Opinion Magazine
Number of visits: 9743606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સતત વહેતી, સતત પલટાતી અને તોયે સદાસર્વદા વહેતી ગંગા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 May 2023

ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે. એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર?

સુંદર વનરા છે, પણ એમાં ખોવાઈ શેં જવાય? કેટકેટલાં વચનો નભાવવાનાં છે અને માઈલોના માઈલો કાપવાના છે : 27મી મેના રોજ 1964માં વડા પ્રધાન નેહરુએ અંતિમ શ્વાસ લીધા ત્યારે કવિ રોબર્ટ ફ્રોસ્ટની આ મતલબની પંક્તિઓ તેમના મેજ પર વંચાતી હતી. ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે અને એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર? આમ તો, વોટ્સએપ યુનિવર્સિટીના વિક્રમી બાળુડાંઓએ બચાડાંએ ખાસ પૂછવા કે નાવાનીચોવા જેવું નયે રાખ્યું હોય. પણ જેમ એક વૈકલ્પિક વિમર્શ કસરત ચાલે છે તેમ આ લખનાર જેવા ક્યારેક નેહરુના ટીકાકાર રહેલાને પક્ષે પણ પુનર્વિચાર શી કશ્મકશ ક્યાં નથી?

એક દાખલો આપું. 1937ની પ્રાંતિક સ્વરાજ સરકાર વખતથી ગાંધીજી સાદા મંત્રીનિવાસ, માફકસર (મહિને પાંચસો રૂપિયા આસપાસ) પગાર અને સહિયારી પરિવહનસેવાના હિમાયતી હતા. સ્વરાજ આવ્યું ને સૌ મોટા મોટા નિવાસોમાં રહેવા જવા લાગ્યા. ગાંધીજી અલબત્ત હરિજન કોલોનીમાં આગ્રહપૂર્વક રહેતા હતા, જેમ ઢેબરભાઈ પણ (પછીથી કાઁગ્રેસ પ્રમુખ થયા ત્યારે) સંકલ્પપૂર્વક રહેતા હતા. નવ નવ વરસના જેલવાસના તપસી જવાહર જો કે આગ્રહપૂર્વક અંગ્રેજ સેનાપતિએ ખાલી કરેલા મહેલનુમા બંગલામાં રહેવા ગયા. (એક વાર જયપ્રકાશે ‘ભાઈ જવાહરલાલ’ને લખ્યું’તું પણ ખરું કે તમે 1927ના અરસામાં સોવિયત રશિયા ગયા ત્યારે લેનિનનું સત્તાવાર નિવાસસ્થાન કેટલું નાનું હતું એ કેટલા ભાવપૂર્વક યાદ કરતા હતા …)

ત્યારે અલબત્ત જે ટીકા કરવાનું બન્યું હશે તે બન્યું હશે, પણ હમણાં એક પાકિસ્તાની પર્યવેક્ષકે કમાલ નુક્તેચીની કરી છે : ભારતના વડા પ્રધાન તરીકે નેહરુ ધરાર ગોરા વડા સેનાપતિના નિવાસમાં રહેવા ગયા અને ચોખ્ખો સંકેત બેબાક ને બિનધાસ્ત આપી દીધો કે ભઈલા આ લોકશાહી મુલક છે ને ચુંટાયેલી સરકારની અહીં સરસાઈ હોવાની, હોવાની ને હોવાની છે.

જો કે આ તો એક આકર્ષતો છતાં કંઈક અછડતો ઉલ્લેખ થયો. પણ ખાસ ચાલતી ચર્ચા (ઘણુંખરું અલબત્ત ચકચાર) તો એ છે કે આ માણસને અને દેશના ઇતિહાસ ને સંસ્કૃતિને શું. ઉત્તર પ્રદેશમાં ને અન્યત્ર વિધાનસભાની ચૂંટણી વખતે (કાઁગ્રેસને જનોઈતિલકધારી રાહુલ મુદ્રા સૂઝી હતી એ ગાળામાં) યોગી આદિત્યનાથની એક ચહેતી પ્રચારવાનગી હતી કે જેના વડીલને પોતાનું હિંદુ હોવું તે અકસ્માત લાગતું હોય તે વળી શેનો ધરમનો દાખડો કરે છે. ભલા ભાઈ, ચાલુ રાજકારણમાં આવાતેવા પેચપવિત્રા ચાલતા હોય છે. માત્ર, જવાહરલાલે એમને નામે ચાલ્યું છે એમ આત્મકથામાં ક્યાંયે નથી લખ્યું કે ‘શિક્ષણે હું અંગ્રેજ છું, વિચારોમાં આંતરરાષ્ટ્રીયતાવાદી છું, સભ્યતાએ મુસ્લિમ અને જન્મના અકસ્માતે હિંદુ છું.’ હકીકતે મૂળે એન.બી. (નારાયણ ભાસ્કર) ખરેએ એક લેખમાં નેહરુની આત્મકથાનું આ અવતરણ આપ્યું છે. માબાપ વગર તે કેમનું અવતર્યું હશે એ. ખરે જાણે; કેમ કે આત્મકથામાં તે શોધ્યું જડતું નથી. 

નેહરુની સ્વાધ્યાયપ્રત સ્વદેશવત્સલતા, એમની ઇતિહાસદૃષ્ટિ, ભારતીય સંસ્કૃતિ વિશેની એમની સમજ, આ બધાંનો હૃદ્ય આલેખ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ રૂપે આપણી સમક્ષ છે. અહમદનગર જેલમાં, ખાસ કશી સ્ત્રોતસામગ્રી વગર, આચાર્ય કૃપાલાની, વલ્લભભાઈ, મૌલાના આઝાદ, આચાર્ય નરેન્દ્ર દેવ વગેરેની સોબતમાં બાગાયત કરતાં કરતાં પોતાની અદ્દભુત સ્મૃતિ (અને નરેન્દ્ર દેવ ને મૌલાના આઝાદ જેવાની વિશ્વકોશીય જાણકારી) એમને ફળી છે. કૃપાલાની આત્મકથામાં સંભારે છે કે આ અદ્વિતીય ગ્રંથ બહાર આવ્યો ત્યારે સમજાયું કે નેહરુ વારે વારે મૌલાનાના ખંડમાં કેમ ધસી જતા હતા. સાથોસાથ, એક ઋણસ્વીકાર કરી લઉં? આ કોલમનામ પર વારી ગયેલા મિત્રોને કહેવાનું કે વાસ્તવમાં તે નેહરુકૃત ‘ગ્લિમ્પ્સઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ને ગુજરાતીમાં ઉતારતાં વેણીભાઈ બુચે કરેલ પ્રયોગ છે … ‘સૌરાષ્ટ્ર’ના વારામાં આ પુસ્તકને ‘તવારીખની તેજછાયા’ એ શ્રેણીશીર્ષક સાથે નાના નાના ભાગમાં બહાર પડાયું હતું. કાશ નવજીવન ‘ડિસ્કવરી’ અને ‘ગ્લિમ્પ્સિઝ’ને એ ધારીએ કેમ સુલભ ન કરી શકે! રાહ જોઈએ.

જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ માટેની એમની સમજ ને ઉલ્લસિત ઉરનો સવાલ છે, બે ઈંગિત બસ થશે. એક તો, રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી વિવેકાનંદ વિશેની એમની પુસ્તિકા.

અને, 21 જૂન 1954ના રોજ (અવસાનના ખાસા દસકા પહેલાં) લખી રાખેલ વસિયતમાં ગંગામૈયા વિશેના આ ઉદ્દગારો :

‘ગંગા ભારતની પોતાની ખાસ નદી છે. અહીંનું લોક એને ચાહે છે અને એની ફરતે કંઈકેટલી સ્મૃતિઓ સંકળાયેલી છે – ભારતની આશાનિરાશા ને ભય, વિજયવાર્તા ને પરાજયની કથા : આ બધાંને ગોદમાં લેતી તે ભારતની સૃજનજૂતી સંસ્કૃતિ ને સભ્યતાનું પ્રતીક છે … સતત પલટાતી, સતત વહેતી ને તોયે સદાસર્વદા એની એ જ ગંગા.’

પંડિત નેહરુને નામે જે નિર્માણ ઇતિહાસજમે છે, એની સાંસ્કૃતિક પિછવાઈનું આ તો એક દર્શન, લગરીક.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 મે 2023

Loading

બે હજારની નોટ નાછૂટકે રદ્દ કરવામાં આવી

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2023

રમેશ ઓઝા

તમે બે હજાર રૂપિયાની નોટ છેલ્લે ક્યારે ભાળી હતી? એ.ટી.એમ. કે બૅન્કમાંથી તમે પૈસા કઢાવ્યા હોય અને તમને બે હજારની નોટમાં પૈસા મળ્યા હોય એવું ક્યારે બન્યું હતું? છેલ્લા બે વર્ષમાં ભાગ્યે જ તમે બે હજારની નોટ ભાળી હશે કે એ નોટમાં વહેવાર કર્યો હશે.

શા માટે? ઘણાં લોકોને એમ લાગતું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ ધીરે ધીરે પાછી ખેંચી લીધી હશે અને નવી નોટ છાપવાનું બંધ કર્યું હશે. ૨૦૧૬ના નવેમ્બરમાં જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી અને જૂનાની જગ્યાએ નવા ચલણનો પુરવઠો ઊભાઊભ કરવો મુશ્કેલ હતો ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે બે હજાર રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. બે હજારની એક નોટ સામે પાંચસો રૂપિયાની ચાર નોટ બદલી શકાય. જો કે ત્યારે પણ કહેનારાઓ તો કહેતા જ હતા કે નોટબંધી એક ખાસ વર્ગને મદદ કરવા માટેનું કૌભાંડ છે અને બે હજારની નોટ પણ તેનો એક ભાગ છે. પરંતુ ત્યારે આ લખનાર એમ માનતો હતો કે બે હજારની નોટ ચલણમાં દાખલ કરવા પાછળનું કારણ ઉપર કહ્યું એમ તાત્કાલીક જરૂરિયાત હતું અને જરૂરિયાત પૂરી થતાં રીઝર્વ બૅંક બે હજારની નોટને પાછી ખેંચી રહી છે. બે હાજરની નોટ નથી દેખાતી એની પાછળનું કારણ આ છે. આવું મારું અનુમાન હતું અને બીજા અનેક લોકોનું હતું.

પણ એક દિવસ આઘાતજનક માહિતી મળી. મનોરંજન એસ. રોય નામના માહિતીના અધિકાર માટે કામ કરનારા કર્મશીલના ધ્યાનમાં એક વિચિત્ર વાત આવી. ભારત સરકારની માલિકીની ત્રણ ટંકશાળમાં રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની જેટલી નોટ છપાવી છે એનાથી વધુ નોટ રીઝર્વ બૅન્કે બજારમાં મૂકી છે! અરે! આમ કેમ બને? વળી બન્ને આંકડા રીઝર્વ બૅન્કે પોતે તેના વાર્ષિક અહેવાલમાં આપ્યા છે. બન્ને આંકડા સરકારી છે, સત્તાવાર છે, એક જ સરકારી સંસ્થાના છે, રીઝર્વ બૅંન્કના પોતાનાં છે. ના, એ નકલી નોટ ન હોઈ શકે. નકલી નોટ બનાવનારાઓ રીઝર્વ બૅંક દ્વારા નકલી નોટ ચલણમાં ન મૂકી શકે. બે હજાર રૂપિયાની નકલી નોટ ચલણમાં ફરતી હશે એ તો વધારાની. તો પછી એ વધારાની બે હજાર રૂપિયાની નોટો છપાવી કોણે? કોના કહેવાથી? કોના માટે? અને રીઝર્વ બૅન્કે છપાવી તો સરકારી ચલણ છાપનારાં પ્રેસમાં એની નોંધ કે ગણતરી કેમ નથી? તો પછી એ નોટ છપાવી ક્યાં? કોના પ્રેસમાં? બધા જ રહસ્યમય પ્રશ્નો છે જે રીતે નોટબંધી પોતે જ એક રહસ્યમય ઘટના છે.

આની સી.બી.આઈ. દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરતો પત્ર મનોરંજન રોયે ગયા વરસે એપ્રિલ મહિનામાં વડા પ્રધાનને લખ્યો અને તેની નકલ મોકલી રાષ્ટ્રપતિને, નાણાં પ્રધાનને, રીઝર્વ બૅન્કના ગવર્નરને. અપેક્ષા મુજબ કોઈ જવાબ નહીં.

બે હજાર રૂપિયાની નોટની છપાઈની સંખ્યા અને બજારમાં ફરતી નોટની સંખ્યા વચ્ચેના આશ્ચર્યજનક તફાવતને ઘડીભર બાજુએ મૂકીએ. આંકડા પરથી એક વાત નક્કી કે ૨૦૨૦-૨૧ની સાલ સુધી રીઝર્વ બૅંક બે હજાર રૂપિયાની નોટ છપાવતી હતી અને બજારમાં મૂકતી પણ હતી, પણ તો પછી એ હતી ક્યાં? કોની પાસે? આપણે તો તેનાં ભાગ્યે જ દર્શન કર્યાં હતાં. ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ ૩૩ લાખ નોટ બજારમાં મૂકી હતી. યાદ રહે, આ નોટોની સંખ્યા છે.

વાત એમ છે કે નોટબંધી એક વગરવિચાર્યું તઘલખી સાહસ હતું. રીઝર્વ બૅન્કના ધોરણસરના શિક્ષિત અર્થશાસ્ત્રી ગવર્નર રઘુરામ રાજને નોટબંધીનો વિરોધ કર્યો હતો એટલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. નોટબંધી કરવાથી નથી કાળાં નાણાંનો અંત આવ્યો કે નથી નકલી નોટોનો અંત આવ્યો. વડા પ્રધાન રોજ ત્રાસવાદીઓનો ડર બતાવે છે એટલે ત્રાસવાદનો પણ અંત નથી આવ્યો. ઊલટું બે હજાર રૂપિયાની નોટ દ્વારા કાળું નાણું સાચવવામાં સહેલું પડે એવું કદમાં નાનું થઈ ગયું. પાંચસો અને હજારની નોટ અનુક્રમે ચાર ગણી કે બે ગણી જગ્યા રોકતી હતી. કાળાં નાણાં ધરાવનારાને ચાંદી થઈ ગઈ હતી. નકલી નોટવાળાઓને પણ ચાંદી થઈ ગઈ. તઘલખી ખેલના અંતે ખબર પડી કે રીઝર્વ બૅન્કે જેટલી રકમની નોટ બજારમાં મૂકી હતી તેનાં કરતાં વધુ રકમની નોટ પાછી આવી.

બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ નોટમાંથી ૯૦ ટકા નોટ કાળાં નાણાંમાં ફેરવાઈ ગઈ અને કેટલાક હાથોમાં જમા થવા લાગી. બાકી ભારતનું અંદાજે ૬૦ ટકા અર્થતંત્ર રોકડિયું અર્થતંત્ર છે. દૂધવાળા, શાકવાળા, દાણાવાળા, રીટેલ શોપ્સ, ગ્રામીણ કૃષિ અર્થતંત્રમાં રોકડાનો વહેવાર ચાલે છે. ક્યાંક તો બે હજારની નોટ નજરે પડે ને! પણ ક્યાં ય કહેતા ક્યાં ય જોવા નહોતી મળતી. રીઝર્વ બેંક બે હજારની નોટ ધીરે ધીરે પાછી ખેંચવા માગતી હતી, પણ બહાર નીકળે તો પાછી ખેંચે ને! ૨૦૨૧ના માર્ચ મહિનામાં કેન્દ્રના રાજયકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે રીઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટ છાપવાનું બંધ કર્યું છે અને ધીરે ધીરે બે હજારની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, પણ પાછી ફરી જ નહીં.

જ્યારે બે હજાર રૂપિયાની નોટ બહાર નહોતી નીકળતી ત્યારે નાછૂટકે હવે બે હજાર રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી છે, પણ એ રીતે કે કાળાં નાણાં ધરાવનારાઓને ઈજા ન પહોંચે. ઈજા પહોંચાડી શકાય એમ પણ નથી એ તો ૨૦૧૬માં જ સાબિત થઈ ગયું હતું એટલે એનો કોઈ અર્થ પણ નથી. નોટબંધી એક દુસ્સાહસ હતું એ હવે સાબિત થઈ ગયું છે. ભા.જ.પ., વડા પ્રધાન અને સરકાર પણ હવે નોટબંધીને યાદ નથી કરતાં, શ્રેય લેવાની વાત તો બાજુએ રહી. ગોદી મીડિયા પણ નોટબંધીના સાહસને ભૂલવાડવાનું કામ કરી રહ્યા છે.

દરમ્યાન આપણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ ડૉ. પારાકલા પ્રભાકરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાજમાં તિરાડો પાડવાની કમાલની આવડત ધરાવે છે, પણ અર્થતંત્ર અને બીજી શાસનની બાબતે એટલી જ આઘાતજનક અણઆવડત ધરાવે છે. ‘ધ ક્રૂક્ડ ટીમ્બર ઑફ ન્યુ ઇન્ડિયા : ઍસેઝ ઓન અ રિપબ્લિક ઇન ક્રાઈસીસ’ નામનાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં આમ કહ્યું છે. તેમણે વડા પ્રધાનની અણઆવડત માટે અંગ્રેજીમાં staggeringly incompetent એવો શબ્દપ્રયોગ કર્યો છે. ડૉ. પારાકલ પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સના પીએચ.ડી. છે. પ્રભાકરે એક વાર તેમનાં પત્ની અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ને સલાહ આપી હતી કે ભારતનાં અર્થતંત્રને ઠેકાણે પાડવું હોય અને એવો પ્રમાણિક ઈરાદો હોય તો આપણાં ઘરથી થોડે દૂર રહેતા ડૉ. મનમોહન સિંહને તારે મળવું જોઈએ. સ્વયંઘોષિત વિશ્વગુરુઓને છોડીને આખું જગત તેમની સલાહ લે છે અને આપણા ઘરની તો સાવ નજીક છે, એને મળ.

તો આવું છે વિશ્વગુરુનું અર્થતંત્ર!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 મે 2023

Loading

ચાલો, હરારી પાસે –  

સુમન શાહ|Opinion - Literature|23 May 2023

(This series of my writing I dedicate to my friends, Prabodh Parikh, Paresh Naik, Babu Suthar, Amrit Gangar, Hemang A., Kamal Vora, Vipool Kalyani, Abhimanyu Acharya, Aditya Joshi, Satishchandra Joshi, Madir Shah and Purvarag Shah …)

સુમન શાહ

આપણા સામ્પ્રત સાહિત્યનો વિચાર કરું છું તો એનો એક વિશેષ ઊડીને આંખે વળગે છે. તે એ કે ધર્મવિચાર, અધ્યાત્મવિદ્યા, ઇતિહાસ, સમાજકારણ, રાજકારણ કે વિજ્ઞાન સાથેનો એનો અનુબન્ધ કપાઈ ગયો છે. એ સર્વથી કપાયેલું આજનું એ સાહિત્ય જીવે છે ખરું પણ શબ્દ અને તેના લેખનની આવડતના જોરે ચલાય એટલું ચાલ્યા કરતા નાનકડા કોઈક જીવજન્તુ જેવું ! એના એ લઘુ કદથી મોટા ભાગનાઓ ત્રસ્ત છે પણ કોઈને એના વિકાસનો કે નાશનો વિચાર આવતો નથી.

પરિણામે રાજશાસન સંસ્કૃતિ સભ્યતા સમાજ અને આપણને સવિશેષે વ્હાલા આપણા સાહિત્ય વિશે કે કલા માત્ર વિશે, આપણે આજે નિરાશ, હતોત્સાહથી મન્દપ્રાણ અને કિમ્ કર્તવ્યમૂઢ મનોદશામાં સબડી રહ્યા છીએ. એવું કેમ છે એનો વિચાર માંડવાને ઘણું મૉડું થઈ રહ્યું છે.

આપણી હરેક સાહિત્યપરક સદેચ્છા છિન્નભિન્ન થઈ રહી છે. નથી તો માર્ગદર્શન મળતું, સંસ્કૃત કે પશ્ચિમની સાહિત્યમીમાંસાએથી કે એને આધાર આપતી પૂર્વની કે પશ્ચિમની એકેય ફિલસૂફીએથી. આજે લગભગ સૌ સંવેદનશીલ બૌદ્ધિકોને તમામ ગ્રાન્ડ નૅરેટિવ્ઝ ચૂપ અનુભવાય છે, એકે ય પરમ્પરિત કે સુરચિત કહેવાતું વિશ્વદર્શન પ્રેરણા કે ઉપકારક સાતા આપી શકતું નથી.

બીજી તરફ, આ ગ્લાનિના નિરસન માટે કોઈ વ્યક્તિવિશેષ સંભવશે એવી આશા રાખવી તે તો મને બાલિશ રોમાન્ટિસિઝમ લાગે છે. આપણી પાસે મેઇન સ્ટ્રીમમાં સંસ્થાપિત એકે ય મનીષી નથી કે નથી આપણી પાસે એકે ય નવલોહિયો પ્રતિભાવન્ત નવોદિત. સૌ આમ જ અને કેટલાક અંગત બળે સામે વ્હૅણ ઝઝૂમી રહ્યા છે. ટૂંકમાં, આપણે ઠોસ વૈચારિક આધારો વિનાની દયનીય દશામાં જીવીએ છીએ.

આનું એક કારણ તો આપણે જ છીએ. આપણે કશો નવ્ય વિચાર વિચારતા જ નથી. આપણને જાણ્યે-અજાણ્યે પરિસ્થતિ કોઠે પડી ગઈ છે. સમજીને કે ના-સમજીને આપણે સ્થિતસ્ય સમર્થનમ્ કરી રહ્યા છીએ. કશાક ગુપ્ત ભયે કરીને આપણે સીમાઓમાં સુખ જોઈ રહ્યા છીએ. આપણાં સાહસ જૂથબંધીમાં અને કોણ મોટો કોણ નાનો-ની હુંસાતૂંસીમાં ખરચાઇ રહ્યાં છે. અને, એવું જાણવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ, એટલે કે, મહા પ્રજ્ઞાપરાધમાં સરી રહ્યા છીએ.

આ દુરાવસ્થાનું બીજું મોટું કારણ તો એ છે કે આપણામાંના ભાગ્યે જ કોઈનું મૉઢું બદલાઇ રહેલા યુગ ભણી છે. પ્રેઝન્ટ ટાઇમસ્પિરિટથી આપણામાંના કોણ કોણ વાકેફ છે, એ પ્રશ્નનો ઉત્તરદાતા નિરાશવદન છે. સરેરાશ ગુજરાતી સાહિત્યકારની જ્ઞાનપરક દુનિયાનું ક્ષેત્રફળ આઠ-દસ ચોરસ ફીટથી વધારે નથી. એ એક સમર્થ કલાકાર તરીકે વિશ્વ સામે નથી ઊભો.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબરનેટિક્સ, કમ્પ્યૂટર સાયન્સ, ઇન્ટરનેટ ટૅક્નોલૉજિ, કે ગૂગલ જેવાં પ્લૅટફૉર્મ્સની સત્તાએ મનુષ્યને જે દિશામાં વિચારતો કર્યો છે એની આપણામાંના ભાગ્યે જ કોઈને જાણ છે. એટલું જ નહીં, આપણે એવી સંકીર્ણ અને રુગ્ણ મનોદશાનો ભોગ બન્યા છીએ કે એ અધુનાતન વિચારોની દિશાએ તો કદી ફરકવું જ નહીં …

આ સંજોગોમાં, હું Yuval Noha Harari-ની પ્રભાવક અને સમુપકારક વિચારધારાનો પરિચય મેળવવા અને સૌ જિજ્ઞાસુઓને આપવા ચાહું છું.

હરારી ઇઝરાઇલી છે, જાહેર બોદ્ધિક છે, હીબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલામમાં ઇતિહાસના પ્રૉફેસર છે. ૧૯૭૬માં જનમેલા ૪૭ વર્ષના હરારીનાં ત્રણ પુસ્તકોએ વિશ્વભરના વિચારકો-ચિન્તકોનું ધ્યાન ખૅંચ્યું છે. એ પુસ્તકો છે,

Sapiens: A Brief History of Humankind.

Homo Deus: A Brief History of Tomorrow.

21 Lessons for the 21st Century.

અલબત્ત, એ પુસ્તકોમાં સાહિત્ય કે કલાવિષયક સીધું કંઈ જ નથી પણ સાહિત્ય અને કલાઓ જે વિશ્વમાં હવે જનમવાની છે, જીવવાની છે, એ વિશ્વની એમાં એક વૈજ્ઞાનિક કલ્પના છે, આગાહી છે, આલોચના છે.

Big history અને Social philosophy હરારીનાં ગમતીલાં વિષયક્ષેત્રો છે.

વિશેષ, હવે પછી. 

= = =

(05/23/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1611,1621,1631,164...1,1701,1801,190...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved