Opinion Magazine
Number of visits: 9743483
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુદાનમાં સત્તામોહનો દાવાનળઃ બે લશ્કરી વડાઓના ઘર્ષણમાં દેશ હોમાયો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 April 2023

બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો.

ચિરંતના ભટ્ટ

આજકાલ સુદાન ચર્ચામાં છે, અને સાથે વડા પ્રધાને શરૂ કરેલું ઑપરેશન કાવેરી પણ સમાચારોમાં છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને સહી-સલામત પાછા લાવવાનું કામ સરકારે શરૂ કર્યું. સુદાનમાં લગભગ 3,000 હજાર ભારતીયો છે. સુદાનમાં શું ચાલી રહ્યું છે? શું કામ આ સંઘર્ષ થઇ રહ્યો છે?

સુદાનની સેના અને અર્ધ લશ્કરી જૂથો વચ્ચે સત્તા સંઘર્ષ એપ્રિલની મધ્યે ચાલુ થયો. સુદાની સેના જનરલ અબ્દેલ ફત્તેહ અલ બુરહાન – જે દેશના રાષ્ટ્રપતિ છે તેને વફાદાર છે જ્યારે પેરા-મિલિટરી ફોર્સ એટલે કે અર્ધ લશ્કરી જૂથ જે રેપિડ સપોર્ટ ફોર્સ (આર.એસ.એફ.) તરીકે ઓળખાય છે તે હેમેદેતી એટલે કે પહેલાના વૉરલૉર્ડ – સેનાધિકારી – ઉપરાષ્ટ્રપતિ – જનરલ મોહંમદ હમદાન દગાલો અનુસરે છે. એક સમયે આ બન્ને જનરલ એકબીજાની સાથે કામ કરતા હતા અને દેશમાં સત્તા પલટાની દિશાની કામગીરીમાં પણ બન્ને ભેગા હતા. હવે વાત અહમ્‌ પર આવી ગઇ છે અને આ બન્ને વચ્ચેની લડાઈમાં સુદાનની કફોડી સ્થિતિ થઇ છે. આફ્રિકાના દેશ સુદાનના ખાર્તૂમ પાટનગરમાં અત્યારે અંધાધુંધ યુદ્ધની સ્થિતિ છે અને આ બધું ગણતરીના દિવસોમાં જ થયું છે. 

સુદાની રાજકારણની વાત કરીએ તો મોટે ભાગે સાધન-સંપન્ન વર્ગનું તેમાં વધારે મહત્ત્વ હોય છે, તેમને માટે રાજકારણના હિસ્સા હોવું સરળ બને છે. ખાર્તૂમ અને નાઇલ નદીની આસપાસ રહેતા લોકો આવા ઉચ્ચ વર્ગના હોય છે. હેમેદેતી અને તેમની સેના સાધન-સંપન્ન નથી અને તેમને વખોડવા માટે અને ઉતારી પાડવા માટે રાજકારણમાં સક્રીય એવી સુદાની સેનાના લોકો બેફામ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો. આર.એસ.એફ.માં એક લાખથી વધુ સભ્યો છે અને એ તમામને મુખ્ય સેનામાં ભેળવવા કે કેમ અને પછી જે મોટું નવું દળ રચાશે તેના નેતૃત્વની હુંસાતુંસીમાં આ આગ ફાટી નીકળી છે. આર.એસ.એફ.ના સૈનિકો તૈનાત થયા એમાં આમ સૈન્યને જોખમ લાગ્યું અને વાટાઘાટોને બદલે મામલો બિચક્યો. અત્યારે ત્યાં પાણી અને વીજળીનાં ઠેકાણાં નથી, હિંસા દાવાનળની જેમ પ્રસરી રહી છે, હૉસ્પિટલમાં પહોંચવું અશક્ય છે, લોકોને ખાવાનું મેળવાવના ફાંફા પડી રહ્યા છે.

સુદાનમાં સત્તાને મામલે સતત સંઘર્ષ અને પરિવર્તનો ચાલતા આવ્યા છે અને પ્રજા એ કારણે હેરાન થતી આવી છે. વળી સુદાનમાં બીજા દેશોના લોકો પણ હોય જ છે, અને આપણે જાણીએ છીએ એમ ભારતીયોને ત્યાંથી લાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. 450થી વધુ લોકો સુદાનમાં મોતને ભેટ્યા છે અને હજારથી વધુ લોકોને ઇજા પહોંચી છે. યુ.એસ.એ.ના એસેમ્બલીના સ્ટાફને ત્યાંથી ઘર ભેગો કરાયો છે તો બીજા અમેરિકન સિટિઝન્સ જે સંખ્યા લગભગ 16,000 જેટલી છે તેમને સલામત વતન લાવવાની કામગીરી ચાલી રહી છે. યુ.કે. અને ઇ.યુ. તરફથી પણ સંકટના ઉકેલ માટેની વાટાઘાટો ચાલી રહી છે.

બીજા રાષ્ટ્રના લોકો પોતાનું વતન છોડીને પરદેશ જાય તેનો હેતુ એકમાત્ર હોય છે – કમાણી કરવાનો. સુદાનમાં દોઢસો વર્ષથી ભારતીયો વસે છે અને ત્યાં જાત-ભાતના વ્યવસાય મારફતે કમાણી કરે છે. ભારતીય આયુર્વેદિક દવાઓની ત્યાં તગડી માંગ છે. ભારતીયો સુદાનમાં એટલે પણ જાય છે કારણ કે ત્યાં 70ના દાયકામાં તેલ મળ્યું હતું અને ઓન એન.જી.સી.ના ઘણાં વ્યવસાયીઓ નેવુંના દાયકામાં સુદાન ગયા હતા. 2011માં દક્ષિણ સુદાન આઝાદ થયું અને તેલનો મોટા ભાગનો હિસ્સો એ પ્રદેશમાં હતો. સોનાની નિકાસ કરીને સુદાને 2022ની સાલમાં અઢી અબજ ડૉલરની કમાણી કરી હતી. પૈસા કમાવાની મહત્ત્વાકાંક્ષા રાજકીય-સામાજિક રીતે અસ્થિર દેશમાં જતા કોઇને પણ રોકતી નથી.

સુદાનમાં ભડકેલી હિંસાની આગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી રહી છે કારણ કે આફ્રિકાના સૌથી મોટા દેશની યાદીમાં સુદાન ત્રીજા સ્થાને છે અને અહીંની ખાણોને કારણે વ્યૂહાત્મક રીતે સુદાનું મહત્ત્વ ઘણું છે. અહીં – ખાસ કરીને તેના પાટનગરમાં જે પણ થાય તેની અસર આફ્રિકી ઉપખંડના સૌથી વધુ સંવેદનશીલ ગણાતા હિસ્સાઓમાં થાય. સુદાનની સરહદ સાત દેશોને અડીને છે અને તમામ સાથે સલામતીના પડકારો તો છે જ જેની કડી ખાર્તુમના રાજકારણ સાથે જોડાયેલી છે. ખાસ કરીને ઇજિપ્ત, ઇથોપિયા, ચાડ અને દક્ષિણ સુદાન જેવા પાડોશી દેશો સાથે સુદાનના સંબંધો નાજુક છે. વળી સુદાન પર પ્રભાવ માટે રશિયા, યુ.એસ.એ., સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરાટ્સ જેવી સત્તાઓ વચ્ચે પણ સંઘર્ષ ચાલતો રહે છે. પશ્ચિમના દેશોને સુદાનને અડીને આવેલા રાતા સમુદ્ર પર રશિયન બેઝ બનવાની શક્યતાનો ડર છે, વળી એવી શક્યતા સામે સુદાની સૈન્ય પ્રમુખોને કોઇ વાંધો પણ નથી એટલે એ વધુ ચિંતાજનક કહેવાય.

આ તો આંતરિક સંઘર્ષ છે જેને લીધે આટલો તણાવ વધ્યો છે. સિત્તેરના દાયકામાં ઇદી અમીને યુગાન્ડામાં કાળો કેર વર્તાવ્યો હતો અને ત્યાં વસેલા ગુજરાતી બિઝનેસ પર્સન્સે રાતોરાત ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. યુગાન્ડાનું 90 ટકા અર્થતંત્ર ભારતીયોના હાથમાં હતું પણ એ જ બાબતે ઇદી અમીને ભારતીય અને અન્ય એશિયાઇઓને 90 જ દિવસમાં દેશ છોડી ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. લોકોએ પોતાના ઘર-બાર, મિલકતો છોડીને જીવ બચાવવા માટે ઇંગ્લેન્ડ અને આફ્રિકાના બીજા દેશોની વાટ પકડી હતી.

આમ જોવા જઇએ તો પોતાનું વતન છોડી બીજા દેશમાં જઇને વધુ કમાણી કરવાનો મોહ, જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષા રાખનારા લોકોને પોતે જ્યાં જઇ રહ્યા છે ત્યાંની રાજકીય કે સામાજિક સ્થિતિની હકીકતો ભાગ્યે જ ખબર હોય છે. ભારતીયોની વાત કરીએ તો એ તો આખી દુનિયામાં પ્રસરેલા છે અને વર્તમાન સંજોગોમાં તો એવા ઘણાં રાષ્ટ્રો છે જ્યાં કટોકટીની સ્થિતિ ખડી થઇ છે અથવા થવાની શક્યતા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પણ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે ઑપરેશન ગંગા લૉન્ચ કરીને ભારે જહેમત કરી હતી. આરબ દેશોમાં પણ આવા સંજોગો ખડા થયા છે. પોતે જ્યાંના નાગરિક હોય એ દેશમાં જો અર્થતંત્ર મજબૂત હોય તો કદાચ વિદેશની ધરતી પર કમાવા જવાનો મોહ કદાચ બાજુએ મૂકી શકાય પરંતુ એવું ઓછું જ થતું હોય છે.

બાય ધી વેઃ

સુદાનમાં આ હિંસક સંઘર્ષ જેટલો ચાલશે એટલી જાનહાનિ થશે અને જે પણ જનરલની આ યુદ્ધમાં જીત થશે તેને માટે વિખેરાયેલી જનતા પર શાસન કરવું એટલું જ અઘરું થઇ પડશે. જે ઝનૂનથી બન્ને જનરલ એકબીજાની લીટી ટૂંકી કરવા માટે મથી રહ્યા છે તે જોતાં આ યુદ્ધનો અંત આવે ત્યાં સુધીમાં બન્નેએ એક-બીજાને અને પોતાને પણ પૂરતું નુકસાન કરી દીધું હશે. અત્યારે એક દેશ તરીકે આપણે એવી શેખી મારીએ છીએ કે વસ્તીને મામલે આપણે ચીનથી પણ આગળ છીએ અને આપણો દેશ એક યુવા રાષ્ટ્ર છે. વાસત્વિકતા એ પણ છે કે યુવારાષ્ટ્રના યુવાનો માટે રોજગારીના પ્રશ્નોની હોળી તો સળગેલી છે જ. આવું હોય ત્યારે વિદેશ જઇને કમાણી કરવા માગનારાઓને રોકવાના કારણો શોધવા આસાન નથી હોતા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023

Loading

કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 April 2023

રમેશ ઓઝા

માન્યું કે અતિક અહમદ સદીનો સૌથી મોટો ગુંડો હતો અને એવો કોઈ ગુનો નહીં હોય જે તેણે નહીં કર્યો હોય, પણ પોલીસની હાજરીમાં, મીડિયાની સામે, તેની હત્યા કરવામાં આવે એનો બચાવ કરી શકાય? ફરિયાદ તો એ જ હતી ને કે તે સામાજિક માનમર્યાદા અને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરતો હતો અને પોતે જે કરે તેને કાયદો સમજતો હતો? જો સામાજિક માનમર્યાદાનું પાલન અને દેશના કાયદાઓનો આદર એ સભ્યતાનો માપદંડ હોય અને જગત આખામાં એ જ માપદંડ હોય છે તો ઉત્તર પ્રદેશની સરકારે જે કર્યું એ સભ્યતા હતી? જે યુવકોએ અતિકની હત્યા કરી એ એવા વર્ગમાંથી આવે છે જે દેશી કટ્ટા પણ ખરીદી શકે તેમ નથી તો તેમની પાસે બે બે લાખની કિંમતની પિસ્તોલ આવી ક્યાંથી?

કોઈ પણ ગુંડો, આય રિપીટ કોઈ પણ ગુંડો, ત્યારે જ સામાજિક અને કાયદાકીય મર્યાદાનું ઉલ્લંઘન કરે જ્યારે તેને ખાતરી હોય કે કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પ્રજાને ડરાવી શકાય છે અને પ્રજાને ડરમૂક્ત કરવાનુ અને રાખવાનું જેનું કામ છે એને ખરીદી શકાય છે. કાયદાનાં રાજની રખેવાળી કરનારું ન્યાયતંત્ર પાગળું છે અને દેશનાં રાજકારણનું ચારિત્ર્ય ભ્રષ્ટ છે. બાબા, બાહુબલી, ધનપતિ અને નેતાઓની ધરી છે. આ જો વાસ્તવિકતા હોય તો એ વાસ્તવ શું ગુંડાઓએ પેદા કર્યું છે? ગુંડાઓ તો તેનો લાભ લઈ રહ્યા છે જેમ બગલબચાં (ક્રોનીઝ) કુબેરપતિઓ શાસકો સાથેની ભાઈબંધીનો લાભ લઈ રહ્યા છે. ખરા ગુનેગાર એ નથી જે વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે, ખરા ગુનેગાર એ છે જે વ્યવસ્થા બદલતા નથી. વ્યવસ્થા સુદૃઢ હોય તો સાચા લોકો લાભ લે અને વ્યવસ્થા ભ્રષ્ટ હોય તો ખોટા લોકો લાભ લે. ઊલટું એવું બને છે કે સડેલી વ્યવસ્થાની કિંમત સાચા લોકોએ ચૂકવવી પડે છે.

પોલીસ દ્વારા કરવામા આવતા એન્કાઉન્ટરનો કે પસંદગીના લોકોની કરવામા આવતી હત્યાઓનો બચાવ કરનારા લોકો કાં નાગરિક તરીકે ગમાર છે અથવા હિંસક મનોવૃત્તિ ધરાવે છે. હત્યારા એ જ નથી કરતો જે પ્રત્યક્ષ હત્યા કરે છે, પણ હત્યારા એ પણ કરે છે જે પસંદગીનાં ધોરણે હત્યાનું સમર્થન કરે છે. આવા લોકોએ હજુ માણસ અને જવાબદાર રાજ્યના પ્રગલ્ભ નાગરિકો બનવાનું બાકી છે. રાજ્ય જો ગુનેગારને અદાલતમાં ગુનેગાર ઠેરવીને સજા ન કરી શકતું હોય તો રાજ્ય નપુંસક છે. નપુંસક રાજ્યનું સમર્થન કરવાનું ન હોય પછી શાસકો આપણા હોય કે આપણને ન ગમતા હોય.

કાયદાનું રાજ માંનાં ધાવણ જેવું હોય છે. આમ કહેતી વખતે હું જરા ય અતિશયોકિત નથી કરતો. ભારતની પ્રજાને નાત જાત વંશ અને ધર્મનો પક્ષપાત ધરાવતા શાસકો પુરસ્કૃત અરાજકતાનો અનુભવ નથી. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં બાપુઓનાં રાજમાં અને અંગ્રેજી રાજ આવ્યું એ પહેલાં મહારાષ્ટ્રમાં પેશાવાઓનાં રાજમાં લોકોને આનો અનુભવ થયો હતો, પણ એ તો સાવ મામૂલી હતો. લોકોએ દીવા પ્રગટાવીને અંગ્રેજી રાજને આવકાર્યું હતું. અત્યારે સુદાન તરફ નજર કરો. પક્ષપાતી શાસકોની રાજ્યપુરસ્કૃત હિંસા અત્યારે અરાજકતામાં ફેરવાઈ ગઈ છે. હાહાકાર મચ્યો છે. આવા બીજા અનેક દેશો હતા અને છે. આજે તમે જેને દુ:શ્મન માનો છો એનું ઢીમ ઢળશે અને કાલે આપણા લાડકવાયાનું પણ ઢીમ ઢળી શકે છે. ગોળી અને પૈસો ધર્મનિરપેક્ષ હોય છે. 

અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૦૭ની વાત છે. ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્યારે લોકસભાના સભ્ય હતા. એ વખતે તેમના મતદારક્ષેત્ર ગોરખપુરમાં કોમી હુલ્લડો થયાં હતાં અને તે સમયના મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવે યોગી આદિત્યનાથને કોમી દ્વેષ ફેલાવવાના અને દંગાફિસાદ કરવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે લોકસભામાં અક્ષરસઃ રડતાંરડતાં તેમની સાથે કરવામાં આવતા અત્યાચારોનું બયાન કર્યું હતું. ખાતરી કરવી હોય તો યુ ટ્યુબ ઉપર એ કલીપ જોવા મળશે. 

લોકસભાના સભ્ય, ગોરખનાથના પ્રતિષ્ઠિત મંદિરના મહંત, વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન સંઘપરિવારના અને ભારતીય જનતા પક્ષના સભ્ય, જે માણસ પોતાની સેના ધરાવે છે એમ દરેક પ્રકારની તાકાત ધરાવનારા યોગી આદિત્યનાથ રડે? અત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં જે કરી રહ્યા છે એ કરતાં પહેલાં તેમણે ૨૦૦૭ની એ ઘટના અને પોતાનાં લોકસભાના ભાષણને યાદ કરવાં જોઈએ. જવાબદાર રાજ્ય જો તમને વહાલું લાગતું હોય, શ્રેયસ્કર લાગતું હોય તો એ બીજા માટે પણ શ્રેયસ્કર છે. અને સૌથી વધુ તો આપણને શ્રેયસ્કર લાગવું જોઈએ, કારણ મારી, તમારી પાસે ૨૦૦૭માં યોગી આદિત્યનાથ પાસે જે તાકાત હતી એના હજારમાં ભાગની પણ નથી.

માટે કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023

Loading

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં  સામાજિક ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 April 2023

ચંદુ મહેરિયા

છેલ્લાં પચીસ વરસોમાં દેશમાં આશરે બે લાખ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પાછલાં પાંચેક વરસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૭માં ૯,૯૦૫ વિદ્યાર્થીઓની આત્મહત્યા ૨૦૨૧માં વધીને ૧૦,૭૩૨ થઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૨૧માં કુલ ૧.૬૪ લાખ આત્મહત્યામાં વિદ્યાર્થીઓની  આત્મહત્યાનું પ્રમાણ આઠ ટકા હતું. રાજસ્થાનનું કોટા મેડિકલ-એન્જિનિયરીંગની પ્રવેશ પરીક્ષાના કોંચિંગ સેન્ટર તરીકે જાણીતું છે. આખા દેશના વિધાર્થીઓ ત્યાં કોચિંગ માટે જાય છે. છેલ્લા દાયકામાં કોટા કોચિંગ સેન્ટરના ૧૨૧ અને છેલ્લા તેર મહિનામાં ૨૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. દેશમાં પ્રાયમરીથી હાયર એજ્યુકેશન મેળવતાં છોકરા-છોકરીઓ આત્મહત્યા કરે છે. આપઘાત કરનારા છોકરાઓની ટકાવારી ૫૬.૫૧ અને છોકરીઓની ૪૩.૪૯ ટકા છે. આ આંકડાઓ પરથી છાત્રોની આત્મહત્યામાં થયેલી વૃદ્ધિ અને તેની ગંભીરતાનો અંદાજ આવી શકે છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાનાં મુખ્ય કારણોમાં ભણતરનું દબાણ, માબાપ અને અન્યોની મોટી અપેક્ષાઓ, માનસિક તણાવ, ઘર-કુટુંબથી દૂર રહેવાના કારણે સાલતી એકલતા તથા પરીક્ષામાં નાપાસ થવું કે નાપાસ થવાની શક્યતા છે.

વિદ્યાર્થીઓની આત્મહત્યાના સવાલ સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા સમાજના વંચિત વર્ગના વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને પણ તપાસવા જેવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૨૦૧૪થી ૨૦૨૧ના આઠ વરસોમાં ૧૨૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેમાં વંચિત કે અનામત વર્ગના ૭૧ અને કથિત ઉચ્ચ જ્ઞાતિ કે સામાન્ય વર્ગના ૫૧ વિદ્યાર્થીઓ હતા. સામાન્ય રીતે પ્રિન્ટ અને ઈલેક્ટોનિક મીડિયાના સમાચારોમાં હત્યા અને આત્મહત્યાના સમાચારોની ભરમાર હોય છે. પરંતુ દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ભાગ્યે જ નોંધ લેવાતી હોય છે. ૨૦૧૬ની હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચ.ડી.ના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા, ૨૦૧૯માં મુંબઈની નાયર હોસ્પિટલના પી.જી. મેડિકલનાં આદિવાસી છાત્રા પાયલ તડવી અને તાજેતરમાં અમદાવાદના આઈ.આઈ.ટી. મુંબઈના ફસ્ટ યર બી.ટેકના દલિત સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાની ઘટનાઓ તેમાં અપવાદ છે. આ ઘટનાઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવને ઉજાગર કરી વ્યાપક ઊહાપોહ જગવ્યો છે.

ભારતીયોના મન-મસ્તિષ્કમાં જ્ઞાતિનાં મૂળ બહુ ઊંડાં છે. સાવ અજાણી વ્યક્તિની આકસ્મિક ટૂંકી મુલાકાત કે પ્રવાસમાં પણ જ્ઞાતિ જાણવાની તેને ઉત્સુકતા રહે છે. અગાઉ, તમે કેવા? કે તમારું દૂધ કયું ? એવું સીધેસીધું પૂછી લેવાતું, પછીના વખતમાં વ્યક્તિની અટક પૂછાતી થઈ હતી. હવે સમાજની પ્રગતિ સાથે જ્ઞાતિ જાણવાની રીત પણ બદલાઈ છે. નમૂના દાખલ, દલિત પરિવારની પહેલી પેઢીના, અઢાર જ વરસના, ઉચ્ચ શિક્ષણ લગી પહોંચેલા, દર્શન સોલંકીને આઈ.આઈ.ટી. મુંબઈના તેના બિનઅનામત વર્ગના રૂમ મેટે (શું કહીશું સહઆવાસી?) જે.ઈ.ઈ.નો રેન્ક પૂછીને તેની જ્ઞાતિ જાણવા ચાહી. દર્શનના નીચા જે.ઈ.ઈ. રેન્ક પરથી તેને તે કથિત નીચલા વર્ણનો અને અનામત વર્ગનો હોવાની ખાતરી થતાં જ તેનું દર્શન પ્રત્યેનું વલણ બદલાયું. જે દર્શનને આત્મહત્યા સુધી લઈ ગયું.

ડો. બાબાસાહેબ આંબેડકરના ત્રિમંત્ર શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનમાં શિક્ષણ પ્રથમ સ્થાને છે. બંધારણે તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. પરંતુ ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અસમાનતા, જ્ઞાતિભેદ અને અસહિષ્ણુતા પ્રવર્તતે છે. આ શિક્ષણ સંસ્થાઓનો માહોલ દલિતા વિદ્યાર્થીઓ માટે અસમરસ એટલો જ અસંવેદનશીલ છે. અનામત કે ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવતા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ અને અન્યો વચ્ચેની ભિન્ન સામાજિક પૃષ્ઠભૂમિ, રહેણીકરણી, ભાષા, ઉચ્ચારણ, પહેરવેશ અને ગ્રામીણ-શહેરી રીતભાતના તફાવતો તથા તેને બળ આપતું  શિક્ષણ સંસ્થાનું વાતાવરણ,  ભેદભાવની દીવાલને મજબૂત કરે છે.

અમેરિકાની ઈકવાલિટી લેબના સર્વેનું તારણ હતું કે ભારતના દર ત્રણમાંથી એક દલિત વિદ્યાર્થીને ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેના એસ.સી. એસ.ટી. સ્ટુડન્ટ સેલના ફેબ્રુઆરી ૨૦૨૨ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે  ૬૩.૨ ટકા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ તેમની જ્ઞાતિ અંગે સહજભાવે વાત કરી શકતા નથી. ૩૭ ટકાને તેમના સહાધ્યાયી કે સહઆવાસીએ પ્રવેશ પરીક્ષાના રેન્ક થકી જ્ઞાતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ૩૩.૮ ટકાનો મત હતો કે તેમણે ખૂલીને જ્ઞાતિ અંગેની જાણકારી નજીકના મિત્રોને જ આપી હતી. ૭.૨ ટકા જાહેરમાં જ્ઞાતિની વાત કરતાં ડરતા હતા. ૨૧.૬ ટકાનું કહેવું હતું કે ભેદભાવની ફરિયાદ કરવાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની વિપરીત પ્રતિક્રિયાની ભીતિ હતી. આ સર્વે આઈ.આઈ.ટી., બોમ્બે દલિત આદિવાસી વિધ્યાર્થીઓ માટે અસલામત અને અસંવેદનશીલ હોવાનું ગંભીરતાથી જણાવે છે.

મિત્રતા કે બંધુત્વની ભાવનાના અભાવને કારણે વંચિત સમાજના વિદ્યાર્થીઓની ન માત્ર ઉપેક્ષા પણ હેરાનગતિના અનેક દાખલા બન્યા છે. અંગ્રેજી કડકડાટ ના બોલી શકતા હોવાથી દલિત-આદિવાસી વિદ્યાર્થીઓની ઠેકડી ઉડાડવામાં આવે છે. અધ્યાપકો તેમને વારંવાર નાપાસ કરે છે. તેમના સંશોધન કે શોધનિબંધોને હળવાશથી લે છે. તેને તપાસવામાં અસહ્ય વિલંબ કરે છે. માનસિક તાણમાં રહેતા વિદ્યાર્થી પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવાતી નથી. રાજધાની દિલ્હીની એઈમ્સમાં પણ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાનું અને તે માટે મેનેજમેન્ટ જવાબદાર હોવાનું યુ.જી.સી.ના તત્કાલીન અધ્યક્ષ ડો. સુખદેવ થોરાટના વડપણ હેઠળની સમિતિનું તારણ હતું. બી.જે.પી. સાંસદ ડો. કિરીટ સોલંકી જેના અધ્યક્ષ છે તે અનુ. જાતિ, જનજાતિ ક્લ્યાણ અંગેની સંસદીય સમિતિએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ હોવાનું જણાવ્યું છે. જો કે દર્શન સોલંકીની આત્મહત્યા પછી તરત જ  આઈ.આઈ.ટી., બોમ્બેએ સામાજિક ભેદભાવનો સાફ ઈન્કાર કર્યો હતો.

આખરે આ સમસ્યાનો ઉકેલ શું ? સામાજિક ભેદભાવની જડ જ્ઞાતિ છે. એટલે જ્ઞાતિ નિર્મૂલન જ ઉકેલ છે. પણ તે દિશાના પ્રયાસો બહુ પાંખા છે. આઈ.આઈ.ટી., ખડગપુરને રોજ સાંજે એક કલાક વીજળી બંધ રાખીને વિદ્યાર્થીઓ મોબાઈલ કે ઈન્ટરનેટના ઉપયોગને બદલે પરસ્પર મિત્રતા કેળવતા થાય તેવો ઉપાય સૂઝ્યો છે. કેરળના કોટ્ટાયમની દલિત વિદ્યાર્થિની દીપા મોહનન મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં નેનોમેડિસિનમાં રિસર્ચ સ્ટુડન્ટ હતાં. તેમની સાથે તેમના ગાઈડ, અન્ય સ્ટાફ ભારે સામાજિક ભેદભાવ આચરતા હતા. તેથી તંગ આવી આત્મહત્યા કરવા કે અભ્યાસ છોડી દેવાને બદલે ૨૦૨૧માં તેમણે ગાંધીના માર્ગે લડત આદરી. દીપાના આમરણ અનશનના અગિયારમા દિવસે યુનિવર્સિટીને જવાબદાર અધ્યાપકની હકાલપટી કરવી પડી હતી. આ દિવસોમાં મહાત્મા ગાંધી હિંદી મહાવિદ્યાલય, વર્ધાનો દલિત વિદ્યાર્થી રજનીશ કુમાર અંબેડકર પણ તેના પીએચ.ડી. થીસિસના મૂલ્યાંકનની માંગ સાથે ધરણારત છે.

દલિત વિદ્યાર્થીઓ માટે ભારતના વિદ્યાધામો ભેદભાવ, પક્ષપાત અને યાતનાગૃહો અને તેની સામેના તેમના સંઘર્ષના ધામો બની રહ્યા છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની નોન ડીસ્ક્રિમિનેશન પોલિસીમાં તેર પ્રકારના ભેદભાવ સામેલ છે. દર્શન સોલંકીની આત્મહત્યા અને તેના પ્રતિરોધના દિવસોમાં હાર્વર્ડે ચૌદમા ભેદભાવ રૂપે કાસ્ટ કે જ્ઞાતિને સામેલ કરી છે. પણ હાર્ડ વર્કનું ભારત હાર્વર્ડને શાનું અનુસરે ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,1891,1901,1911,192...1,2001,2101,220...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved