Opinion Magazine
Number of visits: 9458411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“અખંડ હિન્દુસ્તાન સાથે કોઈ ડાહ્યો માણસ છેડછાડ ન કરે”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2022

સ્વતંત્ર ભારતમાં એક ધારણા સમય સમય પર ચર્ચા-વિચારણાનો મુદ્દો બનતી રહે છે અને તે છે, અખંડ ભારતની કલ્પના. આમ તો તેની કલ્પના પ્રાચીન કાળ સુધી જાય છે, પરંતુ રાજકીય અર્થમાં તેની ચર્ચા સ્વતંત્રતા ચળવળ વેળા જોરશોરથી થઇ હતી. ભારતનું વિભાજન કેવી રીતે થયું અને મુસ્લિમ લીગે કેવી તેની વાત મનાવી તે ઇતિહાસ તો જાણીતો છે, પરંતુ ભારતના ટુકડા નહીં થવા દેવાની લડાઈ પણ બહુ જોશ સાથે લડાઈ હતી, તેની વાત બહુ થતી નથી. હિંદુ અને મુસ્લિમ બંને પક્ષે એવા નેતાઓ હતા, જે ‘સમિશ્રિત રાષ્ટ્રવાદ’માં માનતા હતા અને કહેતાં હતા કે ભારતમાં રાષ્ટ્રવાદને ધર્મના આધારે નક્કી કરી ન શકાય.

એક માન્યતા એવી છે કે બ્રિટિશરોએ તેમનું પ્રભુત્વ ચાલુ રહે તે માટે જાણીબૂઝીને વિભાજનની વાતને ટેકો આપ્યો હતો. તેમાંથી જ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ વિકસી હતી. પ્રાચીન ગ્રીસ અને રોમમાં મૂળ તો આ એક લશ્કરી વ્યૂહરચના હતી; ભાગલા પાડો અને હુમલો કરો. દુશ્મનને નબળો પાડવો હોય તો તેને અલગ-અલગ જૂથ કે સ્થાનો પર વહેંચી દેવો. બ્રિટિશરોએ ભારતમાં તેને રાજકીય વ્યૂહરચના બનાવી દીધી હતી.

અંગ્રેજો આઝાદીની ચળવળને નબળી પાડવા માંગે છે અને ભારતીયોને ધર્મના નામે વહેંચવા માગે છે તેની જાણ બહુ વહેલી થઇ હતી, અને એટલાં માટે જ સ્વતંત્રતાની લડાઈની સાથોસાથ અખંડ ભારતની લડાઈ પણ ચાલતી હતી. તેના સમર્થકો હતા મહર્ષિ અરવિંદ, મહારાજા સયાજી રાવ ગાયકવાડ,  મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઈના પ્રભાવમાં ઉછરેલા રાજકારણી અને લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી.

મુનશી કાઁગ્રેસના કાર્યકર હતા અને મહાત્મા ગાંધીના અહિંસક અંદોલનના સમર્થક હતા, પરતું સ્વતંત્ર પાકિસ્તાનની માંગણી બળવત્તર બની, ત્યારે તેમણે મુસ્લિમોને તેમની માંગણી ત્યજી દેવાની ફરજ પાડવા માટે ગૃહયુદ્ધની વકાલત કરી હતી. એમાં તેમણે ‘અખંડ હિન્દુસ્તાન’ની અલગ ચળવળ શરૂ કરી હતી. એમ તો મહાત્મા ગાંધી પણ માનતા હતા કે  સુધી હિંદુ-મુસ્લિમ એક થઈને નહીં રહે ત્યાં સુધી અંગ્રેજોને તગેડી મુકવાનું શક્ય નહીં બને. મુનશીએ કાઁગ્રેસમાંથી રાજીનામું આપીને અખંડ હિન્દુસ્તાન નામના સંગઠનની રચના કરી હતી. 1944માં દિલ્હીમાં અખંડ હિન્દુસ્તાનના નેતાઓની એક કોન્ફરન્સ પણ મળી હતી.

એનાથી પણ આગળ, 1937માં અમદાવાદ ખાતે હિંદુ મહાસભાના 19માં અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકરે ‘અખંડ ભારત’નો પ્રસ્તાવ મુક્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, “કાશ્મીરથી રામેશ્વરમ્‌ અને સિંધથી આસામ સુધીના તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે અને તેમની એક સમાન ફરજો અને કર્તવ્યો હશે, જાત-પાત, ધર્મ જોયા વગર યોગ્યતા પર તેમનું પ્રતિનિધિત્વ હશે.”

1940થી 1946 વચ્ચે મુનશી અને સાવરકર બંને સક્રિય રીતે અંખડ ભારતનો પ્રચાર કરતા હતા. તે સમયનું મુનશીનું એક ભાષણ યાદગાર છે :

“અખંડ હિન્દુસ્તાન એક જીવંત વાસ્તવિકતા છે, કોઈ ડાહ્યો માણસ તેની સાથે છેડછાડ ન કરે. ભારતની એકતા પર કોઈ દલીલને સ્થાન નથી. તેના વિઘટન પર કોઈ સમજૂતી શક્ય નથી. કોઈ જબરદસ્તી, કોઈ આપદા અને ગમે તેટલી યાતનાસભર ગુલામી આવા વિચ્છેદન માટે અમને મનાવી નહીં શકે. અમરનાથથી રામેશ્વર અને દ્વારકાથી કાલીઘાટ સુધી આ જમીન એક અને અવિભાજ્ય છે. ત્રીસ સદીઓના ભારતીયોના બલિદાનથી તે પવિત્ર બનેલી છે. આ એક એવું મંદિર છે જેમાં આપણા ઈશ્વરોની પૂજા થાય છે. એ ભારતના સપૂતોની આશા છે; અને તે અનંત સુધી અડીખમ રહેશે.” ગાંધીજીના ‘હરીજન’ પત્રમાં આ ભાષણ છપાયું હતું.

21મી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપની જે વાસ્તવિકતા છે, તેમાં ‘અંખડ ભારત’ની કલ્પના કેવી રીતે સાકાર થાય તે કોઈ સ્પષ્ટ જવાબ વગરનો પ્રશ્ન છે, પરંતુ સ્વતંત્રતા પહેલાં ઘણા બધા નેતાઓ-વિચારકોને આ સંભવ લાગતું હતું, કારણ કે તેમને મન અખંડ ભારત એટલે પ્રાચીન ભૌગોલિક ભારત નહીં, પણ હિંદુ-મુસ્લિમ એકતાવાળા ભવિષ્યના ભારતની વાત હતી. ભારતના વિભાજનનો વિકલ્પ તો બહુ છેલ્લે અને નાછૂટકે આવ્યો હતો. એ પહેલાં અંગ્રેજો સામે હિંદુ-મુસ્લિમોને એક કેમ કરવા તે જ પહેલી પ્રાથમિકતા હતી.

‘પિલિગ્રીમેજ ટૂ ફ્રીડમ’ નામના પુસ્તકમાં મુનશી એક ઠેકાણે લખે છે, “સન 1947માં હું અને સરદાર પટેલ જી.ડી. બિરલાન મહેમાન બન્યા હતા. સરદાર પટેલ રોજ સવારે ચાલવા જતી વેળા દરમિયાન અનેક વિષયો પર વાત કરતા હતા. એવી જ એક સવારે સરદાર પટેલે મને ચીઢવતા હોય તેમ કહ્યું હતું, ‘અખંડ હિન્દુસ્તાની, મારી વાત સાંભળ! અમે હવે ભારતનું વિભાજન કરવાના છીએ.’ લાગતું હતું કે તેઓ કોઈ સંમેલનમાં ભાગ લઈને આવ્યા હતા. મને ધક્કો લાગ્યો હતો.”

1942માં, મુનશીએ “અખંડ હિન્દુસ્તાન” શીર્ષક હેઠળ એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. તેમાં 1938થી તેમણે જે લેખો લખ્યા હતા, ભાષણો આપ્યાં હતા તેનો સંગ્રહ હતો. “અખંડ હિન્દુસ્તાન”નો તેમનો વિચાર એ માન્યતામાંથી આવ્યો હતો કે મુસ્લિમો ક્યારે ય ભારતનું વિભાજન નહીં થવા દે. પુસ્તકમાં મુનશી એક ટુચકા સાથે તેમની વાત લખે છે :

ભૂતોથી ભરેલા એક ઘરમાં, ભયભીત રહેવાસીઓ રોજ રાતે એક પિશાચી અવાજ સાંભળતાં : “હું આવું છું! હું આવું છું!”

રહેવાસીઓ એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે બ્રાહ્મણને બોલાવીને પૂજા કરી. આવડે એટલી બાધાઓ રાખી. ભૂવાઓ પાછળ પૈસા ખર્ચ્યા.

કોઈ સુધારો ન થયો. બાર વાગે અને પિશાચી અવાજ આવે, “હું આવું છું! હું આવું છું!” અને રહેવાસીઓ તેમના ખાટલામાં ધ્રુજતા રહેતાં.

એક રાતે, ઘરના એક સભ્યની ધીરજ ખૂટી ગઈ. જ્યારે ભૂતે કહ્યું કે “હું આવું છું!” એટલે પેલાએ ચાદર ફગાવી દીધી અને ફાનસ સળગાવીને સામે બૂમ પાડી, “આવ, તારામાં તાકાત હોય તો!”

એ દિવસથી ભૂત કાયમ માટે ઘર છોડી ગયું.

મુનશી લખે છે, “આપણને વારંવાર કહેવામાં આવે છે કે ભારતના ટુકડા કરવા જોઈએ. આપણે જો આ વાત ના માનીએ તો ગંભીર પરિણામોને ધમકી આપવામાં આવે છે. ભૂતાવળવાળા ઘરના રહેવાસીની જેમ, આનો એક જ જવાબ હોય. એ જવાબ રાજેન્દ્ર બાબુએ તાજેતરમાં આપ્યો હતો : ભારત એક છે અને એક રહેશે.”

ભારત કેમ એક રહેશે તેનાં મુનશીએ છ કારણ આપ્યાં હતાં : એક, મુસ્લિમો વિભાજનનો સ્વીકાર નહીં કરે. બે, હિંદુઓ તેમાં ક્યારે ય સહમત નહીં થાય. ત્રણ, રાષ્ટ્રવાદી ભારતની એ માંગણી નથી. ચાર, ભારતીય રાજ્ય, સમગ્રતયા, એમાં વશ નહીં થાય. પાંચ, બ્રિટિશરો એમાં ભાગીદાર નહીં બને, અને છ, વૈશ્વિક સ્થિતિ તેવું થવા નહીં દે.

બદનસીબે, ઘર છોડી ગયેલું એ ભૂત રાક્ષસ બનીને પાછુ આવ્યું હતું અને ઘરનું વિભાજન કરી રહ્યું હતું.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આઝાદીના અમૃતપર્વે દેશ તો આઝાદ છે, પણ દેશવાસીઓ છે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 August 2022

એક સવાલ કાયમ રહ્યો છે કે ભારત પર વિદેશી પ્રજાઓ વેપારને નામે સતત કબજો કરતી જ કેમ આવી? પોર્ચુગીસ, ડચ, અંગ્રેજ, ફ્રેંચ જેવી પ્રજાઓ પહેલાં, મોગલો આવ્યા. આ બધાએ હજારેક વર્ષ દેશ પર રાજ કર્યું. આ પ્રજાઓ ભારતમાં પ્રવેશી ત્યારે તે કૈં લાખોની સંખ્યામાં આવી ન હતી. તે વખતે પણ ભારતમાં એટલા રાજાઓ તો હતા જ કે વિદેશી આક્રમણ ખાળી શકાય, પણ એમ ન થયું. મુશ્કેલી એ હતી કે રાજાઓ વચ્ચે સંપ ન હતો. તેઓ અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા ને એનો લાભ વિદેશી પ્રજાઓએ લીધો. સામેવાળા રાજાને પરાસ્ત કરવા ઘણીવાર વિદેશી પ્રજાની મદદ લેવાઈ. અંગ્રેજી સલ્તનતનો પાયો એ રીતે નંખાયો. અંગ્રેજોએ જોયું કે રાજાઓ વચ્ચે સંપ નથી. એનો લાભ રોબર્ટ કલાઈવે લીધો ને 1757માં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ પૂરો પગદંડો જમાવ્યો. અંગ્રેજી સૂબાઓએ ભારતના જ લોકોનું સૈન્ય ઊભું કરીને ભારતીય પ્રજા પર છોડી મૂક્યું ને એમ આખા દેશને એડી નીચે કચડવાનું ચાલ્યું. એવું ન હતું કે બધા જ નિર્માલ્ય હતા. પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ ને એવા ઘણાં રાજવીઓ વિદેશી સત્તા સામે ઝઝૂમ્યાં, 1857નો બળવો પણ થયો, પણ તે નિષ્ફળ ગયો, એ સાથે જ હિન્દુસ્તાનને કપાળે ગુલામી દૃઢપણે લખાઈ. એ દરમિયાન પણ ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા ઘણા યુવાનોએ અંગ્રેજો સામે બાથ ભીડી, પણ નસીબે ગાળિયો જ આવ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, તિલક, ગોખલે જેવાઓએ વૈચારિક પરિવર્તનનું હવામાન ઊભું કર્યું ને સ્વરાજની ઝંખના તીવ્ર થઈ. 1915માં ગાંધીજી ભારત આવ્યા. એ દક્ષિણ આફ્રિકામાં અપમાનનો સ્વાદ ચાખી ચૂક્યા હતા એટલે એમને રાજકીય પરિસ્થિતિ સમજવાનું સરળ થઈ પડ્યું. ભારત ભ્રમણ દ્વારા એમણે પ્રજાની સ્થિતિ પણ પ્રમાણી. નહેરુ, સરદાર પણ એમની ચળવળમાં સાથે થયા. સુભાષચંદ્ર બોઝને ગાંધીજીનો અહિંસાનો માર્ગ અનુકૂળ ન આવ્યો. એમણે ‘આઝાદ હિન્દ ફોજ’ની રચના કરી ને પોતાની કેડી કંડારી. આ બધાનું પરિણામ એ આવ્યું કે આખો દેશ ગુલામી વિખેરવા તત્પર થઈ ઊઠયો અને 15મી ઓગસ્ટ, 1947ને રોજ ભારતને આઝાદી મળી.

14મી ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું ને 15મી ઓગસ્ટની પહેલી મિનિટે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આઝાદ ભારતના પ્રથમ વક્તવ્યમાં કહ્યું કે મધરાતે વિશ્વ ઊંઘતું હશે ત્યારે ભારત જીવન સ્વાતંત્ર્ય તરફ જાગતું થશે. પણ, આ જાગવું બહુ મોંઘું પડ્યું. દેશ સ્વતંત્ર તો થયો, પણ અખંડ ન રહ્યો. ભારતના ભાગલા થયા ને તે લોહિયાળ પુરવાર થયા. જે નરસંહાર થયો તેમાં 10થી 15લાખ લોકોનો રાક્ષસી રીતે ભોગ લેવાયો ને એકાદ કરોડ લોકો બેઘર થયા. ભાગલાને કારણે થયેલો આટલો સંહાર અભૂતપૂર્વ છે. કોઈ રોગચાળામાં ન મરે એટલા લોકો એકબીજા વડે કપાયાં. આ સંહાર ન રોકી શકાયો એ ભારતીય ઇતિહાસની સૌથી કમનસીબ ઘટના છે. જે ગાંધીજીએ સ્વતંત્રતા ચળવળની આગેવાની લીધી હતી તે આ લોહિયાળ સ્વાતંત્ર્યના પક્ષમાં ન હતા. ઘણું બધું અહિંસક રહેલું સ્વતંત્રતાનું આંદોલન ઓગસ્ટની શરૂઆતમાં જ હિંસક થઈ ચૂક્યું હતું ને તેને માટે અંગ્રેજોની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અને કાઁગ્રેસની ઝૂકીને ભાગલા સ્વીકારી લેવાની ઉતાવળ જવાબદાર હતી. એ વખતે જે લોહી રેડાયું એ બીજી કોઈ પણ હિંસા કરતાં વધારે હોય તો નવાઈ નહીં. એમાં હિન્દુઓ મર્યાં ને મુસલમાનો ય મર્યાં. માણસાઈ હોત તો એ બચી ગયા હોત. એ માણસો એવાં મુક્ત થયાં કે મૃત્યુ પણ એમને રોકી ના શક્યું. એ વખતે જે નફરત જન્મી તે 75 વર્ષ પૂરાં થવા આવ્યાં છતાં ક્યાંક ફણગાયા કરે છે.

એ પછી કાઁગ્રેસે ઘણાં વર્ષ સત્તા ભોગવી. વચ્ચે બીજી સરકારો પણ આવી, પણ કાઁગ્રેસનું વર્ચસ્વ ઘણા દાયકાઓ સુધી રહ્યું. નહેરુની ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ની ભાવના છેતરામણી પુરવાર થઈ ને 1962માં ચીને ભારતને યુદ્ધમાં સંડોવ્યું. પાકિસ્તાન સાથે 1965, 1971માં યુદ્ધ થયું ને એ પછી તો કારગિલ વિજય પણ અનેક શહીદીઓ સાથે ભારતે જોવાનો આવ્યો. એમાં વામન – વિરાટ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને ગુમાવવાનું ય આવ્યું. એમનું મૃત્યુ ‘તાશ્કંદ’ રહસ્ય બનીને જ રહી ગયું. 1975માં આ દેશે કટોકટીનો સામનો કર્યો ને એ ઘટનાએ ઘણા આપખુદી અનુભવો દેશને કરાવ્યા. કાઁગ્રેસના ભાગલા થયા ને બીજા બે વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓ પણ આ દેશે જોવાની આવી. મોરારજી દેસાઇ, અટલબિહારી બાજપાઈ જેવા વડા પ્રધાનોએ પણ જુદો ચીલો ચાતરવા જેવું કર્યું, પણ એમાં ય પ્રાપ્તિ ઓછી જ હતી. મનમોહનસિંહ વડા પ્રધાન થયા ત્યારે લાગ્યું કે દેશને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી વડા પ્રધાન તરીકે મળ્યા છે, તો દેશનું દળદર ફીટશે, પણ બધી શક્તિઓ છતાં તેમને આગવી રીતે કામ કરવાની તકો જ ઓછી રહી. કાઁગ્રેસની છાયામાં મનમોહનસિંહ ઢંકાઈને જ રહી ગયા. 1992માં બાબરી ધ્વંસની ઘટનાએ ઘણાં કોમી રમખાણોને ને લોહિયાળ હિંસાને જન્મ આપ્યો, પણ એ ઘટનાએ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય નકશા પર રમતી કરી.

કાઁગ્રેસી શાસનમાં એટલું થયું કે હિન્દુઓની આ દેશમાં બહુમતી છતાં, લઘુમતીની આળપંપાળ વધુ થઈ. ગુજરાતમાં ગોધરાકાંડ થયો ને તેમાં કારસેવકોનો ડબ્બો સળગાવી દેવાયો એ પછી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની એવી રાષ્ટ્રીય અસર ઊભી થઈ કે 2014માં કાઁગ્રેસી શાસનના વળતાં પાણી થયાં. નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા તે સાથે આખા દેશમાં ભા.જ.પ.નું કમળ લહેરાતું થયું. આજે પણ કેન્દ્રમાં બીજી ટર્મ સાથે ભા.જ.પ.નું શાસન અમલમાં છે. મોદી વડા પ્રધાન થયા તે પછી નોટબંધી, 370મી કલમની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક જેવાં પગલાં લેવાયાં. હિન્દુત્વનો મહિમા થવા લાગ્યો અને વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર ભારતનો અને ભારતમાં વિદેશી રોકાણનો મહિમા વધ્યો. વિદેશી પ્રવાસો દ્વારા વડા પ્રધાને ભારતની એવી છબિ વિકસાવી કે રશિયા અને અમેરિકામાંથી કોઈ ભારતને અવગણી શકે નહીં. એ સાથે જ ચીન, પાકિસ્તાનની કનડગત તો ચાલ્યા જ કરે છે. બાકી હતું તે શ્રીલંકા પણ ભારતનું ખાઈને ભારતનું ખોદી રહ્યું  છે. ભારતે શ્રીલંકાને મદદ જ કરી છે, પણ તેને શરમ નડતી નથી. ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકા પર લાંગરે નહીં એવી ભારતની ઈચ્છાને અવગણીને શ્રીલંકાએ ધરાર ચીની જહાજને મંજૂરી આપી દીધી છે. ચીન-પાકનાં છમકલાં થતાં રહે છે, પણ કોઈની સીધું યુદ્ધ ખેલવાની હિંમત ન થાય એટલું વર્ચસ્વ તો ભારતે જમાવ્યું જ છે.

એમ ન કહેવાય કે ભા.જ.પ.ના શાસનમાં કૈં થયું નથી, આજે વડા પ્રધાન વિશ્વની સૌથી લોકપ્રિય વ્યક્તિનું માન ખાટી ચૂક્યા છે તે એમને એમ નથી થયું. આઝાદીના 75 વર્ષ દરમિયાન કોઈ નેતા દેશમાં અને વિશ્વમાં આટલી પ્રસિદ્ધિ પામ્યો નથી. મોદીનો પડ્યો બોલ આ પ્રજા ઝીલે છે. મોદી કહે કે થાળી વગાડો, તો દેશ થાળી વગાડે છે. એઓ કહે કે દીવા પ્રગટાવો તો દેશ વગર દિવાળીએ ઝગમગવા લાગે છે. કોરોના કાળમાં આ દેશે ઘણું વેઠ્યું છે, પણ અન્ય દેશોની તુલનાએ મૃત્યુ દર ઓછો રહ્યો છે તે સિદ્ધિને કોઈ નકારી શકે નહીં. દેશમાં 200 કરોડ વેક્સિન તૈયાર થાય ને તેનો પ્રજાને લાભ મળે, એટલું જ નહીં, અન્ય દેશોને પણ એ મોકલાય એ નાની વાત નથી. અન્નક્ષેત્રે ભારત અન્ય દેશોને મદદ કરી શકે એ સ્થિતિમાં આવ્યું છે. આ બધી વાતે ભારત ગૌરવ લેવાની સ્થિતિમાં છે, પણ કેટલીક બાબતે પ્રજા સમક્ષ સાચું ચિત્ર નથી પણ ઉપસતું તે પણ નોંધવું ઘટે.

વડા પ્રધાન ઘણી બાબતે ભારતનું ગુલાબી ચિત્ર ઊભું કરે છે, પણ જે ચિત્ર ભારતનું વિશ્વમાં ઉપસે છે તે જુદી જ છાપ ઉપસાવે છે. વડા પ્રધાને વખતોવખત કહ્યું છે કે વિશ્વ ભારતની ભૂરી ભૂરી પ્રશંસા કરી રહ્યું છે, પણ આર્થિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે ઘણી નિરાશા જન્માવનારી છે. દાખલા તરીકે ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના આંકમાં ભારતનો ક્રમ 94મો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવ વિકાસ આંકમાં ભારતનો નંબર 131 છે. જાતીય ભેદને મામલે વિશ્વમાં ભારતનો ક્રમ 146માંથી 135મો છે. આમ ઘણા બધા ક્ષેત્રમાં 2014 પછી ભારતનો ક્રમ નીચે ગયો છે. જો ભારત પર વિશ્વની નજર છે એમ વડા પ્રધાન કહેતા હોય તો તે કેવીક નજર હોઈ શકે તે સમજવાનું બહુ અઘરું નથી. ભારત લોકશાહી દેશ છે તે માત્ર ચૂંટણીઓ થતી રહે છે એટલા પરથી કહેવાનું હોય તો કહી શકાય તેમ છે, બાકી ઘણાં કામો કરવાનાં રહે જ છે તે દેશની અંદર પ્રમાણિક નજર દોડાવીએ તો સમજી શકાય એમ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સીધો સરકાર સાથે જોડાયેલો છે. ચૂંટાયેલી સરકારો પાડવાનું જે રીતે ચાલે છે ને પક્ષાંતર માટે જે નાણાં ખર્ચાય છે તે કોઇથી અજાણ્યું નથી. મોંઘવારીની વાસ્તવિક પરિસ્થિતિએ ઘણાં બજેટો ખોરવ્યાં છે. સરકારનો વિરોધ દેશદ્રોહમાં ખપે કે ન્યાયતંત્રોની વિશ્વસનીયતા દાવ પર લાગે તો એ લોકશાહીની સૂચક કેટલી રહે તે પ્રશ્ન જ છે. લોકશાહીમાં જ્ઞાતિ-જાતિનાં સમીકરણો સક્રિય ન હોય, પણ તે વધુ તીવ્રતાથી સપાટી પર આવ્યાં હોય એવું નથી લાગતું? વૈશ્વિક અસમાનતાનો રિપોર્ટ કહે છે કે સૌથી અમીર 1 ટકા લોકો રાષ્ટ્રની 22 ટકા સંપત્તિ ધરાવે છે ને આપણે, ભારતના ઉદ્યોગપતિઓ પહેલે કે બીજે નંબરે આવે છે તો એને અહોભાવથી જોઈ રહીએ છીએ. એ સંદર્ભે પ્રજા પણ ઓછી જવાબદાર નથી. આ સ્થિતિમાં ‘ઘર ઘર તિરંગા’ અભિયાનમાં દેખાડો ન હોય એવું ઓછું જ બનવાનું. આખા દેશમાં તિરંગાનો જે વાવર ફાટ્યો છે એમાં દેશભક્તિ નહીં જ હોય એમ માનવાને કારણ નથી, પણ પ્રજા જે ભક્તિ પ્રગટ કરી રહી છે એમાં 75 વર્ષની અમૃતમયતા ઓછી જ છે. ભક્તિમાંથી ગુલામીની ગંધ ન આવે એવું ક્યાં ય લખેલું નથી, છતાં નક્કર વાસ્તવિકતા એ છે કે ભારત આજે સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરે છે અને ભારતના રૈખિક સમયમાં આ અવસર આવ્યો છે એની ના તો કેમ પડાય? તો, એ અવસરે સૌને આઝાદીના અમૃત મહોત્સવનાં હૃદયપૂર્વકનાં અભિનંદનો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2022

Loading

મુનશી પ્રેમચંદનાં પત્ની, લેખિકા શિવરાની દેવી : વણગવાયેલાં સ્વાતંત્ર્ય સેનાની

મૂળ લેખ : મોહિતા તિવારી  • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|14 August 2022

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર મહિલાઓનાં નામની યાદીમાં એમનું નામ નહોતું મૂકાયું, પરંતુ એમણે ‘કપ્તાન’ બની મહિલા સેનાનીઓની આગેવાની કરેલી અને લખનઉની વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ માટે જેલમાં પણ ગયેલાં. સુપ્રસિદ્ધ હિન્દી લેખક મુનશી પ્રેમચંદનાં પત્ની, શિવરાની દેવીએ સ્વતંત્રતા સંગ્રામમાં તથા સાહિત્ય લેખન દ્વારા માતબર યોગદાન આપેલું.

“મુનશી પ્રેમચંદ ૧૯૨૪થી ૧૯૩૦, એમ સાડા છ વર્ષ એમના બે દીકરા, એક દીકરી અને પત્ની શિવરાની દેવી સાથે લખનઉમાં રહેલા. પતિ-પત્ની બન્નેને દેશની સ્વતંત્રતા માટેની લડતમાં ભાગ લઈને જેલમાં જવું હતું અને છેવટે શિવરાની દેવી બે મહિના માટે જેલમાં ગયાં,” એવું જાણીતા વિવેચક વિરેન્દ્ર યાદવ નોંધે છે. અમીનાબાદના ઝંડેવાલા પાર્કમાં ૧૧ નવેમ્બર, ૧૯૩૦ના રોજ વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી. યાદવ લખે છે, “લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં એમને હંમેશાં રસ હતો અને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેતાં. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ઝંડેવાલા પાર્કમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના માતૃશ્રી સ્વરૂપ રાની નહેરુનાં ભાષણ અને ધરપકડથી એ ખૂબ ચલિત થયાં હતાં. સ્વતંત્રતા માટેની તમામ પ્રવૃત્તિઓમાં એમની સક્રિયતાને લીધે એ એટલા લોકપ્રિય હતાં કે જ્યારે કૉંગ્રૅસ કાર્યકર્તા મોહનલાલ સક્સેનાએ મહિલા સેનાનીઓની યાદી બનાવી, શિવરાની દેવીને સર્વાનુમતે એમના કપ્તાન તરીકે પસંદ કરાયાં”.

યાદવ વધુમાં કહે છે, “સ્વતંત્રતા સંગ્રામમાં એમની ભાગીદારી અંગેની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુનશી પ્રેમચંદ પણ એનાથી અજાણ હતા. એમને સેનાનીઓની નામાવલી હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ માટે મોકલવામાં આવી, ત્યારે એમણે જોયું કે કૉંગ્રૅસની મહિલા શાખાના વડા તરીકે શિવરાની દેવીનું નામ છે.”

મનોહર બંધોપાધ્યાય લિખિત ‘લાઈફ ઍન્ડ વર્ક્સ ઑફ પ્રેમચંદ’માં (માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત) શિવરાની દેવીના પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’માંથી શિવરાની દેવીની ધરપકડ અને એમની ધરપકડ કરનારા પોલીસકર્મીઓની ઉત્કટ લાગણીઓ વર્ણવતો હૃદયસ્પર્શી હિસ્સો સમાવિષ્ટ કર્યો છે. શિવરાની દેવીની ધરપકડ વખતે દેશને કાજે હસતા મુખે જેલ જતી નિ:સ્વાર્થ સ્ત્રીઓનાં માનમાં ભાવાંજલી અર્પણ કરતા એક પોલીસકર્મી પોતાને રોકી શક્યો ન હતો. પુસ્તકમાં પોલીસકર્મી સાથેનું એમનું આદાન-પ્રદાન આલેખાયું છે. પોલીસકર્મીએ એમને કહેલું “માતાજી, અમને અહીંથી ૨૩ રૂપિયા મળે છે પરંતુ અમને બીજે ક્યાં ય ૧૦ રૂપિયા પણ મળે ને તો અમે રાજીખુશી આ પાપી નોકરી છોડી દઈએ.” પોલીસકર્મીની વાતથી શિવરાની દેવી દ્રવિત થયેલાં અને પોલીસકર્મીને આશ્વાસન આપતાં એમણે કહેલું કે ગમે તેમ પણ એ પોતાની ઔપચારીક ફરજ નિભાવી રહ્યો હતો. જવાબમાં પોલીસકર્મીએ કહેલું, “તમે બહુ ઉદાર છો એટલે જેલ જાઓ છો. અમને દુ:ખ છે કે અમે અમારી માતાઓ અને બહેનોની પૂજા કરવાને બદલે એમને જેલ લઈ જઈ રહ્યાં છીએ.”

જેલમાંથી છૂટ્યાં બાદ પણ શિવરાની દેવી બેસી રહ્યાં ન હતાં. એમનાં કથળતા આરોગ્ય વચ્ચે પણ સી-ક્લાસ કેદીઓને ભૂખ્યા રાખીને અને શિયાળામાં ગરમ વસ્ત્રો નહીં આપીને એમની સાથેના અમાનવીય વ્યવહાર સામે સક્રિય વિરોધનું આયોજન કરેલું. સત્તાધીશોને આખરે એમની માંગણી સામે ઝુકવું પડેલું.

“શિવરાની દેવીની ધરપક્ડ વખતે પ્રેમચંદ વારાણસીમાં હતા. જ્યારે પ્રેમચંદ શિવરાની દેવીને જેલમાં મળવા ગયા ત્યારે એમણે પત્નીને કહેલું, “તું નહીં, બાળકોની સંભાળ લેવાની હોવાથી હું જેલમાં છું,” એમ લખનઉ યુનિવર્સિટીના હિન્દી વિભાગના અધ્યાપક અને વિવેચક રવિ કાન્ત ચંદન નોંધે છે અને ઉમેરે છે કે “પ્રેમચંદને લાગતું કે વારાણસીથી પરત ફરતા ગમે ત્યારે એમની ધરપકડ કરવામાં આવશે. વાસ્તવમાં તો એ ‘ભવ્ય’ દિવસની એમને પ્રતિક્ષા હતી. એમની પત્ની એમનાથી આગળ નીકળી ગયાંથી એમને હર્ષ થયો. પ્રેમચંદે કહેલું કે એમની પત્નીએ એમનું ગૌરવ સો ગણું વધારી આપ્યું હતું.” શિવરાની દેવીને અંગ્રેજી નહોતું આવડતું એટલે બ્રિટિશ રાજ વખતે સૌથી પ્રભાવક દૈનિક ‘લીડર’માં છપાતા સમાચારો મુનશી પ્રેમચંદ એમના માટે હિન્દીમાં અનુદિત કરી આપતા.

લખનઉમાં તેમના રહેવાસ દરમ્યાન આ યુગલ દર વર્ષે ઘર બદલતું કારણ કે ઉનાળાની રજાઓમાં પ્રેમચંદ વારાણસીના પોતાના ગામ લમ્હી જતાં અને ઘેર હોય તે દરમ્યાન ભાડાના નાણાં વેડફાય એ એમને પોસાય એમ નહોતું, એમ વિવેચક વિરેન્દ્ર યાદવનું કહેવું છે.

શિવરાની દેવી સાહિત્યિક કુશળતા ધરાવતા હતાં, પરંતુ એમણે ખાસ્સા સમય સુધી જાહેર ના થવા દીધું. ૧૯૩૧માં એમણે એમની પ્રથમ વાર્તા ‘સાહસ’ પ્રકાશિત કરી, ત્યારબાદ પ્રેમચંદને એની જાણ થઈ. શિવરાની દેવીની વાર્તા ‘સાહસ’ને ‘ચાંદ’ સામયિકના તંત્રી સેહગલે સુધારીને ‘શિવરાની દેવી, પ્રેમચંદના પત્ની’ નામ હેઠળ પ્રકાશિત કરી હતી. ‘સાહસ’ની નાયિકા એક બહાદુર યુવતી છે, જેણે લગ્ન વિધિ દરમ્યાન એના થનાર પતિને માર માર્યો હતો. સેહગલે પ્રેમચંદને અભિનંદન આપતા કહેલું કે “નવલકથાઓના રાજા”નાં પત્ની પણ લેખન કરતાં થઈ ગયાં છે. પ્રેમચંદના સાહિત્ય સંદર્ભે શિવરાની દેવીનું પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’  ખૂબ ઉપયોગી છે અને વિદ્વાનો-સંશોધકો માટે અનિવાર્ય છે.

(“ધ ટાઈમ્લ ઑફ ઈન્ડિયા”, ઑગસ્ટ ૬, ૨૦૨૨) 
https://timesofindia.indiatimes.com/city/lucknow/premchands-wife-a-writer-an-unsung-freedom-fighter/articleshow/93352868.cms
e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,2891,2901,2911,292...1,3001,3101,320...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved