Opinion Magazine
Number of visits: 9670972
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો કે તમે તમને જ ન ઓળખી શકો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2022

‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાત સાથે સંવાદ કરતા હોય એવા અંદાજમાં કહ્યું હતુ કે હમ કહાં જાને નિકલે થે ઔર હમ પહુંચે કહાં. એ પછી તેમણે કહ્યું હતું કે ભારતના સત્તાકીય સંસદીય રાજકારણમાં ટકી રહેવા માટે સામાધાનો કરવા પડે છે અને એ એવો કૂવો છે જેને તળિયું જ નથી. એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો તે ત્યાં સુધી કે તમે તમને જ ન ઓળખી શકો. આ વાત તેમણે મીડિયાને તેનો ધર્મ યાદ કરાવવા માટે કરી હતી. મીડિયાએ નેતાઓને યાદ દેવડાવતા રહેવું જોઈએ કે સાહેબ, તમે શું કહેતા હતા અને અત્યારે શું કરો છો.

પ્રમોદ મહાજનને સાંભળ્યા એ પછી અત્યાર સુધીમાં અનેકવાર તેમના કથનની યાદ આવતી રહી છે. આજકાલ અરવિંદ કેજરીવાલને જોઈને તેની વધારે યાદ આવે છે. ઊલટું મનમાં એક બીજો જ પ્રશ્ન પેદા થયો છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને તેનું આંદોલન મૂળમાં જ પ્રજાકીય છેતરપીડીનું કાવતરું હતુ કે પછી મહાજને કહ્યુ હતું એમ ટકી રહેવા માટે અનિચ્છાએ કરવા પડેલાં સમાધાનોનું પરિણામ છે? આ પહેલાં ૧૯૭૭માં જનતા પાર્ટી વખતે અને ૧૯૮૯માં વી.પી. સિંહના જનતા દળ વખતે પણ દેશને આવો જ અનુભવ થયો હતો. આ સિવાય રાજ્યોમાં એન.ટી. રામારાવ, રામકૃષ્ણ હેગડે જેવાઓ સાથે પણ પ્રજાના નસીબે છેતરાવાનું આવ્યું હતું.

તો પ્રશ્ન એ છે કે જે લોકો મૂલ્યોની મોટીમોટી વાતો કરીને પ્રજાનો વિશ્વાસ રળીને સત્તા સુધી પહોંચે છે એ મૂળમાં જ પ્રજાકીય છેતરપિંડી હોય છે કે પછી સત્તાના પ્રત્યક્ષ રાજકારણમાં અટવાઈ પડેલા હોય છે? બન્ને બાબત ગંભીર છે. ગણતરીપૂર્વકની છેતરપીંડી ગંભીર છે જ પણ સારા માણસને ધરાર સમાધાનો કરવાં પડે એવી રાજકીય સંસ્કૃતિ પણ એક ગંભીર રાષ્ટ્રિય બીમારી છે.

મારું એવું માનવું છે કે ૧૯૭૭નો જનતા પાર્ટીનો પ્રયોગ એક વિશિષ્ઠ પરિસ્થિતિનું પરિણામ હતું. લોકોને ઇન્દિરા ગાંધીની કાઁગ્રેસ સામે લોકતાંત્રિક વિકલ્પ જોઇતો હતો અને સમય ઓછો હતો. જનતા પાર્ટીના નેતાઓએ લોકતંત્રનાં રક્ષણ સિવાય બીજા કોઇ વાયદા નહોતા કર્યા અને લોકતંત્રનું રક્ષણ તેમણે કર્યું પણ હતું. પરંતુ જનતા પાર્ટી વિવિધ અને પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનો મેળો હતો અને ઉપરથી પોતાની મૂળ જગ્યા પકડી રાખવાની અને બને તો બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવાની રાજકીય પક્ષો પ્રયાસ કરતા હતા. આને કારણે જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો હતો. એ પૂર્વઆયોજિત પ્રજાકીય છેતરપિંડી નહોતી.

વિશ્વનાથ પ્રતાપસિંહની મૂલ્યો પ્રત્યેની ખેવના શંકાસ્પદ હતી. શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે; શંકાસ્પદ હતી. એક જમાનામાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રીય હતા. પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પ્રજાકીય અને માનવતાના પક્ષે ઊભા રહેતા હતા. બહુ સારા કવિ અને ચિત્રકાર હતા જેમાં તેમની સંવેદના પ્રગટ થતી હતી. પણ વી.પી. સિંહ હતા ચાલાક. તેઓ કાઁગ્રેસની સામે પડ્યા ત્યારે જ ચંદ્રશેખર જેવા લોકો કહેવા માંડ્યા હતા કે આ માણસ શિયાળને શરમાવે એવો ચતુર છે. એક દિવસ તમારી આંખ ઊઘડશે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. વિશ્વનાથ પ્રતાપ સિંહની બાબતમાં પણ પ્રજાને છેતરાવાનું આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ અને તેમના ખેલ વિશે મને પહેલેથી જ શંકા હતી અને એ મેં ત્યારે લખ્યું પણ હતું. અત્યારે આમ આદમી પાર્ટી કોઇ પણ દૃષ્ટિએ અનોખી પાર્ટી રહી નથી. દેશના અર્થતંત્રને પાટે ચડાવવા દેવદેવીઓના ફોટા ચલણી નોટ ઉપર છાપવા જોઇએ એમ કહીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેને લાજશરમ નથી. બી.જે.પી.ની જેમ કોઈ પણ ભોગે સત્તા જોઇએ છે. ખેડૂત આંદોલન, દિલ્હીમાં કોમી હિંસા, બળાત્કાર જેવી બર્બર ઘટનાઓ, બિલ્કિસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓની મુક્તિ જેવી ગમે તેવી વ્યથિત કરી મૂકે એવી ઘટના હોય, એ ભાઈ મૂંગા રહી શકે છે. દસ વર્ષ પહેલાં એ ભાઇ જે કહેતા હતા એ બધું જ ભૂલાઈ ગયું છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૧ અને એ પછીની ઘટનાઓ કાઁગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. એમાં બાબા રામદેવ અને ઓડિટર ઍન્ડ કન્ટ્રોલર જનરલ વિનોદ રાય પણ ભાગીદાર હતા. બાબા કાળું નાણું ભૂલી ગયા છે અને વિનોદ રાયનો એક પણ આરોપ સાબિત થયો નથી. ૧૯૮૯માં ટી.ઈન. ચતુર્વેદી નામના સી.એ.જી.એ પણ આ જ રીતે રાજીવ ગાંધીની સરકારના ભ્રષ્ટાચારના આંકડા વધારીને આપ્યા હતા. નિવૃત્તિ પછી બી.જે.પી.માં જોડાયા અને ગવર્નર તરીકે લાભ લીધા હતા. અરવિંદ કેજરીવાલ અને એ સમયના ભ્રષ્ટાચાર વિરોધીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને ત્યાં જ તેમની મિટીંગો થતી હતી. આ બાજુ નરેન્દ્ર મોદીએ પોતાની ઇનિંગ શરૂ કરી હતી. ટીમ ‘એ’ અને ટીમ ‘બી’ એમ બન્નેને મેદાનમાં ઉતારામાં આવી હતી. ગમે તે જીતે ટીમ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 નવેમ્બર 2022

Loading

‘ઊંચાઈ’ : શિખર પર પ્રગટતી સાંસારિક ઉદાસીની રળિયામણી ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 November 2022

‘ઊંચાઈ’ જોઈ. જોવા જેવી છે. કોઈ પર્વત પોતાને જોવા આવવાનું કહેતો નથી. હિમાલય પર કોઈ જાય કે ન જાય, હિમાલયને ફરક પડતો નથી. એ તો એની બર્ફિલી સાધનામાં મસ્ત છે. માણસ પણ પહાડોમાં ન જાય તો એનું રૂટિન ખોરવાતું નથી, પણ રૂટિન ખોરવીને પણ એ હિમાલયનાં દર્શને નીકળી પડે છે એ પણ ખરું. એ સાધુ નથી એટલે સંસાર પણ ખીણમાંથી પહાડો સુધી ખેંચાઈ આવે છે. બલકે, એ ખટમીઠો સંસાર જ એને એ ઊંચાઈ આંબવા પ્રેરે છે. અહીં સગવડો નથી. કારની ગતિ નથી. ટ્રેનની ઝડપ નથી. એક એક ડગલું શ્વાસને બરફ બનાવતી સ્થિતિમાં જાતે જ માંડવાનું હોય છે. આપણે કોઈના વતી હોઈએ તો પણ, કોઈ અહીં આપણા વતી નથી. બધા અહંકારો બાજુ પર મૂકીને, જાતને નમાવીને જાતે જ આગળ વધવાનું હોય છે. ઝૂકો નહીં તો શિખર સુધી પહોંચાતું નથી. ખરેખર તો આપણે જ પર્વત સુધી જવાનું હોય છે, પર્વત સામે તેડવા આવે એવું બનતું નથી. એ તો કહે જ છે કે ઈચ્છા હોય તો આવો  ને ન હોય તો ઘર તો બોલાવે જ છે …

‘ઊંચાઈ’ જોતાં આવું કૈંક અનુભવાયું.

રાજશ્રી પ્રોડક્શનની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ફિલ્મો ઘણુંખરું તો સામાજિક રીતરિવાજોની ફિલ્મો રહેતી. તે લોકોનાં મનોરંજન માટે જ બનાવાઇ, પણ ‘ઊંચાઈ’ સૂરજે પોતાને માટે બનાવી છે, એવું એમણે જ કહ્યું છે ને એ ફિલ્મ દરમિયાન અનુભવાય પણ છે. એક જ લીટીમાં કહેવું હોય તો કહેવાય કે આ ફિલ્મ સિત્તેર, એંશીની આસપાસના ત્રણ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી કેવી રીતે પહોંચે છે તેની વાત કરે છે. પણ, વાત એટલી જ નથી. ચાર મિત્રોની એકબીજા પ્રત્યેની લાગણીની આ ફિલ્મ છે. અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ શર્મા (અનુપમ ખેર), જાવેદ સિદ્દિકી (બમન ઈરાની) અને ભૂપેન બરૂઆ (ડેની ડોંગ્ઝપ્પા) આ ચાર મિત્રો ભૂપેનની વર્ષગાંઠે પાર્ટીમાં ભેગા થાય છે ને અહીં ભૂપેન અગાઉ ઘણીવાર કહી ચૂકેલો તે વાત, માઉન્ટ એવરેસ્ટ જવાની, ફરી દોહરાવે છે ને મિત્રો પોતાની ઉંમરને જોતાં એ વાત નકારતા રહે છે. અચાનક ભૂપેનનું મૃત્યુ થાય છે ને આઘાત પામેલા મિત્રો નક્કી કરે છે કે ઉંમર, માંદગી ને બીજા અનેક પ્રશ્નો છતાં ભૂપેનની આખરી ઈચ્છા એવરેસ્ટ બેઝ કેમ્પ જવાની પૂરી કરવી. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધા(પરિણતિ ચોપરા)ની દોરવણી હેઠળ અન્યોની સાથે આ મિત્રો વિમાન માર્ગે હિમાલયની ખીણમાં ઊતરે છે. ખીણમાં ઊતરે છે એ સાથે જ આ બધાં પોતાનાં સંસારની સ્મૃતિમાં ય ઊતરે છે. જેમ કે એવરેસ્ટ જતાં પહેલાં લખનૌમાં રહેતી દીકરીને સાસરે ઓચિંતા પહોંચીને જાવેદ અને તેની પત્ની શબીના (નીના ગુપ્તા) ને આ મિત્રો, વર્ષગાંઠ નિમિત્તે સરપ્રાઈઝ આપવા માંગે છે, પણ દીકરીએ તેનાં ગ્રૂપમાં પાર્ટી અગાઉથી ફિક્સ કરી દીધી છે ને સરપ્રાઇઝની સામે સરપ્રાઈઝ મળતાં અગવડ એવી ઊભી થાય છે કે આ મિત્રોએ હોટેલ શોધવી પડે છે. માર્ગમાં માલા ત્રિવેદી (સારિકા) જોડાય છે. તેને એર ટિકિટ ભૂપેને મોકલી છે. ભૂપેનની તે પર્વતી મિત્ર/પ્રેમિકા છે. એ જ કારણ છે કે ભૂપેન પરણ્યો નથી ને માલા પરિસ્થિતિવશ પરણી જાય છે, પણ ભૂપેનને તે વર્ષો પછી પણ ભૂલી નથી, જો કે, આ મિત્રો માલાને, ભૂપેન માટે જવાબદાર ગણે છે ને તેને બહુ ભળવાથી દૂર રાખે છે. ઓમ શર્મા ગોરખપુરમાં પૂર્વજોની પોતાની હવેલી છે, તેમાં રહેવાની વાત કરે છે ને ભવ્ય હવેલીનો ફોટો પણ બતાવે છે, પણ વર્ષો પછી પાછા ફરેલા ઓમને હવેલી બિસ્માર હાલતમાં જોવા મળે છે ને ઘર છોડીને નીકળી ગયેલા ઓમને આવકારમાં ઠપકો મળે છે. અમિત શ્રીવાસ્તવ લેખક છે અને લોકપ્રિય રહેવા જે લખવું પડે તે લખે છે. મતભેદ થતાં પત્ની ઘણા સમય પહેલાં અલગ રહેવા ચાલી ગઈ છે. જાવેદની પત્ની શબીનાથી છુપાવીને આ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ જવા નીકળ્યાં છે, પણ તે જાણી જાય છે ને ઝઘડો છતાં, જાવેદ, પત્નીને નારાજ કરીને અમિત અને ઓમ સાથે એવરેસ્ટ માટે નીકળી પડે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધાના પિતા અમિતથી પ્રભાવિત છે ને તેને આદર્શ માનીને શ્રદ્ધાને અમિતનાં પુસ્તકો વાંચવા આપે છે, પણ તેને એમાં ભરોસો પડતો નથી. અમિતને પણ પોતાની પોકળતા સમજાય છે ને તે, તે હજારો પ્રશંસકો સમક્ષ જાહેર પણ કરે છે. આ વાતે શ્રદ્ધા પ્રભાવિત થાય છે ને નાદુરસ્ત તબિયતને કારણે ત્રણે વૃદ્ધોને પરત મોકલવાનો પોતાનો નિર્ણય બદલે છે. બેઝ કેમ્પ સુધીનો જોખમી માર્ગ અનેક મુશ્કેલીઓ વચ્ચે પાર પડે છે એ પછી બર્ફીલી સફેદીમાં ભૂપેનની રાખનું વિસર્જન થાય છે. એ દૃશ્ય હૃદયસ્પર્શી છે. અમિત, ભૂપેનની રાખને હવામાં છોડે છે. ઓમ પણ એમ જ રાખ વિસર્જિત કરે છે. જાવેદ ઘડાને ચૂમે છે ને ડૂસકાતી આંખે રાખ છોડે છે, પછી એ ઘડો માલા તરફ લંબાવે છે. જેને જવાબદાર ગણી હતી એનો જ કદાચ વધારે હક ભૂપેનની રાખ પર હતો. એ રાખ વિસર્જિત કરે છે .., આ દૃશ્ય હૈયું વલોવનારું છે.

અહીં ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મનો પૂર્વ ભાગ કોઈને મૂળ વાતથી ફંટાતો લાગે એમ બને, ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં બધી જ સાંસારિક સમસ્યાઓનો ઉકેલ આવી જાય એ ગળે ન ઊતરે એમ પણ બને, પણ પર્વતારોહણનાં ઉતાર ચડાવની સમાંતરે સાંસારિક ઉતાર ચડાવ પણ ફિલ્મકારે બતાવવા છે, એટલે એટલું લંબાણ ક્ષમ્ય છે. ફિલ્મમાં આનંદ-ઉદાસીને ક્રમે દૃશ્યો વિકસે છે. વૃદ્ધોનું તો આ ‘સ્વર્ગારોહણ’ પર્વ પણ બની રહે છે. આ સરળ નથી, પણ એક ડગલું અને એક શ્વાસ એમ કરતાં કરતાં જ બધું પાર પડતું હોય છે. જીવનમાં પણ એવું જ છે ને, પણ શાંતિ, ઉતાવળનું પરિણામ નથી ને આપણે તો ઉતાવળે જ આંબા પકવવા હોય છે. મુશ્કેલી એની છે. ફિલ્મમાં કહેવાયું છે એ કરતાં સૂચવાયું છે વધુ. ઓમ ઉગ્ર છે, જાવેદ સંવેદનશીલ છે. તે અનુભવે છે વધુ. અમિત સૌથી વધુ સ્વસ્થ બતાવાયો છે, પણ બધાંની ઉપરનું વરખ ઊડી જાય એવો સમય આવે છે ને અંદરનો સાચુકલો માણસ પ્રગટ થતો રહે છે. એક દૃશ્ય જોઈએ. અમિત બરફનાં  તોફાનમાં ફસાયો છે. તેની અલ્ઝાઇમરની દવાઓ ખલાસ થઈ ગઈ છે ને માર્ગમાં તે કશીક મથામણમાં અટકી પડે છે. તેની શોધ ચાલે છે. માલા તેને શોધતી આવે છે ને પૂછે છે તો કહે છે કે તે પત્નીની રાહ જોતો બેઠો છે. અહીં આટલી ઊંચાઈએ પત્નીના હોવાની કોઈ સંભાવના જ નથી, ત્યાં તે પત્નીની રાહ જુએ છે ! એ કદાચ અનેક વખત મનમાં જોવાયેલી લાંબી રાહનું (લાંબા વિરહનું) પરિણામ છે. આવું તો ઘણું બધું ફિલ્મમાં હૃદયસ્પર્શી રીતે આવ્યું છે.

વૃદ્ધોને લગતી રાજશ્રી બેનરની જ સરસ ફિલ્મ ‘સારાંશ’ છે. એ ઉપરાંત પણ ‘102 નોટ આઉટ’, ‘બ્લેક’ જેવી પણ ઘણી ફિલ્મો છે, પણ વૃદ્ધોને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી લાવવાનો આઇડિયા નવો છે. એને કેવળ ટ્રેકિંગની ફિલ્મ ન બનાવતાં, વાર્તા, દરેકની સાંસારિક ગતિવિધિને નિરૂપતી પણ ચાલે છે. આ ફિલ્મની હૃદયસ્પર્શી કથા લખી છે સુનિલ ગાંધીએ અને નાવીન્યપૂર્ણ પટકથા ને સંવાદ છે, અભિષેક દીક્ષિતનાં ! એક દૃશ્યમાં શબીના એકલી છે ને જાવેદ અંત ભાગે, બેઝ કેમ્પ પહોંચ્યા પછી મોબાઇલમાં હિમાલય બતાવે છે, ત્યારે શબીના કહે છે કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરું છું, પણ મને તો તારી કે દીકરીની પસંદગીની જ ખબર છે, મને શું ભાવે છે એની તો જ ખબર નથી. આ સંવાદ શબીનાનો જ નથી, ઘણી મા કે પત્નીનો પણ છે.

અભિનયને લાગે વળગે છે ત્યાં સુધી અમિતાભે અમિત શ્રીવાસ્તવને પોતાનામાંથી નખશિખ પ્રગટ કર્યો છે. અભિનેતા ક્યાં ય દેખાતો જ નથી, જે દેખાય છે તે કેવળ પાત્ર ! અસહ્ય ઠંડીનો સામનો કરતી વખતના અમિતના હાવભાવ આબેહૂબ પ્રગટ થયા છે. ઓમ તરીકે અનુપમ ખેરે લાગણી સભર દૃશ્યોમાં બાજી મારી છે તો જાવેદ તરીકે બમન ઈરાનીએ એકદમ સમજદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. અમિતની હાલત નાજુક છે ત્યારે તેનું માથું ચૂમવામાં અને ભૂપેનનાં અસ્થિ વિસર્જન પહેલાં તે પાત્રને ચૂમવાની ક્ષણો ભાવુક કરનારી છે. માલા ત્રિવેદી તરીકે સારિકાએ, ખાસ કરીને ભૂપેન સાથેની વાત કહેતી વખતની સ્થિતિ, આંખો ભીંજવનારી રીતે પ્રગટાવી છે. શબીના તરીકે નીના ગુપ્તા, દીકરી સાથેની સંવેદના અને પતિ સાથેની આત્મીયતા મન મૂકીને પ્રગટ કરે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર તરીકે પરિણતિએ આદેશાત્મક ભૂમિકા તો નિભાવી જ છે, પણ આ ત્રણ વડીલ મિત્રો સાથેનું અંતર રાખવાનું વલણ ને વડીલ પાત્રોની નજીક જવાનું કારણ, હૃદયસ્પર્શી બનાવ્યું છે. ખાસ કરીને અમિત સાથેનો વ્યવહાર આત્મીયતથી પ્રગટ થયો છે. ડેની અને નફીસા અલી સોઢી ગેસ્ટ એપિયરન્સમાં છે. બંને બહુ અસરકારક અને પ્રભાવક છે.

સૂરજ બડજાત્યાએ કથાને એવી સરળ અને સહજ રીતે નેરેટ કરી છે કે પ્રેક્ષક, ખાસ તો લાગણી સભર દૃશ્યોમાં ભાવ વિભોર થઈ જાય છે. ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીનું છે ને ગીતો ઈર્શાદ કામિલનાં છે. મ્યુઝિક ને ગીતો કથાને ગતિ આપનારાં છે. ‘કેટી કો …’ ગીતની ને અન્ય ગીતોની શબીના ખાનની કોરિયોગ્રાફી આકર્ષક છે. મનોજકુમાર ખતોઈની ફોટોગ્રાફી અદ્ભુતથી ય આગળ છે. પર્વતીય પ્રદેશોનું બદલાતું રહેતું બર્ફીલું વાતાવરણ અનેક રંગેરૂપે બહુ જ પ્રભાવક રીતે કેમેરા દ્વારા પ્રગટ થયું છે.

ટૂંકમાં ‘ઊંચાઈ’ ફિલ્મ તરીકે પણ ઘણી ઊંચાઈ સર કરે તેવી સમૃદ્ધ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 નવેમ્બર 2022

Loading

ચારેક દાયકા પહેલા લખાયેલ ગઝલો 

"પ્રણય" જામનગરી|Poetry|17 November 2022

સાવ ઝાંખા શબ્દના અજવાસમાં,

હું ઉકેલું છું; મને હર શ્વાસમાં.

શી રીતે પૂરી થશે મારી સફર ?

કોઇ પણ સાથે નથી સહવાસમાં ! 

હર પળે સંશય રહે છે એટલે;

ઠોકરો ખાધી છે મેં વિશ્વાસમાં.

જિન્દગી છે; ત્યાં લગી જીવવું રહ્યું,

સુખ નહીં તો સુખના આભાસમાં.

શી રીતે જૂદો તમે કરશો મને ?

હું વસું છું; આપના હર શ્વાસમાં.

========

હજારો શક્યતાઓ જોઇ છે ! 

આંખના રણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

રેત કણ-કણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

મારા ચહેરામાં હજારો ફેરફારો થઇ ગયા !

મેં ય દર્પણમાં હજારો શક્યતાઓ જોઇ છે.

આંખ સામે જે તૂટી જાતાં ય જોયા છે અહીં,

એ જ સગપણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

કોઇ પણ જન્નતને હું ઝંખુ નહીં કોઈ ક્ષણે,

ઘરના આંગણમાં હજારો શક્યતાઓ જોઇ છે !

તા. ૦૬-૧૨-૧૯૮૩

========

થઇ ગયો છે !

જ્યારે સમય જીવનમાં; શમશીર થઇ ગયો છે,

હસનાર એક ચહેરો, ગંભીર થઇ ગયો છે ! 

હર રોજના બનાવો, હર રોજની પીડાઓ,

પ્રત્યેક માનવી જ્યાં; તસ્વીર થઇ ગયો છે 

આંસુ અમારા કરમે; એણે લખી દીધાં છે !

જલસો તો આપ કેરી જાગીર થઇ ગયો છે !

છોડીને ચાલી મીરાં; એની જ સાથ પળમાં,

મેવાડ આખો જાણે; મલીર થઇ ગયો છે ! 

સંબંધ આપણો આ; સાદો નથી પરંતુ,

તું મારે માટે જાણે; તકદીર થઇ ગયો છે ! 

સ્વતંત્રતા મળી છે; એની અસર આ કેવી ? 

હર એક માનવી અહીં; શૂરવીર થઇ ગયો છે ! 

શોધું છું માનવી હું; પણ, માનવી તો આજે;

મસ્જિદ થઈ ગયો છે ! મંદિર થઈ ગયો છે ! 

Loading

...102030...1,3261,3271,3281,329...1,3401,3501,360...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved