Opinion Magazine
Number of visits: 9667538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઢ આલા પર સિંહ ગેલા : યુદ્ધના વિજયમાં પરાજય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 March 2023

રાજ ગોસ્વામી

યુદ્ધના ચિંતનમાં, ‘પીરિક વિકટરી’ નામનો એક ખયાલ છે; ઘણા વિજય એવા હોય છે, જેમાં બરબાદીનો હિસાબ માંડો, તો તે પરાજય જ નજર આવે. આ ખયાલ, ઈશુ પૂર્વે 279 સદીના ગ્રીકમાં, ઇપિરસ સામ્રાજ્યના રાજા પીરસે રોમન સામ્રાજ્ય સામે કરેલી લડાઈમાંથી ઉદ્ભવ્યો છે. બેટલ ઓફ એસ્કુલમ અને બેટલ ઓફ હેરાકલી નામથી જાણીતા આ યુદ્ધમાં પીરસે રોમનો સામે જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ તેમાં તેનું મોટા ભાગનું સૈન્ય નષ્ટ થઇ ગયું હતું.

ડેલ્ફીમાં એપોલો ટેમ્પલના પુજારી, ફિલોસોફર અને ઇતિહાસકાર પ્લુટાર્ચ, પીરસના જીવનચરિત્ર્ય ‘લાઈફ ઓફ પીરસ’માં આ યુદ્ધનો ઉલ્લેખ કરીને લખે છે;

“સૈન્યો વિખૂટાં પડ્યાં. પીરસે કહ્યું કે એક યુદ્ધે તેને વિજયનો આનંદ આપ્યો અને બીજાએ તેને બરબાદ કરી દીધો. એ તેની સાથે જે દળો લઈને આવ્યો હતો તેમાંથી ઘણાંખરાં સાફ થઇ ગયાં, તેણે તેના તમામ ચોક્કસ મિત્રો અને મુખ્ય સેનાપતિઓ ગુમાવ્યા; હવે કોઈ નવી ભરતી કરવાવાળું રહ્યું નહોતું. બીજી બાજુ, રોમન છાવણી નવી ભરતીથી ઝગમગી ગઈ, તેમના નુકસાને તેમને નિરાશ કર્યા નહોતા અને તેમનો ક્રોધ પણ યુદ્ધ કરવા માટે બળવત્તર બની રહ્યો હતો.”

તે સમયથી, યુદ્ધોને ‘પીરિક વિકટરી’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખુવારી એટલી બધી હોય છે કે લાંબા ગાળે વિજયની એ સિદ્ધિ એક પાયમાલી બની જાય છે. પીરસ મૂરખ નહોતો. તે વિજયમાં તેની ખુવારી પ્રત્યે સભાન હતો અને એટલે જ તેણે કહ્યું હતું કે; “હું જો ફરીથી આવા વિજયને પ્રાપ્ત કરીશ, તો એક પણ સૈનિક વગર ઇપિરસ પાછો ફરીશ.”

આધુનિક ઇતિહાસમાં થયેલા યુદ્ધનો જો વિગતવાર હિસાબ-કિતાબ માંડવામાં આવે, તો અંતે એમાં દરેકનો પરાજય થાય છે. જે પરાજિત છે તેમનો તો ખરો જ, જે વિજેતાઓ છે તે પણ હારે છે. મરાઠા સામ્રાજ્યમાં શિવાજીના બહાદુર સેનાપતિ તાનાજી માલુસરે, સિંહગઢ પર વિજય પ્રાપ્ત કરીને ઔરંગઝેબને દક્ષિણ ભારતમાં તેનો પ્રભાવ સ્થાપતાં અટકાવ્યો હતો. એ એક ઐતિહાસિક વિજય હતો, પરંતુ તેમાં તાનાજીનો જીવ ગયો હતો એ મરાઠા સામ્રાજ્ય માટે મોટો ફટકો હતો.

તેના પરથી એક જાણીતી ઉક્તિ આવી હતી કે, “ગઢ આલા પર સિંહ ગેલા.” કંઇક આવા જ મતલબનું, ફ્રેંચ ફિલોસોફર જ્યાં-પોલ સાર્ત્રએ 1951માં કહ્યું હતું; ઇફ વિકટરી ઈઝ ટોલ્ડ ઇન ડિટેલ, વન કેન નો લોંગર ડિસ્ટિંગગ્વિશ ઈટ ફ્રોમ અ ડિફીટ – વિજયને જો વિગતવાર તપાસવામાં આવે તો ખબર ન પડે કે પરાજય છે કે વિજય.

ભારત બ્રિટિશ રાજ સામે લડાઈ કરીને આઝાદ થયું હતું, પણ એ વિજય સહેલો નહતો. ઇતિહાસકાર અને નેતા શશી થરૂર અનુસાર 1857થી શરૂ કરીને 1947 સુધી 3.5 કરોડ લોકોનાં મોત થયાં હતાં અને વિભાજનમાં લાખો લોકો વેરવિખેર થઇ ગયા હતાં. ભારતના વિભાજનને લોહિયાળ કહેવાય છે અને આજે પણ તેના ઘા જીવતા છે. એક રીતે આ બરબાદી પરાજય જ કહેવાય.

અમેરિકા જ્યારે સદ્દામ હુસેનના ઈરાક પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે ઈસાઈ ધર્મના વડા પોપ જોહ્ન પોલે કહ્યું હતું કે, “યુદ્ધ એ સમાધાન નથી. યુદ્ધ ક્યારે ય અનિવાર્ય હોતું નથી. યુદ્ધમાં માનવતા હારે છે. યુદ્ધ માનવ જીવનને બરબાદ કરી નાખે છે. શાંતિનો સંઘર્ષ જીવનનો સંઘર્ષ છે. યુદ્ધવેળા અને યુદ્ધ પછી નાગરિક જાનમાલનું કેવું અને કેટલું નુકસાન થશે તે વિચાર્યા વગર યુદ્ધનો માર્ગ અખત્યાર કરવો ન જોઈએ.”

યુદ્ધનાં અનેક ખરાબ પરિણામો આવે છે, પણ એનો ‘ફાયદો’ એક જ હોય છે; લોકોને શાંતિની કિંમત સમજાઈ જાય છે! યુદ્ધની આ વિડંબના છે અને માનવજાતિ તેમાંથી કશું શીખતી નથી. થોડા આંકડા જોવા જેવા છે; 

પ્રથમ મહાયુદ્ધ (1914 – 11 Nov 1918) : સૈનિકોનાં મૃત્યુ – 9,911,000, નાગરિકોનાં મૃત્યુ – 7,700,000, માનવતાને નુકસાન – 17,611,000. 

દ્વિતીય મહાયુદ્ધ (1939-1945) : સૈનિકોનાં મૃત્યુ – 24,000,000, નાગરિકોનાં મૃત્યુ – 49,000,000, માનવતાને નુકસાન – 73,000,000. 

કોરિયન યુદ્ધ 1(950-1953) : સૈનિકોનાં મૃત્યુ – 759,927, નાગરિકોનાં મૃત્યુ – 3,000,000, માનવતાને નુકસાન – 3,759,927. 

વિયેતનામ યુદ્ધ (1955-1975) : સૈનિકોનાં મૃત્યુ – 1,344,259, નાગરિકોનાં મૃત્યુ – 2,000,000, માનવતાને નુકસાન – 3,344,259. 

અફઘાનિસ્તાન યુદ્ધ (2001-2021) : સૈનિકોનાં મૃત્યુ – 121,988, નાગરિકોનાં મૃત્યુ – 46,319, માનવતાને નુકસાન – 168,307

આ પાંચ યુદ્ધોમાં જ માનવતાને કુલ 97,883,493 લોકોનું નુકસાન થયું છે. આમાં કોઈનો પતિ, કોઈનો પિતા, કોઇનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો મિત્ર, કોઈની માતા કે બહેન કે પત્ની કે દીકરી હતાં, અને એ ખુવારી બન્ને પક્ષે હતી. એમાં કેટલાં ય પરિવારો, શહેરો, સમાજો, કેટલા ય ધંધા-રોજગાર અને પ્રતિભાઓ ખતમ થઈ ગઈ હતી અને કેટલી ય પેઢીઓ લંગડી થઈ ગઈ હતી.

આ આંકડા અંદાજીત છે, અને માત્ર મોટાં અને વર્તમાન ઇતિહાસના યુદ્ધોના જ છે. વિશ્વમાં અત્યારે 40થી પણ વધુ એવી જગ્યાઓ છે જ્યાં યુદ્ધ જેવી જ સ્થિતિ છે. વિકિપીડિયા અનુસાર છેલ્લાં 4,500 વર્ષોમાં માનવજાતે કુલ 10,624 યુદ્ધ જોયાં છે.

આપણે પૂરા માનવ જીવનના ઇતિહાસનાં નાનાં-મોટાં યુદ્ધોનો હિસાબ-કિતાબ કરવા બેસીએ, તો તેની ખુવારી ગણતરીમાં કે દિમાગમાં ન બેસે એટલી હશે. આનો અર્થ એટલો જ કે આપણે ‘શાંતિ’થી રહેવા યુદ્ધ કરીએ છીએ.

તમે જ્યારે તમારી વર્તમાન શાંતિને અવગણીને ભવિષ્યની શાંતિ માટે જંગ કરો, તો તમને ક્યારે ય શાંતિ ના મળે. માણસ ક્યારે ય શાંતિથી રહી શક્યો નથી, કારણ કે તેની સામે શાંતિનું એક એવું ગાજર લટકાવવામાં આવ્યું છે કે તે શાંતિ માટે યુદ્ધ કરે છે! માણસ એટલો તકલાદી છે કે તે શાંતિ માટે કાં’તો મરી જાય છે, અથવા મારી નાખે છે. સદીઓ પછી પણ માણસ શાંતિમાં રહેવાની બહાદુરી વિકસાવી શક્યો નથી, તે માનવજાત તરીકેની આપણી એક માત્ર સૌથી મોટી નિષ્ફળતા છે. જાનવરો ભૂખ લાગે ત્યારે જ બીજાને મારે છે. ભર્યા પેટનો માણસ માત્ર વિચારના વિરોધમાં કોઈને મારે છે.

છેલ્લાં 100 વર્ષથી ચાલતા પેલેસ્ટાઇન-ઈઝરાયેલના સંઘર્ષ પર પેલેસ્ટાઇન કવિ મહમૂદ દરવેશે યુદ્ધની વ્યર્થતા અંગે એક મર્મસ્પર્શી કવિતા લખી હતી :

એક દિવસ યુદ્ધ સમાપ્ત થઈ જશે

નેતા હાથ મિલાવશે

એક વૃદ્ધ સ્ત્રી તેના શહીદ પુત્રનો ઇંતેજાર કરશે

એક સ્ત્રી કરશે ઇંતેજાર તેના પતિની વાપસીનો

અને એ સંતાનો તેમના બહાદુર પિતાની રાહ જોશે

મને ખબર નથી કે મારા વતનને કોણે વેચ્યું છે

પરંતુ મેં જોયું છે

તેની કિંમત કોણે ચૂકવી છે

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બે કટ્ટર દુ:શ્મન, ઈરાન અને સાઉદી, દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 March 2023

રાજ ગોસ્વામી

9મી માર્ચે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થની અલ્બાનેસ ગોલ્ફ કાર્ટમાંથી બનાવેલા રથમાં બેસીને બંને દેશોના ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ના ભાવની સાબિતી આપતા હતા, ત્યારે, ત્રણ હજાર કિલોમીટર દૂર, બેજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે એક એવી દોસ્તીની ઘોષણા થઇ હતી, જેણે પશ્ચિમ અને પૂર્વનાં ડિપ્લોમેટિક મિશન્સને, ઊંઘતાં ઝડપ્યાં એમ તો ન કહેવાય, પણ તેમની ઊંઘ જરૂર હરામ કરી દીધી હતી.

ઊંઘ હરામ થવી પણ જોઈએ કારણ કે આ દોસ્તી કરાવવામાં ચીનની ભૂમિકા હતી. સામાન્ય રીતે, વિશ્વમાં ઝઘડતાં રાષ્ટ્રો વચ્ચે સુલેહ-શાંતિ કરવાનું કામ અમેરિકા કરતું આવ્યું છે અને સાઉદી-ઈરાન વચ્ચે તે પાછલી અડધી સદીથી મધ્યસ્થી (મધ્યસ્થી બનવામાં ઘણા લાડવા હોય) હતું, પણ આ વખતે ચીન એમાં બાજી મારી ગયું છે મધ્યપૂર્વની ભાવિ જીઓ-પોલિટીકલ રાજનીતિમાં હવે તેની ભૂમિકા અહમ બની ગઈ છે.

સાઉદી-ઈરાનની મગજમારીને પૂર્વનું શીત યુદ્ધ કહે છે. તેમાં પરંપરાગત યુદ્ધ થઇ જવાના અનેક અવસરો આવ્યા હતા. 1979માં, અમેરિકાના સહારે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ આવી ત્યારથી સાઉદી અરેબિયા સાથે તેના સંબંધો તંગ થયા હતા. ખાસ કરીને ઈરાની ક્રાંતિકારીઓએ મધ્ય પૂર્વમાં રાજાશાહીઓ અને લોકશાહીઓને ગબડાવીને ઇસ્લામિક ગણતંત્રો સ્થપાવાની હાકલ કરી હતી એટલે રાજાશાહીવાળા અરેબિયા, ઈરાક, કુવેત અને અન્ય પર્શિયન ખાડી દેશોમાં ખતરાની ઘંટી વાગી હતી.

સાઉદીની મુસીબત એ હતી કે શિયા બહુમતીવાળા ઈરાનમાં ધાર્મિક શાસન આવ્યું તે પહેલાં તે મુસ્લિમ દેશોનું નેતા કહેવાતું હતું. અમેરિકાએ ઈરાનમાં મુલ્લાંઓને ઊભા કરીએ સાઉદીની મુસ્લિમ-નેતાગીરીને ખતમ કરી નાખી. સુન્ની બહુમતીવાળા સાઉદી અરેબિયાએ ત્યારથી ઈરાન સામે મોરચો માંડ્યો હતો. એમાં ઉત્તરોતર ટકરાવ વધતો ગયો હતો. બંને દેશો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ખાડીના દેશોના અલગ-અલગ ઝઘડાઓમાં ટાંગ અડાવતા રહ્યા હતા. જેમ કે સીરિયા અને યમનનું યુદ્ધ, બહેરીન, લેબેનોન, કતાર અને ઈરાકના વિવાદ. ત્યાં સુધી કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નાઈજીરિયા, ઉત્તર અને પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, બાલ્કન અને કૌકાસસમાં પણ બે દેશો લાંબા થતા હતા.

આ બધામાં અમેરિકા કેન્દ્રમાં હતું. દુનિયાનો એકપણ હિસ્સો નથી જ્યાં અમેરિકા ઝઘડા કરાવતું ન હોય અને ઝઘડા શાંત પાડતું ન હોય. અમેરિકાની એ વૈશ્વિક નીતિનાં પગલે, ઈરાન અને સાઉદી વચ્ચે છેલ્લા 7 વર્ષથી ડિપ્લોમેટિક સંબંધો પણ ખતમ થઇ ગયા હતા. 9મી તારીખે, ચીનની સક્રિય ભૂમિકાના પગલે, બંને દેશોએ એકબીજાની રાજધાનીઓમાં એમ્બેસી શરૂ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે ઈરાન અને સાઉદીના પ્રતિનિધિઓ વચ્ચે બેજિંગમાં ચાર દિવસ સુધી અઘોષિત મંત્રણા થઇ હતી અને 9મી તારીખે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનના પોલિટીકલ બ્યુરોના સભ્ય વાંગ યીની હાજરીમાં બંને દેશોએ ડિપ્લોમેટિક સંબંધો પુન:સ્થાપિત કરવાની જાહેરાત કરી, ત્યારે દુનિયાને ખબર પડી કે ચીનમાં આવું કંઇક રંધાઈ રહ્યું છે.

મધ્ય પૂર્વના બે કટ્ટર દુ:શ્મનો વચ્ચે દોસ્તી થાય અને મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતું ચીન એમાં મધ્યસ્થી બને એ સમાચાર સાધારણ ન કહેવાય. તેનાં અનેક વૈશ્વિક પરિણામો અને પરિમાણો છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આને માસ્ટરસ્ટ્રોક અથવા ગેઈમચેન્જર કહેવાય છે. ચીન પાછલા ઘણા સમયથી મધ્યપૂર્વનાં ઝઘડતાં રાષ્ટ્રો સાથે તેના સંબંધો સુધરવામાં સફળ રહ્યું છે અને તેમાં તેની આર્થિક તાકાત બહુ કામ આવી છે.

અરબ ન્યૂઝ નામના એક સમાચારપત્રમાં ટીપ્પણી કરવામાં આવી હતી કે આ સમાધાન માટે ઈરાન તૈયાર થયું અને કરાર પર જો કાયમ રહ્યું તો આ ઘટના શકલ બદલી નાખનારી સાબિતી થશે, તેનાથી ક્ષેત્રીય શાંતિ અને પ્રગતિની એક એવી શરૂઆત થશે, જેને પાછલાં કેટલાં ય વર્ષોમાં દેશોએ જોઈ નથી. 

ઈરાનના અગ્રણી સમાચારપત્ર તહેરાન ટાઈમ્સે કહ્યું છે કે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે માંડવાળી કરાવવા માટે ઈરાક અને ઓમાને પહેલ કરી હતી, પરંતુ ચીન તેની ચાલને ગુપ્ત રાખીને એમાં ઘણું આગળ નીકળી ગયું.

અમરિકા મોટાભાગે એની લશ્કરી તાકાતથી મધ્યસ્થી કરતું રહે છે પણ ચીને તેના ડિપ્લોમેટિક અને આર્થિક સંબંધો મજબૂત કરીને મધ્ય પૂર્વમાં પોતાની જગ્યા બનાવી છે. આ સમાધાનમાં એક લવાદ તરીકે ચીનનો પશ્ચિમ એશિયાની રાજનીતિમાં પગપેસારા તરીકે જોઈ શકાય છે.

ઈરાનના કુલ આંતરરાષ્ટ્રીય વેપારમાંથી 30 પ્રતિશત વેપાર એકલા ચીનમાં થાય છે. સાઉદી માટે ચીન સૌથી મોટું તેલનું બજાર છે. પશ્ચિમ એશિયામાં સ્થિરતા ચીનના હિતમાં છે. તહેરાન અને રિયાધ સાથે ખરીદદાર અને ભાગીદાર તરીકે બેજિંગના સંબંધો સરસ છે. બદલાતી જીઓ-પોલિટીકલ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા તેના પડોશમાં શાંતિ ઇચ્છતું હતું અને પરમાણું યોજનાના કારણે અમેરિકાના પ્રતિબંધો નીચે કચડાતું ઈરાન આર્થિક અવસરો શોધતું હતું. ચીને આનો ફાયદો ઉઠાવીને તેની સક્રિયતા વધારી દીધી હતી.

અમેરિકાનો ઈરાન સાથે સીધો કોઈ સંપર્ક નથી, પણ ચીન ઘણા સમયથી ઈરાનમાં પોતાની જગ્યા બનાવી રહ્યું હતું અને એટલે જ અમેરિકા જે ન કરી શક્યું તેને ચીને કરી બતાવ્યું છે. દુનિયાના દરેક વિવાદોમાં અમેરિકાની કોઈને કોઈ ભૂમિકા રહેતી હોય છે છે કારણ કે મહાસત્તા હોવાના કારણે વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્રમાં આપવા માટે તેની પાસે કશુંક હોય છે, પરંતુ આ પહેલો અવસર છે જ્યાં મધ્ય પૂર્વની બે સત્તાઓ વચ્ચે સુલેહ કરાવામાં અમેરિકાની દૂર સુધી કોઈ ભૂમિકા નથી.

આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું મહત્ત્વ વધશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું સંકટ હલ કરવામાં પણ ચીન આગળ આવશે. ચીને આમ પણ યુદ્ધ બંધ કરવા માટે 12 મુદ્દાની ફોર્મુલા પેશ કરેલી જ છે.

સાઉદી અરેબિયાનું અમેરિકાથી વધુ દૂર જવું અમેરિકા માટે નુકસાનકારક છે કારણ કે આનાથી ઓપેક દેશોનું અમેરિકાથી અંતર વધશે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપી રહ્યા નથી. તેલની કિંમતો ઓછી કરવા માટે તેલ ઉત્પાદનમાં બદલાવ કરવાનું અમેરિકા ઘણી વખત સૂચન કરી ચૂક્યું છે પણ આ દેશો તેને ગણકારતાં નથી. એવા સંજોગોમાં મધ્ય પૂર્વમાં ચીનનો પ્રભાવ વધે તે અમેરિકા માટે મોંકાણના સમાચાર છે.

લવાદ તરીકે ચીનની આ સફળતા એવા સમયે આવી છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રીજીવાર પદનો કાર્યભાળ સંભાળ્યો છે. 2012માં સત્તાની કમાન હાથમાં લેનારા જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટીના પહેલા નેતા છે, જેમને લગાતાર ત્રીજીવાર દેશનું સંચાલન મળ્યું છે. એ પહેલાં, 2022માં તેમણે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસ ગયા ફેબ્રુઆરીમાં ચીનની મુલાકાતે આવ્યા હતા.

જિનપિંગ તેમની આ નવી ડિપ્લોમસીને ‘ગ્લોબલ સિક્યોરિટી ઈનીશિયેટિવ’ કહે છે. એમાં પારસ્પરિક સંબંધોને લિબરલ ડેમોક્રસીના દાયરામાંથી બહાર રાખીને જોવામાં આવે છે. મતલબ કે અમેરિકા કાયમ લિબરલ ડેમોક્રસી સ્થાપવાના ઈરાદા સાથે સુરક્ષા અને આર્થિક વિવાદોમાં સામેલ થાય છે, જ્યારે ચીનની નીતિ પ્રમાણે જે તે રાષ્ટ્રનું શાસન ઘરમાં શું કરે છે તેનાથી દૂર રહીને માત્ર આર્થિક હિતો પર જ વાત કરવી જોઈએ. જે રાષ્ટ્રો કે શાસકો લોકતાંત્રિક મૂલ્યોમાં બહુ વિશ્વાસ રાખતા નથી તેમના માટે ચીનનો અભિગમ ભાવતું હતું ને વૈધે કહ્યા જેવો છે. વિશ્વમાં જ્યાં આપખુદશાહીનું ચલણ વધતું જાય છે અને લોકશાહીઓનું પતન થઇ રહ્યું છે ત્યારે ચીનની આ નીતિ એક ડિપ્લોમેટિક પડકાર છે જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. અમેરિકા વર્ષોથી લોકતાંત્રિક મૂલ્યો, માનવાધિકાર અને અભિવ્યક્તિની આઝાદીનું ચેમ્પિયન રહ્યું છે. ચીન તેની સામે એક નવી અને અવળી નીતિને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ભારતનો સંબંધ છે ત્યાં સુધી ઈરાન-સાઉદીની દોસ્તીથી કોઈ ફર્ક પડતો નથી કારણ તહેરાન અને રિયાધ સાથે નવી દિલ્હીના સંબંધો ઘણા સારા છે. ચિતા ખાલી ચીનના વધતા વૈશ્વિક પાવરની છે. ચીન સાથેના સીમા-વિવાદને લઈને ભારત કોઈ નક્કર પ્રગતિ કરી શક્યું નથી. બીજી તરફ ચીન ભારતની ભૂમિ પર દબાણ કરીને બેસી ગયું છે અને હટવાનું નામ લેતું નથી. એ મોરચા પર પણ ચીને પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ગોઠવણ કરી રાખી છે. ચીન એશિયામાં તેની ભાઈબંધી વધારી રહ્યું છે તે વૈશ્વિક સ્તરે અમેરિકા માટે અને સ્થાનિક સ્તરે ભારત માટે નુકશાનકારક જ છે.

લાસ્ટ લાઈન :

“મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ માટે હિંમત જોઈએ, બંધૂક નહીં.”

— જોર્ડનની રાણી રાઈના

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 19 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સિનિયર્સમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 March 2023

રવીન્દ્ર પારેખ

કુદરતી કે અકુદરતી રીતે કોઈક પ્રકારની અરાજકતા અત્યારે અનુભવાતી હોય એવું નથી લાગતું? એક જ દિવસમાં છત્રી, સ્વેટર ને એસી વાપરવાં પડે એવું વાતાવરણ છે. સારું છે કે કિરણ પટેલ નામના પી.એમ.ઓ.ના કહેવાતા અધિકારીએ કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને, સુરક્ષાકર્મીઓને, સુરક્ષા કેટલી પોકળ છે એ પોતાને જોખમે ભણાવી દીધું. કાલ ઊઠીને કોઈ કાશ્મીર સરહદે વડા પ્રધાન થઈને જઇ આવે તો આપણા સુરક્ષાકર્મીઓ તેને પણ સલામી ઠોકીને ફરજ બજાવે તો નવાઈ નહીં ! આખેઆખી સાંસદોની નકલી ટોળી સંસદ ભવનમાં દેશ ચલાવી કાઢે ને ઠરાવે કે દેશને ન્યાયતંત્રની જરૂર નથી, તો એમ થાય ને આપણા 140 કરોડ ઘેટાંઓ કુરનીશ બજાવે તો ‘આનંદ મંગલ કરું આરતી …’ ગાવાની જ બાકી રહે. આમાં અતિશયોક્તિ હશે, પણ આ ન જ થાય એવું નથી. આટલું ઓછું હોય તેમ ખાલિસ્તાનીઓએ માથું ઊંચક્યું છે. અમૃતપાલ સિંહનું સંગઠન સક્રિય થયું છે. પોલીસ પકડાપકડી કરે છે, તો ખાલિસ્તાન સમર્થકો ખુલ્લી તલવાર સાથે તેનો વિરોધ પણ કરે છે જે અનેક રીતે જોખમી ને ચિંતાજનક છે. આ જ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે જોખમ ઊભું થયું હતું ને એમણે અડધેથી પરત થવું પડ્યું હતું એ વાતને બહુ સમય થયો નથી. ટૂંકમાં, આ લક્ષણો કહેવાતા વિકાસના છે.

જો કે, ખરો વિકાસ તો સાંસદો કરી રહ્યા છે. એ ઈચ્છે ત્યારે વિપક્ષને પણ વિશ્વાસમાં લઈને સાંસદોનાં પગાર  પેન્શન વધારી શકે છે. હવે તો કોઈ એક દિવસ માટે પણ સાંસદ થાય તો તેનું પેન્શન શરૂ થઈ જાય છે ને તે ન હોય તો તેની ફેમિલીને પણ પેન્શન મળે છે. સાંસદ થવાથી બીજું કૈં થાય કે ન થાય, પેન્શન તો પાકું થઈ જ જાય છે. તે નિવૃત્ત થાય તો ય તેને એ.સી. ટ્રેનની ફર્સ્ટ ક્લાસ સુધીની મફત સુવિધાઓ મળે છે ને બીજી તરફ આપણો સિનિયર નાગરિક ટ્રેનની 40 ટકા સુધીની રાહત મેળવતો હતો, તે, રેલવે, કોરોનામાં ગરીબ થઈ જતાં અટકી ગઈ. આપણા સિનિયર્સ ઘણી બધી રીતે અપમાનિત થવા ને દયાજનક સ્થિતિમાં રહેવા લાચાર છે. તેને ન તો ડ્રાઇવિંગ લાઇસન્સ મળે છે કે ન તો કોઈ તેનો મેડિક્લેમ ઉતારવા રાજી છે. કેટલીક બેન્કો નિવૃત્ત કર્મચારીઓનો મેડિક્લેમ ઉતારવાની યોજના ઘડે છે ને ઘાટ એવો ઘડે છે કે વર્ષોવર્ષ પ્રીમિયમ વધે ને તે એવું કે 12 મહિનાનાં પેન્શનમાંથી દોઢ મહિનાનું પેન્શન તો મેડિક્લેમ ઉતરાવવામાં જ વપરાય છે જે ક્લેઇમ ન કરનારને કદી પાછું મળતું નથી. આજે તો વૃદ્ધોને કોઈ EMI પર લોન આપવા તૈયાર નથી કે નથી તો કોઈ નોકરી આપવા ય તૈયાર. જિંદગીભર બધી જાતના ટેક્સ ભર્યા હોય, પણ રિટાયર થયા પછી, પેન્શન, પગાર હોય તેમ ઇન્કમટેક્સ અને અન્ય ટેક્સને પાત્ર ઠરે જ છે.

રાજકારણમાં એક દિવસ માટે પણ કોઈ સાંસદ થાય તો તેને પેન્શન મળે, પણ કેટલા ય સિનિયર્સ 30-35 વર્ષની સળંગ નોકરી કર્યાં પછી પણ પેન્શન વગર બીજાની દયા પર જીવવા લાચાર છે. સિનિયર્સને એક જ અધિકાર બચે છે ને તે મતાધિકાર. ન ચલાતું હોય તો પણ તે ખેંચાઈને મત આપવા દોડે છે ને એવાઓને મત આપે છે જે તેને નિવૃત્તિ પછીના કોઈ લાભ આપવા તૈયાર નથી. પેન્શનમાં પણ કેવળ અરાજકતા જ જોવા મળે છે. રાષ્ટ્રીયકૃત બેન્કનો દાખલો લઇએ તો જ્યારે પગાર માટેનું સેટલમેન્ટ કરવાનું નક્કી થયું ત્યારે જ પેન્શન અપડેશનનું પણ સમાંતરે વિચારાવું જોઈતું હતું, પણ તેવું ન થયું ને આજે એવી સ્થિતિ છે કે પટાવાળાનું પેન્શન જનરલ મેનેજર કરતાં વધારે છે. પટાવાળાને વધારે મળે તેનો વાંધો નથી, પણ મેનેજરોને ઓછું પેન્શન મળતું હોય તો એ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ કે કેમ? રિઝર્વ બેન્કમાં આ ગરબડ થઈ ત્યારે ત્યાં પેન્શન અપડેટ થયું, પણ બીજી બેન્કો જોડેની આભડછેટ ચાલુ હોય તેમ એનો નિવેડો આવ્યો નથી, તો સીધું પૂછવાનું થાય કે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે રિઝર્વ બેન્ક કે સરકારને ના’વા નીચોવવાનો કોઈ સંબંધ છે કે કેમ? જો છે તો રિઝર્વ બેન્કનું પેન્શન અપડેટ થાય ને બીજી રાષ્ટ્રીયકૃત બેન્કોનું ન થાય એ કેવું? નાણાં મંત્રી પોતે નિવૃત્ત બેન્ક કર્મચારીઓની પેન્શન અપડેશનની માંગણી વાજબી છે એવું સ્વીકારે છે, પણ ત્રણથી વધારે વર્ષ થઈ જવા છતાં એમણે એ દિશામાં કૈં કર્યું નથી, ત્યારે આ ચાવવાના ને બતાવવાના જુદા કેમ છે તે નથી સમજાતું.

આની સામે સાંસદો, ધારાસભ્યોને પેન્શનની કેવી સગવડો છે, તે જોઈએ. મહારાષ્ટ્રના એક કાઁગ્રેસી સાંસદ સુરેશ ધનોરકરે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. અહીં પણ પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની વાત છે. હાલના સાંસદો અંગે એમાં સ્પષ્ટતા નથી. ધનોરકરનો ઝોક એવા સાંસદો તરફ વધુ છે, જે બધી રીતે સાધનસંપન્ન છે. તેમણે રાહુલ બજાજ, સંજય દાલમિયા, રેખા, ચિરંજીવી જેવાં અનેક ધનિક સાંસદોનું નામ દઈને પૂછ્યું છે કે એમને પેન્શન જરૂરી છે? લાખો જરૂરિયાતમંદોને પેન્શન મળતું ન હોય ત્યારે જેમને કોઈ રીતે પેન્શન જરૂરી નથી, એમને પેન્શનની લહાણી શું કામ? એ પણ જવા દઇએ, કોઈ પણ સાંસદ ક્યારે ય પેન્શન મેળવવા જેટલો ગરીબ હોતો જ નથી ને સાંસદ કે ધારાસભ્ય હોવું એ નોકરી નથી, તો પ્રશ્ન એ થાય કે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને પેન્શનનો લાભ શું કામ મળવો જોઈએ? ધનોરકરે પત્રમાં રોકડું કર્યું છે કે લોકસભા ને રાજ્યસભાના લગભગ 4,800 પૂર્વ સાંસદો એવા છે જેમની પાછળ દર વર્ષે 70 કરોડ ફક્ત પેન્શનનાં ચૂકવાય છે. એમાં પણ 300 એવા છે જેમનાં મૃત્યુ પછી તેમનાં કુટુંબીજનોને પેન્શન ચૂકવાય છે. અહીં સૂચવાયા તે ઉપરાંત ઘણાં સાંસદો એવા છે, જેમની આવકનો આંકડો કરોડોમાં છે. 2019ની લોકસભાની ચૂંટણી જીતનારા 539માંથી 475 સાંસદો કરોડપતિ છે, પણ કોઈ માઈનો લાલ પેન્શન જતું કરવા તૈયાર નથી. આમાં સૌથી શરમજનક તો એ છે કે લાખો સિનિયર્સને રૂપિયાનું પેન્શન નથી ને હવે તો કોઈ નોકરી પેન્શનવાળી લગભગ રહી જ નથી, ત્યાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદનું પેન્શન એક જ વ્યક્તિ મેળવતી હોય એવા દાખલાઓની નવાઈ નથી. એક જ વ્યક્તિ એકથી વધુ પેન્શન મેળવતી હોય એવું રાજકારણમાં જ છે. એનાં પરથી જ આ દેશસેવકો સેવા કેટલી કરતાં હશે તે સમજી શકાય એવું છે. વારુ, આ સેવકો જ્યારે પદ પર હોય છે ત્યારે તેમને પગારની, પ્રવાસની, ભથ્થાંની અનેક સુવિધાઓ હોય જ છે ને તે પણ બધી કરમુક્ત. એ પછી પેન્શનની સુવિધા તો ખરી જ. આવી રાજવી સગવડો પછી પણ અનેક બીજી આવકો તો ખરી જ, જેનો કોઈ હિસાબ નહીં, તો ય એમ લાગે છે કે દેશમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો જ છે. એમણે કોઈ ટેક્સ ભરવો નથી કે એમને જ એકથી વધુ પેન્શનનો વાંધો નથી. એમને એ સવાલ નથી થતો કે સાંસદ હોવામાં કોઈ નોકરી નથી થતી, તો નોકરી પછીનું પેન્શન લેવાય કેવી રીતે? તે પણ એક જ દિવસ માટે સાંસદ થયા હોય તો પણ?

એક તરફ સાંસદો રૂપિયો છોડવા તૈયાર નથી, જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવી વિભૂતિ પણ હતી જે પોતાનો અડધો પગાર રાષ્ટ્રીય ફંડમાં જમા કરાવી દેતી હતી. એ કોઈ રીતે અમીર ન હતા, તે ત્યાં સુધી કે એમના અંતિમ દિવસોમાં માંદગીનો ખર્ચ ઉપાડવાની પણ એમની સ્થિતિ ન હતી ને એ જ સ્થિતિમાં એમણે જીવન સંકેલવું પડ્યું હતું. લાલબહાદુર શાસ્ત્રી આપણા બીજા વડા પ્રધાન હતા ને તેમની સાદગી એટલી હતી કે એમના મૃત્યુ સમયે એમને માથે દેવું હતું. ગુલઝારીલાલ નંદા પણ વડા પ્રધાન હતા. નિવૃત્તિ પછી એ સરકારી આવાસમાં ન રહ્યા ને ગુમનામીની એવી જિંદગી એમણે પસંદ કરી કે મકાનનું ભાડું ચૂકવવાની પણ એમની હાલત ન હતી ને મકાન માલિકે એ કારણે એમને અપમાનિત પણ કર્યા હતા. એ તો પછી કોઈએ સરકારનું ધ્યાન દોર્યું ને મામલો થાળે પડ્યો હતો. આવા મહાનુભાવો બીજા પણ હશે જ, પણ આવી કલ્પના આજના કોઈ કોર્પોરેટર માટે થઈ શકે એમ નથી. આજનો કોઈ સાંસદ અડધો પગાર લેવા તૈયાર છે? કોઈ સાંસદ દેવાદાર ગુજરી જાય એવી તો હવે કલ્પના પણ થઈ શકે એમ નથી. એમ કોઈ ગુજરી જાય એવું કોઈ ઇચ્છતું પણ નથી, પણ જે ગણતરી ને સ્વાર્થ આજે સપાટી પર આવ્યાં છે એણે નિસ્વાર્થ ને નિષ્ઠાને આઉટડેટેડ કરી મૂક્યાં છે ને ચિંતાજનક કૈં હોય તો તે એ –

આ બધું દેશની સૌથી વિશ્વસનીય ગણાતી સંસદમાં છે. અહીં કોઈ ધારાસભ્ય કે સાંસદ પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. કોઈએ કૈં બગાડયું નથી, પણ જે દેખીતો ભેદ જણાય છે તે તરફ ધ્યાન માત્ર દોરવાનું છે. દેશનો વરિષ્ઠ નાગરિક વર્ષોની સેવા પછી નિવૃત્ત થાય ને તેને જીવવાનું અઘરું થઈ પડે, જીવવા જેટલું પેન્શન પણ ન મળે, એટલું જ નહીં, પેન્શન નાબૂદ કરવાની વાતો ચાલતી હોય, બધા જ ટેક્સ ભર્યા હોય ને અંતિમ વર્ષોમાં પણ તેનો ટેક્સમાંથી છૂટકારો ન થતો હોય ને બીજી તરફ ટેક્સનો કોઈ બોજ ઉઠાવ્યા વગર લાખોનો પગાર સાંસદો, ધારાસભ્યોને નામે ચડતો હોય, એકાદ દિવસની સેવા પછી એકથી વધુ પેન્શનનો હક મળતો હોય, તો ક્યાંક તો કશુંક ખોટું થાય છે, એવું ખરું કે કેમ?

જો કશુંક, ક્યાંક પણ ખોટું હોય તો તે દૂર થાય, તે અંગે ગંભીરતાથી વિચારાય એટલું જ અહીં સૂચવવાનું છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 માર્ચ 2023

Loading

...102030...1,2011,2021,2031,204...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved