Opinion Magazine
Number of visits: 9669240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકવાર ઝવેરચંદ મેઘાણી વાપી આવેલા ત્યારે …

અંકિત દેસાઈ|Opinion - Opinion|3 January 2023

એકવાર મેઘાણી વાપી આવેલા અને બેએક દિવસ રોકાયેલા એવો પુરાવો સ્વામી આનંદના પુસ્તક ‘ધરતીની આરતી’માંથી મળે છે. હું તો એ પુરાવો જોઈને ચમકી જ ગયો. અને ચમકી શું ગયો, મેઘાણી ક્યાં રોકાયેલા અને તેમણે ક્યાં સભા કરેલી એના પુરાવા મેળવવાની માથકૂટમાં પણ જોતરાઈ ગયો છું. આખરે મેઘાણી મારા શહેરમાં આવી ગયા હોય અને તેમણે અહીં ફરી કોકવાર પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હોય એવો આ પ્રદેશ તેમને ગમી ગયો હોય તો એ તો મારે મન મોટી જ વાત!

તો વાત એમ હતી કે મેઘાણી કોઈક કામે મુંબઈ જવાના હતા અને વળતા તેઓ વાપી ઉતરવાના હતા અને વાપીમાં એકાદ-બે દિવસ સ્વામી આનંદ તેમ જ છોટુભાઈ દેસાઈ (મહાદેવથી મોટેરા) સાથે રોકાવાના હતા એવું પહેલેથી નક્કી હતું. જો કે મેઘાણીને આ વખતે એવી ઈચ્છા હતી કે તેઓ વાપીમાં માત્ર આરામ કરશે અને સ્વામી સાથે સમય ગાળશે. એટલે તેમણે સ્વામી આનંદને કાગળમાં કહી રાખેલું કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે મેળાવડા જેવું નહીં રાખે.

નક્કી થયેલા સમય અને તારીખ મુજબ મેઘાણી તો વાપી ઉતરી પડ્યા અને સ્ટેશનથી ઉતારે જવાના આખે રસ્તે મેઘાણી, સ્વામી આનંદ અને છોટુભાઈ એમ ત્રણ જ જણાં એટલે મેઘાણી તો ખુશખુશ કે વાહ, આ તો મજાનો આરામ મળી જશે વાપીમાં ! પણ ક્યાંથી ઉતારે પહોંચીને જમીને પરવારે ત્યાં તો વાપીના શુક્લા માસ્તરની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ આવી પહોંચેલું અને તેમણે મેઘાણીને આજીજી કરી કે તમે દક્ષિણ ગુજરાત સુધી આવ્યા છો તો ભલે કશું ગાઓ કે સંભળાવો નહીં, પણ તમે મેદનીને જરા સરીખા દર્શન તો આપો જ.

એ વાતો ચાલતી હતી ત્યાં છોટુભાઈએ ટાપસી પુરાવી કે મેઘાણીજી વાપીના લોકને માત્ર દર્શન આપવા એ તો પ્રૂફ રીડિંગમાં નજરે ચઢતી ‘વીડો લાઈન’ જેવું છે. એટલે સાથે જો તમે લાડકવાયો ગાઓ તો તમારા દર્શન ‘સૌભાગ્યવતી’ પણ બનશે ! જો કે આ સંવાદ કંઈ શિષ્ટ ગુજરાતીમાં નહોતો થયો. છોટુભાઈ અસ્સલ અનાવલીમાં આ બધુ બોલેલા, જેને કારણે મેઘાણી પણ રાજી થયેલા.

બીજી તરફ સાક્ષાત મેઘાણી સભામાં આવવાના છે એવા સામાચાર વાયુવેગે પ્રસરેલા. અને એ સમાચાર ફેલાવવામાં છોટુભાઈનો જ હાથ હતો, કે મેઘાણી અહીં સુધી આવે તે કંઈ એમ જ થોડા જવા દેવાય ! એટલે વાપી શું, આજુબાજુના અનેક ગામોમાંથી બધુ લોક આવી ચઢેલું. સ્વામી આનંદે એ ભીડ માટે શબ્દ વાપરેલો કે, ‘મનખો માય નહીં. માય તેથી બમણું લોક બહાર.’ પણ એ તમામ લોકને સમજાવી દેવાયેલું કે મેઘાણી માત્ર દર્શન આપવા આવશે અને લાડકવાયો ગાશે. એટલે મેદની તૈયાર હતી કે મેઘાણીને ઝાઝા પરેશાન નહીં કરવા. બસ, મેઘાણી જોવા મળે તો યે ઘણું. (કેવી લોકપ્રિયતા હતી એમની!) પરંતુ પછી તો લોકોને અને તેમના ઉત્સાહને જોઈને મેઘાણીને એવું શૂર ચડેલું કે તેમણે પૂરા દોઢ કલાક સુધી તેમના બૂલંદ સ્વરે ગાયેલું!

જો કે કિસ્સો અહીં જ નથી અટકતો. આપણા આ છોટુભાઈ એટલે મહાદેવ દેસાઈના મોટા પિતરાઈ, આમ ભલે ખેપાની અનાવિલ હતા અને રેલવેની પોતાની નોકરી દરમિયાન ભલભલાને ભૂ પીવડાવી આવેલા. પણ આમ પાછા અભ્યાસુ. એટલે તેમણે મેઘાણીની કવિતાઓ અને ખાસ તો ‘માણસાઈના દીવા’ વાંચેલી. એટલું જ નહીં, મેઘાણીએ રવિશંકર મહારાજ સાથે મહિકાંઠાના વિસ્તારોમાં ફરીને, ફિલ્ડ વર્ક કરીને ‘માણસાઈના દીવા’ લખેલી એની પણ તેમને પાકી જાણકારી.

એટલે છોટુભાઈએ મેઘાણીને રુક્ષતાભરી અનાવલી વિનંતી કરેલી, કે તમે ગીતો – વાતો એકઠી કરવા બહુ જગ્યાએ જતા છો તે અમારી જંગલપટ્ટીમાં હો આવોની … આ તરફ થાણા, ફરંગા (દમણ – સેલવાસ) ને વાસંદા-ધરમપુરની રાનીપરજમાં મારી હાથે ફરો … તો એ લોકોનાં ગીત હો તમુને ગાંસડે – પોટલે બંધાવું.’

આટલું જ નહીં. આ તો માત્ર લોકગીતોની વાત થઈ. વાર્તાઓ બાબતે પણ છોટુભાઈએ મેઘાણીને લલચાવેલા કે, ‘માણસાઈની મશાલો ભલે તમે ગુજરાતમાં જોઈ, પણ આ દખ્ખણના ગુજરાતમાં આવો-ફરો તો મશાલ નહીં તોયે કિટસન – કોડિયાં તો અલબત્ત દેખડાવું. તેમાં ફેર ની મલે. કરી જૂઓ અખતરો એકવાર જોઈએ તો!’

… ને છોટુભાઈની વાત સાંભળીને મોઘાણી એવા તે પ્રભાવિત થયા કે વાપીથી પાછા ઘરે ફર્યા ત્યારે તેમણે એકાદ મહિનામાં જ છોટુભાઈ દેસાઈ સાથે દક્ષિણ ગુજરાતના પ્રદેશો ફરવાનો કાર્યક્રમ ઘડી નાંખ્યો અને તારીખ વાર સહિત બધુ લખી મોકલ્યું.

પણ પણ પણ … મેઘાણી દક્ષિણ ગુજરાતને વ્યવસ્થિત જોવા રખડવા અને ત્યાંથી ગીતો- વાર્તાઓ લઈને આખા ય ગુજરાતને પહોંચાડવા તેમના ઘરેથી નીકળે ત્યાં તો આગલા દિવસે તેમનું હ્રદયરોગના હુમલાથી બોટાદમાં તેમનું અવસાન થયું અને એક આખો પ્રદેશ મેઘાણીના વહાલથી વંચિત રહી ગયો. નહીંતર ગુજરાતે અમારી કાળીપરજ, રાનીપરજ, અહીંના કોળી, અહીંના માછી, અહીંના અનાવિલો, અહીંના આદિવાસી અને અહીંના કોણ જાણે કેટલાયનાં લોકગીતો, અહીંની સંસ્કૃતિ અને અહીંના લોકોની ખુમારીની વાતો સાહિત્યરૂપે વાંચ્યા હોત! અને એ બધી ય વાતો ગુજરાતની અમૂલ્ય લોકસંસ્કૃતિ તરીકે મેઘાણીના હસ્તાક્ષર સાથે સંગ્રહિત થઈ જાત …

કાશ મેઘાણીને છોટુભાઈ થોડા વહેલા મળ્યા હોત … કાશ મેઘાણી વધુ વર્ષો જીવી ગયા હોત … કાશ નર્મદ- મુનશીના આ પ્રદેશને મેઘાણીએ પણ પંપાળ્યો હોત …

સૌજન્ય : અંકિતભાઈ દેસાઈના ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નો દેખાડાનું પ્રતીક છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2023

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં એ મતલબની  ટકોર કરી હતી કે સમૂહ લગ્ન બાદ ઘરે માંડવો બાંધી નાત ના જમાડતા. જો રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં વાપરજો. ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નોમાં જે પ્રકારે સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિનું વરવું પ્રદર્શન થાય છે તેનાથી હવે તો સૌ કોઈ વાકેફ છે. થોડા કલાકો કે એકાદ દિવસની વાહવાહી લૂંટવા જે પ્રકારે લગ્નોમાં ધૂમ ખર્ચા થાય છે તે હાલની લગ્નસરામાં પણ જોવા મળશે.

ભારતમાં વરસે દહાડે ૧.૨ કરોડ લગ્નો થાય છે. ૨૦૧૭થી ૨૦૨૧માં લગભગ ૬ કરોડ લગ્નો થયા હતા. અમેરિકાનું લગ્ન બજાર ૭૦ અબજ ડોલરનું છે અને ભારતનું ૩.૭૧ લાખ કરોડનું છે. દર વરસે તેમાં સરેરાશ પચીસ ટકાના દરે વૃદ્ધિ થાય છે. ભારતમાં એક લગ્ન દીઠ સરેરાશ લગ્ન ખર્ચ ૫ લાખથી ૫ કરોડનો અંદાજવામાં આવે છે. બે વ્યક્તિ વચ્ચેનું મિલન એવો લગ્ન પ્રસંગ અંગત નહીં પણ પારિવારિક અને સામાજિક અવસર ગણાય છે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે.

લગ્ન ટાણે સોનુ, કપડાં, જમણવાર, ફટાકડા, વાહનો, દહેજ અને સજાવટ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જ્વેલરી માર્કેટમાં ૭૦ ટકા સોનાની ખરીદી લગ્નો માટે થાય છે. લગ્ન દીઠ ૩૦થી ૪૦ ગ્રામના હિસાબે વરસે એક કરોડ લગ્નોમાં ૩૦૦થી ૪૦૦ ટન સોનાનું જ વેચાણ થાય છે. હવે લગ્ન ખર્ચમાં અવનવા ઉમેરા થયા કરે છે. પારંપરિક લગ્નોનું સ્વરૂપ બદલાઈને કોર્પોરેટ લગ્નોનું બની ગયું છે. લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે. ધનાઢ્યોના ડેસ્ટિનેશન વેડિંગ સાથે મધ્યમવર્ગમાં પ્રી.વેડિંગ શૂટનું ચલણ વધ્યું છે.

કેટલાક અતિ ખર્ચાળ લગ્નોની ચર્ચા અને થોડીઘણી ટીકા માધ્યમોમાં દિવસો સુધી થાય છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં દીકરી ઈશા અંબાણીના ઉદ્યોગપતિ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથેના લગ્ન એટલા તો ભવ્ય હતા કે તેમાં ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ઉત્તરા ખંડના એક વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રોના લગ્નમાં ૨૦૦ હેલિકોપ્ટર, રૂ. ૫ કરોડનાં વિદેશી ફૂલ વપરાયાં હતા અને લગ્ન પછી ૨૭૫ ક્વિન્ટલ કચરો ઉત્પન્ન થયો હતો ! આ લગ્નનો ખર્ચ રૂ. ૨૦૦ કરોડનો હતો. ક્રિકેટર વિરાટ કોહલીના ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લગ્ન ઈટલીમાં યોજાયા હતા. અનુષ્કા માટેની રૂ. એક કરોડની વીંટી સાથે આ લગ્નનો ખર્ચ રૂ. ૧૦૦ કરોડનો થયાનો અંદાજ છે. ફિલ્મ અભિનેતા રણવીર સિહ અને અભિનેત્રી દીપિકા પદુકોણના લગ્નમાં રૂ. ૯૫ કરોડ વપરાયા હતા.

એવી દલીલ થાય છે કે જેમની પાસે નાણાં છે તે પોતાના આનંદ કે શોખ માટે લગ્નોમાં ખર્ચા કરે તેમાં ખોટું શું છે ? આ દલીલ કરનાર તેની અસર અન્યો પર પડે છે તે હકીકત નજરઅંદાજ કરે છે. લગ્નના વ્યર્થ ખર્ચને કન્યાના માતાપિતાની દૃષ્ટિએ જોવાની જરૂર છે. પિતૃસત્તાક દેશમાં પુત્રીના જન્મ સાથે જ એના લગ્નના ખર્ચની ચિંતા થાય છે. એક કરતાં વધુ દીકરીનાં માવતરને તો આખી જિંદગી આ ચિંતા સતાવતી રહે છે. એક સર્વેનું તારણ એવું પણ હતું કે જે કન્યાના લગ્નમાં વરપક્ષને ઓછો ખર્ચ થયેલો લાગ્યો હોય છે તે કન્યાને સાસરીમાં કાયમ મહેણાં-ટોણાં સાંભળવા પડે છે અને ક્યારેક વાત વણસીને છૂટાછેડા સુધી પહોંચે છે. મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબો પણ ભવ્ય લગ્નોને કારણે લઘુતા ગ્રંથિ અનુભવે છે.

જવાહરલાલ નહેરુએ એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં લખ્યું છે કે, “હિંદુસ્તાનમાં ગરીબ કે અમીર સૌનાં લગ્નોમાં કેવળ દમામ અને દેખાવમાં પૈસાનું પાણી થાય છે એવી ટીકા બહુ થઈ છે અને એ ટીકા સાચી પણ છે. પૈસાનું પાણી  થાય છે એ તો બાજુએ રહ્યું, પણ જેમાં કળા કે સૌંદર્યનું નામ પણ ન હોય એવા અશિષ્ટ તમાશા જોઈને તો દુ:ખ જ થાય છે. આ બધા માટે ખરા ગુનેગાર લોકો મધ્યમવર્ગના છે. ગરીબ લોકો પણ કરજના બોજા વહોરીને ઉડાઉ થઈ શકે છે.” (પૃષ્ઠ-૧૦) આઝાદી પૂર્વે લખાયેલી આ આત્મકથામાં લગ્નો પાછળના દેખાડાના ખર્ચની જે ટીકા અને ચિંતા છે તે આજે આઝાદીના અમૃત પર્વે પણ કરવી પડે છે.

લગ્નો પાછળ પાણીની જેમ વપરાતા પૈસા અંગે સમાજમાં જાગ્રતિ પણ આવી રહી છે. કેટલાક જ્ઞાતિ અને ધર્મ સમૂહોએ તેના પર પ્રતિબંધો મૂકવાના પ્રયાસો કર્યા છે. સામાજિક જાગ્રતિ સાથે સરકારી લગામ પણ જરૂરી છે. ૨૦૧૭માં બિહારના કાઁગ્રેસ સાંસદ રંજીત રંજને લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. ધ મેરેજ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફૂલ એક્સપેન્ડિચર ) બિલ, ૨૦૧૬માં મહેમાનોની સંખ્યાથી માંડીને ઘણા ખર્ચા પર મર્યાદા મૂકવાની, પાંચ લાખથી વધારે ખર્ચ પર દસ ટકા ટેક્સ લેવાની જોગવાઈ હતી. આ બિનસરકારી વિધેયક હોઈ સ્વાભાવિક જ તે પસાર થઈ શક્યું નથી. પરંતુ આ પ્રકારના કોઈ સરકારી અંકુશની જરૂરિયાત છે.

નેતાઓ અને અભિનેતાઓએ સાદાઈથી લગ્નોનો દાખલો પૂરો પાડવાની પણ જરૂર છે. દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલે એમના સચિવ વી.પી. મેનનને તેમનાં દીકરીના લગ્નનો સમારંભ  દિલ્હીમાં નહીં યોજવાની ફરજ પાડી હતી. ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાનના તેમના  કાર્યકાળ દરમિયાન જ બંને સંતાનોના લગ્નો સાદાઈથી કર્યા હતા. જો કે ખુદ તેમના પક્ષના ગઈકાલના અને આજના નેતાઓ તેનું અનુકરણ કરતા નથી. સંતાનહીન લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતી દેવી જેમને પુત્રવત માનતા હતા તેવા એક કૌટુંબિક યુવાનનું લગ્ન ભારે ધામધૂમ સાથે બનારસમાં યોજાયું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક રાજનેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. તેથી જયપ્રકાશે ‘અંતે મેં ભી મિટ્ટી કા બના હુઆ નાચીઝ ઈન્સાન હું” એવા ખુલાસા સાથે દેશજનતાની ક્ષમા માંગતું અખબારી નિવેદન કર્યું હતું. આ સ્થિતિમાં આ પ્રશ્ન સહેલાઈથી ઉકલવાનો નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મન્તવ્યજ્યોત (૨૪) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : શબ્દભંડોળ

સુમન શાહ|Opinion - Literature|3 January 2023

સાક્ષરજીવન, તેમાં સાહિત્યિકતા અને આજે એમાં શબ્દભંડોળની વાત ઉમેરવી છે.

શબ્દભંડોળ, અંગ્રેજીમાં – વૉકેબ્યુલરી. માણસ પાસે પોતાની ભાષાના ઉપરાન્ત બીજી ભાષાના જે શબ્દો હોય તે બધાના સરવાળાને શબ્દભંડોળ કહેવાય. 

તમે કેટલા શબ્દો જાણો છો તેનો ટેસ્ટ આપી શકાય છે. તમારા શબ્દભંડોળનું સ્તર કયું છે, તેનું સામર્થ્ય કેટલું છે, તે જાણી શકાય છે. કરુણતા એ છે કે આ બધાં પરીક્ષણ અંગ્રેજી કે અન્ય ભાષાના ભાષકનાં થાય છે, ગુજરાતી ભાષકનાં નહીં – શાળા કક્ષાએ હળવાશથી થતાં હોય તો તેની મને જાણ નથી. 

ગુજરાતી ભાષા મરી રહી છે એમ કહેવું કેટલું ગલત છે તે સૌ જાણે છે હવે. ખરી વાત તો એ છે કે તળ પ્રદેશોમાં ગામડાંઓમાં કે કસબાઓમાં ગુજરાતી મરી નથી. હા, ઘરડાં સાસુમા પણ ‘થૅન્ક્યુ’ ‘સૉરિ’ કરતાં થયાં છે – પણ એ શાસ્ત્રીય ચર્ચાનો વિષય છે, એમાં નથી જવું.

સર્જન / લેખન કરનારા સાહિત્યકારનું અને સહૃદય વાચકનું શબ્દભંડોળ સામાન્ય ભાષકના કરતાં મોટું હોય છે.

છતાં પૂછી શકાય કે ગુજરાતી સાહિત્યકારને કેટલા તત્સમ, કેટલા તદ્ભવ, અને કેટલા દેશ્ય શબ્દો આવડે છે. કેટલાં પંખીનાં, કેટલાં પુષ્પનાં, કેટલાં શ્હૅરોનાં કે વિશ્વના કેટલા દેશોનાં નામ એ જાણે છે. ત્રણ ઋતુ તો બધા જાણે છે પણ છ ઋતુનાં નામ અને તેના પ્રાકૃતિક ક્રમની કેટલાને ખબર છે. આ જ સવાલો ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકને પણ પૂછી શકાય.

માહિતીપરક સવાલો પણ કરી શકાય : સમસામયિક વિવેચકને ગુજરાતી સાહિત્યના દિવંગત અને વિદ્યમાન કેટલા વિવેચકોનાં નામની જાણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓનાં અને પશ્ચિમના કેટલા સિદ્ધાન્તકારોનાં નામની ખબર છે. કેટલા મરાઠી બંગાળી કે પંજાબી સાહિત્યકારોનાં નામની જાણ છે. ભારતની પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકૃતિઓની એની યાદી નાની છે કે કેમ. એ શેક્સપીયર કોટિના કેટલા વિશ્વ સાહિત્યકારોનાં નામ જાણે છે. 

સામાન્યપણે માણસને પોતાના નાણાંભંડોળની જાણ હોય છે. પોતાના બૅન્કઍકાઉન્ટમાં બૅલેન્સ કેટલું છે તેની જાણ હોય છે; ચિન્તા રાખે છે કે એ કેમ વધે, નિત્ય વધ્યા જ કરે, ઘટે નહીં, ઘટે જ નહીં. પણ પોતાના શબ્દભંડોળ વિશે એ ભાગ્યે જ કશું જાણતો હોય છે, વિચારવાનો તો સવાલ જ કેવો.

એટલે એ એક-ના-એક શબ્દો જ વાપર્યા કરે છે. કેટલાક લેખકો પણ એક જ ફકરામાં એ-નો-એ શબ્દ વાપરતાં ખચકાતા નથી. ભાષકોની એ માનસિકતા સમજવા જેવી છે. કેટલાક લોકો હરખમાં આવી જઈને, સવિશેષે, દીકરા-દીકરીના લગ્નની આસપાસ, ઘણા પૈસા વાપરી નાખે છે, ત્યારે કોઈ કોઈના અવાજ બેસી જાય છે કેમ કે ઘાંઘા થઈને એમણે એ-ના-એ શબ્દો વડે ઘાંટા પાડ્યા હોય છે. આગળના સમયમાં, ધોતી-ઝભ્ભામાં અને માથે ટોપીવાળો કોઇ શૅઅરબજારિયો એટલું તો બરાડતો હોય કે એને ભાન જ ન રહે કે એક મિનિટમાં પોતે કેટલા શબ્દો બોલી ગયો – એમાં કેટલા ય શબ્દો ભચડાઈ ગયા હોય ! આથી ઊલટું પણ જોવા મળે છે. કેટલા ય ભણેલા-ગણેલાઓ ‘પેલું શું ક્હૅવાય, પેલું’ કરીને અટકી પડતા હોય છે, ને વાક્ય માંડ પૂરું કરતા હોય છે. કો’કને આપણે ઓછાબોલો કહેતા હોઈએ છીએ, ચીડ ચડે તો મીંઢો ને ચીડ વધારે ચડે તો મૅંઢો કહેતા હોઈએ છીએ.

એના એવા ભાષિક વર્તનનું એક કારણ તો એ છે કે એની પાસે ઝાઝું મોટું શબ્દભંડોળ નથી. ચતુરાઈને કારણે ઓછું બોલતા હોય એ આમાં અપવાદ ગણાય.

આ બધી વાતો ઉપરાન્તની એક સંલગ્ન વાત કરવી છે :

વિશ્વમાં ભાષાઓ શીખવા માટેની એટલી બધી ઍપ્સ શરૂ થઈ છે કે વિદ્વાનો એને ‘ગોલ્ડન એજ ઑફ લૅન્ગ્વેજ લર્નિન્ગ ઍપ્સ’ કહે છે. કેટલાંક નામો ઘણા સમયથી ખાસ્સાં ચલણમાં છે : ‘ડ્યુઓલિન્ગો’. ‘મૅમરાઈઝ’. ‘બાબેલ’. તમે ‘ડ્યુઓલિન્ગો’ ખોલશો તો જણાવશે – અમે હિન્દી સ્પૅનિશ અરેબિક ગ્રીક આઇરિશ કે ડેનિશ વગેરે અનેક ભાષાઓ શીખવીએ છીએ. ‘બાબેલ’ કે ‘મૅમરાઇઝ’ પણ ડઝનેક ભાષાઓ શીખવે છે. આ દરેકના લર્નર્સની સંખ્યા અમુક મિલિયન્સથી ઓછી નથી.

શબ્દભંડોળના ઘડતર અને વિકાસ માટેની ઍપ્પ છે, ‘ડ્રૉપ્સ’. ‘ડ્રૉપ્સ’-ના લર્નર્સ છે ૩૫+મિલિયન્સ. ‘લર્ન ફ્રી …’ કહીને બોલાવે, પણ પછી ફી માગે. ‘ડ્રૉપ્સ’-ની માસિક ફી ૧૩ યુ.ઍસ. ડૉલર, વાર્ષિક ૮૯.૯૯ અને, કોઈ આજીવન ઠોઠ નિશાળિયો હોય તો તેને માટેની ફી ૧૫૯.૯૯. સામાન્યપણે આ કંઈ બહુ મોટી રકમો નથી. જો કે આ મુદ્દો અહીં જ પૂરો કરતાં કહું કે આમાંની ય એક પણ ઍપ્પ ગુજરાતી નથી શીખવતી.

પણ ભલા, ભાષિક વાતાવરણમાં રહેવાથી ભાષા સીધી જ આવડતી હોય છે. એ હકીકતના અનુમોદનમાં એટલું જ કહેવું રહે કે ગુજરાત પોતે જ સરળતાથી ઉપલબ્ધ એવી બહુ મોટી ઍપ્પ છે ! આપણ સૌ ગુજ્જુભાઈઓને ગમે એવું એમાં એ છે કે એ ફ્રી છે ! એ વાતાવરણમાં ચોખ્ખું ગુજરાતી બોલતા અને લખતા હોય એમને સાંભળવાની અને વાંચવાની ટેવ પાડવાથી ઘણો લાભ થશે, કેમ કે એ મોટું ઔષધ છે.

અને શબ્દભંડોળ તો આમ જ વધી જશે. ગુજરાતીના સારા પ્રૉફેસરને રોજ સાંભળવાને કારણે વિદ્યાર્થી કે વિદ્યાર્થિની બોલતાં થઈ જાય છે : પપ્પા, તમે મુદ્દાને ‘સંકુલ’ ન બનાવો, ‘સુસ્પષ્ટ’ વાત કરો તો મને ‘પ્રતીતિ’ થાય. નહિતર એણે આટલું જ કહ્યું હોત : પપ્પા, સીધું ક્હૉ તો હમ્જાય.

વિદ્યાર્થી કે વિદ્યાર્થિની લખતાં પણ થઈ જાય છે : તેઓ આપણા ‘સર્વશ્રેષ્ઠ’ કવિ છે. એમની કવિતામાં, ‘સંયમ’ ’ગામ્ભીર્ય’ અને ‘ઘનતા’-ના ગુણ ‘પ્રાધાન્ય’ ભોગવે છે. એમની કાવ્યસૃષ્ટિમાં ‘સવિશેષ’ કૃતિઓ નથી છતાં એ સૃષ્ટિ ‘સુશ્લિષ્ટ’ અને ‘રસાનુભવકારી’ છે. બને કે આવા લાક્ષણિક શબ્દો વાપરતાં વાપરતાં એ ‘વિદ્વાન’ થઈ જાય.

જો કે એની ‘એવી’ વિદ્વત્તા જુદી જ ચિન્તાનો વિષય પણ બને.

કેમ કે એ ‘વિદ્વાન’-ને બધા એક દિવસ ભલે ‘મહાન’ ગણે પણ એનું શબ્દભંડોળ ઠિંગરાઈ ગયું હોય કેમ કે એની મતિ ભાષાના એ ઓરડામાં કૅદ થઈ ગઈ હોય અને એ એવા અને એટલા જ શબ્દોનો ગુલામ બની ગયો હોય.

બીજા શબ્દોમાં કહેવાય કે એની ‘સંકેતપરક સ્વતન્ત્રતા’ નષ્ટ થઈ ગઇ હોય – સૅમિયોટિક ફ્રીડમ. એ ફ્રીડમની વાત હવે પછી.

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2821,2831,2841,285...1,2901,3001,310...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved