Opinion Magazine
Number of visits: 9569168
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશની બેન્કો આપઘાતને માર્ગે તો નથીને …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 December 2022

1969માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે સાથે જ ગલીએ ગલીએ બેન્કો ફૂટી નીકળી. એ પછી છેલ્લાં થોડાં વર્ષોમાં બેંકોનાં મર્જરનો પવન ફૂંકાયો. મર્જરથી બેંકોનાં મજબૂતીકરણનો ખ્યાલ સરકાર રાખે છે ને રાષ્ટ્રીયકરણને વિકલ્પે ફરી એક વખત ઘણાં ક્ષેત્રોમાં ખાનગીકરણનો મહિમા વધ્યો છે. આ બધાંમાં ઠરેલપણું ઓછું અને તઘલખીપણું વધારે છે. છેલ્લે છેલ્લે 8 નવેમ્બર, 2016ની મધરાતે નોટબંધીનો અખતરો કાળું નાણું બહાર કઢાવવા થયો. એમાં કાળું નાણું તો બહુ હાથ ના લાગ્યું, પણ કાળું, ધોળું જરૂર થયું. હજાર, પાંચસોની નોટ એટલે બંધ કરી કે મોટી નોટોનો સંગ્રહ ઘટે, પણ ગમ્મત એ થઈ કે હજારની નોટને બદલે બે હજારની નોટ બહાર પડી, એમાં તો સંગ્રહખોરોને સગવડ થઈ ગઈ. હજારની નોટ જેટલી જગ્યા રોકે એનાં કરતાં બે હજારની અડધી રોકે એવું સામાન્ય બુદ્ધિવાળો પણ સમજી શકે, પણ આ બધા અસામાન્ય બુદ્ધિમત્તાના ખેલ હતા એટલે એમાં સામાન્ય માણસે તો ચાંચ મારવા જેવી જ નથી. એ પછી વધારે અક્કલ તો એમાં વપરાઇ કે ત્રણેક વર્ષથી બે હજારની નોટ છાપવાનું જ બંધ કરાયું. કેમ? તો કે 2016માં બે હજારી નોટ બહાર પડી એ સાથે જ નકલી નોટ પાકિસ્તાનથી પ્રગટ થઈ. પછી તો કાળું નાણું પકડવા જેટલા દરોડા પડ્યા, એમાં બે હજારની નોટોના ઢગલા જ સામે આવ્યા. બે હજારની નોટો ચલણમાં નથી દેખાતી એટલે લોકોમાં એવી દહેશત પણ છે કે બે હજારની નોટ બંધ થશે. એ થાય કે ન થાય તે સરકાર જાણે, પણ ચલણમાં મોટી નોટ અત્યારે તો 500ની જ દેખાય છે તે હકીકત છે. ખબર નહીં, હવે કયો તુક્કો અજમાવાય છે તે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં દેશની બેન્કોએ 10.09 લાખ કરોડની લોન માંડી વાળી છે એ તુક્કો નથી, હકીકત છે.

હા, નોન પરફોર્મિંગ એસેટ્સ (એન.પી.એ.) હેઠળ 10,09,511 કરોડની લોન માંડી વળાઈ છે. રિઝર્વ બેન્કના નિયમો અનુસાર નફામાંથી આટલી રકમ અલગ કાઢીને પડીકું વાળી દેવાયું છે. આની વધામણી ખાતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે માંડવાળ કરવામાં આવેલ રકમ પરત મેળવવા બેન્કો કાર્યવાહી કરી રહી છે ને પાંચ વર્ષમાં 13 ટકાને હિસાબે 1,32,026 કરોડ પાછા આવ્યા પણ છે. નાણાં મંત્રીએ એ પણ ખુલાસો કર્યો છે કે લોન માંડી વળાય છે એનો અર્થ એવો નથી કે ધિરાણ મેળવનારની જવાબદારી પૂરી થઈ ગઈ છે. બેન્કો તો કાનૂની રાહે લોન મેળવવાના પ્રયત્નો ચાલુ રાખે જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ 6,59,596 કરોડ પાછા મેળવ્યા છે, જેમાંના 1,32,026 કરોડ માંડવાળ લોન પેટે પરત મળ્યા છે. જો કે, બેન્કો તો લોન પરત નથી આવવાની એમ માનીને જ ચાલતી હોય છે.

લોન નબળી પડે એનો અર્થ એ કે વ્યાજ કે મુદ્દલની ચૂકવણી અટકી ગઈ છે. ચાર વર્ષમાં લોનની બાકી રકમ અને વ્યાજની રકમ બેન્ક, નફામાંથી અલગ કાઢે છે. એ પછી પણ લોન ને વ્યાજની રિકવરીના પ્રયત્નો ચાલુ રહે છે, જો કોઈ રકમ પરત આવે છે તો એ નફામાંથી અલગ કરાયેલી રકમમાં એડજસ્ટ કરાય છે. ક્યારેક બેન્કો સિક્યુરિટી તરીકે બેન્ક પાસે મુકાયેલ મિલકતની નીલામી કરીને પણ રકમ વસૂલતી હોય છે અને એ રીતે આવેલી રકમ પણ નફામાંથી અલગ કઢાયેલ રકમમાં એડજસ્ટ કરાય છે.

લોન માંડવાળ કરનાર ટોચની પાંચ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાના 2,04,486 કરોડ, પંજાબ નેશનલ બેન્કના 67,214 કરોડ, બેન્ક ઓફ બરોડાના 66,711 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના 56,132 કરોડ અને આઇ.સી.આઇ.સી.આઇ.ના 50,514 કરોડ છે. આ રીતે અપાયેલી લોનમાં બેન્કોના અધિકારીઓ કે કર્મચારીઓએ નીતિ વિષયક નિર્ણયો લેવામાં ભૂલ કરી હોય કે લોન પાસ કરવામાં ગ્રાહકની તરફેણ કરી હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે ને 3,312 જેટલા ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓ સામે છેલ્લાં પાંચ વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી પણ છે. આમાં માત્ર અધિકારીઓ જ સંડોવાયા હોય એવું નથી. રાજકીય પક્ષો કે નેતાઓ કે ઉદ્યોગપતિઓ પણ બેન્કો પર જોખમ ઊભું કરવામાં પાછું વળીને જોતાં નથી. વારુ, અધિકારીઓ જવાબદાર હોય ને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તો પણ, જે જંગી રકમ સંડોવાઈ હોય એ પરત આવવાના પ્રશ્નો તો રહે જ છે. એક તરફ અબજો અબજોની લોન લઈને ઉદ્યોગપતિઓ ભાગી જાય છે ને બીજી તરફ કોઈ યુવાનને આઠ દસ લાખની લોન મેળવવાનું મુશ્કેલ થઈ પડે છે. એક તરફ અબજો રૂપિયા ઉદ્યોગપતિઓ ડુબાડે છે ને સિક્યુરિટી તરીકે મુકાયેલ મિલકતોની નીલામી પછી પણ પૂરી લોન વસૂલ થઈ નથી શકતી, તો પ્રશ્ન થાય કે કોના જીવ પર અબજોની લોન આવી વ્યક્તિઓને ધીરવામાં આવી છે? બીજી તરફ આઠ દસ લાખની લોન મેળવવા ઇચ્છુક યુવાન પાસે ઉત્તમ પ્રકારની યોજના અને સ્કિલ હોય છે, પણ તેની પાસે સિક્યુરિટી તરીકે મૂકવા માટે કોઈ મિલકત કે ડોક્યુમેન્ટ્સ નથી હોતાં. એ લોન ડુબાડે એમ નથી, પણ તેને લોન મળતી નથી, તેને થોડો ટેકો મળે તો તે ઘણું કરી શકે એમ છે, પણ ડોક્યુમેન્ટ્સના અભાવમાં તે પાછો પડે છે ને પેલા ઉદ્યોગપતિઓ બધી જ ફોર્માલિટીઝ પૂરી કરે છે, છતાં તેની લોન બેડ લોનમાં ફેરવાઈને જ રહે છે, કારણ તેનો હેતુ જ લોન અને વ્યાજ ભરપાઈ કરવાનો નથી. તે ગરીબ નથી, પણ પૈસા પરત કરવાની તેની દાનત નથી. રિઝર્વ બેન્કના આંકડા જ કહે છે કે 2021-22માં આ રીતે 40 હજાર કરોડ રૂપિયા કૌભાંડીઓને સોંપવામાં આવ્યા હતા ને આ આંકડો 2020-21માં તો 81 હજાર કરોડનો હતો.

આટલી રકમ કયા આધારે ને કોના કહેવાથી કોને અપાય છે તે તો આપનાર ને લેનાર જ જાણે, પણ આ રીતે બેફામ લોન આપવાનું ઉત્તેજન સરકારે પણ આપ્યું છે તેની ના પાડી શકાશે નહીં. વધારે દૂર ન જતાં 23 મે, 2020 ને રોજ નાણાં મંત્રીએ બાપોકાર જાહેર કર્યું હતું કે સી.બી.આઇ., સી.વી.સી., કે સી.એ.જી.થી ડર્યા વગર જાહેર ક્ષેત્રોની બેન્કો લોન આપે. જાહેર ક્ષેત્રની બેન્કો અને નાણાંકીય સંસ્થાઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓની બેઠકમાં નાણાં મંત્રીએ છડેચોક કહ્યું હતું કે બેન્કોએ લોન આપતાં ડરવું નહીં. કારણ કે સરકાર તરફથી એ વાતની 100 ટકા ગેરંટી આપવામાં આવે છે કે લોન અંગેનો નિર્ણય લેવામાં કોઈ ભૂલ થાય છે કે કોઈ નુકસાન જાય છે, તો તે વ્યક્તિગત અધિકારી કે બેન્ક વિરુદ્ધ નહીં જાય. આટલી ખાતરી સરકાર જ આપતી હોય તો બેન્કો બેફામ લોન આપે અને રિકવરીની ચિંતા ન કરે તો તેનો શો વાંક કાઢવાનો? વચ્ચેના ગાળામાં રિઝર્વ બેન્કે પણ ધિરાણની નીતિઓમાં ભારે ઉદારતા દાખવીને લોન માટે લોકોને આકર્ષવાના ઘણાં પ્રયત્નો કર્યાં છે. આડેધડ ધિરાણને આમ ઉત્તેજન અપાતું હોય તો એન.પી.ઓ.નો આંક આઘાતજનક રીતે વધે એમાં નવાઈ નથી. ગ્રાહકોને ખાતરી હોય કે લોન માંડી વાળવામાં આવશે ને અધિકારીઓને પણ વિશ્વાસ હોય કે લોન આપવામાં થતી ભૂલ કે ગ્રાહકની થતી ફેવર જો માફ થવાની હોય તો તે જાણી જોઈને બેદરકારી દાખવે કે કમિશન ખાઈ ભ્રષ્ટાચાર કરે તો તેને રોકવાનું મુશ્કેલ છે. એક તરફ દેવા માફીની ને બીજી તરફ અધિકારીઓને ભૂલ બદલ માફી આપવાની વાત હોય તો 3,312 જેટલા અધિકારીઓને જવાબદાર ઠેરવવાનો કોઈ અર્થ ખરો? એક તરફ માફી અને બીજી તરફ સજા-ની બેવડી નીતિ સરકારની વિશ્વસનીયતાને જોખમમાં મૂકે છે. આ ઠીક નથી.

એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ લોન પરત આવે એ હેતુથી જ અપાતી હોય છે. એ લોન છે, દાન નથી. લોન વ્યાજ સાથે પરત આવે એ સિવાયની બધી જ વાતો નિરર્થક છે. લોનધારકને બેન્કો લોન આપીને તેના ધંધા ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ થાય છે. હવે જો ધંધાનો વિકાસ થતો હોય તો લોનધારકની નૈતિક ફરજ છે તે લોન વ્યાજ સહિત પરત થાય એ જોવાની. બેન્કોની પણ એ જવાબદારી બને છે કે લોનની રકમ વ્યાજ સહિત લોનધારક ભરપાઈ કરે તે જુએ. મંદી કે અન્ય આફતોને કારણે લોનધારક લોન ભરપાઈ કરવામાં મોડો પડે તો તેની હપ્તાની મુદ્દત વધારી શકાય, પણ લોન પરત આવે તે તો બેન્કે જોવાનું રહે જ છે. લોનધારક મૃત્યુ પામે ને લોન પરત આવે એવી કોઈ શક્યતા જ ન હોય તે સંજોગોમાં લોન માંડવાળ કરવી પડે એ સમજી શકાય. લાખો કરોડની લોન માંડી વાળવામાં એવું કોઈ કારણ તો નથી દેખાતું. ટૂંકમાં,10.09 લાખ કરોડની લોનની રકમ વસૂલ ન કરવાની વૃત્તિ કે લોન ભરપાઈ ન કરવાની દાનત જરા પણ સહજ અને ક્ષમ્ય નથી. બેન્કો અને લોનધારકની પરસ્પર વફાદારીના અભાવમાં જ આ શક્ય છે. એવું નથી લાગતું કે અપ્રમાણિકતા અને અસત્ય જ હવે રાષ્ટ્રીય ચરિત્રની ઓળખ છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ડિસેમ્બર 2022

Loading

આપણાં સામાયિકોનું ભવિષ્ય

પ્રવીણ ક. લહેરી|Opinion - Opinion|15 December 2022

મનુષ્ય માટે વિચાર એ એક આગવી શક્તિ છે. એક ઉક્તિમાં એમ કહ્યું છે કે; ‘‘હું વિચારું છું તેથી હું છું.’’ માનવીના અસ્તિત્વ સાથે વિચાર કરવાની શક્તિ અને સંવેદના મહત્ત્વના છે. છાપકામની શરૂઆત થઈ તે પહેલાં હસ્તલિખિત ગ્રંથો અને મૌખિક પરંપરા જ્ઞાન અને માહિતીના સંક્રમણના માધ્યમો હતા. છાપકામ બાદ શિક્ષણ પ્રથામાં મોટા ફેરફારો આવ્યા. માનવી-માનવી માટે વિચાર વિનિમય માટે શબ્દો ખાસ કરીને છપાયેલા શબ્દોની ભૂમિકા અજોડ રહી. દૈનિક વર્તમાન પત્રો ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક કે માસિક મેગેઝીનોના પ્રકાશન થકી સમાજમાં વાંચન દ્વારા નિરંતર શિક્ષણની એક આગવી પરંપરા સ્થાપિત થઈ. અનેક લેખકોએ ખૂબ લોકપ્રિયતા અને આદર મેળવ્યા. વાંચન એ સતત સ્વાધ્યાય ઉપરાંત અનેક અવનવી બાબતોની જાણકારી આપવામાં ઉપયોગી સાબિત થયું.

ત્યાર બાદ ૨૧મી સદીની શરૂઆત સાથે ડિજીટલ યુગનો આરંભ થયો. સ્માર્ટ ફોન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તેમ જ સ્પૅશ્યિલ એપ્લિકેશન સાથે લગભગ દરેક વ્યક્તિનું વિશ્વ વિશાળ બન્યું, અનેક સ્રોતોમાંથી સચિત્ર માહિતી આંગળીના ટેરવે મળવા લાગી. આના કારણે અનેક લોકોની પુસ્તક કે સામાયિક વાંચવાની ટેવ છૂટી જવા લાગી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં વાચકોના અભાવે, નાણાંકીય કટોકટીકે સ્થાપકની ઉંમર કે ગેરહાજરીના કારણે અનેક લઘુ-અખબારો અને સામાયિકો બંધ પડવા માંડ્યાં છે. વ્યક્તિના અવસાન પ્રસંગે આપણે ‘‘મૃત્યુ તો અનિવાર્ય છે’’, ‘‘જાતસ્ય ધ્રુવો હી મૃત્યુ’’ – ‘‘નામ તેનો નાશ છે’’ જેવા ઉચ્ચારણો સાથે મનને શાંત કરવા પ્રયત્ન કરીએ છીએ. સંસ્થા અને સામાયિકોનું આયુષ્ય પેઢી દર પેઢી ચાલે તેમાં આશ્ચર્ય ન હોય. હાલ જે ઝડપથી સમાજના ઘડતરમાં પ્રદાન કરતાં સામાયિકલ બંધ પડી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે.

ડિજીટલ મીડિયાની મર્યાદાઓ છે. સોશ્યલ મીડિયા દ્વારા થઈ રહેલ આક્રમણના ઘેરા અને વિપરીત પ્રત્યાઘાતો આપણી સમક્ષ છે. મન સ્વભાવથી જ ચંચળ છે અને ડિજીટલ મીડિયા તેને સતત ઉશ્કેરીને વધારે ચંચળ અને ઉગ્ર બનાવે છે.

ગુજરાતમાં તાજેતરમાં ત્રણ મહત્ત્વનાં સામાયિકો બંધ થવાના સમાચાર આવ્યા, આ દુઃખદ છે. ચાંપશીભાઈ ઉદ્દેશી દ્વારા સ્થાપિત ‘નવચેતન’ તેની શતાબ્દિ પૂરી કરશે કે તે પહેલાં બંધ પડી જશે, તેની અનિશ્ચિતતા વચ્ચે ‘નવચેતન’ ૧૦૧માં વર્ષમાં આગેકૂચ કરી રહ્યું છે તે આનંદ અને ગૌરવની ઘટના છે. જાણીતા અને કર્મઠ આગેવાન, પત્રકાર, સાહિત્યકાર, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખ પ્રકાશભાઈ શાહ સ્થાપિત ‘નિરીક્ષક’ બંધ પડ્યું તે ડિજીટલ સ્વરૂપે પ્રાપ્ત થતું રહેશે, તેવી હૈયાધારણ હતી. પ્રકાશભાઈ શાહની ઉંમર અને તબિયતના કારણે સંપાદકીય કાર્યમાં અવરોધો આવે તે સમજી શકાય તેવી વાત છે. ‘નિરીક્ષક’ સામાયિક પ્રજાલક્ષી ડાબેરી ઝોક ધરાવતું સત્તા અને સ્થાપિત હિતો સામે નિડરતાથી વિરોધ કરતું અને કર્મશીલોના વિચાર તેમ જ કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કરતું હતું. આવું સામાયિક બંધ પડે એટલે સ્વતંત્ર વિચારની પ્રક્રીયામાં ખોટ આવે છે. પ્રકાશભાઈ માટે કટોકટીનો જેલવાસ હોય કે માન-સન્માનનો પ્રસંગ હોય, જાહેર મંચ હોય કે વર્તમાન પત્રની કોલમ હોય, દરેક વખતે પોતાની આગવી અભિવ્યક્તિથી અલગ દૃષ્ટિકોણ રજૂ કરે તે માણવાનો પ્રસંગ વારંવાર નહીં આવે. ‘નિરીક્ષક’ તેના મૂળ સ્વરૂપે ડિજીટલ અવતારમાં ચાલુ રહે તેવી આશા રાખીએ.

છેલ્લાં ૩૫ વર્ષથી કૃષિ અને ગ્રામીણ વિકાસને વરેલું ગ્રામ ગર્જના સાપ્તાહિકનું મણિભાઈ પટેલ સંપૂર્ણ નિષ્ઠા અને સંવેદના સાથે સફળ સંચાલન કર્યું. ૪થી ૬ પાનામાં સમાચારો, લેખો, સાહિત્ય, પ્રેરક પ્રસંગો, હાસ્ય વિનોદ સાથે દરેક અક્ષર વાંચવો ગમે તેવી રસપ્રદ રીતે તેમણે સંપાદન કર્યું. આપણા દેશની ૫૫ ટકા વસ્તી કૃષિ આધારિત અને ગ્રામીણ પ્રદેશમાં છે. આ અંગેના સમાચારો વિશાળ ફેલાવો ધરાવતા વર્તમાનપત્રો-સામાયિકો નથી છાપતા તેથી શહેરી વર્ગ અને સરકારી તંત્ર ગ્રામીણ વાસ્તવિકતાથી અજ્ઞાત રહે છે. કોઈને ગમે તે ન ગમે, સત્ય હકીકત એ છે કે આઝાદી બાદ ૭૫ વર્ષમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે જરૂરી અગ્રતાનો અભાવ રહ્યો છે. મણિભાઈ પટેલે કૃષિ અને ગ્રામીણ વિસ્તારની સમસ્યાને વાચા આપી છે. ખેડૂતો અને ગ્રામીણ પ્રજાને ઉપયોગી માહિતી પહોંચાડી છે. ‘ગ્રામ ગર્જના’ એ નિખાલસતા, સત્ય, સંવેદના અને પ્રગતિ માટે સતત જાગૃતિ સાથે બુલંદ રીતે પ્રશ્નોની છણાવટ કરી માર્ગદર્શન આપ્યું છે. ૧૯૮૮ની પહેલી મેના રોજ ‘ગ્રામ ગર્જના’ના પ્રથમ અંકનું વિમોચન તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કર્યું ત્યારે હું ચૌધરી – મુખ્ય મંત્રીના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતો હતો. ૩૫ વર્ષની ‘ગ્રામ ગર્જના’ની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. અનેક સમસ્યાઓ સમજવામાં ગ્રામીણ ગર્જનાએ મને ખૂબ મદદ કરી છે. સમાજના તમામ વર્ગોના અગ્રણીઓ ગ્રામ ગર્જનાના વાચકો સાથે તે ઉપરાંત અનેક પ્રતિભાવો લખી સામાયિકને માર્ગદર્શન પૂરું પાડ્યું તે હકીકત ખૂબ ગૌરવપ્રદ છે. મણિભાઈ પટેલે તમામ ક્ષેત્રોમાં અંગત સંબંધો કેળવી સમાજને ઉપયોગી થવા માટે અનેક ઉમદા કાર્યો કર્યાં છે. ‘ગ્રામ ગર્જના’નું પ્રકાશન બંધ પડતાં ગુજરાતની કૃષિ અને ગ્રામીણ પ્રગતિમાં પ્રદાન કરનાર સામાયિકની ગેરહાજરી વર્તાશે. શું આપણી સહકારી સંસ્થાઓ, આવા પ્રતિબદ્ધતા ધરાવતા સામાયિકને જીવંત રાખવા કશું ન કરી શકે ? આપણે આશા રાખીએ કે મણિભાઈ અવસર મળ્યેગ્રામ ગર્જનને સોશ્યલ મીડિયા દ્વારા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચાડશે.

ત્રીજું પ્રકાશન ‘આપણું વિચાર વલોણું’ વલ્લ્ભવિદ્યાનગરના પ્રાધ્યાપક સુરેશભાઈ પરીખ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. અનેક પ્રબુદ્ધ નાગરિકો માટે આ સામાયિક મનને ઉદિપ્ત કરે તેવા વિચારોનો ફેલાવો કરતું હતું. તેના ૧૨ અંકોમાંથી ૬માં જાહેર મુદ્દાની ચર્ચા અને ૬ અંકોમાં ખ્યાતનામ પુસ્તિકોનું અવલોકન/રસાસ્વાદ આપણને પ્રાપ્ત થતો હતો. મુખ્યત્વે લવાજમ ભરતાં ગ્રાહકોની ઉદાસિનતાનાં કારણે આવા લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિકો બંધ પડે ત્યારે આપણને ભવિષ્યે મનુષ્યના વિકાસમાં, સુખાકારીમાં અને સત્ય પ્રકાશમાં લાવવામાં જે સમર્પણ સાથે પ્રવૃત્ત હતા તેમનું પ્રદાન અટકી જશે. જેમને ભાવિ પેઢીની ચિંતા છે તેવી નિસ્બત ધરાવતી વ્યક્તિઓ માટે પડકાર છે કે આવાં સામાયિકો તેની પરંપરા અને મૂલ્યો જળવાય રહે તે માટે શું કરવું ? આપણી આવકનો માત્ર ૧ ટકો રકમ આપણે ભાષા, સાહિત્ય, વિચાર જગત અને લોકકલ્યાણને વરેલાં સામાયિકોને જીવંત રાખવામાં વાપરીએ તો ગુજરાતની તાસીર બદલવામાં એક ખૂબ અગત્યનું પ્રદાન ગણાશે.

આપણે આ પ્રકાશનો અને પરંપરાને જીવંત રાખવા અમે થોડા મિત્રો સંકલ્પબદ્ધ થયાં છીએ. સ્નેહી-મિત્રોની શુભેચ્છા, સહયોગથી ગુજરાતની વિચારયાત્રા અને વાંચન જરૂર સફર સાથે આપણે આગામી પેઢીને આપણા હસ્તકનો કિંમતી ખજાનો અને અમૂલ્ય વારસો આપી શકીશું તેવી શ્રદ્ધા છે. આપ પણ આ અભિયાનમાં સામેલ થઈ શકો છો.

સૌજન્ય : પ્રવીણભાઈ લહેરીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શબ્દપથના યાત્રી: જયંત પંડ્યા ..

કનુ સૂચક|Opinion - Literature|15 December 2022

[૧૯ નવેમ્બર ૧૯૨૮ – ૧0 ઑગસ્ટ ૨00૬]

શબ્દના યાત્રી કવિ કાલિદાસ પાસેથી અનહદ મળ્યું. કોઈ અનુપમ શિલ્પકૃતિનું દર્શન કરતાં જ તેના કલાકૌશલથી મન પ્રસન્ન થઈ જાય, પરંતુ તેની પૃષ્ઠભૂમિ-ઇતિહાસ જાણવા શબ્દને આશરે જવું પડે છે. અને એટલે જ કહી શકાય કે શબ્દના શિલ્પીઓ તેમની અમીટ છાપ સદીઓના અમરપટ પર અંકિત કરી જાય છે. જયંતભાઈ પણ કાલિદાસને રટતાં રહ્યા અને વિદ્યાર્થી અવસ્થામાં જ મહાકવિ કાલિદાસની અમરકૃતિ મેઘદૂતનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ આપ્યો. પ્રસિદ્ધ મોડો થયો. જગતની અનેક ભાષામાં અગણિત અનુવાદો થયા છે. ગુજરાતી ભાષામાં પણ અનેક અનુવાદો પ્રાપ્ત છે. જયંતભાઈ અત્યંત નમ્રતાથી કહે છે; “હા, આ અનુવાદ સંસ્કૃતપ્રચુર લાગે એવો સંભવ ખરો. મૂળ કૃતિનું ધ્વનિમાધુર્ય સચવાય તેટલું સાચવવા એમ કર્યું છે.” અને વિદ્વાનો અને સુજ્ઞ ભાવકોએ તેને વધાવ્યો-પોંખ્યો. લેખક આપણી પાસે શબ્દ મૂકે છે તે શબ્દો આપણું અંતર પ્રતિબિંબ ઝીલે છે, આ પ્રવહન અન્યના અંતરમાંથી આપણા અંતરમા અનેક અર્થવિન્યાસ સાથે પ્રવેશે છે. અન્ય ભાષામાંથી આપણી માતૃભાષામાં આવતી કૃતિ તેથી દ્વિગુણિત અસર કરે છે. જયંતભાઈનું આ પ્રદાન તેમના સંવેદનતંત્રની ઓળખ છે. તેમણે ભાવકોના સંવેદનને સમૃદ્ધ કરવા અને  પોતાની પ્રાપ્તિને વ્યાપ્તિમાં પ્રસરાવવાનો આનંદ પણ લીધો છે. તેમની સ્વભાવગતિ આનંદની જ રહી. તેમની સાથે સંપર્કમાં આવેલ સર્વ એમ જ કહેશે.

જયંતભાઈની શબ્દસાધના તેમના મનાકાશના વિધવિધ રંગોની મનભાવન રંગોળી છે. ‘નિરીક્ષક’ નિમિત્તે લખાયેલાં તેમના લેખો તેમની સામાજિક વિચારયાત્રા છે. આ લેખોના સંગ્રહ ‘શબ્દવેધ’ માટે તેની પ્રસ્તાવનામાં જ કહે છે; “આ લખાયું તે ‘નિરીક્ષક’ને નિમિત્તે.****એટલે આપદધર્મ રૂપે લખવું જ પડે એવી પરિસ્થિતિ રચાઈ ગઈ. એ આપદધર્મ ઈષ્ટ ધર્મ બનતો ગયો ન હોત તો આ લખાણોનો મહોરો, કદાચ, જુદો હોત. એનું ઓશિંગણ, મારે મન, પ્રભાતે ખીલેલાં ફૂલ જેવું સદૈવ તાજગીભર્યું રહેશે.” આ સંગ્રહમાં આક્રોશ છે, સામાજિક દર્શન છે, રાજનીતિના અવળવહેણ પર પ્રહારો છે, પર્યાવરણ અંગેની ખેવના અને વિચારોનો રણકારો  છે.  સૌથી અગત્યનું એ કે આદર્શની વાતો સાથે ઉકેલ માટે સ્પષ્ટ દર્શન પણ છે. આ લેખોને તેઓ લલિતનિબંધો કહેતાં નથી પરંતુ તેનું ભાષાકર્મ લલિત જ છે. લલિત સાહિત્ય તરફનો તેમનો લગાવ રહ્યો છે. આ લગાવ તેમના છૂટક લેખો, પ્રવચનોમાં અને પ્રકાશનોમાં પુરવાર થયો છે. ભોગીલાલ સાંડેસરાનો આ અભિપ્રાય તેની પુષ્ટિ કરે છે; “વિચારોની સુસ્પષ્ટ, નિખાલસ પણ કંઈક વક્રોક્તિયુક્ત અભિવ્યક્તિ પણ પત્રકારિતા શબ્દાળુતા મુદ્દલ નહિ, સાહિત્યરંગ, સક્રિય રાજકારણની પૂરી સમજ – એમ વિવિધ દૃષ્ટિએ તમારા લેખો અદ્વિતીય લાગે છે.”

‘સ્મરણો ભીનાં ભીનાં” એકત્રીશ વ્યક્તિ ચિત્રોનું પુસ્તક છે. મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. લાભશંકર ઠાકર આને શુદ્ધ ભાવચિત્રો કહે છે. વધુમાં તેઓ આ ભાવચિત્રો માટે કહે છે; “વાર્તાના સ્વરૂપ સુધી પહોંચી જતી ભાવાત્મક-કલાત્મક સર્જનાત્મકનો અનુભવ થાય છે. ****વ્યક્તિસાપેક્ષ ભાવક્ષણોની ચિત્રાત્મકતા અને નાટ્યાત્મક અનુભવ સર્જકતાનો પરચો બતાવી રહે છે.”

જયંતભાઈની કલમની જેમ એમની સંસ્કારદીપ્ત સુઘડ વ્યક્તિતાના ઉઘાડની વાત કરતા ચંદ્રકાંત શેઠ જયંતભાઈના કાવ્યસંગ્રહ ‘આમ્રમંજરી’ને આવકાર આપતાં કહે છે; “સંસારવ્યવહાર ને સમાજહિતના જાતભાતના કામ કરતાંયે એમના ચિત્તનું અનુસંધાન કવિતા સાથે તો સતત રહ્યું જ.” વધુમાં આ કાવ્યસંગ્રહ “જીવન અને જગત પ્રત્યેનો આસ્થા અને આસ્તિકતામૂલક અભિગમ, રાષ્ટ્રીયતા ને માનવતા માટેની પ્રતિબદ્ધતા, સ્વાતંત્ર્યલક્ષી ને સંસ્કારનિષ્ઠ મૂલ્યભાવના, માનવચેતનાના સનાતન ને સાંપ્રત આવિષ્કારો પ્રત્યેની સંવેદનશીલતા-આ સર્વનું ઝલકદર્શન કરાવતો આ કાવ્યસંગ્રહ જયંતભાઈની સૌંદર્યપ્રીતિ ને સંસકારપ્રીતિનો, એમની રસિકતા ને સર્જકતાનો આહ્લાદક અંદાજ આપતો આ દસ્તાવેજ છે.”  જયંતભાઈની સાહિત્યયાત્રાના દરેક સોપાનો પર પહોંચવું આ લઘુલેખ દ્વારા શક્ય નથી, પરંતુ શબ્દપથના આ મહાભાગ વ્યક્તિને આપણે માપવા નથી પરંતુ માણવા છે.

સામાન્યત: કૃતિ તરફથી કર્તાની ઓળખ મળતી હોય છે. એમનું પુસ્તક “ગાંધી મહાપદના યાત્રી” તેમના ગાંધીજી પરના બે વ્યાખ્યાનોનું સંવર્ધિત રૂપ છે. તેમાં તેઓનું આ નિવેદન ધ્યાનાર્હ છે. “… એમ કરવા જતાં ગાંધીજીના ખોળિયામાંથી પસાર થવાનું બન્યું અને એક તીર્થયાત્રાનું પુણ્ય મળ્યું.” વધુમાં તેઓ કહે છે; “ગાંધીને મહાત્મા બનાવનારાં પરિબળોની વાત કરવાની હોય તેનો રોમાંચ આ ક્ષણે પણ અનુભવાય છે.” આ બન્ને કથનોનો સંદર્ભ સમજવા જેવો છે. સર્જક ગાંધીજીની આંતરચેતનામાં પ્રવેશ અને તેના અકથ્ય આનંદની વાત કરે છે. આ સરળ નથી સ્વયંના સંવેદનાતંત્રને મહાત્મા બનાવનાર સંદર્ભોમાં ઓતપ્રોત કરી તેના તત્ત્વ સુધી પહોંચી ચેતોવિસ્તાર કરી અને ઊંચાઈએ સ્થિત થવાના પ્રયત્નની વાત છે.

અંતમાં, જયંતભાઈને પાંચ મિનિટની વાચનામાં સમાવવાનું મારું ગજુ નથી. જયંતભાઈના જ શબ્દોમાં કહું તો “દરેક માણસ પોતાની ઊંચાઈ પ્રમાણે અન્યને માપતો હોય છે.” આ શાશ્વત સ્નેહના યાત્રીને વંદન સાથે વિરમું છું.

૧૪.૧૨.૨૦૨૦
સૌજન્ય : કનુભાઈ સૂચકની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2631,2641,2651,266...1,2701,2801,290...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved