Opinion Magazine
Number of visits: 9458352
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસલમાનોના કલ્યાણનો એકમાત્ર ઈલાજ માણસાઈ

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2022

ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જિદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે તેમ જ બાળકો સાથે વાતો કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું હતું કે ભારતમાં વસતા દરેક જણ હિંદુ છે જ એટલે હિંદુ બનવા માટે કોઈએ ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી. મુસલમાનો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એ પછી તેઓ પાંચ મુસ્લિમ મહાનુભાવોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે હિન્દુત્વ એક સર્વસમાવેશક વિચારધારા છે, જેમાં દેશમાં વસતા દરેક પ્રજાસમૂહને સમાન દરજ્જો અને સમાન અવસર આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું બંધારણ સંઘ માટે પવિત્ર ગ્રન્થ છે અને સંઘ તેમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છતો નથી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે જે દેશમાં સંપ ન હોય અને વિખવાદ હોય એ દેશ આગળ ન વધી શકે.

મોહન ભાગવતની મસ્જિદની મુલાકાતમાં પહેલ કોની હતી એ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, પરંતુ એમ કહેવાય છે કે એમાં મોહન ભાગવતે પહેલ કરી હતી. પાંચ મુસ્લિમ મહાનુભાવોએ તો સામેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે પહેલ તેમની હતી અને તેમણે મોહન ભાગવતની મુલાકાત માગી હતી. દેશમાં મુસલમાનો જ્યારે ગેરસમજનો ભોગ બનીને રાજકીય અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, એક પ્રકારની ભીંસમાં છે ત્યારે હિંદુ બહુમતી કોમ સાથે સંવાદ સાધવો જરૂરી છે. તેમણે મુસલમાનોની વધતી વસ્તી અને એકથી વધુ પત્ની કરવાનો રિવાજ કેવળ એક પ્રચાર છે અને તેમાં કોઈ તથ્ય નથી એ પ્રમાણો સાથે બતાવ્યું હતું અને મોહન ભાગવતે તેમની દલીલ સ્મિત સાથે સ્વીકારી હતી.

સંવાદની જ્યારે વાત આવે ત્યારે કેટલાક લોકો રાજી થઈ જતા હોય છે. એમાં માનસિક સુખ મળે છે. સંવાદ સાધવો જોઈએ, એકબીજાના દૃષ્ટિકોણ સમજવા જોઈએ, સેતુ બાંધવા જોઈએ, વગેરે. આવા જ કોઈક ભોળપણથી પ્રેરાઈને કે પછી મજબૂરી સમજીને મુસ્લિમ મહાનુભાવો મોહન ભાગવતને મળવા ગયા હતા. સંવાદ શ્રેષ્ઠ સાધન છે અને આજે દેશમાં જે રાજકીય સ્થિતિ છે એમાં મુસલમાનો માટે સંવાદ કરવા સિવાય બીજો વિકલ્પ પણ શો છે? હવે કદાચ તેમને લાગવા માંડ્યું હશે કે આવનારા દશક-બે દશક માટે હિન્દુત્વવાદીઓ રાજ કરવાના છે માટે તેમની મરજી જીતવી જરૂરી છે જેમ ૧૮૫૭ના નિષ્ફળ વિદ્રોહ પછી સર સૈયદ અહમદ ખાનને અંગ્રેજોની બાબતે લાગ્યું હતું.

જે લોકો આ સંવાદને ગંભીરતાથી લે છે એ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અને હિન્દુત્વવાદીઓને ઓળખતા નથી. તેઓ વખતોવખત જરૂરિયાત મુજબ મધ ચટાડતા રહે છે અને ભોળિયાઓ એ મધને મધ સમજીને ચાટે છે અને રાજીના રેડ થઈ જાય છે. તેઓ અનેક મોઢે બોલે છે, વખતો વખત સૂર બદલે છે, એક કરતાં અનેક અર્થ નીકળે એ રીતે બોલે છે, જરૂર પડ્યે ડાહીડાહી વાતો કરનારાઓને આગળ કરે છે અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. સંઘના ૯૭ વરસના ઇતિહાસમાં કમ સે કમ ૯,૭૦૦ વખત આવું બન્યું છે. સો-બસો ઉદાહરણ તો એકબેઠકે યાદ કરીને હું ટાંકી શકું એમ છે. તેમણે ગાંધીજીને તો ઠીક, પણ તેઓ જેને માથે ઊઠાવીને નાચે છે એ સરદાર પટેલ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૪૮માં મુકવામાં આવેલો સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતા પહેલાં સરદારે મૂકેલી શરતો નહીં પાળીને વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૭૪-૭૫માં બિહાર આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ૧૯૯૨માં તે સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, પણ સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદનામું આપીને સર્વોચ્ચ અદાલત સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

તેમણે જવાહરલાલ નેહરુને પણ રાજી કરવાની કોશિશ કરી હતી. સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ગુરુ ગોલવલકરે નેહરુના વખાણ કરતા લેખો લખ્યા હતા. ગરીબોની આંખોના નૂર, યુવાનોનું સપનું, ભવિષ્યદૃષ્ટા, ભારતભાગ્યવિધાતા જેવા શબ્દો નેહરુ માટે વાપરવામાં આવ્યા હતા. નેહરુના આટલાં વખાણ તો કોઈ ચાપલૂસ કાઁગ્રેસીએ પણ નહીં કર્યા હોય. કારણ એ હતું કે તેમને સરદાર પટેલે સલાહ આપી હતી કે તમે નેહરુનો વિશ્વાસ જીતો અને કાઁગ્રેસમાં જોડાઈ જાઓ. સંઘને આમાં કાઁગ્રેસને કબજે કરવાની તક નજરે પડી હતી. નેહરુએ જ્યારે તેમને ભાવ નહીં આપ્યો અને સંઘ ફાસીવાદી સંગઠન છે એમ કહ્યું એ પછીથી તેમણે ભારતભાગ્યવિધાતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું જે આજે પણ થંભી નથી. ગાંધીજીને તેમણે સત્તાવારપણે સંઘની શાખાઓમાં પ્રાત:સ્મરણીય લોકોની યાદીમાં મુક્યા છે, પણ બહાર નીકળીને તેમની વિરુદ્ધ કુપ્રચાર કરે છે.

મોહન ભાગવત સામે ચાલીને મુસલમાનોને મળવા ગયા એમાં તેમની મજબૂરી સમજી શકાય એમ છે. મુખ્ય કારણ એ છે કે દેશમાં પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે. જેમને સવર્ણોના વર્ચસવાળું માથાભારે હિંદુરાષ્ટ્ર જોઈતું નથી, એવા હિંદુઓ લગભગ ૬૦ ટકા છે અને તેઓ ભારતીય જનતા પક્ષને મત આપે એ હવે શક્ય નથી. જેમણે ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી પર શ્રદ્ધા રાખીને મત આપ્યા હતા એ હવે મત આપવાના નથી. એક તરફ માથાભારે હિંદુરાષ્ટ્રમાં માનનારા હિંદુ કોમવાદીઓ છે અને બીજી તરફ સેક્યુલર ભારત, સહિયારું ભારત, ફેડરલ ભારત, બંધારણજન્ય કાયદાના રાજમાં પોતાનાં સંતાનનું ભવિષ્ય જોનારું ભારત, ઉજ્વળ ભવિષ્ય તરફ નજર કરતું વિકાસલક્ષી ભારતમાં માનનારા હિંદુઓ છે. બીજા પ્રકારના હિંદુઓ બહુમતીમાં છે. સરેરાશ ૪૦ અને ૬૦ની છે.

સંઘપરિવાર જાણે છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ગાબડું પડશે તો તેમના મતોમાં પડવાનું છે, વિરોધીઓના મતમાં પડવાનું નથી. વિરોધી હિંદુ નાગરિકો સંગઠિત થઈ રહ્યા છે અને આક્રમક થઈ રહ્યા છે. તેમને સૌથી વધુ નફરત તુમાખી અને માથાભારેપણા સામે છે. મોહન ભાગવત એ પણ જાણે છે કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં જે હિંદુઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા તેમાંના અડધા તો મુસ્લિમવિરોધી છે, હિંદુ કોમવાદી નથી. હિંદુ કોમવાદીઓ ક્યારે ય સાથ છોડવાના નથી, પણ જો બિલ્કીસ બાનુના બળાત્કારીઓને તેમ જ તેનાં પરિવારના હત્યારાઓને છોડી મૂકીને આરતી ઉતારવામાં આવે ત્યારે મુસ્લિમ વિરોધીઓની અંદર રહેલો રામ જાગી શકે છે. તેમની અંદર પ્રતિક્રિયા છે, કોઈ પણ સંજોગોમાં કોમીદ્વેષ કરવાની નીચતા અને મૂર્ખતા તેમણે આત્મસાત નથી કરી. તેઓ અતિરેકી માથાભારેપણાને કારણે સાથ છોડી શકે છે જેમ તેમણે કેટલાક મુસલમાનોની અતિરેકી વર્તણૂકને કારણે કાઁગ્રેસનો સાથ છોડ્યો હતો.

સ્થિતિ એવી છે કે અત્યારે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાછા ફરવું મુશ્કેલ છે, એટલે એ મોરચો મોહન ભાગવતે સંભાળી લીધો છે. નીતિન ગડકરી અટલ બિહારી વાજપેયીની જેમ ડાહીડાહી વાતો કરવા લાગ્યા છે. ૨૦૨૪માં ઉકળતા દૂધની ઉપર ડહાપણની મલાઈ જામેલી જોવા મળશે. જો એમાં સફળતા મળી અને પાછા સત્તામાં આવ્યા તો પાછી મલાઈ તારવી લેવામાં આવશે.

આ ખેલ બેવકૂફ હોય એને જ ન સમજાય અને મને નથી લાગતું કે જે લોકો મોહન ભાગવત સાથે સંવાદ કરવા ગયા હતા તેમને આ વાત ન સમજાતી હોય. ખાસ કરીને જે પાંચ મુસ્લિમ મહાનુભાવ મોહન ભાગવતને સામેથી સમય માગીને મળવા ગયા હતા એમાંના બે સનદી અધિકારીઓ હતા અને એક પત્રકાર છે. તેઓ આ બધું જ જાણે છે. મુસ્લિમ મહાનુભાવોના પ્રતિનિધિમંડળમાંના એક એસ.વાય. કુરેશી ચૂંટણીપંચના વડા હતા અને તેમણે ભારતમાં મુસલમાનોની વસ્તી ઉપર એક પુસ્તક પણ લખ્યું છે. મોહન ભાગવત સાથે તેમણે જ ચર્ચા સૌથી વધુ કરી હતી. તેમણે પ્રમાણો સાથે જ્યારે કહ્યું કે મુસલમાનોની વસ્તીવધારાની વાતમાં કોઈ તથ્ય નથી અને માત્ર કોમને બદનામ કરવા માટેનો ખોટો પ્રચાર છે ત્યારે મોહન ભાગવતના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. એ સ્મિતમાં જે કબૂલાત નજરે પડે છે એ એસ.વાય. કુરેશીને નહીં નજરે પડી હોય?

પડી તો હશે જ. આ સિવાય સંઘનો અનેક મોઢે બોલવાનો અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરવાનો ઇતિહાસ પણ તેઓ જાણતા હોવા જોઈએ. અને એ છતાં ય તેઓ મળવા ગયા હતા. સામેથી સમય માગીને મળવા ગયા હતા. આનાં કારણો એસ.વાય. કુરેશીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ખુલાસાનો લેખ લખીને આપ્યાં છે. એ લેખમાં તેમણે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કર્યું છે કે જ્યારે આખી મુસ્લિમ કોમ ભીંસમાં હોય, આર્થિક-સામાજિક-રાજકીય રીતે હાંસિયામાં હોય ત્યારે બહુમતી કોમ સાથે સંવાદ સાધવા સિવાય બીજો વિકલ્પ શો છે?

વાત સંવાદની છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ જેમની સાથે સંવાદ સાધવા ગયા હતા એ સંઘપરિવારને મુસલમાનો માટે કોઈ હમદર્દી નથી. જો હમદર્દી હોત તો તેમનાં રાજકારણનું સ્વરૂપ જુદું હોત. વળી તેઓ ઇસ્લામ અને મુસલમાનો વિષે અજ્ઞાન આધારિત ગેરસમજ ધરવાતા નથી. તેઓ ગેરસમજ ફેલાવે છે, ગેરસમજ ધરાવતા નથી. મોહન ભાગવતના સ્મિતમાં જ આનું પ્રમાણ મળી જાય છે. જો આધુનિક દૃષ્ટિકોણ ધરાવનારા મુસ્લિમ આગેવાનો ગેરસમજ દૂર કરવા માગતા જ હોય અને તેમાં તેઓ પ્રામાણિક હોય તો તેમણે એવા હિંદુઓના માનસમાંથી ગેરસમજ દૂર કરવી જોઈએ જેઓ હિંદુ કોમવાદી નથી. તેઓ મુસલમાનો માટે સહાનુભૂતિ ધરાવે છે અને સહાનુભૂતિ નથી ધરાવતા તો અહિત તો ઈચ્છતા જ નથી. હિંદુ અને મુસલમાન શાંતિપૂર્વક સાથે રહે અને દેશ આબાદ થાય એમ તેઓ ઈચ્છે છે. તેઓ હિન્દુત્વવાદીઓની જેમ સ્થાયી સ્વરૂપે મુસ્લિમવિરોધી નથી.

આવા હિંદુઓ મોટી સંખ્યામાં છે જેઓ મુસલમાનોના દુશ્મન નથી, પણ મુસલમાનોના વલણના કારણે પ્રતિક્રિયામાં આવીને મુસ્લિમવિરોધી થયા છે. વળી તેઓ માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમો માટે ગેરસમજ ધરાવે છે એવું નથી, કેટલીક સમજ પણ ધરાવે છે અને એ સમજના પ્રશ્નો સાચા છે. એના વિષે ખુલાસા મળવા જોઈએ. સંવાદ વિવેકી મુસલમાનોએ પ્રતિક્રિયાગ્રસ્ત હિંદુઓ સાથે કરવો જોઈએ. પણ એને માટે એક મૂળભૂત જરૂરિયાત છે અને એ જરૂરિયાત છે જરૂર પડ્યે ધર્મની ઉપરવટ જઇને માણસાઈના પડખે ઊભા રહેવું. આ લખનાર અને આ લખનાર જેવા લાખો હિંદુઓ આ ધર્મ નિભાવે છે. વિવેકી હિંદુઓનો બુલંદ અવાજ તો સંભળાતો હશે! મુસલમાનોએ ભીંસ અને હાસિયામાંથી બહાર નીકળવું હોય તો એ લોકો સાથે સંવાદ કરવાનો કોઈ અર્થ નથી જેઓ મુસલમાનોને જાણીબૂજીને હાંસિયામાં ધકેલી રહ્યા છે. પણ હા,  સાર્થક સંવાદ માટે ઉપર કહી તે શરત અનિવાર્ય છે : જરૂર પડ્યે  ઇસ્લામની ઉપરવટ જઈને માણસાઈનો પક્ષ લેવો.

મુસલમાનોના કલ્યાણનો આ જ એકમાત્ર ઈલાજ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2022

Loading

પેન્શન જોઈતું હોય તો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 September 2022

કાવ્યકૂકીઝ

0

તમે માનો કે ની માનો, પણ અ’વે તો અભણો જ

ભણેલાને ભૂ પીવડાવતા છે, જો !

આ માસ્તરો મોટે ઉપાડે જૂનું પેન્શન

માંગવા ગઈલા તે ફાટફૂટ લઈને પાછા આઈવા

એ લોકોએ હમજવું જોઈએ કે અંગ્રેજો ગિયા ઓય

તો હો ડિવાઇડ એન્ડ રૂલ તો અ’જી ચાલતું જ છે

પેન્શન તો બાજુ પર રિ’યું

માસ્તરો વગર ફોગટના કુટાઈ મઈરા

અ’વે પેન્શન તો મલવાનું ઓહે ત્યારે મલહે

પણ અત્તારે તો ગાડું ઘોંચમાં પઈડું જ કે’ની !

એક વાત નોકરિયાતોએ હમજી લેવી જોઈએ

કે નોકરી જ જાં’ પાકી ની ઓય

તાં’ પેન્શન પાકું કાં’થી ઓય?

અ’વે તો નોકરી મલે તો હો બઉ છે

મારો પોઇરો સાયેબને પૂછે કે પેન્શન મલહેકે?

તો સાયેબ કે’ય કે પેન્શન તો મલહે

પણ પગારનું પાકું ની !

ને માસ્તરોનું હું છે કે

આખો વખત નોકરી જ કઇરા કરે

ઉપરથી વસ્તી ગણતરી ને ટીકાકરણ હો કરે

અઈલા જાં’ ટીકા થાય એવું જ ની ઓય

તાં’ ટીકાકરણ કાં’થી ચાલે?

હું છે કે માસ્તરોએ કામ ઘટાડવું જોઈએ

એ હાળા ભણાવવાને બદલે

ઇતરપ્રવૃત્તિમાં જ ગોંધાઈ રે’ય તો

પોઈરાઓ ઉઠાં જ ભણાવે કે બીજું કૈં?

સ્કૂલમાં હાળા માસ્તર ઓછા ને પ્લાસ્ટર વધારે

અ’વે હું છે કે પોઈરાઓ જેમ ની ભણે તેમ

વધારે હારા માર્કે પાસ થાય છે

એટલે હો ભણાવવા હારું

બઉ માસ્તર રાખતા ની મલે

માસ્તર તો અ’વે યુનિયનમાં ઓય તો ઓય

બાકીના સાયેબોને જવાબો લખવા કામ લાગે

જતે દા’ડે માસ્તરો

ટ્યૂશન ક્લાસમાં જોવા મલે તો મલે !

સ્કૂલમાં તો એનું કામ જ ની મલે

બેચાર રાખવા ઓય તો ઠીક છે

કારકૂનીમાં કામ લાગે, બાકી ચાલે !

અ’વે તો લાગે છે, માસ્તરો રોજ પર જ રાખ્ખે

તે હો કલાક પર !

એવું થહે તો જ પેન્શનનું પાકું થહે

તમને અહવું આવે છેને, પણ આ હાચું છે

જો એક વાર ચૂંટણી જીતીએ

ને પાંચ વરહ ભવનમાં બેહીએ તો

એકથી વધારે વખત પેન્શન મલે એમાં ફેર ની

અ’વે પેન્શન એમને આપીએ કે આમને?

એટલે તીહ વરહનો નોકરો કૂટો

તો હો પેન્શન ની મલે એમ બને.

પેન્શન જોઈતું જ ઓય તો ચૂંટણી જીતો

ભલે નોકરી કાચી, પણ પેન્શન તો પાકું  .. .

000

(‘સંદેશ’ની બુધવારની પૂર્તિ)
e.mail : ravindra21111946@gmail.com

Loading

નવરાત્રિ ..! (ગીત)

કવયિત્રી : ભૂમા વશી ~ આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ|Opinion - Opinion|28 September 2022

કાવ્યનો આસ્વાદ ~ 

નવરાત્રિ (ગીત)

સૂરની દેવી સરસ્વતી
ને સૂરના ઈશ સુરેશ
સૂર શબ્દનાં ઝાંઝર રણઝણ,
માએ કર્યો પ્રવેશ

શાંત ઝરૂખે બેસું ત્યાં તો
ઝગમગ દીવા થાય
શબ્દ સૂરની પાયલનાં
ઝરણાં આ વહેતાં થાય
પહેલા ટહુકે, પછી એ બોલે,
કિલકારી પણ થાય
ભીતર થનગન નાચે કોઈ,
ઝળહળ ઝળહળ થાય
ડમરુ લઈને તાલ દઈને,
નર્તન કરે રવેશ
– સૂરની દેવી સરસ્વતી …

મેઘધનુષી રંગોની રંગોળી
અહીં વેરાય
મોરપિચ્છના ટહુકે ટહુકે
અમૃતરસ રેલાય
શ્વેતકમળની પાંખડીઓથી
વેદઋચા વેરાય
સ્પર્શ માત્રથી રૂંવે રૂવે
સૂર બધાં રેલાય
માની આભા જોતાં જોતાં,
પામી કંઈ વિશેષ
– સૂરની દેવી સરસ્વતી ….

                             – ભૂમા વશી

નવરાત્રિ આવે અને માતાજીનાં અર્ચના, પૂજન, આરાધનાનો પર્વ બધાં જ રંગે ચંગે ઉજવે. માતાજીની પૂજા એ શક્તિપૂજા છે. આ શક્તિ ક્યારેક માતૃ રૂપેણ તો ક્યારેક વિદ્યા રૂપે તો ક્યારેક શત્રુઓના વિનાશ કરનારી હોય છે. આપણી હિંદુ ફિલસૂફી પ્રમાણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે. આપણે આ સૌ દેવી-દેવતાઓનું સ્મરણ અને પૂજન કરીને કદાચ આપણી અંદર વસેલી સચ્ચાઈ અને સારપનો ઉત્સવ કરીએ છીએ પણ શક્તિ વિનાની સચ્ચાઈ, સારપ અને સમજદારી અધૂરી રહી જાય છે. નવરાત્રિની ઉજવણી એટલે આપણી અંદર રહેલી – “શક્તિ રૂપેણ સંસ્થિતા” -ની દિવ્ય Awareness –  જાગરૂકતાનો ઉત્સવ.

આપણા પુરાણોમાંના એક, શ્રીમદ્ ભાગવત પુરાણમાં જ્ઞાન (Knowledge) અને વિજ્ઞાન(Science)નો મહિમા બરાબરની હિસ્સેદારીથી કર્યો છે. આપણે જો એ વૈજ્ઞાનિક દૃષ્ટિથી નિહાળીએ તો આ કરોડો દેવી-દેવતા બધાં જ – Permutation & Combinations of Genes – અનેક પ્રકારના જનિન તત્ત્વોના સંયોજન રૂપે દરેક માણસની અંદર, એની ખૂબી-ખામી બનીને જ ગૂંથાયેલા છે. આમ વિચારતાં જ अहम् ब्रह्मास्मिની અદ્ભૂત અનુભૂતિ અચાનક થઈ જાય છે. બ્રહ્મ અને શક્તિનો સંબંધ સૂક્ષ્મ રીતે, બીજું કંઈ નથી પણ જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન જ છે.

માણસની અંદર જે જૈવિક તત્ત્વ (Genetics) છે, એને લૌકિક કે દૈહિક સંદર્ભમાં માત્ર બહારના દેખાવથી ન મૂલવીએ તો આત્માના અલૌકિક ને પારલૌકિક તત્ત્વને જોવા માટે ને એની અનુભૂતિ માટે મનની આંખો ખૂલી જાય છે અને દિવ્ય દર્શનની અનુભૂતિ અનાયાસે થઈ જાય છે. પણ, આ દર્શનને પચાવવા સમજદારી સ્વરૂપે શક્તિની અને વિવેકબુદ્ધિ સ્વરૂપે શિવની કૃપા હોવી ખૂબ જરૂરી છે. આમ તો શિવ ભલે સંહાર-વિસર્જનના દેવતા ગણાય છે પણ વિનાશ કે સંહાર કરતા સમયે સૌથી વધુ વિવેક જાળવવાની ક્ષમતા અને સમતા હોવી આવશ્યક છે. બ્રહ્મા સર્જન કરે અને ક્યારેક એ સર્જન સહેજ નબળું પણ થઈ જઈ શકે, તો વિષ્ણુના શિરે જે પણ સર્જન થયું હોય એને નિભાવવાની અને સુધારવાની જવાબદારી આવી જાય છે. પણ શિવ? એને માથે તો દરેક સર્જિત જીવને એનાં કર્મો પ્રમાણે વિલય પમાડવાની જે જવાબદારી છે એમાં જો જરાકે વિવેક ચૂકી જવાયો તો? તો, તો, વિશ્વમાં કેવી અંધાધૂંધી તથા “શત્ મુખ વિનિપાત્”ની સ્થિતિ થઈ જાય!

નવરત્રિમાં શિવ અને શક્તિ બેઉનો મહિમા ગવાય છે, જે આપણને યાદ અપાવે છે કે વિવેકહીન શક્તિ અને શક્તિહીન વિવેક, બેઉ એકબીજા વિના અપંગ છે. Genetics – જનિન તત્ત્વોના સંયોજનના પરિપ્રેક્ષ્યમાં આ વાત કેટલી સચોટ છે!

શક્તિની ઉપાસના અનેક દેવીના રૂપમાં કરાય છે. મા સરસ્વતી, વિદ્યાની શક્તિ પ્રદાન કરનારી મા સરસ્વતી સૂર અને શબ્દોની દેવી છે.

અને સુરેશ એટલે કે સુર-દેવોના ઈશ્વર, ઈન્દ્રદેવને પણ સ્મરી લેવાય છે.

સુરેશ- ઈન્દ્રને યાદ કરીને એના દરબારમાં વહેતા સૂર અને ગીત-સંગીતનો મહિમા બહુ સિફતથી કવયિત્રી કરી જાય છે.

સૂર, શબ્દો અને સંગીતના ઝાંઝરને રૂમઝુમ કરતી શ્વેતાંબરા સરસ્વતી મનોજગતમાં વિરાજે તો જીવન ન્યાલ થઈ જાય! દેવી સરસ્વતીની કૃપા પામવા માટે અંતરમાં જ્ઞાનવિજ્ઞાનને પામવાની આરત હોવી જરૂરી છે. આ આરતની પરાકાષ્ઠા મનના બધાં જ સંતાપને શાંત કરી દેવાય તો જ થાય છે. જ્ઞાનની, વિદ્યાની દેવી, સરસ્વતીની આગતાસ્વાગતામાં શાંતિની શક્તિ ન હોય તો એની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી. આ બહુ મોટી વાત કહી છે. આ સાથે જે અધ્યાહાર રહ્યું છે તે એ છે કે મનની શાંતિ સાથે વિદ્યાની દેવી પ્રસ્થાપિત તો થાય છે, પણ, એના કાયમી નિવાસ માટે મનમાંથી અહંકાર ખેરવી નાખવો પડે છે અને નમ્રતા કેળવવી પડે છે. કારણ, જ્ઞાનને રોમરોમ Assimilate – આત્મસાત કરવા માટે કે પચાવવા માટે નમ્રતા હોવી આવશ્યક છે. મનની પરમ શાંતિની જેમ જ, નમ્રતા – Humblenessથી મોટી શક્તિ બીજી નથી અને એક શક્તિ જ બીજી શક્તિના ધોધને સહજતાથી ઝીલી શકે ને?

અહીં બહાર બતાડવાની કે દેખાડાની નમ્રતાની વાત નથી પણ, અંતરથી નમ્રતા અનુભવીને, દેવી સરસ્વતીની કૃપા ઝીલી લઈને, એની સેવામાં સમર્પિત થવાની વાત છે. એકવાર આ સમર્પણ થઈ જાય પછી બહારના કાવાદાવા અને એકમેકને ઊંચા-નીચા દેખાડવાના વરવાં પ્રદર્શનોની (કુ)ઈચ્છાશક્તિથી નિર્લેપ થઈ જવાય છે.

હવે આંખ મીંચીને એ દૃશ્ય મનમાં ખડું કરી જુઓઃ – ‘મનના ઝરુખામાં જઈ શાંત બેઠાં હોઈએ, મા સરસ્વતીના આશિષના, કૃપાના, બારે કોઠે દીવા પ્રગટ્યા હોય, ક્યારેક શબ્દ, સૂર અને સંગીતની પાયલની રૂમઝુમનો રવ નિર્મળ ઝરણાંનો કલરવ બની અત્ર, તત્ર, સર્વત્ર વહેતો હોય તો ક્યારેક એ મુક્ત પંખીના ટહુકા બનીને રોમરોમમાં વ્યાપી જતો હોય…!” પછી તો “ન દીન, હૈ, ન દુઃખ હૈ, ન સુખ હૈ, ન દુનિયા – સિર્ફ મૈં હું સિર્ફ મૈં…..!”ની અનુપમ અનુભૂતિ બાકી રહી જાય છે.

આચાર્ય રજનીશ કહે છે તેમ, “આ ‘હું’ તત્ત્વને અહમ્‌થી અલગ કરીને ઈશ્વરના અંશ તરીકે જોશો તો એક આખું અનંત બ્રહ્માંડ ઉઘડી જશે.”

અહીં અનાયસે નરસૈયો યાદ આવી જાય છે કે “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે!”

જ્યારે આ બ્રહ્મ અને ‘હું’ (‘અહમ્‌’ રહિતનો) એક બની જાય છે ત્યારે અંગેઅંગ આનંદ, નૃત્ય બનીને નીતરે છે. દેવી સરસ્વતીના શક્તિપ્રપાત સાથે શૈવ તત્ત્વ ત્રીજી આંખ બનીને ખૂલી જાય છે અને અંતરમાં એક Liberation – બંધનમુક્તિની પ્રતીતિ થાય છે.

આ પ્રતીતિ એકવાર થઈ જાય પછી તો એ શૈવતત્ત્વનું ડમરું એક અનોખા લય અને તાલ સાથે આત્મામાં વાગતું રહે છે અને આ નશ્વર દેહ સ્વયં જ રવેશ બની જઈને નર્તન કરવા માંડે છે.

આવી સ્થિતિ જો કાયમ રહે તો એ જ સદેહે પામેલી સમાધિ અને પરમ મુક્તિ બની જાય છે. આ છે શિવ અને શક્તિના સાયુજ્યથી નીપજતો પરમ આનંદ, જેની આગળ ન કશું છે, ન પાછળ કશું છે.

“બસ, એક અદ્વૈત બ્રહ્મ છે અને હું છું …!
તારી સીમા ક્યાં ય નથી,
અને સીમાહીન તારી સંગે વિસ્તરેલી હું છું ..!”

આમ બધી સીમાઓની પેલે પાર, મેઘધનુષો રંગોની રેલમછેલ કરી રહ્યાં હોય અને સૂર-સંગીત વાતાવરણમાં મહેકી રહ્યાં હોય, ત્યાં જો મોરપિચ્છધારી શ્રીકૃષ્ણની વાંસળીના સૂરોનું માધુર્ય મમતા બનીને વરસી ન રહ્યું હોય તો જ નવાઈ!

બંસીધર શ્રીકૃષ્ણ, શક્તિ ને શિવ જ્યાં પરસ્પર સંગ હોય ત્યાં બસ, અહમ્‌ ઓગળે જ છે અને વેદવાણીનું નવનીત જિહ્વા પર વસી જાય છે. એ પાવન ક્ષણે પછી બધી જ ઐહિક અને દૈહિક ઈચ્છાઓ ખરી પડે છે.

આ કાવ્ય થકી ‘પેલે પાર’ના દ્વાર આપણા જેવા સંસારીઓ માટે કદાચ ન પણ ખૂલે, છતાં પેલે પાર શું હશે એ માટેની એક જિજ્ઞાસા તો આ ગીત જરૂર જન્માવી જાય છે. આત્મા થકી આત્માને પામવાની સુષુપ્ત અને અદમ્ય ઝંખના ન હોય તો આવું કાવ્ય લખી જ ન શકાય.

ડૉ. ભૂમા વશીને આ પારલૌકિક અનુભૂતિને કવિતામાં સુંદર રીતે સજાવવા બદલ ખૂબ અભિનંદન.

એમની કલમ વધુ ને વધુ સજ્જતા કેળવતી જાય એવી જ શુભેચ્છા.

***

September 25, 2022
e.mail : jayumerchant@gmail.com

Loading

...102030...1,2411,2421,2431,244...1,2501,2601,270...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved