Opinion Magazine
Number of visits: 9669887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યુઝીલેન્ડમાં 42 વર્ષનાં પી.એમ. જેસિંડા અર્ડને ક્ષેત્ર સન્યાસ લીધો : રાજનીતિમાં પણ નિવૃત્તિ વય હોવી જોઈએ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 January 2023

રાજ ગોસ્વામી

2016માં, કાઁગ્રેસના સભ્ય જયરામ રમેશ રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા હતા ત્યારે ગૃહના નેતા અને તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલી વચ્ચે વિનોદ થયો હતો. જયરામે કહ્યું હતું, “આમ તો મહાત્મા ગાંધીએ અમને ખાદી સ્પિન કરવાનું (કાંતવાનું) શીખવાડ્યું હતું, પણ અહીં ગૃહના નેતા તથ્યોને સ્પિન કરવામાં (મરોડવામાં) માહેર છે.” સભ્યોના હાસ્ય વચ્ચે જયરામે પછી ઉમેર્યું હતું, “હું નિવૃત્ત થઇ રહ્યો છું ત્યારે મને ક્રિકેટર વિજય મર્ચન્ટના જાણીતા શબ્દો યાદ આવે છે. તે જ્યારે નિવૃત્ત થયા, ત્યારે કોઈએ તેમને પૂછ્યું હતું, “તમે કેમ જાઓ છો?” તો જવાબમાં મર્ચન્ટે કહ્યું હતું કે, “લોકો એવું પૂછવા લાગે કે ‘કેમ જતા નથી’ તેના કરતાં એવું પૂછતા હોય કે ‘કેમ જાવ છો’ ત્યારે જ નિવૃત્ત થઇ જવું જોઈએ.”

જેટલીનો વારો આવ્યો ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું કે આવું વિજય મર્ચન્ટે નહીં પણ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું. જયરામ રમેશ તરત બોલ્યા, “મેં નહોતું કહ્યું કે આ જબ્બર સ્પિન કરે છે!”

આ કિસ્સો યાદ આવવાનું કારણ ન્યુઝીલેન્ડનાં પ્રધાન મંત્રી જેસિંડા અર્ડન છે. 19મી જાન્યુઆરી તેમણે પ્રધાન મંત્રી પદ પરથી અને પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અગામી ઓકટોબરમાં યોજાનારી ચૂંટણીઓમાં પણ તે ઊભા નહીં રહે.

“પ્રધાન મંત્રી તરીકે મેં મારું સર્વસ્વ આપ્યું હતું, પણ એમાં હું ખાલી થઇ ગઈ છું. મારી પાસે આ પદ પર રહીને જવાબદારી નિભાવાની ઉર્જા બચી નથી. મેં અનેક પડકારોનો સામનો કર્યો છે. હું એક માણસ છું. રાજકારણીઓ પણ માણસ હોય છે,” એમ તેમણે કહ્યું હતું.

જેસિંડા અર્ડન માત્ર 42 જ વર્ષનાં છે. 17 વર્ષની ઉંમરે તેઓ લેબર પાર્ટીમાં જોડાયાં હતાં. 2008માં તે સંસદ સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. 2017માં, 37 વર્ષની ઉંમરે, તેઓ ગઠબંધનની સરકારમાં પ્રધાનમંત્રી બન્યાં હતાં. દુનિયાનાં સૌથી નાની ઉંમરે પ્રધાન મંત્રી બનનાર જેસિંડા જે રીતે રાજકારણમાંથી સન્યાસ લીધો છે, તેની દુનિયામાં વાહવાહી થઇ છે. રાજકારણ રાજકારણની જગ્યાએ છે પણ એવું કોણ કહે કે મારી પાસે સત્તામાં રહેવાની ઉર્જા નથી, અને હું જો રહીશ તો તેમાં ન્યુઝીલેન્ડનું નુકસાન થશે?

ન્યુઝીલેન્ડમાં આવું પહેલીવાર નથી થયું. જેસિંડાના પુરોગામી પ્રધાન મંત્રી જોહ્ન કે 2016માં આવી જ રીતે પદ છોડી ગયા હતા. તે આઠ વર્ષથી પ્રધાન મંત્રી હતા. અચાનક તેમણે મીડિયા સામે આવીને કહી દીધું કે તેમણે “આ પદ પર રહીને દેશ માટે જેટલું થાય એટલું કર્યું છે પણ હવે પરિવાર સાથે વધુ સમય ગુજારવો છે.” તેમની સામે ન તો કોઈ પડકાર હતો કે ન તો કોઈ વિરોધ. તેમણે સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે “હવે બહુ થયું.”

આપણે ત્યાં ઊંધું છે. આપણે ત્યાં નેતાનો પરિવાર ન હોય તે ગુણ કહેવાય છે અને જે નેતા પરિવારની ચિંતા કરે તે અવગુણ ગણાય છે. આ સંસ્કૃતિનો ફરક છે. આપણે ત્યાં પરિવાર ન હોય અને બુઝુર્ગ હોય તેવો નેતાને આપોઆપ ઋષિ-મુનિ જેવું સન્માન મળવા લાગે છે. યુવાન નેતાને અહીં શંકાની નજરે જોવામાં આવે છે.

એટલા માટે ભારતમાં રાજકારણ એક માત્ર એવો વ્યવસાય છે જેમાં કોઈ નિવૃત્ત થતું નથી. દરેક નેતાને એવું લાગે છે કે ઈશ્વરે તેમને આ સ્પેશ્યલ જવાબદારી સોંપી છે અને તેમણે મરતે દમ તક તેને નિભાવવી જોઈએ. જૂનાં જમાનામાં રાજા-મહારાજાઓ એવું માનતા હતા કે તેઓ ઈશ્વરની સત્તાના સીધા વારસદાર છે અને તેમને લોકોનું કલ્યાણ કરવા માટે જ નીચે મોકલ્યા છે. એટલા માટે રાજાશાહીમાં ચૂંટણી થતી નહોતી. રાજાનો વારસ સીધો રાજા બનતો હતો. ઝવેરચંદ મેઘાણીએ તેના માટે ‘દેવના દીધેલ’ શબ્દ વાપર્યો હતો; અમુક લોકો ઈશ્વરની ખાસ નજીક હોય છે અને તે બીજાઓથી ઉપર છે.

ભારતમાં પશ્ચિમની તર્જ પર લોકશાહીની વ્યવસ્થા લાવવામાં આવી છે પણ ‘દેવના દીધેલ’ની માનસિકતા સમાજમાંથી ગઈ નથી. જેસિંડા ભારતીય રાજકારણ માટે એક મિશાલ છે. ભારતમાં, વિજય મર્ચન્ટના શબ્દોમાં કહીએ તો, જવાનું કહે તો પણ રાજકારણીઓ જતા નથી, સામેથી જવાનું તો દૂરની વાત છે. કોઈ એવી દલીલ કરે કે સમાજ સેવા નોકરી નથી, એ લોકકલ્યાણ માટેની ભાવના છે, એટલે માણસ તેને આજીવન કરતો રહે છે.

સિદ્ધાંત તરીકે આ વાત સાચી છે પરંતુ ભારતમાં રાજનીતિ કોઇ પણ બિઝનેસ કે નોકરીની જેમ એક વ્યવસાય બની ગઈ છે એ પણ એક હકીકત છે. રાજકીય પક્ષોનું સંચાલન કોઈ કોર્પોરેટ કંપનીની જેમ જ થાય છે. તેમાં એ રીતે જ પ્રવેશ મળે છે, પ્રમોશન મળે છે, બેનિફિટ મળે છે, તેમાં એવી જ જવાબદારીઓ હોય છે, તેનું મૂલ્યાંકન થાય છે. લોકો રાજકારણમાં સેવા કરવા નથી જોડાતા. કેરિયર બનાવા જોડાય છે.

2004માં, યુવા કાઁગ્રેસ નેતા સચિન પાયલોટે એક લેખમાં લખ્યું હતું કે 65 વર્ષની ઉંમરે તમામ રાજકારણીઓને નિવૃત્ત કરી દેવાનો એક કાયદો લાવવો જોઈએ. સચિને કહ્યું હતું કે બુઝુર્ગો જતા નથી એટલે જ નવી યુવાન નેતાગીરી વિકસતી નથી. તેમની વાત તેમના માટે જ સાચી પડી છે. રાજસ્થાનના 71 વર્ષના મુખ્ય મંત્રી અશોક ગહેલોત હજુ ય સચિનને એડી નીચે દબાવી રાખીને બેઠા છે.

ભારતના રાજકારણમાં પાવર અને પૈસાનો દબદબો એટલો છે કે એક વાર કોઈ ‘લોહી’ ચાખી લે પછી તેને જવા ન દે. આપણે ત્યાં એક ઉદાહરણ ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીનું છે. ઇન્દિરા ગાંધીએ 1975માં દેશમાં કટોકટી એટલા માટે લાદી હતી કારણ કે તેમની સામે વ્યાપક વિરોધ હતો અને તેમની ખુરશી જોખમમાં હતી. જેસિંડા અને જોહ્ન કે તો કોઈએ કહ્યું નહોતું છતાં પરિવાર માટે સત્તા છોડી ગયાં હતાં, પણ તમે એવી કલ્પના કરી શકો કે ઇન્દિરા રેડિયો પર આવીને એવી ઘોષણા કરે કે તેમણે દેશ માટે બનતું કર્યું છે પણ હવે પરિવાર માટે સમય આપવો છે?

તેમણે એવું ન કર્યું કારણ કે તેઓ માનતાં હતાં કે લોકોની સેવા કરવાનો તેમને ‘અધિકાર’ છે અને તે છેલ્લા શ્વાસ સુધી સેવા કરશે. વાસ્તવમાં, ભારતમાં મરતે દમ તક સેવા કરવાની વાત કરનાર નેતા(જેવું ઇન્દિરાએ કહ્યું હતું)માં પ્રજા વધુ વિશ્વાસ મૂકે છે, નહીં કે જે એવું કહે કે ‘હવે બહુ થયું.’ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્ય મંત્રી બન્યા ત્યારે સૈદ્ધાંતિક કારણોને આગળ ધરીને તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે આ જ પ્રજાએ તેમને કાયર અને બાલીશ ગણાવ્યા હતા.

તેની સામે, 1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા. તેમની પાસે બહુમતી નહોતી. તેઓએ એ આશામાં સત્તા સંભાળી હતી કે અન્ય પક્ષો તેમને સંસદમાં મત આપશે. બહુમતી મેળવવા માટે તેમણે કોઈ કાવાદાવા કર્યા નહોતા. એ પછી 1999માં, વાજપેયીની સરકાર 13 મહિના ચાલી હતી અને વિશ્વાસના મતમાં એક જ મતથી તે તૂટી પડી હતી. આજે કોઈ નેતા એક મતથી ચૂંટણી હારે તો પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. ઊલટાનું, મતો ખરીદવાનું કે પક્ષપલટો કરાવાનું એટલું સહજ થઇ ગયું છે કે પ્રજાને એમાં કોઈ અપરાધ દેખાતો નથી.

તેની સામે, 1998માં, પ્રધાન મંત્રી બન્યાના સાત મહિનામાં જ એક સમાચાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, “જેવી રીતે સત્તામાં આવવું એને મેં ક્યારે ય સિદ્ધિ ગણી નથી, તેવી જ રીતે સત્તામાં ટકી રહેવાને પણ મેં ઉપલબ્ધિ માની નથી. મને સત્તાની કશિશ રહી નથી. હું 40 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠો છું, પણ સત્તા પક્ષમાં જવા માટે થઇને મેં પાયાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી.”

ભારતમાં સાચે જ એવા રાજકારણીઓની જરૂર છે જે ‘મરતે દમ તક’ સેવા કરવાની કસમો ખાવાને બદલે સન્માનપૂર્વક ખુરશી છોડી દેવાનું પસંદ કરે. 

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 29 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બજેટ 2023: લોકપ્રિય નહીં પણ વહેવારુ બજેટ જ તારી શકશે અસંતુલિત અર્થંત્રને

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 January 2023

ભા.જ.પા.ની સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી માંડીને 2016-17 સિવાયના નવ બજેટમાં મોદી સરકાર ક્યારે ય પણ ફિસ્કલ ડેફિસીટ એટલે કે રોજકોષિય ખાદ્યના ટાર્ગેટને અચીવ નથી કરી શકી.

ચિરંતના ભટ્ટ

2024ની ચૂંટણીઓ પહેલાંનું આ બજેટ નિર્ણાયક જ હોય તે સ્વાભાવિક છે. રોગચાળા પછીનું આ પહેલું બજેટ છે. વિશ્વમાં પણ યુક્રેન રશિયાના સંઘર્ષ જેવા સંજોગોને કારણે બહુ પરિવર્તનો આવ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો કરીને બેરોજગારી અને ફુગાવાના મુદ્દામાં ઘી હોમી રહ્યા છે, ત્યારે મોદી સરકારે આગામી ચૂંટણી પહેલાના આ બજેટમાં લોકપ્રિય ચીજોના તલ હોમવા જ પડશે. જો કે ધનવાનોને ધનવાન બનાવતા આક્ષેપોને મોદી સરકાર કંઇ બહુ ગંભીરતાથી લેતી હોય એમ લાગતું નથી. વૈશ્વિક અર્થતંત્ર મંદીના સપાટામાં છે, યુ.એસ. ફેડરલ રિઝર્વે નક્કી કર્યું છે કે ગમે તે ભોગે ફુગાવાને ફગાવી દેવો, ચીન બમણા જોરથી ફરી રેસમાં જોડાયો છે અને જાપાનની હાઇપર-ઇઝી મોનિટરી પૉલિસીનું જોર ઘટ્યું છે. દુનિયામાં આ બધું ચાલી રહ્યું હોય ત્યારે ભારત કોઇ એવા વાયદા તો નહીં કરે જે પાળવાના મુશ્કેલ હોય. છે અને આ બધી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતને જો વૈશ્વિક આર્થિક સત્તાની દોડમાં આગળ વધવું હોય તો બહુ બધા પડકારોની ત્રિરાશી માંડવી પડશે.

ભા.જ.પા.ની સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી માંડીને 2016-17 સિવાયના નવ બજેટમાં મોદી સરકાર ક્યારે ય પણ ફિસ્કલ ડેફિસીટ એટલે કે રોજકોષિય ખાદ્યના ટાર્ગેટને અચીવ નથી કરી શકી. 2014-15ના બજેટ માટે જે ટાર્ગેટ અપાયું હતું તે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – GDPના 3 ટકા જેટલું હતું જે આગલા બજેટમાં 3.5 ટકા કરાયું અને સાકાર પણ કરાયું હતું. અપેક્ષા કરતાં ઓછા જી.ડી.પી. અને વધુ ટેક્સ કલેક્શનને કારણે GDPના 6.4 ટકા જેટલું જે ફિસ્કલ ડેફિસીટનું ટાર્ગેટ નક્કી કરાયું હતું જે 31મી માર્ચ સુધીમાં માંડ પૂરું થશે. આગામી નાણાંકીય વર્ષ માટે ફિસ્કલ ડેફિસીટના ટાર્ગેટ 4.5 ટકાથી ઓછા રાખવા એવું કેન્દ્ર વિચારે છે એવી ચર્ચા છે. ભારતને બીજા દેશોનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાનો ગેરલાભ વેઠવો પડે છે કારણ કે ભારતની નિકાસ ઘટી છે. કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન ભારતે કરોડો ડૉલર્સના ખર્ચે લોકોને ખાધા-ખોરાકી પહોંચાડી હતી – ખાસ કરીને ગરીબોને વળી ફ્રી વેક્સિન્સ, નાના વ્યાપારને ઓછા દરે અપાયેલી સસ્તી લોન્સ વગેરેને કારણે ફિસ્કલ ડેફિસીટ GDPના 9.3 ટકા થઇ ગઇ હતી.

છેલ્લા બે-એક બજેટ તો પેન્ડેમિક બજેટ રહ્યા જેમાં હેલ્થકેર પર સરકારે વધુ ખર્ચ કરવો પડ્યો એમાં વેક્સિન ડિપ્લોમસીથી માંડીને સ્થાનિક માળખાંકીય સુવિધાઓની વાત આવી ગઇ, વળી છેવાડાના માણસોને સાચવવા માટે પણ નાણાં ફાળવાયાં – આમાં જાહેર ક્ષેત્રના કેપિટલ એક્સપેન્ડિચરે વિકાસ સાચવી લીધો.  2016માં નોટબંધી અને જી.એસ.ટી.એ આપણા વિકાસની ગતિ ધીમી પાડી. રોગચાળા પછી અર્થતંત્ર તો બેઠું કરવાનું જ હતું પણ સાથે બેરોજગારી, અનૌપચારિક ક્ષેત્રોના પ્રશ્નો પણ ખડા થયા.

હવે રાજકીય ચોપાટની વાત કરીએ તો નિર્મલા સિતારામન્‌નું બજેટ આ વર્ષે લોક લક્ષી હોય તે બહુ જરૂરી છે કારણ કે માથે ચૂંટણી ઊભી છે. આર્થિક અને રાજકીય ફરજોના દોરડા પર સંતુલન કરીને બજેટના માંચડા પર ચાલવું સહેલું નથી. ચૂંટણી માથે છે ત્યારે અત્યાર સુધી લોકોને રિઝવવા માટે જે સરકારે બજેટ નથી બનાવ્યું, એણે હવે લોક લક્ષી બજેટ પણ બનાવવું પડશે. નાની બચત યોજનાઓ માટેની સરળતાઓ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્સ્યોરન્સ જેમાં જરૂર પડે તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવી, વરિષ્ઠ નાગરિકોને વિદેશી આવક પર કર મુક્તિની મર્યાદા વધારવા જેવાં પગલાં સરકાર આ બજેટમાં લે તેવી શક્યતાઓ છે. ભા.જ.પા. સરકાર ટેક્સેશનને મામલે કડક રહી છે પણ હવે આ સંજોગો બદલાશે કે કેમ એ જોવું રહ્યું? કરવેરાના દર ઘટાડવાની દિશામાં પણ સરકાર વિચાર કરે તો મધ્યમ વર્ગને રાહત રહે. વળી વંદે ભારત ટ્રેન જેવી સવલતોમાં વધારો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેના ઇક્વિટી રોકાણો પર મુક્તિની મર્યાદામાં વધારો પણ થઇ શકે છે. ચૂંટણી એક વર્ષ બાદ જ છે ત્યારે સરકાર રાજ્ય સંચાલિક કંપનીઓ વેચીને નાણાંકીય ભંડોળ વધારી ન શકે તે સ્વાભાવિક છે અને આ કારણે નાણાં મંત્રી પગારદારો માટે બહુ નોંધપાત્ર ટેક્સ બ્રેક નહીં આપી શકે તો ગરીબોને મદદરૂપ એવી સબસિડી પણ સરકારે ઘટાડવી જ પડશે. ફુગાવાનું નિયંત્રણ પણ સરકાર માટે જરૂરી છે જે બજેટ ડેફિસીટ પર જરૂરી કાપ મુકવાથી જ થઇ શકશે.

મોદી સરકારનો અભિગમ બજેટ પ્રત્યે ‘કોઇની પણ સાડાબારી રાખવી નહીં’ પ્રકારનો રહ્યો છે. વળી સબ કા સાથ સબ કા વિકાસથી માંડીને આત્મનિર્ભર જેવા નવા શબ્દો સરકારે આપ્યા છે જેમાં મૂળે તો સર્વાંગી વિકાસ અને આયાતો ઘટાડવા પર ધ્યાન અપાયું. મોદી સરકારે બજેટનો ઉપયોગ સામાજિક એજન્ડા અને આર્થિક વિઝન આપવા માટે કર્યો છે. જો કે જે કહેવાયું છે તે થયું નથી – બેરોજગારી અને મોંઘવારીનો બોજ તો છે જ વળી આર્થિક વિકાસ પણ એટલો ઝડપી નથી જેટલો બીજી સરકારોમાં રહ્યો છે.

રાજ્ય સ્તરે સ્રોતોની તંગી, વીજળીની વહેંચણી, સવલતોમાં સરિયામ ખોટ અને 6 ટકાનો ફુગાવો એ વાતની સાબિતી છે કે ભારતમાં મેક્રોઇકોનોમિક અસંતુલન આંખે ઊડીને વળગે એવું છે – સદ્દનસીબે કોલર ઊંચો કરવા માટે કોવિડ-19 રોગચાળા પછીનો વિકાસ છે પણ એ પણ ધીમો પડી રહ્યો છે કારણ કે બેંકોના વધતા ઇન્ટ્રેસ્ટ રેટ્સને કારણે નિકાસ ઘટી છે. ફિસ્કલ પંપ્સને કામે લગાડવા કરતા સ્થિરતા પર ધ્યાન આપવામાં ભારતના અર્થતંત્રને લાભ છે.

ચીનની સામે ઉત્પાદક દેશ તરીકે ભારતને એક મજબૂત સ્પર્ધક તરીકે રજૂ કરવાની વડા પ્રધાનની મહેચ્છા પૂરી કરવા માટે જે માળખાની જરૂર હશે તે ખડા કરવા તરફ ધ્યાન અપાશે. ભારત સરકારનું પોતાનું કેપિટલ એક્સપેન્ડિચર ભારે રહ્યું છે અને પૈસા ખડા કરવા માટે રાજ્યના એસેટ્સને ખાનગી પ્લેયર્સને લીઝ પર આપવાનો વારો આવશે. જે તવંગરો સામે વિરોધ પક્ષોને વાંધો છે એ લોકો જે રેલવે, રોડ અને એરપોર્ટમાં રોકાણો કરશે. મોદી સરકારે એર ઇન્ડિયા તાતા ગ્રૂપને વેચવામાં ચાવીરૂપ રોલ ભજવ્યો પણ એ ઘટના ચૂંટણી પહેલાં નહોતી થઇ. ચૂંટણી માથે હોય ત્યારે ખાનગીકરણની શક્યતાઓ ઘટાડવી જ પડે નહીંતર લોકોને એ આંખમાં કણાની માફક ખૂંચે.

કાઁગ્રેસે જ્યાં ચૂંટણીમાં જીત મેળવી છે ત્યાં લોકપ્રિય નીતિઓનું અમલીકરણ કરાયું છે જેમ કે સરકારી કર્મચારીઓ માટે પહેલાં જેવી પેન્શન યોજના. જો કે આ નીતિઓ આવે તો ભવિષ્યના ટેક્સ પેયર્સનો બોજ વધે. 1લી ફેબ્રુઆરીનું બજેટ ધુંઆધાર લાગી શકે છે પણ વિકાસની પકડ ઢીલી પડશે તો વર્ષ દરમિયાન રાજકીય દબાણોને આધારે દેશમાં કામગીરી થવા માંડે એમ પણ બને.

બજેટ લોકપ્રિય ન હોય પણ વહેવારુ હોય તે જરૂરી છે કારણ કે વૈશ્વિક મંદીની આગાહી છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોના પડકારો ઉકેલાઇ શકાય તો આપણું અર્થતંત્ર બહેતર બને.

બાય ધી વેઃ

નિર્મલા સિતારામન્‌થી ભલે બીજાઓ ખુશ ન હોય પણ સાહેબના વિઝનને એ માફક આવે છે. મોદી સરકારનો નાણાંકીય દૃષ્ટિકોણ જાહેર કે ખાનગી બેમાંથી એકપણ ક્ષેત્રને પૂરેપૂરો સદ્યો નથી. રોકાણ દરોમાં ઘટાડો અને વિકાસની ધીમી ગતિને કારણે બેરોજગારી વધી, આવકનું સર્જન પણ ઘટ્યું. સરકારે નાણાં ભંડોળ એકઠું કરવું, રેવન્યુ પેદા કરવાના નવા રસ્તા શોધવા, ઓછામાં ઓછી ઉધારી કરવી, સ્થાનિક ખાનગી ક્ષેત્રોને રોકાણ કરવા પ્રોત્સાહન આપવા જેવા પગલાં લઇને પરિસ્થિતિ બદલવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જાન્યુઆરી 2023

Loading

બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 January 2023

રમેશ ઓઝા

ન્યાયતંત્ર ઉપર લગભગ રોજેરોજ આઘાત કરનારા ઉપ રાષ્ટ્રપતિ ધનગર અને કેન્દ્રના કાયદા પ્રધાન કિરણ રિજુજીમાંથી કિરણ રિજુજીએ સોમવારે અચાનક સૂર બદલતા કહ્યું કે સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે પરસ્પર આદરનો સંબંધ છે, કોઈ મહાભારતનું યુદ્ધ નથી, અમારી વચ્ચે સંવાદ ચાલતો રહે છે અને સરકાર સર્વોચ્ચ અદાલતની છાતી પર ચડી બેઠી છે, વગેરે પ્રકારની છાપ તો મીડિયાએ ઊભી કરી છે. તેમણે આર.એસ. સોઢી નામના દિલ્હીની વડી અદાલતના એક નિવૃત્ત ન્યાયમૂર્તિને પણ શોધી કાઢ્યા હતા જેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત બંધારણને હાઇજેક કરી ગઈ છે. હજારેક નિવૃત્ત ન્યાયમૂર્તિઓમાંથી એક નિવૃત્ત ન્યાયમૂર્તિ સરકારના પક્ષે આગળ આવ્યા છે. બીજા પણ શોધવામાં આવતા હશે. ટૂંકમાં ચારે બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી હતી. પણ એની વચ્ચે કેન્દ્રના કાયદા પ્રધાને સૂર બદલ્યો.

દરમિયાન જે દિવસે બંધારણના બેઝિક સ્ટ્રકચરને હાથ લગાડવામાં આવશે અને શાસકોને તેમ જ લોકપ્રતિનિધિઓને હાથ લગાડવાનો અધિકાર આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે, એમ પોતાની આત્મકથામાં કહેનારા લાલ કૃષ્ણ અડવાણી ચૂપ છે. તેમણે અલબત્ત બંધારણની સમીક્ષા કરવાને નામે એક પંચ રચીને બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં ફાંકુ પાડવાનો પ્રયાસ કર્યો હતો એ હું કહી ચુક્યો છું.

તો ચારે કોરથી સર્વોચ્ચ અદાલત ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને લોકતંત્રના પ્રહરી ચૂપ છે અને રહેવાના છે તો પછી અચાનક સૂર બદલવાની જરૂર કેમ પડી?

એનું કારણ ઈઝરાયેલ છે.

ઈઝરાયલમાં આરેય દેરી નામનો એક ખેપાની માણસ છે અને તે ‘શાસ‘ નામના પક્ષના સ્થાપકોમાંનો એક છે અને અત્યારે સર્વેસર્વા છે. એ માણસ ઝનૂનીઓમાં પણ ઝનૂની છે. આપણી ભલે ત્રણ પેઢી બરબાદ થઈ જાય પણ મુસલમાનોને દબાવીને રાખવા જોઈએ, એવી તામસી મનોવૃત્તિ ધરાવનારા યહૂદીઓનો તે હીરો છે. આવા ઘણાં યહૂદીઓ ઈઝરાયેલમાં વસે છે અને તેમના જોરે આ દેરી ૧૯૮૮ની સાલથી દેશની જે તે સરકારમાં પ્રધાનપદું ભોગવતો આવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ સરકારની સ્થિરતા માટે અને ઝનૂની યહૂદીઓ રસ્તા પર ઊતરીને ત્રાસ ન આપે એ સારુ દેરીને પ્રધાનમંડળમાં લેવો પડે છે.

પણ એમાં બન્યું એવું કે દોઢ લાખ અમેરિકન ડોલરની લાંચ લેવાના કેસમાં દેરીને ત્રણ વરસની જેલની સજા થઈ. જેલની સજા ભોગવીને બહાર આવ્યો અને ઇઝરાયેલમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. ૧૨૦ સભ્યોની લોકસભામાં શાસક લિકુડ પક્ષને માત્ર ૩૨ બેઠકો મળી અને દેરીના પક્ષને ૧૧ બેઠક મળી. આ બન્ને પક્ષ ઈઝરાયેલની લોકસભામાં સૌથી મોટા પક્ષ છે અને એ પછી પણ બહુમતી થતી નથી. દેરી લિકૂડ પક્ષના વડા પ્રધાનપદના દાવેદાર નેતાન્યાહુની મજબૂરીનો લાભ લેવાનું ચૂક્યો નહોતો અને રાજકીય કદમાં તેમ જ આર્થિક લાભોમાં વધારો થાય એવાં ખાતાં મેળવવાનો સોદો કર્યો.

માત્ર આરોપી નહીં પણ સજા પામેલા ગુનેગારને દેશની સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા એની સામે ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે વાંધો લીધો અને પ્રધાનપદ માટે દેરીને અપાત્ર ઠેરવ્યો. હવે? હવે વડા પ્રધાન નેતાન્યાહુ અને તેમના પ્રધાનોએ સર્વોચ્ચ અદાલત સામે મોરચો માંડયો કે સર્વોચ્ચ અદાલત ઇઝરાયેલના બંધારણને અને ઇઝરાયેલ રાષ્ટ્રને હાઈજેક કરી ગઈ છે. સાચા લોકતંત્રમાં પ્રજાના પ્રતિનિધિઓ અને પ્રજાએ પસંદ કરેલી સરકાર સર્વોપરી ગણાય, વગેરે. એ જ દલિલો જે આપણે ત્યાં કરવામાં આવી રહી છે. સર્વોચ્ચ અદાલત ઉપર હુમલા કરવામાં વડા પ્રધાન નેતાન્યાહુ મોખરે હતા. નેતાન્યાહુ આજના યુગના નેતાઓનું માથું ભાંગે એવા નફ્ફટ માણસ છે.

કારસો ઈઝરાયેલની સર્વોચ્ચ અદાલતની છાતી ઉપર ચડી બેસીને તેને કચડી નાખવાનો હતો. ઇઝરાયેલના બંધારણની ઐસીતૈસી કરાવાનો હતો. કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવાનો અને ક્યારે ય નહીં છોડવાનો હતો, પણ પ્રજાએ ખેલ બગાડી નાખ્યો. લોકોએ ઠેકઠેકાણે દેખાવો કર્યા અને એક દિવસે તો એક લાખ લોકોએ તેમાં ભાગ લીધો. નેતાન્યાહુ પાસે દેરીને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો. આપણે ત્યાં પણ કાયદા પ્રધાને સૂર બદલ્યો એનું આ કારણ છે.

જગત આખામાં ઘટનાની પાછળ ઘટનાઓ આકાર લઇ રહી છે અને તેને કારણે વિશ્વનાં રાજકારણમાં નવા વળાંકનાં સંકેતો નજરે પડી રહ્યા છે. પ્રજાની વચ્ચે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. જે લોકો નફરતનો છોડ ઉછેરીને પોતાનાં અને પોતાનાં સંતાનોનાં ભવિષ્યને હોમી દેવા માગતા નથી, એવા બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઇએ છે અને તેને માટે સ્વતંત્ર ન્યાયતંત્ર પહેલી શરત છે. બેજવાદાર માથાભારે રાજ્ય કોઈના લાભમાં નથી એ તેઓ જાણે છે. અત્યારે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ, ધર્મગુરુઓ, પત્રકારો, જજો સુદ્ધાં વેચાઈ રહ્યા છે ત્યારે કાયદાનું ધોરણસરનું રાજ્ય બચાવવું કેવી રીતે અને કોને ભરોસે! નાગરિકોએ પોતે મોરચો સંભાળી લીધો છે અને રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. આજે ભારત સહિત જગતના એકાદ ડઝન દેશોમાં લોકો રસ્તા પર છે જેની જાણકારી ગોદી ગલૂડિયાં તમને નથી આપતા. ઇઝરાયેલની આવડી મોટી ઘટનાની તમને જાણ હતી?

કિરણ રિજુજીએ સર્વોચ્ચ અદાલત ઉપરનો કારસો ઢીલો કર્યો એનું બીજું પણ એક કારણ છે. બી.બી.સી.એ નરેન્દ્ર મોદી ઉપર બનાવેલી ફિલ્મ અને તેનાં પર ભારતમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ. ભારતની પ્રજા એ ફિલ્મ નહીં જોઈ શકે, દુનિયા તો એ જોવાની જ. તેને રોકવાનો કોઈ ઈલાજ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2561,2571,2581,259...1,2701,2801,290...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved