Opinion Magazine
Number of visits: 9458250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઊંચાઈ’ : શિખર પર પ્રગટતી સાંસારિક ઉદાસીની રળિયામણી ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 November 2022

‘ઊંચાઈ’ જોઈ. જોવા જેવી છે. કોઈ પર્વત પોતાને જોવા આવવાનું કહેતો નથી. હિમાલય પર કોઈ જાય કે ન જાય, હિમાલયને ફરક પડતો નથી. એ તો એની બર્ફિલી સાધનામાં મસ્ત છે. માણસ પણ પહાડોમાં ન જાય તો એનું રૂટિન ખોરવાતું નથી, પણ રૂટિન ખોરવીને પણ એ હિમાલયનાં દર્શને નીકળી પડે છે એ પણ ખરું. એ સાધુ નથી એટલે સંસાર પણ ખીણમાંથી પહાડો સુધી ખેંચાઈ આવે છે. બલકે, એ ખટમીઠો સંસાર જ એને એ ઊંચાઈ આંબવા પ્રેરે છે. અહીં સગવડો નથી. કારની ગતિ નથી. ટ્રેનની ઝડપ નથી. એક એક ડગલું શ્વાસને બરફ બનાવતી સ્થિતિમાં જાતે જ માંડવાનું હોય છે. આપણે કોઈના વતી હોઈએ તો પણ, કોઈ અહીં આપણા વતી નથી. બધા અહંકારો બાજુ પર મૂકીને, જાતને નમાવીને જાતે જ આગળ વધવાનું હોય છે. ઝૂકો નહીં તો શિખર સુધી પહોંચાતું નથી. ખરેખર તો આપણે જ પર્વત સુધી જવાનું હોય છે, પર્વત સામે તેડવા આવે એવું બનતું નથી. એ તો કહે જ છે કે ઈચ્છા હોય તો આવો  ને ન હોય તો ઘર તો બોલાવે જ છે …

‘ઊંચાઈ’ જોતાં આવું કૈંક અનુભવાયું.

રાજશ્રી પ્રોડક્શનની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ફિલ્મો ઘણુંખરું તો સામાજિક રીતરિવાજોની ફિલ્મો રહેતી. તે લોકોનાં મનોરંજન માટે જ બનાવાઇ, પણ ‘ઊંચાઈ’ સૂરજે પોતાને માટે બનાવી છે, એવું એમણે જ કહ્યું છે ને એ ફિલ્મ દરમિયાન અનુભવાય પણ છે. એક જ લીટીમાં કહેવું હોય તો કહેવાય કે આ ફિલ્મ સિત્તેર, એંશીની આસપાસના ત્રણ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી કેવી રીતે પહોંચે છે તેની વાત કરે છે. પણ, વાત એટલી જ નથી. ચાર મિત્રોની એકબીજા પ્રત્યેની લાગણીની આ ફિલ્મ છે. અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ શર્મા (અનુપમ ખેર), જાવેદ સિદ્દિકી (બમન ઈરાની) અને ભૂપેન બરૂઆ (ડેની ડોંગ્ઝપ્પા) આ ચાર મિત્રો ભૂપેનની વર્ષગાંઠે પાર્ટીમાં ભેગા થાય છે ને અહીં ભૂપેન અગાઉ ઘણીવાર કહી ચૂકેલો તે વાત, માઉન્ટ એવરેસ્ટ જવાની, ફરી દોહરાવે છે ને મિત્રો પોતાની ઉંમરને જોતાં એ વાત નકારતા રહે છે. અચાનક ભૂપેનનું મૃત્યુ થાય છે ને આઘાત પામેલા મિત્રો નક્કી કરે છે કે ઉંમર, માંદગી ને બીજા અનેક પ્રશ્નો છતાં ભૂપેનની આખરી ઈચ્છા એવરેસ્ટ બેઝ કેમ્પ જવાની પૂરી કરવી. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધા(પરિણતિ ચોપરા)ની દોરવણી હેઠળ અન્યોની સાથે આ મિત્રો વિમાન માર્ગે હિમાલયની ખીણમાં ઊતરે છે. ખીણમાં ઊતરે છે એ સાથે જ આ બધાં પોતાનાં સંસારની સ્મૃતિમાં ય ઊતરે છે. જેમ કે એવરેસ્ટ જતાં પહેલાં લખનૌમાં રહેતી દીકરીને સાસરે ઓચિંતા પહોંચીને જાવેદ અને તેની પત્ની શબીના (નીના ગુપ્તા) ને આ મિત્રો, વર્ષગાંઠ નિમિત્તે સરપ્રાઈઝ આપવા માંગે છે, પણ દીકરીએ તેનાં ગ્રૂપમાં પાર્ટી અગાઉથી ફિક્સ કરી દીધી છે ને સરપ્રાઇઝની સામે સરપ્રાઈઝ મળતાં અગવડ એવી ઊભી થાય છે કે આ મિત્રોએ હોટેલ શોધવી પડે છે. માર્ગમાં માલા ત્રિવેદી (સારિકા) જોડાય છે. તેને એર ટિકિટ ભૂપેને મોકલી છે. ભૂપેનની તે પર્વતી મિત્ર/પ્રેમિકા છે. એ જ કારણ છે કે ભૂપેન પરણ્યો નથી ને માલા પરિસ્થિતિવશ પરણી જાય છે, પણ ભૂપેનને તે વર્ષો પછી પણ ભૂલી નથી, જો કે, આ મિત્રો માલાને, ભૂપેન માટે જવાબદાર ગણે છે ને તેને બહુ ભળવાથી દૂર રાખે છે. ઓમ શર્મા ગોરખપુરમાં પૂર્વજોની પોતાની હવેલી છે, તેમાં રહેવાની વાત કરે છે ને ભવ્ય હવેલીનો ફોટો પણ બતાવે છે, પણ વર્ષો પછી પાછા ફરેલા ઓમને હવેલી બિસ્માર હાલતમાં જોવા મળે છે ને ઘર છોડીને નીકળી ગયેલા ઓમને આવકારમાં ઠપકો મળે છે. અમિત શ્રીવાસ્તવ લેખક છે અને લોકપ્રિય રહેવા જે લખવું પડે તે લખે છે. મતભેદ થતાં પત્ની ઘણા સમય પહેલાં અલગ રહેવા ચાલી ગઈ છે. જાવેદની પત્ની શબીનાથી છુપાવીને આ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ જવા નીકળ્યાં છે, પણ તે જાણી જાય છે ને ઝઘડો છતાં, જાવેદ, પત્નીને નારાજ કરીને અમિત અને ઓમ સાથે એવરેસ્ટ માટે નીકળી પડે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધાના પિતા અમિતથી પ્રભાવિત છે ને તેને આદર્શ માનીને શ્રદ્ધાને અમિતનાં પુસ્તકો વાંચવા આપે છે, પણ તેને એમાં ભરોસો પડતો નથી. અમિતને પણ પોતાની પોકળતા સમજાય છે ને તે, તે હજારો પ્રશંસકો સમક્ષ જાહેર પણ કરે છે. આ વાતે શ્રદ્ધા પ્રભાવિત થાય છે ને નાદુરસ્ત તબિયતને કારણે ત્રણે વૃદ્ધોને પરત મોકલવાનો પોતાનો નિર્ણય બદલે છે. બેઝ કેમ્પ સુધીનો જોખમી માર્ગ અનેક મુશ્કેલીઓ વચ્ચે પાર પડે છે એ પછી બર્ફીલી સફેદીમાં ભૂપેનની રાખનું વિસર્જન થાય છે. એ દૃશ્ય હૃદયસ્પર્શી છે. અમિત, ભૂપેનની રાખને હવામાં છોડે છે. ઓમ પણ એમ જ રાખ વિસર્જિત કરે છે. જાવેદ ઘડાને ચૂમે છે ને ડૂસકાતી આંખે રાખ છોડે છે, પછી એ ઘડો માલા તરફ લંબાવે છે. જેને જવાબદાર ગણી હતી એનો જ કદાચ વધારે હક ભૂપેનની રાખ પર હતો. એ રાખ વિસર્જિત કરે છે .., આ દૃશ્ય હૈયું વલોવનારું છે.

અહીં ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મનો પૂર્વ ભાગ કોઈને મૂળ વાતથી ફંટાતો લાગે એમ બને, ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં બધી જ સાંસારિક સમસ્યાઓનો ઉકેલ આવી જાય એ ગળે ન ઊતરે એમ પણ બને, પણ પર્વતારોહણનાં ઉતાર ચડાવની સમાંતરે સાંસારિક ઉતાર ચડાવ પણ ફિલ્મકારે બતાવવા છે, એટલે એટલું લંબાણ ક્ષમ્ય છે. ફિલ્મમાં આનંદ-ઉદાસીને ક્રમે દૃશ્યો વિકસે છે. વૃદ્ધોનું તો આ ‘સ્વર્ગારોહણ’ પર્વ પણ બની રહે છે. આ સરળ નથી, પણ એક ડગલું અને એક શ્વાસ એમ કરતાં કરતાં જ બધું પાર પડતું હોય છે. જીવનમાં પણ એવું જ છે ને, પણ શાંતિ, ઉતાવળનું પરિણામ નથી ને આપણે તો ઉતાવળે જ આંબા પકવવા હોય છે. મુશ્કેલી એની છે. ફિલ્મમાં કહેવાયું છે એ કરતાં સૂચવાયું છે વધુ. ઓમ ઉગ્ર છે, જાવેદ સંવેદનશીલ છે. તે અનુભવે છે વધુ. અમિત સૌથી વધુ સ્વસ્થ બતાવાયો છે, પણ બધાંની ઉપરનું વરખ ઊડી જાય એવો સમય આવે છે ને અંદરનો સાચુકલો માણસ પ્રગટ થતો રહે છે. એક દૃશ્ય જોઈએ. અમિત બરફનાં  તોફાનમાં ફસાયો છે. તેની અલ્ઝાઇમરની દવાઓ ખલાસ થઈ ગઈ છે ને માર્ગમાં તે કશીક મથામણમાં અટકી પડે છે. તેની શોધ ચાલે છે. માલા તેને શોધતી આવે છે ને પૂછે છે તો કહે છે કે તે પત્નીની રાહ જોતો બેઠો છે. અહીં આટલી ઊંચાઈએ પત્નીના હોવાની કોઈ સંભાવના જ નથી, ત્યાં તે પત્નીની રાહ જુએ છે ! એ કદાચ અનેક વખત મનમાં જોવાયેલી લાંબી રાહનું (લાંબા વિરહનું) પરિણામ છે. આવું તો ઘણું બધું ફિલ્મમાં હૃદયસ્પર્શી રીતે આવ્યું છે.

વૃદ્ધોને લગતી રાજશ્રી બેનરની જ સરસ ફિલ્મ ‘સારાંશ’ છે. એ ઉપરાંત પણ ‘102 નોટ આઉટ’, ‘બ્લેક’ જેવી પણ ઘણી ફિલ્મો છે, પણ વૃદ્ધોને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી લાવવાનો આઇડિયા નવો છે. એને કેવળ ટ્રેકિંગની ફિલ્મ ન બનાવતાં, વાર્તા, દરેકની સાંસારિક ગતિવિધિને નિરૂપતી પણ ચાલે છે. આ ફિલ્મની હૃદયસ્પર્શી કથા લખી છે સુનિલ ગાંધીએ અને નાવીન્યપૂર્ણ પટકથા ને સંવાદ છે, અભિષેક દીક્ષિતનાં ! એક દૃશ્યમાં શબીના એકલી છે ને જાવેદ અંત ભાગે, બેઝ કેમ્પ પહોંચ્યા પછી મોબાઇલમાં હિમાલય બતાવે છે, ત્યારે શબીના કહે છે કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરું છું, પણ મને તો તારી કે દીકરીની પસંદગીની જ ખબર છે, મને શું ભાવે છે એની તો જ ખબર નથી. આ સંવાદ શબીનાનો જ નથી, ઘણી મા કે પત્નીનો પણ છે.

અભિનયને લાગે વળગે છે ત્યાં સુધી અમિતાભે અમિત શ્રીવાસ્તવને પોતાનામાંથી નખશિખ પ્રગટ કર્યો છે. અભિનેતા ક્યાં ય દેખાતો જ નથી, જે દેખાય છે તે કેવળ પાત્ર ! અસહ્ય ઠંડીનો સામનો કરતી વખતના અમિતના હાવભાવ આબેહૂબ પ્રગટ થયા છે. ઓમ તરીકે અનુપમ ખેરે લાગણી સભર દૃશ્યોમાં બાજી મારી છે તો જાવેદ તરીકે બમન ઈરાનીએ એકદમ સમજદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. અમિતની હાલત નાજુક છે ત્યારે તેનું માથું ચૂમવામાં અને ભૂપેનનાં અસ્થિ વિસર્જન પહેલાં તે પાત્રને ચૂમવાની ક્ષણો ભાવુક કરનારી છે. માલા ત્રિવેદી તરીકે સારિકાએ, ખાસ કરીને ભૂપેન સાથેની વાત કહેતી વખતની સ્થિતિ, આંખો ભીંજવનારી રીતે પ્રગટાવી છે. શબીના તરીકે નીના ગુપ્તા, દીકરી સાથેની સંવેદના અને પતિ સાથેની આત્મીયતા મન મૂકીને પ્રગટ કરે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર તરીકે પરિણતિએ આદેશાત્મક ભૂમિકા તો નિભાવી જ છે, પણ આ ત્રણ વડીલ મિત્રો સાથેનું અંતર રાખવાનું વલણ ને વડીલ પાત્રોની નજીક જવાનું કારણ, હૃદયસ્પર્શી બનાવ્યું છે. ખાસ કરીને અમિત સાથેનો વ્યવહાર આત્મીયતથી પ્રગટ થયો છે. ડેની અને નફીસા અલી સોઢી ગેસ્ટ એપિયરન્સમાં છે. બંને બહુ અસરકારક અને પ્રભાવક છે.

સૂરજ બડજાત્યાએ કથાને એવી સરળ અને સહજ રીતે નેરેટ કરી છે કે પ્રેક્ષક, ખાસ તો લાગણી સભર દૃશ્યોમાં ભાવ વિભોર થઈ જાય છે. ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીનું છે ને ગીતો ઈર્શાદ કામિલનાં છે. મ્યુઝિક ને ગીતો કથાને ગતિ આપનારાં છે. ‘કેટી કો …’ ગીતની ને અન્ય ગીતોની શબીના ખાનની કોરિયોગ્રાફી આકર્ષક છે. મનોજકુમાર ખતોઈની ફોટોગ્રાફી અદ્ભુતથી ય આગળ છે. પર્વતીય પ્રદેશોનું બદલાતું રહેતું બર્ફીલું વાતાવરણ અનેક રંગેરૂપે બહુ જ પ્રભાવક રીતે કેમેરા દ્વારા પ્રગટ થયું છે.

ટૂંકમાં ‘ઊંચાઈ’ ફિલ્મ તરીકે પણ ઘણી ઊંચાઈ સર કરે તેવી સમૃદ્ધ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 નવેમ્બર 2022

Loading

ચારેક દાયકા પહેલા લખાયેલ ગઝલો 

"પ્રણય" જામનગરી|Poetry|17 November 2022

સાવ ઝાંખા શબ્દના અજવાસમાં,

હું ઉકેલું છું; મને હર શ્વાસમાં.

શી રીતે પૂરી થશે મારી સફર ?

કોઇ પણ સાથે નથી સહવાસમાં ! 

હર પળે સંશય રહે છે એટલે;

ઠોકરો ખાધી છે મેં વિશ્વાસમાં.

જિન્દગી છે; ત્યાં લગી જીવવું રહ્યું,

સુખ નહીં તો સુખના આભાસમાં.

શી રીતે જૂદો તમે કરશો મને ?

હું વસું છું; આપના હર શ્વાસમાં.

========

હજારો શક્યતાઓ જોઇ છે ! 

આંખના રણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

રેત કણ-કણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

મારા ચહેરામાં હજારો ફેરફારો થઇ ગયા !

મેં ય દર્પણમાં હજારો શક્યતાઓ જોઇ છે.

આંખ સામે જે તૂટી જાતાં ય જોયા છે અહીં,

એ જ સગપણમાં હજારો શક્યતાઓ જોઇ છે ! 

કોઇ પણ જન્નતને હું ઝંખુ નહીં કોઈ ક્ષણે,

ઘરના આંગણમાં હજારો શક્યતાઓ જોઇ છે !

તા. ૦૬-૧૨-૧૯૮૩

========

થઇ ગયો છે !

જ્યારે સમય જીવનમાં; શમશીર થઇ ગયો છે,

હસનાર એક ચહેરો, ગંભીર થઇ ગયો છે ! 

હર રોજના બનાવો, હર રોજની પીડાઓ,

પ્રત્યેક માનવી જ્યાં; તસ્વીર થઇ ગયો છે 

આંસુ અમારા કરમે; એણે લખી દીધાં છે !

જલસો તો આપ કેરી જાગીર થઇ ગયો છે !

છોડીને ચાલી મીરાં; એની જ સાથ પળમાં,

મેવાડ આખો જાણે; મલીર થઇ ગયો છે ! 

સંબંધ આપણો આ; સાદો નથી પરંતુ,

તું મારે માટે જાણે; તકદીર થઇ ગયો છે ! 

સ્વતંત્રતા મળી છે; એની અસર આ કેવી ? 

હર એક માનવી અહીં; શૂરવીર થઇ ગયો છે ! 

શોધું છું માનવી હું; પણ, માનવી તો આજે;

મસ્જિદ થઈ ગયો છે ! મંદિર થઈ ગયો છે ! 

Loading

કાયદાનું નિયંત્રણ અને જનજાગૃતિથી અંધશ્રદ્ધા ડામી શકાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 November 2022

ગુજરાત અને કેરળમાં અંધશ્રદ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ  આપણે હજુ ય વહેમ અને અંધશ્રદ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે.

ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રદ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.

મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રદ્ધા નાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કાઁગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો. મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઊભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો. નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રદ્ધાને જ આવરી લે છે. તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઊભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.

રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રદ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઇન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રદ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી. શાયદ એટલે જ ગુજરાતની ભા.જ.પ. સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિદ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રદ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી !

હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રદ્ધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રદ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.

ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રદ્ધા નહીં પણ હોય. કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રદ્ધા નાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ. જનજાગ્રતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.

ધાર્મિક અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રદ્ધા નાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રદ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રદ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે. પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રદ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.

‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રદ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રદ્ધાના સમર્થક હોવું નથી. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રદ્ધા નાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.

થોડાં વરસો પૂર્વે ઉત્તર પ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રદ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો. મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા. આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રદ્ધા વહેલી ભાગે.

અંધશ્રદ્ધા નાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દૃષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા (ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા. તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,1911,1921,1931,194...1,2001,2101,220...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved