Opinion Magazine
Number of visits: 9668069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાચા કામના કેદી : વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિક

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 November 2022

કાચા કામના કેદીઓની વૈશ્વિક સરેરાશ ૩૪ ટકા છે. રાષ્ટ્રકુળના ૫૪ દેશોમાં સરેરાશ ૩૫ ટકા કાચા કામના કેદી છે. પરંતુ ભારતમાં તેમની ટકાવારી ૭૬થી ૮૦ ટકા જેટલી ઊંચી છે ! ભારતમાં દર ચારમાંથી ત્રણ કેદી પ્રિ-ટ્રાયલ, અંડર ટ્રાયલ, વિચારાધીન કે કાચા કામના છે. જેલોમાં સબડતા આ કેદીઓના કેસો હજુ અદાલતની વિચારણામાં આવ્યા નથી, અદાલતમાં પડતર છે, જામીન મળવાપાત્ર હોવા છતાં ગરીબીને કારણે કેદી જામીનની રકમ કે વકીલનો જોગ કરી શકતાં નથી એટલે દિવસો કે મહિનાઓથી જ નહીં વરસોથી બંદીઘરમાં બંધ છે. નિવૃત્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સી.જે. રમન્ના બહુ યથાર્થ રીતે જ કાચા કામના કેદીઓને વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિકો તરીકે ઓળખાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન અને વ્યવસાયની સુગમતા જેટલી જ ન્યાયની સુગમતા હોવી જોઈએ તેમ જણાવી કાચા કામના કેદીઓની મુક્તિનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના જુલાઈ-૨૦૨૨ના ચુકાદામાં સરકારને કાચા કામના કેદીઓના કેસોના ભરાવા માટે બ્રિટનની જેમ ભારતમાં પણ જામીન અંગેના અલગ કાયદાની વિચારણા કરવા સૂચન કર્યું છે. જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેવા ૧૯૭૭ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં વરસોથી જામીનની રાહ જોતાં કેદીઓથી ભારતની જેલો ભરચક છે. તેથી પણ જામીન માટેના અલાયદા કાયદાની આવશ્યકતા જણાય છે.

નિવૃત્ત સી.જે.આઈ. રમન્નાએ એક જાહેર વ્યાખ્યાનમાં દેશની ૧,૩૭૮ જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓમાંથી ૮૦ ટકા કાચા કામના કેદીઓ હોવાનું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય હસ્તકના રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ કુલ ૪.૮૮ લાખ કેદીઓમાંથી ૩.૭૧ લાખ (૭૬ ટકા) કાચા કામના કે ગુનો સાબિત થયા વિના જ જેલની સજા ભોગવતા કેદીઓ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ત્રણ મહિના સુધીના કાચા કામના કેદીઓ ૧.૩૦ લાખ, એક થી બે વરસના ૫૪,૨૮૭, બે થી ત્રણ વરસના ૨૯,૧૯૪ અને ત્રણથી પાંચ વરસના ૧૬,૬૦૩ છે. રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ અંતિત ૧.૦૭ લાખ કેદીઓમાંથી ૮૦,૫૫૭ વિચારાધીન કેદીઓ હતા, જે દેશભરમાં સૌથી વધુ છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મુસ્લિમોની વસ્તી ૩૯ ટકા છે. પરંતુ આ ત્રણેય વર્ગના કુલ કેદીઓ ૫૫ ટકા છે. ક્રિમિનલ જસ્ટિસ ઈન ધ શેડો ઓફ કાસ્ટ અને અન્ય અભ્યાસોના સંશોધન દર્શાવે છે કે અંડર ટ્રાયલ કેદીઓમાં ૭૩ ટકા દલિત, આદિવાસી અને પછાત વર્ગના છે. વિચારાધીન કેદીઓમાં ૬૮ ટકા ગરીબ, અભણ અને સ્કૂલ ડ્રોપ આઉટ છે. ૪૮.૮ ટકા કાચા કામના કેદીઓની ઉંમર ૧૮થી ૩૦ વરસની છે. આ સઘળા તારણો જણાવે છે કે સમાનતાના અધિકાર છતાં પોલીસ અને અદાલતની કાર્યવાહીમાં ભારોભાર અસમાનતા પ્રવર્તે છે. તેને કારણે જ કાચા કામના કેદીઓમાં મોટી સંખ્યામાં ગરીબ, અશિક્ષિત, મહિલા અને પછાત સમુદાયના લોકો છે.

વિશાળ પ્રમાણમાં કાચા કામના કેદીઓ હોવાનું કારણ પોલીસ તંત્ર, ન્યાય તંત્રની કામગીરી અને ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા છે. આડેધડ થતી ધરપકડોના પરિણામે જ કુલ કેદીઓમાં પોણાભાગના વિચારાધીન છે ધરપકડ એક કઠોર પગલું છે. તેથી પોલીસે તેનો નિયત પ્રક્રિયા અનુસરીને સંયમ કે સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે કાચા કામના કેદીઓથી જેલો ઉભરાય છે. ખોટી અને ભેદભાવયુક્ત ધરપકડોથી ઘણા નિર્દોષ લોકો વગર ગુને કે ગુનો સિદ્ધ થયા વિના જેલની સજા વેઠે છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૯૭૩ની કલમ ૪૧ અને ૪૧-એમાં ધરપકડની પ્રક્રિયા દર્શાવી છે. તેનો અમલ કર્યા વિના પોલીસ ધરપકડો કરે છે. તેથી પણ અધિકાંશ અંડરટ્રાયલ માટે તો જેલ એ જ સજા બની રહે છે. કેટલાક ગુનાઓમાં પોલીસ જ આરોપીને જામીન પર મુક્ત કરી શકે તેમ હોય છે. તેનું પણ પાલન થતું નથી. તેથી અદાલતોનું કામ વધે છે.

બેફામ ધરપકડો માનવ અધિકારનું તો ઉલ્લંઘન છે જ. તેને લીધે અદાલતોનું ભારણ અને ખર્ચ વધે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના ત્રીજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ ૬૦ ટકા ધરપકડો તો સામાન્ય ગુનાઓ સબબ કરે છે. મધ્ય પ્રદેશના આબકારી અધિનિયમ હેઠળ ૪૭ ટકા ધરપકડો જામીનપાત્ર ગુનાઓમાં થઈ હતી. વકીલની ફી, જામીનની રકમ અને મફત કાનૂની સહાયના બંધારણીય અધિકારની જાણકારીના અભાવે ઘણાં કાચાં કામના નિર્ધન કેદીઓ જેલોમાં સબડે છે.

એક વાર ધરપકડ થયા પછી જેલમાં ગયેલા કેદી માટે તો ન્યાયિક પ્રક્રિયા જ સજા સમાન છે. અદાલતોની વિલંબિત અને તારીખ પે તારીખની કાર્યવાહી અંડરટ્રાયલને લાંબો સમય જેલમાં રહેવા મજબૂર કરે છે. ૨૦૧૦થી ૨૦૨૦માં એક વરસના અંડર ટ્રાયલ ૭ ટકાથી વધીને ૨૯ ટકા થયા હતા. તેથી પણ ખોટી ધરપકડો કરી આરોપીને જેલ હવાલે કરનાર પોલીસ અધિકારીઓ સામે અદાલતે આકરા પગલાં લેવાની જરૂર છે.

પોલીસ તપાસ જૂની-પુરાણી ઢબે થાય છે. આધુનિક તકનિકનો ઉપયોગ ખાસ થતો નથી. ગુનાઓ અંગેની પોલીસ તપાસ પૂર્ણ  થઈને નિયત મુદ્દતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી. અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા તેની ગતિમાં જ ચાલે છે અને સજાનો દર ઘણો નીચો હોય છે. નીચલી અદાલતો આરંભે પોલીસ પર વિશ્વાસ રાખીને આરોપીઓને જેલમાં ધકેલે છે. આ કારણોથી પણ કાચા કામના કેદીઓને  લાંબો સમય જેલમાં રહેવા વારો આવે છે.

વિચારાધીન કેદીઓનો સવાલ ઉકેલવા માટે જામીન માટેના અલાયદા કાયદાની તાતી આવશ્યકતા છે. પોલીસ જેટલી જ દેશની ન્યાય વ્યવસ્થા પણ કાચા કામના કેદીઓ માટે જવાબદાર છે. નિયમિત અને આગોતરા જામીન માટેની નિયત મુદ્દતનું અદાલતોએ પાલન કરવું જોઈએ. પોલીસે વધુ સંવેદનશીલ બની આડેધડ ધરપકડો કરવાનું વલણ ટાળવું જોઈએ. અદાલતોએ ધરપકડની પ્રક્રિયાનો અમલ ન થયો હોય તેવા કિસ્સાઓમાં પોલીસનો કાન આમળવો જોઈએ. કાનૂની સહાય અંગે જાગૃતિ અને જામીનની રકમ ભરવા અસમર્થ કેદીઓની તપાસ થવી જોઈએ. અદાલતોના હુકમો જેલ સત્તાવાળાઓને સમયમર્યાદામાં મળે અને જામીન મંજૂર થયા હોય કે સજા પૂરી થઈ હોય તેવા કેદી જેલમાં ન હોય તે જોવામાં આવે તો અંડરટ્રાયલની સમસ્યા ઘણેઅંશે ઉકેલી શકાય. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘પ્રકાશ’ બંગલાની યાદો …. પ્રકાશ ન. શાહનું નવું સરનામું વાંચતા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 November 2022

‘પ્રકાશ’ બંગલો એ માત્ર બંગલો નહીં, ઘર નહીં, પણ  ઉજાસ અને ઉમળકાભર્યું એક વાસ્તુ.

‘પ્રકાશ’ બંગલો એ હંમેશાં ખુલ્લો હોય, ક્યારે ય બંધ જ ન હોય, બંધ થવાનો પણ ન હોય એવું ભાસતું. એનો નાનકડો ઝાંપો તો ખરેખર જ પૂરો બંધ ન થતો. આવડા મોટા બંગલાનો મસમોટો વરંડો, પણ જાળી-બાળીનું નામ નહીં. કોટ પણ ઓછી ઊંચાઈવાળો. ઉભયને અને અભયને વરેલા દંપતીને અસલામતીનો કોઈ અહેસાસ નહીં, સલામતીની જરૂર નહીં.

તસવીર સૌજન્ય : ઉર્વીશ કોઠારી

‘પ્રકાશ’ બંગલા સાથે ઘણાં બધાંની જેમ મારી પણ યાદો સંકળાયેલી છે. એક ખાસ યાદ : સવારે પોણા સાત-સાતના સુમારે ‘નિરીક્ષક’ના તંત્રીને ત્યાં ઓટલા પર પડેલી નેતરની ગોળ ખુરશીમાં ‘મૅટર’ – લેખ મૂકીને, પછી એચ.કે. આર્ટસ કૉલેજ જતો.

આમ કરવું  — સ્કૂટર બંગલાની બહાર ઊભું રાખવું, ખુલ્લા જ ઝાંપાને સહેજ ધકેલીને અંદર જવું, લેખના કાગળો મૂકવા, બહાર નીકળવું  — બહુ  સરળ, સહજ અને સંતોષ આપનારું હતું ક્યારેક પ્રકાશભાઈ છાપું (એટલે કે છાપાં) વાંચતા દિસે, હંમેશના મલકંત મુખે. લોકો મંદિરે દર્શન કરીને કામે જાય. હું લેખ આપવા ‘પ્રકાશ’ બંગલે જતો. અત્યારના રહેઠાણનું નામ ‘સંસિતા’ પ્રકાશભાઈએ પાડેલું નથી છતાં સમજાતું નથી !

એક વાર સવારે કૉલેજ જતાં મીઠાખળી છ રસ્તે નાનકડો અકસ્માત થયો. અકસ્માત ગંભીર નહીં, પણ માથે મૂઢ માર વાગ્યો એટલે હું ડરી ગયો હતો, ચક્કર  આવવા જેવું લાગવા માંડ્યું.

એ વખતે 108 એમ્બ્યુલન્સ સેવા ન હતી, અને હું ભાનમાં પણ હતો. એટલે સ્કુટર ચલાવીને પ્રકાશભાઈને ત્યાં પહોંચ્યો હતો. જઈને આડા પડીને આરામ કરેલો. નયનાબહેને હોમિયોપાથીની અર્નિકાની ગોળીઓ પણ આપેલી. પણ બેમાંથી કોઈએ બિનજરૂરી ચિંતા કે દોડધામ કરી ન હતી. બિલકુલ સ્વસ્થ રહ્યાં અને મને પણ સ્વસ્થ રાખેલો.

પ્રકાશભાઈના જન્મદિવસે અમારું ગ્રુપ (ચંદુભાઈ, ઉર્વીશ, કેતન, દિવ્યેશ,બિનીત, આશિષ, આરતી અને અન્ય) પ્રકાશભાઈને ત્યાં બપોરે જમવાનું ગોઠવતા – હૅવમોરનું પૅક્ડ લન્ચ. આઇસક્રીમ પ્રકાશભાઈ ખવડાવતા.

ઘરના સ્વચ્છ, સુંદર, આરામદાયક ઉજાસભર્યા દિવાનખાનાના કૉર્નર પીસ પર નવાં પુસ્તકો હોય તેમનું ખૂબ આકર્ષણ રહેતું. ક્યારેક પ્રકાશભાઈ અંદરથી બહાર આવવાની વાર હોય તો એકાદ પુસ્તક ચોરી લેવાની લાલચે ય થતી.

ખબર નહીં કેમ, પણ એ દિવાનખાનામાં બહુ સારું લાગતું. શ્વેતોજ્જ્વલ ‘બહેન’ (પ્રકાશભાઈના માતુ:શ્રી)ને પણ એ જ દિવાનખાનામાં જોયાં છે. ‘તમારો લેખ વાંચ્યો’ એવું પણ એમણે મને એક કરતાં વધુ વખત કહ્યું હોવાનું યાદ છે. વિપુલભાઈ(કલ્યાણી)ને પણ પહેલવહેલી વાર અને પછી પણ અહીં જ મળ્યો છું. ચી.ના. પટેલ પ્રકાશભાઈના પાછળના જ બંગલામાં રહે છે એ હકીકત જાણી ન જાણે  કેમ પણ મને ઘણી મજા પડેલી.

‘દર્શક’ ને પણ પહેલી વાર નજીકથી ‘પ્રકાશ’ બંગલાના બેઠકખંડના સોફા પર જોયા હતા.  મુગ્ધ ક્ષણોમાં હજુ પણ એમ થાય  કે જેમને ત્યાં સ્વામી દાદા (સ્વામી આનંદ) પણ કદાચ દેખાઈ ગયા હોત એવું અમદાવાદનું મારા પરિચયનું આ એક જ ઘર. કોવીડ-વર્ષના જાન્યુઆરી પછી ‘પ્રકાશ’ બંગલામાં જવાનું થયું જ નહીં.

પણ બીજી એક યાદ પાકી છે – એ બંગલામાં મસમોટા વરંડાની સામે એક નાનકડું આંગણું, એક નાનકડો હિસ્સો હતો જેમાં માટી હતી, અને એ મોટે ભાગે ભીની રહેતી. એ માટી બધાં વર્ષો અકબંધ હતી. તેની પર સિમેન્ટ કૉન્ક્રિટ ક્યારે ય થયું નહીં!

સવાર સિવાયના સમયે ગયો હોઉં, અને કામ પૂરું કરીને હું બહાર નીકળું ત્યારે પ્રકાશભાઈ એમને સમય હોય તો ઝાંપા સુધી મૂકવા આવતા, ઝાંપે પણ ઊભા રહીને વાતો થતી. ક્યારેક તો વળી હું હેલ્મેટ પહેરીને સ્કુટરને કિક મારીને નીકળું ત્યાં સુધી વાતો ચાલતી.

[નવું સરનામું : B 302, સંસિતા પ્રથમ, મંગલ વિદ્યાલય પાસે, મહારાષ્ટ્ર સોસાયટી, મીઠાખળી, અમદાવાદ 380 006]

24 નવેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણને કોઈ મૂરખ બનાવી શકે એમ નથી, આપણે છીએ જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 November 2022

ચૂંટણી સભાઓ, રોડ શો અને રાજકીય વચનોનાં માહોલમાં આપણે ખેંચાઈ રહ્યાં છીએ ને કોને મત આપવો એની ગડમથલમાં દિવસો કાઢીએ છીએ. બધાં જ રાજકીય પક્ષો આપણને જાતભાતનાં વચનો આપીને ભરમાવી રહ્યા છે. નેતાઓ વાયદાઓ કરે છે. એ વાયદાઓ આપણે યાદ રાખવાના ને ફાયદાઓ એમણે યાદ રાખવાના. આગલી ચૂંટણીઓમાં કેટલું કહેલું અને એમાં કેટલું થયું તે એ લોકોને નથી ખબર, આપણને ખબર છે, એવું જ આ વખતે પણ ખરું. સુરતની જ વાત કરીએ તો અગાઉનાં કોઈ ભા.જ.પી. કેન્દ્રીય બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત થયેલી. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સુરતના છે ને રેલવે મંત્રી પણ સુરતના છે, છતાં તેમાં કેટલું થયું તે આજનું સ્ટેશન જોવાથી સમજાય એમ છે. તે પછી તો ગાંધીનગર રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ડેવેલપ થયું. ઠીક છે, એવું બધું તો ચાલ્યા કરે. નેતાઓના વાયદાઓને માનવાના ન હોય તે તો છોકરું ય જાણે છે.

એ પણ જવા દો, સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પર ભરોસો નથી એવું આજે જ ચૂંટણી કમિશનરની નિમણૂક સંદર્ભે કહેવાયું છે. શંકા પડે એવું છે જ. વાત એવી છે કે હાલ જે ચૂંટણી કમિશનર નીમાયા તે અરુણ ગોયલ વિષે સુપ્રીમને એ વાતે શંકા પડી છે કે ગુરુવારે ગોયલને વી.આર.એસ. મળ્યું, શનિવારે એમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ અને સોમવારે તો તેમણે પદ સંભાળી પણ લીધું. આટલો ઝડપી વિકાસ સુપ્રીમને પણ પચાવવાનું અઘરું થયું એટલે તેણે સરકાર પાસેથી ગોયલની ફાઇલ જોવા માંગી છે. સુપ્રીમને તો એવા ચૂંટણી કમિશનરની અપેક્ષા છે જે વખત આવ્યે વડા પ્રધાનને ય પડકારી શકે. એવા તો મળે ત્યારે ખરા ! જો કે, સુપ્રીમની ચકાસણી વાજબી છે. ચૂંટણી કમિશનર તો સ્વતંત્ર અને સ્વાયત્ત જ હોવા ઘટે. આમ પણ નબળા વિપક્ષને કારણે લોકશાહી ડામાડોળ થઈ જ છે, ત્યાં ચૂંટણી કમિશનર પણ સ્વાયત્ત ન હોય તો લોકશાહી જેવું જ કેટલું ટકે?

આમાં નાગરિક તરીકે જવાબદાર આપણે પણ છીએ. આપણે ફોગટિયાં સંસ્કૃતિથી એટલાં લલચાયાં છીએ કે બધું મફતનું જ શોધીએ છીએ. ડિસ્કાઉન્ટ, ફ્રી અને એક્સચેન્જ ઓફરોથી છેતરાઈએ છીએ. કોઈ કૈં મફત આપવાનું કહે છે કે આપણી લાળ ટપકવા માંડે છે. કોઈ પક્ષ કહે કે અમે બે વડા પ્રધાન આપીશું. એક પર એક ફ્રી ! તો, તેનો ય વાંધો નથી, કારણ આપણને કોઈ વાતે ફેર જ નથી પડતો. મૂરખ બનવા આપણે કાયમ તત્પર હોઈએ છીએ. જેમ એક પર એક ફ્રીનું છે એવું જ રાજકીય વાયદાઓનું પણ છે. તે આગલા અનુભવો પરથી સમજાવું જોઈએ. સાચું તો એ છે કે સામે પક્ષે બધા જ સાચા હોવાનો દાવો કરનારા છે, ત્યારે આપણો વિવેક કામે લગાડવાનો રહે. આપણે કાઁગ્રેસનું શાસન જોયું છે, બી.જે.પી.નું જોઈ રહ્યાં છીએ ને આપને તક જોઈએ છે. આપણે એટલું પણ સમજી લઇએ કે આ બધા જ વેપારીઓ છે ને વેચવા ઊભા છે. એ કૈં આપે કે ન આપે, આપણે મત આપવાનો છે. એ વેચવો કે આપવો એ આપણે નક્કી કરવાનું છે. વાત આટલેથી જ અટકતી નથી. ગુજરાતનાં પરિણામોનો પડઘો કેંદ્રમા ય પડવાનો છે તે ભૂલવા જેવું નથી.

એ સંદર્ભે વિચારીએ તો હાલ ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર છે, કેન્દ્રમાં પણ ભા.જ.પ.ની સરકાર છે ને તે પાય એટલું જ પાણી ગુજરાત પીએ છે. ડબલ એન્જિન જોડ્યા વગર ગુજરાતની ગાડી દોડે એમ નથી. ગુજરાતમાં અને કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર લાંબો સમય રહી. કાઁગ્રેસના સમયમાં જ ભ્રષ્ટાચાર શરૂ થયો ને તેનો છેડો હજી આવ્યો નથી. વડા પ્રધાનની ખાતો નથી – વાળી વાત સાચી, પણ ખાવા દેતો નથી – વાળી વાત ખોટી છે. ગુજરાતમાં 27વર્ષ અને કેન્દ્રમાં 8 વર્ષ પહેલાં કાઁગ્રેસ સત્તા ભોગવી ચૂકી છે, પણ તેણે બહુ ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. એ સાથે જ દિલ્હી અને પંજાબમાં આપને શાસનની તકો ઊભી થઈ છે. એવી તક તે ગુજરાતમાં શોધે છે. સુરત કોર્પોરેશનથી તેણે શરૂઆત કરી છે. તેની સ્વસ્થતા વધે તો કાઁગ્રેસની ઢીલાશ, આપને વિધાનસભા સુધી લઈ જાય એમ બને.

અનેક વાંધાઓ છતાં ભા.જ.પ.નું ગુજરાત અને કેન્દ્રમાં થયેલું કામ અવગણી શકાય એમ નથી. નોટબંધી ને લોકડાઉન જેવામાં ભા.જ.પ. સરકારે ઉતાવળ કરી છે, તો કોરોના વખતે કરોડો લોકોને સરકારે મફત રસી આપી, એટલું જ નહીં, વિદેશ પણ મોકલી. આ નાનું કામ નથી, એ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી જેવાં કામો નજર અંદાજ કરી શકાય નહીં. વડા પ્રધાને ભારતનું વિદેશમાં જે વર્ચસ્વ ઊભું કર્યું છે તે ઐતિહાસિક છે. વીજળી, પાણી, રસ્તા, ટેક્નોલોજી અને અનેક પ્રોજેકટોની બાબતે પણ નોંધપાત્ર કામ થયું જ છે, પણ પક્ષમાં અસંતોષ, મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે સરકાર બેક ફૂટ પર છે. ગરીબોને સહાય મળે છે, પણ કામની, રોજગારીની બાબતે તેમની સ્થિતિ હજી કાળજી માંગે છે. ઘણીવાર એમ પણ લાગે છે કે દેશ ઉદ્યોગપતિઓના હાથમાં છે અથવા સરકાર ઉદ્યોગપતિઓના હાથમાં છે. મોંઘવારી વધારવામાં એમનો હાથ છે ને સરકારે એમના પર નિયંત્રણો મૂકવાની જરૂર છે. અબજો રૂપિયા બેન્કોના ડુબાડીને એન.પી.એ. વધારવામાં ને વિદેશ ભાગી જવામાં ઉદ્યોગપતિઓએ આડો આંક વાળ્યો છે. દેશના કરોડો રૂપિયા લોન માફીમાં વેડફાયા છે. દેવા માફી અમીરોની પણ હોય એ તો આ જ દેશમાં બને. પૈસા કરતાં પણ પ્રમાણિકતાનો અભાવ દેશને વધારે હાનિ પહોંચાડી રહ્યો છે. દેશનો ગરીબ જેટલો પ્રમાણિક છે, એટલો અમીર નથી તે દુ:ખદ છે.

એમાં સૌથી વધુ કફોડી સ્થિતિ તો મધ્યમ વર્ગની છે. અમીરોને મોંઘવારી નડતી નથી, ગરીબોનું સહાય પર નભી જાય છે, પણ મધ્યમ વર્ગ કશીયે મદદ વગર પગાર પર નભે છે. મોંઘવારી વધે છે એ ઝડપે પગાર કે ભથ્થાં વધતાં નથી. કોઈ પણ કોર્પોરેટર એકાદ વર્ષમાં કરોડપતિ થઈ જાય છે. એટલી ઝડપે મધ્યમ વર્ગની આવક વધતી નથી. તેનો પગાર, ટેક્સ કપાયા પછી હાથમાં આવે છે. એને અપ્રમાણિક થવાની તકોયે ઓછી છે. બીજું બધું જવા દઇએ, માત્ર પેટ્રોલનો જ વિચાર કરીએ તો 2014માં પેટ્રોલ 66 રૂપિયે અને ડિઝલ 50 રૂપિયે લિટર હતું, તે 8 વર્ષમાં 100નીયે પાર પહોંચ્યું. એને લીધે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, પરિણામે ઘણી વસ્તુઓ મોંઘી થઈ. લોન સસ્તી થઈ તે સાથે ડિપોઝિટના રેટ પણ ઘટયા. એની અસર સિનિયર્સની આવક પર પડી ને તેમને ઓછી આવકમાં વધુ મોંઘવારીનો સામનો કરવાનો આવ્યો. એનું પેન્શન અપડેટ થતું નથી ને એ આઉટ ઓફ ડેટ થતો જાય છે. એની સામે આવકવેરાનો સ્લેબ અઢી લાખ અને સિનિયર્સનો ત્રણ લાખ 2014થી એમનો એમ જ છે. 2014માં મોદી સરકારનું પહેલું બજેટ આવ્યું ત્યારે નાણાં મંત્રી અરુણ જેટલીએ આવકવેરાનો સ્લેબ બે લાખથી વધારીને અઢી લાખ અને સિનિયર્સ માટે ત્રણ લાખ કરેલો, તે પછી બધું જ વધ્યું, પણ સ્લેબ વધ્યો નથી. દૂધને ત્રણ ચાર મહિને બબ્બે રૂપિયા વધવાની ટેવ પડી છે, પણ આવકવેરાનો સ્લેબ હતો ત્યાં જ સ્થિર છે. પ્રજા પણ સ્થિર છે. તે પ્રચારમાં ટોળે વળે છે, પણ દૂધ મોંઘું થાય છે તો ચુમાઈને બેસી રહે છે.

આપણી કેન્દ્ર સરકારને ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ વિષે ગેરસમજો ઘણી છે. તે 6થી 18 લાખની આવકવાળાને નિમ્ન મધ્યમ વર્ગમાં મૂકે છે, તો 8 લાખની આવકવાળાને ગરીબ ગણે છે. નાણાં મંત્રીએ 2021માં મિડલ ઇન્કમ હાઉસિંગ સ્કિમ માર્ચ, 2021 સુધી લંબાવતાં કહેલું કે એનો લાભ જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખની વચ્ચે છે તે લોઅર મિડલ ક્લાસને મળશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેરેલું કે જે ગરીબી રેખાની ઉપર છે એવા નિમ્ન મધ્યમ વર્ગને આ લાભ મળશે. છેને કમાલ ! 6 લાખવાળો નિમ્ન મધ્યમ વર્ગમાં અને 8 લાખવાળો ગરીબ વર્ગમાં.

મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ આર. મહાદેવન્‌ અને જસ્ટિસ સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને પુછાવ્યું છે કે 8 લાખની આવક ધરાવનાર નબળા વર્ગમાં આવતો હોય તો તેની પાસેથી આવકવેરો કેમ વસૂલાય છે? અઢી લાખથી વધુ આવકવાળો ગરીબ ગણાતો નથી ને તેની પાસેથી આવકવેરો વસૂલાય છે, જ્યારે 8 લાખની આવકવાળો ગરીબ ગણાય છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી આવી છે, જેમાં આવકવેરાની હાલની જોગવાઈને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે સ્લેબ અઢી લાખનો છે ને ઇકોનોમિકલી વીકર સેકશન (EWS) માટેની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 103માં બંધારણીય સુધારા બિલની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું છે જેમાં EWS માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે ને એની આવક મર્યાદા આઠ લાખ નક્કી કરવામાં આવી છે. આ વિસંગતતા મદ્રાસ હાઇ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે ને કોર્ટે તેનો જવાબ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો છે. અરજદારે 8 લાખથી ઓછી આવકવાળા તમામને આવકવેરાના દાયરામાંથી બહાર રાખવા આ અરજી કરી છે. આ મુદ્દો ખરેખર વિચાર માંગે એવો છે. સરકાર પોતે જ જો 8 લાખની આવકવાળાને આર્થિક રીતે નબળા ગણતી હોય તો તે અઢી લાખથી આઠ લાખની વચ્ચેની આવકવાળા ગરીબો પાસેથી ટેક્સ વસૂલી કઇ રીતે શકે? સરકારે આ મુદ્દે ફેર વિચારણા કરીને નવાં કેન્દ્રીય બજેટમાં આવકવેરાનો સ્લેબ ઓછામાં ઓછો આઠ લાખ કરવો જોઈએ. એ ન કરે તો પ્રજા તરીકે આપણે તેને ફરજ પાડવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2022

Loading

...102030...1,3191,3201,3211,322...1,3301,3401,350...

Search by

Opinion

  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved