Opinion Magazine
Number of visits: 9743875
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધી હવે જૂના રાહુલ ગાંધી નથી રહ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 March 2023

રમેશ ઓઝા

રાહુલ ગાંધી જ્યાં સુધી ચૂંટણી જીતવાનું અને બી.જે.પી.ને હરાવવાનું સત્તાકીય સંસદીય રાજકારણ કરતા હતા, ત્યાં સુધી નરેન્દ્ર મોદીને અને બી.જે.પી.ને રાહુલ ગાંધીનો ખાસ ભય નહોતો. ક્યાં નરેન્દ્ર મોદીનું કદ અને ક્યાં રાહુલ ગાંધીનું! ક્યાં નરેન્દ્ર મોદીની વક્તૃત્વશક્તિ અને ક્યાં રાહુલની! ક્યાં બી.જે.પી.ની આર્થિક તાકાત અને ક્યાં કાઁગ્રેસની! ક્યાં બી.જે.પી.નું સોશ્યલ મીડિયા મેનેજમેન્ટ અને ક્યાં કાઁગ્રેસનું! ક્યાં બી.જે.પી./સંઘપરિવારની સમર્પિત કેડર અને ક્યાં કાઁગ્રેસનું કાર્યકર્તા વિહોણું સંગઠન! ઉપરથી સિવાય રાહુલ ગાંધીને પપ્પુ ઠરાવીને હાસ્યાસ્પદ બનાવી મુકવામાં આવ્યા હતા. બી.જે.પી. વિરોધીઓએ પણ રાહુલ ગાંધીના નામનું નાહી નાખ્યું હતું. આમ રાહુલ ગાંધીથી ડરવા માટે ખાસ કોઈ કારણ નહોતું. જો કે સાવ નહોતા ડરતા એવું પણ નહોતું. આખરે કાઁગ્રેસ દેશભરમાં ઓળખ ધરાવનારો પક્ષ છે અને કાલે મતદાતા વિકલ્પ શોધતા થાય તો વિકલ્પ કાઁગ્રેસ બને. માટે બી.જે.પી.એ સૌથી વધુ સમય, શક્તિ અને પૈસા રાહુલ ગાંધીની પાછળ ખર્ચ્યા છે.

પણ હવે રાહુલ ગાંધીનો પહેલાં કરતાં વધુ ભય લાગે છે. એટલા માટે નહીં કે તેઓ અદાણી-મોદી કનેક્શન વિષે પ્રશ્ન પૂછે છે, પણ એટલા માટે કે રાહુલ ગાંધીને એક ચીજ જડી ગઈ છે. એ ચીજ પહેલાં પણ હાથવગી હતી જ, પણ હવે રાહુલે તેને હાથવગી નથી કરી, જીવવગી કરી છે. ખરું પૂછો તો એમ કહેવું જોઈએ કે રાહુલ ગાંધીએ નાનીનાની ચૂંટણીકીય લડાઈ લડવાનું પડતું મૂકીને મોટી અને મૂળભૂત લડાઈ લડવાનું બીડું ઝડપ્યું છે. જીહાદ એ એકબર. મારા હિન્દી સાહિત્યકાર મિત્રે જાણીતા હિન્દી વ્યંગ લેખક હરિશંકર પરસાઈનું એક કથન કહ્યું હતું. પરસાઈજીએ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારતી વખતે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં તેમણે પ્રારંભમાં જ કહ્યું હતું કે “મેં લેખક તો છોટા હૂં, લેકિન સંકટ બડા હૂં.” મોટા મોટા આચાર્યો, વાચસ્પતિઓ, જે તે સંસ્થાઓના અધિપતિઓ, સાહિત્ય-સન્સ્કૃતિના ઠેકેદારો માટે હું સંકટ છું. રાહુલ ગાંધીને પણ આ વાત લાગુ પડે છે. રાહુલ ગાંધી ચૂંટણીકીય પડકાર નથી, સંકટ છે.

તમે એક વાત નોંધી? મીડિયા જગતના વાચાળ વાચસ્પતિઓ અને વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ એક પ્રશ્ન વારંવાર ઉપસ્થિત કરી રહ્યા છે કે, “હા, રાહુલ ગાંધી અઘરા સવાલો પૂછી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરે છે, તેમનામાં સાતત્ય જોવા મળે છે, પદયાત્રા કરી પણ એ આખરે મતમાં પરિવર્તિત થશે?” અને પછી ઈંગિત કરે છે કે આ બધો દળીદળીને ઢાંકણીમાં ઉધારવાનો ધંધો છે, વગેરે વગેરે. તેઓ ધરાર રાહુલ ગાંધીને હાર-જીતનાં ચૂંટણીના મેદાનમાં ધકેલે છે, પણ રાહુલ એ તરફ નજર પણ કરતા નથી. તેઓ ઇરાદાપૂર્વક રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી બનાવવા માગે છે, પણ રાહુલ ગાંધી તેમની જાળમાં સપડાતા નથી અને વૈચારિક અંતિમે ઊભા રહે છે. રાહુલ ગાંધીએ તેમની પદયાત્રા દરમ્યાન એક માર્મિક વાત કહી હતી. મેં વહ રાહુલ ગાંધી કો પીછે છોડકર નિકલા હું. વહ એટલે કે હાર-જીતનું સત્તાકીય રાજકારણ કરનારો રાહુલ ગાંધી.

આગળ કહ્યું એમ જીહાદ એ અકબર. મુકાબલો વૈચારિક છે. મુકાબલો ભારતની ધરોહરનો છે. મુકાબલો ભાતીગળ અને વિદેશથી આયાત કરેલી વિચારધારા વચ્ચેનો છે. મુકાબલો સહિયારા ભારત માટેનો છે. મુકાબલો સેક્યુલર લોકતાંત્રિક બંધારણીય ભારત માટેનો છે. મુકાબલો લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસ વચ્ચેનો છે. મુકાબલો અતીત અને વર્તમાન વચ્ચેનો છે. મુકાબલો ડરતું રોતલું ભારત અને પોતીકી જગ્યા બનાવનારા સંઘર્ષરત ભારત વચ્ચેનો છે. મુકાબલો સદ્દગુણની ઉપાસના કરનારા ભારત અને સદ્દગુણને નબળાઈ કે વિકૃતિ તરીકે જોનારા ભારત વચ્ચેનો છે. ટૂંકમાં મુકાબલો એવા ભારત માટેનો છે જે હિંદુ ભારત કરતાં ૧૮૦ ડિગ્રી સામેના છેડાનું છે. વેદોના ઋષિઓથી લઈને વિનોબા ભાવે સુધીના દાર્શનિકોએ અને આધુનિક યુગમાં રામમોહન રાયથી લઈને નેહરુ-આંબેડકર સુધીનાઓએ જે ભારતની કલ્પના કરી છે એ ભારત આપણી પોતાની માટીની સુગંધ ધરાવે છે. ભારત નામની એ કલ્પના ભારતમાં ઊગી, ભારતમાં ઉછરી, ભારતમાં વિકસી, ભારતમાં એ સમૃદ્ધ થઈ અને એણે ભારતને વિશ્વમાં પ્રતિષ્ઠા આપી. સામે સંઘનો બહુમતી રાષ્ટ્રવાદ સો ટકા વિદેશી છે. વિનાયક દામોદર સાવરકર દ્વારા વિદેશથી ભારતમાં આયાત કરેલો છે. બહુમતી રાષ્ટ્રવાદ આપણી માટીનો છોડ નથી. 

ભારત વિશેની આયાતી કલ્પના ભારત વિશેની ભાતીગળ કલ્પનાને ઉઝેડી નાખવા માગે છે. રાહુલ ગાંધી ભારત વિશેની આયાતી કલ્પનાને અને તેના વરવા પ્રદર્શનને પડકારે છે અને ભાતીગળ ભારતને પકડી લીધું છે જે વાતે શાસકો ડરે છે. આખરે આયાતી એ આયાતી છે અને પોતાનું એ પોતાનું છે. પોતાની માટીમાં એક ગજબની સંભવના રહેલી છે. આ અર્થમાં રાહુલ ગાંધી એક સંભાવના છે અને રાહુલ ગાંધી નામની સંભાવનાનો ડર લાગે છે. શાસકોને ઇશારે જાણીબૂજીને રાજકીય નિરીક્ષકો ચૂંટણીને વચ્ચે લાવે છે અને રાહુલ ગાંધી ચૂંટણી તરફ નજર પણ કર્યા વિના ભાતીગળ ભારતની વાત કરે છે. ભાતીગળ ભારત સામે વિદેશથી આયાત કરેલા હિંદુ ભારતને બે પગે ઊભુ રાખવું એ કપરું કામ છે. ક્યાં સુધી કોઈ પ્રજાને ડરાવી અને રડાવી શકાય? અને એ પણ એવી પ્રજા જેને વિદેશી કે વિધર્મીઓથી ડરતા અને રડતા ક્યારે ય આવડ્યું જ નથી. સાવરકર પણ આ નહોતા કરી શક્યા. નરેન્દ્ર મોદી, ભા.જ.પ. અને સંઘ પરિવાર માટે આ દુ:ખતી નસ છે.

બાકી ક્યારે ય કોઈ ભડવીરને પપ્પુનો ડર લાગે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2023

Loading

FULFILLED DESIRE

કુમાર ભટ્ટ|Poetry|29 March 2023

All caterpillars 

Of fulfilled desires

Do not 

Metamorphose into

Butterflies of happiness! 

—————-

દરેક

પૂરી થયેલી ઇચ્છા – ઈયળ, 

સુખ – પતંગિયું

નથી બનતી! 

e.mail : kumarbhatt6@gmail.com

Loading

1st June 1995

તરુ કજારિયા|Opinion - Opinion|29 March 2023
Almost 28 years have passed. I chanced to see this piece and the eyes slid down the memory lane :

વીતેલાં વર્ષમાં મારાં અંતરતલને તીવ્રતાથી સ્પર્શી જનારી ઘટના? યાત્રા? મુલાકાત? વ્યક્તિ? – આ તમામ પ્રશ્નાર્થો સામે એક જ ઉત્તર સાંપડે છે : હરીન્દ્ર દવેની સ્થૂળ ગેરહાજરી અને સતત અનુભવાતી સંનિધિ. બસ. પછી પૂર્ણવિરામ ! આ કેવી ઘટના છે? એક દાયકાથી પણ દીર્ઘ સાન્નિધ્યની એક સંપન્ન યાત્રા, વ્યક્તિત્વને મહોરવા મોકળું આકાશ આપતી તાઝગીભરી મુલાકાતો, પુસ્તકોની મનગમતી વાતો – આ બધા પર ૧૯૯૫ના માર્ચ મહિનાની ૨૯મી તારીખે મૃત્યુની અફર આંગળીએ ’સ્ટોપ’ લખી નાખ્યું, પૂર્ણવિરામ મૂકી દીધું. એ અક્ષરોને ભૂંસવાની જીવનની તાકાત નથી. પરંતુ મૃત્યુની પંહોચ માત્ર સ્થૂળ હયાતી સુધી જ છે, જ્યારે જીવન તો  વિસ્તરે છે સૂક્ષ્મ સુધી.

આપ્તજનની વિદાયથી અનુભવાતી આ સ્થૂળ-સૂક્ષ્મ વચ્ચેની દ્વિધાને કવિ-ચિત્રકાર પ્રસન્નએ તીવ્ર અભિબ્યક્તિ આપી છે :

What is real?

Your being here

Or, your going away?

હરીન્દ્રભાઈ સાથેનો પરોક્ષ પરિચય ઘણો જૂનો, પણ પ્રત્યક્ષ પરિચય તો પત્રકારત્ત્વના વ્યવસાયમાં આવ્યાં પછી જ થયો. બાર વર્ષ(૧૯૮૩થી ૧૯૯૫)માં એ પરિચયમાં ઊંડી આત્મીયતાનું તત્ત્વ ઉમેરાયું. સતત શીખતાં રહેવાની, નવું નવું જાણવાની – સમજવાની મારી ઉત્સુકતાને સંતોષે એવું તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ. વળી આસપાસના સહુ કોઈના વિકાસમાં રાચે. કેટલીક વ્યક્તિઓને મળતાં કે તેમની સાથે વાતો કરતાં આપણે ભીતરથી વધુ સમૃદ્ધ થતા હોવાનો અહેસાસ કરીએ. હરીન્દ્રભાઈ સાથેના સંવાદમાં આવી સમૃદ્ધિનો અનુભવ મને અનિવાર્યપણે થયો છે. કેટલીક વાર ધસમસતા પ્રવાહ જેવો મારો જૂસ્સો ઓગળીને ઘાયલ અને હતાશ યોદ્ધાની આજાર-અવસ્થામાં પલટાઈ જતો. અનેકવાર ઝંઝાવાતી સમંદરમાં ઊછળતાં વિકરાળ મોજાં વચ્ચે પોતાના નાનકડાં બાહુથી એક ટચૂકડી નાવને સંતુલિત કરતી, તેને તરતી રાખવા મથતી એકલવાઈ છોકરી મારાં માનસપટ પર છવાઈ જતી. અસહ્ય અકળામણ અને બોજ મને ઘેરી વળતા. પણ ’આપણું હ્રદય ખોલીએ ના’ એ પંક્તિને દૃઢપણે પાળું ને હોઠો પર મૌનનું તાળું સજાવેલું જ રાખું. તે છતાં મારી આ મન:સ્થિતિને સમજી, તટસ્થપણે તેનું વિશ્લેષણ કરી, તેમાંથી બહાર આવવાની દિશા તેમણે ચીંધી આપી હતી. અનેક પ્રસંગોએ, અનેક વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પણ એમની સર્જકતા અને શબ્દોનું દૈવત અનુભયાં. પત્રકારત્વ, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, અધ્યાત્મ, માનવસંબંધો, સમાજ, રાજકારણ, રમત-ગમત, જ્યોતિષ, તંત્ર, – એક્પણ વિષય એવો નહોતો જે એમની સાથે ચર્ચી ન શકાય. દરેક વખતે મારી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. એ બૌદ્ધિક માહોલ અત્યંત સંતર્પક હતો. ‘જન્મભૂમિ પ્રવાસી’ની સાપ્તાહિક પૂર્તિના સંપાદક તરીકે એમના હાથ નીચે તૈયાર થવાની તક એ મારા જીવનનો અત્યંત સુભગ સંયોગ હતો. એમની પાસેથી આટલું બધું પામ્યાંની આભારવશતા વ્યક્ત કરતી ત્યારે હરીન્દ્રભાઈ હસીને કહેતા : આપણી વચ્ચે સર્જનાત્મક સંવાદ થયો છે. એનાથી હું પણ સમૃદ્ધ થયો છું. અલબત્ત એ એમની લાક્ષણિક વિનમ્રતા હતી.

આવી આ સભર યાત્રા પર અચાનક ફૂલસ્ટોપ મૂકાઈ ગયું! અમારા સંવાદમાં સોપો પડી ગયો. એમના જ શબ્દોમાં કહું તો ’શાણપણની સઘળી દીવાલો હચમચી ઊઠી.’ પરંતુ એ ચંદ મહિનાના અનુભવે મને એક પ્રતીતિ કરાવી : પ્રગટ વાણીનો – વૈખરીનો – ના સહી, અમારી વચ્ચે મૌનનો – પરાવાણીનો- સંવાદ તો અકબંધ છે. જ્યારે જ્યારે મેં ઘેરી શૂન્યતા અનુભવી ત્યારે અચાનક પરિચિત અને ક્યારેક તો તદ્દન અજાણ્યા પાસેથી પણ પરિતૃપ્ત કરતી લાગણી સાંપડી ગઈ છે. વ્યાવસાયિક મૂંઝવણ અનુભવી તો કોઈ અનપેક્ષિત ખૂણેથી માર્ગદર્શન મળી આવ્યું છે. પરમ તત્ત્વમાંની તેમની ઊંડી શ્રદ્ધા મારી શ્રદ્ધાની વાટને પણ સતત સંકોરતી રહે છે. અનેક પ્રસંગોએ એ શ્રદ્ધાનો પડધો સાંભળ્યો છે. આજે એક પ્રસંગની વાત કરું.

પહેલી જૂન એટલે ‘જન્મભૂમિ’ સાથેની મારી જર્નીનો પ્રથમ દિન. ૧૯૯૮૩માં આ દિવસે હું ‘જન્મભૂમિ પ્રવાસી’માં ઉપસંપાદક તરીકે જોડાયેલી. દર વર્ષે એ દિવસે તેમને પ્રણામ કરી તેમના આશીર્વાદ પામતી. ૧૯૯૫ની પહેલી જૂને તેમની ગેરહાજરી બહુ સાલી. તેમના આત્મીય આશીર્વચનો વગર એ દિવસ ઉદાસીમાં વીત્યો. દિવસ દરમિયાન બે-ત્રણ વાર મેં ટેલિફોનની ડાયરી ખોલી. હું કોઇક એવા મિત્રનો નંબર શોધતી હતી જેને ફોન જોડીને કહું ‘એક સરસ ગીત સંભળાવ’. પણ બધીવાર નિરાશ થઈને ડાયરી મૂકી દેવી પડી. કામમાં ખૂંપીને દિવસ પૂરો કર્યો. રાત્રે ઘરે પાછી ફરી રહી હતી. ચર્ચગેટથી લોકલ ટ્રેનમાં ચડી. બારી પાસેની સીટ પર બેઠી. હું એકલી જ હતી. આંખ મીંચીને હું કોઇક ગીત ગાતી હતી. મારી આંખો વહેતી હતી. મન પર છવાયેલી એકલતાને ખંખેરવા હવે હું જુસ્સાવાળું ગીત ગાઈ રહી હતી :  ’હમ હોંગે કામિયાબ એક દિન ….’ થોડીવારે મેં આંખો ખોલી. સામે એક સાદી છતાં આકર્ષક યુવતી બેઠી હતી. અમારી આંખો મળી. તેણે મને પૂછ્યું :

’તમે ગાયક છો?’

’ના’ .

’તો શું તમે પ્રાર્થના કરી રહ્યાં હતાં?’

’ના, હું ગાતી હતી. એકલી હોઉં ત્યારે મારા અંતરની લાગણીને આ રીતે વ્યક્ત થવા દઉં છું. ખૂબ સારું લાગે છે.’ મેં કહ્યું. એની આંખોમાં ચમક આવી ગઈ. એ બોલી :

’ખરેખર, સંગીત સંવેદનાની અભિવ્યક્તિનું અત્યંત સક્ષમ માધ્યમ છે. મને પણ બચપણથી ગાવાનો બહુ શોખ છે.’

તેની સાથેની વાતોમાંથી જાણ્યું કે સુપ્રસિદ્ધ ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ના નાટ્યરુપાંતરમાં એ મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી હતી. મેં એને કહું : 

‘એ ફિલ્મનું ગીત ‘I must have done something good…’ મને ખૂબ જ ગમે છે. તું પ્લીઝ એ ગાશે?’ 

તેણે આસપાસ નજર ફેરવી. ટ્રેન હવે પહેલાં જેટલી ખાલી નહોતી. હું તેનો સંકોચ કળી ગઈ.  મેં કહ્યું : ’એમાં શું … ગાને!’

‘પણ વાયોલિન વગર તો હું ગાઈ જ ન શકું.’ તેણે કહ્યું.

‘પ્લીઝ ટ્રાઈ કરને…!’

અને એણે ગાયું :

Somewhere in my miserable youth

There must have been a moment of Truth …

For here you are,

Standing there, loving me whether or not you should

For somewhere in my youth or childhood

I must have done something good ..’ 

આંખો બંધ કરી હું એનું ભાવવાહી ગાન સાંભળી રહી હતી. ગીતનાં બોલ અને એના સ્વરની મીઠાશ માણ્યાં જ કરું એમ થતું હતું. એણે ગાવાનું પૂરું કર્યું. છલોછલ હૈયે અને આંખે મેં એનો આભાર માન્યો. એવા જ લાગણીશીલ અવાજે એણે કહ્યું :

’તમે માનશો, જિંદગીમાં પહેલીવાર વાયોલિન વગર ગાયું છે – તમારે માટે. તમારી આ તીવ્ર સંવેદનશીલતાનું જતન કરજો. ઇટ ઇઝ રેર.’

એના સૂર અને શબ્દોએ મને તરબતર કરી દીધી. સવારથી ઝંખતી હતી એ શુભેચ્છા જાણે મને મળી ગઈ. મારી સઘળી ઉદાસી ખરી પડી. ફરી એક્વાર પ્રસન્નના શબ્દો યાદ આવ્યા :

‘The pebble is gone,

Sound no more

Just ever widening circles of water

Still there’

વિવિયનને ઊતરવાનું સ્ટેશન આવી ગયું. અમે છૂટાં પડ્યાં પણ ઘર સુધી એનું ગીત મારા હોઠ પર ગુંજતું રહ્યું :

I must have done something good ..

સૌજન્ય : તરુબહેન કજારિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

...102030...1,2221,2231,2241,225...1,2301,2401,250...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved