Opinion Magazine
Number of visits: 9458506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય પક્ષો ભારતના હોય તો આતંકવાદીનું સ્મારક ન થવા દે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 September 2022

એક બાબત સ્પષ્ટ છે કે દરેક રાજકીય પક્ષને તેના ખરાખોટા આદર્શો હોય છે, હિત અને હેતુઓ હોય છે. દરેકનું અંતિમ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક સત્તા પ્રાપ્ત કરી ત્યાં ટકી જવાનું હોય છે. એ જુદી વાત છે કે ગમે તેટલું ટકવા છતાં, ક્યારેક તો સત્તા દરેકે છોડવી જ પડે છે અથવા તો કોઈ તે છોડાવે જ છે. કોઈ સરમુખત્યાર પણ કાયમ એકહથ્થુ સત્તા લાંબો સમય ભોગવી શક્યો નથી ને જ્યાં લોકશાહી છે ત્યાં તો સત્તા પરિવર્તન ક્યારેક તો અનિવાર્ય પણ થઈ પડે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારથી મુખ્યત્વે કાઁગ્રેસ દાયકાઓ સુધી સત્તામાં રહી, પછી ભા.જ.પ.નું શાસન આવ્યું. તેને ય બે ટર્મ મળી છે. જો કાઁગ્રેસ અસ્તાચળે હોય તો ભા.જ.પ.ને પણ તેની ગતિ છે જ. તેનાં વિકલ્પો જડશે તો પ્રજા તે તરફ જોશે ને ઠીક લાગશે તો તે દિશામાં વળશે પણ ખરી, એટલે સાચું તો એ છે કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે ને તે સ્વીકાર્યે જ છૂટકો છે. અંગ્રેજોને વહેમ હતો કે તેમને સૂર્યાસ્ત જ નથી, પણ તે પછી ઘણા સૂર્યાસ્ત તેમણે જોવાના થયા. કાઁગ્રેસને પણ એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે નહેરુ પછી કોણ? તે પછી પણ ઘણાં વંશીય પરિવર્તનો, બીજાએ તો ઠીક, ખુદ કાઁગ્રેસે જ જોયાં. ભા.જ.પે. પણ બાજપેયી ને મોદીની સત્તા જોઈ, પરખી છે, એમાં પણ પરિવર્તન આવશે. ધારો કે વિપક્ષો પરિવર્તન નહીં લાવે તો ભા.જ.પ.માંથી જ પરિવર્તનનો સૂર ઊઠે એમ બને. ભા.જ.પ.ને એટલી ધીરજ નથી કે પ્રજા સરકાર બદલે તેની રાહ જુએ, એટલે એના જ મોવડીઓ સરકાર બદલી કાઢે છે ને વચ્ચે વચ્ચે મંત્રીઓ પણ બદલતા રહે છે. એટલે બીજાને તો ઠીક, પરિવર્તન તો ભા.જ.પ.ને પણ સ્વીકાર્ય છે, તેની ના પાડી શકાય એમ નથી.

સત્તા મેળવવા કોઈને જોડવા-તોડવાનું થાય, ખરીદવા-વેચવાનું થાય, મિત્ર-શત્રુ બનાવવાનું ય ચાલે તે સમજી શકાય, કરોડોના ખરીદ-વેચાણના સોદા થાય તે ય સમજાય, કારણ સિદ્ધાન્ત કે આદર્શ તો ક્યારના ય આઉટડેટેડ થઈ ગયા હોય ત્યાં સારા-સાચાની વાત તો ક્યાં કરવા બેસીએ? એટલે એ સિવાયનું જે હોય તેનું જ રડવાનું રહે. રાજકારણમાં કશું કાયમી નથી. ન શત્રુ, ન મૈત્રી ! આજે જે સાથે છે તે કાલે સામે હોય એની નવાઈ રાજકારણમાં નથી, ચૂંટણી જીતવા થઈ શકે તે બધાં જ પાપ કોઈ પણ પક્ષને કરવાની નાનમ નથી, પણ એ બધા પછી પણ આ બધા જ પક્ષો ભારતના છે ને ભારતમાં છે તેનો ઇન્‌કાર થઈ શકે એમ નથી. આ બધાંને જોડી રાખનારું એક માત્ર પરિબળ ત્રણ અક્ષરનું ‘ભારત’ જ છે. આ બાબત દરેકે દરેક પક્ષે શ્વાસમાં ઉતારી લેવાની રહે. એ જો જાણ્યે-અજાણ્યે શત્રુ દેશનો હાથો બને તો તે કોઈ રીતે ચલાવી શકાય નહીં. એની માફી નથી. ન જ હોવી ઘટે. દુનિયા જાણે છે કે પાકિસ્તાને વિશ્વમાં આતંકી હુમલાઓ કરાવ્યા. આતંકી શિબિરો ચલાવ્યા, આતંકવાદીઓને આશ્રય આપ્યો. એ આતંકીઓનો કોઈ રીતે કોઈ પક્ષ કોઇથી જ ન લેવાય. ધારો કે કોઈ રાજકીય પક્ષ એ કરે છે કે કોઈ પ્રજા એ કરે છે તો તે દેશદ્રોહ જ છે. એક તરફ અમેરિકા છે, જે આતંકવાદીઓને તેમના નિવાસે જઈને ખતમ કરે છે ને બીજી તરફ ભારતમાં એ બાબતે રહેમદિલી દાખવાતી હોય તો તે બધી રીતે ઘાતક ને નિંદનીય ને તેથી જ અક્ષમ્ય છે. કોઈ પણ આતંકવાદી, જો આ દેશમાં હુમલો કરતો હોય તો તેનો પ્રજાએ, વિપક્ષોએ કે સરકારોએ કેવળને કેવળ વિરોધ જ કરવાનો રહે. એમાં જો ઢીલાશ દાખવાય તો તે દુખદ છે. આતંકવાદી કોઈ પણ કોમનો હોય તેથી તે કોઈ પણ કોમની સહાનુભૂતિને પાત્ર ઠરી ન શકે. છતાં એ દુખદ છે કે કોઈ કોમને એની દયા આવે છે. એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. વાત કોમની જ નથી, રાજકીય પક્ષની પણ એવી માનસિકતા હોય તો તે પણ નકારી કાઢવા યોગ્ય જ છે. આવું રાજકીય પક્ષો, સત્તા મેળવવા કરે છે કે સત્તાધારી પક્ષને ગબડાવવા પણ આવી રમતો થતી હોય છે કે સત્તાધારી પક્ષ એને ન્યાયી ઠેરવવા ક્યારેક બચાવમાં પણ લાગે છે, પણ કોઈએ એ ભૂલવા જેવું નથી કે આવા વિરોધ કે બચાવનો લાભ જાણ્યે-અજાણ્યે શત્રુ દેશો જ ઉઠાવતા હોય છે.

મુંબઇમાં 12 માર્ચ, 1993ને રોજ ગીચ વસ્તીવાળા 12 વિસ્તારોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોએ જીવ ગુમાવેલા ને 700થી વધુ લોકો ઘવાયેલા. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જની 28 મજલી ઈમારતનાં બેઝમેન્ટમાં પણ બ્લાસ્ટ થયેલો અને એમાં 50 લોકોનાં મોત થયેલાં. આ બ્લાસ્ટના એક આરોપી યાકૂબ મેમણની આ ષડયંત્રમાં ભાગીદારી જણાતાં સી.બી.આઈ.એ 1994માં તેની ધરપકડ દિલ્હી રેલવે સ્ટેશનથી કરેલી ને 2013માં સુપ્રીમ કોર્ટે તેને દોષી ઠેરવીને ફાંસીની સજા પણ ફરમાવેલી. 2015માં નાગપુર જેલમાં તેને ફાંસી અપાયેલી. ફાંસી પછી યાકૂબને સાઉથ મુંબઈના એક કબ્રસ્તાનમાં દફનાવાયો હતો. આમ તો આ વાત ત્યારે પૂરી થઈ ગયેલી, પણ ભા.જ.પે. તાજો આરોપ એ મૂક્યો છે કે ઉદ્ધવ ઠાકરેના કાળમાં યાકૂબની કબરને સજાવવામાં આવી છે, એટલું જ નહીં, તેની આસપાસ આરસ લગાવવામાં આવ્યો છે અને ફરતે એલ.ઈ.ડી. લાઇટ્સ લગાવવામાં આવી છે. ભા.જ.પી. નેતાએ તેની તસ્વીરો પણ મીડિયામાં વહેતી કરી છે. આમ તો અત્યારે ભા.જ.પ.-શિવસેના સરકાર કાર્યરત છે ત્યારે ભા.જ.પ. તરફથી જ આ વાત સામે લાવવાનું ગણિત કળાતું નથી. તે વખતે કાઁગ્રેસ-એન.સી.પી.ની યુતિવાળી સરકાર અમલમાં હતી એટલે કાઁગ્રેસ બચાવમાં આગળ ન આવે એવું તો કેમ બને? તેનાં પ્રવક્તાએ વળતો સવાલ કર્યો છે કે આતંકીઓને ફાંસી આપ્યા પછી, તેનાં પરિવારને શબ અપાતું નથી, પણ ભા.જ.પ. સરકારે તે પરિવારને સોંપી દીધું ને કમાલ એ છે કે અત્યારે ભા.જ.પ. આ મુદ્દે રાજનીતિ કરે છે. જો કે, આ વાત કાઁગ્રેસ પણ તો આજે જ કરે છે. શબ સોંપવાની વાત કાઁગ્રેસ ત્યારે પણ ઉઠાવી શકી હોત, પણ ત્યારે ચૂપ રહી. કોઈ જૂનો મુદ્દો રાજકીય પક્ષો એકાએક સપાટી પર લાવે તો મુદ્દો તે જ હોય એમ પ્રજા પણ હવે માનતી નથી. તે જાણે છે કે ચાવવાના ને બતાવવાના જુદા છે.

વાત તો એવી પણ છે કે કબ્રસ્તાનની બહાર નોટિસ છે કે કોઈ પણ કબર ફરતે આરસનું કે કોઈ પ્રકારનું પાકું બાંધકામ ન કરવું. છતાં આ આતંકવાદીની કબર ફરતે આરસ જડેલો છે તે હકીકત છે. વારુ, સાધારણ રીતે કબર 18 મહિના પછી ખોદી કાઢવામાં આવતી હોય છે, પણ આ કબરને 5 વર્ષથી વધુ સમય વીતવા છતાં હાથ લગાડાયો નથી. વધારામાં યાકૂબના કાકાના દીકરાએ પોલીસ ફરિયાદ એવી પણ કરી છે કે ટ્રસ્ટીઓએ યાકૂબની કબ્રગાહને 5 લાખમાં વેચી દીધી છે.

આમ તો આ બધી વાત અત્યારે બહાર ઉછાળવાનું કારણ પકડાતું નથી, બને કે ગયા માર્ચમાં કબર પર રોશની કરવામાં આવી એ વાત ધ્યાને લવાઈ હોય. એ વાતનેય છ એક મહિના થયા. આ ઘટના ઉદ્ધવ ઠાકરેની નબળાઈ બહાર લાવવાનું નિમિત્ત હોય, પણ અત્યારે તો ઉદ્ધવ સત્તામાં ય નથી, તો આ વાત ઉખેળવાનું કારણ શું હોઈ શકે તે સમજાતું નથી. બીજું, કબ્રસ્તાનની વાત કરીએ તો કબ્રગાહ વેચવા બાબતે જે ફરિયાદ છે તે અંગે કે કબર ફરતે બાંધકામની મનાઈ હોવા છતાં કબર સજાવાઈ તેમાં કોની મહેરબાની કામ કરી ગઈ છે તેનો પણ કોઈ ખુલાસો મળતો નથી. કારણો ગમે તે હોય, પણ એક આતંકવાદીની કબરને આટલાં માન સન્માન અસહ્ય છે.

એ દુખદ છે કે આપણાં સત્તાધીશો પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા, પણ જે આતંકવાદી સેંકડો માણસોનાં મોત માટે જવાબદાર હોય, તેની કબરને ભારતમાં આટલાં માન-સન્માન મળે એ આપણી દેશભક્તિ માટે ઘણી શંકાઓ ઉપજાવે એમ છે. દુશ્મન દેશનો એક આતંકવાદી આપણાં તંત્રોની શિથિલતાનો લાભ લઈને અનેક સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ થાય ને તેને પરિણામે સેંકડો નિર્દોષોનાં મોત થાય, આતંકી પર કેસ ચાલે ને સુપ્રીમ કોર્ટ તેને ફાંસીની સજા ફરમાવે ને મુંબઇમાં તેની કબરને અછોવાનાં થાય ને તેનાં પર રાજનીતિ ચાલે ને આક્ષેપો, પ્રતિઆક્ષેપો ચાલે એ કેવળ ને કેવળ શરમજનક છે.

સો વાતની એક વાત એ કે આપણે કોઈ પણ કોમનાં હોઈએ, કોઈ પણ પક્ષની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં હોય, આતંકવાદી માત્રનો એકી અવાજે સાર્વત્રિક બહિષ્કાર જ હોય. એમાં કોઈ દાવા-દલીલને અવકાશ જ નથી. જે આ નથી સ્વીકારતા તે બીજું કૈં પણ હોય, ભારતીય નથી. કમસે કમ ભારતીય તો નથી જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 સપ્ટેમ્બર 2022

Loading

સારવાર

બીજલ જગડ|Opinion - Opinion|8 September 2022

ઝંખું છું સમયથી સમયની સારવાર,

લોહીલુહાણ હાલત થયું મન તારતાર.

રહેવા દે એ મન અહિંસાની વાત ન કર,

શકના ઘેરામાં પડ્યા છે ગાંધીના વિચાર.

હાંસિયામાં મૂક્યા છે જો ઘાવ હવે તો,

એકાદ વિચાર નીકળે ટોળાંની આરપાર.

તૂટી રહ્યા શ્વાસ કોઈ તો સાંધવા આવે,

છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર.

સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,

ખુદને હૂંફ આપી કાયમી કરી સારવાર.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ગુજરાતી “સંસ્કાર લક્ષ્મી”ની હિન્દી “આરતી”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 September 2022

સંસ્કૃતિની અન્ય ચીજોની જેમ, ગુજરાતી નાટકોનું પણ વ્યવસાયિકરણ થઇ ગયું, એટલે “સારાં” નાટકોને બદલે “સફળ” નાટકોની માંગ વધતી ગઈ અને સાર્થક અથવા જીવન ઉપયોગી સર્જનો ઘટી ગયાં. એટલા માટે પાછલાં અમુક વર્ષોમાં અમુક ગુજરાતી નાટકો પરથી એવી હિન્દી ફિલ્મો બની છે, જે બોક્સ ઓફિસ પર ચાલે તેવી હોય. અફકોર્સ, સારી વસ્તુને પણ આર્થિક રીતે સફળ થવાનું જ હોય છે, પરંતુ જ્યારે પૈસા કમાવા એ એક માત્ર ઉદેશ્ય હોય, ત્યારે ગુણવત્તાનો ભોગ લેવાવાની શક્યતા વધી જાય.

પહેલાં સાવ એવું નહોતું. ગુજરાતી નાટ્ય વ્યવસાય એક જમાનામાં ઘણો વાઈબ્રન્ટ હતો, એટલું જ નહીં, જેને પારિવારિક કહી શકાય, મુદ્દા આધારિત કહી શકાય અને જેને અર્થપૂર્ણ કહી શકાય તેવાં નાટકો બનતાં હતાં અને તેના પરથી હિન્દી ફિલ્મો પણ બનતી હતી. એવી જ એક ફિલ્મ હતી “આરતી.” 1962માં આવેલી આ ફિલ્મમાં તે વખતની સુપરસ્ટાર મીના કુમારી આરતી ગુપ્તાની મુખ્ય ભૂમિકામાં હતી, અને તેની સાથે એટલા જ ખમતીધર અશોક કુમાર અને પ્રદીપ કુમાર હતા.

19મી સદીના મુંબઈમાં ઘણી નાટક કંપનીઓ કામ કરતી હતી. તે સૌની પાછળ “સમાજ” શબ્દ લાગતો હતો, જેમ કે – આર્ય નાટિકા સમાજ, શ્રી લક્ષ્મી નાટક સમાજ, રોયલ નાટક સમાજ, શ્રી વાંકાનેર આર્ય નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટક સમાજ. તેમાં ડાહ્યાભાઈ ઝવેરીની શ્રી દેશી નાટક સમાજ કંપનીની શરૂઆત 1889માં થયેલી અને છેક 1980 સુધી તે નાટકો ભજવતી હતી.

આ કંપનીનાં ‘માલવપતિ’ (1924), ‘વડીલોના વાંકે’ (1938), ‘સંપત્તિ માટે’ (1941), ‘ગાડાનો બેલ’ (1946), ‘સામે પાર’ (1947), ‘સર્વોદય’ (1952) જેવાં નાટકો અત્યંત લોકપ્રિય થયાં હતાં. ‘વડીલોના વાંકે’ નાટકના તો પાંચસોથી વધુ શો થયા હતા. આ કંપનીના એક નાટ્યકાર પ્રફુલ્લા દેસાઈનું “સંસ્કાર લક્ષ્મી” નાટક સાઈઠના દાયકામાં મુંબઈ-ગુજરાત-મહારાષ્ટ્રની ગુજરાતી વસ્તીમાં બહુ જાણીતું થયું હતું.

“આરતી” ફિલ્મનો આધાર આ “સંસ્કાર લક્ષ્મી” હતું. મીના કુમારીની યાદગાર ભૂમિકાઓમાંથી એક “આરતી” છે. તે વખતે મીના કુમારીની જે પણ ફિલ્મ આવતી, તેમાં જોવા જેવી મીના કુમારી હોય, બાકી બધા ઝાંખા પડી જતાં. 1962માં મીનાની ત્રણ ફિલ્મો આવી, અને ત્રણેમાં તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી; સાહેબ, બીબી ઔર ગુલામ; મૈં ચૂપ રહુંગી અને આરતી. તેમાં “સાહેબ, બીબી ઔર ગુલામ” માટે તેને એ ટ્રોફી મળી હતી.

રસપ્રદ વાત એ છે કે ગીત ગાતા ચલ, અંખિયો કે ઝરોખો સે, ચિત્તચોર, દુલ્હન વહી જો પિયા મન ભાવે, મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન જેવી અનેક બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મો આપનારી કંપની રાજશ્રી પ્રોડકશનની પ્રોડ્યુસર તરીકે શરૂઆત જ થઇ હતી “આરતી”થી. મૂળ રાજસ્થાનના મારવાડી પરિવારના તારાચંદ બડજાત્યાએ, જે દિવસે દેશ આઝાદ થયો, તે 15મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈમાં “રાજશ્રી” નામની ફિલ્મ ડિસ્ટ્રબ્યૂશન કંપની શરૂ કરી હતી.

પંદર વર્ષ સુધી અનેક સફળ ફિલ્મોનું વિતરણ કર્યા પછી, 1962માં બડજાત્યાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવ્યું અને પહેલી ફિલ્મ તરીકે ગુજરાતી નાટક “સંસ્કાર લક્ષ્મી”નો વિષય પસંદ કર્યો. આવનારા બે દાયકામાં રાજશ્રી પિક્ચર્સ કેવા પ્રકારની ફિલ્મો બનાવશે, તેનું ડી.એન.એ. “આરતી”માં જ સ્થાપિત થઇ ગયું હતું. તેનું નિર્દેશન તેમણે કે.એલ. સાઈગલની ઠુમરી “બાબુલ મોરા નૈહર છૂટો જાય”થી જાણીતીથી થયેલી ફિલ્મ “સ્ટ્રીટ સિંગર”(1938)વાળા ફણી મઝૂમદારને સોપ્યું હતું.

ગુજરાતી નાટકો એ જમનામાં કેટલાં પ્રગતિશીલ હતાં, તેનું ઉદાહરણ “સંસ્કાર લક્ષ્મી” છે, અને એટલે જ બડજાત્યાએ તેને ફિલ્મનો વિષય બનાવ્યું હતું. એ અર્થમાં “આરતી” રાજશ્રી પિક્ચર્સની પહેલી નારીવાદી ફિલ્મ છે અને એ વખતે તેવી ભૂમિકા ભજવવા માટે મીના કુમારીથી વધુ કોણ યોગ્ય હતું!

ફિલ્મમાં, આરતી ગુપ્તા એક ઉદાર દિલની ડોક્ટર છે. તેનાં એન્ગેજમેન્ટ તેના સિનિયર અને બોસ ડો. પ્રકાશ (અશોક કુમાર) સાથે થાય છે. આ સંભવિત યુગલ વચ્ચે એક વિરોધીતા છે; આરતી ડોક્ટરના વ્યવસાયને લોકોની સેવા માટેના અવસર તરીકે જુએ છે, ડો. પ્રકાશ તેને પૈસા કમાવાનું સાધન ગણે છે. એક અકસ્માતમાં, દીપક (પ્રદીપ કુમાર) નામનો બેરોજગાર અને ગરીબ કવિ આરતીનો જીવ બચાવે છે.

પરિણામે, આરતી તેને પ્રેમ કરવા લાગે છે. તે ડો. પ્રકાશ સાથે વિવાહ ફોગ કરીને દીપક સાથે લગ્ન કરે છે અને તેના પિતા, એક બહેન, એક ભાઈ (મરાઠી એકટર રમેશ દેવનું ડેબ્યુ), તેની પત્ની (શશીકલાનો પહેલો જાણીતો વેમ્પ રોલ) અને ત્રણ બાળકોથી ભરેલાં એક ગરીબ ઘરમાં લગ્નજીવન શરૂ કરે છે. તેનો ખુદનો પરિવાર અને ડો. પ્રકાશ આ નિર્ણયનો વિરોધ કરે છે. ડો. પ્રકાશનો તો અહં ઘવાઈ જાય છે. તે દીપકના પરિવારને પણ ઓળખે છે અને વારંવાર મુલાકાત લે છે, જેથી આરતીના વૈવાહિક જીવનમાં કલેશ ઊભો થાય છે. આરતીને પ્રકાશની હરકત પસંદ નથી.

ત્યાં સુધી કે દીપકની શંકાથી ત્રાસીને ઘર છોડી દે છે અને પિતાના ઘરે આવી જાય છે. એવામાં દીપકને એક ગંભીર અકસ્માત થાય છે. તેનું ઓપરેશન કરવા માટે માત્ર ડો. પ્રકાશ જ સક્ષમ છે. તે એક શરતે દીપકની સર્જરી કરવા તૈયાર થાય છે કે આરતી પતિના ઘરે પાછી આવે અને દીપકને માફ કરી દે. 

મીના કુમારીનો આ “ઓથર-પેક” રોલ હતો. આરતી એક પત્ની તરીકે પીડિત છે અને પતિની ગેરસમજનો ભોગ બનેલી છે, છતાં એક સ્ત્રી તરીકે તે મહેનતુ છે, આદર્શવાદી છે અને પોતાના માટે શું યોગ્ય છે તેના નિર્ણય ખુદ કરે છે. તેની દૃઢતા અને વિવેકબુદ્ધિ આરતીનું જમા પાસું છે. એક દૃશ્યમાં, દીપક જ્યારે આરતી પર આરોપ મૂકે છે કે તેના દિલમાં પ્રકાશ માટે મીઠી લાગણી છે, ત્યારે આરતી તેની મક્કમતાનો પરચો આપીને દીપકને કહે છે કે આવા ઇલ્જામ મૂકીને મારી નજરમાંથી પડી ના જઈશ. પોતાના આદર્શ માટે તે મંગેતરને છોડી દેતાં અચકાતી નથી અને સ્વમાનનો પ્રશ્ન આવ્યો તો પતિનું ઘર પણ ત્યજી દે છે.

એક રસપ્રદ વાત એ છે કે પ્રદીપ કુમારનો રોલ માટે આપણા ગુજરાતી હરિભાઈ જરીવાલા ઉર્ફે સંજીવ કુમાર સામે ચાલીને બડજાત્યા પાસે ગયા હતા અને તેમને સાઈન પણ કરવામાં આવ્યા હતા, પરંતુ “દાંત બહુ આગળ પડતા” કહીને તેમની જગ્યાએ પ્રદીપ કુમારને લેવામાં આવ્યા હતા. સંજીવ કુમારને ત્યારે એટલું માઠું લાગ્યું હતું કે બે દાયકા પછી “સારાંશ” ફિલ્મ માટે રાજશ્રીએ હરિભાઈનો સંપર્ક કર્યો તો હરિભાઈએ ના પાડી દીધી. એ રોલ પણ લાજવાબ હતો અને અનુપમ ખેરની કેરિયર બનાવી ગયો હતો!

રોશનના સંગીત અને મજરૂહ સુલતાનપૂરીના શબ્દોમાં ફિલ્મમાં સુંદર 7 ગીતો હતાં. તેમાંથી બે તો આજે ય સાંભળવાનું મન થાય તેવાં છે; લતાના અવાજમાં આશાવાદી ગીત “કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંજિલ, રાહી …” અને મહોમ્મદ રફીના સ્વરમાં રોમેન્ટિક “અબ ક્યા મિશાલ દૂં મૈં તેરે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી.” રાજશ્રીવાળાઓની ફિલ્મોમાં સંગીત બહુ ઉમદા હોય છે તેની સાબિતી પણ પહેલી જ ફિલ્મમાં મળી હતી.

પ્રગટ : ‘સુપરહીટ’ નામક કોલમ, “સંદેશ”, 07 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2621,2631,2641,265...1,2701,2801,290...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved