Opinion Magazine
Number of visits: 9568866
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 January 2023

બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨)માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશના પરામર્શ પછી કરવાની હોય છે. આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી. ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી.  બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.

આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ સરકાર વિરોધી લાગતા સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર. ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ.એન. રેને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા. એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.

ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. તેના અર્થઘટનના પણ સવાલો ઊભા થયા હતા. ૧૯૮૧માં એસ.પી. ગુપ્તા વિરુદ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઇન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય મહત્ત્વનો છે અને પરામર્શ એટલે માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં, પરંતુ તેમની સંમતી જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે પરામર્શ પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદ્દભવ આ ચુકાદાથી થયો છે.

૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો. તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સી.જે.આઈ.નો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે. એ રીતે સી.જે.આઈ. ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી હતી.

ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે. પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક – બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી, નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી. આ કમિશનના વડા કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં  સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડા પ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું. પ્રથમ નજરે કોલેજિયમ જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો અને કૉલેજિયમ યથાવત રહી.

ન તો બંધારણમાં કે ન તો સંસદના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ આ એક બંધારણબાહ્ય, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી, પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ  સંસદે પસાર કરેલા કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.

કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટા ભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે. આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.

કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિયમ જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ આ સ્થિતિમાં નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.

આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પદ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને  સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચંદુ મહેરિયાનું પુસ્તક ‘ચોતરફ’ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 January 2023

સાર્થક પ્રકાશને તાજેતરમાં ચંદુ મહેરિયાના અખબારી લેખોનો સંગ્રહ ‘ચોતરફ’ પ્રસિદ્ધ કર્યો છે.  સાંપ્રત દેશકાળના મૌલિક વિશ્લેષણનું આપણા સમયનું આ મહત્ત્વનું પુસ્તક છે.

સંઘેડાઊતાર શૈલીમાં લખાયેલા 49 લેખો મુખ્યત્વે સંસદીય લોકશાહી, નાગરિક અધિકારો, શિક્ષણ, પોલીસ તંત્ર, કુદરતી આપત્તિઓ અને ગરીબી વિષયો પરના છે.

કેટલાક પ્રકીર્ણ લેખો ઉપરાંત અહીં બાર વ્યક્તિવિશેષોના જીવનકાર્ય વિશે પણ વાંચવા મળે છે. આ લેખો ‘સંદેશ’ દૈનિકમાં અઠવાડિક કતાર તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

એ કતાર જ્યારે કિતાબ તરીકે આવે છે ત્યારે સમજાય છે કે ચંદુભાઈનું અખબારી લેખન પ્રબુદ્ધ નાગરિક તરીકેની તેમની ખુદની વૈચારિક સજાગતા માટેનું સાધન અને પત્રકારત્વના પ્રશિષ્ટ ઉદ્દેશ્ય કહેતા લોકકેળવણી માટેનું માધ્યમ છે.

‘ચોતરફ’ના લેખોમાં એક સાથે અનેક ક્વાલિટીઝ છે. દરેક લેખના મુદ્દા પર જરૂરી અદ્યતન અભ્યાસ અને ઇતિહાસનો પાસ છે. આધાર વિના કશું જ લખાયેલું નથી. એટલે વિશ્વસનીય આંકડા અને સ્રોતો છે.

દેશના બંધારણનું જ્ઞાન છે. સંશોધકની નિષ્ઠાથી કોઈ વિષય પર ઘણું વાંચ્યા પછી જ મળે તેવી અસલ ચીજ જેવી હકીકતો છે. આવેશ વિનાની ટીકા, વૈચારિક સ્પષ્ટતા સાથેનું દૃષ્ટિબિંદુ, જાહેર જીવન માટેની ચિંતા સાથે પ્રગટેલાં પરિપક્વ સૂચનો છે. સંવેદનની આક્રોશ વિનાની પણ અસરકારક અભિવ્યક્તિ છે.

બહુ ઓછા તત્સમ તેમ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ધરાવતી સરળ, પ્રવાહી ગુજરાતી ભાષામાં લખાયેલા દરેક લેખનો એક સુરેખ ઘાટ છે. આ બધી સિદ્ધિઓ ચંદુભાઈએ કતારના સાડા આઠસો શબ્દોના બંધનમાં રહીને સાધી છે. છાપાંના લેખો છીછરા હોય એવી છાપને દૂર કરનારા જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.

ખુદની કોઈ છાપ ઉપસાવવા કોશિશ ન કરનાર ચંદુભાઈ ગુજરાતભરના પત્રકારો અને અભ્યાસીઓ માટે દલિત ક્ષેત્ર અંગેનું પૂછવા ઠેકાણું છે. તદુપરાંત જાહેર જીવનના પણ તેઓ સ્વયંશિક્ષિત નિષ્ણાત છે. તેમણે અનેક વિચારપત્રો અને સાહિત્યિક સામયિકો તેમ જ દૈનિકોમાં હજારેક લેખો લખ્યા છે. 

ચંદુભાઈના વાચકોને તેમની સતત જાગ્રત સંચેતનાનો ખ્યાલ છે. ‘સંદેશ’ના તેમના લેખો ‘વેબ ગુર્જરી’ અને કેટલીક વાર ‘ઓપિનિયન’ પોર્ટલ પર પણ વાંચવા મળે છે. તાજેતરમાં તેમણે કૉલેજિયમ સિસ્ટમ, ગર્ભપાતનો  અધિકાર, પરાળ દહનની સમસ્યા, કાચા કામના કેદીઓ જેવા વિષયો પર લખ્યું છે. 

‘ચોતરફ’ પુસ્તકના કેટલાક વાચકોને સંભવત: પુસ્તકનો સહુથી ગમી જાય તેવો હિસ્સો ચરિત્રકીર્તનનો છે. દરેક ચરિત્રનાયક વિશેના લેખમાં, ચંદુભાઈએ વ્યક્તિનું બિલકુલ પોતાની નજરે કરેલું મૂલ્યાંકન વત્તાઓછાં પ્રમાણમાં સમાયેલું છે.

પ્રાસંગિક રીતે તેમણે કાર્લ માર્ક્સ, જોતિરાવ ફુલે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બાબાસાહેબ આંબેડકર, વિનોબા ભાવે અને ઉમાશંકર જોશીને અંજલિ આપી છે.

કેટલીક ઓછી જાણીતી વ્યક્તિઓ છે : ઠક્કરબાપા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, અને અર્થશાસ્ત્રી અશોક મહેતા. એકંદરે અજાણ વ્યક્તિઓને પણ તે અખબારી ઉજાસમાં લાવે છે. જેમ કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં બીજાં પત્ની માઈસાહેબ આંબેડકર, જલિયાંવાલા બાગકાંડ ખુદ જોયા પછી તેની પર ‘ખૂની બૈસાખી’ દીર્ઘ કવિતા રચનાર નાનક સિંહ અને કાંડના એક હત્યારા માઇકલ ઑડવાયરને લંડનમાં જઈને ઠાર કરનાર શહીદ ઉધમ સિંહ. 

ઉધમસિંહ તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દેશ અને વિદેશમાં રાન રાન અને પાન પાન થઈ ભટકતા રહ્યા. તેમને તેમની કામગીરીમાં જર્મન સ્ત્રી મિત્ર મેરીની પણ મદદ મળી હતી.

આ પ્રકારની દુર્લભ માહિતી લગભગ દરેક વ્યક્તિકેન્દ્રી લેખમાં મળી શકે. તેમાંથી કેટલીક આ મુજબ છે  :

• નહેરુએ ‘મૉડર્ન રિવ્યૂ’ સામયિકમાં ‘ચાણક્ય’ તખલ્લુસથી લેખ લખીને તેમાં પોતાને વિશે એ મતલબની ચેતવણી આપી હતી કે ‘તેમને સરમુખત્યાર બનાવે તેવાં ઘણાં લક્ષણો તેમનામાં છે’.

• ભારત સરકારે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુખદેવ થોરાતના માર્ગદર્શનમાં 1993માં ‘જળ સંસાધન વિકાસમાં ડૉ. આંબેડકરનું પ્રદાન’ નામે અભ્યાસ પ્રગટ કર્યો છે.

• આંબેડકરે તેમના પત્ની ડૉ. શારદા અથવા સવિતાદેવી(ઉર્ફે માઈસાહેબ)ને પ્રેમપત્રો લખ્યા છે. ‘બાબાસાહેબના નિર્વાણના કાવતરાનો માઈસાહેબ પર આરોપ લાગેલો’. રાજયસભાના સભ્યપદનો પ્રસ્તાવ સવિતાદેવીએ ‘બાબાસાહેબના કૉન્ગ્રેસ વિરોધને સ્મૃતિમાં રાખીને’ ઠુકરાવ્યો હતો.

• ‘વિદ્યાર્થી ઉમાશંકરને કૉલેજના બીજા વર્ષમાં ખુદનો કાવ્યસંગ્રહ ભણવાનો આવેલો.’ તેમણે 1956માં પદ્મશ્રી અને 1972માં પદ્મભૂષણ ખિતાબો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, તેમ જ સાંસદ તરીકે મળતું પેન્શન પણ લીધું નહોતું.

• વિનોબાને પંડિત નહેરુએ પહેલી પંચવર્ષીય યોજના વિશે વિમર્શ કરવા દિલ્હી બોલાવ્યા. વિનોબા ‘આઠસો માઈલની પદયાત્રા કરીને દિલ્હી પહોંચ્યા.’ ગાંધીજીએ વિનોબાને તેમની પ્રશંસા કરતો એક પત્ર લખ્યો હતો જે એમણે ફાડીને ફેંકી દીધો.

ચંદુભાઈ વૈચારિક લેખોમાં પણ એવાં સંખ્યાબંધ દુર્લભ તથ્યો નોંધે છે કે જે લેખકની કોઈ પણ ટિપ્પણી વિના અચંબો ઉપજાવે. જેમ કે,

• 1953માં રચાયેલા ‘રાજ્ય પુનર્રચના પંચ’ની ભલામણો મુજબ, ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષાની સૈદ્ધાન્તિક ચર્ચા કર્યા સિવાય 1956માં ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી હતી.

• વર્તમાન શ્રમ કાયદાઓમાં વેતનની એક ડઝન વ્યાખ્યાઓ છે, જે અમલીકરણમાં બાધા બને છે.

• મોટા ભાગનાં કસ્ટોડિયલ ડેથ પોલીસ થાણે તપાસના 48 કલાકમાં બનતાં હોય છે. એટલે ધરપકડના 24 કલાકમાં આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાના નિયમનું પાલન થતું નથી.

• જે પચાસેક લાખ એકર જમીન ભૂદાન આંદોલનમાં મળી તેનાથી ત્રીજા ભાગના જ વાસ્તવિક કબજા મળ્યા.

કેટલીક હકીકતો થકી વ્યંજના કે વિરોધાભાસ બતાવી આપવાની ચંદુભાઈ પાસે વિશિષ્ટ  દૃષ્ટિ છે. જેમ કે,

• સબરીમાલા મંદિરને સમાવતી કેરળની પથાનામથિટ્ટા લોકસભા બેઠક પર પુરુષો કરતાં મહિલા મતદારો વધુ છે. આ બેઠક માનવ વિકાસ સૂચકાંકમાં ટોચ પર છે.

• અંગ્રેજોના જમાનાનો ઇ.સ. 1880નો, ફેમિન કોડ ભૂખમરાથી થતા મોતની જવાબદારીથી બચવા મૃતકના પેટમાં અનાજનો એક પણ સડેલો દાણો મળે તો તેનું મોત ભૂખમરાથી થયાનો ઇન્કાર કરે છે. તે ફેમિન કોડને લોકશાહી ગણરાજ્યની ભારત સરકાર પણ સ્વીકારે છે.

• શીખોના ઇતિહાસમાં મહિલાઓ વિરુદ્ધના કોઈ ભેદભાવની જિકર નથી. તો પણ શીખ મહિલાઓ સુવર્ણમંદિરમાં શબદ કીર્તન ન કરી શકતી હોવાની હકીકત છે.

હકીકતો અધારિત ચોટદાર નિરીક્ષણોનાં સંખ્યાબંધ દાખલા મળે, જેમાંથી કેટલાક અહીં ટાંક્યા છે.

• ‘જ્યાં સુધી ગરીબોને લાલુમાં અને લાલુને ગરીબોમાં પોતીકાપણું લાગ્યું ત્યાં સુધી લાલુ અજેય રહ્યા.’

•  ‘કૉન્ગ્રેસે 1985 પછી પોતાના બળે સત્તા મેળવી નથી …. રાહુલ ગાંધી રાજકારણમાં જોડાયેલા નહીં, જોતરાયેલા હોવાની છાપ ઊભી થતી હતી.’

•  ‘પર્સન્ટાઇલ અને પર્સેન્ટેજના ખેલમાં પણ રહસ્યમય સફળતાની કહાનીઓ છુપાયેલી છે. ધોરણ 12 સાયન્સમાં  91% પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 26.7% છે, પરંતુ 91% પર્સેન્ટેજવાળા 00.2% જ છે.’

મુખરતા વિનાની પ્રખરતા ચંદુભાઈના લખાણની ખાસિયત છે. એટલે તેમનાં અસંમતી,  ટીકા, વિરોધ, તિરસ્કાર મોટેભાગે અત્યંત આઘાતજનક હકીકતો દ્વારા વ્યક્ત થાય છે.

અત્યંત પીડાદાયક વાસ્તવિકતા બહાર લાવતા આ આંકડા અને હકીકતોથી ઠસોઠસ લેખોમાં લેખક પોતે જવલ્લે જ તીવ્ર ભાષા પ્રયોજે છે.

ચંદુભાઈની સૌથી જલદ ટીકાની અભિવ્યક્તિ પણ કેટલી સંયત હોય છે તેના ઉદાહરણો જોઈએ.

•  ‘નવી લોકસભાના સભ્યોએ સોગંધ લેતી વખતે નારાબાજી કરી તે સંસદને ધર્મસંસદ કહેવી પડે તેવી હતી.’

• ‘નહેરુ હવે કૉન્ગ્રેસી નેતા બની રહે કે તેમના અવમાન માટે જ શાયદ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા સ્થપાય તે સમયની બલિહારી છે.’

•  ‘દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયાની જાહેરાતો થાય છે, તો બીજી તરફ સફાઈ ગટરમાં ગૂંગળાઈને મરી રહ્યા છે. આ વિરોધાભાસનો ન તો કોઈ જવાબ છે, ન તો તેની કોઈ શરમ.’

ચોટદાર વિધાનોની જેમ વિસ્તારથી મૂકાયેલી બાબતોનો સાર આપવામાં અને વિસ્તૃત વિશ્લેષણ કરવામાં એમ બંનેમાં ચંદુભાઈની હથોટી છે, તે અનેક લેખોમાં જોઈ શકાય.

આંકડા એ ચંદુભાઈના લેખોની તાકાતનો એક મુખ્ય આધાર છે. એક એક વાક્યથી  ચોંકાવી જાય તેવા કેટલાક આંકડા આ મુજબ છે :

• કેન્દ્ર સરકારની લગભગ 950 જેટલી લોકકલ્યાણની યોજનાઓ અમલમાં છે.

• દેશમાં રોજના સરેરાશ ચારથી પાંચ અને ઉત્તર પ્રદેશમાં રોજનું એક કસ્ટોડિયલ ડેથ થાય છે.

• દુનિયાના દેશો જી.ડી.પી.ના 6% આરોગ્ય પાછળ ખર્ચે છે, જ્યારે ભારત માત્ર 1.4 % ખર્ચ કરે છે.

• કેન્દ્રના 2020-21ના બજેટમાં વડા પ્રધાન સહિતના વિશિષ્ટ મહાનુભાવો માટેના બે મોંઘાદાટ વિમાનોની ખરીદી માટે રૂ. 8,458 કરોડની જોગવાઈ છે. 

આંકડા આપીને લેખક જે અનેક મુદ્દા સાબિત કરતા રહે છે તેમાંથી કેટલાક આ મુજબ છે : લોકસભામાં દલિત મહિલાઓનું પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી અને દલિત સમાજની પેટાજ્ઞાતિની વિવિધતા અતિઅલ્પ છે; દેશનો દર બીજો પોલીસ કર્મી માને છે કે મુસ્લિમો ગુનાઇત  વૃત્તિના હોય છે; દેશમાં નક્સલી અને આતંકી હિંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે; ‘દેશના અંદાજપત્રમાં ગરીબો ક્યાં ?’ શીર્ષક હેઠળનો આખો લેખ પૂરેપૂરો આંકડા પર જ લખાયો છે.

ચંદુભાઈએ ખુદ મહેનથી એકઠાં કરેલાં આંકડા અને અહેવાલો, છાપાં અને સામયિકો,પુસ્તકો અને સંદર્ભગ્રંથો જેવાં માહિતીસ્રોતોનો વિચારપૂર્ણ ઉપયોગ ચંદુભાઈનાં લખાણને બહુ ઊંચા સ્તરે મૂકે છે.

આવા લેખો ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિક કે ‘ઈકનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’ જેવા પ્રકાશનોમાં જોવા મળે છે. પણ આવા પ્રકાશનોના લેખકોની સરખામણીમાં ચંદુભાઈ લગભગ સંસાધનવિહીન છે.

લેખનનું ઝરણું સંસાધનોની અછતના પથ્થરોમાંથી ફૂટ્યું છે. ટકોરાબંધ વૈચારિક લેખો દર અઠવાડિયે તો શું મહિને ય લખી શકાય તેવા સંજોગો નહીં. અને આમ છતાં આ 49 લેખો થયા. અત્યાર સુધી અનેક સામયિકોમાં લખાયેલા બીજા 951માંથી ચૂંટીને પ્રસિદ્ધ કરવાના થાય તો ય સાતસો-આઠસોથી ઓછા ન થાય !

‘ચોતરફ’ લેખસંગ્રહ એ વર્તમાનપત્રનું લેખન કેટલી નિષ્ઠાથી કરેલું અને વાચકને કેટલું સમૃદ્ધ કરનારું હોઈ શકે તેનો નમૂનો છે. તેના પ્રકાશનમાં ‘સાર્થક’ પ્રકાશનની સાર્થકતા હોય તો તેના વાચનમાં વાચનની સાર્થકતા છે.

અને છેલ્લે : પુસ્તકમાં ચંદુભાઈની જે કેફિયત ‘વાચનકથા, લેખનકથા અને અખબારગાથા’ છે. તે એમની પાસેથી ખૂબ અપેક્ષિત હોય તેવી આત્મકથાનું એક ઉજળું પ્રકરણ બની શકે !

પ્રાપ્તિસ્થાન : 

 બુક શેલ્ફ, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ 9.    સંપર્ક : 079-26441826. કિ.રૂ.230/- 

 ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 9, સંપર્ક : 079- 26587949 

01 જાન્યુઆરી 2023
(1,330 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાથમિક શિક્ષણનો દાટ વાળવા સૂરત, ખૂબસૂરત પ્રયત્નો કરી રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 January 2023

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની તાસીર સપાટી પર જુદી અને ભીતર જુદી છે. શિક્ષણને મામલે આખું રાજ્ય અનેક સ્તરે પછાત છે, પણ સપાટી પર બધું સરસ સરસ ચાલી રહ્યું હોવાનો દેખાવ થતો રહે છે. ટૂંકમાં, હાલત બતાવવાના અને ચાવવાના જુદા-જેવી છે. એવું એટલે બને છે કારણ મોટે ભાગે યોગ્ય વ્યક્તિ અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ મુકાય એની કાળજી રખાય છે. હવે તો નવી શિક્ષા નીતિ પણ આવી ગઈ છે. જો કે, શિક્ષા નીતિમાં ભાગ્યે જ કૈં કહેવાપણું હોય છે. મૂળ સમસ્યા તો નીતિ લાગુ કરવાની હોય છે. ક્યાંક જીવ રેડીને કામ થતું જ હશે, પણ મોટે ભાગે તો અધિકારીઓ અને શિક્ષકો કામ કરવા ખાતર જ કરતા હોય છે, એમાં જીવંત રસ ઓછો જ હોય છે. હવે જ્યાં આવું હોય ત્યાં નીતિ ગમે એટલી ઉત્તમ હોય, તો પણ પરિણામો ઉત્તમ મળવા અંગે શંકા રહે. એમાં ય ખુશામતખોરી અત્યારે તો આખા રાજ્યનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એને લીધે સારું દેખાય, પણ સારું હોય નહીં એમ બને. આમ તો કોઈ જ ક્ષેત્ર ખુશામતખોરીથી બચ્યું ન હોય ત્યાં શિક્ષણ પણ શું કામ બાકી રહી જાય? જો કે, પ્રાથમિક શિક્ષણ બધી જ રીતે દયનીય સ્થિતિમાં રહે એ માટે આખું શિક્ષણ ખાતું તનતોડ મહેનત કરી રહ્યું છે. સાચું કોઈ કહે નહીં ને સાચું કોઈ સાંભળે નહીં એવી રાજકીય સગવડો ઊભી કરાઈ છે. મોટે ભાગનો કારભાર જી હજૂરિયાઓ અને મજૂરિયાઓથી ચાલે છે. સાચું તો એ છે કે પ્રાથમિક શાળાનો આચાર્ય પ્રમાણિક મત રજૂ કરી શકે એવી મોકળાશ તેને ભાગ્યે જ હોય છે. એમ તો શિક્ષણ જગતમાં યુનિયનો પણ છે જ, પણ તે અવાજ રજૂ કરવા નહીં, અવાજ દબાવી દેવામાં વધુ પાવરધા છે. પગાર વધારા સિવાય કે આર્થિક સવલતો સિવાય શિક્ષણનું સાચું ચિત્ર રજૂ ન થઈ જાય તેની કાળજી બધાં જ યુનિયનો રાખે છે. સાધારણ શિક્ષક તો ઉપરી અધિકારીઓથી દબાયેલો રહે જ છે, પણ તેણે તો યુનિયનના સાહેબોથી પણ ડરવાનું રહે છે. કેટલી ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા ઓરડાઓ નથી, જરૂરી સામગ્રી નથી એ અંગે ઉપરી અધિકારીઓ સુધી વાત લગભગ પહોંચતી જ નથી. આજની તારીખે પણ કેટલીક સ્કૂલોને પાઠ્ય પુસ્તકો, ગણવેશ વગેરે પહોંચવાના બાકી હોય તો નવાઈ નહીં !

બે વર્ષ કોરોનામાં સ્કૂલો લગભગ બંધ રહી. જ્યાં ઓનલાઈન શિક્ષણ થયું, મોટે ભાગે તે એકમાર્ગી જ રહ્યું. પરીક્ષાઓને નામે માસ પ્રમોશનથી સંતોષ લેવાયો ને આ વર્ષે પણ કોરોનાના ભણકારા તો વાગે જ છે. એમાં જો વાત ખોરંભે ચડી તો આ વર્ષે ય માસ પ્રમોશન દાટ વાળે એમ બને. ઈચ્છીએ કે એમ ન થાય, પણ બે વર્ષમાં બાળકો પાયાના શિક્ષણથી લગભગ વંચિત રહ્યાં છે. બે વર્ષ માસ પ્રમોશન પામેલો વિદ્યાર્થી ત્રીજામાં આવી ગયો છે ને અંકજ્ઞાન કે અક્ષરજ્ઞાનથી લગભગ અજાણ રહ્યો છે. એની લર્નિંગ લોસની પ્રમાણિક ચિંતા લગભગ કોઈને નથી. બધાંને એમ જ છે કે એ તો વિદ્યાર્થી શીખી લેશે, પણ પાયાનું શિક્ષણ શીખવનાર વગર અઘરું છે, ત્યાં જાતે વિદ્યાર્થી શીખી લે એ અપેક્ષા વધારે પડતી છે. આ બધાંમાં ક્યાંક ખરેખર શિક્ષણની ચિંતા થઈ જ હશે, પણ એ જે તે સ્ટાફની નિસ્બતને કારણે હોવાની સંભાવનાઓ વધુ છે. શિક્ષણ વિભાગ કે સમિતિ દ્વારા એવી ચિંતા અપવાદરૂપે જ થઈ હોય એમ બને. એમ કહેવાય છે કે કેટલીક શાળાઓ, ખાનગી સ્કૂલોને ટક્કર મારે એ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિકસાવી છે. એ વાત સાથે સંમત થવાનો આનંદ જ હોય, પણ પ્રાથમિક શાળાનો આદર્શ ખાનગી સ્કૂલો હોય એ પણ કેવું? આમ તો ખાનગી સ્કૂલોએ પણ કર્યો તો ધંધો જ છે. લોકડાઉનમાં સ્કૂલો બંધ રહી એની ફી ઉઘરાવવાની પણ એવી સ્કૂલોને નાનમ લાગી નથી ને ખાનગી સ્કૂલોમાં લૂંટાવવા માટે જેમની પાસે વધારાના પૈસા છે એમણે એવા પૈસા ખટાવ્યા પણ છે, તો એવું પણ થયું છે કે લોકડાઉનમાં આવક ન થવાને કારણે ઘણા વાલીઓએ ખાનગી સ્કૂલોમાંથી ઉઠાડી લઈને બાળકોને સરકારી સ્કૂલોમાં મૂક્યાં હોય. બીજી તરફ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી ભારે ફી વસૂલી છે ને ઓછો પગાર આપીને શિક્ષકોનું શોષણ કર્યું છે. એવી સ્કૂલોનો આદર્શ, પ્રાથમિક સ્કૂલોએ ને શિક્ષણ સમિતિએ અપનાવવાની જરૂર ખરી?

આટલી ભૂમિકા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાજેતરમાં જ 2023-2024નાં વર્ષ માટે વિપક્ષના વિરોધ વચ્ચે 731.55 કરોડનું બજેટ 26 ડિસેમ્બર, 2022ને રોજ મંજૂર કર્યું તે અંગે થોડી વાત કરવા જેવી છે. આમ તો બજેટની બેઠકમાં 630.30 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ 2023-‘24 માટે અધ્યક્ષે 731.55 કરોડનું બજેટ રજૂ કર્યું જે મંજૂર પણ કરી દેવાયું. આમ તો હવે બધું સ્માર્ટ થવા જ બેઠું છે તો શિક્ષણ પણ સ્માર્ટ થવામાંથી શું કામ રહી જાય? ગયે વર્ષે તમામ ઝોન મળીને 20 સ્કૂલો સ્માર્ટ કરવા માટે બજેટમાં 25 કરોડ ફાળવાયેલા. આ વખતે 40 સ્કૂલો સ્માર્ટ કરવા માટે 50 કરોડ ફાળવાયા છે. એટલે કે સ્કૂલો અને ખર્ચ ડબલ થશે. સારું છે કે 40 સ્કૂલો સ્માર્ટ થવાની છે. આ સ્માર્ટનેસ કોરોના પહેલાં આટલી તીવ્ર ન હતી, એનો ય વાંધો નથી, પણ શહેરની, સમિતિની સાડી ત્રણસોથી વધુ સ્કૂલો છે, એમાં 40 સ્કૂલો સ્માર્ટ થશે, તો બાકીની સ્કૂલોનું શું? એને વિકસાવવાની છે કે પાયાની સુવિધાઓથી એણે વંચિત જ રહેવાનું છે? વારુ, જે ચાળીસ સ્કૂલો સ્માર્ટ થવાની છે એનો લાભ કયા વિસ્તારના કયા વિદ્યાર્થીઓને મળવાનો છે? જો એમને એ લાભ મળવાનો હોય તો બાકીના વિદ્યાર્થીઓની પાત્રતામાં કૈં ખૂટે છે એમ માનવાનું છે? જેમને સ્માર્ટ સ્કૂલનો લાભ મળવાનો છે કે મળી રહ્યો છે, તે લાભ મેળવવાની બાકીનામાં યોગ્યતા નથી એવો જ એનો અર્થ થાય. એ તો જે હોય તે, પણ જોવાનું એ રહે કે એમાં શિક્ષણ સમિતિની કોઈ ‘સ્માર્ટનેસ’ ભાગ ન ભજવી ગઈ હોય !

આ વખતે બજેટ વધ્યું તેમાં નવા સીમાંકનને આધારે જિલ્લા પંચાયતની 35 સ્કૂલો સૂરત મહાનગરપાલિકામાં ઉમેરાઈ તે કારણ પણ ખરું. દેખીતું છે કે એના ખર્ચની જોગવાઈ પણ બજેટમાં વિચારવી પડે. એમ મનાય છે કે બજેટમાં અંદાજે વિદ્યાર્થી દીઠ 35 હજારથી વધુનો ખર્ચ આ વર્ષમાં થશે. એમાં પુસ્તકો, ગણવેશ જેવા ખર્ચનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી દીઠ 35,000નો ખર્ચ થતો હોય તો સાદો સવાલ એ થાય કે ચોપડા, યુનિફોર્મનો ખર્ચ એક વિદ્યાર્થીનો 35,000 જેટલો ખરેખર થાય છે? લાગે છે તો એવું કે આટલો ખર્ચ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનો પણ નહીં થતો હોય ! તો, વિચારવાનું એ રહે કે વિદ્યાર્થી દીઠ ફાળવાયેલા 35,000 ખરેખર શેમાં ખર્ચાવાના છે? એ વિદ્યાર્થી માટે ખર્ચાવાના છે કે વિદ્યાર્થીને નામે ખર્ચાવાના છે? સમિતિની સભામાં આ અંગે કોઈ ચર્ચા થાય છે કે ત્યાં ચૂપ રહીને સભ્યો બીજા જ દાખલા ગણવામાં વ્યસ્ત રહે છે? જો કે એવો સૂર જરૂર ઊઠ્યો કે વિદ્યાર્થી માટે બજેટમાં અગાઉ ફાળવાયેલી રકમ પણ પૂરી ખર્ચાઈ નથી. મોટું બજેટ ફાળવાય ને એમાંથી શિક્ષકોનો પગાર જ કાઢવામાં આવતો હોય તો સવાલ એ પણ થાય કે બાકીની રકમ ક્યાં ખર્ચાય છે? વારુ, બારેક હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોય તો પગાર પણ કેટલાક શિક્ષકોનો થાય છે તે પણ વિચારવાનું રહે. આ ઉપરાંત, પાટિયા, ચોક, ડસ્ટર ને અન્ય ટેકનિકલ સાધનો પાછળ પણ પૂરતો ખર્ચ થતો ન હોય તો આટલી મોટી રકમ બજેટમાં કોની હોજરી ભરવા ફાળવાતી હશે તે નથી સમજાતું. રકમ ફાળવાયા પછી જો તે વપરાયા વગર જ પડી રહેતી હોય તો બજેટ ઘટવું જોઈએ તેને બદલે વધે છે. તો કયાં કારણોસર તેમ થાય છે તેનો ખુલાસો થવો જોઈએ.

તપાસ તો એ પણ થવી જોઈએ કે કેટલાં કોર્પોરેટરોનાં, અધિકારીઓનાં બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે? એ ત્યાં ભણે છે કે વધુ સગવડોવાળી બીજી મોંઘી સ્કૂલોમાં તેમનાં એડમિશન થાય છે? ખરેખર તો એવાં બાળકોને સરકારી સ્કૂલોમાં ભણવાની ફરજ પડાવી જોઈએ, જેથી કેટલી ઓછપ વચ્ચે બીજાં બાળકો ભણે છે એનો ખ્યાલ આવે અથવા તો એમને મળતી સુવિધાઓ પ્રાથમિક શાળાઓમાં સાચા અર્થમાં વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ. વ્યવસ્થા તો એવી પણ થવી જોઈએ કે સરકારી અને સમિતિના ન હોય એવાં, શિક્ષણમાં રસ ધરાવનારાઓની એક એવી કમિટી હોય જે દર અઠવાડિયે કે પંદર દિવસે શાળાને ને વિદ્યાર્થીઓને અપાવી જોઈતી સવલતો મળે છે કે કેમ એનો સમિતિને તટસ્થ અને સાચો રિપોર્ટ કરે અને ખૂટતી સેવાઓ પૂરી પાડવાની સમિતિને ફરજ પાડે. આવું થશે તો જ સમિતિનો કાગળ પર રહેતો કારભાર વર્ગખંડો સુધી પહોંચશે. પણ આવું થાય ખરું? કાગળ પર તો ઘણી શિક્ષણ નીતિઓ અદ્દભુત લાગે, પણ કમાલ એ છે કે કાગળની બહાર નીકળતા જ તે ‘ભૂત’ થઈ ઊઠે છે. આ બધું જ સુધરી શકે એમ છે. જરૂર છે તે ઇચ્છાશક્તિની, મગર વો દિન કહાં કિ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2451,2461,2471,248...1,2601,2701,280...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved