Opinion Magazine
Number of visits: 9458250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈ માણસમાં જ હોય છે ને કરુણતા એ છે કે એનામાં જ નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 November 2022

હા, માણસાઈ માણસમાં જ હોય છે. તે પશુપંખીમાં જોવા ન મળે. એની પાસેથી એવી અપેક્ષા પણ નથી, છતાં, ક્યારેક વફાદારી, લાગણી વગેરે એનામાં જોવા મળે છે ને માણસમાં એ જોવા મળતી નથી. મનુષ્ય આ પૃથ્વી પરનું ઉત્તમ સર્જન છે, તે છે પણ ખરું, પણ સૌથી વધુ ત્રાસ પણ એ જ ફેલાવે છે. એણે જ શાંતિ માટે પ્રયત્નો કર્યાં છે ને એણે જ સૌથી વધુ યુદ્ધો પણ ખેલ્યાં છે. સ્ત્રી અને પુરુષને એકબીજાં માટે સર્જ્યાં કુદરતે, પણ સૌથી વધુ વિખવાદો એ બે વચ્ચે જ છે. એક તરફ તેમને અહમ્‌થી દૂર રહેવાનું શીખવાયું ને સૌથી વધુ અહમ્‌નો ટકરાવ સ્ત્રી-પુરુષો વચ્ચે જ જોવા મળે છે. શિક્ષણે એ સ્થિતિ સર્જવાની હતી કે મનુષ્ય વધુ નમ્ર ને વિવેકી બને. એ શીખવાયું પણ ખરું, પણ એનો અમલ ખાસ થયો નહીં. એનાં કરતાં કદાચ અશિક્ષિતોમાં અહમ્‌નું પ્રમાણ ઓછું જ જોવા મળે છે. એમ લાગે છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેણે આકાશની ક્ષિતિજો વિસ્તારી, પણ મનુષ્યને તો વધુ સંકુચિત અને અહંવાદી જ બનાવ્યો. એનાં સૌથી વરવાં પરિણામો સ્ત્રી-પુરુષમાં જ જોવાં મળ્યાં.

એનો અર્થ એવો નથી કે જગતમાં બધું ખરાબ જ થયું છે. ઉત્તમ પણ મનુષ્યે જ કર્યું છે. ક્ષિતિજો તમામ ક્ષેત્રે મનુષ્યે જ તો વિસ્તારી છે. પણ, જેમ જેમ સમય જાય છે તેમ તેમ સતત લોભી, લાલચુ ને હિંસક પણ માણસ જ થયો છે એની ના પાડી શકાશે નહીં. તેમાં પણ સૌથી વધુ પ્રેમ પુરુષે કર્યો હોય તો પણ, સ્ત્રીઓ તરફે સૌથી વધુ હિંસા ને અન્યાય પણ પુરુષે જ કર્યાં છે. આજના સમયમાં સ્ત્રી પણ અન્યાયી અને હિંસક છે જ, પણ તેનું પ્રમાણ પુરુષની તુલનાએ ઓછું છે. સ્ત્રીઓ પર બળાત્કારની સંખ્યા ઉત્તરોત્તર વધતી આવે છે. એ સંસ્કાર ને શિક્ષણનું જ પરિણામ છે. સ્ત્રીઓનાં થતાં ખૂન ને તેની રીત આઘાત જન્માવનારાં છે. સ્ત્રી–પુરુષ એકબીજાને ચાહે ને પરણે એ સ્વાભાવિક ગણાવું જોઈએ, પણ એમાં સૌથી વધુ અરાજકતા આજકાલ જોવા મળે છે. આજે પણ જ્ઞાતિ, જાતિના પ્રશ્નો લગ્નમાં બાધક છે. અમુક જ્ઞાતિ કે જાતિના હોવા માત્રથી જ લગ્નો નથી થતાં ને જ્યાં મન ન હોય ત્યાં પરણવું પડે છે. એ પછી પણ પ્રેમ ન ભુલાય તો અનેક પ્રશ્નો ઊભા થાય છે ને તેનાં પરિણામો અકુદરતી મૃત્યુ સુધી વિસ્તરે છે. આમ તો જ્ઞાતિ, જાતિનાં બંધનો કૂણાં પડ્યાં છે, પણ તે નાબૂદ થયાં નથી. વારુ, લગ્નનું બંધન પણ હવે ન સ્વીકારવાનું વલણ જોર પકડતું જાય છે. લગ્ન વગર સાથે રહેવાનું મુશ્કેલ રહ્યું નથી. લિવ ઇનમાં સ્ત્રી-પુરુષ રહેતાં થયાં છે, પણ તે પછી પણ સ્ત્રીનું લક્ષ્ય લગ્નનું તો હોય જ છે ને તે ઘણીવાર પુરુષને મંજૂર હોતું નથી ને ઝઘડાનું નિમિત એમાંથી ઊભું થાય છે. કોઈ કોઈ છૂટાં થઈ જાય છે, તો ક્યારેક વાત મરવા-મારવા પર પણ આવીને અટકે છે. એવું પણ છે કે લિવ ઇનનો વિકલ્પ લગ્નને વધુ સરળ કરવાનો હતો, પણ એને કારણે જીવન વધુ ગૂંચવાયું હોવાનું જ તેનાં પરિણામો સૂચવે છે. કોણ જાણે કેમ, પણ મનુષ્ય શાંતિ અને આનંદથી રહેવા જ માંગતો ન હોય એવું વાતાવરણ ઘર કરતું આવે છે ને તે ચિંતા ઉપજાવનારું છે.

શ્રદ્ધા નામની એક 25-26ની શાંત, અંતર્મુખી યુવતી. સમુદ્રી સ્વચ્છતા કાર્યક્રમોમાં ભાગ લે. મુંબઈનાં વસઈમાં રહે. માતાની સાથે. માતા અને પિતા સાથે રહેતાં ન હતાં, પરિણામે પિતાનો પ્રેમ શ્રદ્ધાને મળ્યો નહીં. મલાડ કોલ સેન્ટરમાં તે કામ કરે. ત્યાં એ આફતાબના પરિચયમાં આવી. માબાપની પરવા કર્યાં વગર તે આફતાબ સાથે લિવ ઇનમાં રહેવા લાગી, પણ બંને વચ્ચે મેળ ન પડ્યો. 2019માં તેણે માતાને કહ્યું કે તેનો પ્રેમી મારપીટ કરે છે. બાપે તેને અલગ થઈ જવાનું કહ્યું, તો શ્રદ્ધાને યાદ આવ્યું કે તે 25 વર્ષની સ્વતંત્ર યુવતી છે. પોતાનાં નિર્ણયો તે જાતે લઈ શકે એમ છે ને તેણે લિવ ઇનમાં આફતાબ સાથે રહેવાનું ચાલુ રાખ્યું. વધારામાં તેણે પિતાને જણાવ્યું કે તે હવે તેમની દીકરી મટી ગઈ છે. 2020માં શ્રદ્ધાની માતાનું અવસાન થયું. પિતા સાથે તો સંબંધ ખાસ હતો નહીં, એટલે શ્રદ્ધાનો માલિકી હક આફતાબે મેળવી લીધો ને તેની જોહુકમી વધતી ગઈ. ત્રાસીને શ્રદ્ધા પિતાને ત્યાં આવી ગઈ. પિતાએ તેને રાખી. આફતાબે માફી માંગી લેતાં શ્રદ્ધા ફરી આફતાબ પાસે આવી ગઈ. પિતાએ તેની સાથેના સંબંધો પૂરા થયાની ચેતવણી સાથે તેને જવા દીધી. આફતાબ શ્રદ્ધાને લઈને દિલ્હી નજીક મહેરોલીમાં રહેવા લાગ્યો. આની જાણ પણ શ્રદ્ધાએ પિતાને ન કરી. દિલ્હીમાં શ્રદ્ધાએ લગ્ન કરવાનું દબાણ વધાર્યું, પણ આફતાબ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો. તેમાં શ્રદ્ધા નડતરરૂપ લાગતાં 18 મે, 2022 ને રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.

હત્યા તો કરી, પણ શ્રદ્ધાનો નિકાલ કરવાનું મુશ્કેલ લાગ્યું તો તેણે આરી વડે તેનાં 35 ટુકડા કર્યાં. તે સાચવવા તેણે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. આમ કરવાનું તેને સૂઝ્યું, એક ટી.વી. સિરિયલ પરથી. ટુકડા સાચવવા તેણે કેમિકલ પણ ખપમાં લીધું. એ પછી રોજ તે નજીકનાં જંગલમાં જઈને શરીરના ટુકડા વિસર્જિત કરી આવતો. 18 દિવસમાં આ વિસર્જન તેણે પૂરું કર્યું. શ્રદ્ધાના ટુકડા ફ્રિજમાં હતા એ દરમિયાન આફતાબ તેની નવી લિવ ઇન મિત્રને પણ ઘરે લાવતો રહ્યો. શ્રદ્ધાના પિતા સાથેના સંબંધો પૂરા થઈ ગયા હતા એટલે તેનાં પિતા પણ મહિનાઓ સુધી આ હત્યાથી અજાણ જ રહ્યા. કોઈએ ધ્યાન દોર્યું તો પિતાએ પોલીસમાં, શ્રદ્ધા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ગુનો દિલ્હીમાં બન્યો હતો એટલે વસઇ પોલીસે ફરિયાદ દિલ્હી ટ્રાન્સફર કરી. દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી ત્યારે આફતાબે ગુનો કબૂલ્યો ને પોલીસ તેને લઈને શ્રદ્ધાને શોધવા નીકળી તો થોડાક જ ટુકડા તેને હાથ લાગ્યા છે ને બાકીની શ્રદ્ધા તેને હાથ લાગવાની બાકી છે.

આવી જ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારની પણ બહાર આવી છે જેમાં એક યુવતીના શરીરના ટુકડા કૂવામાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત દહેરાદૂનમાં પણ 2010માં અનુપમા ગુલાંટીની હત્યા થયેલી, જેમાં તેનાં પતિ રાજેશ ગુલાંટીએ અનુપમાનાં શરીરનાં 72 ટુકડા કરી તેને ફ્રિજમાં સાચવી હતી અને આફતાબની જેમ જ તેનો નિકાલ કરવા તે ગટરમાં ટુકડા ફેંકવા સુધી ગયો હતો. આ અને આવી ઘટનાઓ આઘાત આપનારી છે. માણસ ખૂન કરે એ જ અસહ્ય છે, ત્યાં તે પૂરી નિર્મમતાથી શરીરના ટુકડા કરે ને તેને સાચવવા ફ્રિજ વસાવે ને કેમિકલના ઉપયોગથી ટુકડા સાચવે એ કેવળ ને કેવળ રાક્ષસી કૃત્ય છે. રાક્ષસ પણ આ હદે ન જાય. આ હત્યાઓ ઉશ્કેરાટમાં નથી થઈ. ઠંડે કલેજે, પૂરી નિર્મમતાથી ને અત્યંત ઘાતકી રીતે થઈ છે. કાયદાની કોઈ પણ મહત્તમ સજા ખૂની માટે ઓછી છે. તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોમનો કેમ ન હોય, તે કેવળ ગુનેગાર છે અને તે કોઈ પણ જાતની દયાને પાત્ર નથી.

એ તો કાયદો કાયદાની રીતે કામ કરશે, પણ આ હત્યા કેટલીક બાબતો વિષે વિચારવા પ્રેરે છે. શ્રદ્ધાનાં માતપિતાનું લગ્નજીવન શ્રદ્ધાને જીવન પ્રત્યે અંતર્મુખ બનાવવા પૂરતું છે. પિતૃપ્રેમથી તે વંચિત રહી છે ને માબાપથી વિમુખ થવાની હોય તેમ, પછી તો તેની મા પણ રહેતી નથી એટલે તે આફતાબ તરફ ઢળી હોય ને માબાપનું લગ્નજીવન એ બંનેની વચ્ચે પડઘાતું રહ્યું હોય એ શક્ય છે. યુવા પેઢીનાં આ બંને પ્રતિનિધિઓ છે. તેમની વચ્ચે સ્વસ્થતા નથી. પિતા, આફતાબને છોડીને શ્રદ્ધાને પાછી આવી રહેવા સૂચવે છે ત્યારે રિબાતી શ્રદ્ધા ઘરે આવી જવાને બદલે પોતે સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ છે એવા વહેમમાં ખોટો નિર્ણય લઈને આફતાબ સાથે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય મક્કમ કરે છે. આફતાબનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખબર નથી, પણ તેનાં નિર્ણયોમાં રહેલી ક્રૂરતા કોઈ કુટુંબનાં સંસ્કાર હોવા વિષે શંકા પ્રેરે એમ છે. એકથી વધુ પ્રેમિકાઓ હોવી ને ગમે તેને રાખવી કે છોડવી તેવી આજની યુવા માનસિક્તાનો આફતાબ ને એના જેવા ઘણાં યુવાનો શિકાર છે. બધા જ યુવાનો આવા ન જ હોય, પણ જે આછકલાઇ છાશવારે યુવા પેઢીમાં જોવા મળે છે તે ચિંતા પ્રેરે એમ છે. એક ક્રૂર, શૉર્ટકટિયા, સગવડિયા ને તકવાદી ઉગ્ર પેઢી આકાર લઈ રહી છે એનાં આ નમૂનાઓ છે. અપવાદો હશે જ ને વૃદ્ધો બધા જ સારા છે એવું પણ નથી, પણ મનોયાતનાઓથી પીડાનારી ને માનસિક રીતે માંદી પેઢી સામે આવી રહી છે ને તેની ચિંતા નહિ કરવામાં આવે તો એ ઘણી ચિંતા કરાવશે એવું લાગી રહ્યું છે. એને બચાવવાની જરૂર છે ને એને નહીં બચાવાય તો એ ઘણું બચાવવા જેવું નહીં રહેવા દે તે સમજી લેવાનું રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 નવેમ્બર 2022

Loading

ઘોડો અને સૂરજ

યોગેશ ભટ્ટ|Poetry|21 November 2022

દિન બધો

સૂરજને પીઠ પરે વેંઢારતો

દોડતો’ક રે’તો ….. રેતમાં કાંઠાની 

નિજ મૂગીં..ત.બ.ડ.ક..મૂગીં-થી તાલ દેતો॓॓॓॓॓ રે’ દરિયાની ભરતી-ઓટમાં 

ઊછળતાં લસરતાં જળ મોજીલાંને ….. 

હવે –

આ ડૂબતો સૂરજ 

આકાશ ભરોસે … 

ને અશ્વ 

એના રખેવાળ ભરોસે

રાતભર.

૨૦.૧૧.’૨૨.

Loading

આધા ગાંવ : ગંગોલીની ગંગાને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયાસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 November 2022

ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યિક કૃતિઓના અનુવાદ આપનારાં લેખિકા શરીફાબહેન વીજળીવાળાનાં, આ મહિને ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે; ડો. રાહી માસૂમ રઝાનું ‘આધા ગાંવ,’ ઇંતઝાર હુસૈનનું ‘બસ્તી’ અને મન્નુ ભંડારીનું ‘મહાભોજ.’ આ ત્રણે પુસ્તકો નવલકથા સ્વરૂપે છે. પહેલી બે નવલકથાઓ, ‘આધા ગાંવ’ અને ‘બસ્તી’, વિભાજનના ઇતિહાસની કરુણાંતિકાને સ્પર્શ કરે છે, જ્યારે ‘મહાભોજ’ આઝાદ ભારતમાં રાજનીતિ અને અપરાધના ગઠબંધનની વાત કરે છે. ‘બસ્તી’ આમ તો પાકિસ્તાની ઉર્દૂ નવલકથા છે, અને તેમાં પાકિસ્તાનના હિંસક ભૂતકાળ અને માનવીય સંબંધોના અનિશ્ચિત ભવિષ્યની ચિંતા છે.

એમાં ‘આધા ગાંવ’ વિશેષ રસ પડે તેવું સર્જન છે. એક તો, તેના રચનાકાર ડો. રાહી માસૂમ રઝાનું નામ ઘેર-ઘરે જાણીતું છે અને બીજું, તેમની આ અત્યંત લોકપ્રિય નવલકથામાં ભારત-પાકિસ્તાનના વિભાજનને કથિત હિંદુ-મુસ્લિમ નજરથી જોવાને બદલે ભારતીય, અથવા એથી ય આગળ, માનવીય દૃષ્ટિએ જોવાનો પ્રયાસ છે.

‘આધા ગાંવ’ 1966માં પ્રકશિત થઇ હતી. વાચકોએ તેની એટલી સરાહના કરી કે રાહી ભારતના ઉચ્ચ કોટિના વાર્તાકારોમાં ગણાવા લાગ્યા હતા. એક રીતે તે આત્મકથાત્મક છે. તેમાં ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં આવેલા ગંગોલી નામના ગામની વાત છે. રાહીનું ગામ પણ એ જ છે. રાહી કામકાજની તલાશમાં મુંબઈ આવ્યા હતા અને હિન્દી ફિલ્મોમાં જાણીતા સંવાદ લેખક તરીકે સ્થાપિત થયા હતા (મૈ તુલસી તેરે આંગન કી, મિલી, લમ્હે, ગોલમાલ, કર્ઝ). જગજીત સિંહ-ચિત્રા સિંહના અવાજમાં તેમની એક ગઝલ ‘હમ તો હૈ પરદેશ મેં દેશ મેં નિકલા હોગા ચાંદ’ બેહદ લોકપ્રિય નીવડી હતી.

રાહી સ્પષ્ટતાવાદી અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય દૃષ્ટિકોણવાળા હતા. ‘આધા ગાંવ’ તેનું પરિણામ છે. બી.આર. ચોપરાની બહુચર્ચિત ધારાવાહી સિરિયલ ‘મહાભારત’ના સંવાદો રાહીએ લખ્યા હતા. શરૂઆતમાં તેમણે ચોપરાજીને ના પાડી દીધી હતી કારણ કે ફિલ્મોની વ્યસ્તતાને કારણે તેમની પાસે સમય નહોતો, પણ તે પહેલાં ચોપરાએ સંવાદ લેખક તરીકે ડો. રાહીનું નામ જાહેર કરી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે અમુક કટ્ટર હિંદુઓએ ચોપરાજી પર કાગળો લખ્યા કે તમને ‘મહાભારત’ માટે બીજું કોઈ નહીં ને એક મુસ્લિમ લેખક મળ્યો?

ચોપરાએ એ પત્રો ડો. રાહીને મોકલી આપ્યા. તેઓ ભડકી ગયા. તેમણે ચોપરાને ફોન જોડીને કહ્યું, “હવે તો હું જ લખીશ. હું ગંગાનો દીકરો છું (તેમનું વતન ગંગા કિનારે હતું). મારાથી વધુ હિન્દુસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિની કોને ખબર હોય?” એટલા માટે રાહી તેમને ગંગાપુત્ર અને ગંગા કિનારે વાલા ગણાવતા હતા.

રાહીએ ભારત-પાકિસ્તાનના વિભાજનને ગંગોલીમાં અનુભવ્યું હતું. ગંગોલી બે ભાગમાં વહેંચાયેલું ગામ છે; ઉત્તર-પટ્ટી અને દક્ષિણ-પટ્ટી. એમાં શિયા અને સુન્ની મુસ્લિમો રહે છે. એટલા માટે તેનું નામ ‘આધા ગાંવ’ છે. ગામમાં હિદુ સહિતની અન્ય જાતિઓ પણ રહે છે. વિભાજનની વાતોના કારણે ગામમાં જે રીતે વૈમનસ્ય ઊભું થાય છે અને કેવી રીતે સંબંધોમાં પરિવર્તન આવે છે તેની વાર્તા આ નવલકથામાં છે. 1947માં, સાંપ્રદાયિક ઘટનાઓનાં કારણે ભારતનો ગ્રામીણ અને શહેરી સમાજ તમામ ભિન્નતાઓ હોવા છતાં કેવી રીતે વિભાજીત થવા લાગ્યો તેના પર બહુ ઓછુ લખાયું છે. ‘આધા ગાંવ’ એ અર્થમાં મહત્ત્વની કૃતિ છે.

નવલકથાની પ્રસ્તાવનામાં ડો. રાહી માસૂમ રઝા લખે છે, “આ વાર્તા ન તો અમુક લોકોની છે કે ન તો અમુક પરિવારોની. એ ગામની પણ વાર્તા નથી જેમાં આ વાર્તાનાં સારાં-ખરાબ પાત્રો પોત-પોતાને પૂર્ણ બનાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વાર્તા ન તો ધાર્મિક છે, ન તો રાજનૈતિક કારણ કે સમય ન તો ધાર્મિક હોય છે કે ન તો રાજનૈતિક … આ વાર્તા સમયની છે. આ ગંગોલીમાં પસાર થનારા સમયની વાર્તા છે.”

સમય તો માત્ર માણસનો હોય છે. તે હિંદુ અને મુસ્લિમનો સહિયારો હોય છે. ભારતમાં આવા સહિયારાપણાનો ભાવ એકતાનો પરિચય આપતો હતો અને એ એકતાનાં મૂળિયાં અડધા ગામમાં જોવા મળે છે. એમાં વિભાજનની રાજનીતિ આવી અને ગામની એકતામાં ખલેલ પડી. રાહી નવલકથામાં એક જગ્યાએ લખે છે, “વાસ્તવમાં ગંગોલી ઇતિહાસથી બેખબર હતું. તેને એટલો સમય જ મળતો નહોતો કે વડના ઝાડ નીચે ઠંડી છાયામાં લાંબા થઈને તેના ઇતિહાસ બાબતે વિચારે જે રામાયણથી પણ આગળ સુધી ફેલાયેલો છે.”

મિયાં મંદિરમાં જતા હોય અને હિંદુ તાજિયામાં શરીક થતા હોય એવું એ ગામ હતું. ગંગોલી એટલું માસૂમ હતું કે પાકિસ્તાન શું ચીજ છે, એનું સ્વરૂપ શું હશે, એ ક્યાં આવ્યું તે કોઈને ખબર નહોતી. ગંગોલીના લોકોએ એ સમજમાં આવતું નહોતું કે મુસલમાનોને અલગ વતનની કેમ જરૂર પડી છે. તેમને થતું હતું – પાકિસ્તાન જતા રહેવાથી તેમની પ્રગતિ કેવી રીતે થશે? આ એક વણઉકલ્યો કોયડો હતો. 

જેમ-જેમ વિભાજન નિશ્ચિત થવા લાગ્યું, તેમ-તેમ ગંગોલીમાં રાજનીતિમાં તેજી આવી. કલકત્તા અને બિહારમાં કોમી તોફાનોના સમાચારો ગંગોલીમાં આવતા હતા અને એક બુઝુર્ગ ફૂન્નન મિયાંને સમજમાં આવતું નહોતું કે સેંકડો વર્ષો પહેલાં મુસલમાન શાસકોએ કરેલા અત્યાચારનો બદલો હવે કેમ લેવામાં આવી રહ્યો છે. કલકત્તાના મુસલમાનોનો બદલો બારિખપુરના મુસલમાનોથી કેમ લેવામાં આવે છે. કોઈ કહેતું, અમે તો ઓરંગઝેબને નથી જાણતા, કદાચ કોક બદમાશ હશે.

ગંગોલીનો સમય બદલાઈ રહ્યો હતો. રાહી બહુ માર્મિક રીતે આ વાત લખે છે;

“અહીં થોડા દિવસોથી ગંગોલીમાં ગંગોલીવાળાઓની સંખ્યા ઓછી થઇ રહી છે અને સુન્નીઓ, શિયાઓ અને હિંદુઓની સંખ્યા વધી રહી છે. કદાચ એટલે જ નુરુદ્દીન શહીદની સમાધિ પર એટલો મેળો નથી થતો અને ગંગોલીનું વાતાવરણ ‘બેલ મહમદી યા હુસૈન’ની અવાજોથી એવું નથી ગુંજતું, જે રીતે ક્યારેક ગુંજી ઉઠતું હતું.”

વાસ્તવમાં, ગંગોલીમાં બે જ જાતિ હતી; જમીનદારો અને કિસાન-કારીગરો. ‘હિન્દુસ્તાન’ બને કે ‘પાકિસ્તાન,’ લોકોની ગરીબી અને મજબૂરીમાં કોઈ ફરક પડવાનો નહોતો. ‘ગંગોલી’ હોય કે ‘કરાચી,’ મહેનત-મજદૂરી તો સરખી જ રહેવાની હતી. વિભાજન અને પાકિસ્તાનના નિર્માણની સાથે જમીનદારી પણ ખતમ થઇ ગઈ. એ સાથે જ ગામનું આર્થિક માળખું તૂટી ગયું. જમીન-જાયદાદ અને મજૂરી વગરના લોકો માટે ગાજીપુર અને કરાચી સરખું જ હતું, એટલે દૂર કોઈ શહેરમાં મજૂરી કરવાની શરમ નહીં આવે તેવું માનીને ગંગોલીને છોડી ગયા. ટૂંકમાં, ગંગોલીનો મુસલમાન પાકિસ્તાન નહોતો ગયો. એ કામની તલાશમાં એક માણસ ગયો હતો. અને ગયો હતો તો હિંદુઓના ડરથી ગયો નહોતો. એ કરાચી ગયો, લાહોર ગયો, ગયા ગયો, ઢાકા ગયો પણ પાકિસ્તાન નહોતો ગયો.

‘આધા ગાંવ’ની આ અસલી હકીકત હતી. આશા છે શરીફાબહેને ગુજરાતીમાં ગંગોલીની ગંગાને ઉતરવાનો જે પ્રયાસ કર્યો છે, તેને વાચકો આચમન માનીને વધાવશે.

પ્રગટ : ‘ફાયરવોલ’ નામક સાપ્તાહિક કોલમ, ‘“ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 20 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1881,1891,1901,191...1,2001,2101,220...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved