધી ટીમો પોતપોતાના રસ્તે વળે છે. ઇન્ડિયાની ટીમ થોડી પાછળ છે. કંઈક ગડમથલમાં હોય એવું લાગે છે. એમને બોલાવે છે.

એ ય મોકાવાળા, સૉરી. ટીમ ઇન્ડિયાવાળા, આવો જોઈ અહીંયા.

તમને હજુ કોઈ પ્રશ્ન છે? તો ખાનગીમાં કહી શકો છો. જેને જે કહેવું હોય એ કહે, પણ વર્લ્ડકપનો ૯૦% ખર્ચ તો પરોક્ષ રીતે આમ પણ તમે જ ઉઠાવ્યો છે ને, બોલો બોલો ….

ઇન્ડિયાની ટીમ શબ્દો ગોઠવતા ગોઠવતા કંઈક કહેવા જાય છે …. ત્યાં જ આઈ.સી.સી.ના અધિકારીઓના ચહેરાની દિશા બદલાઈ ગયેલી હોય છે. બી.સી.સી.આઈ.ના સેક્રેટરી દૂરથી આવતા દેખાય છે. ફાઇનલ મેચ જોવા જ આવ્યા છે. આઈ.સી.સી.ના અધિકારીઓ એમને આવકારવા આગળ વધે છે, ટીમ ઇન્ડિયાવાળા હવે એમણે કશું કહેવાનું રહેતું નથી એવી નિશ્ચિંતતા સાથે પોતાના હોટલરૂમમાં પરત ફરે છે.

Email: ketanrupera@gmail.com

Loading

...102030...1,3611,3621,3631,364...1,3701,3801,390...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved