Opinion Magazine
Number of visits: 9669234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિગ ટૅકમાં પહેલાં થઇ મોટા પાયે ભરતી અને હવે છટણી મોસમ બેઠી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 December 2022

બિગ ટૅક જેવા હાલ બૅંકિંગમાં પણ છે અને અહીં પણ છટણીની મોસમના એંધાણ છે. અંધાધૂંધ છટણી ચાલી રહી હોવા છતાં ય 2008માં જે હાલ બેહાલ થયા હતા, તેવું નહીં થાય એવી માર્કેટ વિશેષજ્ઞોને ખાતરી છે

છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એવા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા કે ટૅક જાયન્ટ્સમાંથી મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે મેટા, ટ્વીટર, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ, એપલ, સ્નેપ, એમેઝોન, સ્ટાઇપ, બૈજુઝ, સેલ્સફોર્સ, – તમે નામ લો તે ટૅક કંપનીએ મોટી સંખ્યામાં લોકોને ઘરભેગા કર્યાં છે અથવા તો ત્યાં છટણીના પડઘમ વાગી રહ્યા છે.

આમ જોવા જઇએ તો ભારતને આ આખા ય છટણી મહોત્સવ સાથે કોઇ લેવાદેવા નથી પણ છતાં ય આપણે ત્યાં જે યુવાનો ટૅક જાયન્ટ્સમાં જોડાવા માગતા હોય તેમને સ્વાભાવિક રીતે ઉત્સુકતા થાય કે માળું આ મોટા માથાઓ આવું કરે છે શા માટે? અને યુ.એસ.એ.ની સિલીકોન વૅલીમાંથી ઘર ભેગા થયેલા આટલા બધા લોકો હવે નોકરી વગરના રહેશે કે ક્યાંક થાળે પડશે?

ટૅક જાયન્ટ્સ માટે એક સામૂહિક શબ્દ વપરાય છે – બિગ ટૅક. કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ટૅકનોલૉજી કંપનીઝ મોટીને મોટી થતી ગઇ કારણ કે વાઇરસમાં સપડાયેલી દુનિયાનો આધાર ટૅક્નોલૉજી પર જબ્બરદસ્ત વધ્યો. નોકરી વાંચ્છુકો અને રોકાણકારો માટે લાડકી બનેલી બિગ ટૅક હવે તકલીફમાં છે, અને જે રીતે છટણી થઇ રહી છે જે રીતે તેમના વિસ્તારને જ્યાં જરૂર ન હોય ત્યાં આ ટૅક જાયન્ટ્સ સંકેલી રહ્યા છે તે જોતા સમજાતું નથી કે આ હોળી ક્યાં જઇને અટકશે. બિગ ટૅકના માર્કેટને જાણનારાઓ કહે છે કે 850 જેટલી ટૅક કંપનીઝમાંથી અંદાજે 1 લાખ 40 હજાર જેટલી વ્હાઇટ કૉલર જોબ્ઝનું બાષ્પીભવન થઇ ગયું છે અને આ અહીં અટકવાનું નથી. ટૅક જાયન્સ્ટમાં છટણીની સેકન્ડ સિઝન પણ આવશે. અમુક કંપનીઝે ધાર્યું હતું એટલું તે કમાઇ ન શકી તો અમુક માથે તોળાતી મંદીના ભયમાં અગમચેતી રૂપે પોતાની પછેડી અને સોડ બન્ને સંકેલી રહી છે.

ફેસબૂક એટલે કે મેટા જેવા ટૅક જાયન્ટ્સ જેની પર ટકે છે તેવા એડ રેવન્યુઝ પાંખા થતા ગયા અને ફાઇનાન્શિયલ યરમાં જેને થર્ડ ક્વાટર કહે છે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય છે તે સાચવવો મુશ્કેલ થઇ પડ્યો છે. ટાર્ગેટ અચીવ નથી થઇ રહ્યા. એચ.પી. ઇન્કે પણ પોતાના 61,000ના વર્કફોર્સમાંથી 10 ટકાની છટણી કરવાની જાહેરાત કરી છે કારણ કે થર્ડ ક્વાટરમાં તેમની રેવન્યુની કમાણીમાં 11 ટકા ઘટાડો જોવા મળ્યો. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા અને કર્મચારીઓની રાતની ઊંઘ ઊડી ગઇ કારણ કે છ ટકા કર્મચારીઓને તેમની કામગીરીના રિપોર્ટકાર્ડ પર નબળા હોવાનો સિક્કો મળ્યો. આપણને જે આંકડો માત્ર છ ટકા લાગે છે એની જો છટણી કરાશે તો 10,000 લોકો નોકરી ગુમાવશે. 

ભારતમાં Ed-Tech એટલે કે ઓનલાઇ શિક્ષણ આપતી ટૅક કંપનીઝમાં મોટા પાયે છટણી થઇ છે, એ બૈજુઝ હોય કે પછી અનએકેડેમી. આ કંપનીઝ કોરોનાવાઇરસ રોગચાળા દરમિયાન ભારે પૉપ્યુલર થઇ હતી પણ એકવાર બધું ઠેકાણે પડ્યું પછી આ કંપનીઝને ટકવાના વાંધા પડી ગયા. આ તરફ સિલીકોન વેલીમાં નોકરી માટે ગયેલા ભારતીયો અત્યારે કામ વગરના થઇ ગયા છે. એચ વિઝા મેળવવા માટે જેમને વર્ષો લાગ્યાં હતા તેમની પાસે હવે નોકરી પણ નથી અને કોઇ સ્પોન્સર પણ નથી. બની શકે કે તેમને યુ.એસ.એ.ની સરકાર ડિપોર્ટ કરી દેશે. H-1B વિઝા જે વર્ક પરમિટનું કામ કરે છે તે બેરોજગારો માટે નકામો બની જાય અને આવા સંજોગોમાં જો નોકરી ગુમાવ્યાના 60 દિવસમાં જે-તે વ્યક્તિને નોકરી કે સ્પોન્સર ન મળે તો એને ઘર ભેગાં જ થવું પડે.

ટૅકમાં બૂમ આવવાનું સૌથી મોટું કારણ હતું કોરોનાવાઇરસ. ઓનલાઇન એપ્લિકેશનની વધતી માંગને પગલે ટૅક જાયન્ટ્સે પગાર વધાર્યા, રોકાણ વધ્યા અને હવે બાજી પલટાઇ ગઇ. ના બિગ ટૅક કંઇ સાવ તળિયે ધસી ગયા છે એમ નથી પણ પાંચમાં ગિયરમાં ચલાવેલી ગાડી હવે બીજા ગિયરમાં લાવવી પડી છે.

વળી યુક્રેન અને રશિયા વચ્ચેના સઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થયું છે. હવે આ આખી ત્રિરાશીમાં એક સાવ નવું પાસું છે. જે ટૅક કંપનીઝના છટણી મિશનનો ભોગ બન્યા છે તેમને માટે મંદીમાં પણ નોકરી સાચવી રાખવાની તક છે. જો કે આ તક ખાસ કરીને યુ.એસ.એ.ના સરકારી વિભાગોમાં છે. તગડા પગારો આપતી ખાનગી કંપનીમાં જોડાતા ટૅક એક્સપર્ટ્સની ટેલેન્ટ માટે યુ.એસ.એ.ના સરકારી તંત્રમાં જગ્યાઓ ખાલી છે. એક ઉદાહરણ તરીકે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ વેટરન્સ અફેર્સમાં જ ટૅક વર્કર્સ માટે કાઁગ્રેસે ગયા વર્ષે વધારાનું બજેટ આપ્યું છે અને આ જગ્યાઓ ખાનગી નોકરી ખોઇ બેઠેલા ટૅક કર્મચારીઓ માટે મોજુદ છે. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાહવાહી કરીએ કે તેને વખોડીએ એક બીજું સામેનું સત્ય એ પણ છે કે યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટની અમુક વેબસાઇટ્સ રેઢિયાળ હાલતમાં છે, તેને સુધારવા માટે નવા લોકોની જરૂર પડશે જ અને આ લોકો આવશે સિલિકોન વેલીમાં નોકરી ખોઇ બેઠેલા લોકોના જૂથમાંથી. ખાનગી નોકરી જેટલા તગડા પગાર ભલે ન હોય પણ નોકરી તો હોય – એ ગણિત હવે અહીં કામ કરી જશે. વળી નાની કંપનીઝને પણ ટેલેન્ટ મળવું આસાન થશે. ટેલેન્ટ રિશફલિંગ – એટલે કે બહેતર કંપનીમાં નોકરી મેળવવાની ભાંજગડ કરનારા કર્મચારીઓ પણ યુ.એસ.માં વધ્યા છે.

બીજી બાજુ એવું પણ છે કે ઘણી બધી કંપનીઝમાં એવી બૂમો પડે છે કે તેમની પાસે સારી ટેલેન્ટની ઊણપ છે. વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો જેમ કે વસ્તીના આંકડા, નાગરિકોનું સ્થળાંતર વગેરે પણ માનવ સંસાધનનું સંતુલન ખોરવે છે. હૉસ્પિટાલિટી, સર્વિસ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરર્સને કર્મચારીઓની જરૂર છે અને ઑસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા દેશોમાં વિદેશી નાગરિકોને માટે ઓપનિંગ્ઝ છે. આવામાં અમુક કંપનીઝ પોતાના સ્ટાફને ટકાવી રાખવાનો પ્રયાસ કરતી હોય તેમ પણ બની રહ્યું છે. મંદીનો ગાળો પસાર થશે પછી સારા માણસો કામ હોય તે જરૂરી હશે તેવું આ અનુભવી કંપનીઝ જાણે છે અને માટે તેઓ યેનકેન પ્રકારણે પોતાના વર્કફોર્સને સાચવે છે. આ એકદમ વિરોધાભાસી ચિત્ર છે જ્યાં અમુક ક્ષેત્રોમાં લેબર ફોર્સ જ નથી તો અમુક ક્ષેત્રમાં વધુ પડતી ભરતીઓ કર્યા પછી છટણી કરવામાં આવી રહી છે.

બિગ ટૅક જેવા હાલ બૅંકિંગમાં પણ છે અને અહીં પણ છટણીની મોસમના એંધાણ છે. અંધાધૂંધ છટણી ચાલી રહી હોવા છતાં ય 2008માં જે હાલ બેહાલ થયા હતા તેવું નહીં થાય એવી માર્કેટ વિશેષજ્ઞોને ખાતરી છે. ટૅકની છટણીથી ગભરાવાની જરૂર નથી કારણ કે એ.ડી.પી. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર યુ.એસ.એ.ની રોજગારીને મામલે ટૅક જાયન્ટ્સનો હિસ્સો માત્ર 2 ટકા છે.

બાય ધી વેઃ

મૂળે એમ થયું કે જ્યારે વિકાસના એંધાણ હતા ત્યારે ટેક જાયન્ટ્સે ભરતી મોટા પાયે કરી. સંજોગો બદલાયા એટલે એ બધા સ્ટાફ કે મિકેનિઝમને એમણે દૂર કર્યા જેનાથી રેવન્યુમાં કોઇ ફેર પડતો નહોતો. હવે જેમની નોકરી ગઇ છે તે મ્હોં ફાડીને પગાર નહીં માગે એટલે એ રિક્રૂટર્સ માટે પણ ફાયદો છે. ભારતમાં સ્ટાર્ટ અપ્સમાં પંદરેક હજાર જેટલા લોકોની છટણી થઇ છે તો એડ-ટૅકમાંથી પણ લોકોને ઘર ભેગા કરાયા છે. છતાં ય એક હાશકારો એ છે કે જે પારંપરિક સોફ્ટવેર સર્વિસ ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ ટૅક ટેલેન્ટની ભરતી થતી હોય છે ત્યાં બધું સ્થિર અને સલામત છે. પરફોર્મન્સ નબળું હોવાને કારણે નોકરી ગુમાવવા સિવાય કર્મચારીઓને છટણી નથી ભોગવવી પડી. ટૅક કંપનીઓએ ઉત્સાહમાં કરેલી ભરતીઓ હવે છટણીમાં ફેરવાઇ રહી છે પણ જો મંદીનો ફટકો વધુ મોટો હશે તો આ સંજોગો વરવાં થઇ શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ડિસેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—173

દીપક મહેતા|Opinion - Opinion|4 December 2022

યુરપ–અમેરિકા કરતાં પહેલાં કોફી આવી હિન્દુસ્તાનમાં

ચિકમગલૂરના સૂફી સંત લાવ્યા કોફીનાં લીલાં બીજ      

આ વાત છે એક બાબાની. ના, ના, બેબી-બાબાવાળા બાબાની નહિ, હોં. પણ એક સૂફી સંત બાબાની. એમનું નામ બાબા બુદાન. કહે છે કે હિંદુ અને મુસ્લિમ, બંને કોમના લોકોને તેમનામાં અપાર શ્રદ્ધા. બાબા ગયા હજ કરવા. મક્કા શરીફથી પાછા ફરતાં ગયા યમન. અને ત્યાં તેમણે એક અજબગજબનું પીણું પહેલી વાર પીધું. પીધું અને એના ચાહક બની ગયા. થોડા દિવસ યમનમાં રહ્યા ત્યાં સુધી તો સવાર, બપોર, સાંજ, બસ એક જ ધૂન, પેલા પીણાની. ગરમ ગરમ પીઓ તો દિલ ને દિમાગ તરબતર થઈ જાય.


કોફી પીતા બાબા બુદેન

પણ પછી માદરે વતન પાછા ફરવાનો વખત આવી પૂગ્યો. ત્યારે બાબાના મનમાં એક જ વાત ઘૂંટાયા કરે : માદરે વતન તો જઈશ, પણ ત્યાં તો આવું પીણું કોઈએ જોયું-જાણ્યું નથી. એના વગર કેમ રહેવાશે. છેવટે સંત-બાબાને ન છાજે એવો નિર્ણય લીધો : આ પીણું જેમાંથી બને છે તેનાં સાત બીજ સાથે લઈ જાઉં. મારા ઘર પાસે એક ટેકરી છે તેના પર એ બીજ વાવી દઈશ. બસ, પછી તો રોજેરોજ મારું મનગમતું પીણું હાજર! પણ સાત બીજ લઈ જવાં કેવી રીતે? એ છોડનાં બીજ યમનની બહાર લઈ જવા પર તો આકરો પ્રતિબંધ હતો. કોઈ પકડાય તો તેને તાબડતોબ મળે સજા એ મોત!

એવું તે શું હતું એ બીજમાં? એ બીજમાંથી જે પીણું બનતું તે આખી દુનિયામાં બીજે ક્યાં ય થતું નહિ. હા, તમે એ બીજને શેકીને, ભરડીને ભૂકો કરીને, દેશની બહાર લઈ જઈ શકો. બલકે એવો ભૂકો આસપાસના દેશોમાં મોકલવાનો તો અહીં ધીકતો ધંધો ચાલતો હતો. હા, યરપ-અમેરિકા, કે એશિયાના દેશો સુધી એ પહોંચ્યો નહોતો. એ ભૂકાની નિકાસમાંથી પુષ્કળ કમાણી થતી. એટલે બીજા કોઈ દેશમાં એ છોડ ઉગાડીને તેનો ભૂકો બનાવે કે વેચે નહિ એટલા માટે તેનાં બીજને દેશની બહાર લઈ જવા સામે મનાઈહુકમ.

ઘણી ગડમથલ પછી બાબાએ મનોમન ગાંઠ વાળી : પરવરદિગાર, તારે આશરે છું. આ છોડનાં સાત લીલાં બીજ મારી લાંબી દાઢીમાં છુપાવીને માદરેવતન લઈ જઈશ. મારા પર રહેમ નજર રાખજે અલ્લા! અને તેમની બંદગી ફળી. એક તો સૂફી સંત બાબા. લાંબી દાઢી તેમને ન હોય તો કોને હોય? બંદર પરના ચોકિયાતોને કાંઈ વહેમ પડ્યો નહિ. અને પેલાં સાત બીજ લઈને બાબા સુખરૂપ આવી ગયા પોતાને વતન : આજના કર્ણાટક રાજ્યના ચિકમગલૂર ગામે. ત્યાં એક ટેકરીની તળેટીમાં બાબાનો વાસ. બાબા ગયા પાસેની ટેકરી પર અને પેલાં સાતે બીજ વાવી દીધાં ત્યાંની ફળદ્રુપ જમીનમાં. જોતજોતામાં સાત છોડ ઊગી નીકળ્યા. અને પોતાના મનને લોભાવનારું ગરમાગરમ પીણું બાબા દિવસમાં બે-ત્રણ વાર પીવા લાગ્યા, રોજ. અડોશપડોશનાંને પણ પીવા આપે. બધા ખુશ ખુશ. કેટલાક તો બાબા પાસેથી માગીને એ છોડનાં બીજ લઈ ગયા અને પોતાની ભોમકામાં વાવ્યાં. અને રોજ મન ભરીને તેનું પીણું પીતા જાય અને સંત બાબાને દુઆ દેતા જાય.

કોફી કન્યા – ૧૮૫૭માં જોન ફ્રેડરિક લૂઈએ દોરેલું ચિત્ર

એ પીણું તે કોફી. દેશમાં પહેલવહેલી વાર જ્યાં કોફીના છોડ ઉગાડવામાં આવ્યા તે ચિકમગલૂર એટલે આપણા દેશની કોફીનું પિયર. આજે અહીં જ આવેલી છે સેન્ટ્રલ કોફી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, જેની સ્થાપના છેક ૧૯૨૫માં ડો. લેસ્લી કોલમને કરી હતી.

યરપ-અમેરિકામાં કોફી પહોંચી તે પહેલાં, છેક સોળમી સદીમાં કોફી આવી ગઈ હતી હિન્દુસ્તાનમાં. અને એનું પહેલું થાણું હતું ચિકમગલૂર. તેના નામનો અર્થ થાય છે ‘નાની દીકરીનું ગામ.’ નજીકની એક ટેકરીનું નામ છે બાબા બુધન ટેકરી. અને તેની તળેટીમાં આવેલી ગુફામાં બાબાનું થાનક આવેલું છે. ૧૯૭૮ના ઓક્ટોબરમાં આ જ ગામે દેશના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેર્યું. કટોકટી કાળ પછીની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી હારી ગયેલાં. ૧૯૭૮ની ચિકમગલૂરની પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયાં ત્યારે બાબાની ગુફામાં જતાં પહેલાં ઈન્દિરાજીએ પગમાં પહેરેલાં હવાઈ ચંપલ પણ આગ્રહપૂર્વક કાઢી નાખેલાં. ચૂંટણીમાં ૭૦ હજાર મતની સરસાઈથી તેઓ જીત્યાં. અને એ પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ The rest is history.

પ્રિય વાચક! તમને થતું હશે કે આજે આ મુંબઈ નગરીની ગાડી કર્ણાટક તરફ કેમ દોડી રહી છે? એનું કારણ છે આ : અઢારમી અને ઓગણીસમી સદીમાં જેમ જેમ મુંબઈમાં વેપાર-ધંધા ફૂલતા ફાલતા ગયા તેમ તેમ મુંબઈ બહારથી કામદારોનાં, ગુમાસ્તાઓનાં, મજૂરોનાં, ટોળેટોળાં મુંબઈમાં ઠલવાતાં ગયાં. અને આ લોકો પોતાની ટેવો, પોતાના ગમાઅણગમા, પોતાની ખાસિયતો, સાથે લેતા આવ્યા. જ્યાં જ્યાં ગુજરાત કે મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાંથી લોકો મુંબઈ આવતા ગયા ત્યાં ત્યાં ચાની દુકાનો શરૂ થઈ, ખાણાવળ કે વીશીઓ શરૂ થઈ. તેમ દક્ષિણ ભારતના લોકો આવીને જ્યાં વસ્યા ત્યાં, ખાસ કરીને માટુંગામાં, કોફીની દુકાનો શરૂ થઈ. મુંબઈની સૌથી જૂની સાઉથ ઇન્ડિયન હોટેલ માટુંગામાં શરૂ થઈ એ કાંઈ અકસ્માત નહોતો.

અને યાદ રહે કે આજના કર્ણાટક રાજ્યનો કેટલોક ભાગ અગાઉ બોમ્બે પ્રેસિડન્સીમાં હતો. એટલે આજના કર્ણાટક સાથે એ વખતે મુંબઈ શહેરને ઘરોબો. હજારો લોકો વતન કર્ણાટક છોડી મુંબઈ આવ્યા, અને સાથે પોતાની ખાણીપીણીની વસ્તુઓ, રસમો લેતા આવ્યા. અને છતાં, ચાનો પ્રચાર અને પ્રસાર જેટલી ઝડપથી થયો એટલી ઝડપથી કોફીનો ન થયો. હજી ગઈ સદીના મધ્ય ભાગ સુધી મધ્યમ વર્ગનાં ગુજરાતી-મરાઠી ઘરોમાં કોફીનો વપરાશ ભાગ્યે જ થતો. ઘણાં ઘરોમાં તો એવી માન્યતા કે કોફી તો માંદા માણસને અપાય. એ કાંઈ સાજાસારાનું પીણું નહિ.

કોફી લેવા અગાઉ તો કોફીની દુકાને જવું પડતું. ત્યાં કોફીનાં ભૂંજેલાં બીજ અથવા બુંદ શણની નાની નાની ગુણોમાં ભરેલાં પડ્યાં હોય. દુકાનમાં હોય કોફી દળવાનું મશીન. પહેલાં તો આ મશીન હાથથી જ ચલાવવાં પડતાં. પછીથી ઇલેક્ટ્રિક મશીન આવ્યાં. ઘરાક બુંદ પસંદ કરે એટલે દુકાનદાર જરૂરી બુંદને કોફી ગ્રાઈન્ડરમાં ઉપરથી ઓરે. પછી હાથ વડે હેન્ડલ ચલાવીને બુંદને દળે. સાહેબ! આ રીતે બુંદ દળાતા હોય ત્યારે શી એની સુગંધ! બ્રાઉન પેપરની કોથળીમાં ભરેલી કોફી લઈને ઘરે પહોંચો ત્યારે આખું ઘર કોફીની માદક મહેકથી છલકાઈ જાય!

પણ એ કાંઈ આજની ઇન્સ્ટન્ટ કોફી નહિ, હો. એકલા દૂધમાં કે દૂધ-પાણીમાં ઉકાળવાની. આપણને ખાંડ વગર તો ચાલે જ નહિ એટલે ખાંડ પધરાવવાની. ચાની જેમ ગરણીથી ગાળીને કપમાં રેડવાની. ના જી. ત્યારે હજી જાતભાતના આકારના નાના-મોટા કોફી મગનું ચલણ નહિ. એટલે કપમાં જ પીવાય. કોઈને ઘરે જાવ અને કહો કે હું ચા નથી પીતો, કોફી જ પીઉં છુ તો તો છાકો પડી જાય. કોઈ વળી ઉકાળતી વખતે તજ કે લવિંગનો ભૂકો થોડો ઉમેરે, પણ એકંદરે કોફી લજામણીના છોડ જેવી. બીજું કશું અડકે તો એનો સવાદ સોસવાઈ જાય.

હાથ વડે કોફી દળવાનું મશીન

આપણા દેશમાં કોફીની બાબતમાં ૧૯૬૮ની આસપાસ મોટું પરિવર્તન આવ્યું – ઇન્સટન્ટ કોફી. હવે બુંદ દળાવીને ઘરે લાવવાની જરૂર નહિ. કોફી ઉકાળવાની માથાકૂટ નહિ. કપ કે મગમાં – હા, ત્યાં સુધીમાં કોફી મગનું ચલણ શરૂ થઈ ગયું હતું – જરૂર પ્રમાણે પાઉડર નાખો. ઉપરથી રેડો ગરમ ગરમ દૂધ, કે દૂધ-પાણી, કે એકલું પાણી. ખરા ખાનદાન શોખીનો કોફીમાં ખાંડ ક્યારે ય ન નાખે. પણ આપણે તો ચમચી – બે ચમચી ઠઠાડી દઈએ. માનશો? આ ઇન્સ્ટન્ટ કોફી અસ્તિત્વમાં આવી બીજા વિશ્વયુદ્ધને કારણે, એ યુદ્ધ દરમ્યાન. રણમોરચે લડતા સૈનિકોને કોફી વગર તો કેમ ચાલે? પણ દળેલી કોફી, ખાંડ, દૂધનો પાઉડર, બધું જૂદું જૂદું પહોંચાડવાનું ઘણું મુશ્કેલ અને ખરચાળ. પહોંચાડતાં ટાઈમ પણ ખાસ્સો લાગે. તો કરવું શું? આ બધું ભેગું કરી બનાવો એનો કાઢો. ગરમાગરમ, ગોળ ગોળ ફરતા ડ્રમ પર છાંટો એ કાઢો. મળે એકદમ બારીક ભૂકી. વજન પણ ઘણું ઘટી જાય. એ ભૂકો મોકલાય રણમેદાન પર. સૈનિકો તેમાં ગરમ ગરમ પાણી ઉમેરે એટલે મજ્જાની કોફી તૈયાર. આ રીતે લશ્કર માટે શોધાયેલી કોફી પછી તો લોકોની પણ ફાવતી અને મનભાવતી બની ગઈ. કેટલાં ય વરસ સુધી આપણા દેશમાં માત્ર બે વિદેશી કંપની જ આવી કોફી બનાવતી. હવે બીજી સ્વદેશી કંપનીઓ પણ બનાવે છે. આ કોફીમાં પણ હવે વિવિધતા જોવા મળે : ચીકોરી ઉમેરેલી, પાઉડર કે ગ્રેન્યુલેટેડ, વગેરે. બીજા કેટલાક દેશોમાં આવી કોફીમાં દૂધનો પાઉડર પણ ઉમેરેલો હોય છે. આપણે ત્યાં એવી કોફી પ્રચલિત થઈ નથી.

ભક્ત કવિ દયારામે ગયું છે : ‘એક વર્યો ગોપીજનવલ્લભ, નહિ સ્વામી બીજો.’ દક્ષિણ ભારતમાં જ નહિ, આખા દેશમાં લાખો લોકો એવા હશે કે જે મદ્રાસ ફિલ્ટર કોફી સિવાયની બીજી કોઈ પણ કોફીને કહેતા હોય : એક વર્યો હું ફિલ્ટર કોફી, નહિ કોફી બીજી.’ દક્ષિણ ભારતની ખાસિયત જેવી આ કોફીને દેશમાં લોકપ્રિય બનાવવાનું કામ કર્યું ૧૯૪૦ના અરસામાં શરૂ થયેલા ઇન્ડિયા કોફી બોર્ડનાં ઠેર ઠેર શરૂ થયેલાં ઇન્ડિયા કોફી હાઉસે. આ ફિલ્ટર કોફી પછી ગઈ મલયેશિયા અને સિંગાપુર. આજે તો યુરપ અમેરિકામાં પણ શોધો તો ફિલ્ટર કોફી મળી રહે.

અંગ્રેજીમાં કોફી શબ્દ પહેલી વાર વપરાયો ૧૫૮૨માં. મૂળ શબ્દ અરબી ભાષાનો ‘કાહવા.’ ટર્કિશમાં એ બન્યો કાહવે. આપણી ભાષામાં ‘કાવો’ શબ્દ ઉકાળો, કાઢો, કવાથના અર્થમાં વપરાય છે. ભગવદ્ગોમંડળ કોશ એક અર્થ આ પણ નોંધે છે : “બૂંદદાણાનો કાઢો, મીઠું નાખીને તૈયાર કરેલું પીણું.” અને છેલ્લી એક વાત : ગ્રેટ બ્રિટનના સામ્રાજ્યવાદ કે અમેરિકાના મૂડીવાદના દુશ્મનો પણ કશા ક્ષોભ-સંકોચ વગર ચા-કોફી પી શકે તેમ છે. કારણ એ બંને આપણા દેશમાં બ્રિટન-અમેરિકાથી આવ્યાં નથી, ચીન અને અરબસ્તાનથી આવ્યાં છે. વધુ પીણાંની વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx  

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 ડિસેમ્બર 2022 

Loading

સર્જકતા સાથે સમાધાન એટલે પોતાના અંતરાત્મા સાથે સમાધાન

રમેશ ઓઝા|Opinion - Opinion|4 December 2022

આ જગતમાં ઐશ્વર્યવાનોની બે પ્રકારની જમાત હોય છે. એકને અંગ્રેજીમાં કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દરેક યુગની, દરેક દેશની અને દરેક સમાજની વાસ્તવિકતા છે. એનાં પ્રમાણમાં વધઘટ થાય, પણ એ હોવાની તો ખરી જ. 

ઐશ્વર્યવાન એ છે જેને બોલતા આવડે છે, લખતા આવડે છે, જેનામાં સર્જકતા છે, સારી કૃતિ રચી શકે છે, ભજવી શકે છે, જે આપણાં કરતાં અનોખી રીતે દુનિયા નિહાળી શકે છે વગેરે. આ ઈશ્વરદત્ત સામર્થ્ય છે જે દરેકનાં નસીબમાં નથી હોતું એટલે પ્રજા તેમના તરફ આદરભાવથી અને કુતૂહલથી જુએ છે. કોઈ વાત, વિચાર કે વાસ્તવ આપણે કલ્પના પણ ન કરી હોય એવી કોઈક અનોખી કલ્પકતા દ્વારા સર્જક પોતાનાં માધ્યમ દ્વારા રજૂ કરે છે ત્યારે આપણે આફરીન થઈ જઈએ છીએ. પણ આવા લોકો સમક્ષ સર્જકતાની ઘડીનું એક સંકટ હોય છે જેનાં આપણે સાક્ષી નથી હોતા. એ પસંદગીનું સંકટ હોય છે, વિવેકનું સંકટ હોય છે. શું પસંદ કરવું; નિર્ભેળ સર્જકતા કે પછી ભાવક, સત્તાધીશ અને બજાર? આ હમણાં કહ્યું એમ દરેક યુગની, દરેક દેશની અને દરેક સમાજની વાસ્તવિકતા છે.

જે સર્જક પોતાનાં અંતરાત્માને અને પોતાની સર્જકતાને વફાદાર રહે છે અને ભાવકની પસંદગીનો, સત્તાધીશની જરૂરિયાતનો અને બજારમાં શું વેચાશે તેની ચિંતા નથી કરતો એવા સર્જકોની જમાતને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે અને જે લોકો આવી બધી ચિંતા કરે છે એવા લોકોને કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ બીજા પ્રકારની જમાતને પ્રવાહપતિત જમાત તરીકે ઓળખાવી શકાય. તેઓ સમાજ, શાસક અને બજારને નજરમાં રાખે છે અને તેમને જે જોઈતું હોય એ આપે છે. તેઓ પોતાની સર્જકતા સાથે સમાધાન કરે છે અને એ રીતે પોતાના અંતરાત્મા સાથે સમાધાન કરે છે. પરંતુ કેટલાક સર્જકો એવા પણ હોય છે જે સમાધાનો કરતા નથી. તેઓ જાણીબૂજીને સાહસ બતાવવા સામે પ્રવાહે તરે છે એવું નથી, પણ પ્રવાહની ચિંતા નથી કરતા. તેમનો અંતરાત્માનો અવાજ અને તેની સર્જકતાનો પુકાર તેમને તેમ કરતાં રોકે છે. સમયના ધસધસતા પ્રવાહમાં બન્ને કિનારે સમાજ સતત આકાર પામતો રહેતો હોય છે અને સતત આકાર બદલાતો રહેતો હોય છે એમાં સહેજે નજરે નહીં પડતા છાના ખૂણાઓ તેઓ શોધે છે. અથવા સ્થૂળપણે નજરે પડતું ભારીભરકમ વાસ્તવ બૂમબરાડા પાડીને જે વાસ્તવિકતાઓને છૂપાવે છે એને તે ખાસ શોધે છે.

કૉન્ફરમીસ્ટ હોવાને અને નોન – કૉન્ફરમીસ્ટ હોવાને લીધે સર્જકતા ઉપર કોઈ સારી-નરસી અસર થાય ખરી? થાય, અવશ્ય થાય. જેટલું પ્રવાહપતિતતાનું પ્રમાણ વધારે એટલી તેની અસર વધુ થાય. અંગત જીવનમાં ગામના ઉતાર જેવો નીચ અને વિચિત્ર માણસ અદ્ભુત કૃતિ આપી શકે જો એ નોન – કૉન્ફરમીસ્ટ હોય તો અને અંગત જીવનમાં સજ્જન અને ઠાવકો માણસ મીડિયોકર કૃતિ આપશે જો એ કૉન્ફરમીસ્ટ હોય તો. શ્રેષ્ઠ કૃતિને સર્જકના ચારિત્ર્ય સાથે સંબંધ નથી પણ કૉન્ફરમીસ્ટ હોવા ન હોવા સાથે અવશ્ય સંબંધ છે. એવું બને કે કેટલાક સર્જકો પ્રવાહને અને પ્રવાહે પેદા કરેલા સ્થાપિત હિતોને ભલે પડકારે નહીં, પણ તેમાં વહે પણ નહીં. તેઓ સમાંતરે પ્રવાહપતિત થયા વગર પોતાનું કામ કરતા રહે છે. અદ્ભુત કૃતિ તેમની પાસેથી પણ મળી શકે અને મળે છે. પણ કૉન્ફરમીસ્ટ લોકો અદ્ભુત કલાકૃતિ રચી શકે એ સંભવ નથી. નજર હટી કે દુર્ઘટના ઘટી એના જેવું છે. સર્જકતાની ક્ષણે ભાવકની સંખ્યા, તેનાં ગમાઅણગમા, શાસકનો ચહેરો અને તેની જરૂરિયાત તેમ જ બજારની યાદ આવી કે કૃતિ અભડાઈ ગઈ સમજો.

અને સર્જક જો જાણીબૂજીને, લાભ જોઈને, ગણતરીપૂર્વક સત્તાને શરણે જાય તો ત્યાં સર્જકતાનું હોવું અસંભવ છે. સત્તા માત્ર શાસકો જ ધરાવે છે એવું નથી; ભાવકોની સંખ્યા ધરાવે છે, ધર્મગુરુઓ ધરાવે છે, સમાજના ઠેકેદારો ધરાવે છે, કુબેરપતિઓ ધરાવે છે, મીડિયાના માલિકો ધરાવે છે અને બજારને ચલાવનારાઓ પણ ધરાવે છે. જે સર્જક પોતાની સર્જકતાને સ્થાપિત હિતોને શરણે ધરીને તેમને માટે કામ કરે છે એ ક્યારે ય સારી કૃતિ ન આપી શકે.

હવે ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મની વાત. કેટલાક સાહિત્યકારો અને સર્જકો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમના માટે કામ કરતા આવ્યા છે. ગુજરાતમાં તેમને લાભાર્થીઓ તરીકે ઓળખાવવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી લાભાર્થીઓનો દાયરો મોટો થયો. કોઈ બાળ નરેન્દ્રની કથા લખે, કોઈ વળી ‘મામા મોદી મામા મોદી’ જેવું પ્રશસ્તિ ગીત લખીને ‘ચાચા નેહરુ’ને પદચ્યુત કરવાનો પ્રયાસ કરે. (નેહરુના નસીબ કે વડા પ્રધાનને મામા બનવું ગમ્યું નહીં એટલે એ પ્રશસ્તિ ગીત સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવ્યું અને ચાચા નેહરુ બચી ગયા) કોઈ કવિતા રચે, કોઈ તેમની આરતી ઉતારતા ગીતો કંપોઝ કરે અને ગાય વગેરે. ફિલ્મ નિર્માણમાં ખર્ચો ઘણો મોટો હોય છે એટલે તેને માટે ખાસ આર્થિક વ્યવસ્થા કરવામાં આવે છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ આવી એક દેશના નાગરિકોને ડરાવવા માટે અને રુદન કરાવવા માટે ખાસ બનાવવામાં આવેલી ફિલ્મ છે.

હવે સ્થાપિત હિતોની ભાટાઈ કરનાર ભાટ પોતાને કાલિદાસ સમજવા લાગે તો શું થાય? તેને એમ સમજવાનો અધિકાર છે, પણ સમાજ તેને કાલિદાસ તરીકે સ્વીકારે એવો આગ્રહ રાખે તો શું થાય? તો એવું થાય જેવું ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં થયું. ફિલ્મ ઇનામને લાયક છે કે નહીં એ નક્કી કરનારી જ્યુરીના ઈઝરાયેલી અધ્યક્ષે કહ્યું કે આ કોઈ ફિલ્મ છે? તેમણે અંગ્રેજીમાં ‘કાશ્મીર ફાઈલ્સ’ને પ્રચારાત્મક (પ્રોપેગેન્ડા) અને ફૂહડ (વલ્ગર) ફિલ્મ તરીકે ઓળખાવી અને પ્રશ્ન કર્યો કે આવી કલાત્મક ધોરણે જાડી અને અસહ્ય ફિલ્મ અહીં સુધી પહોંચી કઈ રીતે? એવો તમતમતો તમાચો પડ્યો કે લાબોનો બધો નશો ઊતરી ગયો હશે!

તમે કોઈની પગચંપી કરો એ તમારા અંતરાત્માનો સવાલ છે, પણ પોતાના અંતરાત્માનો સોદો કરનારાઓ પાછા પોતાને સત્યજીત રાય સમજવા લાગે ત્યારે આવું થાય. એમાં જો કે તેમનો વાંક નથી. જેમ ભાટ સર્જકો છે એમ ભાટ સમીક્ષકો, ભાટ ભાવકો અને ભાટ પ્લેટફોર્મ્સ પણ છે, જેમણે ભાટબંધુઓના મનમાં ભ્રમ ઘૂસાડી દીધો કે તમે સત્યજીત રાય કરતાં જરા ય ઓછા નથી. અને કદાચ એવું પણ બન્યું હોય કે લાભાર્થી ભાટોને એમ લાગ્યું હોય કે આપણા શાસકની આણ સરહદ વટાવી ગઈ છે એટલે તેઓ તેમને સત્યજીત રાય તરીકે સ્થાપિત કરી આપશે. સાહેબ માટે શું અસંભવ છે?

હમણાં વિક્રમ સંપત નામના કોઈ માણસે વિનાયક દામોદર સાવરકરનું અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું અને તેને પેન્ગ્વીન જેવી પ્રકાશનસંસ્થાએ પ્રકાશિત કર્યું. પેગ્વિનનું પ્રકાશન હતું એટલે પુસ્તક વિદ્વાનોની નજરમાં આવ્યું પણ પછી જોવા મળ્યું કે એ જીવનચરિત્રમાં પુષ્કળ ઉઠાંતરી કરવામાં આવી છે અને પરસ્પર વિરોધી વિધાનો કરવામાં આવ્યાં છે. વિદ્વાન સમીક્ષકોએ ‘કાશ્મીર ફાઈલ્સ’ની જેમ એને પણ એક પ્રોપેગેન્ડા અને ફૂહડ કૃતિ જાહેર કરી અને કેટલાકે તો તેની ઠેકડી ઉડાડી. સ્થિતિ એવી બની કે સરકાર અને લાભાર્થીઓએ બન્નેએ વિક્રમ સંપતની પડખે આગળ આવવું પડ્યું અને એમ કહીને કે બીજા દૃષ્ટિકોણનો પણ આદર કરવો જોઈએ. તેમની વાત સાચી છે, બીજા દૃષ્ટિકોણની પણ કદર કરવી જોઈએ, પણ ઉઠાંતરી અને પરસ્પર વિરોધી અને વિસંગત વિધાનો દ્વારા? આ દૃષ્ટિકોણ કહેવાય? બિચારાઓને થયું હશે કે ગાંધીજી વિષે એક લાખ પુસ્તક લખાય, નેહરુ વિષે સો કરતાં વધુ પુસ્તક લખાય, ઇન્દિરા ગાંધી ઉપર ત્રીસ કરતાં વધુ પુસ્તક લખાયાં હોય, ભગતસિંહ વિષે પચીસેક પુસ્તકો લખાયાં હોય, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ વિષે અંગ્રેજીમાં ધોરણસરનાં અને પ્રતિષ્ઠિત પ્રકાશકો દ્વારા પ્રકાશિત પુસ્તકો હોય ત્યારે બિચારા સાવરકર વિષે ફાંકડા અંગ્રેજીમાં અને પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થા દ્વારા પ્રકાશિત એક પણ પુસ્તક ન હોય!

સાવરકર ઉપરનું પુસ્તક પેંગ્વિન દ્વારા પ્રકાશિત કરાવવામાં ન આવ્યું હોત તો ધુલાઈ ન થાત. ‘કાશ્મીર ફાઈલ્સ’ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં મોકલવામાં ન આવી હોત તો ધુલાઈ ન થાત.

તો સત્ય પહેલું સત્ય એ છે કે જેઓ લાભ ખાતર પોતાનાં સર્જન સાથે સમાધાનો કરે છે એ ક્યારે ય મહાન કૃતિ ન આપી શકે. ગુલામી અને સર્જકતા પરસ્પર વિરોધી છે. કાં કોઈની આંગળી પકડો અને કાં સર્જકતાના સ્વતંત્ર માર્ગે ચાલો. બીજું સત્ય એ કે જેમને ગુલામી કરવી છે એ ખુશીથી કરે, પણ તેમણે પછી સત્યજીત રાય, નિરાલા કે રામચન્દ્ર ગુહા હોવાનો ભ્રમ પણ ન પાળવો જોઈએ. જો એવી ચેષ્ટા કરવામાં આવે તો સર્જકોની અને પંડિતોની સભામાં નાક કપાવીને આવવું પડે, જેનો અનુભવ વિવેક અગ્નિહોત્રીને સર્જકોની સભામાં અને વિક્રમ સંપતને પંડિતોની સભામાં થયો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ડિસેમ્બર 2022

Loading

...102030...1,3111,3121,3131,314...1,3201,3301,340...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved