Opinion Magazine
Number of visits: 9458481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– આ બરાબર નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 September 2022

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વીસેક હજાર વિદ્યાર્થીઓને યુક્રેનથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ તેમનાં વતન-ભારત પરત લાવવામાં આવ્યા. યુદ્ધની સ્થિતિ પૂરી ટળી નથી એ સ્થિતિમાં આ વિદ્યાર્થીઓએ શું કરવું તે હજી સ્પષ્ટ નથી. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યુનિવર્સિટી નહીં બદલવાનો નિર્ણય પણ એક તબક્કે થયો, પણ પછી સરકારે દેશ અને યુનિવર્સિટી બદલવાની છૂટ આપી. ભારત સરકારે 18 ઓગસ્ટના રોજ ગાઈડ લાઇન બહાર પાડી, જેમાં જાહેર કર્યું કે ગયે વર્ષે યુક્રેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં એડમિશન ટ્રાન્સફર નહીં અપાય. એને લઈને વિદ્યાર્થીઓ નારાજ થયા એટલે સરકારે એ નિર્ણય પરત લઈને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે એવી જાહેરાત કરી એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અન્ય દેશોની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની કોશિશો શરૂ થઈ છે, પણ ભારત સરકારે વળી નકાર ભણતાં જાહેર કર્યું છે કે ભારતમાં યુક્રેનના એ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે. સરકારે વારંવાર નિર્ણયો બદલ્યા એટલે વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. છેલ્લે છેલ્લે સરકારે તેનો જવાબ પણ સુપ્રીમમાં દાખલ કર્યો છે. યુક્રેન ભણવા ગયેલા અને યુદ્ધને કારણે ભારત પરત લાવવામાં આવેલા મેડિકલના પહેલાં વર્ષનાં વિદ્યાર્થીઓને એડમિશન ન આપવા અંગે સરકારે એફિડેવિટ કરી છે. એની વિગતો જાણવા જેવી છે.

સરકાર અને નેશનલ મેડિકલ કમિશને સુપ્રીમને જણાવ્યું છે કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સ્થાનિક કોલેજ, યુનિવર્સિટીમાં સમાવી શકાય એમ નથી. કેન્દ્ર સરકાર વતી જણાવવામાં આવ્યું છે કે ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ કોઈ પણ વિદેશી તબીબી શિક્ષણ સંસ્થા અને નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 હેઠળ વર્તમાન સત્રમાં નોંધાયેલા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે કોઈ જોગવાઈ અને નિયમ નથી એટલે યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓને સમાવવાનું અને પ્રવેશ આપવાનું શક્ય નથી. સરકારે જવાબમાં એ પણ ઉમેર્યું છે કે neet –નીટમાં ઓછા માર્કસ આવવાને કારણે આ વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લેવા યુક્રેન ગયા હતા. ત્યાં જવાનું બીજું કારણ ત્યાંની ફી ઓછી છે ને તે શિક્ષણ સસ્તું પડે છે એવું સરકારનું માનવું છે. આવા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ આપવાથી જેમને અહીં એડમિશન નથી અપાયું એમને અન્યાય કરવા જેવું થશે, એટલું જ નહીં, માપદંડો સાથે સમાધાન કરવા જેવું પણ થશે. આ સ્થિતિમાં આવા વિદ્યાર્થીઓ યુક્રેનની કોલેજમાંથી એપ્રૂવલ લીધાં પછી બીજા દેશોમાં ટ્રાન્સફર લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. સરકારની વખતોવખત બદલાઈ રહેલી નીતિને કારણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ, યુદ્ધની અસાધારણ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક રાહત માંગતી અરજી કરી છે. યુક્રેનથી દેશનિકાલ કરાયેલા લગભગ 14,000 વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું છે અને તેમનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. તેમને તેમના જ દેશમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગણી સામે સરકારે એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું છે કે આવા વિદ્યાર્થીઓને દેશની કોલેજોમાં સમાવી શકાશે નહીં. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવા વિદ્યાર્થીઓની મદદ કરવા કહ્યું છે. સરકારને વેબ પોર્ટલ બનાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કોર્ટે એ પણ ઉમેર્યું છે કે વેબ પોર્ટલ પર વૈકલ્પિક વિદેશી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ ફી અને બેઠકોની સંખ્યા વગેરે માહિતી પૂરી પાડવી જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરી શકે. આ મામલે  સરકાર પક્ષે સમય માંગ્યો છે એટલે સુનાવણી હવે 23મીએ થશે.

અત્યાર સુધી તો કોર્ટનું વલણ યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન અપાવવાનું જણાતું નથી, બને કે 23મીએ કોર્ટ આઘાત ને બદલે આશ્ચર્ય સર્જે, પણ સરકારનું વલણ બધી રીતે અનુદાર હોવાનું  લાગે છે. એ સાચું કે અહીંનું યુવાધન દેશની પરવા કર્યા વગર વિદેશ ભણવાનું અને ત્યાં જ સ્થાયી થવાનું સમજે છે એ ચિંત્ય છે જ, દેશહિત બાજુ પર મૂકીને વિદેશ કમાવા દોડતા વિદ્યાર્થીઓ પણ ઓછા જવાબદાર નથી જ, પણ અત્યંત મોંઘું ભણતર લીધાં પછી પણ જો દેશમાં નોકરીની પૂરતી તકો ન હોય તો યુવાનો દેશની બહાર નહીં તો બીજે ક્યાં તકો શોધશે? અહીં પૂરતી તકો હોય તો વિદ્યાર્થીઓને વિદેશ દોડવાનું કારણ જ કયું છે? વારુ, યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓને અહીં એડમિશન ન આપવા અંગેનાં જે કારણો સરકારે રજૂ કર્યાં છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ અને ક્યાંક તો હાસ્યાસ્પદ પણ છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ સર્જ્યુ નથી. આ એમને માટે અણધાર્યું અને જોખમી હતું. સરકારે ઉત્તમ કામ એ કર્યું કે એ વિદ્યાર્થીઓને તે પરત વતન લઈ આવી.

સરકારનું કહેવું છે કે કાયદામાં એવી જોગવાઈ નથી કે મૂળ ભારતીય, પણ હવે વિદેશ ભણતા વિદ્યાર્થીઓને અહીંની મેડિકલ કોલેજોમાં સમાવી શકાય. કાયદાની જોગવાઇઓ સામાન્ય સંજોગોને અનુલક્ષીને કરવામાં આવી હોય, પણ અસાધારણ સંજોગો હોય ત્યારે કાયદાને વળગી રહેવું માનવીય અભિગમથી વિપરીત છે. વળી એવું નથી કે યુદ્ધ જેવા અકલ્પ્ય અને અસાધારણ સંજોગોમાં કાયદાની કલમો બદલાતી કે સુધરતી નથી. એવી કોઈ ગણતરીથી જ કદાચ વડા પ્રધાને યુક્રેનથી પરત લવાયેલા વિદ્યાર્થીઓને મેડિકલની સીટ વધારવાનું આશ્વાસન આપ્યું હશે ને ! એનાથી વિપરીત જવાબ નોંધાવવામાં તો વડા પ્રધાનની વાતનો જ છેદ ઉડાડવા જેવું થાય છે, એવું નહીં?

સરકાર કહે છે કે આ એવા વિદ્યાર્થીઓ છે જે ઓછા માર્કસે સસ્તું ભણતર શોધવા યુક્રેન ગયા છે. તો સરકારને પૂછી શકાય કે અહીં તકો ન હોય તો ને આર્થિક રીતે ન પહોંચી શકાય એમ હોય તો, બીજે પ્રયત્ન કરવો ગુનો છે? જો અહીં જ સરકાર મેડિકલની જગ્યાઓ વધારી શકી હોત તો વિદ્યાર્થીઓને વતન છોડીને વિદેશમાં જવાનો શોખ થયો હતો તેથી યુક્રેન ગયા હતા એવું ન હતું. સરકાર કહે છે કે ત્યાં સસ્તું હતું તેથી ગયા. તે ન જવાનું કોઈ ફરમાન હતું સરકારનું અને છતાં ગયા એવું હતું? ભારત સરકારની મેડિકલની સીટો મર્યાદિત છે. એટલે ઓછી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં જ એડમિશન લેવું પડે. એ ભણતર અહીં એકથી બે કરોડનું થાય. એટલું ગજું ન હોય ને યુક્રેનમાં એ ભણતર 10 લાખની આસપાસમાં થતું હોય તો ત્યાં ન જવું એવું સૂચવવું છે સરકારે? ને અહીં 2 કરોડ ખર્ચીને તૈયાર થયેલો ડૉક્ટર 2 કરોડ વસૂલ કર્યાં વગર જ તબીબી સેવા આપે છે, એવું? હકીકત તો એ છે કે અસહ્ય મોંઘા ભણતરે અનેક અનર્થ સર્જ્યાં છે. આટલું મોંઘું તબીબી શિક્ષણ સસ્તું થાય તે અંગે કોઈ પ્રયત્ન થાય છે ખરા કે તેને કેવળ મોંઘું રાખવાથી જ ઉત્તમ તબીબો પેદા થાય એમ છે તે અંગે ગંભીરતાથી વિચારવા જેવું છે. અનિવાર્યપણે જે થતું હોય તે ભલે શિક્ષણમાં થાય, પણ પરાણે શિક્ષણ મોંઘું કરીને શિક્ષિતોને કમાણી માટે છૂટા છોડી દેવા જેવું થતું હોય તો તે યોગ્ય છે? એ સાથે જ આ કહેવાતું મોંઘું શિક્ષણ વિશ્વની યુનિવર્સિટીઓની બરાબરી કરી શકે છે એવો દાવો કરવાની સ્થિતિમાં સરકાર છે ખરી? એટલે સરકાર ધોરણ અંગે એફિડેવિટ કરે છે ત્યારે વિદેશથી ચડિયાતું શિક્ષણ અહીં અપાય છે એવી છાપ ઊભી થાય છે. એવી કોઈ વૈશ્વિક ગુણવત્તા ભારતની યુનિવર્સિટીઓ નથી જ ધરાવતી એ સ્વયં સ્પષ્ટ છે. તો, કયા જોર પર સરકારને લાગે છે કે અહીંના જેવી ગુણવત્તા કોઇની નથી ને યુક્રેનની ગુણવત્તા તો એની તોલે ક્યાં ય ન આવે? સરકાર જ્યારે મોટા ઉપાડે યુક્રેનથી વિદ્યાર્થીઓને ભારત લઈ આવી ત્યારે મેડિકલના વિદ્યાર્થીઓનાં ભણતરનો પ્રશ્ન ઊભો જ નહીં થાય એવું લાગતું હતું? એવું જ હતું તો આ દેશના વિદ્યાર્થીઓને પરત લાવવાની જીવદયા દાખવવાની જરૂર જ શી હતી? જો અહીં એમને લાવવામાં આવ્યા જ છે ને ત્યાં સ્થિતિ સામાન્ય નથી જ ત્યારે એમનાં યોગક્ષેમની ચિંતા કરવાની રહે જ છે.

કમાલ તો એ છે કે સરકાર સલાહ આપે છે કે જેમને એડમિશન જોઈતું હોય તે બીજા દેશોમાં એડમિશન લઈ શકે છે. કેમ જાણે મેડિકલના વિદ્યાર્થીઓને એની ખબર જ નથી. આ દેશના વિદ્યાર્થીઓને ગુણવત્તાને નામે અહીંની જ સરકાર એડમિશન આપવા તૈયાર ન હોય તો બીજા દેશને એટલી શી ગરજ છે કે ઓછી પાત્રતાવાળા વિદ્યાર્થીઓને એડ્મિશન આપીને પોતાની ગુણવત્તા દાવ પર લગાવે? જરા પણ વિચારવાની ક્ષમતા બચી હોય તો સરકારે વહેલી તકે આ દેશમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવી જ જોઈએ. એમનું ભાવિ તો યુદ્ધે અનિશ્ચિત કર્યું જ છે તેને સરકાર વધુ અનિશ્ચિત કરે એ બરાબર નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 સપ્ટેમ્બર 2022

Loading

સેમિકન્ડક્ટર્સઃ વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના ખટરાગનું સૌથી મોટું કારણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 September 2022

ચીન, તાઇવાન અને યુ.એસ.એ.ને એ માઇક્રોચિપ્સ પર નિયંત્રણ કરવું છે, જે તમારાં કૉમ્પ્યુટર્સ અને કાર્સ ચલાવે છે

ગયા અઠવાડિયે આપણાં બધાંની રૂટિન જિંદગીના સંઘર્ષો અને આનંદ ચાલતા હતા, તેની સાથે ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપના 1 લાખ 54 હજાર કરોડના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની જાહેરાત થઇ. મહારાષ્ટ્રના પૂણેના તાલેગાંવમાં આવનારો આ પ્રોજેક્ટ આખરે ગુજરાતને મળ્યો અને એક લાખ યુવાનોને સીધો રોજગાર આપનારા આ પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્રના રાજકારણના નવા જૂના ખેલાડીઓ વચ્ચે મ્હેણાંનો ખેલ પણ ખેલાઇ ગયો. તમને ચોક્કસ એમ થશે કે આપણે આ આખી ય ઘટના સાથે શું લેવા દેવા? રાજકારણ સાથે નહીં પણ સેમિકન્ડક્ટર માઇક્રોચિપ સાથે આપણને ચોક્કસ લેવાદેવા છે, અને આ નાનકડી ચિપને લેવાદેવા છે સુપર પાવર બનેલા અથવા તો સુપર પાવર બની શકવાની ક્ષમતા ધરાવતા દેશો સાથે.

શરૂઆતથી શરૂ કરીએ તો શું તમે જાણો છો કે આખા વિશ્વમાં ભલે બે-ચાર દેશો દેશો વચ્ચે પોતે મહાસત્તા છેની ખેંચા-ખેંચી ચાલતી હોય, પણ ખરેખર તો કોઇ એક દેશ નહીં પણ એક કંપની જ આખા વિશ્વ પર રાજ કરે છે. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની(TSMC)નું નામ તમારે કાને નહીં પડ્યું હોય. પણ તેમણે બનાવેલી ચિપ તમારા આઇ-ફોનથી માંડીને એરકન્ડિશનિંગ યુનિટ્સ, સ્માર્ટ લૉક્સ, સ્માર્ટ ડૉરબેલ્સ, રમકડાં, ડિશવૉશર્સ, વૉશિંગ મશીન્સ, કૉમ્પ્યુટર્સ, આધુનિક શસ્ત્રો, F-3 ફાઇટર જેટ્સ અને હજી કંઇ બાકી રહી ગયું હોય તો નાસાએ મંગળ પર મોકલેલા પરસિવિયરન્સ રોવરમાં પણ હોય છે. ‘ડેટા ઇઝ ધી ન્યુ ઓઈલ’નું ધ્રુવવાક્ય હવે બદલાયું છે કારણ કે ‘સેમિકન્ડક્ટર ચિપ્સ આર ધી ન્યુ ‘ઓઇલ’’ – કારણ કે આ ચિપ્સ પર આપણી આધિનતા.

આ વાતમાં TSMCના મહત્ત્વ પર નજર કરીએ તો, તાઇવાનના નોર્થ-વેસ્ટ કિનારે આવેલી આ કંપની વિશ્વ આખામાં મળતી-વપરાતી 92 ટકા અત્યાધુનિક ચિપ્સનું ઉત્પાદન કરે છે. માઇક્રોચિપ જેટલી માઇક્રો હોય તેટલી તેની મહત્તા મોટી હોય – અને તાઇવાનની આ કંપની 10 નેનોમિટર્સથી ઓછા નેનોમિટર્સમાં ચિપ્સ બનાવતી વિશ્વની બે કંપનીઓમાંની એક છે, બીજી કંપની જે આવી ચિપ્સ બનાવે છે તે છે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ. નેમોમિટર્સ એટલે શું? બહુ તકનિકી વિગતોમાં ન પડીએ પણ ટૂંકમાં સમજીએ તો નેનેમિટર્સ એટલે સૂક્ષ્મ સ્વિચીઝ, એટલી સુક્ષ્મ જે વાળ કરતાં ય 10,000 ગણી પાતળી હોય અને તેમાંથી વિજ પ્રવાહ પસાર થાય. જેટલી વધુ સૂક્ષ્મ ચિપ એટલો વધુ પાવર, એટલી વધુ ક્ષમતા.

ટૂંકમાં આ માઇક્રોચિપ્સ બધી જ મોડર્ન હાઇટેક સવલતોનું મગજ છે.

રાજકારણમાં આ ચિપનું મહત્ત્વ સમજવું હોય તો યાદ કરી લેવું પડે કે વ્હાઇટ હાઉસના પ્રવક્તા નેન્સી પેલોસી જ્યારે ઑગસ્ટ 2022માં તાઇવાન ગયાં, ત્યારે TSMCના ચેરમેનને મળ્યાં. બેઇજિંગ એટલે કે ચીનના રાજકીય માથાઓને આની સામે સખત વાંધો હતો, પણ છતાં ય પેલોસીએ જે કરવાનું હતું તે કર્યું જ. વાંકું પડ્યું એમાં બેઇજિંગે, તાઇવનમાંથી સાઇટ્રસ ફળો અને માછલીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. વળી કુદરતી રેતી જેનો માઇક્રોચિપના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને ચીનથી તેની તાઇવાનમાં નિકાસ થાય છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો જેથી તાઇવાન હેરાન થાય. આમ તો આ દુઃખે પેટ અને કૂટે માથું જેવી વાત હતી કારણ કે સેમિકન્ડક્ટર્સ પર પ્રતિબંધ મુકવાનું તો બેઇજિંગને પણ પોસાય તેમ નહોતું કારણ કે આખી દુનિયાની જેમ તેમની ટૅક્નોલૉજી પણ તેની પર જ નભેલી છે. ચીન અને યુ.એસ.એ. વચ્ચેના ખટરાગમાં આ ટચુકડી ચિપ સૌથી મોટું કારણ બની ચૂકી છે.

આવામાં જો ચીન, તાઇવાન પર ચઢાઇ કરે તો આ સેમિકન્ડક્ટર્સનો પુરવઠો આખી દુનિયાને મળતો ખોટકાઇ જાય. એમાં ય જો બેઇજિંગ (ચીન) તાઇવાનને તાબામાં લઇ લે તો માત્ર સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનકર્તા હોવાને નાતે જ આપોઆપ ચીન બીજા રાષ્ટ્રો કરતાં મજબૂત બની જાય. અત્યારે તો તાઇવાનમાં બનતા સેમિકન્ડક્ટર્સમાંથી 50 ટકા જેટલા ચીનમાં નિકાસ થાય છે, અંદાજે 104 બિલિયન ડૉલર્સની માઇક્રોચિપ્સ ચીન તાઇવાનથી ચીન પહોંચે છે. વળી તાઇવાનમાં એક માત્ર TSMC નથી પણ ASE ટેક્નોલૉજી, AU ઑપ્ટ્રોનિક્સ, મીડિયા ટેક, લાઇટ-ઓન ટેક્નોલૉજી જેવી બીજે કંપનીઝ પણ છે જે સેમિકન્ડક્ટર્સ બનાવે છે.

ત્રણ નેનો મિટરની માઇક્રોચીપ સામે ટ્રિલિયન ડૉલર્સના અર્થતંત્ર ધરાવતી મહાસત્તાઓને મુજરો કરવો પડે છે. ગળે ન ઊતરે એવી આ વાત સો ટચના સોના જેવી સાચી છે. ચીને કરોડો ડૉલર્સ રોકીને માઇક્રોચિપ પ્રોડક્શન ફેસિલિટીનો વિકાસ કરવાનું 2014થી શરૂ તો કરી દીધું પણ હજી તેમને તેમાં ધારી સફળતા નથી મળી – વળી ભ્રષ્ટાચારના ગોટાળા તો થયા જ, જેને કારણે આ પ્રોજેક્ટ્સના ચાવીરૂપ માથાઓ પર તપાસ આદરાઇ છે. ચીન પાછો હખણો રહે એવો દેશ નથી એટલે તાઇવાનમાં સાઇબર અટેક્સના કિસ્સા પણ બન્યા છે – કારણ કે ચીનને આ ટેક્નોલૉજીની ચોરી કરવામાં રસ છે.

આ તરફ યુ.એસ.એ. દ્વારા પણ ચિપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વિકસાવવાની તૈયારી થઇ ચૂકી છે જેથી તાઇવાન પરનો આધાર ઘટી શકે. પોટસ બિડેને ‘ચિપ્સ અને સાયન્સ એક્ટ’ 2022 પર કામગીરી કરી છે જેથી આગામી પાંચ વર્ષ માટે યુ.એસ.એ.ના ચિપ ઉત્પાદકોને 53 બિલિયન ડૉલર્સ જેટલી આર્થિક મદદ મળી શકે. વળી આ ધારા અનુસાર યુ.એસ.ની ટેક કંપનીઝને ચિપ કરવા પડતા અધધધ ખર્ચામાં પણ રાહત મળશે. યુ.એસ.એ. માટે આ ટેક્નોલૉજી વિકસાવવી અહમ્‌નો મુદ્દો બની ચૂક્યો છે કારણ કે ભૂતકાળમાં જ્યારે ચિપનું શિપમેન્ટ અટકાવાયું હતું ત્યારે યુ.એસ.એ.માં ઑટોમોબાઇલ મેકર્સે કાર ઉત્પાદનના પ્લાન્ટ્સ બંધ કરવાનો વારો આવ્યો હતો.

આ તો ચીન અને યુ.એસ.એ.ના પ્રયત્નોની વાત થઇ, પણ જાપાન પણ લાંબા સમયથી TSMCને ટોક્યોમાં પોતાની કંપનીની શાખા સ્થાપવા માટે આકર્ષવાના પ્રયાસ કરે છે.

આ તો અન્ય રાષ્ટ્રોની વાત થઇ. ઘર તરફ નજર કરીએ મોટા પ્રોજેક્ટ માટે ગુજરાત સવલતો કરી આપવામાં પાવરધું રાજ્ય છે. વેદાન્તાના અનિલ અગ્રવાલે જ્યારે તાઇવાનની કંપની સાથે હાથ મેળવ્યા ત્યારે જરૂરી બધી જ મંજૂરી ગુજરાતમાંથી ફટાફટ મળી ગઇ અને મહારાષ્ટ્ર હાથ ઘસતું રહી ગયું.

હૈદરાબાદની સિલિકોન લેબ્ઝનાં સોફ્ટવેર એન્જિનિયર રિષભ હરદાસનું કહેવું છે કે, ‘સેમિકન્ડક્ટર્સ વર્તમાન સમયમાં કોઇ પણ ઉદ્યોગની કરોડરજ્જુ હોઇ શકે છે પછી તે થર્મોમિટર બનાવતી હોય કે ક્લાઉડ કમ્પ્યુટિંગનું કામ કરતી હોય. ટ્રાન્ઝિસ્ટર્સથી માંડીને માઇક્રોપ્રોસેસર સુધીનું કંઇ પણ ઉત્પાદિત કરતી કંપની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોઇ શકે છે. Internet of Things – IOTના યુગમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કેન્દ્રમાં છે. IOTમાં દરેક ચીજ ઇન્ટરનેટ માટેનો ડેટા બને છે અને આવા અઢળક ઉપકરણો આપણે હાલમાં વાપરી રહ્યા છીએ અને વધુ વાપરીશું – આ તમામનું મગજ અને હ્રદય છે સેમિકન્ડક્ટર્સ. માપી કે નાણી ન શકાય તેટલો અને તેવો ડેટા આ તમામમાંથી જનરેટ થશે, આ તમામનું કોમ્પ્યુટિંગ ચિપ્સ દ્વારા થશે અને માટે જ સેમિકન્ડક્ટરનો પાવર જેની પાસે હશે તે જ સુપર પાવર સાબિત થશે.’

બાય ધી વેઃ

જો ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ થતું થશે તો આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હબ બની શકીશું. ચીન, તાઇવાન અને યુ.એસ.એ. હોય કે મહારાષ્ટ્ર અને ગુજરાત હોય – સેમિકન્ડક્ટરને મામલે ભૌગોલિક રાજકારણ બહુ મોટો ભાગ ભજવે છે. હાલમાં વૈશ્વિક સ્તરે તાઇવાનની ચિપ બિલ્ડિંગ સવલતો પર હુમલો કરી ચીની ડ્રેગનની આગ ભડકે ન બાળે તે સૌથી જરૂરી છે નહીંતર વૈશ્વિક સ્તરે સમસ્યાઓ ખડી થવાની પૂરી શક્યતાઓ છે. વળી ચીન અને યુ.એસ.એ. જેવા રાષ્ટ્રો એકબીજા પર આધાર રાખવાને બદલે આંતરિક ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છે ત્યારે વૈશ્વિકરણની પરિભાષા પણ ધીમી ગતિએ બદલાઇ રહી છે. ગ્લોબલાઇઝેશન તરફથી આપણે લોકલાઇઝેશન તરફ તો ગતિ નથી કરી રહ્યા ને!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૯) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ : 

સુમન શાહ|Opinion - Literature|18 September 2022

(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)

સાહિત્યના સર્વોત્તમ વાચકો મોટે ભાગે સાહિત્યકારો જ હોય છે. તેઓ સહૃદય હોય છે, તેઓએ ઉત્તમ કૃતિઓનું વાચન અને પરિશીલન કર્યું હોય છે. તેઓ ઊંચા અધિકારી દરજ્જાના વાચક ગણાય છે.

તેઓ વાંચીને બેસી નથી રહેતા. પોતાના વાચન વિશે પોતાના જેવા બીજા જોડે વાત કરે, બીજો પોતાના વાચન વિશે વાત કરે. ઘણી વાર તેઓ અન્યોનાં વાચનની પણ વાત કરતા હોય છે.

તેઓ વાત કરીને બેસી નથી રહેતા, સાહિત્યપદાર્થના આવિર્ભાવનું તન્ત્ર શોધી કાઢે છે. કયા તત્ત્વને કારણે રચના રસપ્રદ બની તેની ચર્ચા માંડે છે. તેવાં તત્ત્વોનાં વર્ગીકરણ કરે છે. ચર્ચામાંથી ધોરણો ઊભાં કરે છે. નિયમો બનાવે છે. નિયમોના આગ્રહો રાખે છે. પોતે બનાવેલા નિયમોની સાર્થકતા બતાવવા માટે કેટલુંક તેઓ જાતે પણ સરજી કાઢે છે -એવું સરજેલું ભલે કૃતક લાગે !

અને તેથી, ભવિષ્યમાં આવનારી કોઈપણ કૃતિ એમણે નક્કી કરેલાં ધોરણસરની કે નિયમસરની ન લાગે તો નાપાસ કરે છે. એમના મહાનુભાવી બહુમતને કારણે કેટલાક સર્જકોને ‘મહાકવિ’, ‘સદીના શ્રેષ્ઠ વાર્તાકાર’ ‘મહાન નવલકથાકાર’ જેવાં બિરુદ પ્રાપ્ત થાય છે.

કોઈ કોઈ બિચારા એમના દૃષ્ટિપાત માત્રથી ભૂમિસાત થઈ જાય છે.

આ સર્વોત્તમોમાંના કેટલાક સહૃદય તો હોય છે જ, પણ રચનાને રસપ્રદ બનાવનારા કોઈ એક મહત્ તત્ત્વનાં સ્વરૂપ અને કાર્યનો વિચારપૂર્વક નિર્ણય લે છે, મત બાંધે છે અને પછી તેને વળગી રહે છે.

સંસ્કૃત કાવ્યમીમાંસામાં એવા અનેક મત જોવા મળે છે, જેમ કે, અલંકાર. અલંકારને એ વિચારકે, રુય્યકે, ‘સર્વસ્વ’ ગણ્યો. જેમ કે, રીતિ. રીતિને એ વિચારકે, વામને, કાવ્યનો ‘આત્મા’ ગણ્યો. જેમ કે, વક્રોક્તિ. વક્રોક્તિને એ વિચારકે, કુન્તકે, રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણી. જેમ કે, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ. એને એ વિચારકે, જગન્નાથે, ‘કાવ્ય’ ગણ્યો. વગેરે.

સર્વોત્તમ વાચકમાંથી તેઓની એક સ્વરૂપે ઉત્ક્રાન્તિ થાય છે – કોઇ ‘કાવ્યશાસ્ત્રી’ કહેવાય છે – કોઈ ‘ટીકાકાર’ કહેવાય છે – કોઈ ‘આચાર્ય’ – કોઈ ‘મહા વિવેચક’ – કોઈ ‘સાહિત્યજ્ઞ’ – કોઈ ‘સાહિત્યસમીક્ષક’.

આવાઓની જમાતને લિટરરી કૉમ્યુનિટી કહેવાય છે.

આવા ઉત્ક્રાન્ત જીવો નિયમો અને સિદ્ધાન્તોના તો આગ્રહી તો ખરા જ પણ તદુપરાન્ત પોતાની ભાષાની, દેશની તેમજ વિશ્વની ઉત્તમ કૃતિઓના વાચન-મનનના પણ આગ્રહી બની જાય છે. અવારનવાર તેઓ પોતાના આગ્રહોને દોહરાવતા હોય છે.

“આ ૫૦ કૃતિઓ તમારે મૃત્યુ પહેલાં વાંચવી અનિવાર્ય છે” એવી ધમકીભરી જાહેરાતો પણ કરતા હોય છે.

પરિણામે, ધીંગું સાહિત્યશાસ્ત્ર રચાય છે. આપણી પરમ્પરામાં ભરત મુનિનું “નાટ્યશાસ્ત્ર” અને પશ્ચિમમાં ઍરિસ્ટોટલનું “પોએટિક્સ” સાહિત્યશાસ્ત્રના મૂળાધારો ગણાય છે.

ચુસ્તતાથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે લિટરરી કૅનન રચાય છે – સર્વકાલીન સર્વોત્તમ કૃતિઓ, સામાન્ય નિયમો, સિદ્ધાન્તો, ધોરણો અને માપદણ્ડોનો સમવાય.

લિટરરી કૅનનનાં ચુસ્ત પાલનને પ્રતાપે આખી પરમ્પરા ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે. એને મૅટાનૅરેટિવ પણ કહેવાય છે. સાહિત્યની એ કેટલીયે બાબતો તર્કસંગત, સિદ્ધાન્તસંગત અને સ્વીકાર્ય લાગે એ પ્રકારનું લૅજિટિમેશન કરી આપે છે, અને એ પોતે તો સૅલ્ફલૅજિટિમેટેડ હોય છે !

ઉદાહરણ તરીકે, ફૂટપટ્ટી કોઈપણ વસ્તુનું માપ કાઢી આપે છે, અને તે માપ હમેશાં સર્વસ્વીકાર્ય હોય છે. મોનિયર વિલિયમ્સ લૅજિટિમેશનને ‘ઔરસસમીકરણમ્’ કહે છે. સાદું એટલું સમજવાનું છે કે વસ્તુઓ કાયદેસરની છે એમ મહોર મારીને બધું જડબેસલાક નક્કી કરી આપે છે.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝના અવસાનને ફ્રૅન્ચ ફિલસૂફ લ્યોતાર્-આધુનિકતાનું મહત્ લક્ષણ કહે છે.

Pic courtesy : SlidePlayer

વૈચિત્ર્ય તો એ છે કે ફૂટપટ્ટી કાયદાથી પર મનાય છે, અને તેથી એના માપ વિશે કોઈને પ્રશ્ન થતો જ નથી. જેમ ફૂટપટ્ટી સ્વયંસિદ્ધ હોય છે તેમ ગ્રાન્ડ કે મૅટાનૅરેટિવ પણ સ્વયંસિદ્ધ હોય છે.

સૌના વિચારવિમર્શ માટે ૪ પ્રશ્નો :

પ્રશ્ન : ૧ :

કોઈ મનુષ્ય આવા લિટરરી કૅનનને કે ગ્રાન્ડ નૅરેટિવને જાણતો જ ન હોય, એવો અજ્ઞાની હોય, સહૃદય ન હોય, પણ સંવેદનશીલ મનુષ્ય હોય, અને એને સાહિત્યકૃતિ જો આનન્દ આપી શકતી હોય, ભલે એને રસાનુભૂતિ ન કહેવાય, એવા દૃષ્ટાન્તમાં, એ કૅનન, એ નૅરેટિવ, ફેરવિચાર માગે કે કેમ? કે પછી પેલાને એમ જ કહ્યા કરે કે અમારું કથ્યું જેને સૌ અનુસર્યા, તે જાણીને આવ, એમ હઠ પકડે?

પ્રશ્ન : ૨ :

લિટરરી કૅનનના કે ગ્રાન્ડ નૅરેટિવના નકશામાં કે વાતાવરણમાં ન બેસે એવી સાવ જ નૂતન કે પ્રયોગશીલ સર્જનાત્મક કૃતિની ગુણસમૃદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય? કોણ કરે?

પ્રશ્ન : ૩ : 

કૅનનનું ‘વિઘટન’ કરી આપે, ડિકન્સ્ટ્રક્શન, અને ગ્રાન્ડમાંથી ‘લિટલ’ નૅરેટિવ રચાય તે શું સાહિત્યપદાર્થના જીવનસાતત્ય માટે જરૂરી બલકે અનિવાર્ય નથી?

પ્રશ્ન : ૪ :

ગુજરાતી સાહિત્યક્ષેત્રે સમાજસુધારો, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિઓનો સમન્વય, ગ્રામ-વાસ્તવિકતા અને કલાસૌન્દર્યને માટે એના એ પ્રત્યેક યુગમાં જે માંગ ઊઠી એ દરેકને ‘લિટલ’ નૅરેટિવને માટેનો ધખારો કે પ્રારમ્ભ ગણી શકાય કે કેમ?

કોશિયાને સમજાય એવું સાહિત્ય એઓશ્રીએ માગ્યું તે ‘લિટલ’ નૅરેટિવને માટેની જિકર હતી કે કેમ?

(Sep 18, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2521,2531,2541,255...1,2601,2701,280...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved