Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2025

વિભાજન

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ–શીખ અહીં પહોંચ્યા નહીં. 

પ્રકાશ ન. શાહ

14મી ઓગસ્ટને વિભાજનની વિભીષિકા દિવસ તરીકે મનાવવાની જાહેરાત સાથે ભા.જ.પ. નેતૃત્વ ઓર આગે વધી રહ્યું છે. એને પક્ષીય ઉજવણીથી (અને એ રીતે કાઁગ્રેસમુક્ત ભારત તેમ કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ની કોશિશથી) ધરવ નથી. પ્રાથમિક ને માધ્યમિકનાં વરસોમાં સત્તાવાર ધોરણે તે આ બાબત અભ્યાસક્રમમાં સુનિશ્ચિત કરવા માગે છે, અને એ રીતે કશોક પક્ષીય વિચારધારાકીય હેતુ અંકે કરવા ઇચ્છે છે. 

હજુ ગયે અઠવાડિયે જ અભ્યાસકાળમાં પાર્ટિશન હોરર્સ દાખલ થઈ શકે તે દૃષ્ટિએ સરકારી સૂચનાથી એન.સી.ઈ.આર.ટી.એ તૈયાર કરેલ મોડ્યુલની વિગતો પણ પ્રકાશમાં આવી છે. અલબત્ત મોડ્યુલને છેડે એણે શાણી વાત જરૂર કરી છે કે કાઁગ્રેસ વગર મુસ્લિમ લીગ કોઇને ય સાગમટે બધો દોષ ન ખતવાય તે સારુ સમગ્ર ઇતિહાસ જાણવો સમજવો જરૂર છે. 

ભલે ભાઈ. પણ આ શાણીસોજ્જી વાત છતાં એન.સી.ઈ.આર.ટી. ગણાવે છે ત્રણ જવાબદારો – એક, ઝીણા ને લીગ, કેમ કે એમણે પાકિસ્તાનની એટલે કે ભાગલાની માગણી કરી. બે, કાઁગ્રેસ, કેમ કે એણે છેવટે ભાગલાનો નિર્ણય કબૂલ રાખ્યો. ત્રણ, લોર્ડ માઉન્ટબેટન, કેમ કે એમણે ભાગલાનો વિધિવત અમલ કીધો. 

સબૂર. આમાં ભા.જ.પ.-જનસંઘના પૂર્વસૂરિઓ ક્યાં છે? હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં હતા. આ દિવસોમાં? અને હા, હમણાં પેટ્રોલિયમ ખાતાએ માથે સાવરકર (ને પછી ગાંધી વ.) એવું જે પોસ્ટર પ્રસારિત કર્યું છે તેના વીરનાયક એટલે કે સાવરકર ક્યાં હતા ત્યારે? ઇતિહાસમાં નોંધાયું છે કે સાવરકરનો હિંદુત્વ થિસીસ વીસમી સદીના ત્રીજા દસકાનાં પૂર્વાર્ધમાં બહાર આવી ચૂક્યો હતો. સ્વરાજની ચળવળથી સલામત અંતર રાખવાની સમજૂતી સાથે બહાર આવેલા અંગ્રેજ સરકારના પેન્શનર સાવરકરે 1937માં હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનની અધ્યક્ષીય રજૂઆતમાં સાફ સાફ કહ્યું હતું કે આપણે (હિંદ/ઇન્ડિયા) એક રાષ્ટ્ર નથી, વધુ રાષ્ટ્રો છીએ – ઓછામાં ઓછા હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો તો અહીં છે જ. મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ તે પછી, 1940માં આવ્યો. આ ઠરાવ ફઝલૂલ હકે રજૂ કર્યો હતો, અને હકને બંગાળમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન એક મંત્રી તરીકે મળી રહેલો સધિયારો હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો. આ જ મુખર્જી પછી સંઘ નેતૃત્વ સાથેની ગોઠવણપૂર્વક જનસંઘના સ્થાપક – પ્રમુખ બનવાના હતા. 

વાસ્તવિકતા એ છે કે કાઁગ્રેસ ખેંચી શકી ત્યાં સુધી એણે ‘આપણે સૌ હિંદીઓ’ને ધોરણે વાત કરી. મુસ્લિમ લીગે ‘મુસ્લિમ’ હોવાના ધોરણે તો સંઘ-હિંદુ મહાસભાએ ‘હિંદુ’ હોવાને ધોરણે. કાઁગ્રેસની ચૂકના પ્રસંગો ગણાવી શકાય, પણ ‘આપણે એક રાષ્ટ્ર નથી’ એવી પાયાની જે ચૂક લીગ અને સંઘ-હિંદુ મહાસભાની હતી, એનીયે ભૂમિકા ખસૂસ છે જ. ભાગલા વખતે રજવાડાને ભારત/પાકિસ્તાનમાં ભળવાનો અગર સ્વતંત્ર હોવાનો જે વિકલ્પ હતો તે દરમિયાન કાશ્મીરના હરિસિંહ સ્વતંત્ર  રાજ્ય તરીકે ‘હિંદુ રાજ્ય’ની ભૂમિકા લે તે માટે એક તબક્કે હિંદુ મહાસભા ઉત્સાહી હતી જેમ એણે ત્રાવણકોર – કોચીનની સ્વતંત્ર રાજ્ય તરીકેની જાહેરાતને ય ‘હિંદુત્વ’ છેડેથી આવકારી હતી. (ચોક્કસ શકવર્તી ગાળા દરમિયાન હિંદુ મહાસભા અને સંઘનું રજવાડાં-સંધાન તપાસ ને અભ્યાસની બાબત છે.)

સંહાર અલબત્ત અમાનવીય બીના જ છે. પણ એની એકતરફી રજૂઆતમાં ઇતિહાસનો બોજ હશે, બોધ નથી. મોડ્યુલમાં જણાવ્યું છે કે આશરે દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા અને કમ સે કમ છ લાખ લોકો માર્યા ગયા. પણ જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો) ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ-શીખ અહીં પહોંચ્યા નહીં. 

તો, લમ્હોંમાં ખાયેલી ખતા સબબ સદીઓમાં કિંમત ચૂકવવાની ગાંઠ બાંધીને નીકળેલું નેતૃત્વ જરી જપ્તમાં ઝાંખે અને લગાર પોરો ખાઈ ડગલું ભરે તો શો વાંધો છે, ભાઈ? કાશ, વિભીષિકાની મૂઠ ને મૂર્છા ઉતરે અને કારુણિકાની સંજીવનીનો સ્પર્શ થાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025

Loading

હું મારો નિર્ણય નહી બદલું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|21 August 2025

રઘુનાથજી દવે એટલે કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતોના માનવી. રઘુનાથજી એક મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતા. કરોડો રૂપિયાનો વહીવટ તેમની રાહબરી નીચે થતો હતો. કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય આખરી નિર્ણય ગણાતો. કંપનીનાં માલિક રાજનભાઈ કોઠારી પણ તેમના નિર્ણયને ક્યારે ય ફેરવતા નહીં. આ બાબતે કંપનીમાં ઘણી વખત ચર્ચાઓ પણ થતી કે રઘુનાથજીએ માલિકને પણ વસમાં કરી લીધા છે. એ માલિક છે તેમણે પણ રઘુનાથજીનાં નિર્ણયને અનુમતિ આપતા પહેલાં આપણી સાથે ચર્ચા કરવી જોઈએ. 

રાજનભાઈ કોઠારીને એમે જ કંઈ રઘુનાથજી પર આટલો ભરોસો નહોતો. ભૂતકાળમાં કેટલી ય પરીક્ષઓમાંથી રઘુનાથજી પાસ થયેલાં હતા. એક વખત રઘુનાથજીની આકરી પરીક્ષા થાય એવો બનાવ બન્યો. રાજનભાઈ કોઠારીના એક નજીકના મિત્રએ ૧૦૦ કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડર ભર્યું હતું. તેને પૂરો વિશ્વાસ હતો કે એ રાજનનો મિત્ર છે એટલે ટેન્ડર તો તેને જ મળશે, પણ તેના બદલે બીજી કંપનીનું ટેન્ડર પાસ થયું. આખો ય પ્રશ્ન રાજનભાઈ પાસે આવ્યો. રાજનભાઈએ વિચાર્યું કે વિના કારણ રઘુનાથજી મારા મિત્રનું ટેન્ડર નામંજૂર ન કરે; મારે કારણ જાણવું પડશે. રાજનભાઈએ રઘુનાથજીને ચેમ્બરમાં બોલાવ્યા અને પૂછ્યું કે `તમે મારા મિત્રનું ટેન્ડર શા માટે નામંજૂર કર્યું? મેં આજ સુધી તમારા નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો પણ આજે મારે માટે કારણ જાણવું છે.`

`રાજનભાઈ —` 

રાજનભાઈએ રઘુનાથજીને કહ્યું હતું કે `તમારે મને સાહેબ કે બોસ નહીં કહેવાનું તમારે મને રાજન કહેવાનું હું તમારાથી નાનો છું.` ત્યારે રઘુનાથજીએ કહ્યું હતું, કે “તમે નાના છો એ વાત સાચી, પણ આ કંપનીનાં માલિક છો, એ વાત પણ મારે ધ્યાનમાં રાખવી પડે; તો હું તમને રાજનભાઈ કહીશ.”

`— તમે અત્યાર સુધી મારા કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો; તો આ માટે પણ કારણ જાણવાનું રહેવા દો.`

` ના મારે કારણ જાણવું છે.`

`રાજનભાઈ તમારા મિત્રએ મને બે કરોડની ઓફર કરી હતી; મારા સિદ્ધાંતને જાણતા હોવા છતાં; જે માણસ મને પૈસાની ઓફર કરે એ બીજું શું ન કરી શકે; એમ માનીને મેં એ નામંજૂર કર્યું. મેં કંઈ ખોટું નથી કર્યું; મેં આ કંપની પ્રેત્યેની મારી નૈતિક જવાબદારી નિભાવી છે.`

પણ આજે હકીકત જુદી હતી. રઘુનાથજીની ફરજનિષ્ઠાની કસોટી થાય એવી વાત હતી. રાજનભાઈનો દીકરો દીપેન વિદેશમાં અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો અને રાજનભાઈએ તેને રઘુનાથજી પછીની કંપનીમાં પોસ્ટ આપવાની સૂચના આપી હતી. રઘુનાથજી દીપેનના બધાં જ અપલખણ જાણતા હતા એટલે તો તેને વિદેશ અભ્યાસ માટે મોકલ્યો હતો. દીપેનનું કંપનીમાં જોડાવાથી કંપનીને ખૂબ નુકશાન થવાની ભીતિ રઘુનાથજીને દેખાતી હતી. એક નિર્ણય કરીને એ રાજનભાઈની ચેમ્બરમાં ગયા અને કહ્યું.

`રાજનભાઈ, હું દીપેનને કંપનીમાં તમે કહી એ પોસ્ટ પર નિમણૂંક નહીં આપી શકું.`

`રઘુનાથજી, તમે કોને અને કોના માટે ના કહો છો એ ખબર છે ને? તમારી નોકરી પણ જઈ શકે છે. તમારે એક વરસ બાકી છે, શાંતિથી નોકરી કરો ને. “હું મારો નિર્ણય નહીં બદલું.”

`તો, રાજનભાઈ, આ મારું રાજીનામું; તમે પણ દીપેનનાં અપલખણ જાણો છો; તમને આ બધી ખબર છે; છતાં આવો આગ્રહ શા માટે? પુત્રપ્રેમ અને બિઝનેસ સાથે ન રાખો તો સારું. “હું મારો નિર્ણય નહીં બદલું” એમ કહીને રઘુનાથજીએ રાજીનામું રાજનભાઈને આપ્યું. 

રાજનભાઈએ એક ક્ષણ રઘુનાથજી સામે જોઈને રાજીનામું ફાડી નાખ્યું.` રઘુનાથજી, એક વરસ પછી હું તમારી જેવો માણસ ક્યાં શોધીશ કે જે વ્યક્તિ કંપનીનાં હિત માટે માલિકને પણ સાચી હકીકત જણાવી શકે; સિદ્ધાંત માટે પોતાની નોકરી પણ છોડી શકે.`

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

વાડ રંગવા ઊભેલા છોકરાની અમર વાત

દીપક મહેતા|Opinion - Literature|20 August 2025

ગ્રંથયાત્રા – 10

લાકડાનાં ખપાટિયાં ખોડીને બનાવેલી વાડ. બાજુમાં ઊભો છે એક છોકરો. પાસે ભોંય પર સફેદ રંગનો ડબ્બો. છોકરાના હાથમાં રંગ કરવાનું બ્રશ. આવી, સાવ મામૂલી લાગે એવી સામગ્રી. પણ દુનિયા આખીની નવલકથાઓમાં અમર, અપૂર્વ, અદ્વિતીય, પાત્ર અને પ્રસંગ તેમાંથી નિપજાવ્યાં એક અમેરિકન સર્જકે. એનું નામ માર્ક ટ્વેન. અને પેલા છોકરાનું નામ? યુરપ-અમેરિકામાં લાખો છોકરાઓનું જે હોય છે તે, ટોમ. ટોમ સોયર. 

અમેરિકન સાહિત્યની અમર નવલકથા ‘એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’નો આ ટોમ ભારે તોફાની. આન્ટ પોલીના ઘરમાં રહે. સાવકો ભાઈ સીડ, ડાહ્યો ડમરો, પણ ભારે ચુગલીખોર. ટોમનાં તોફાનોની રોજ ચાડી ખાય કાકી પાસે. પરિણામે ટોમને મળે સજા, સીડ ને પડે મજા. ઘરમાં એક છોકરી, મેરી. મિસિસિપી નદીને કિનારે આવેલા એક નાના ગામમાં એ બધાં રહે. ગામનું નામ સેન્ટ પીટર્સબર્ગ. ગામ એટલું નાનું કે બધાં એકબીજાને  ઓળખે. 

ટોમને નિશાળ સાથે બારમો ચંદ્રમા. ગુટલી મારી ભિલ્લુઓ સાથે ગિલ્લીદંડા રમે. ગામનો ઉતાર ગણાતો હકલબરી ફિન ટોમનો જિગરજાન દોસ્ત. રાતે ઘરમાં બધાં સૂઈ જાય પછી ટોમ ભાઈ ભાગે, અને હક સાથે તોફાનમસ્તીના રોજ નવા ખેલ માંડે. ટોમ તોફાન મસ્તી કરે, પણ એવી રીતે કે પકડાય નહિ. હા, પેલો સીડીયો ચાડી ખાય ત્યારે જુદી વાત. એક દિવસ ટોમે નિશાળમાં દાંડી મારી ને ઊપડ્યો તરવા. પણ ઘરમાં સીડે વાતનો ધજાગરો ફરકાવ્યો. કાકી રાતી પીળી. ટોમને સજા કરી: લે આ રંગનું ડબલું ને બ્રશ. સાંજ સુધીમાં ઘરની આખી વાડ રંગાઈ જવી જોઈએ. 

હવે આવી ઊઠવેઠ કરવાનો તો ટોમને ભારે કંટાળો. પણ ગાતાં ગાતાં, હસતાં હસતાં વાડ રંગવા માંડ્યો. જાણે ગોળનું ગાડું ન મળ્યું હોય! જોતજોતામાં તો ડઝનબંધ દોસ્તારો ઘેરી વળ્યા. બધા કહે: ‘અમનેય રંગવા દે ને ટોમ!’ એક ને કહ્યું, પાંચ લખોટી આપ, બીજા પાસેથી લીધી દસ કોડી, ત્રીજા પાસેથી લીધી લંગરની દોરી, અને બદલામાં બધાને વાડ રંગવાનો ‘લહાવો’ થોડી થોડી વાર આપ્યો. અને ટોમ ભાઈ થોડે દૂર, ઝાડની છાયામાં જઈને નિરાંતે બોરાં ને જમરૂખ ખાવા લાગ્યા. સાંજ પડી. રંગેલી વાડ જોઇને કાકી ખુશ. ખાઈ પીને, આરામ કરીને ટોમ ભાઈ પણ ખુશ ખુશ.

ટોમની સ્કૂલમાં બેકી થેચર નામની એક ફૂટડી છોકરી પણ ભણે. ગામના ન્યાયાધીશની એકની એક દીકરી, એટલે ભારે એંટુ. પણ આ કુડી ટોમની આંખમાં વસી ગઈ. બેકી પણ પાણી પાણી. પણ પછી ટોમ ભાઈએ જરા બાફ્યું. કહે, એમી લોરેન્સ પણ મને તારા જેટલી જ ગમે છે. બસ, બેકીએ તો કરી કિટ્ટા. આ દુઃખ દૂર કરવા ટોમ એક રાતે હકને લઈ પહોંચી ગયો ગામના કબ્રસ્તાનમાં, જંતરમંતર ને મેલી વિદ્યા શીખવા. ત્યાં ગુંડાઓને હાથે એક ડોક્ટરનું ખૂન થતું જોઈ ગયા બંને. ગુંડાને એમ કે અહીં કોઈ હાજર નથી એટલે ખૂન કોણે કર્યું તે ખબર નહિ પડે.પણ આ બધ્ધું ટોમ અને હકે છુપાઈને જોયેલું. પણ બંનેને ગુંડાની બીક. એટલે નક્કી કર્યું કે જોયું તેની વાત કોઈને ન કરવી. 

પછી નિશાળ, ને કાકી, ને સીડથી વાજ આવીને ટોમે ત્રણ દોસ્તોની ચાંચીયા ટોળી બનાવી. હક તો હોય જ, ને ત્રીજો હતો હાર્પર. નદીની વચમાં આવેલા જેક્સન ટાપુ પર જઈ આખી દુનિયા સામે બહારવટું માંડવાનાં સપનાં જોવા લાગ્યા. પણ સાંજ સુધીમાં તો ગામ આખામાં કકળાટ. ત્રણ છોકરાઓ ગયા ક્યાં? કોઈએ કહ્યું કે નદીમાં તરતા જોયેલા. બસ, થઈ રહ્યું. લોકોએ માની લીધું કે ત્રણે ડૂબી મૂવા. નદીમાં તેમનાં મડદાંની શોધાશોધ. પણ શબ મળ્યાં નહિ એટલે સવારે ગામના દેવળમાં બધા ભેગા થયા અને ત્રણેના આત્માને શાંતિ આપવા પરમ કૃપાળુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા લાગ્યા. એ જ વખતે ત્રણે છોકરાઓ આરામથી ચાલતા ચાલતા દેવળમાં દાખલ થયા. ગામ લોકો તો ડઘાઈ ગયા. આ છોકરાઓ ખરેખર જીવે છે કે પછી આ તેમનાં ભૂત છે?

બસ, તે દિવસથી ત્રણે છોકરા ગામ લોકો માટે હીરો બની ગયા. પણ પેલી બેકી, ટોમ તો જાણે મગતરું હોય એમ જ વર્તે. એક દિવસ રિસેસમાં માસ્તરની ચોપડી લઈને બેકી વાંચવા બેઠી. ટોમને થયું, મોટી ભણેશરી ન જોઈ હોય તો! બિલ્લીપગે પહોંચ્યો બેકી પાસે અને તેના હાથમાંની ચોપડી ખેંચી. ગભરાયેલી બેકીએ બમણા જોરથી સામી ખેંચી. એટલે ચોપડી ગઈ ફાટી, થયા બે ટુકડા. રિસેસ પછી પોતાની ચોપડીના હાલ જોઈ માસ્તર તો રાતાપીળા. બેકીને સજા કરવા જતા હતા ત્યાં ટોમે ઊભા થઈને કહ્યું, કે ચોપડી બેકીથી નહિ, મારાથી ફાટી છે. માસ્તરે ટોમને સજા કરી. બીજાં છોકરાં હસતાં હતાં, પણ બેકી મનમાં રડતી હતી. ના, ના. છોકરો છે તો સારો. હું તેને હડેહડે કરતી હતી તો ય પોતે ગુનો ઓઢી લઈ મને બચાવી લીધી. આજથી આપણે બે … 

પણ એ બેના મન મળે ન મળે ત્યાં તો આડું આવ્યું વેરી વેકેશન. વળી એ જ વખતે પેલા ડોકટરના ખૂનનો કેસ પણ અદાલતમાં નીકળ્યો. સાક્ષી તરીકે હાજર થઈ ટોમે કહ્યું કે ડોક્ટરનું ખૂન બદમાશ ગુંડા જોએ કર્યું છે, અને ખૂન કરતો મેં તેને નજરોનજર જોયો હતો. આ બોલ કાને પડતાં જ જો અદાલતમાંથી ભાગી છૂટ્યો. ટોમ અને હકના પેટમાં પડી ફાળ. હવે નક્કી આ ગુંડો આપણો જીવ લેવાનો. પણ સખણો બેસી રહે તો એ ટોમ શાનો. કાર્ડિફ હિલ પરના એક ભૂતિયા બંગલામાં મોટો ખજાનો દાટ્યો છે એવા વાવડ મળતાં બંને દોસ્તો ત્યાં પહોંચ્યા. ત્યાં વેશપલટો કરેલો ગુંડો જો એક જોડીદાર સાથે આવી પહોંચ્યો. ટોમે તેને તરત ઓળખી લીધો. પણ એ બંનેનું ટોમ તરફ ધ્યાન નહિ. કારણ તેમને ઉતાવળ હતી છસ્સો ડોલર ભરેલી એક કોથળી બંગલામાં સંતાડવાની. પણ તેમ કરવા જતાં બંને ગુંડાના હાથમાં બંગલામાં દાટેલો ખજાનાનો પટારો આવી પડ્યો. બંનેએ પોતાનો ચોરીનો માલ ‘નંબર ટુ, અંડર ધ ક્રોસ’ સંતાડવાનું નક્કી કર્યું. ટોમ અને હક એ બધી વાત સાંભળી ગયા. 

પછી સ્કૂલની પિકનિક દરમ્યાન ટોમ અને બેકી બધાથી અલગ થઈ એક ગુફામાં જાય છે, પણ ભૂલાં પડી જાય છે. સાથેનું ખાવાનું ખૂટી પડે છે. પોતાની પાસેની મીણબત્તીઓ બાળી બાળીને બહાર નીકળવાનો રસ્તો શોધે છે. હવે છેલ્લી મીણબત્તી બળતી હતી. તેના અજવાળામાં થોડે દૂર એક માણસ દેખાય છે. પણ ટોમને જોઈ એ તો મુઠ્ઠીઓ વાળી નાસવા લાગે છે. કારણ એ હતો ગુંડો જો. છેવટે મીણબત્તી બુઝાવાની તૈયારીમાં હતી ત્યાં એક ડોકાબારી દેખાય છે. ટોમ અને બેકી તે વડે ગુફામાંથી બહાર આવે છે. ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે બેકીનો જજ બાપ ગુફાનું મો બંધ કરાવી દે છે, અને અંદર છુપાયેલો ગુંડો જો મરી જાય છે. ટોમ અને હક તેણે છુપાવેલો ખજાનો શોધી કાઢે છે. 

ગામની એક વિધવા બાઈ બંનેને રહેવા ઘર આપે છે અને તેમના ભણતરનો બધો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવે  છે. કારણ અગાઉ બંને દોસ્તોએ આ બાઈનો જીવ બચાવેલો. પણ ટોમ અને હક વિનયપૂર્વક તેની ઓફર નકારે છે અને કહે છે કે હવે અમારા બધા જ પ્રશ્નો જાતે ઉકેલી શકીએ એટલા પૈસા અમારી પાસે છે. પોતાને મળેલો મોટો ખજાનો પેલી વિધવા બાઈને બતાવે છે. તેને ઘરેથી પાછા ફરતાં બંને દોસ્તો ભવિષ્યની યોજનાઓ ઘડે છે : હવે તો બનવું છે એવા ચાંચીયા, કે જેના નામ માત્રથી આખી દુનિયા થથરે. 

આ અદ્ભુત કથાનો એવો જ અદ્ભુત અનુવાદ કર્યો છે આપણા સમર્થ સર્જક ધીરુબહેન પટેલે.   

XXX   XXX   XXX

20 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...119120121122...130140150...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved