દિવાળી પહેલાં એક સમાચાર આવ્યા હતા. 2022ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 101(2021)થી ઘટીને 107 પર આવી ગયું. આયરલેંડ અને જર્મનીની એક બિન-સરકારી સંસ્થા, વેલ્ટ હંગર હિલ્ફે, 2006થી કુપોષણ, બાળકોમાં કુપોષણ, બાળકોના વિકાસમાં અવરોધ અને બાળ મૃત્યદર, એમ ચાર સંકેતોના આધારે 121 દેશોની ભૂખમરીબી સ્થિતિ નોંધે છે અને તે પ્રમાણે રેન્કિંગ આપે છે. ચાલુ વર્ષના રિપોર્ટમાં, ભારતને એ 31 દેશોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે જ્યાં ભૂખમરીની સમસ્યા ગંભીર માનવામાં આવે છે.
ભારત સરકારે આ રિપોર્ટને ખારીજ કરી નાખ્યો છે. આ તારણોની મેથેડોલોજી ભૂલ ભરેલી છે અને ભારતની જમીની હકીકત આ રિપોર્ટ કરતાં જુદી છે તેવું કહેતાં સરકારે તેને દેશને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(પી.આઈ.બી.)ની એક યાદીમાં આક્રમક રીતે ઇન્ડેકસને ખારીજ કરી દેવામાં આવ્યો હતો; “તેની વસ્તીને ખાદ્ય સુરક્ષા અને પોષણ નહીં આપતા દેશ તરીકે ભારતની છબીને ચીતરવાનો આ એક સ્થિર પ્રયાસ છે. ગેરમાહિતી પ્રતિ વર્ષ જારી થતા ગ્લોબલ હંગર ઇન્ડેક્સની એક ખાસિયત છે.”
બની શકે કે સંસ્થાની પદ્ધતિ ભૂલ ભરેલી હોય અને તેના આંકડા સો ટકા સાચું પ્રતિબિંબ ન હોય, પણ 100થી વધુ દેશોનો સર્વે કરતી એક વિદેશી બિન-સરકારી સંસ્થાને ભારતની બદનામી કરવામાં શું રસ હોય? વાસ્તવમાં ભારતમાં આમ લોકોમાં પણ એક એવી વૃતિ વિકસી રહી છે જે એવું માને છે કે વિદેશથી ભારતની ટીકા કરતા સમાચાર આવે છે તે એક કાવતરાના ભાગરૂપે છે. ઇન ફેક્ટ, ગયા વર્ષે પણ ભારતે દેશને 101ના સ્થાન પર મુકતાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો અસ્વીકાર કર્યો હતો. અગાઉ, ભારતના ચા ઉધોગમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તેવા ગ્રીનપીસ નામની સંસ્થાઓ અહેવાલને ભારતે દેશને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યો હતો.
વિડંબના એ છે કે જેમાં દેશની ટીકા થતી હોય તેવા આંતરરાષ્ટ્રીય સર્વે ‘ભારતને બદનામ’ કરવાનું કાવતરું બની જાય છે, પણ જેમાં ભારતનું સારું દેખાતું હોય (જેમ કે વિશ્વ બેંકનો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ અથવા ગ્લોબલ ઇકોનોમિક રિપોર્ટ) તેવા રિપોર્ટ માટે આપણે જાતને શાબાશી આપીએ છીએ. આવા બેવડા અભિગમ દેશના આત્મવિશ્વાસ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. આટલા મોટા અને પ્રગતિશીલ દેશે વિદેશની ટીકા કે વખાણથી શા માટે વિચલિત થઇ જવું જોઈએ?
આવું માણસોમાં પણ સામાન્ય છે. કોગ્નેટિવ બાયસ(સંજ્ઞાત્મક પૂર્વગ્રહ)માં તેને ફંડામેન્ટલ એટ્રીબ્યુશન એરર કહે છે. તેમાં આપણે બીજી વ્યક્તિના વ્યવહારને તેની દાનત સાથે જોડીને જોઈએ છીએ અને આપણા વ્યવહાર માટે સંજોગોને જવાબદાર ઠેરવીએ છીએ. દાખલા તરીકે, કોઈ કર્મચારી ઓફિસમાં મોડો આવે તો આપણે એવું કહીએ છીએ કે તે કામચોર છે પણ આપણે જો મોડા પડીએ તો ટ્રાફિકનો દોષ કાઢીએ છીએ.
તેવી જ રીતે, આપણી સાથે સારું થાય તો તે આપણું અને ખરાબ થાય તે બીજાનું. દાખલા તરીકે, પરીક્ષામાં સારા માર્ક્સ આવે, તો તેનું શ્રેય આપણી મહેનત અને આવડતને આપીએ છીએ, પણ માર્ક્સ ઓછા આવે તો તેને પરીક્ષકની ભૂલ કે અણઆવડત ગણીએ છીએ. 1956માં, ‘ધ સાઈકોલોજી ઓફ ઇન્ટરપર્સનલ રીલેશન્સ’ નામના પુસ્તકમાં, ફ્રીત્ત્ઝ હેઈડર નામના મનોવિજ્ઞાનીએ કહ્યું હતું માણસો બીજા લોકોના વ્યવહારનું નિરીક્ષણ કરીને તેમની દાનતનો અંદાજ લગાવે છે, જ્યારે પોતાના વ્યવહાર માટે સંજોગોનો અંદાજ લગાવે છે. મતલબ કે મેં જે કર્યું એ અકસ્માત હતો પણ તમે જે કર્યું તે દાનત હતી!
બીજા ઉદાહરણથી સમજીએ. તમે બસમાં ચઢવાની લાઈનમાં ઊભા છો. લાઈન લાંબી છે. એક-બે બસ જતી રહી પછી તમારી આગળ ઉભેલો માણસ લાઈન તોડીને દોડતોકને ત્રીજી બસમાં ચઢી ગયો. તમારા મોઢામાંથી તેના ચરિત્ર્યને લઈને ગાળ નીકળી ગઈ. ગુસ્સો વ્યાજબી પણ છે. એ માણસ હતો જ અસભ્ય. તેને આજુબાજુમાં ઉભેલા લોકોને તમીજ નહોતી.
ધારો કે ઊંધું થાય છે. તમે પોતે લાઈન તોડો છો અને બીજું કોઈક તમને ચરિત્ર્યની ગાળ આપે છે, તો તમે “પણ મારે હોસ્પિટલમાં જવાનું મોડું થાય છે” એવું કહીને તમારા વ્યવહારને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરો છો. આપણે મોડું થાય છે તેના માટે આપણે લાંબી લાઈનને દોષ આપીએ છીએ. આપણને બીજાના વ્યવહારમાં તેના ચરિત્ર્યની ખામી દેખાય છે અને એવા જ આપણા વ્યવહારને શા માટે લોકોએ ચલાવી લેવો જોઈએ તેનું બહાનું દેખાય છે.
રાજકારણમાં પણ આવું થતું હોય છે. દિવાળી પહેલાં, ડોલરના મુકાબલે રૂપિયો 82.86 થયો, ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે રૂપિયો નબળો નથી થઇ રહ્યો, ડોલર મજબૂત થઇ રહ્યો છે. આ જ ભા.જ.પ. સરકાર વિરોધ પક્ષમાં હતી અને રૂપિયો નબળો પડ્યો હતો ત્યારે તે કહેતી હતી કે આ રૂપિયો નથી પડતો, (યુ.પી.એ.) સરકારની સાખ પડી રહી છે. આપણા જેવા સામાન્ય લોકો જે કાઁગ્રેસના શાસનમાં મોંઘવારી બદલ સરકાર પાસે જવાબ માંગતા હતા, આજે એ જ મોંઘવારીને દેશના વિકાસના કામોમાં યોગદાન ગણી રહ્યા છે.
આપણે સ્વભાવગત પક્ષપાતી છીએ. આપણે કોઈ નવી માહિતી કે વાતને આપણી અંદર અગાઉથી મોજુદ માન્યતાઓનાં ચશ્માંમાંથી જોઈએ છીએ. આપણે એ જ વાતને સાચા માનીએ છીએ, જે આપણા પૂર્વગ્રહોને મળતી આવે. આપણા મગજનું આ ડિફોલ્ટ સેટિંગ છે.
એક સ્ત્રીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, “અરે વાહ, રાજ! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?……”
પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, “બહેન, પણ હું રાજ નથી! હું તો માનવ છું.”
“આ લે..લે..લે,” બહેને કહ્યું, “નામ પણ બદલી નાખ્યું!”
મોરલ: આપણે એ જ જોઈએ છીએ, સાંભળીએ છીએ જે આપણે જોવા / સાંભળવા ઇચ્છીએ છીએ. આપણે ફેક્ટને ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે, તે પ્રમાણે જોઈએ છે. આને કન્ફર્મેશન બાયસ કહેવાય. આપણી માન્યતાને મળતા આવે તે પુરાવા સાચા, બાકી બધું જૂઠ.
આપણે રોજ નાના-મોટા સાનુકૂળ પૂર્વગ્રહો સાથે જીવતા હોઈએ છીએ. રોડ પર એક કાર બીજી કારને ભટકાઇ જાય, તો બંને એકબીજાને દોષિત ઠેરવતા હોય છે. રોજિંદી ‘નિર્દોષ’ બાબતોમાં આવા પૂર્વગ્રહો નુકસાનકારક નથી હોતા, પરંતુ જીવનની ગંભીર પરિસ્થિતિઓમાં આપણે જો તટસ્થ રીતે ચીજવસ્તુઓને જોઈ ન શકીએ, તો આપણે સમસ્યાઓનાં ઉચિત સમાધાન શોધવાની ક્ષમતા ગુમાવી બેસીએ છીએ અને ‘સબ ચંગા હૈ’નાં દિવાસ્વપ્નોમાં રાચતા રહી જઈએ છીએ. અમુક લોકો પ્રગતિ કરવાને બદલે પતન તરફ જતા હોય છે પણ ફંડામેન્ટલ એટ્રીબ્યુશન એરરના કારણે એ જોઈ શકતા નથી.
પ્રગટ : ‘ફાયરવોલ’ નામક લેખકની કોલમ, “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 27 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



Ramesh Parekh is one of the pinnacle names of Gujarati poetry.
After one or two songs, Vinubhai Mehta introduced both poets. We gave all of them flowers to welcome and आवकार – अभिवादन.
His poems’ images, metaphors, and similes’ are of the most profound and of cosmic level at the same time of the most earthly daily KATHIAWADI routine realities. He had KATHIAWADI colloquial (તળપદી) vocabulary in his poems which he mentioned that he adapted from his mother.