Opinion Magazine
Number of visits: 9568837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્હાલમ 

બીજલ જગડ|Opinion - Opinion|11 January 2023

ધ્રૂજે છે હાથ, મૂંઝાય આંખ કોણ બજાવે માઝમ રાતે.

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

વરસાદની બાંધી મમત, દુષ્કાળમાં આંખોનું ભીંજાવું,

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

ઝળહળતા સઘળા આયના પાણીની જેમ રે સુકાયા,

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

આઘેથી આવ્યાં કહેણ કે ડૂમાં પલકારે પલકારે આછર્યાં,

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

તડકાની કરવત ને વહેરતાં ઝાડ શોધીએ પાંદડાંના સરનામે,

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

અજવાળાનાં સાત પગથિયાં, ચંપાયું રૂંવેરૂંવે સીસમ રૂપ,

હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.

ચંદનની સૂનમૂન ડાળ જો કોઈ પંચમની ફૂંક સમું આવે,

હ્રદય દીપકના શાંત ઉજાશે વ્હાલમ બજાવે માઝમ રાતે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ચાર્લ્સ શોભરાજ : સારા-ખોટાની ભૂંસાયેલી સીમાઓ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 January 2023

રાજ ગોસ્વામી

70ના દાયકામાં જે લોકોએ નિયમિત સમાચારપત્રો કે પત્રિકાઓ વાંચ્યાં હશે, તેમના માટે ચાર્લ્સ શોભરાજનું નામ પરિચિત હશે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મળીને લગભગ 20 જેટલા વિદેશી સહેલાણીઓની હત્યા કરવાના અપરાધ બદલ, શોભરાજ તત્કાલીન મીડિયામાં ‘સેલિબ્રિટી હત્યારો’ બનીને છવાઈ ગયો હતો. એકલા-અટુલા, અટવાયેલા અને ‘હિપ્પી ટાઈપ’ના સહેલાણીઓની હત્યાઓ કરવાની તેની વિચિત્ર ટેવ અને પોલીસની ગિરફતમાંથી આબાદ સરકી જવાની તેની આવડતના કારણે સમાચારપત્રોએ તેના વિવિધ નામ પાડ્યાં હતાં. જેમ કે- ધ બિકિની કિલર (તેના હાથે હત્યા પામેલી યુવતીઓ મોટા ભાગે બિકિનીમાં હતી), ધ સ્પ્લિટિંગ કિલર (હત્યાની જગ્યાએથી તે એવી સફાઈથી ખસી જતો – સ્પ્લિટ થતો – જેથી તેની પર આરોપ ન આવે) અને ધ સરપેન્ટ (એ સાપની જેમ સરકી જતો).

1976માં, તેની ત્રણ બહેનપણીઓ સાથે ટુરિસ્ટ ગાઈડ બનીને ફ્રાન્સથી આવેલા કોલેજિયન છોકરાઓને છેતરવા જતાં શોભરાજ પહેલીવાર દિલ્હીમાં પકડાઈ ગયો હતો. તેને 12 વર્ષની સજા થઇ હતી. તિહાડ જેલમાં તે વૈભવી જીવન જીવતો હતો. જેલમાં બેઠા-બેઠા તે દુનિયાભરનાં પત્ર-પત્રિકાઓને ઈન્ટરવ્યું આપતો હતો. તેના પર ચોપડીઓ પણ લખાઈ હતી.

તેના જેલવાસના દસ વર્ષ થયાં તેના ‘માન’માં, 1986માં શોભરાજે કેદીઓ અને સંત્રીઓ માટે એક ભવ્ય પાર્ટી આપી હતી. ખાવા-પીવામાં શોભરાજે સ્લીપિંગ પિલ્સ મિલાવી હતી. બધા ઘોરી ગયા તેનો લાભ લઈને તે જેલમાંથી છૂ થઇ ગયો. થોડા જ વખતમાં, ગોવાના એક બારમાં તે મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેના હાથે ઝડપાઈ ગયો. એને પાછો તિહાડ જેલમાં લાવવામાં આવ્યો અને તેની સજા 10 વર્ષ માટે લંબાવામાં આવી.

તિહાડ જેલમાંથી ફિલ્મી ઢબે ભાગી જવાના આ કરતૂતથી શોભરાજની કુખ્યાતિમાં ‘ચાર ચાંદ’ નહીં, ‘ચાર સૂરજ’ લાગી ગયા કારણ કે તે ભાગી જ એટલા માટે ગયો હતો જેથી પકડાઈ જવાય અને વધુ દશ વર્ષ માટે અંદર રહેવાય. 12 વર્ષની સજા પૂરી થયા પછી તેને થાઈલેન્ડના નાગરિકોની હત્યા માટે દેશનિકાલ કરવાનો હતો અને ત્યાં જેલ નહીં, ફાંસીનો માંચડો તેની રાહ જોતો હતો. 1997માં એ તિહાડમાંથી ‘માન ભેર’ છૂટ્યો ત્યારે તેની સામેનું વોરંટ ખતમ થઇ ગયું હતું. પુરાવાઓનો નાશ થઇ ગયો હતો અને સાક્ષીઓ પણ રહ્યા નહોતા.

શોભરાજ ફ્રેંચ નાગરિક હતો એટલે તિહાડમાંથી નીકળીને પેરિસ જતો રહ્યો. એ ત્યાં સુખેથી રહેતો હતો. મીડિયા સાથે વાતો કરતો હતો, પુસ્તકોના અને ફિલ્મના કોન્ટ્રકટ સાઈન કરતો હતો તેમ જ હીરા-માણેકનો ધંધો કરતો હતો. કહે છે કે કૂતરાની પૂંછડી વાંકી એટલે વાંકી, એ સીધી ન થાય. શોભરાજને તેની હોંશિયારી પર એટલો ભરોસો હતો કે 2003માં, મિનરલ વોટરના એક નવા ધંધા માટે તે કાઠમંડુ આવ્યો હતો. એ વખતે અમુક દેશ એવા હતા જ્યાં તે વોન્ટેડ હતો. નેપાળ એમાંથી એક હતું.

ધ હિમાલયન ટાઈમ્સ નામના એક સમાચારપત્રના પત્રકારને તેની હાજરીની ગંધ આવી ગઈ હતી અને બે અઠવાડિયા સુધી તેનો પીછો કરીને ફોટા સાથે અહેવાલ લખ્યો હતો. કાઠમંડુ પોલીસે એક કેસિનોમાં દરોડો પાડીને શોભરાજને પકડ્યો. તેની સામે કાઠમંડુમાં 1975ની સાલમાં બેવડી હત્યાનો ગુનો પેન્ડીંગ હતો. એમાં તેની સામે કામ ચાલ્યું અને આજીવન કેદ થઇ. 2003થી કાઠમંડુની જેલમાં હતો. તેની ઉંમર (શોભરાજ 78 વર્ષનો છે) અને જેલમાં સારા વ્યવહારને લઈને, 22 ડિસેમ્બર 2022ના રોજ, આગામી દશ વર્ષ સુધી નેપાળમાં પગ નહીં મુકવાની શરતે શોભરાજને મુક્ત કરવામાં આવ્યો હતો. હાલ તે ફ્રાન્સ પહોંચી ગયો છે.

હોતચંદ ભવનાની ગુરુમુખ શોભરાજ, 1944માં વિયેતનામી માતા અને ભારતીય પિતાને ત્યાં સાઈગોનમાં જન્મ્યો હતો. તેનાં પેરેન્ટ્સે ક્યારે ય લગ્ન કર્યા નહોતાં. પિતાએ તો તેને ખુદનો દીકરો માનવા જ ઇન્‌કાર કરી દીધો હતો. શોભરાજે દારુણ ગરીબીમાં બાળપણ ગુજાર્યું હતું. એ ઉમરમાં જ તેને સ્થાનિક દુકાનોમાંથી ચોરી-ચપાટી કરવાની ટેવ પડી ગઈ હતી. પેટ ભરવા માટેની એ મજબૂરી આગળ જતાં તેનો વ્યવસાય બની જવાની હતી.

ગરીબીમાંથી ઉભરવા માટે તેની માતા, નાના શોભરાજને લઈને ફ્રેંચ સેનાના એક લેફ્ટનન્ટ પાસે જતી રહી હતી. 1959માં, ચર્ચના દસ્તાવેજમાં તેના નામમાં ‘ચાર્લ્સ’ ઉમેરવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં પણ તેની ચોરી-ચપાટી ચાલુ રહી હતી. 1963માં, ઘરફોડીના કેસમાં પહેલીવાર તેને કસ્ટડીમાં પુરવામાં આવ્યો હતો. ચાર્લ્સ શોભરાજની કલ્લુ સે કાલિયા બનવાની સફરની શરૂઆત થઇ ચૂકી હતી.

શોભરાજની અપરાધિકની પ્રવૃતિઓ પર લંબાણથી લખી શકાય તેમ છે, પરંતુ સમજવા જેવું તો તેની પાછળની તેની માનસિકતા છે. તેના અપરાધોમાં હત્યાઓ, છેતરપિંડીઓ, લૂંટ, ડ્રગ્સની હેરાફેરી, પાસપોર્ટની ફોર્જરી અને બીજા અનેક કૃત્યો છે. એવું તો બીજા અપરાધીઓ પણ કરતાં હોય છે પણ શોભરાજ જેવો ‘દેખાવડો, મોહક અને નિ:સંકોચ’ બીજો કોઈ નથી.

તેને તેના અપરાધો બદલ ગ્લાનિ થઇ નથી. ઊલટાનું, આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની જે ચર્ચા થતી હતી તેનો તેને આનંદ આવતો હતો. મનોવિજ્ઞાનમાં ‘સોશ્યોપેથી’ નામની એક બીમારી છે. જેમાં વ્યક્તિને સારું શું અને ખોટું શું તે વચ્ચેના અંતરની દરકાર રહે અને તે બીજા લોકોની લાગણીઓ અને અધિકારોની ઉપેક્ષા કરે. સાદી ભાષામાં તેને એન્ટિસોશ્યલ પર્સનાલિટી ડિસઓર્ડર કહે છે.

આવા લોકો વિલક્ષણ, હસમુખા, આકર્ષક અને મજા પડે તેવા હોય, પરંતુ તેઓ અત્યંત સફાઈથી જૂઠ બોલી શકે અને બીજા લોકોની નબળાઈનો નિર્દયી રીતે લાભ ઉઠાવે. તેવી વ્યક્તિમાં નૈતિક-દુવિધા ન હોય. એટલે તેને તેનાં કૃત્યો માટે પસ્તાવો ન હોય. ઊલટાનું, તેની પાસે તેના કૃત્યોને ઉચિત ઠેરવવાના તર્ક હોય. એ એવું માને જ નહીં કે તે જે કરે છે તે અપરાધ છે.

તેવા લોકો એવું માનતા હોય કે દુનિયા નિષ્ઠુર છે અને એમાં જે મારે તેની જ ભેંસ હોય. સારા માણસ હોવાની સૌથી અગત્યની નિશાની પરાનુભૂતિ છે; બીજી વ્યક્તિની જગ્યાએ જઈને તેની સંવેદનાને અનુભવવી તે. તેનો વિરોધાર્થી ‘ભાવ’ સંવેદનશૂન્યતા છે; તેમાં બીજી વ્યક્તિને કેવું લાગે છે તેનો અંદાજ ન હોય.

તેવી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધ કેળવે તો પણ તેમાં ઊંડો લગાવ ન હોય અને એટલે તેના માટે તે વ્યક્તિ વાપરીને ફેંકી દેવાથી વિશેષ કશું ન હોય. ચાર્લ્સ શોભરાજે બાળપણમાં જે ગરીબી અને અન્યાય જોયો હતો, તેના પરથી તેનામાં સમૃદ્ધિ અને સત્તા મેળવવા માટેનું ઝનૂન પેદા થયું હતું. પર્સનાલિટી ડિસઓર્ડર એટલે એક વ્યક્તિ તેના અંગત અનુભવોના આધારે તેના વિચારો અને વર્તનની પેટર્ન ઘડે, એમાં તેની આસપાસનો સમાજ શું અપેક્ષા રાખે છે તેની કોઈ જગ્યા ન હોય. તેવી વ્યક્તિ દુનિયાને એવી જ રીતે જોવા માગતી હોય, જેવી રીતના તેના અંગત અનુભવો હોય.

કોઈને એવું લાગે કે આપણે માત્ર શોભરાજ જેવા ગુનેગારોની જ વાત કરીએ છીએ, પરંતુ વધતા-અંશે દરેક વ્યક્તિ તેના અંગત અનુભવોથી દોરાવાયેલી હોય છે. ફરક એટલો જ છે કે આપણા જેવા સામાન્ય લોકો સામાજિક વાસ્તવિકતા અને અંગત વિચારો વચ્ચે તંદુરસ્ત સંતુલન બનાવી રાખે છે, જ્યારે શોભારાજ જેવા સમાજને રિજેક્ટ કરે છે અને પોતાની દુનિયા ઊભી કરવા પ્રયાસ કરે છે. એમ તો એડોલ્ફ હિટલર, ઓસામા બિન લાદેન, જોસેફ સ્ટાલિન, વિન્સ્ટન ચર્ચિલ જેવા નેતાઓ પણ ‘સોશ્યોપેથ’ના દાયરામાં આવે છે. તેમને પણ તેમની આસપાસની દુનિયા સામે આક્રોશ હતો અને તેની સાથે તેમણે હિંસક બનીને પનારો પાડ્યો હતો. ફરક એટલો જ છે કે તેમણે તેમના કૃત્યોમાં માનતા હોય તેવા મોટી સંખ્યામાં અનુયાયીઓને પણ ઊભા કર્યા હતા.

પ્રગટ : “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”; 08 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈરાદાપૂર્વક ભૂંસી નંખાયેલી સ્ત્રી સ્વપ્નદૃષ્ટા : સાવિત્રીબાઈનું સ્મરણ

દેબરતી મિત્રા • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|10 January 2023

આપણા દેશની શહેરી અને માલદાર વર્ગની વસ્તી માટે ૩ જાન્યુઆરીનો વર્ષાંતે આવતી રજાની ઋતુનો થાક અને આવનારા સપ્તાહોનાં કામના દિવસોના ભયથી વિશેષ કોઈ અર્થ નથી હોતો. સ્ત્રીઓનાં જીવન અને સદીઓથી બહિષ્કૃત જ્ઞાતિઓ માટે મહત્ત્વ ધરાવતી આ તારીખ અંગે દેશનો મહત્તમ હિસ્સો અજાણ હોય છે. સંભવિત છે કે આ લેખ વાંચતી જો તમે સ્ત્રી છો તો શિક્ષણ મેળવ્યાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત હતું. કોઈને પણ એવો પ્રશ્ન થાય છે કે આપણા રાષ્ટ્રના અત્યંત સ્તરબદ્ધ સમાજમાં સૌથી નીચલા સ્તરે જ્ઞાનનું પહોંચવું શક્ય કેવી રીતે થયું?

જવાબમાં ‘સમાજ સેવીઓ’, જે સામાજિક પ્રશ્નો સાથે સામાન્ય રીતે સંકળાયેલા હોય છે, મહદંશે એ ભૂમિકામાં પુરુષ હોવાની પૂર્વધારણા સાથે આપવામાં આવે છે. લોકોની સમાજ સેવીના ખ્યાલ સાથે બંધબેસતો, ભાગ્યે જ એ સ્ત્રીનો ચહેરો હોય છે, એમાં ય ખાસ કરીને સાડીમાં સજ્જ બાલિકાવધૂ. સાવિત્રીબાઈ ફૂલે એવું એક નામ છે જેમણે સમગ્ર જીવન કચડાયેલાંના ઉત્થાન અર્થે સમર્પિત કર્યું, પરંતુ મુક્તિ અને તેના વારસા માટેના લાંબા સંઘર્ષમાં ખોવાઈ પણ ગયું.

જન્મ-જયંતી પર સાવિત્રીબાઈનું સ્મરણ

સાવિત્રીબાઈનો જન્મ સતારા, મહારાષ્ટ્રના એક ગામમાં પછાત એવી માલીસ જાતિમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે એમનું લગ્ન જ્યોતીરાવ ફૂલે સાથે કરવામાં આવ્યું. પતિના સહયોગથી શિક્ષણ મેળવીને ૧૮૦૦ની સદીમાં સાવિત્રીબાઈ સૌથી વિશિષ્ટ સ્ત્રીઓમાંના એક બન્યાં. પતિ અને બે સ્ત્રી સહિયોગીઓ, શગુનાબાઈ અને ફાતિમા શેખ સાથે મળીને નીચલી જ્ઞાતિઓની છોકરીઓ અને વ્યક્તિઓને ભણાવવા માટે શાળાઓ શરૂ કરી. ૧૮૦૦ની સદીમાં વૈભવી ગણાતું શિક્ષણ ઉચ્ચ વર્ગના પુરુષો પૂરતું સીમિત હતું અને વેદો અને શાસ્ત્રો દ્વારા શિક્ષણ મેળવવું સ્ત્રીઓ તથા “નીચલી જાતિઓ” માટે પાપ મનાતું હતું.

શાળાઓ શરૂ કરવી, એ પણ સ્ત્રીઓ દ્વારા, ખૂબ કઠિણાઈભર્યું હતું. ના કેવળ એનો સખત વિરોધ થયો પરંતુ એના સ્થાપકોને અતિશય અપમાન અને હુમલાઓ સહન કરવા પડતાં. આમ છતાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઈ શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ઊભું કરવાની નેમને કારણે તમામ વિઘ્નો સામે એ ટકી શક્યાં. વિદ્યાર્થીઓ માટે માત્ર શાસ્ત્રોનો અભ્યાસ પૂરતો ના હોઈ શકે એવું માનતા સાવિત્રીબાઈને મક્કમ નારીવાદી ઉપરાંત સ્વપ્નદૃષ્ટા કહી શકાય. એ અંગ્રેજી શિક્ષણની તરફેણમાં હતાં કારણ કે એમના મત મુજબ જ્ઞાતિ વ્યવસ્થાનાં દૂષણોને મનમાંથી ધોઈ નાખવા એ સક્ષમ હતું. શિક્ષણ પ્રત્યે એમનો અભિગમ વ્યવહારુ હતો અને અન્ય વિષયોની સાથોસાથ ઔદ્યોગિક કામ અને રોજીંદુ કામ પણ શિખવાડી શકાય એવી ગોઠવણને પ્રોત્સાહિત  કરતાં.

વિધવા પુનર્લગ્ન શરૂ કરવા અને બાળલગ્ન અને દહેજ જેવાં સામાજિક દૂષણો નાબૂદ કરવાના હેતુથી પતિ સાથે મળીને સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. આંતર-જ્ઞાતિ લગ્નોને આ દંપતી ટેકો આપતાં અને માનતા કે મનુષ્ય સર્જિત જ્ઞાતિપ્રથાની બેડીઓ વ્યક્તિ પવિત્ર છે કે અપવિત્ર એ નક્કી કરવાનું માપદંડ હોઈ શકે નહીં. સાવિત્રીબાઈના મતે માત્ર સાચું શિક્ષણ મનુષ્યને બનાવી કે તોડી શકે અને જીવન જીવવાની નીતિ શિખવાડી શકે.

સાવિત્રીબાઈનો બીજો નમૂનેદાર સુધાર હતો બાળહત્યા પ્રતિબંધક ગૃહ જે એમણે પોતાના ઘરેથી જ આરંભ કર્યો જેમાં બાળહત્યાથી બચી ગયેલાંની સંભાળ તે લેતાં. અહીં બળાત્કાર પીડિતાઓનો આવકાર થતો અને કુંવારી માતાઓની સુવાવડ કુશળ અને સુરક્ષિત હાથોમાં થતી. જો શિશુની માતા એની સંભાળ લઈ શકે એમ ના હોય તો ગૃહમાં બીજા બાળકો જોડે મૂકીને માતાને જવાની છૂટ હતી.

સાવિત્રીબાઈના ઉપર દર્શાવેલા કાર્યો ભારતીય સમાજને એમણે આપેલી જીવન પર્યંતની ભેટોમાંનો અંશ માત્ર છે. આ લેખનો આશય એમની સિદ્ધિઓની યાદી બનાવી એમને યાદ કરવા લાયક બનાવવાનો નહીં, પરંતુ એમને ભૂંસી નાખવાના, ભૂલાવી દેવાના પ્રયાસોને પડકારવાનું માધ્યમ બનવાનો અને આ બાબત માટે જવાબદાર સામાજિક પરિબળોને સમજવાનો છે. એવું જોગાનુજોગ ન હોઈ શકે કે મોટા ભાગના ઇતિહાસનાં પુસ્તકોમાં એમને એમના પતિ જ્યોતીબા રાવ ફૂલેના સમાજલક્ષી કાર્યોની પશ્ચાદભૂમાં દર્શાવવામાં આવે છે. મામા પરમાનંદ જેવા એમના વખતની માતબર વ્યક્તિને એમના માટે ખૂબ આદર હોવા છતાં સ્ત્રી લડવૈયા હોવાના એમના વ્યક્તિત્વને તાજેતરમાં ઘટાડીને પુરુષના મદદનીશ તરીકે દર્શાવવાના પ્રયત્નના સાક્ષી હોવું પીડાદાયક છે.

સાવિત્રીબાઈ ફૂલે અને એમના જેવી સ્ત્રીઓના પ્રતિનિધિત્વ સંદર્ભે બેવડું દમનનું વરવું સ્વરૂપ કામ કરે છે. ના કેવળ જ્ઞાતિપ્રથામાં એમના નીચા દરજ્જાને લીધે પરંતુ સ્ત્રી હોવાને લીધે પણ એમને ના બરાબર ગણવામાં આવે છે. એમની ઓળખનો આ આંતરછેદ એમને આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં અમર થવામાં અવરોધે છે. બીજા શબ્દોમાં, આ પાછળનું કારણ છે બ્રાહ્મણ પિતૃસત્તા જે ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ જ્ઞાતિના પુરુષોના ગુણગાન ગાય છે. આ સિવાય દલિત પુરુષો અને અન્ય જ્ઞાતિના પુરુષો ઉલ્લેખ પામે છે. કમનસીબે, જે જૂથ પાછળ રહી જાય છે તેમાં એવી સ્ત્રીઓનો સમાવેશ છે જેમણે લોકો જેના ખરેખર હક્કદાર છે એવી મુક્તિ અપાવવા માટે પોતાનું જીવન દોજખમાં ગુજાર્યું.

અત્યંત વિભાજનકારી જ્ઞાતિપ્રથાના ઉપલા સ્તરના લોકો દ્વારા મહદઅંશે નિયંત્રિત શિક્ષણ વ્યવસ્થા દ્વારા સ્વતંત્રતાની લડતમાં હિસ્સો લેનારી આ  સ્ત્રી સુધારકો અને કર્મશીલોનાં નામોને અનુકૂળતાપૂર્વક અદૃશ્ય બનાવી દેવાયા છે. કેવી આ કરુણાંતિકા છે કે સાવિત્રીબાઈ જ્ઞાતિ સમસ્યાને જે શિક્ષણ વ્યવસ્થાની મદદથી નાબૂદ કરી શકાશે એવું વિચારતા હતાં તે જ શિક્ષણ વ્યવસ્થાએ જ્ઞાતિ પ્રથાને દૃઢ બનાવી અને એમ કરવાની પ્રક્રિયામાં એમને જ ભોગ બનાવ્યાં. આવી કહાનીઓને વિકસવા માટે જરૂરી અવકાશ આ પરંપરાગત વૃત્તાંતોએ પૂરો પાડ્યો નહીં.

દર વર્ષે એમની જન્મજયંતી પર, થોડાં લોકો એમને યાદ કરે છે અને માંગણી કરે છે કે આ તારીખ ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે, પરંતુ આ તમામ વિનંતીઓ અને દાવાઓને નજરઅંદાજ કરવામાં આવે છે. ભારતમાં હંમેશાં સ્ત્રીને તેના કુટુંબના પુરુષ સભ્ય સાથેના સગપણથી જ ઓળખવામાં આવશે, ભલે પછી એ પુરુષ સભ્ય પાંચ વર્ષનું બાળક કેમ ના હોય? હંમેશાં “એમની પત્ની”, “એમની દીકરી”, “એમની બહેન” અથવા “એમની માતા”; સ્ત્રી ક્યારે ય વ્યક્તિ માત્ર હોતી નથી — ભલે ને એણે પોતાના સમયની સૌથી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને સ્વતંત્રતા ચળવળમાં અમાપ કાર્યોનું યોગદાન કર્યું હોય. સાવિત્રીબાઈના કિસ્સામાં, એમના નામની પાછળ એમના પતિની અટક ના લાગતી હોત તો આપણામાંના બહુ ઓછા એમને ઓળખી શકત, એમણે સ્થાપેલી તમામ ચીજોમાં એમનું સમાન અને કદાચ વધુ યોગદાન હોવા છતાં.

આ ત્રીજી જાન્યુઆરીએ, ભારતીય નારીવાદી ચળવળના પ્રણેતા, ભારતના પ્રથમ કેળવણીકાર અને ખૂબ જ ઉદાર સ્ત્રી એવા સાવિત્રીબાઈને યાદ કરીએ, જે ભુલાઈ ગયા છે અને જેમનો માત્ર સગપણ સંદર્ભે જ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્ત્રીત્વને અને સમયમાં ખોવાઈ ગયેલી તમામ શક્તિશાળી સ્ત્રીઓને ઉજવીએ. આ નવા વર્ષે નાનામાં નાની ચીજોના વૃત્તાંતો બદલીએ અને સમાજમાં મોટા બદલાવના સાક્ષી બનીએ.

સ્રોત: 

https://www.shethepeople.tv/top-stories/inspiration/remembering-savitribai/?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,2351,2361,2371,238...1,2501,2601,270...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved