Opinion Magazine
Number of visits: 9458320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામે પ્રવાહે તરનાર લેખક મોહમ્મદ માંકડની વિદાય 

દીપક મહેતા|Opinion - Literature|7 November 2022

વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેને આગળ કરનારા આધુનિકોની બોલબાલા હતી. એમાંના ઘણા અધ્યાપકો, પંડિતો, અભ્યાસીઓ હતા. અને ‘મુખ્ય પ્રવાહ’ના હતા. ત્યારે ૧૯૫૯માં એક લેખકની પહેલી લઘુનવલ પ્રગટ થાય છે, ‘કાયર.’ રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરના ચિત્તની લીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણ અહીં થયેલું જોવા મળે છે.  

એનો લેખક ‘અભ્યાસી’ નથી, પણ અનુભવી છે. કોઈ વાદની કંઠી બાંધી નથી. ગામડું કહી શકાય તેવા પાળિયાદ જેવા ગામમાં જન્મ. ભણ્યો છે ઇન્ટર સાયન્સ સુધી. અને છતાં નરવી નજરવાળા વાચકો અને કેટલાક વિવેચકો પણ એ પહેલી નવલકથાને આવકારે છે, પોંખે પણ છે. એ લઘુનવલના લેખકનું નામ મોહમ્મદ માંકડ. ૧૯૨૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે જન્મ. બે દિવસ પહેલાં, પાંચમી નવેમ્બરે, ૯૪ વરસની ઉંમરે જન્નતનશીન થયા.

‘ગુરુ થા તારો તું જ’ એ કવિ અખાની શીખ પ્રમાણે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને જ અનુસર્યા. પોતાની જાતને જ વફાદાર રહ્યા. બોટાદની હાઈ સ્કૂલમાં દસેક વરસ શિક્ષકની નોકારી કર્યા પછી લેખન એ જ વ્યવસાય. ગુજરાત સરકારે ગાંધી નગરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી અને તેના પહેલા અધ્યક્ષ તરીકે મોહમ્મદભાઈની નિમણૂંક કરી ત્યારે ઘણા સાહિત્યકારોનાં ભવાં ચડેલાં: આવો, ગ્રેજ્યુએટ પણ ન થયેલો, લોકપ્રિય નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, અખબારી કોલમો લખનાર તે વળી આવી મોટી જગ્યાએ?

પણ મોહમ્મદભાઈ પહેલા અધ્યક્ષ બન્યા તેનો એક મોટો લાભ એ થયો કે અકાદમી ને તેની પ્રવૃત્તિઓ, તેનાં પ્રકાશનો લોકાભિમુખ બની રહ્યાં. અભ્યાસીઓ, અધ્યાપકોને આવકાર, પણ આમઆદમીને, તેનાં રસ-રુચિને જાકારો નહિ. મોહમ્મદભાઈના પોતાના લેખનમાં પણ આ લોકાભિમુખતા કાયમ રહી. અને છતાં – કે એટલે જ? – ૨૦૦૭ના વરસનો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને આપવામાં આવ્યો. તેમને જ્યારે આ ચન્દ્રક મળ્યો ત્યારે આપણા સાહિત્યમાં એ ચંદ્રકની સારી એવી પ્રતિષ્ઠા હતી.

૧૯૬૫માં પ્રગટ થયેલી ‘ધુમ્મસ’ તેમની બીજી જાણીતી લઘુનવલ છે. નાયક-નાયિકાના સ્વભાવના બે વિરુદ્ધ છેડાઓને લઈને લખાયેલી આ કથા જીવનની નિરર્થકતાનાં ભિન્ન ભિન્ન સ્તરોને ઉકેલી આપીને માણસને, માનવીય સંબંધોને સમજવાની ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત ત્રણ જ પાત્રો ધરાવતી લઘુનવલ ‘અજાણ્યાં બે જણ’ ‘ગ્રહણરાત્રિ’, ‘મોરપિચ્છના રંગ’, ‘વંચિતા’, ‘રાતવાસો’, ‘ખેલ’, ‘દંતકથા’, ‘મંદારવૃક્ષ નીચે’, ‘બંધનગર’, ‘ઝંખના’, ‘અનુત્તર’, ‘અશ્વદોડ’ વગેરે તેમની લોકપ્રિય નીવડેલી, અને સાહિત્યિક સત્ત્વ ધરાવતી નવલકથાઓ છે. ‘બંધનગર’માં તેમણે ૧,૩૫૦ પાનાંના વિસ્તૃત ફલક ઉપર ગુજરાતના અટપટા રાજકારણનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર આપ્યું છે.

તેમના વાર્તાસંગ્રહોમાં ‘ઝાકળનાં મોતી’, ‘મનના મરોડ’, ‘વાતવાતમાં’, ‘ના’, ‘તપ’, ‘માટીની મૂર્તિઓ’, ‘સંગાથ’, ‘ક્યારે આવશો?’ વગેરેનો સમાવેશ થાય છે. જૂના-નવા અનેક પ્રવાહોને પોતાનામાં સમાવી લેતી તેમની વાર્તાઓ વિષયનું અને નિરૂપણનું સારું એવું વૈવિધ્ય પ્રકટ કરે છે. તેમની કેટલીક વાર્તાઓના હિન્દીમાં અનુવાદ થયા છે.

‘કેલિડોસ્કોપ’, ‘સુખ એટલે’, ‘આપણે માણસો’, ‘ચાલતા રહો’, ‘આજની ક્ષણ’, ‘ઉજાસ’ વગેરે તેમના નિબંધોના સંગ્રહો છે. તેમાંના ઘણાખરા અખબારોની કોલમ માટે લખાયેલા. બાંધે ભારે કહેવું હોય તો આ નિબંધો જીવનલક્ષી છે, રીડર ફ્રેન્ડલી છે. સરળ, દૃષ્ટાંતસભર શૈલીને કારણે આ નિબંધોને બહોળો વાચકવર્ગ સાંપડ્યો છે.

વધતી જતી વય અને કેટલીક શારીરિક બીમારીને કારણે છેલ્લા કેટલાક વખતથી તેમની પાસેથી નવું લેખન ભાગ્યે જ મળ્યું છે. પણ તેમનાં કેટલાંક પુસ્તકો એક કરતાં વધુ વખત ફરી છપાયાં છે તે તેમની કલમની લોકપ્રિયતા અને લોકભોગ્યાતાને કારણે. અને છતાં વાચકને કે બીજા કોઈને રીઝવવા ખાતર મોહમ્મદભાઈએ ક્યારે ય લખ્યું નથી. પોતાના કે બીજા કોઈ મઝહબના પ્રચાર-પ્રસાર માટે કદી લખ્યું નથી. શબ્દ એ જ તેમનો સાચો મઝહબ હતો. શબ્દ એ જ તેમની સાચી ઓળખાણ. કોઈ પણ દેશનો નકશો માત્ર પર્વતોથી જ શોભી ઊઠતો નથી. નદી-સરોવર, વનરાઈ, નાની-મોટી ટેકરીઓ, વગેરે પણ તેનાં આભૂષણરૂપ હોય જ છે. મોહમ્મદભાઈની કલમ પણ ગુજરાતી સાહિત્યના નકશાનું આવું એક આભૂષણ હતી. ના, છે, અને લાંબા વખત સુધી રહેશે.

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 નવેમ્બર 2022

Loading

લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 November 2022

ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે. ‘સેવા’ સંસ્થાએ આજે શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.

સહુથી મહત્ત્વનું પુસ્તક એટલે ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં!’ (ગૂર્જર પ્રકાશન,2007). અહીં ઇલાબહેને 17 લાખ 34 હજાર જેટલી ગરીબ સ્વાશ્રયી મહિલાઓનાં સંગઠન ‘સેવા’ના ચણતર-ઘડતર, સંઘર્ષ અને સિદ્ધિઓનો વાચનીય આલેખ આપ્યો છે. તેમાં તેમણે આપણા દેશના વિવિધ પ્રકારના કરોડો શ્રમજીવીઓ, અને તેમાં ય મહિલાઓની દુર્દશા, ક્ષમતા, સંઘર્ષ, શક્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેમના સહયોગ વિશે વિપુલ માહિતી આપી છે. સખત સતત મહેનત કરીને કુટુંબની આવક અને દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો બનનાર મહિલાઓ વિશે ભારોભાર સંવેદન જગવતું આ પુસ્તક વાચકનો દેશના કરોડો વંચિતો તરફ જોવાનો નજરિયો ધરમૂળથી બદલવાની ક્ષમતા ધરાવે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કરેલાં ઇલાબહેનનાં જ મૂળ અંગ્રેજી પુસ્તક We Are Poor but So Many (2006)નો હિમાંશી શેલતે કરેલો આ પ્રાણવાન અનુવાદ ‘ગરીબ પણ …’ ગુજરાતી ભાષાનું આપણા સમયનું એક વિરલ લોકધર્મી પુસ્તક છે.

આ ઉપરાંત ઇલાબહેનનાં આઠ મધ્યમ કદનાં કે નાનાં મૌલિક પુસ્તકો લખ્યાં છે. તે બધાં સ્વાશ્રયી શ્રમજીવી મહિલાઓની મહેનત અને મહત્તાને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. કામદાર બહેનોની સાથે કામ કરતાં કરતાં લખાયેલી સંવેદન કથાઓ આ પુસ્તકોને હૃદયસ્પર્શી બનાવે છે. તેમનાં પુસ્તકો વિશેની ટૂંકી નોંધો અહીં પ્રકાશન વર્ષના ક્રમ મુજબ મૂકી છે (એક અંગ્રેજી પુસ્તક Profiles of Self-employed Women (1974) મળ્યું નથી). તેમના એક વ્યાખ્યાન સંગ્રહનો અને એક સંપાદનનો પણ અહીં સમાવેશ કર્યો છે. 

v  કેળવણીની અસર (પ્રકાશક : ગાંધી મજૂર સેવાલય, અમદાવાદ, પ્ર. વર્ષ : 1971)  

આ પુસ્તકનું પેટાશીર્ષક છે : પછાત કોમની બહેનો પર કેળવણીની અસર – એક તપાસ’. કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં ઇલાબહેન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. સંઘના ઉપક્રમે શ્રી જમનદાસ ભગવાનદાસ ટ્રસ્ટ સંચાલિત કન્યાગૃહ 1927થી ચાલતું હતું. ‘ગરીબ બાળાઓના વિકાસ’ તેનો ઉદ્દેશ કેટલે અંશે પાર પડ્યો છે તેની તપાસ કરવાનું ઇલાબહેને નક્કી કર્યું. તેમણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ કન્યાગૃહમાં રહી હોય તેવી 60 બહેનોનો અભ્યાસ કર્યો. સમાજાવિજ્ઞાની નીરાબહેન દેસાઈની મદદથી તૈયાર થયેલા અહેવાલના સાઠ પાનાંના આ પુસ્તકના ઉપસંહારમાં અભ્યાસી નોંધે છે : ‘એકંદરે જોતાં તપાસમાં ઉપસેલું ચિત્ર સંતોષજનક જ નહીં, પણ આશાસ્પદ જણાય છે.’

v  ગુજરાતની નારી (માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, 1974)

ઇલાબહેના આ પુસ્તકનો હેતુ ‘સર્વ સામાન્ય વર્ગને ગુજરાતની નારીનું, ખાસ તો આજની આગળ વધતી ગુર્જર નારીનું સુભગ દર્શન કરાવવાનો છે’. પુરાણો અને ઇતિહાસમાં દેખાતી ગુજરાતી નારી વિશે લખ્યા બાદ તેઓ સ્ત્રીઓમાં સાક્ષરતા અને લોકશાહી કેટલે સુધી પહોંચી છે તેની વાત કરે છે. સ્ત્રી કામદારો અને ખેતીમાં બહેનો વિશેનાં પ્રકરણો બાદ શિક્ષણ, સેવા તથા નર્સિંગ ક્ષેત્રે ગુજરાતની મહિલાઓના ફાળાની માહિતી છે. ‘લઘુતામાંથી ગુરુતામાં’, ‘અન્ય ગુજરાતણો’ અને ‘સામાજિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ’ પ્રકરણો બાદ ‘ગુજરાતણના તહેવારો’ વિશે લખીને ઇલાબહેન પુસ્તક પૂરું કરે છે.

v  The Grind of Work ( SEWA, 1989)

ભારત સરકારના National Commission on Self-Employed Women and Women in the Informal Sector એ ફેબ્રુઆરી 1988માં ‘શ્રમશક્તિ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો, ઇલાબહેનના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોની બનેલી ટુકડીએ બહાર પાડેલો આ અહેવાલ શકવર્તી ગણાય છે. અઢાર રાજ્યોના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતી અનેક પ્રકારની શ્રમજીવી મહિલાઓની મુલાકાતો અને કષ્ટસાધ્ય ક્ષેત્રકાર્ય દ્વારા આ અહેવાલ તૈયાર કર્યો. તેમાં કરોડો શ્રમજીવી ભારતીય મહિલાઓની નિરંતર સખત મહેનત, તેમના જીવતરની દુર્દશા, તેમનું શોષણ, તેમની પરનો અન્યાય, દેશના અર્થકારણમાં તેમના મોટા નક્કર સહયોગનો ઇન્કાર જેવી અનેક બાબતો પર અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. The Grind of Work પુસ્તિકા આ અહેવાલનું ‘curtain raiser’. હવે પછી નોંધેલી પરિચય-પુસ્તિકાનો આધાર અને ‘ગરીબ પણ…’ પુસ્તકનાં બીજ આ પુસ્તકમાં મળે  છે.

v  આપણી શ્રમજીવી બહેનો (પરિચય ટ્રસ્ટ, 1992)

વિખ્યાત પરિચય-પુસ્તિકા શ્રેણીની આ 799મા ક્રમની આ વિષય પરની ‘ગાગરમાં સાગર’ સમી પુસ્તિકામાં પાયાની હકીકતો અને આધારભૂત વિગતો ઉપરાંત અનેક શ્રમજીવી સ્ત્રીઓની સંવેદનકથાઓ મળે છે : ખેતમજૂર ધેનીબહેન, લુહારીકામ કરનાર કેસરબહેન, ચીંદરીમાંથી  ખોળો સિવનાર કરીમબીબી, કાપડ પર હાથછપાઈ કરનાર રહેમતબીબી, વાંસમાંથી ટોપલાં બનાવનાર રૂપાબહેન, પથ્થરમાંથી કોલસો ખોતરનાર ગિરજાબહેન. તદુપરાંત અહીં પુરુષોએ પકડેલાં માછલાં છોલવાં, સૂકવવા, ભરવા, વેચવા, જાળ બનાવવી જેવાં કામ કરનાર મહિલા વર્ગની પણ જિકર છે. ડેરી અને રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલાં બહેનો અહીં છે. લારી ચલાવનાર અને ગોદીમાં કામ કરનાર મજૂરબહેનોની પણ વાત છે. પુસ્તકને અંતે અનિલાબહેન ધોળકિયાએ લખેલો બહેનોનાં વીતક વ્યક્ત કરી સંગઠનની આહલેક બજાવતો ગરબો લેખકે મૂક્યો છે.

v  દૂસરી આઝાદી ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ‘સેવા’ (નૅશનલ બુક ટ્રસ્ટ, 1998)

આ સચિત્ર પુસ્તક કિશોરવયના વાચકોને ‘સેવા’ના કામનો રોચક શૈલીમાં પરિચય આપે છે. ભૂમિકા પછી સેવા યુનિયન, ઘરખાતા, ફેરી-ટોપલાં, સેવાબૅન્ક, ગ્રામનારીની સાહસિકતા, પૂર્ણ  રોજગાર, આરોગ્ય, બાળસંભાળ,ઘર, સામાજિક સલામતી, સેવા અકાદમી, સંચાર માધ્યમો અને અનસૂયા પખવાડિક, વીડિયો સેવા એમ 1955 થી 1995ના તમામ ઉપક્રમોને આ પુસ્તક આવરી લે છે. પુસ્તકને અંતે ઇલાબહેન લખે છે : ‘હરઘડી ખાડા પૂરતા હોઈએ છીએ, ઘણાંને સપાટી પર પહોંચતા જોઈ, કદીક ફરી પાછા ખાડામાં ગબડતાં ય જોઈએ છીએ, પણ સાચું કહું તો રોજરોજ ‘હૈ…શો’ કરીને માટી નાખવાનો અનુભવ જ મને તો પરમ હિતકારી લાગ્યો છે.’

v  ‘લારીયુદ્ધ (શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ, 2001)

ઇલાબહેનની સંભવત: એકમાત્ર સાહિત્યિક સર્જનાત્મક એવી આ કૃતિ એક ‘ઐતિહાસિક નવલકથા’ છે. તેના આરંભે કહ્યું  છે : ‘લારી-ટોપલાયુદ્ધનાં  બીજ  અમદાવાદ  શહેરમાં 1976ના ઑક્ટોબર મહિનામાં બપોરના ત્રણ વાગ્યે નખાયા હતાં એમ ઇતિહાસકાર કહે છે. જ્યારે ભરબજારમાં એક ગલગોટાની લારીને મ્યુનિસિપાલિટીની લાલ બસે જોરથી ટક્કર મારી ત્યારે હસતાં ચમકતાં ગલગોટાનાં ફૂલ લારીમાંથી પડીને રસ્તા પર વેરાઈ ગયાં હતાં અને પગ નીચે ચગદાઈ મર્યાં હતાં.’ મૉક-હિરોઇક શૈલીમાં લખાયેલી આ નવલકથા ઇલાબહેનનું બહુ જ ઓછું જાણીતું પુસ્તક છે.

v  મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે (સેવા અકાદમી, 2011)

ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીના અવસરે સૂરતની ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટ્ડીઝ’ સંસ્થાના ‘અર્થાત્‌’ સામયિકે એક વિશેષાંક કર્યો હતો. તેમાં ઇલાબહેને લખેલો લેખ આ 38 પાનાંની નમણી પુસ્તિકા તરીકે વાંચવા મળે છે. ઇલાબહેન નોંધે છે : ‘મને તો ‘હિંદ સ્વરાજ’ વાંચીને સ્વરાજકાંક્ષી હિંદુસ્તાની, રાષ્ટ્રનો સ્વરાજ પથ અને સ્વરાજનો અનુભવ પામવું એમાં જ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનું જીવનસાર્થક્ય છે તેવું સમજાય છે. અને તેનો તાલ મારી ‘સેવા’ની બહેનો સાથેના મારા અનુભવ સાથે મેળવ્યા વગર રહેવું અશક્ય છે.’ એટલે તેમણે ‘હિંદ સ્વરાજ’નું ગાંધીચીંધ્યું સ્વરાજ ‘સેવા’ની બહેનો સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાત કેટલીક બહેનોના અને વિવિધ ઉપક્રમોના રસાળ ઉદાહરણોથી બતાવ્યું છે.

v  મહાત્માની છાયામાં : એક સત્યાગ્રહીની નોંધપોથી (નવજીવન, 2015)

ઇલાબહેને સંપાદિત કરેલું આ પુસ્તક તેમના દાદાજી વિશે છે. સંપાદક લખે છે : ‘મારા સ્વર્ગસ્થ પૂજ્ય દાદાજી ડૉ. શ્રી મણિધરપ્રસાદ વ્યાસનું જીવન એ ગાંધીયુગના એક સત્યનિષ્ઠ સેવકની કથા છે.’ તેઓ આગળ કહે છે : ‘આખી ય રોજનીશીમાં એક નિષ્પાપ અદના માનવી પર પ્રચંડ તેજ:પુંજ સૂર્યનારાયણ સમા મહાત્મા ગાંધીજીના આદર્શોનું એક આછેરું કિરણ પડ્યું ને તે માનવી કેવો સફાળો બેઠો થયો એટલું સમાયેલું છે.’ આ પુસ્તક પુસ્તકની શરૂઆતમાં મિહિર ભટ્ટ એ મતલબનું લખે છે કે આ ‘ગાંધીજીના વિચારોને અનુસરનાર સામાન્ય નાગરિકો’માંથી એકની આ નોંધપોથી છે.

v  અનુબંધ : સો માઇલનો સંબંધ (નવજીવન, 2017) :

‘હું માનું છું કે રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅન્કિન્ગ સેવાઓને સ્થાનિક રીતે ઘણે અંશે, સો માઇલના ફરતા વિસ્તારમાંથી જ મેળવી શકાય, તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણીય અવનતીનો આપણે ઉકેલ લાવી શકીએ’ – આ ઇલાબહેનની એક વિશિષ્ટ વિભાવના હતી. તેની ઉપર ‘સેવા’ની એક ટુકડીએ ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ-પાંચ ગામોમાં વાસ્તવિક જમીની કામ કર્યું. તેને લગતું આ પુસ્તક છે. તે ઇલાબહેને 2011માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટના ડાયરેક્ટર્સની કૉન્ફરન્સમાં આપેલાં વ્યાખ્યાન પર આધારિત Building Hundred Mile Communities નામના પુસ્તકનો રાજ્યશાસ્ત્રના અભ્યાસી રક્ષાબહેન મ. વ્યાસે કરેલો સુંદર અનુવાદ છે. તેની અર્પણ-નોંધ છે : ‘આ પુસ્તક આપણા માટે અને આપણી ધરતી માટે / આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ખાસ  ગૂજરાત વિદ્યાપીઠના  વિદ્યાર્થીઓને અર્પણ’. પુસ્તકનું પહેલું જ વાક્ય છે : ’ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય !’

v  Women, Work and Peace (નવજીવન, 2020)

દેશ અને દુનિયાની માતબર સંસ્થાઓ કે ઉપક્રમોમાં ઇલાબહેને આપેલાં 28 વક્તવ્યોના આ સંગ્રહનું સંપાદન માર્ગી શાસ્ત્રીએ કર્યું છે. સંપાદકે પાંચસો જેટલા વ્યાખ્યાનોમાંથી પસંદગી કરવા ઉપરાંત પણ ઘણી મહેનત કરી છે. કાળક્રમે ગોઠવેલાં દરેક વ્યાખ્યાન પહેલાં તેમણે ઘણાં પાનાંમાં ફેલાયેલાં વ્યાખ્યાનનો પોણા પાનામાં સાર આપ્યો છે, અને  વ્યાખ્યાન પછી ઇલાબહેનના સંવાદના કે તેમના એક પુસ્તકનાં અંશ પણ મૂક્યા છે. ઇલાબહેનના જીવનકાર્યના ત્રણ મહત્ત્વના શબ્દોનો વિસ્તાર કરતાં ભાષણોનું આ પુસ્તક એક ખૂબ મહત્ત્વનો વૈચારિક દસ્તાવેજ છે.

[▪પુસ્તક સૌજન્ય : સુશ્રી તોરલબહેન પટેલ, શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ ગ્રંથાલય; સુશ્રી અમીબહેન પંડ્યા, સેવા; કિરણ કાપૂરે, નવજીવન ▪ કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી]                                 

07 નવેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચૂંટણી ઉર્ફે ચૂંથણી …  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|7 November 2022

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.

ભા.જ.પ. છેલ્લાં 27વર્ષથી સત્તામાં છે. 2017માં ગુજરાતમાં તેને 99 સીટો ને કાઁગ્રેસને 77 સીટો મળી હતી. આમ તો આ જંગ અત્યાર સુધી કાઁગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે રહ્યો છે, પણ 2022ની ચૂંટણીમાં આપ પાર્ટી પણ વાજતે ગાજતે ચૂંટણીમાં ઊતરી છે ને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તો ઇસુદાન ગઢવીની તાજપોશી મુખ્ય મંત્રી તરીકે થવાની છે એવી આગોતરી વરદી પણ નોંધાવી દીધી છે. ઇસુદાન, આપનો જાણીતો ચહેરો છે. ખેડૂતો અને ગરીબો પર તેમનો સારો પ્રભાવ છે. ગુજરાતનો પ્રવાસ પણ તેમણે કર્યો છે ને ઓ.બી.સી.ના પ્રતિનિધિ તરીકે આપને સારો એવો લાભ ઇસુદાનથી થાય એમ બને. જો કે આપના ગોપાલ ઇટાલિયાને ઇસુદાન પસંદ થયા એ ગમ્યું નથી. આ વાતે આપના જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડીને કાઁગ્રેસનું શરણું લીધું છે. આમ તો થોડા મહિના પર જ ઇન્દ્રનીલ કાઁગ્રેસ છોડીને આપમાં આવ્યા હતા, પણ ટિકિટ વહેંચણીને મુદ્દે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી ને પાર્ટીની પોતાની પાસેથી આર્થિક અપેક્ષાઓ વધી એટલે મૂળ પાર્ટીમાં તેઓ પાછા ફર્યા છે. અહીં આવીને તેઓ શું પામશે, તે તો તેઓ જાણે, પણ વ્યક્તિગત અસંતોષને કારણે પાર્ટી સાથેનો દ્રોહ ઠીક નથી. બીજા પણ કેટલાંક અસંતુષ્ટોની ચૂંટણી દરમિયાન એક દરમાંથી બીજા દરમાં આવ-જા વધે એમ બને, પણ આ આવન જાવન, પાર્ટી સાથેની સૈદ્ધાંતિક વફાદારી પર પ્રશ્ન ચિહ્ન તો મૂકે જ છે. આ ઉપરાંત બીજો એક કિસ્સો જય નારાયણ વ્યાસ અને હિમાંશુ વ્યાસનો પણ પાર્ટીઓ છોડવાનો સામે આવ્યો છે. એમાં બે વ્યાસ વચ્ચેનો ભેદ જોવા જેવો છે. રાહુલ ગાંધી માટે હિમાંશુ વ્યાસે દુબઈમાં 50 હજાર લોકોનો કાર્યક્રમ કર્યો, પણ કાઁગ્રેસે એમની કદર ન કરી એટલે એમણે ભા.જ.પ.ને આશરે જવાનું સ્વીકાર્યું છે. એમને ભા.જ.પ.માં સ્વીકારી પણ લેવાશે, પણ અહીં એમની કદર થશે જ એવું એમને કઇ રીતે લાગે છે તે નથી ખબર. એ સાથે જ જે તે પાર્ટીમાં બીજી પાર્ટીમાંથી આવનાર સભ્યો વિષે પાર્ટીને કોઈ સવાલ જ ન હોય તેમ સ્વીકૃતિ આપી દેવાય એ પણ સમજાતું નથી. જય નારાયણ વ્યાસ તો 32 વર્ષ ભા.જ.પ.માં રહ્યા છે ને તે વખતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને કેબિનેટમાં જુઠ્ઠા કહીને રાજીનામું આપતાં પણ અચકાયા નથી. વારુ, તેઓ ભા.જ.પ.ની સરકારમાં આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તે પછી પણ તેમનો થવો જોઈતો ઉપયોગ કરવામાં પાર્ટી નિષ્ફળ જાય તે ચિંત્ય છે. બને કે પાર્ટીને ‘જી હજૂરિયા’ જ ખપતા હોય ને જય નારાયણ વ્યાસનું સ્પષ્ટ વકતૃત્વ આડે આવ્યું હોય. સ્પષ્ટ વકતૃત્વ, સ્પષ્ટ નેતૃત્વને આડે આવતું હોય એવો અત્યારે તો ભા.જ.પ.માં એક જ દાખલો છે, બાકી ભા.જ.પ.માં તો હવે આજ્ઞાંકિતો જ પાકે છે તે કોઇથી અજાણ્યું નથી.

આ બધા સંજોગોમાં કેજરીવાલને લાગે છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે ને આ પરિવર્તન તે આપ પાર્ટી રૂપે ઈચ્છે છે. આમ તો આપ પાર્ટી મફત આપવા માટે જાણીતી છે. તેણે ગુજરાતને પણ 300 યુનિટ વીજળી મફત આપવાનું કબૂલ્યું છે. મફતનો સિક્કો દિલ્હીમાં ચાલ્યો છે તે ગુજરાતની જનતા જાણે છે. પ્રજા આમ પણ લાલચુ હોય છે, તે રાજકીય પક્ષો જાણતા હોય છે એટલે સબસીડી, મફત, ડિસ્કાઉન્ટ વગેરે લાલચ અપાતી રહે છે. જનતા એને વશ થાય તો ભા.જ.પ.ના મત તૂટે, તો પણ તેને બહુ નુકસાન કદાચ નહીં થાય. નુકસાન, કાઁગ્રેસનું વધે ને લાભ આપને થાય એવું બને. તેનું કારણ એ છે કે આપ અને કાઁગ્રેસ સાથે નથી. આ બંને એકબીજાની ને એ બંને ભા.જ.પ.ની સ્પર્ધામાં છે. કેજરીવાલનું માનવું છે કે આ વખતે ગુજરાતમાં સરકાર આપની બનશે. એવું થાય તો એ ચમત્કાર જ હશે, પણ મફત વીજળીની લાલચ છતાં, આપ સરકાર બનાવવા સુધી કઇ રીતે પહોંચશે એ અંગેનો કોઈ ફોડ કેજરીવાલે પાડ્યો નથી. એટલું છે કે ઘરેઘર પ્રચારમાં ને ગામડે ગામડે સંપર્કમાં આપ પાર્ટી ઠીક ઠીક સક્રિય છે ને એનો લાભ એને મળે એમ બને, પણ કેજરીવાલે ચલણી નોટો પર ગણેશ અને લક્ષ્મીને છાપવાની વાત કરીને સોફ્ટ હિન્દુત્વ પરથી પૂર્ણ હિન્દુત્વ તરફ ગતિ વધારી છે તે આપની આઈડિયોલોજી સાથે નથી જતી. આજ પાર્ટી ભા.જ.પ.ના હિન્દુત્વ અને રામ મંદિરનો વિરોધ કરી ચૂકી છે. રામ મંદિરને બદલે હોસ્પિટલો બનવી જોઈએ એવું કહેનાર કેજરીવાલ ચલણી નોટો પર ગણેશ, લક્ષ્મીને છાપવાની વાત કરે તો જનતા આટલી મૂરખ બનશે કે કેમ તે વિચારવાનું રહે. કાઁગ્રેસની તો ઈચ્છા જ જણાતી નથી, જીતવાની ને સત્તામાં આવવાની ! રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત ગુજરાતમાં આવ્યા છે ને હજી આવે એવી વકી છે, એ સિવાય કાઁગ્રેસ પ્રમુખ ખડગે કે રાહુલ ગાંધી કે એમની ટીમ ગુજરાત તરફ ચૂંટણી મુદ્દે ફરક્યાં નથી. રાહુલ ગાંધીએ ગુજરાત આવવાની વાત કરી છે ખરી, પણ એ તો આવે ત્યારે વાત. જો કે, મફતની સોગઠી તો એમણે પણ નાખી છે. એક વીડિયો વૉટ્સએપમાં ફરે છે, જેમાં વડા પ્રધાન બંગાળમાં પુલ તૂટયો તેની જવાબદારી મુખ્ય મંત્રી પર નાખતા દેખાય છે, જ્યારે રાહુલ ગાંધીને મોરબી પુલ તૂટવા સંદર્ભે પુછાય છે તો એમણે રાજનીતિ કરવાથી દૂર રહેવાનું સ્વીકાર્યું ને ઉમેર્યું કે લોકો ગુજરી ગયા છે તો કૈં પણ કહેવું મૃતકોને માન ન આપવા જેવું થશે. વીડિયો ખરો ખોટો હોઈ શકે છે, પણ એમાં બોલનારા ખોટા નથી જણાતા.

વેલ, કોમન સિવિલ કોડ લાવવાની વાત કરીને ભા.જ.પે. પણ નવી સોગઠી નાખી છે. આ ઉપરાંત વડા પ્રધાને હજારો કરોડની યોજનાઓની ભેટ ગુજરાતની પ્રજાને આપી જ છે. હિન્દુત્વમાં માનનારો મોટો વર્ગ પણ ભા.જ.પ.ની પડખે છે, છતાં ભા.જ.પે. આત્મમંથન કરવાનું તો રહે જ છે. એ જોવાનું રહે જ છે કે વિકાસ બતાવાય છે તે ખરેખર છે કે પછી કાગદી જ વધુ છે? એ પણ પ્રશ્ન છે કે હજારો કરોડની યોજનાઓ ગરીબો માટે છે કે ઉદ્યોગપતિઓ માટે? જો કે, એટલો વિકાસ તો થયો જ છે કે 2005 સુધીમાં 14 ટકા લોકો જ મધ્યમ વર્ગમાં આવતા હતા તે આંકડો હવે 31 ટકાએ પહોંચ્યો છે. એની સામે બે કરોડથી વધુ આવકવાળાની સંખ્યા વધી છે. આ સંખ્યા 1995માં 98 હજારની હતી તે અત્યારે 18 લાખ પર પહોંચી છે. એનો અર્થ એ થયો કે ઉચ્ચવર્ગની આવક વધે છે, એટલી નિમ્નવર્ગની વધતી નથી. કરોડપતિઓ વધે તે સાથે ગરીબો ઘટીને મધ્યમવર્ગમાં ઉપર ઊઠવા જોઈએ, પણ એ ટકાવારી ઓછી જ છે. વિકાસ ખરેખર કોનો થાય છે એ પણ જોવાનું રહે છે. 182 સીટ માટે 4,000 જેટલા દાવેદારો કઇ આશાએ દાખલ પડ્યા હશે તે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પ્રમાણિકે કે ગરીબે ચૂંટણી લડવી હોય તો તે લડી શકે એવી સ્થિતિ નથી. જે ચૂંટણી લડવા તૈયાર થાય છે તે સ્થિતિ સંપન્ન ન હોય તો તેને તકો લગભગ નથી. ચૂંટણી જીતવી આજે તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એક વાર જીત્યા પછી કોઈ ખોટ ખાઈને ઘર ભેગું થયું હોય એવું અપવાદોમાં જ હશે.

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  પ્રદીપસિંહ જાડેજા જેવા પણ ચૂંટણીમાં ઝંપલાવે એમ બને. આમ તો રૂપાણીની આખી સરકાર જ ગયા વર્ષની 12 સપ્ટેમ્બરે ઘરભેગી કરી દેવાઈ હતી. એવું કોઈ દેખીતું કારણ ન હતું કે આખી સરકાર બદલવી પડે, પણ એક પણ મંત્રી રિપીટ કર્યા વગર નવા મંત્રીઓના હાથમાં કારભાર સોંપાયો. આમ તો અગાઉના મંત્રીઓ પણ મોવડી મંડળની ઈચ્છાથી જ આવ્યા હતા, પણ કામ કરતી સરકારને કોઈ ઊહાપોહ વગર જ કામ વગરની કરી દેવાઈ તે આજ સુધી ઘણાંને અકળ રહ્યું છે. એવું ઘણું બધુ શક્ય છે કે જે મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા હતા એમને ફરી ટિકિટ મોવડીઓ ન આપે. આપે તો સવાલ એ રહે કે જો ત્યારે મંત્રીઓ ખદેડી મૂકવા જેવા લાગ્યા તો અત્યારે એ ટિકિટ આપવા જેવા કઇ રીતે લાગ્યા? ધારો કે ભા.જ.પ. ટિકિટ આપે છે તો પણ પ્રજામાં તો એવી ધારણા બંધાઈ હોવાનું શક્ય છે કે જે સરકાર ખદેડી મુકાઇ હતી, તે કોઈક રીતે નિષ્ફળ હતી, તો લોકો એમને મત આપતી વખતે સો વખત વિચાર કરશે અને એ ખોટ ભા.જ.પ.ની હશે. એ ઉપરાંત આ વખતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શિક્ષણના મુદ્દા પણ ભા.જ.પ.ને ભીંસમાં લે એમ બને.

એ જે હોય તે, પણ 2022ની ચૂંટણીમાં આપનું ફેક્ટર નવું ઉમેરાયું છે અને તેને જરા પણ હળવાશથી કે ઓવર કોફિડન્સથી લેવા જેવું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2022

Loading

...102030...1,2021,2031,2041,205...1,2101,2201,230...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved