Opinion Magazine
Number of visits: 9669181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં ચાર પ્રકારના હિંદુઓ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 November 2022

આ દેશમાં ચાર પ્રકારના હિંદુઓ છે.

પહેલા પ્રકારના હિંદુઓ અંતર્મુખી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું? એ પછી પહેલા પ્રશ્નનો ઉપ-પ્રશ્ન આવે છે; મારા જીવનની સાર્થકતા શેમાં છે? આ સનાતન પ્રશ્નો છે. પોતાની જાતને આ પ્રશ્નો માત્ર હિંદુ જ પૂછે છે એવું નથી, સંસારમાં અનેક લોકો આ પ્રશ્ન પોતાની જાતને પૂછી રહ્યા છે જે અલગ અલગ ધર્મમાં વહેંચાયેલા છે. આ પ્રશ્નો ત્યારથી પુછાઈ રહ્યા છે જ્યારે ધર્મોની સ્થાપના પણ નહોતી થઈ. કાંઈક અંશે ધર્મોની રચના જ આ પ્રશ્નોના ઉત્તરરૂપે થઈ છે.

ઉપરના પ્રશ્નોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે; હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે? પછીના બે પ્રશ્નો અગમના પ્રદેશના છે. આ ધરતી ઉપર દરેક જીવ દેહ ધારણ કરીને આવે છે અને દરેક પોતાના સ્વભાવ મુજબ જીવે છે, પણ માનવી એક એવો જીવ છે જે શક્તિશાળી મન ધરાવે છે અને પોતાના હોવાપણા વિષે પ્રશ્ન કરી શકે છે. જે મન ધરાવે અને મનન કરી શકે એ માનવી એમ વ્યાકરણ પણ કહે છે. તો હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે એવો પ્રશ્ન માત્ર માનવી પોતાની જાતને પૂછે છે અને એમાંથી એક ખોજની યાત્રા શરૂ થાય છે. માનવયોનિમાં જન્મ લેવો એને દુર્લભ સૌભાગ્ય એટલા માટે કહેવામાં આવે છે કે જીવને પહેલીવાર દેહ ધારણ કર્યા પછી મનન કરવાનો અને પ્રશ્ન પૂછવાનો અવસર મળે છે અને એ અવસર ચૂકી નહીં જવો જોઈએ. 

આમ જે માણસ દુર્લભ અવસર ચૂકવા માગતા નથી એ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે મારા જીવનની સાર્થકતા શેમાં છે અને એ સાથે એ આધ્યાત્મિક પ્રદેશમાં પ્રવેશ કરે છે. અહીં આપણે આધ્યાત્મિકતામાં નથી જવું, માત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે તેને જીવ અને શિવ વચ્ચે, વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે, સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે એકત્વનો અને અખંડતાનો અનુભવ થવા લાગે છે. તેનો વિવેક જાગૃત થવા લાગે છે. વેદ અને ઉપનિષદોના ઋષિઓ, બુદ્ધ અને મહાવીર, સાંખ્યદર્શન વિકસાવનારા મુનિ કપિલ, યોગસૂત્ર આપનારા પતંજલિ, વ્યાસ, નરસિંહ-કબીર જેવા મધ્યકાલીન સંતો, રામકૃષ્ણ પરમહંસ વગેરેથી લઈને વિનોબા ભાવે સુધી એવા કંઈ કેટલા ય હિંદુઓ થયા જેમણે માણસ હોવાનો દુર્લભ અવસર ગુમાવ્યો નહોતો. તેમના જીવનમાર્ગ પર નજર કરશો તો એક ચીજ એક સરખી જોવા મળશે : મનન અને સાધના કરતાં કરતાં તેમનો વિવેક જાગૃત થયો અને તેમાં તેમને એકત્વ અને અખંડતાનો અનુભવ થયો. તેમનું જીવન સાર્થક થઈ ગયું. આ પહેલા પ્રકારના હિંદુ. હિંદુ ધર્મની અને હિંદુ પ્રજાની સાચી ઓળખ આ હિંદુઓએ વિકસાવી છે. આપણી પરંપરાને સમૃદ્ધિ આ લોકોએ આપી.

બીજા પ્રકારના હિંદુ, હિંદુ ધર્મમાં પોતાની ઓળખ શોધે છે. આ પ્રવૃત્તિ બહુ પ્રાચીન નથી. ભારતમાં હિંદુઓ વિધર્મીઓના સંપર્કમાં આવ્યા એ પછી તેમને જોઇને તેમની અંદર આપઓળખનો ભાવ જાગ્યો હતો. ઓળખ બે પ્રકારની હોય છે, બાહ્ય અને આંતરિક. નાત-જાત, ઊંચ-નીચ, છૂત-અછૂત, પહેરવેશ, શિખા અને તિલક, કર્મકાંડ અને રીતિરિવાજ વગેરે બાહ્ય ઓળખો છે. આ બાહ્ય ઓળખ સાથે જોડાયેલી માન્યતાઓને લઈને હિંદુઓ ઉપર પ્રહાર થવા લાગ્યા. પ્રહાર બહારથી પણ થતા હતા અને એક હિંદુ દ્વારા બીજા હિંદુ ઉપર અંદરથી પણ થવા લાગ્યા. જૂનવાણી માનસને તેમ જ આંતરિક ભેદભાવને પોષનારી બાહ્ય ઓળખો જ્યારે હિંદુઓ માટે બોજારૂપ બનવા લાગી ત્યારે કેટલાક હિંદુઓના મનમાં પ્રશ્ન જાગ્યો હતો કે આપણે સાત્વિક અને સમૃદ્ધ ઓળખ પણ ધરાવીએ છીએ જેને જગત સમક્ષ રાખવી જોઈએ. જે નજરે પડે છે એ હિંદુઓનું સંવિત્ત નથી, જે હિંદુ સંવિત્ત છે એ નજરે પડવું જોઈએ.

પણ એ સંવિત્ત છે ક્યાં? એને શોધવું અને ઓળખવું કેવી રીતે? અને ત્રીજો પ્રશ્ન એને રજૂ કેવી રીતે કરવું? રાજારામમોહન રોયથી લઈને કહો કે કનૈયાલાલ મુનશી સુધીના લોકોએ ટકોરાબંધ હિંદુ સંવિત્તને ઓળખવાનો, તેને પામવાનો, તેને ઘૂંટવાનો (એનરિચ્ડ) અને તેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જે નજરે પડી રહી છે એ સાચી હિંદુ ઓળખ નથી, સાચી હિંદુ ઓળખ આ છે એમ તેઓ સિદ્ધ કરવા માગતા હતા. આ આપઓળખની મથામણ જેવીતેવી નહોતી. એમાં અનેક રંગો હતા. દરેકે પોતપોતાની રીતે મથામણ કરી હતી. તેઓ આપસમાં લડ્યા-ઝઘડ્યા હતા. વળી આ મથામણ આઝાદી પહેલાં દોઢસો વરસથી ચાલતી હતી અને હજુ પણ ચાલે છે એટલે અનુગામીઓ પુરોગામીઓના સંદર્ભ લઈને આગળ વધતા હતા અને વધે છે.

લાંબી મથામણ પછી ટકોરાબંધ હિંદુ સંવિત્ત શોધનારાઓને એક વાત સમજાઈ ગઈ હતી અને બધાની વચ્ચે લગભગ સર્વસંમતી બની હતી કે એ સંવિત્ત માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. બન્ને શબ્દો માર્ક કરો : એ માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. તો જ તો એને સંવિત્ત કહેવાય. સાત્વિક હિંદુ ઓળખને ઓળખવામાં, વાચા આપવામાં અને વિકસાવવામાં સૌથી મોટો ફાળો સ્વામી વિવેકાનંદનો હતો. દલિતોને અને સ્ત્રીઓને અન્યાય કરો અને પાછા હિંદુ તરીકે ગર્વ લો એ ન ચાલે. પોતાના વાડા રચો અને બીજાને પોતાના વાડામાં પ્રવેશવા ન દો એ ન ચાલે. પોતાને ઊંચા અને મહાન ગણો અને બીજાને નીચા ગણો એ ન ચાલે. બીજાને ન સાંભળો અને પોતે જ મહાન એ ન ચાલે. પોતાને માનવતાવાદી હિંદુ તરીકે ઓળખાવો અને પોતાનો સ્વાર્થ સાધવા શાસ્ત્રોક્ત પ્રમાણોનો ઉપયોગ કરો એ ન ચાલે.

ટૂંકમાં કેટલાક લોકોએ નરવા હિંદુની નરવી ઓળખ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પાયામાં માનવીયતા અને નિર્વિરોધ હતાં. આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યો છે.

આવો પ્રયાસ કરનારા હિંદુઓની સ્થિતિ આજે દયાજનક બની ગઈ છે. હિંદુ ઓળખનું રાજકારણ કરનારા હિંદુઓ તેમને પોતાના ચોકઠામાં ફીટ કરવાનો પ્રયાસ કરે છે. અંગ્રેજીમાં એને એપ્રોપ્રિએશન કહેવામાં આવે છે. વિવેકાનંદ અને સરદાર પટેલને પોતાની જરૂરિયાત મુજબ હિંદુ કોમવાદીઓ ચારે કોરથી વેતરી રહ્યા છે. બીજાની સાથે પણ એવું થઈ રહ્યું છે અને નથી થતું તો હવે થશે. જેઓ હિંદુ ધર્મની નિંદા કરી રહ્યા છે (ખાસ કરીને દલિતો) એવા લોકો નરવી હિંદુ ઓળખ વિકસાવવા માટે અને સ્થાપવા માટે મથામણ કરી રહેલાઓને નકલી માનવતાવવાદી હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. તેઓ માનવતાનું મહોરું ધારણ કરીને અન્યાયી સનાતન હિંદુ ધર્મનો બચાવ કરી રહ્યા છે એમ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને એપોલોજીસ્ટ કહે છે. હિંદુ હિંદુ છે એટલે તેનામાં કોઈ દા’ડો કોઈ ઊણપ હોઈ શકે જ નહીં એમ માનનારા ચુસ્ત સનાતની હિંદુઓ માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગનારાઓની ઉપેક્ષા કરે છે. તેમને તેમના મિશનમાં કોઈ રસ જ નથી. જે માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગે છે એ પોતે અજાણતા અને તેમનાં મિશનના સહકારીઓ મોટાભાગે જાણીબૂજીને રેખા ઓળંગે છે અને કવચિત ભટકી પડે છે, કારણ કે ભેદરેખા બહુ પાતળી છે. માનવતાવાદીઓ કહે છે કે જો તમારી આરાધના આખરે માનવીય અને નિર્વિરોધી હિંદુ ઘડવા માટેની જ છે તો પછી અખંડ માનવ જ શા માટે ન ઘડવો? ઉપનિષદોના ઋષિઓથી લઈને રામકૃષ્ણ પરમહંસ જેવા લોકોએ આ જ તો શીખવ્યું છે. આમ તેઓ રસપૂર્વક તેમ જ રમૂજપૂર્વક ઉપેક્ષા કરે છે.

હું હવે એમ માનતો થયો છું કે આજના યુગમાં નરવા હિંદુની ઓળખ ઘડવા માગનારાઓની પડખે માનવતાવાદીઓએ ઊભા રહેવું જોઈએ. તેમની હિંદુ અસ્મિતા જો માનવીય નિર્વિરોધી અને નરવી હોય તો અત્યારે એટલું પુરતું છે. માનવ બનવા માટે હિંદુ મટી જવું જરૂરી નથી. ગાંધીજી આનું ઉદાહરણ છે. અસ્મિતા કોઈ દહાડો નિર્વિરોધી ન હોઈ શકે એવી દાર્શનિક દલીલને વચ્ચે લાવવાની જરૂર નથી. જો માનવતાવાદીઓ તેમની પડખે ઊભા નહીં રહે તો હિંદુ કોમવાદીઓ તેમને હાઈજેક કરી જશે.

ત્રીજા પ્રકારના હિંદુ રાજકીય છે. તેમને હિંદુ ધર્મ, હિંદુ દર્શન, હિંદુ પરંપરા, હિંદુ સંસ્કૃતિ વગેરેમાં કોઈ રસ નથી. એ લોકોની એમાં કોઈ ગતિ પણ નથી. વિનાયક દામોદર સાવરકરે રાજકીય હિંદુની કલ્પના કરી હતી અને ઘાટ ઘડ્યો હતો. પ્રમાણ જોઈએ છે? આ રહ્યું. કોઈ હિન્દુત્વવાદીને ઊભો રાખીને તેની સાથે હિંદુ દર્શન, શ્રમણ બ્રાહ્મણ પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો વારસો, ભારતીય સંસ્કૃતિ વગેરેની વાત શરૂ કરો એ મૂંગો રહેશે, પણ જો મુસલમાનોની વાત કાઢશો તો તેને મૂંગો રાખવો મુશ્કેલ બનશે. મિથ્યાભિમાન અને મિથ્યાભય રાજકીય હિંદુઓનો સ્વભાવધર્મ છે અને રાજકીય હિન્દુને ઘડવા માટેનું રસાયણ છે. માટે તેઓ સૌથી વધુ રસ ઇતિહાસમાં લે છે. ઔરંગઝેબનું નામ સાંભળીને તે ડરે છે, ઔરંગઝેબના સાચાખોટા જુલ્મો યાદ કરીને તે રડે છે અને હિંદુ દ્વારા ઔરંગઝેબનું મર્દન કરવાનાં તે સપનાં જુએ છે. બાકી દર્શન ફર્શનમાં તેને કોઈ રસ નથી.

ચોથા પ્રકારના હિંદુ જુલ્મી છે. ચોંકી ગયા? પણ ચોંકવાની જરૂર નથી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉ. ભીમરાવ આંબેડકર, રામસ્વામી પેરિયાર, કાંશીરામ વગેરે બહુજન સમાજના અને દલિત નેતાઓ જ્ઞાતિગ્રસ્ત હિંદુને જુલ્મી તરીકે ઓળખાવે છે. તેમના મતે સરેરાશ હિંદુ જ્ઞાતિમુક્ત હોઈ શકે જ નહીં અને હિંદુ જો જ્ઞાતિગ્રસ્ત હોય તો તે માણસ ન હોઈ શકે. જ્ઞાતિ અને માણસાઈ પરસ્પર વિરોધી છે. માટે તેઓ નરવી માનવીય અને નિર્વિરોધી હિંદુ અસ્મિતાના પુરસ્કર્તાઓને ઢોંગી એપોલોજીસ્ટ તરીકે ઓળખાવે છે.

હવે તમે જો હિંદુ હો તો વિચારો કે તમે આ ચાર પ્રકારના હિંદુઓમાંથી કયા પ્રકારના હિંદુ છો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 નવેમ્બર 2022 

Loading

જોખમી તો છે 

"પ્રણય" જામનગરી|Poetry|5 November 2022

હું જાણતો હતો; કે કદમ જોખમી તો છે,

એ પણ હતી ખબર; કે સફર જોખમી તો છે.

બેસી રેʼવાય ક્યાં લગી ખૂણે ને ખાંચરે ?

ઊભો છું જે જગહ; એ જગહ જોખમી તો છે.

છાનાં જો છે તો એમ ને એમ જ રહે ભલે,

એના તમામ ભેદ-ભરમ જોખમી તો છે.

પાણી વિષે રહીને મગર સાથ વેર પણ !

જાણું છું એ ય હું; કે મગર જોખમી તો છે.

હર એક વાતે હોય ન વિગતે ખુલાસો સહુ,

આપી રહ્યો છું હું જે સબબ; જોખમી તો છે.

કોઈક ગાંધીજી જ એની આદરે સફર ! 

આ સત્ય કેરી સખ્ત ડગર; જોખમી તો છે.

લાગે કે દિલ્હી દૂર નથી; આ રહ્યું નજીક ! 

જે જઇ રહી એ તર્ફ સડક જોખમી તો છે.

તણખો બનીને આગ એ વિકરાળ થઇ શકે !  

શાયરનો શબ્દ છે; એ શબદ જોખમી તો છે.

કાયમ સલામ કોઇને ભરવી પડે છે ત્યાં ! 

હદથી વધારે હોય અદબ; જોખમી તો છે.

નામર્દની તો કૈં જ નથી; કૈં જ પણ કિમ્મત;

ને હોય છે જે વ્યક્તિ મરદ; જોખમી તો છે.

ચારિત્ર્યહીન હોય ભણેલાઓ, અર્થ શો ?

માની લીધું, કે સહુએ અભણ જોખમી તો છે.

વાતાવરણ વિશે ય કલેશો જ છે ફકત,

એનું વધારે જિદ્દી વલણ; જોખમી તો છે.

જેઓ બચી ગયા છે એની પણ દશા ખરાબ !

હિંસા ને ખૌફની ય અસર જોખમી તો છે.

ખામોશ કઇ રીતે એ રહી પણ શકે અહીં ?

વાંચન-લેખન ને સાથ મનન જોખમી તો છે.

ચળકાટ સૌને એનો પમાડે છે મોહ બહુ,

દુનિયા મહીં સોનાનું હરણ જોખમી તો છે.

તન્હાઇ તો એથી ય વધારે છે જોખમી !

લોકોનું આગમન ને ગમન જોખમી તો છે.

જો હોય કાચબાની ગતિ – મોડું થઇ શકે,

હદથી વધારે હોય ઝડપ; જોખમી તો છે.

સંબંધ રોજ રોજ વધારો ભલે ‘પ્રણય’,

મારગ એ જોખમી છે; કળણ જોખમી તો છે.

તા. ૨૫-૦૭-૨૦૨૨   

Loading

“ઉમા”: પિતા-પુત્રીના સ્નેહ સંબંધની અનોખી વાત

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|5 November 2022

અવલોકન :

શ્રીજિત મુખરજીની બંગાળી ફિલ્મ “ઉમા” લોકભોગ્ય અને રસપ્રદ છે. તેમ છતાં થોડા ફેરફાર સાથે મુખરજી આને હજી વધારે સુગઠિત અને અસરકારક બનાવી શક્યા હોત.

સ્વિટઝર્લેન્ડમાં રહેતા હિમાદ્રિ સેનની 11 વર્ષની દીકરી ઉમાને અસાધ્ય રોગ છે, અને ડોક્ટરે માત્ર છ-આઠ માસ વધુ જીવવાની મુદ્દત આપી છે. આ ખબર સાંભળીને બાપ ભાંગી પડ્યો છે, પણ દીકરી ગજબની હિમ્મતવાળી છે. ઉમા સ્થિતપ્રજ્ઞ છે, અને અનિવાર્ય સંજોગનો સામનો કરવા તૈયાર છે.

દુર્ગા પૂજા

અંતિમ ક્ષણને ભેટવા પહેલાંની ઉમાની એક માત્ર ઈચ્છા છે દુર્ગા પૂજા જોવાની. દુર્ગા પૂજા બંગાળીઓનો સૌથી વધુ મહત્ત્વનો અને ખૂબ ઉત્સાહ-ઉમંગપૂર્વક મનાવાતો પ્રસંગ છે. (બંગાળીઓ દુર્ગા પૂજાને સામાન્યતઃ ‘પૂજા’ અથવા ‘પૂજો’ કહે છે.) પણ ઉમાની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા આડે મોટો અવરોધ છે : પૂજા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થાય, જ્યારે બાપ-દીકરીને ડોકટર આ સમાચાર આપે છે ત્યારે હજી એપ્રિલ મહિનો છે. પણ ઉમાની આ ઈચ્છા પૂરી કરવા હિમાદ્રિ બધું કરી છૂટવા તૈયાર છે  —  બનાવટી પૂજા સુધ્ધાં.

પણ આ બનાવટી પૂજા યોજવાનું કામ સહેલું નથી, અને હિમાદ્રિ તેના આયોજન માટે આકાશ-પાતાળ એક કરે છે. “ઉમા”નું મુખ્ય કથાનક આ વિશે છે.

પડકાર કોણ ઉપાડશે?

આ કામ પાર પાડી શકે એવી “કુશળ” વ્યક્તિની શોધમાં હિમાદ્રિ ઉમા સાથે કોલકાતા આવે છે અને કેટલાક નિષ્ફળ પ્રયત્નો પછી એક ફિલ્મ દિગ્દર્શકને મળે છે. એક વખતનો સફળ ફિલ્મો બનાવનાર, પણ હાલ બેકાર બેસી રહેલ બ્રહ્માનંદ ચક્રવર્તિ આ પ્રસ્તાવ સાંભળીને પહેલાં તો ખીજે ભરાઈને ચોકખી ના પાડી દે છે, પણ એની ફિલ્મ કારકિર્દી પુનઃસ્થાપિત થવાની શક્યતા જોતાં  —  જો કે ફિલ્મ દ્વારા નહિ  —  છેવટે આ બનાવટી પૂજા યોજવા તૈયાર થાય છે.

હવે આ પ્રકારનું આયોજન કરવા માટે ઘણા મોરચા સર કરવા પડે એમ છે, અને ઘણા લોકોના સહકારની, તેમ જ ઘણી સરકારી, અર્ધસરકારી અને ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓની પરવાનગીની જરૂર છે. આ બધી ય મુશ્કેલીઓ પાર કરીને છેવટે, શહેરના કેટલા ય વિસ્તારોમાં ફેલાય એ રીતે આ પૂજા યોજાય છે, અને ઉમા, હિમાદ્રિ, તેમના સગાંવહાલાં, મિત્રો અને બીજાં અનેક “ઊભા કરાયેલાં” શ્રદ્ધાળુઓ અને ઉત્સાહીજનો આ પ્રસંગ માણે છે. ઉમાની અંતિમ ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ હિમાદ્રીને છે, અને ઉમાને પોતાને પણ છે. આ છે ફિલ્મની વાર્તા.

કૃત્રિમ વરસાદ

હવે “ઉમા”ના આ મુખ્ય કથાનકના પ્રવાહમાંના કેટલાક પ્રસંગો જોઈએ. એક બાજુએથી બ્રહ્માનંદ ચક્રવર્તિ આ આયોજન માટે તડામાર તૈયારી માંડે છે, તો બીજી બાજુએ એક જૂથ ભેગું મળીને એવો પ્રયાસ કરે છે કે ઉમા હજી ય જો માની જતી હોય, અને આ પૂજાની હઠ જ છોડી દે તો બધી ખટપટ જ પતી જાય. એ હેતુથી, ઉમા અને હિમાદ્રિ કોલકાતામાં જ્યાં રહે છે તે ઘરની બહાર જંગી ખર્ચના ભોગે કૃત્રિમ વરસાદ વરસાવે છે  –કે હવે આવી વરસાદની ઋતુમાં ઉમા ક્યાં વળી પૂજા જોવા જશે?

પણ આ તુક્કો કારગત નીવડતો નથી; પૂજાનું આયોજન કરવા હિમાદ્રિ દૃઢનિશ્ચયી છે. જે વાડીમાં પૂજાનો મુખ્ય પંડાલ (મંડપ) બાંધવાનો છે ત્યાંની હાઉસિંગ સોસાઈટીની પરવાનગી લેવાની છે. તે માટેની સભામાં એક સભ્ય આ આખી ય બાબતનો જુસ્સાપૂર્વક વિરોધ કરે છે. તેની અડગતા અને જુસ્સો જોતાં એક વખત તો એમ જ લાગે છે કે ઉમાની ઈચ્છાપૂર્તિ ક્યારે ય નહિ થાય. પણ અનેક સમજાવટ પછી, છેવટે આ વિરોધ નોંધાવનાર મોહીતોષ સુર માની જાય છે, અને તેનાથી બનતી બધી મદદ કરી છૂટે છે.

ફિલ્મનો અંત સુખદ છે. ખરી પૂજા જેટલા, અથવા તેથી પણ કાંઈક વધારે ઉત્સાહથી શહેરના કેટલા ય વિસ્તારોમાં ફેલાઈને ઉમા માટેની આ પૂજા યોજાય છે. (હવે આ તબક્કે આ અવલોકનમાં પણ જાણે કે “બનાવટી પૂજા” કહેવાનું ગમતું નથી!)

પ્રાણવાન અભિનય

“ઉમા” ફિલ્મમાં જમા પક્ષે સૌથી વધુ સ્પર્શી જતી બાબત છે મોહિતોષ સુરના પાત્રમાં અનિરબાન ભટ્ટાચાર્યનો અભિનય. એનો અભિનય એટલો પ્રાણવાન છે કે પ્રેક્ષકોને એક વાર તો એમ લાગ્યા વગર રહે નહિ કે આ માણસ જો આપણી હાઉસિંગ સોસાઈટીની કમિટીમાં હોય તો બધા પ્રશ્નો ઉકલી જાય. શરૂઆતના પ્રબળ વિરોધ પછી જ્યારે તેનો હૃદયપલટો થાય છે ત્યારનો તેનો અભિનય પણ ખૂબ સબળ છે.

ઉમાના પાત્રમાં સારા સેનગુપ્તા નોંધપાત્ર અભિનય કરે છે. ચોક્કસ મૃત્યુ ભણી ધકેલાતી કાચી વયની કન્યાનું પાત્ર તે ભજવે છે, અને તેના પાત્ર પર જ આખી ય ફિલ્મનું મંડાણ છે. પાત્રને વધુ પડતું કરુણ કે રોતલ બનાવ્યા વગર જ સેનગુપ્તા સંયમિત અભિનયથી તેને દિપાવે છે.

“ઉમા”માં પિતા-પુત્રીનાં પાત્રો ભજવનાર જિશુ સેનગુપ્તા અને સારા સેનગુપ્તા ખરા જીવનમાં પણ પિતા-પુત્રી છે. જો કે અભિનય ક્ષેત્રે સારા તેના પિતાથી ક્યાં ય આગળ નીકળી જાય છે.

મર્યાદા

દિગ્દર્શક મુખરજીનો અતિ ઉત્સાહ “ઉમા”ની મુખ્ય મર્યાદા છે  —  અને તે એ રીતે કે ઘણા ય પ્રસંગોમાં જરૂર વગરનું લંબાણ તે નિવારી શક્યા નથી. મુખ્ય કથાનકના પ્રવાહમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવાના લોભને કારણે કેટલાક પ્રસંગો બિનજરૂરી રીતે લંબાઈ ગયા છે. તેને કારણે ફિલ્મની ગતિ ધીમી અને અસર થોડી ફિસ્સી થઈ જાય છે. એક ઉદાહરણ : હિમાદ્રિ એના મિત્રો સાથે બ્રહ્માનંદ ચક્રવર્તિ સમક્ષ આ પૂજાનો પ્રસ્તાવ મૂકવા જાય છે ત્યારે, ચક્રવર્તિની નિરાશાવાદી માનસિક સ્થિતિની ભૂમિકા સમજાવવા, તેની પત્ની સાથેના તેના ક્ડવાશભર્યા સંબંધોનું નિરૂપણ છે. આ પ્રસંગનું જે રીતનું લંબાણ અહીં છે, તેને બદલે તે અંગેનો થોડોક જ ભાગ દર્શાવીને વધુ અસરકારકતા ઊભી કરી શકાઈ હોત.

ઉપરાંત, કૃત્રિમ વરસાદવાળો પ્રસંગ પણ સારો એવો લંબાઈ ગયો છે.

આવા લંબાણભર્યા પ્રસંગો મુખરજી નિવારી શક્યા હોત તો ફિલ્મ વધુ સુગઠિત થાત, અને તેટલી જ તેની અસર પણ વધત. મુખરજી તેમની હવે પછીની ફિલ્મમાં આ બાબતનો ખ્યાલ રાખશે એવી આશા વધુ પડતી નથી. ફિલ્મકારે જો કે એ વાતની કાળજી રાખી છે કે 11 વર્ષની કન્યાના નિશ્ચિત અકાળ મૃત્યુ અંગેની આ વાત હોવા છતાં “ઉમા” ગંભીર કે નિરાશાવાદી નથી, અને લાગણીવેડામાં સરી પડતી નથી, અને તેથી તે માણવાલાયક થઈ છે.

e.mail : surendrabhimani@gmail.com

Loading

...102030...1,3391,3401,3411,342...1,3501,3601,370...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved