Opinion Magazine
Number of visits: 9458403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલપ્રાઇઝવિનર ઍની ઍર્નો વિશે એક નૉંધ

સુમન શાહ|Opinion - Literature|8 October 2022

સાહિત્યનું નોબેલ પ્રાઇઝ દર વરસે અપાય છે. નોબેલવિનર એ ભાઈ કે એ બહેનની ગ્રેટનેસના આપણા માટે તો સમાચાર જ હોય છે. આપણે તો મૂળ ભાષા પણ ન જાણતા હોઈએ. અંગ્રેજી અનુવાદ વાંચ્યો હોય તો વાંચ્યો હોય. મોટાભાગે, એટલું પણ નથી બનતું. ખરેખર, કશું જ વાંચ્યું નથી હોતું, એ ગ્રેટનેસના ‘ગ’ લગી પણ પ્હૉંચ્યા નથી હોતા. બાકી એ જાણવું જરૂરી હોય છે કે એવી કઈ સાહિત્યિક વિશેષતાને કારણે વ્યક્તિ નોબેલપાત્ર બની. 

કોઈપણ સાહિત્યકારની સૃષ્ટિના મને થયેલા રસાનુભવ વિના બોલવું કે લખવું મને કદીપણ ગમતું નથી. છતાં, સાહિત્યના માણસ તરીકે કર્તવ્ય એ બને છે કે આપણા સાહિત્યસમાજમાં આવા પ્રસંગ વિશે નાની નૉંધ મૂકીએ.

૨૦૨૨-નું નોબેલ ફ્રૅન્ચ સ્ત્રી-સાહિત્યકાર Annie Ernaux-ને અપાયું છે. નોબેલ અપાયું એ પૂર્વે છેક ૧૯૭૭-થી એમને ૧૩-૧૪ જેટલા ઍવૉર્ડ્સ અપાયા છે. એમના નામનો, સરખો ફ્રૅન્ચ ઉચ્ચાર કરવો જોઈશે – ઍની ઍર્નો. આમ તો લેખકની અટક લઈને વાત કરવાનો રિવાજ છે, પણ મને ઍર્નો ઍર્નો કરતાં ન ફાવે. એટલે ઍની કહીશું.

Pic courtesy : Saturday Paper

સ્વીડિશ અકાદમી જણાવે છે કે નોબેલ ઍનીનાં ધૈર્ય અને તીવ્ર નિર્વૈયક્તિકતા અર્થે છે, એ વડે એ અંગત સ્મૃતિનાં મૂળિયાં, દ્વેષ અને સામુદાયિક નિયન્ત્રણોને છતાં કરે છે. (કામચલાઉ ભાવાનુવાદ).

ઍની ૮૨ વર્ષનાં છે. નૉર્મન્ડીના એક નાના કસબામાં જન્મ્યાં છે, ૧૯૪૦-માં. માતાપિતા ત્યાં કાફે-કમ-ગ્રોસરી સ્ટોર ચલાવતાં’તાં. ઍની ભણવા માટે શરૂમાં લન્ડન ગયેલાં, ફ્રાન્સ પાછાં આવ્યા બાદ યુનિવર્સિટીઓમાં કેળવણી મેળવી અને ‘આધુનિક સાહિત્ય’ વિષયમાં ૧૯૭૧-માં ડીગ્રી મેળવી. ૧૯૭૭-થી ૨૦૦૦ દરમ્યાન સૅન્ટર નૅશનલ દ’ઑનસેન્યુમૉં કૉરસ્પૉન્ડન્સમાં, નેશનલ સૅન્ટર ફૉર ડિસ્ટન્સ ઍજ્યુકેશન-માં, પ્રૉફેસર હતાં.

ફિલિપ ઍર્નો સાથે લગ્ન થયેલાં, ૮૦-ના દાયકામાં બન્ને છૂટાં થયાં, બે દીકરા છે.

૭૦-ના દાયકાથી લખે છે, એમનાં ૨૦ પુસ્તકો છે. શરૂમાં ઍની કલ્પનોત્થ લેખનમાં રસ ધરાવતાં’તાં, ધીમે ધીમે આત્મકથનાત્મક તરફ વળી ગયાં. ૧૯૭૪-થી લખે છે, ૪૮ વર્ષથી – સુદીર્ઘ સાહિત્યિક કારકિર્દી.

પહેલી મનાયેલી કૃતિ, “ક્લીન્ડ્ આઉટ” આત્મકથનાત્મક નવલકથા છે. આત્મકથનાત્મક “એ મૅન્સ પ્લેસ”-માં પિતા સાથેના સમ્બન્ધો અને ઉછેર તેમ જ ક્રમે ક્રમે યૌવનાવસ્થા અને ઘરથી દૂર પ્હૉંચી જવાની ઝંખનાનું આલેખન છે. “ધ યર્સ” એમની આત્મકથા છે. એને પ્રી રેનુદુ ઍવૉર્ડ અપાયો છે. અંગ્રેજીમાં અનૂદિત થયા પછી એ પુસ્તક ૨૦૧૯-ના મૅન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ માટે શૉર્ટ-લિસ્ટ થયેલું. એમનાં અનેક પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ થયા છે, ‘સેવન સ્ટોરીઝ પ્રેસે’ પ્રકાશિત કર્યા છે.

ઍની એમની સાહિત્યસૃષ્ટિમાં હમેશાં હાજર રહ્યાં છે. જાતને રજૂ કરે, જાતનાં દર્દ આલેખે અને તે કશી પણ શરમ વિના, સંકોચ વિના.

એમની સૃષ્ટિમાં છે : નાની વયે અનુભવાયેલો બળાત્કાર. પહેલવારકા જાતીય અનુભવો, આવેગસભર લગ્નેતર ઍફેર. માતાપિતાનાં મૃત્યુ. વગેરે. ૬૦-ના દાયકામાં એમણે ખાનગીમાં ગર્ભપાત કરાવેલો, જ્યારે ગર્ભપાત ફ્રાન્સમાં કાયદેસર ન્હૉતો. એ વિશે એમણે એક નાના પુસ્તક રૂપે વાર્તા લખી છે, “હૅપનિન્ગ”. એમણે એમાં કહ્યું છે : મારા જીવનનો ખરો હેતુ તો મારું શરીર જ ને ! મારું લેખન બનનારાં મારાં સંવેદનો અને મારા વિચારો જ ને ! બીજા શબ્દોમાં કહું તો, અન્યોની જિન્દગીમાં અને તેમના ચિત્તમાં મારું અસ્તિત્વ ભળી જાય એવું મારું કંઈક બુદ્ધિગમ્ય અને વૈશ્વિક હોય એ જ ને …

વાત એમ હતી કે ૧૯૬૩માં ઍની ૨૩ વર્ષની હતી, અન્ઍટૅચ્ડ. એને થાય છે, પોતાને ગર્ભ રહ્યો છે. ઍનીમાં શરમ કશા ચેપની જેમ પ્રસરી જાય છે. પોતાને અને પરિવારને સામાજિક નિષ્ફળતા મળશે એ વિચારે એને થાય છે કે પોતાથી બાળક ન જ રાખી શકાય. આ વાર્તા “હૅપનિન્ગ”-માં છે. ૪૦ વર્ષ પછી ઍનીએ “હૅપનિન્ગ” લખ્યું. એ આઘાતથી તેઓ કદીપણ મુક્ત ન થઈ શક્યાં.

એક સ્ત્રી કશાં શરમ કે સંકોચ વગર પૂરી નીડરતાથી લખે એ ઘણું નૉંધપાત્ર લેખાવું જોઈએ. નારીના જીવનાનુભવનાં ઘણાં રહસ્ય એના શરીરમાં તો છુપાયાં હોય છે !

“સિમ્પલ પૅશન”-માં ઍની જણાવે છે : એવી બાબતો વિશે લખતાં સ્વાભાવિક રીતે જ મને કશી શરમ નથી આવતી, કેમ કે લખાઈ જાય એ ક્ષણને અન્યો દ્વારા વંચાશે એ ક્ષણથી જુદી પાડનારો સમય, હું ધારું છું, કદી પાછો નથી આવતો. કેમ કે પછી, મને ઍક્સિડન્ટ નડે કે હું મરી જઉં; યુદ્ધ કે ક્રાન્તિ શરૂ થઈ જાય. એને કારણે, મને ગમે છે, આજે જ લખી નાખવું. એ જ વિલમ્બથી મારું લેખન નિર્ણિત થાય છે. એ જ રીતે, સોળની વયે હું બળબળતા તાપમાં પડી રહેલી, કે, શું થશે એની લગીરેય ચિન્તા કર્યા વિના વીસની વયે કૉન્ટ્રાસૅપ્ટિવ વિના સમ્ભોગ કરેલો, એમ કહેવામાં મને સંકોચ નથી થતો. (કામચલાઉ ભાવાનુવાદ).

એક વાર એમણે કહ્યું છે કે – કોઈ સ્ત્રી એવી રીતે જીવતી હોય કે પોતાના અનુભવો ક્યારેક લખી નાખવા માટે છે, એટલે પછી મેં મને સાહિત્યકાર બનાવવાનું શરૂ કર્યું.

ઍનીની સૃષ્ટિનાં ત્રણ રસાયન ધ્યાનમાં આવશે : આત્મકથનાત્મક વિષયવસ્તુ, અતિ તીવ્ર દાઝભરી પ્રામાણિકતા, અને ખુલ્લા આકાશ જેવી નિ:સંકોચ અભિવ્યક્તિ.

એમની સૃષ્ટિનો આન્તરનાદ નારીપક્ષે છે.

એમનું એક ચર્ચાસ્પદ અને રસપ્રદ પુસ્તક છે, “ગૅટિન્ગ લૉસ્ટ”. અંકિતા ચક્રવર્તી જણાવે છે કે “ગૅટિન્ગ લૉસ્ટ” એક રશિયન ડિપ્લોમેટ સાથેના ઍનીના વળગણસમા – ઑબ્સેસિવ – ઍફેરનું રૅકૉર્ડિન્ગ છે; પ્રેમીઓનું ટૉટેમ છે – કુળદેવતા. પ્રેમીઓ ઍનીની માફક પ્રેમમાં ખોવાઈ જાય તો એમને કેન્દ્રમાં પાછાં લાવનારું ગાઈડ છે.

અંકિતા કહે છે કે સૅક્સનાં નિરૂપણો બાબતે ઍનીનો જોટો જડે એમ નથી. ઍનીની સૃષ્ટિમાં શરમ નામની ચીજ છે જ નહીં. ઇચ્છા એમાં ઇચ્છાઓને જન્માવે છે. મૃત્યુ વિશેનો આવેગ, સુખાશા અને ભૂતકાળનો આઘાત – ટ્રૉમા – અને ઍનીના ગૅરકાયદેસરના ગર્ભપાતની વાત; તેમછતાં, ક્યાં ય અપમાન કે માનહાનિકારક નિરૂપણ જોવા નથી મળતું. શરમ તો કામઝંખનાથી પેદા થાય છે પણ ઍનીની સૃષ્ટિનું વાચન આપણા એ ખયાલને શુદ્ધ કરી નાખે છે. 

ફ્રાન્સમાં વર્ષોથી જાણીતાં છે. એમની સૃષ્ટિને કામૂ કે સિમૉં દ બુવા વગેરેની તુલનામાં જોવાય છે. ઍનીનો ‘અવાજ’ ૨૦૨૦-નાં નોબેલપ્રાઇઝવિનર લૂઇસ ગ્લિકના ‘અવાજ’ જેવો જ રુક્ષ પણ કરુણાસભર છે. વિશ્વને એ બન્ને નારી શાન્ત અને સુસ્થિર દૃષ્ટિથી નીરખે છે, બન્ને, ઓછામાં ઓછા શબ્દોથી વધુમાં વધુ પ્રભાવ ઊભો કરે છે.

= = =

(October 7, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી જયંતીએ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|7 October 2022

ગાંધીજયંતીની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. ‘સ્પામ’ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

અવાજઃ હેલો …

જવાબઃ હા, બોલો, ભાઈ. તમારો અવાજ બહુ જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં “મને ના ઓળખ્યો?” ને “બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન  પૂછતા.

અવાજઃ (હસવાનો અવાજ)

જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?

અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનિટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)

જવાબઃ એક મિનિટ … હું ક્યારનો વિચારું છું કે અવાજ જાણીતો છે … તમે… તમે ક્યાંક ગાંધીજી તો …?

અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી, ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.

જવાબઃ અરે બાપુ … અમારા અંતરાત્માનો અવાજ ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ તમને બહુ યાદ કર્યા હતા … પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?

ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં બે વાર બિઝી થઈ જાઉં.

જવાબઃ તમે પણ બાપુ … સિરીયસલી પૂછું છું, તમારે આજે ક્યાં ય જવાનું નથી? પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મ પ્રાર્થનામાં, ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં … ક્યાં ય નહીં?

ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું જીવન-સંદેશવાળું ભૂલી ગયો?

જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે “મારું જીવન એ જ મારો સંદેશ” લખેલા પાટિયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મીડિયા પર એ ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,”મારું જીવન એ જ મારો સંદેશ”.

ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાં ય બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.

જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.

ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.

જવાબઃ કેમ આવી નેગેટિવ વાતો કરો છો?  મનમાં શું ચાલતું હોવાનું?

ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે કે હું? વચ્ચે સરદાર મજાકમાં મને પૂછતા હતા કે “બાપુ, બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?

જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા વિવાદમાં સંડોવવા? કે તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?

ગાંધીજીઃ (હસે છે) સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે “તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી મને થશે.” તું ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.

જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું ધ્યાન રાખતા લાગો છો.

ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે છે, પણ એ વાંચીને અમે બે ય દુઃખી થઈ જઈએ છીએ.

જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે …

ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો રામાયણ છે.

જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન કહેતા … તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?

ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે … પણ “હે, રામ” તો બોલાય ને ?

જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને ગોળી મારે અને તમે “હે રામ” બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું થાય?

એક વારનું “હે રામ” ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા. હવે ફરી કોઈએ આવી રીતે “હે રામ” નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો નથી, પણ થાય તો નવાઈ નહીં.

(એ સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર “હે રામ” લખેલું આવે છે.)

લિન્કઃ http://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post…

પ્રગટ : ‘બોલ્યુંચાલ્યું માફ’, નામક લેખકની કોલમ, રવિવાર પૂર્તિ, “ગુજરાત મિત્ર”; 02 ઓક્ટોબર 2022

Loading

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા:  શ્રેણી 1 

વિજય ભટ્ટ|Opinion - Opinion|7 October 2022

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા.
એથી તો મારો રાહ સરળ થઇ ગયો બધે,
રસ્તા મને ઘણાબધા રસ્તા ઉપર મળ્યા.
ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા

                                                    — કવિ હરીન્દ્ર દવે 

એવો એક મઝાનો ચહેરો : ભાણાભાઈ સાહેબ

આજે કવિશ્રી હરીન્દ્ર દવેની આ સુંદર ગઝલ વાંચીને તેને સ્વરબદ્ધ કરવા બેઠો અને તે સાથે સાથે જ મને પણ મળેલા કેટલા બધા મઝાના ચહેરાઓ આંખ સામે આવી ચડ્યા! ખરેખર, કેટલા મઝાના ચહેરાઓ હતા! … વાહ!

હરીન્દ્ર દવેની આ ગઝલને સંગીતમય કરવાનું થંભી ગયું. હાર્મોનિયમ પરનો હાથ બાજુમાં પડેલ લેપટોપ પર જઈ પહોંચ્યો … ‘ચહેરા મઝાના’ને સ્વરબદ્ધ કરવાનું બાજુ પર રાખીને મને મળેલા મઝાના ચહેરાઓને શબ્દમય કરવા બેસી ગયો. મંડી પડ્યો …. આ લખવા.

ઘણીવાર જેમ બને કે કોઈ સરસ સ્વપ્ન ચાલતું હોય અને જાગી જવાય અને પ્રયત્ન કરીએ કે પાછા એ સ્વપ્નની અંદર પેસી જઈએ તેમ, રખે આ ચહેરાઓ પાછા ક્યાંક ગરકી જાય અતીતની ખીણમાં તો? એ ચહેરાઓ એમ જલદી પાછા હાથવગા નથી આવતા માનસપટ પર, શબ્દ સ્વરૂપ પામવા.

મૂળ વાત એ છે કે જુદા જુદા સમયે જે જે ચહેરાઓ મળ્યા તે બધા તે તે સમયે ખૂબ અગત્ય ધરાવતા હતા. સમયાંતરે તે ચહેરાઓ માત્ર એક મોજભરી દન્તકથા જેવા જ બની જાય છે! જેને વાગોળવાની મઝા કંઈક ઓર છે!

ચાલો, એવા એક ‘મઝાના’ ચહેરાને શબ્દના વાઘા પહેરાવીએ!

ક્યાંથી શરૂ કરું ? હા .. આજનો ચહેરો એટલે અમારા પેલા ઇતિહાસ-ભૂગોળના શિક્ષક ભૂપેન્દ્રભાઈ પટેલનો. પણ એમને બધા જ ભાણાભાઈ કહેતા. વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને સૌથી વધુ આદરણીય એવા ભાઈકાકા મૂળ સોજીત્રા ગામના. ભૂપેન્દ્રભાઈનું મોસાળ સોજીત્રા. તેથી એ ભાઇકાકાના ભાણા થાય, એટલે આખા વલ્લભવિદ્યાનગરમાં તે ભાણાભાઈ તરીકે જ ઓળખાય. કોઈ જો એમના વિષે વાત કરવામાં “ભૂપેન્દ્રભાઈ” કહે તો અચૂક સામો સવાલ આવે “કોણ, ભાણાભાઈ?”

જીવન પર્યન્ત તેમની પહેચાન ભાણાભાઈ તરીકેની જ!  અરે છેલ્લે અમેરિકામાં રહ્યા ત્યારે પણ!

ચરોતરમાં ગુજરાતી મીડિયમની શાળાઓમાં એ સમયમાં પુરુષ શિક્ષકોનાં નામ પાછળ ‘ભાઈ’ અને ‘સાહેબ’ કહેવાનો શિરસ્તો. જો કે હવે છેલ્લા કેટલા ય વર્ષોથી શિક્ષકોને ‘સર’ કહેવાની પદ્ધતિ વધુ છે. જેમ કે શિક્ષક રમેશ પટેલને વિદ્યાર્થીઓ “રમેશ ભાઈ સાહેબ” કહીને સંબોધે. પણ આપણા ભૂપેન્દ્રભાઈને ‘ભૂપેન્દ્રભાઈ સાહેબ’ કહેવાને બદલે વિદ્યાર્થીઓ ‘ભાણાભાઈ સાહેબ’ જ કહે.

પહેલી નજરમાં થોડા કડક, થોડા પ્રેક્ટિકલ, ઉત્સાહી, અને તદ્દન સરળ પારદર્શક વ્યક્તિત્વ છે તે દેખાઈ જ આવે, પણ કોઈથી અંજાય નહિ! કદાચ તેમના વતનની ધરતી અને પાણીની આ ખૂબી હશે! તેમનું અને સરદાર પટેલનું વતન એક જ, કરમસદ.

ભૂગોળ, ઇતિહાસ, કે ભાષા ભણાવતાં તેમની શૈલી તળપદી ચરોતરી થઇ જ જાય!

શિવાજીના યુદ્ધની વાત આવે કે અંગ્રેજો સામેના સત્યાગ્રહની વાત આવે, એ એવી રસપ્રદ રીતે કરે કે આખો વર્ગ એકાગ્ર થઇને સાંભળે. બધાંને માત્ર શિવાજી જ નજર સામે દેખાય, કે જાતે જ દાંડીકૂચ કરી હોય એવું ગૌરવ થાય!

ભૂગોળના વર્ગમાં ઉત્તર ધ્રુવની અને એસ્કિમોની ઠંડીની વાત કરતાં કરતાં એ પોતાના બંને હાથ ભેગા કરીને ખભા ઊંચા કરીને એવી તો વાત કરે કે વિદ્યાર્થીઓને પણ ઠંડીનો અનુભવ થઇ જાય!

ચંદ્ર અને પૃથ્વીની ગોળ ફરવાની પ્રક્રિયા એકદમ નાટકીય રીતે, એક વિદ્યાર્થીને ચંદ્ર અને બીજાને પૃથ્વી બનાવી અને ગોળ ગોળ ફેરવે. જેથી ચંદ્ર અને પૃથ્વીની ગતિ વર્ગમાં જ દેખાઈ જાય અને સમજ પડી જાય. એકદમ, પ્રેક્ટિકલ!

વર્ગમાં ચેરાપુંજીના વરસાદની વાત એવી તો અસરકારક રીતે કરી હોય કે સાંજે જો વરસાદ આવે તો બીક જ લાગે કે ચેરાપુંજી જેવો વરસાદ જો અહીં વલ્લભવિદ્યાનગરમાં પડશે તો!?

તેમના હાવભાવ, હાથ અને ખભા ઊંચા નીચા થાય, એ બોલતાં આગળ ચાલે પાછળ ચાલે, અવાજ પણ ઊંચો નીચો થાય, ક્યારેક નાકમાં આંગળી નાખે, આ બધી ટેવો સૌએ પ્રેમથી તેમના વ્યક્તિત્વના એક ભાગ રૂપે સ્વીકારી લીધેલી. કાંઈ જ જુદું લાગતું જ નહીં.

કોઈ વિદ્યાર્થી જો બેધ્યાન લાગે તો ઊભો કરીને પૂછે, ”તું અઈં ઢોરા ચરાવા આયો છું?”

ભાણાભાઈ શિસ્તના આગ્રહી.

ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગરમાં ભણવા આવે. તેમાંથી ચરોતર વિસ્તારના જુદા જુદા ગામોના વિદ્યાર્થીઓની ટોળકીઓ હોય. ખાસ કરીને કરમસદ, બાકરોલ, ધર્મજ, અને નડિયાદના વિદ્યાર્થીઓની ટોળકીઓથી બીજા ગામોના બધા જ વિદ્યાર્થીઓ ડરે. એ ટોળકીઓના લીડર્સ ‘દાદાઓ’ ગણાય! તેઓ ખુલ્લે આમ દાદાગીરી કરે. શાળા કોલેજોની ચૂંટણી વખતે તો લાકડી, ધારિયા અને સાંકળો  લઇને મારામારી પર આવી જાય. ઘણા ઘવાય. મોટા ભાગના સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા બીજા ગામોના વિદ્યાર્થીઓ આ ટોળકીઓ અને તેના દાદાઓથી ડરે!

પણ અમારા ભાણાભાઈ સાહેબ નિર્બલ કે બલરામ! એક નીડર લીડર અને તે પણ અજાતશત્રુ!

બધાં જ ગામોના લોકોમાં તેમનું માન અને ભાર પડે. કોઈ જો ખોટી દાદાગીરી કરીને બીજાને રંજાડતો હોય અને જો ભાણાભાઈને વાત કરીએ તો વચ્ચે પડીને પેલાને અટકાવે, વઢે, અને સમાધાન કરાવે જ.

શાળામાં જો કોઈ છોકરી જરા વધારે ફેશન કરીને આવે તો એક સ્ત્રી શિક્ષિકા દ્વારા કહેવડાવે “એ છોડીને જરા હમજાવજો, આપડે એક્ટ્રેસ નઈ પણ મેટ્રિક થવાનું છે. તો જ ઠેકાણું પડશે.”

ભાણાભાઈ બીજા શિક્ષકોની સરખામણીમાં પૈસેટકે ઘણા સુખી.

કોઈ વિદ્યાર્થી પાસે પુસ્તકો કે કંપાસનાં સાધનો માટે પૈસા ન હોય તો ભાણાભાઈ સાહેબ પોતાના ખર્ચે પણ વ્યવસ્થા કરાવી જ આપે. પ્રિન્સિપાલ અને મેન્જમેન્ટ પણ તેમનું માન રાખે. ભાણાભાઈ કહે તો વજન પડે જ!

જ્યારે તેમનો સ્કૂલમાં ફ્રી પિરિયડ હોય ત્યારે પોતાનું બજાજ સ્કૂટર લઇને નીકળી પડે, કોઈકના પ્રશ્નોનું નિવારણ કરવા કે કોઈકનું કામ પતાવવા. ભાણાભાઈ પાછા સમયસર પોતાના વર્ગના સમયે હાજર થઇ જાય. સમયનો સદુપયોગ અને પાબંદી!

કોઈને પણ લગ્ન પ્રસંગે કે બીજા અગત્યના પ્રસંગે વ્યવસ્થામાં મુશ્કેલી હોય તો ભાણાભાઈને પૂછે તો કામ થઇ જાય.

ભાણાભાઈ બી.એડ. કરતા હતા ત્યારે મારા પિતાજીના એ વિદ્યાર્થી અને એ પછીથી મારા શિક્ષક થયેલા. બીજા ઘણાને હતો તેમ મારા પિતાજીને પણ તેમની પર વિશ્વાસ.

એક વાર એવું બન્યું કે મારા પિતાજીએ પહેલીવાર એક સ્કૂટર ખરીદવાનું નક્કી કર્યું. સેકન્ડ-હેન્ડ લેમ્બ્રેટ્ટા. પૈસા અપાઈ ગયા અને સ્કૂટર ઘરની બહાર આવી ગયું. સ્કૂટર વિષે ખાસ સમજણ ઓછી. હજી ચલાવતાં ય નહતું આવડતું તેથી લાઇસન્સ પણ ન હતું. તેથી એમણે નકકી કર્યું કે ભાણાભાઈને સ્કૂટર બતાવી જોઈએ. મને ચિઠ્ઠી આપી “સ્કૂલમાં ભાણાભાઈને આપજે.” (તે વખતે વલ્લભવિદ્યાનગરમાં માત્ર કોલેજોની ઓફિસમાં અને પોસ્ટ ઓફિસમાં જ ફોન હતા,  તે પણ ડાયલ થાય તેવા નહિ, ઓપરેટર પાસે નંબર જોડાવવો પડે.)

મારો ઇતિહાસનો વર્ગ પૂરો થયો એટલે મેં ભાણાભાઈ સાહેબને મારા પિતાજીની ચિઠ્ઠી આપી.

એ તરત જ બોલ્યા, “આજે શનિવાર છે, બપોરે સ્કૂલ નથી, તો ચાલ છેલ્લા પેરિએડ પછી આવીશ.”

સ્કૂલ પછી એમના જ સ્કૂટર પર મને બેસાડી સીધા અમારા ઘરે આવી ગયા. “ભટ્ટ સાહેબ, બોલો”, મારા પિતાજીને તે “ભટ્ટ સાહેબ” કહેતા. પિતાજીએ વાત કરી અને સ્કૂટર બતાવ્યું અને ચાવી આપી. ભાણાભાઈએ કિક મારી .. લેમ્બ્રેટ્ટા ચાલ્યું નહિ, બીજી કિક મારી તોયે ના ચાલ્યું, સ્કૂટરને એક તરફ વાંકુ વાળ્યું કારણ કે સ્કૂટરમાં જો પેટ્રોલ ઓછું હોય તો સહેજ વાંકુ વળે પછી જ ચાલે, તોયે ના ચાલ્યું. પછી એ સહેજ ગુસ્સે થઇ ગયા.

“ભટ્ટ સાહેબ આ લેમ્બ્રેટા અને તે પણ સેકન્ડ હેન્ડ ? ના લેવાય, કોણે પધરાયું તમને?”

“મારો એક જૂનો સ્ટુડન્ટ હતો કિરીટ પટેલ, તેનું છે” પિતાજી બોલ્યા.

“કયો પેલો બાકરોલ વારો કિરીટ?”

“ના .. ના તમે નથી ઓળખતા આ તો આણંદનો છે.”

“કેટલામાં તમને પધરાયુ?”

“૨૮૦૦”

“અરે હોય? એ માણસ કોને ઉલ્લુ બનાવે છે, ૨૮૦૦? અને તે પણ સેકન્ડ હેન્ડ લેમ્બ્રેટ્ટા?

હું બેઠો છું ને ભટ્ટ સાહેબને એ છેતરે?

ચાલો, બેસી જાવ મારા સ્કૂટર પાછળ, આપણે એને મળવા જઈએ.”

ભાણાભાઈના બજાજ સ્કૂટર પર બેસી એ બંને પહોચ્યા પેલા કિરીટ પટેલ પાસે.

બીજી કંઈ પણ વાત કરતાં પહેલાં જ ભાણાભાઈ બોલ્યા ” અલ્યા તું કિરીટ?”

“હા”

“ચાલ ભટ્ટ સાહેબ ને ૨૮૦૦ પાછા આપ. બીજી વાર અમારા સાહેબને બનાઈશ નઈ હારા પટેલ થઇ ને તારા જ સાહેબને છેતરે છે? કેટલી કીકો મારી તોય ચાલતુ નથી.”

પછી ભટ્ટ સાહેબને કહ્યું, “જુઓ આ મારું બજાજ, બજાજ સિવાય બીજું કોઈ સ્કૂટર લેવાય જ નહીં. ટોપ કોલીટી. અડધી રાતે ઊઠીને કિક મારો કે ચાલુ! નવું પેટી-પેક જ લેવાનું. ઓન આપવા પડે તો પડે. બજાજ સેકન્ડ હેન્ડ વેચવા જાવ તો ય સારા પૈસા મળે.”

અને છેલ્લે કિરીટ પટેલને કહ્યું, “ભટ્ટ સાહેબને ઘરે જઈને લઇ જજે તારું ઠગારુ લેમ્બ્રેટ્ટા પાછું. બીજા પેલા ગરાજ વારાને વેચજે.”

પછી તેમણે ભટ્ટ સાહેબને બજાજ કેવી રીતે નોંધાવવું એ સમજાવ્યું.

“અને જો થોડા વધારે ખરચવાની તૈયારી હોય તો હું ધ્યાન રાખીશ. કોઈનું નોંધેલું આવશે  તો ઓન આપીને આપણે લઇ લઈશું.”

વાત પૂરી!

આવા તો કંઈ અનેક દાખલા કેટલા ય લોકો આપશે તમને અમારા ભાણાભાઈ સાહેબના.

ચરોતરમાંથી અમેરિકન કોન્સુલેટમાં વિસા લેવા જનારાની સંખ્યા ઘણી. એની બાબતમાં એ કહેતા કે “કોન્સુલેટમાં જો જૂઠુ બોલશો તો પછીથી પણ વીસા નહિ મળે, સીધી સાચી જ વાત કરવાની.”

ભાણાભાઈ સાહેબ ખાવાના અને ખવડાવવાના ખૂબ શોખીન. જાતે રાંધવાના પણ શોખીન. ઊંધિયાની સીઝનમાં માટલાના ઊંધિયાની પાર્ટીઓ રાખે અને બધાને પોતાને ત્યાં બોલાવે.

સ્કૂલના પ્રવાસમાં જો ભાણાભાઈ સાહેબ સાથે આવે તો બધે જ સરસ ખાવાનું મળે!

એકવાર ભાણાભાઈ બીજા શિક્ષકો સાથે અમારા નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ બસ કરીને રાજસ્થાનના પ્રવાસે લઈ ગયા. ભાણાભાઈનું હિન્દી ચરોતરી હિન્દી – “તુમ દોડ કે જાઓ મેં હેન્ડ કે આતા હું ..” એવું. હવે થયું એવું કે અમે એક મોટી ઢાબા જેવી રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા. બસ ડ્રાઈવરને પણ ખાસ જોડે જ ખવડાવે. હવે અમે જ્યારે બસ પાસે પાછા આવ્યા, ત્યારે એક મોટી ટ્રક અમારી બસની એકદમ બાજુમાં પાર્ક થયેલી હતી. તેથી બસમાં કોઈ બેસી શકે જ નહિ. બારણું જ ખૂલી ના શકે.

ભાણાભાઈએ મોટેથી બૂમો પાડી, “કોણ હે ઇસ ખટારે કે ડ્રાઈવર?” એક માણસ દોડતો આવ્યો.

ભાણાભાઈ એને કહે : “તુમને તુમ્હારા ખટારા હમારી બસ કે બોયણે કે સામને મેલા હે તો હમારી બસ કે બોયણે  કૈસે ખુલેંગે?” આ સાંભળી અમે સૌ એટલા તો હસ્યાં હતાં કે આજે દસકાઓ પછી પણ જ્યારે શાળાના જૂના મિત્રો મળીએ કે ફોન પર શાળાની વાત કરીએ ત્યારે એ ડાયલોગ યાદ કરીને એટલું જ હસીએ અને ભાણાભાઈ સાહેબને પ્રેમથી યાદ કરીએ.

પાછળથી એ ટી.વી. પટેલ કોલેજમાં હાયર સેકન્ડરીમાં ભણાવતા હતા. રિટાયર થઇને એમના પત્ની, ભાનુબહેન, જે પણ એક આજીવન શિક્ષિકા હતાં, તેમની સાથે અમેરિકામાં એમના દીકરા ગૌરાંગ સાથે રહેતા હતાં. ન્યૂજર્સીમાં રહેતા વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ તેમને થોડા વારસો પહેલાં નવાજી અને બહુમાન કર્યું હતું. થોડાં વર્ષ પહેલાં જ ભાણાભાઈ સાહેબે સૌની વિદાય લીધી.

કેટલો મઝાના ચહેરો – ભાણાભાઈ સાહેબ!

આવતા અંકે બીજા મઝાના ચહેરાને મળીશું …

[ઓક્ટોબર ૫, ૨૦૨૨]

— 

e.mail : vijaybhatt01@gmail.com

Loading

...102030...1,2321,2331,2341,235...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved