મહાનગર મુંબઈ સહિતના દેશના અડધો ડઝન રાજ્યોમાં, બેએક મહિના પહેલાં, બાળકોમાં અચાનક ઓરીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતના તેર જિલ્લા અને પાંચ શહેરોમાં પણ આ દિવસોમાં ઓરીનો વાવર હતો. ઓરીના કેસોમાં થયેલી વૃદ્ધિનાં કેટલાંક કારણો પૈકીનું એક કોરોના મહામારી દરમિયાન રસીકરણમાં થયેલો ઘટાડો હતું. ઓરી સંક્રામક બીમારી છે. અને દરદીના ખાંસવા તથા થૂંકવાથી તેનો ચેપ ફેલાય છે. ઓરીથી બચવાનો ઉપાય તેની રસી છે. ઓરીની રસીનો બાળકના જન્મ પછીના નવથી બાર મહિને પહેલો અને સોળથી ચોવીસ મહિને બીજો ડોઝ લેવાથી રોગ સામે આજીવન રક્ષણ મળે છે. પરંતુ હર સાલ વિશ્વમાં ચાર કરોડ બાળકો ઓરીની રસીથી વંચિત રહે છે. ૨૦૨૧માં ઓરીને કારણે દુનિયામાં ૧.૨૮ લાખ મોત થયા હતા, જે કદાચ રસીથી અટકી શક્યાં હોત.
૨૦૨૦ના કોરોનાકાળમાં ૧.૭૦ કરોડ બાળકોને એકપણ અને ૨.૨૫ કરોડને એકાદ રસી આપવામાં આવી નહોતી. આ જ વરસે ડિપ્થેરિયા (ગળાનો ગંભીર ચેપી રોગ), ટિટનસ (ધનૂર) અને પર્ટુસિસ (ઉટાંટિયુ) માટેની ડી.ટી.પી.-૩ની રસી ૨.૩૦ કરોડ બાળકોને આપી શકાઈ નહોતી. ભારતમાં કોરોના પૂર્વેના ૨૦૧૯ના વરસમાં ચૌદ લાખ અને ૨૦૨૦માં ત્રીસ લાખ બાળકોને ડી.ટી.પી.ની રસીનો પહેલો ડોઝ આપી શકાયો નહોતો.
જીવનરક્ષક મનાતી રસી જિંદગીની સલામતી માટેની સંજીવની છે. તે રોગ સામેનો સુરક્ષિત, અસરકારક એટલો જ ઓછી કે વાજબી કિંમતનો ઉપાય છે. કુપોષિત જ નહીં સ્વસ્થ બાળકોનું પણ રસીકરણ આવશ્યક છે. નિયમિત અને નિયત પ્રમાણમાં રસી લેવી તે પણ એટલું જ જરૂરી છે. વ્યક્તિ, પરિવાર અને સમાજના સુરક્ષા કવચની ગરજ સારતી રસી માનવજીવન માટે કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ દેશ અને દુનિયાને કોવિડ-૧૯ના રસીકરણથી થઈ ચૂક્યો છે.
અંગ્રેજોના જમાનાથી ભારતમાં રસીકરણ થતું રહ્યું છે. બે દાયકાથી દેશે રસીકરણ ક્ષેત્રે સારી પ્રગતિ સાધી છે. કોવિડ વેક્સિન હબ તરીકે ઉભરેલા ભારતમાં કેટલીક નવીન વેક્સિન વિકસિત થઈ છે. વિશ્વના દોઢ ડઝન દેશોને સ્વદેશી રોટાવાઈરસ વેકસિન ભારત પૂરી પાડે છે. વિશ્વને રૂબેલાની એંસી ટકા રસી આપણે પહોંચાડીએ છીએ.
૧૯૮૫માં આરંભાયેલા યુનિવર્સલ ઈમ્યૂનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત ૨.૬૭ કરોડ નવજાત બાળકો અને ૨.૯ કરોડ ગર્ભવતી મહિલાઓને આવરી લેવામાં આવે છે. બાર વરસ કરતાં ઓછી વયના બાળકોનું સરકારી હોસ્પિટલ્સમાં નિ:શુલ્ક રસીકરણ થાય છે. ભારતમાં બી.સી.જી., પોલિયો, ડી.પી.ટી. અને રૂબેલાની ચાર મૂળભૂત રસી ઉપરાંત અન્ય બાર બીમારીઓની પણ રસી આપવામાં આવે છે. રસી ઈન્જેકશનથી કે ઓરલ આપી શકાય છે. મૂળભૂત કે પ્રાથમિક, બૂસ્ટર ડોઝ અને મહામારીના સમયે સાર્વજનિક રસીકરણ એવાં તેના સ્વરૂપો છે.
રસીકરણનો મૂળભૂત ઉદ્દેશ માનવશરીરને રોગ પ્રતિકારક શક્તિથી સુસજ્જ કરવાનો છે. રસીને લીધે સંકામક રોગો સામે પ્રતિરક્ષા માટેની એન્ટીબોડીઝ ઉત્પન્ન કરી શકાય છે. રોગના અટકાવ અને ગંભીર રોગથી થતા મોત સામે રસી ઢાલ બની રહે છે. રસી લેવાથી જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને બીમારીનો સામનો કરી શકાય છે. ચેપીરોગનો પ્રસાર રસીથી અટકે છે. રસીકરણથી ભારત પોલિયો અને શીતળાથી મુક્ત થઈ શક્યું છે, ક્ષય અને ધનૂર નાબૂદીની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે તેમ જ કોવિડ-૧૯ સામે રસીથી જ બચાવ થયો છે. એટલે રસીની અનિવાર્યતા અને અસરકારતા અંગે કોઈ બેમત નથી.
રસીના ફાયદા અને રોગ સામે લડવાની તેની શક્તિ સ્વયંસ્પષ્ટ હોવા છતાં રસી ના લેવાનું વલણ જોવા મળે છે. મહામારી દરમિયાનની તાળાબંધી, કોરોના પ્રતિબંધો અને તેને કારણે રસીકરણની પ્રાથમિકતામાં બદલાવ જેવા કામચલાઉ કારણો ઉપરાંત લોકોમાં જાગ્રતિનો અભાવ, રસીના લાભની ઓછી જાણકારી, રસી વિશેની ગેરમાન્યતાઓ, ધાર્મિક અંધવિશ્વાસ, અશિક્ષિત માતા-પિતા, ગરીબી તથા મજૂરી માટેની દોડધામને લીધે સમયનો અભાવ જેવા કારણોથી બાળકોને રસી આપતા નથી કે નિયમિત આપી શકતા નથી.
ભારત જેવા વિશાળ અને વિપુલ જનસંખ્યાના દેશમાં પ્રત્યેક બાળક સુધી પહોંચવામાં મુશ્કેલીઓ છે. જે બાળકોનો જન્મ દવાખાનામાં થાય છે તેમને જન્મ પછીની તરતની રસીઓ તો આપી દેવાય છે પરંતુ જે બાળકોના જન્મ ઘરે થાય છે તેમને અને દવાખાનામાં જન્મેલાં બાળકોને રસીના સમયપત્રક મુજબની રસીઓ અપાવવામાં માબાપ બેદરકાર રહે છે. વળી જે રસીના એક કરતાં વધુ ડોઝ આપવાના હોય છે તેમાં એકાદ ડોઝ જ અપાવતા હોય તેવું પણ બને છે.
સરકારના આરોગ્ય તંત્રની હાલત પણ રસીકરણમાં ઢીલાશ અંગે જવાબદાર છે. ઘણાં રાજ્યોમાં આ કાર્ય આશાવર્કરોના હવાલે છે. અપૂરતા આરોગ્ય કર્મચારીઓ અને રસીના સમયબધ્ધ અને નિયમિત જથ્થાની આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચમાં વિલંબ પણ જોવા મળે છે. અંતરિયાળ ગામડાં, ડુંગરાળ અને છૂટીછવાઈ વસ્તી સુધી પહોંચવા માટેના સાધનોનો અભાવ જેવા ભૌતિક અવરોધોથી પણ પૂર્ણ રસીકરણ થતું નથી.
ભારતની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે રસીકરણમાં ભેદભાવ પણ થાય છે. છોકરાઓ કરતાં છોકરીઓ અને શહેરો કરતાં ગામડાના બાળકોનું પ્રમાણ રસીવંચિતતામાં વધારે હોય છે. નિમ્ન આવક અને કથિત નિમ્ન જ્ઞાતિ જેવા સામાજિક-આર્થિક દરજ્જા મુજબ બાળકોનું રસીકરણ થાય છે. આરોગ્ય સેવા અને રસી સુધી પહોંચનો અભાવ પણ ભેદભાવ સર્જે છે.
કોરોના મહામારીની જેમ ઈબોલા વાઈરસના પ્રકોપ સમયે રસીકરણમાં ઘટાડો થતાં ઈબોલા કરતાં વધુ મરણ ટી.બી, મેલેરિયા અને ઓરીથી થયા હતા. બાળકોની બીમારી અને મૃત્યુમાં સંક્રામક રોગોની મોટી ભૂમિકા છે. દર વરસે લાખો બાળકોના મોતનું કારણ રસી ના લીધાનું હોય છે. પોતાનો પાંચમો જન્મ દિવસ મનાવતા પૂર્વે મૃત્યુ પામતા ભારતના દસ લાખ બાળકોમાંથી ચારે એકના મોતનું કારણ ન્યૂમોનિયા અને ડાયેરિયા હોય છે. આ રોગો અને તેની ઘાતકતા રસીથી ઘટાડી શકાય છે. પરંતુ વાલીઓની બેદરકારી અને તંત્રની ઢીલી નીતિ તેમને બચાવી શકતી નથી.
રસીકરણ આવશ્યક છે પરંતુ ફરજિયાત કે અનિવાર્ય નથી. કોરોનાકાળમાં અદાલતી ચુકાદાઓથી તે સ્પષ્ટ થયું હતું. સરકાર રસીકરણને અનિવાર્ય બનાવી શકે નહીં કે તે નહીં લેનારને કોઈ દંડ કે સજા કરી શકે નહીં. વ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તેનાથી જોખમાય છે. પરંતુ બાળ અધિકાર માટેની વચનબદ્ધતા પુરવાર કરવા તેના ફાયદાનો વ્યાપક પ્રચાર અને પલ્સ પોલિયો જેવું અભિયાન કરી શકાય. માત્ર રસીની શોધ નહીં, તેની જનજન સુધી, ખાસ તો બાળકો સુધી, પહોંચની અમલવારી ખરી સિદ્ધિ છે.
e.mail : maheriyachandu@gmail.com