Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝરીના વહાબે કેવી રીતે તેનાં લગ્નના બધા છેડા અકબંધ રાખ્યાં?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 June 2025

રાજ ગોસ્વામી

ચિત્તચોર, સાવન કો આને દો અને ઘરોંદા જેવી ફિલ્મોથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝરીના વહાબને એક વાતનું શ્રેય આપવું પડે; તે તેના કાછડી છૂટા પતિ આદિત્ય પંચોલી સાથેનાં ખરાબે ચડેલાં લગ્ન ની વાત કરતાં શરમાતી નથી. 

ભારતીય સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાનાં લગ્ન કે પતિ અંગેની અપ્રિય વાતોનો જાહેરમાં એકરાર કરતી નથી. તેનાં બે કારણો છે : એક તો ઘરની ઈજ્જતનો સઘળો ભાર સ્ત્રીના માથે હોય છે, એટલે તે સહન કરે છે પણ હરફ ઉચ્ચારતી નથી. બીજું કારણ એ છે કે સ્ત્રીઓની વ્યક્તિગત ઓળખ અને માન-સન્માન લગ્ન અને પતિ સાથે જોયેલું હોય છે. એટલે તેમાં કોઈ ખરાબી હોય તો સ્ત્રી તેને પોતાની અંગત નિષ્ફળતા માને છે.

ફિલ્મો જેવા ગ્લેમરસ અને લોકપ્રિય વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓ માટે તો આ વધુ મુશ્કેલ છે કારણ કે સામાન્ય સ્ત્રી વિશે તો કદાચ ગલી-મહોલ્લા કે તેના સમાજના લોકો કાનાફૂસી કરશે, પણ બોલીવુડની પત્નીઓ અને પતિઓ તો આખા દેશની નજરમાં હોય છે અને તેમનું ‘પાપ’ છાપરે (અને છાપે) ચઢીને બોલે છે. 

બોલીવુડમાં તો આમ પણ એવો શિરસ્તો છે કે હસતા મોઢે ઘરના કંકાસ છુપાવી રાખવાના. બોલીવુડમાં વ્યભિચાર તો ઘર-ઘરનો વિષય છે, પણ તેનો ઇનકાર કરતા રહેવાનું પણ એટલું જ જબરદસ્ત ચલણ છે. અહીં, ઘરનો અને (ઘર બહારનો) કચરો કાર્પેટ નીચે સંતાડી રાખવો અપવાદ નહીં, નિયમ છે.

આવી દંભી અને બે મોઢાવાળી દુનિયામાં, ઝરીના વહાબ જેવી સ્ત્રીઓ જ્યારે બેબાક રીતે તેના પતિનાં કરતૂતોનો એકરાર કરે એટલું જ નહીં, તેને ચલાવી લેવાનાં પોતાનાં કારણો આપે ત્યારે, તેના સાહસ અને આત્મવિશ્વાસને સલામ કરવી પડે. 

ઝરીનાની નિર્ણયકતા તો ત્યારે જ નજર આવી ગઈ હતી જ્યારે તેણે તેનાથી પાંચ વર્ષ નાના આદિત્ય પંચોલીને, એક ફિલ્મ સેટ્સ પર મળ્યાના 15 દિવસમાં જ જીવનસાથી તરીકે સ્વીકારવાનો ફેંસલો લઇ લીધો હતો. તે જ ઝરીનાએ હવે લગ્નનાં 38 વર્ષ પછી તેના પતિના અનેક વ્યભિચારનો એકરાર કર્યો છે એટલું જ નહીં, તે તેનાથી વિચલિત પણ નથી.

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, ‘અમે મળ્યાના 15-20 દિવસમાં લગ્ન કરી લીધાં હતાં. તે બહુ દેખાવડો હતો. એક ફિલ્મ સીનમાં તેને રડવાનું હતું. તેણે રડવાનું શરૂ કર્યું પછી અટક્યો જ નહીં. મેં કારમાં તેનો હાથ પકડીને કહ્યું હતું – ‘રડીશ નહીં.’ તે વખતે તેણે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો હતો. 15 દિવસમાં તો અમારાં લગ્ન થઇ ગયાં. ત્યારે લોકોએ કહ્યું હતું કે આ એટલો દેખાવડો છે કે એક અઠવાડિયામાં તને છોડી દેશે. પણ જુઓ, 38 વર્ષ થઇ ગયાં.’

લગ્ન પછી આદિત્યના બીજી અભિનેત્રીઓ સાથેના સંબંધો છાપે ચડ્યા હતા, પણ ઝરીનાને ફર્ક પડ્યો નહોતો અને ઉપરથી તે એના માટે તૈયાર હતી. તેણે કહ્યું હતું, ‘લોકોને એવું લાગે છે કે હું બહુ સ્ટ્રેસમાં છું. તેમને લાગતું હશે કે હું રોદણાં રડતી હોઈશ, પણ પરણિત પુરુષને આરોપી બનાવવો અને તેની સાથે સંબંધમાં હોય તે છોકરીને કશું ન કહેવું તે બરાબર નથી. પણ આવું થતું રહે. હું તેને ગંભીરતાથી લેતી નથી. મને ખબર છે કે તે મને પ્રેમ કરે છે અને કોઈની સાથે સંબંધમાં ગંભીર નહીં થાય.’

‘એ ઘર બહાર શું કરે છે તેની મને કોઈ પડી નથી,’ એવું કહેતાં ઝરીના ઉમેરે છે કે, ‘એ ઘરમાં આવ્યા પછી બહુ સરસ પિતા અને પતિ તરીકે વર્તે છે. મારા માટે એટલું જ મહત્ત્વનું છે. એ તેના અફેરને ઘરમાં લાવતો હોત તો મને ખરાબ લાગ્યું હોત. ઘણા પુરુષો અફેરની સાથે પરિવારને પણ ચલાવે છે. હું જો આવી બાબતોને મન પર લઈને ઝઘડા કરું તો મારે જ સહન કરવાનું આવે. મારે દુઃખી નથી થવું, હું મારી જાતને પ્રેમ કરું છું.’

ઝરીના જેવું વિચારવું અને વર્તવું સામાન્ય સ્ત્રીઓ માટે અઘરું છે. કદાચ એક સ્ત્રી તરીકે ઝરીના માટે પણ તેના પતિનાં કારનામાં ચલાવી લેવાનું સરળ તો નહીં જ હોય, અને તેણે આટલાં બધાં વર્ષો સાથે રહ્યા પછી ‘નિસ્પૃહ’ રહેવાનું શીખી લીધું હશે.

ઘણી સ્ત્રીઓ સામાજિક સ્ટેટ્સ, લાઈફ સ્ટાઈલ અને બાળકોની સલામતી માટે પંચોલી જેવા પતિઓને સહન કરી લેતી હોય છે. લગ્નનો એક સમયગાળો થઇ જાય પછી તેને તોડવાનો વિકલ્પ ઉચિત નથી લાગતો. એવું શક્ય છે કે ઝરીના અને પંચોલી વચ્ચે એવી સમજૂતી થઇ હોય કે તે તેના સંબંધોથી લગ્ન કે પરિવારને પ્રભાવિત થવા નહીં દે અને તેને ઘરની બહાર જ રાખશે. 

13 વર્ષ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં ઝરીનાએ પતિના ઉગ્ર સ્વભાવ અંગે કહ્યું હતું, ‘હું તેનો દોષ નથી કાઢતી. મને લાગે છે કે તે ઉંમરનું કારણ છે. તમે યુવાન અને લોકપ્રિય હોવ તો બગડી જવાની સંભાવના હોય છે. આદિત્ય આખાબોલો છે, જે આ ફિલ્મી જગતમાં ડખા ઊભા કરે છે. મારી દીકરી પણ એવી જ છે!’

કેવી રીતે સાથે રહેવું એ તો અંતત: પતિ-પત્ની વચ્ચેનો મામલો છે, એમાં બીજા લોકો કે સમાજ કશું કરી ન શકે. પણ એ ઝરીનાની તાકાત જ કહેવાય કે તેણે તડતડિયા અને લફરાંબાજ પંચોલીને વર્ષો પહેલાં જ ઓળખી લીધો હતો અને ‘સાચવી’ લીધો હતો. એટલું જ નહીં, તેણે બિચારી સ્ત્રી બનીને રહેવાનું પણ પસંદ નથી કર્યું. એટલા માટે જ તે બેબાક રીતે પોતાની વાત કરી શકે છે. ઝરીનાએ આદિત્ય સાથે કેવી રીતે પનારો પાડવો તેનો આગવો રસ્તો શોધી કાઢ્યો છે.

તે વખતે પણ ઝરીનાએ કહ્યું હતું કે આપણે સૌ જીવનમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, પણ આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. ‘મારું જીવન કાયમી ખુલ્લી કિતાબ જેવું છે. બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે. બીજા લોકો ઘરની બહાર સુખી હોવાનો ઢોંગ કરે છે પણ ઘરમાં જુદું જ હોય છે. મારું એવું નથી. આદિત્ય હંમેશાં મારી સાથે પ્રમાણિક રહ્યો છે. તે મારી પાસે પહેલાં એકરાર કરે છે. મેં એને ક્યારે ય સવાલ નથી કર્યો.’

અને ઝરીના તેની ક્યારે ય ઊલટતપાસ લીધી નથી એટલે પતિ પર વધુ દબાવ રહે છે. ‘એવું જ કરવું જોઈએ,’ ઝરીનાએ કહ્યું હતું, ‘પુરુષની જ્યારે ભૂલ હોય, ત્યારે તેને દોષનો અહેસાસ થવો જોઈએ. હું ભૂતકાળમાં ચોંટી રહેતી નથી. એની કોઈ ડિમાન્ડ નથી હોતી. જે બનાવું તે હસતા મોઢે ખાઈ લે છે. મને કંટાળો આવે કે થાકી જાઉં મને ખુશ કરવા માટે બધું કરી છૂટે છે.”

ઝરીના એક મજબૂત સ્ત્રીનું ઉદાહરણ છે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે. તેણે તેના લગ્નને એક ચાન્સ આપ્યો છે, એટલે જ તે 38 વર્ષ ટકી રહ્યાં છે. એવું નહોતું તેને અસર થઇ નહોતી, પરંતુ તેણે ધીરજ જાળવી રાખી હતી. કોઈ રસ્તો બચ્યો ન હોત તો હું જરૂર તેને છોડી ગઈ હોત તેમ તે કહે છે.

એક બાબતમાં ઝરીના સ્પષ્ટ છે કે તે મજબૂરીની મારી આદિત્યની સાથે નથી, પોતાની પસંદગીથી છે. તે કહે છે, ‘હું તેને પ્રેમ કરું છું એટલે તેની સાથે છું, નિર્ભરતાના કારણે નહીં. હું બહુ આઝાદ મિજાજી છું. મારે એકલા રહેવું હોય તો મારી પાસે પૂરતા પૈસા અને મારા નામે સંપત્તિ છે, પરંતુ હકીકત એ છે કે મને તેને છોડી દેવાનો વિચાર ક્યારે ય નથી આવ્યો. અમે આવી વાત ક્યારે ય કરતા નથી.’ બ્રેવો, ઝરીના!

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભણતરનું બખડજંતર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 June 2025

રવીન્દ્ર પારેખ

અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણતરની મોકળાશ ઘટતી આવે છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આતંકવાદથી બચાવવા બાર દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી તો ફરમાવી જ છે, પણ વિદેશી વિદ્યાર્થીઓ તરફ પણ સૂગ હોય તેમ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લે, એવું જાણવા મળ્યું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશબંધી પર ન્યાયાધીશે કામચલાઉ રોક લગાવી છે. લાગે છે એવું કે વિદેશી ટેલન્ટની હવે અમેરિકાને જરૂર રહી નથી. એમ પણ કહેવાય છે કે અમેરિકામાં હવે કારકિર્દી બનાવવા જેવું વાતાવરણ નથી. એ પણ છે કે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી 33 ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે. IITના ટોપ 100માંથી 60 વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. હવે તેમની પાંખો કપાય એમ બને. ખરેખર તો ભારતે વિદેશ જતા વિદ્યાર્થીઓ અહીં જ રોકાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, મગર વો દિન કહાં કે …

સવાલ તો એ છે કે અહીં જ એવી તકો હોત તો વિદ્યાર્થીઓ અમેરિકા-ઈંગ્લેન્ડ જતે જ શું કામ? એ પણ ખરું કે ઘણા દેખાદેખી વિદેશ દોડ્યા છે, પણ ઘણી ક્ષમતા છતાં, અહીં કૈં પામ્યા ન હોય એવા દાખલાઓ પણ છે જ ! 2020માં નવી શિક્ષણ નીતિ લાગુ તો કરી દેવાઈ, પણ સરકારને એવું હતું કે નવી શિક્ષણ નીતિનો અમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે શિક્ષકો વગર પણ શક્ય છે, એટલે એ દિશામાં ઝાઝું વિચારાયું જ નહીં. હજારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાકી જ છે, પણ શિક્ષણ વિભાગ એ તરફ ઉદાસીન છે. આ હાલત પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી છે.

પ્રાથમિકની વાત કરીએ તો સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એવી જાહેરાત કરી છે કે આ વખતે ઊઘડતી સ્કૂલે જ બાળકોને યુનિફોર્મ ને બૂટમોજાં આપી દેવાશે. આમ તો આ મામલે અત્યાર સુધી ઘણા અખાડા થતા આવ્યા છે, એવામાં આ જાહેરાત આવકાર્ય છે. એ પણ છે કે આજે 9 જૂનથી શરૂ થતાં નવાં સત્રમાં ગ્રાન્ટેડ તેમ જ કોર્પોરેશન સંચાલિત રાજ્યની સરકારી સ્કૂલોમાં ધોરણ 1 થી 12નાં 4.40 કરોડ પુસ્તકોનું વિતરણ થઈ ચૂક્યું છે. જો કે, ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને બજારમાં પુસ્તકો મેળવવામાં મુશ્કેલીઓ હોવાની વાત પણ છે જ ! પાઠ્યપુસ્તક મંડળનો દાવો છે કે 9 જૂન સુધીમાં બજારમાં પણ પુસ્તકો મળતાં થઈ જશે. ઘણી વાર સત્ર પૂરું થવા આવે ત્યાં સુધી પણ પુસ્તકો મળતાં નથી, એવામાં પુસ્તકો સત્રની શરૂઆતમાં જ મળવાની વાત આવકાર્ય છે. આવકાર્ય તો એ પણ છે કે જે વાલીઓ જરૂરતમંદ કે અસહાય છે, તેમને ઘેર બેઠાં પુસ્તકો ફ્રીમાં મળે એવી વ્યવસ્થા પણ પાઠ્યપુસ્તક મંડળે વિચારી છે.

આવું સરસ કામ પાઠ્યપુસ્તક મંડળે કર્યાનો હરખ થાય થાય, ત્યાં તો કાલે જ એવી વાત બહાર આવી કે પાઠ્યપુસ્તકોમાં હલકી કક્ષાનો કાગળ વાપરીને મંડળે 13 કરોડની કટકી કરી છે. મંડળના ડાયરેક્ટરનું કહેવું છે કે એજન્સીએ બીજો કાગળ વાપર્યો હોય એમ બને. પુસ્તકો છપાઈ ગયાં હોય, સ્કૂલોમાં પહોંચ્યાં હોય, તો ડાયરેક્ટરને એક બે પુસ્તકો જોવાથી પણ ખ્યાલ ન આવે કે કાગળની ગુણવત્તા કેવી છે કે પછી જોયા વગર જ ચોપડાં સ્કૂલોમાં ધકેલી દેવાયાં છે? એજન્સીનું કહેવું છે કે ગુણવત્તાવાળા કાગળો જ સપ્લાય થયા છે. એજન્સી યોગ્ય ગુણવત્તાવાળા કાગળોની વાત કરે છે ને લેબોરેટરી ટેસ્ટ નબળી  ગુણવત્તાનું સર્ટિફિકેટ આપે છે. એ તો તપાસ મુકાય તો ખબર પડે અથવા તો તપાસ જ ન થાય ને કરોડો કોઈની હોજરીમાં જાય એમ પણ બને. પણ, એટલું ખરું કે ઉલ્લુ બનવા માટે આપણી પાસે લાખો લોકો ફાજલ છે, એટલે આવું ન થાય તો જ નવાઈ ! ઠીક છે, નબળાં પાઠ્યપુસ્તકોથી આંખ બાળકોની બગડશે, પણ ઘણાંની હોજરી સુધરી જશે એ ઓછી પ્રાપ્તિ છે?

એ ખબર નથી કે અન્ય રાજ્યોમાં આવું છે કે કેમ, પણ ગુજરાતમાં તો એ છે જ ને તે કેટલીક સ્કૂલો વાલીઓને એક યા બીજે બહાને લૂંટવાનું કરે છે. અમદાવાદ DEOનો પરિપત્ર છે કે નિયત પાઠ્યપુસ્તકો અને અભ્યાસની સામગ્રી સિવાય કોઈ ખાનગી પ્રકાશનો સ્કૂલમાં માન્ય રહેશે નહીં, તેમ છતાં કેટલીક બજારુ સ્કૂલો ખાનગી પ્રકાશનો સાથે કમિશન ગોઠવીને, વાલીઓને તેવાં પ્રકાશનો ખરીદવાનું દબાણ કરે છે. જે શૈક્ષણિક સામગ્રીની રાજ્ય સ્તરે મંજૂરી ન અપાઈ હોય, તેવી સામગ્રીની ખરીદી કરવા, કમિશન ચાટુ સ્કૂલો, વાલીઓને આગ્રહ કરે એ શરમજનક છે. આવી સ્કૂલો એક બે નથી. આ મોટે પાયે ચાલતો વેપાર છે. આવો વેપાર કરનાર સ્કૂલો સામે DEO પગલાં લેશે એવું પરિપત્રમાં છે, છતાં કોઈ પગલાં અગાઉ કે હમણાં લેવાયાં હોવાનું જાણમાં નથી. મોટે ભાગે તો અધિકારીઓને ઉઘાડેછોગ ચાલતા આવા વેપારની જાણ હોય જ છે, પણ તેમનું કામ પરિપત્રો-ઠરાવો કરવાનું જ છે. બહુ થાય તો જવાબદાર સ્કૂલોને નોટિસ બજાવાય છે, તે સિવાય પગલાં લેવાની બાબતે ઢીલાશ જ જોવા મળે છે. અમદાવાદની એક સ્કૂલે RTE વિદ્યાર્થીઓ પાસેથી દબાણપૂર્વક પુસ્તકોનાં પાંચ હજાર વસૂલ્યા છે. એ પણ છે કે આટલા વાલીઓ, વાલી મંડળો હોવા છતાં તેમણે આ મામલે કૈં કહેવાનું નથી. ઘણી વાર તો ઘટતાં પગલાં નથી લેવાતાં એટલે પણ આવા ધંધા ધમધોકાર ચાલતા હોય છે.

આટલી મહેનત અને ખર્ચા પછી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સુધી પહોંચે છે. યુનિવર્સિટી ઉપરાંતની જાતભાતની પરીક્ષાઓ આપ્યા પછી પણ, તે પાત્રતા પ્રમાણે કૈં પામે છે ખરા? તો, જવાબમાં નિરાશા સાંપડે એમ છે. યુનિવર્સિટીઓ તો આપીને છૂટી જાય છે, પણ એવાં સર્ટિફિકેટો આર્થિક ઉપાર્જન માટે બહુ ઉપયોગી નીવડતાં નથી. 9 જૂને કેન્દ્ર સરકારને 11 વર્ષ થયાં. તેની સિદ્ધિઓની યાદી આપતી એક E બુક બહાર પાડી છે. તે જોઈએ તો 2014માં મેડિકલ કોલેજ 387 હતી, તે 2025માં 780 થઈ છે. 2014માં MBBS બેઠકોની સંખ્યા 51,348 હતી, 2025માં એ સંખ્યા 1.18 લાખ થઈ છે. એ સિદ્ધિ જ છે, પણ હવે MBBS કે એન્જિનિયરિંગ કોલેજોમાં ખર્ચો એટલો વધ્યો છે કે ઘણી બેઠકો હવે ખાલી રહે છે. ડૉક્ટર થવામાં જ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય, તો સાધારણ માણસ MBBS થઈને ડૉક્ટર તો પછી થશે, દેવાદાર પહેલાં થશે. આટલી મોંઘવારીમાં ખર્ચ કરીને વિદ્યાર્થી MBBS કે એન્જિનિયર માંડ થશે, પણ પછી તેને નોકરી મળી જશે?

કેન્દ્ર સરકારે સિદ્ધિમાં જણાવ્યું છે કે 11 વર્ષમાં તેણે 17.1 કરોડ નોકરીઓ ઊભી કરી છે. સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ અત્યાર સુધીમાં 2.27 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ દ્વારા 1.61 લાખ યુવાનોને નોકરી મળી છે. આ સિદ્ધિઓ સંદર્ભે સરકાર પર શંકા કરવાનું કોઈ કારણ નથી, પણ શિક્ષિત બેકારોની સ્થિતિ દયનીય અને ક્યાંક તો ભયાવહ છે. આજે તો કોઈ પણ સાધારણ વિદ્યાર્થીનું લક્ષ્ય ભણીગણીને નોકરી મેળવવાનું હોય છે. કેટલા ય કોર્સિસ એવા ચાલે છે જે રોજગારલક્ષી હોય છે. આમ તો હજારો, લાખો રૂપિયા ભણતર પાછળ વિદ્યાર્થીઓ ખર્ચે છે. તે પછી પણ નોકરી ન મળે તો  હતાશ થાય છે. ભણવામાં દેવું થયું હોય તો તે ચૂકવવાની ચિંતા, પેલી હતાશા અને નિરાશામાં વધારો કરે છે ને તેને આત્મહત્યા તરફ ધકેલે છે. એ તો ઠીક, પણ નોકરી માટેની મહત્તમ લાયકાતો હોવા છતાં, નોકરી ન હોય એ દારુણ પરિસ્થિતિ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ દાખલો લઈએ. સામાન્ય રીતે લેક્ચરર થવા માટે ઉમેદવાર નેટ-સ્લેટની પરીક્ષા પાસ હોય તે જરૂરી છે. નેટ-સ્લેટની પરીક્ષા લેક્ચરર થવા જ આપવાની હોય છે. એ પાસ કર્યા પછી પણ લેક્ચરરની નોકરી ન મળે તો એ પરીક્ષા લેવા-આપવાનો કોઈ અર્થ રહેતો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા રોજગાર કેન્દ્રમાં જ અનુસ્નાતક કક્ષાનાં 5,548 ઉમેદવારોનું બેરોજગાર તરીકે રજિસ્ટ્રેશન થાય ને તેમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારની સંખ્યા 56ની હોય તો સવાલ એ છે કે મહત્તમ લાયકાત હોવા છતાં નોકરી ન હોય, તો શું કરવાથી નોકરી મળે તે સરકાર કહી શકે એમ છે? આ તો એક જ યુનિવર્સિટીની વાત છે. અન્ય યુનિવર્સિટીઓની હાલત શી હશે, એની કલ્પના જ કરવાની રહે છે. સવાલ એ છે કે કરોડોની સંખ્યામાં રોજગારી ઊભી થઈ હોય તો મહત્તમ લાયકાતવાળાઓ એમાં સમાવિષ્ટ કેમ નથી? એ જો એમાં ન હોય તો એ રોજગારી કોને માટે છે? અથવા એ જેને માટે હોય તે ભલે હોય, આ શિક્ષિતો માટે કોઈ વ્યવસ્થા છે કે એમણે આત્મહત્યા કરીને કે અપરાધો કરીને જ સંતોષ લેવાનો છે? સીધો સવાલ એ છે કે આ સરકાર શિક્ષણ-રોજગારી  માટે છે કે પછી એને માટે બીજી કોઈ સરકાર આવવાની છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જૂન 2025

Loading

ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

ઝેન્તા મૉરિના (અનુવાદ : બાલુભાઈ પારેખ)|Gandhiana|8 June 2025

ઝેન્તા મૉરિના, લાટવિયન લેખિકા

પોતાના દેશ અને પ્રજાના આત્માને જેટલા પ્રમાણમાં ગાંધીએ મૂર્તિમંત કર્યો તેટલા પ્રમાણમાં હમણાંના સમયમાં કોઈ પણ એક રાજદ્વારી, મુત્સદ્દી અથવા કવિ અને લેખકે કર્યો નથી. એમની વાણી અને વર્તન વચ્ચે લગીરે અંતર નહોતું, અને પોતાના જીવનકાળમાં જ એ મહાત્મા તરીકે ઓળખાયા હતા.

આ તપસ્વી એક આદર્શવાદી, ઉચ્ચ કક્ષાના પ્રૌઢ લેખક છે. બને કે, પોતાની સ્વચ્છ સંયમી શૈલી એમણે પોતાનાં ઇંગ્લેંડનાં અભ્યાસનાં વરસો દરમ્યાન કેળવી હોય; એમ છતાં એમનું માનસ ત્રણ ઘટક તત્ત્વોનું બનેલું છે : હિંદુ ધર્મની પ્રાચીન પ્રણાલિ, ટૉલ્સ્ટૉય અને પ્લેટો. પ્લેટોનું આત્માની અમરતા વિષેનું પુસ્તક Phaidon તો એમણે પોતાની ભાષામાં ઉતાર્યું છે.

દરેક હિંદીને એ ટૉલ્સ્ટૉયનાં ત્રણ પુસ્તકો વાંચવાની હંમેશ ભલામણ કરતા : The Kingdom of God is Within You (વૈકુંઠ તારા હૃદયમાં); What is Art? (કલા એટલે શું ?); અને What Must We Do Then? (ત્યારે કરીશું શું?). 1921માં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ટૉલ્સ્ટૉય સાથે તમારે સંબંધ કેવો હતો ત્યારે એમણે જવાબ આપ્યો હતો : “હું અંતરથી એમનો ભક્ત છું. મારા જીવનમાં એમની પાસેથી મને ઘણું મળ્યું છે.”

જેમ સત્ય બોલવાની, અહિંસાનું પાલન કરવાની, ડોળ અને દંભને તિરસ્કારવાની અદમ્ય ઈચ્છાઓ, આધુનિક સુધારા પ્રત્યેના અણગમા, અને અંતે પોતાના કોઈ પણ સ્ખલન કે ભૂલને માફ ન કરવાના વલણે અને પોતાની નબળાઈઓનું હર વખત પ્રાયશ્ચિત્ત કરવાની વૃત્તિએ તેમને ટૉલ્સ્ટૉય સાથે જોડ્યા હતા; તેમ નમ્રતા અને તપસ્વી જેવી સાદાઈ એ બે વસ્તુએ પણ જોડ્યા હતા.

લોકો આ મહાત્માને સંત કહેતા ત્યારે એ જેવી અકળામણ અનુભવતા એવી તે બીજા કશાથી અનુભવતા નહિ:

“કોઈ પણ ધર્મપરાયણ હિંદુની જેમ હું પ્રાર્થના અને પૂજા કરું છું અને માનું છું કે આપણે બધા જ ઈશ્વરના સંદેશવાહક બની શકીએ. પણ મને ઈશ્વર તરફથી કોઈ પ્રકારના ખાસ સંદેશ મળ્યા નથી. હું તો સીધોસાદો મજૂર, હિંદ અને માનવજાતનો નમ્ર સેવક બનવા ચાહું છું.”

યુરોપના માંધાતાઓ જ્યારે ખૂન, જૂઠાણાં, નાસ્તિકતા અને વેર વાળવાનાં લોહીતરસ્યાં કૃત્યોથી માનવોનો કીડીમકોડાની જેમ સંહાર કરતા હતા, પોતાની અલ્પજીવી સત્તા વધારતા હતા અને સેતાની અણુ બોમ્બ ફેંકતા હતા; ત્યારે ગાંધી ન્યાય, સત્ય અને સત્યાગ્રહથી હિન્દની મુક્તિ કાજે ઝૂઝતા હતા. સરકાર ચલાવવાની પદ્ધતિ તરીકે ભય અને ત્રાસને અપનાવનાર લેનિન ગાંધી કરતાં માત્ર એક વરસ નાના હતા, અને સ્ટેલિન હિંદના મુક્તિદાતા પછી દસ વર્ષે જન્મ્યો હતો. ગાંધીનો જાદુઈ શબ્દ “સત્યાગ્રહ” એ ટૉલ્સ્ટૉયના non-resistence(અપ્રતિકાર)નો પર્યાયવાચક નથી, કેમ કે એ કાર્ય માટે હાકલ કરે છે. સરકાર અને સત્તાવાળાનાં અન્યાયી કૃત્ય સામે મનુષ્યે હિંસાનું એક પણ કૃત્ય આચર્યા વિના મરતાં લગી ઝૂઝવું જ રહ્યું. કાયરતાભર્યા શાંતિવાદ સાથે સત્યાગ્રહને ગૂંચવવો ન જોઈએ. ગાંધીએ તો હાથમાં શાંતિની તરવાર ધારી હતી.

-2-

જેમ સૌમ્ય ઈસુએ સાગરનાં મોજાં ઉપર આધિપત્ય ભોગવ્યું હતું તેમ જ ગાંધીએ ચાળીસ કરોડ માનવોના મહેરામણ પર આધિપત્ય ભોગવ્યું હતું. લોકોનાં ટોળાં જો પાગલ બને, જો ઘાતકી બળાત્કારનાં કૃત્યો આચરે—કોઈ રાષ્ટ્ર કચરા વિનાનું નથી—તો ગાંધી ઉપવાસ પર ઊતરીને બળવાખોર તત્ત્વોને શમવાની ફરજ પાડતા. જેમ એથેન્સવાસીઓએ સોક્રેટિસને જેલમાં નાખ્યો ત્યારે તેણે તેનો વિરોધ નહોતો કર્યો તે જ પ્રમાણે 1922માં અંગ્રેજોએ ગાંધીને જેલમાં પૂર્યા તે તેમણે સ્વીકારી લીધું. જેલમાંથી તેમણે પોતાની પ્રજાને શાંતિ જાળવવાના, અહિંસાનું પાલન કરવાના અને યાતનાઓ વેઠવા તૈયાર રહેવાના સંદેશા મોકલ્યા. બે વરસ જેલમાં ગાળ્યા પછી ગંભીર માંદગી અને અનિવાર્ય ઓપરેશનને કારણે એમને છુટકારો થયો. એ વખતે એમનું શરીર સાવ હાડપિંજર થઈ ગયું હતું; છતાં સત્યાગ્રહના સિદ્ધાંતમાંથી એક તસુ પણુ ચળ્યા વિના કઠોરતાથી એ પોતાના ધ્યેયની પાછળ મંડ્યા રહ્યા. 1932માં અંગ્રેજોએ એમને ફરી જેલમાં પૂર્યા હતા ત્યારે મુંબઈની શેરીઓમાં લોકોએ હૃદયફાટ આક્રંદ કર્યું હતું અને ઘરોમાંથી સ્ત્રીપુરુષના રુદન અને ડૂસકાંનો એવો મોટો અવાજ આવતો હતો કે પ્રવાસીઓ એમ સમજ્યા હતા કે કોઈ આસમાની આફત તૂટી પડી છે. અસંખ્ય સાઈરનોના ધ્વનિની પેઠે શોક અને દુઃખ ઝૂંપડામાં અને મહેલમાં—સર્વત્ર ફેલાઈ ગયા. નેવું હજાર હિંદીઓની ધરપકડ થઈ— એ આંકડો ત્રીસ હજારનો હતો એ વાતને અંગ્રેજો આજ સુધી વળગી રહે છે – પણ આમાં કેવળ આંકડાનું ઝાઝું મહત્ત્વ નથી; ગાંધીના અનુયાયીઓ જે શાંત સ્વસ્થતાથી જેલ જવાને તત્પર હતા તે આજે પણ આપણાં દિલ હલાવી મૂકે છે.

માનવી અને દુન્યવી વ્યવહારમાં કરુણતા વિનાની મહાનતા કલ્પી શકાતી નથી. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય અને ન્યાય તેમ જ અહિંસાને ખાતર આદર્શ જીવન ગાળ્યું; અને હિંદુ ધર્મમાં નવો પ્રાણ પૂરવો અને તેને નવો અર્થ બક્ષવો તેમ જ પોતાના લોકોમાં માણસ તરીકેના ગૌરવની ભાવના જાગ્રત કરવી—એ બે જ ઉદ્દેશ પાર પાડવા એ જીવનભર મથ્યા : પરંતુ 1948માં કોઈ અંગ્રેજને હાથે નહિ પણ એક અત્યંત સંકુચિત માનસ ધરાવનાર હિંદુ બ્રાહ્મણને હાથે એમની હત્યા થઈ. એ હત્યારાની દૃષ્ટિ એટલી સંકુચિત હતી કે એ મહાપુરુષની મહત્તા માપી જ ન શકે.

વિશ્વની શસ્ત્રાસ્ત્રોની દોડમાં અને ઉદ્યોગીકરણ તરફની ગતિમાં હિંદ ભવિષ્યમાં ગાંધીના આદર્શોને વફાદારીપૂર્વક વળગી રહેશે કે કેમ, તથા કોઈ પણ સ્વરૂપની હિંસા કરતાં શાંતિમય સમજાવટનો માર્ગ પસંદ કરશે કે કેમ, તે વિષે કોઈ અનુમાન કરવું મુશ્કેલ છે. એ જે હોય તે ખરું, પરંતુ આપણા આ નિર્ભ્રાંત થયેલા અને નિરર્થક યુગમાં હિંદુ ધર્મના અધ્યયનથી આપણે નવી દિશામાં પ્રયાણ કરી શકીએ અને અલ્પજીવી ક્ષુલ્લક વસ્તુઓની પાર જોઈ શકીએ તો અને ત્યારે જ સાચી અને કાયમી એકતા આવી શકે. આ વાતની આપણી જાતને યાદ આપીને જ આપણે આંતરિક સુધારો કરી શકીએ, કેમ કે સમસ્ત જીવન અને અસ્તિત્વની કૃતાર્થતા ક્ષુલ્લક વસ્તુઓમાં નહિ, પણ સમગ્રતામાં રહેલી છે.

પ્રેમની સૌમ્ય શક્તિથી પોતાના દેશને સ્વાતંત્ર્ય પ્રતિ દોરી જનાર ગાંધી જેવા માનવ જીવી ગયા છે, એ હકીકતના જ્ઞાનથી આપણું દ્વેષ અને હિંસાથી છિન્નભિન્ન થઈ ગયેલા યુગનો બોજ આપણે વધુ સરળતાથી વહી શકીએ છીએ.

ગાંધી વિષે વિચાર કરીએ છીએ ત્યારે મનુષ્ય પોતાના આસુરી આવેગોનું દમન કરવા સમર્થ છે, એ આપણી શ્રદ્ધા બળવત્તર થતી હોય એેવો અનુભવ થાય છે.

માનવજાતમાં પરિવર્તન લાવવાને માટે ફિલસૂફીની સર્વ પદ્ધતિઓ અને તમામ ધર્મસિદ્ધાંતોના કરતાં આદર્શ રીતે જિવાયેલું જીવન વધારે સમર્પક છે.

07-08 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 336-7

Loading

...102030...120121122123...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved