Opinion Magazine
Number of visits: 9458281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરત ખેનીને અભિનંદન 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|28 December 2022

ચિત્રકાર રાજા રવિ વર્માનું સરસ જીવનચરિત્ર લખનાર ભરત ખેનીનું આજે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના યુવા પ્રતિભા પુરસ્કારથી સન્માન થયું છે. 

ગુજરાતીના અધ્યાપક અને કવિ ભરત ખેનીએ લખેલું ‘રાજા રવિ વર્મા’ પુસ્તક વાંચતાં ખૂબ મહેનત અને માવજતથી લખાયેલું એક સુરેખ, સમાવેશક જીવનચરિત્ર વાંચવાનો સંતોષ થાય છે. લેખકે સ્વચ્છ, સરળ અને પ્રવાહી શૈલીમાં ચિત્રસમ્રાટ નાયકને ગુજરાતીમાં સાદ્યંત ઊતાર્યો છે.

રવિ વર્માનાં અનેક ચિત્રો પુસ્તકમાં મૂકવામાં આવ્યાં છે. જો કે તે ઉપરાંત પણ  પુસ્તકનું એકંદર નિર્માણ-સૌંદર્ય તેને સંગ્રાહકના ખજાનાનું સ્થાન અપાવનારું છે.

લેખકે રવિ વર્માના પૂરેપૂરા જીવનની બધી જ મહત્ત્વની ઘટનાઓને પ્રમાણભાનથી ચૂંટેલી વિગતો સાથે, પ્રસ્તાર વિના પુસ્તકમાં સમાવી છે. તેના થકી ઉપસનારા ચિત્રકારના અનેક રંગોમાંથી કેટલાક આ મુજબ છે : ત્રણ તપનું વિપુલ સર્જન, નિરંતર અભ્યાસ, બહોળું દેશાટન, ચિત્રકાર માટે અસામાન્ય સ્વીકૃતિ-સન્માન-સંપત્તિ, દેવદેવીઓનાં ચિત્રો થકી દેશના ખૂણેખૂણે ઉપસ્થિતિ, રૂઢિચુસ્ત વિકૃત હિંદુ ધર્મઝનૂનીઓએ કરેલા નગ્નતાના આરોપોનો પ્રતિરોધ.

બીજાં રસપ્રદ પાસાં છે તે કલાકારની દિલદારી, તેમનો પરિવારપ્રેમ, તેમના ભાઈની પૂરક ભૂમિકા, વિવેકાનંદ અને રવીન્દ્રનાથ દ્વારા પ્રશસ્તિ.                              

‘સામાન્યજનોને પરવડે તેવા ભાવથી ચિત્રોની નકલ મળવી જોઈએ’ એવા ધ્યેયથી રવિ વર્માએ ખેડેલું લિથોગ્રાફિક પ્રેસનું સાહસ અને અશ્લિલતાના આરોપ હેઠળ તેમની પરનો મુકદ્દમો જેવા, સમર્પક નિરુપણના ઘણા દાખલા પુસ્તકમાંથી આપી શકાય.

— ‘રાજા રવિ વર્માએ પોતાનામાં રહેલા દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને એને પોતાનાં અનન્ય ચિત્રોમાં ઢાળવા માટે હંમેશાં જાગ્રત પ્રયત્નો કર્યા.’

— રાજા રવિ વર્માને કારણે ‘ચિત્રની એક પ્રબળ વિચારોત્તેજક શક્તિશાળી માધ્યમ તરીકે સમજુ – શિક્ષિત સમાજમાં ગંભીરપણે પ્રતિષ્ઠા થતી ગઈ.’

— ‘વ્યાસ, વાલ્મીકિ કાલિદાસ, ભવભૂતિએ પોતાનાં કાવ્યસર્જનમાં જેવો આનંદ અનુભવ્યો હશે, એવો જ આનંદ રવિ વર્માએ કાવ્યકૃતિઓના માર્મિક સંદર્ભોનાં ચિત્રરૂપનું નિર્માણ કરીને માણ્યો હશે’  : આ મતલબના નિરીક્ષણો મહત્ત્વનાં છે.

લેખકે રવિ વર્માની એંશી જેટલી કલાકૃતિઓનો યથાયોગ્ય સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે, ‘દારિદ્રય’, ‘શંકુતલાનો પ્રેમપત્ર’ કે ‘નળ-દમયંતી’ જેવાં ચિત્રોનું વર્ણન પણ કર્યું છે. નાયકના બાળપણનું કિલિમાનુર, યુવાન વયનું કોલ્યુર, 1897નો પ્લેગ કે ચિત્રસમ્રાટના અંતકાળ જેવાં વર્ણનો આકર્ષક છે. રવિવર્માના ચિત્રવિચારના સંદર્ભમાં ભારતીય સ્ત્રીઓની સાડીઓ વિશે ભરતભાઈએ લખેલું પોણું પાનું લાજવાબ છે. 

આખા ય પુસ્તકમાં નાયકના સમયના રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક બનાવો અને સમકાલીન વ્યક્તિઓને આવશ્યકતા મુજબ વિવેકપૂર્વક વણી લેવામાં આવ્યાં છે.

ચરિત્રકારે હકીકતો અને બનાવોનું સુવાચ્ય કથન કર્યું છે. પણ તેમાં કથાતત્ત્વ ઉમેર્યું નથી. લેખક એમ પણ સ્પષ્ટ કરે છે કે ‘ચિત્રોની કોઈ કલાકીય મીંમાસા કરવાનો મારો પ્રયાસ નથી, કેમ કે એ કામ માટે હું લાયક પણ ન ગણાઉં.’

રવિ વર્મા પર રણજિત દેસાઈની મરાઠી નવલકથા, એન.સી.ઇ.આર.ટી.નું હિંદી પુસ્તક, કેતન મહેતાની હિંદી ફિલ્મ અને ભરતભાઈએ લખેલું પુસ્તક એ ચારેયમાં આ લખનારને આનંદ પડ્યો છે તે ચિત્રકારની મહત્તા છે.

ઓગણીસમા અંતિમ પ્રકરણ ‘ત્યારે-અત્યારે’ ના પહેલા અરધા હિસ્સામાં લેખક રવિ વર્માના જીવનકાર્ય વિહંગાવલોકન કરે છે. ત્યાર બાદ આ ચિત્રસમ્રાટના સર્જનરાશિ સંદર્ભે ગયા ચારેક દાયકામાં થયેલી ગતિવિધિઓની માહિતી આપે છે :

વર્ષોથી તેમના ચિત્રો પરથી ઊતરી આવેલી કૅલન્ડર અને પોસ્ટર આર્ટ, 1971માં તેમની પરની ટપાલ ટિકિટ, તેમના ચિત્રોનો 1993માં વિરોધ, 2008માં તેમના ચિત્ર પરથી બનેલી રેશમની આઠ કિલો વજન ધરાવતી ચાળીસ લાખ રૂપિયાની રેશમી સાડી, 2009માં થયેલું તેમના ઓલિયોગ્રાફ્સનું કૅટલોગ, 2014માં કેતન મહેતાએ બનાવેલી ‘રંગ રસિયા’ ફિલ્મ, 2017માં તેમના એક ચિત્રનું આશરે 11.9 કરોડ રૂપિયામાં વેચાણ, દક્ષિણની જાણીતી અભિનેત્રીઓને મોડેલ  તરીકે રાખીને રવિવર્માના ચિત્રો પરથી બનાવવામાં આવેલું કૅલેન્ડર  ચેન્નાઈના ‘નામ’ ચૅરિટેબલ ટ્રસ્ટે ફેબ્રુઆરી 2020માં બહાર પાડ્યું, ભરતભાઈનું પુસ્તક  2021માં  પ્રસિદ્ધ થયું !

પુસ્તકની પૂરક  સામગ્રીમાં ચરિત્રનાયકની વિગતપૂર્ણ તવારીખ અને સંદર્ભ ગ્રંથોની યાદી ઉપરાંત પહેલાં પરિશિષ્ટ તરીકે હસુ યાજ્ઞિકનો પુસ્તક વિશેનો લેખ છે (પ્રસ્તાવના વિવેચક નરેશ વેદની છે).

બીજા પરિશિષ્ટમાં ‘રવિવર્માના ચિત્રોની આંશિક માહિતી’ વાંચવા મળે છે. કુલ 193 ચિત્રોની માહિતી છે.  દરેક ચિત્ર જે સંગ્રહમાં છે તેના ઉલ્લેખ સાથે આ મુજબ નોંધ કરવામાં આવી છે : ‘અપ્પારો ગૅલરી : કીચક KEECHAKA, સ્કેચ, 14.5 x 10, 1896. જૂજ ચિત્રો બાદ કરતાં બધાં કેનવાસ કરેલાં તૈલચિત્રો છે.

પાંત્રીસમાં વર્ષે ગુજરાતની એક યુવા પ્રતિભા તરીકે રાષ્ટ્રીય સન્માન મેળવનાર ગુજરાતીના અધ્યાપક અને નોંધપાત્ર સમકાલીન કવિ ભરત ખેનીનો આ સિદ્ધિ સુધીનો પ્રવાસ હૃદયસ્પર્શી છે.

એક મિત્રે કહ્યું, ‘ગારિયાધાર પાસેના એક નાના ગામનો એક જુવાન આટલું મસ્ત પુસ્તક લખે એ જોઈને જ એને અવૉર્ડ આપી જ દેવો જોઈએ.’                     

તાલુકાની કૉલેજમાં બી.એ. પછીની પદવી ભાવેણાથી. તેમણે પુસ્તક અર્પણ કર્યું  છે : ‘મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનાર ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને એન.એસ. પટેલ કૉલેજ,આણંદ’ – ને’.

અધ્યાપક તરીકેની પહેલી જ નોકરી આણંદમાં હતી. પિતાના અવસાન, પારિવારિક-આર્થિક-સામજિક જવાબદારીઓની ભીંસ અને ઘર-વતન ઝુરાપાના દિવસો હતા. એવા તબક્કે વડોદરા જઈને લક્ષ્મીવિલાસ પૅલેસ અને મહારાજા ફતેસિંહ મ્યુઝિયમમાં રાખવામાં આવેલાં ‘રાજા રવિ વર્માના ત્રીસેક ચિત્રોએ મન-હૃદયમાં ભારે આકર્ષણ જમાવેલું’. ભરતભાઈને વિચાર આવ્યો કે ‘આ ચિત્રો અને ચિત્રકાર વિશે પણ કામ થવું જ જોઈએ ! પણ કરે કોણ? એ પણ એક પ્રશ્ન હતો. અને જવાબ મળ્યો કે તું જ કર ને ! બસ અહીંથી આ પડકારજનક સફરની શરૂઆત થઈ.’

ભરતભાઈએ પુસ્તકો એકઠાં કરવા માંડ્યા. ‘ખિસ્સામાં પાવલી પણ ન હતી’ ત્યારે એક  મિત્રની મદદથી 3,950 રૂપિયાનો મહત્ત્વનો ગ્રંથ ખરીદ્યો. બીજાં ય પુસ્તકો વસાવ્યાં. અંગ્રેજી, હિન્દી અને મરાઠી ગ્રંથો વાંચ્યાં, ટાંચણો પરથી કાચી નોંધો તૈયાર કરી.

દાહોદ જિલ્લાના અંતરિયાળ તાલુકા ગરબાડાની સરકારી કૉલેજમાં નોકરી મળી. પીએચ.ડી. કર્યું. પુસ્તક લેખનનું કામ દૂર રહી ગયું. અહીંના માહોલમાં ભરતભાઈને તેમની ‘અંદર રહેલાં અધ્યાપકનું બાળમરણ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે એવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ.’ તેમાંથી ‘બચવા માટે’ રાજા રવિ વર્માનું ‘અભરાઈ પર ચઢી ગયેલું કાર્ય ફરી હાથ પર લેવાનું થયું.’

આપત્તિઓની વચ્ચે પણ પોતાનો નિર્ધાર પૂરો કરીને જ જંપવાની ભરતભાઈની મક્કમતા ખૂબ પ્રશંસનીય છે.

નિર્માણ ખર્ચ વધારે હોય તેવું આ પુસ્તક લેખકે પોતે પ્રકાશિત કર્યું છે તે પણ વિચારણીય બાબત છે.

એપ્રિલ મહિનામાં રાજા રવિ વર્મા પુસ્તકને નર્મદ ચંદ્રક જાહેર થયો. આ શનિવારે લેખકને સાવરકુંડલાના શ્રી વિદ્યાગુરુ ફાન્ડેશનનો નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવશે.

આવતી કાલ, બુધવારે  28 ડિસેમ્બર છે. 1881ના વર્ષની આ તારીખે  રાજા રવિ વર્મા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)ના રાજ્યાભિષેકના અવસરે વડોદરા દરબારમાં  હાજર હતા.

28 ડિસેમ્બર 2022ના દિવસે યુવા પ્રતિભા પુરસ્કાર સન્માનિત ભરત ખેની સાહિત્ય અકદમીના દિલ્હી  દરબારમાં  રાજા રવિ વર્મા ચરિત્રની વાત કરશે !                                                       

(27 ડિસેમ્બર 2022)
(માહિતી માટે આભાર : પ્રા. અજય  રાવલ, પ્રા. મહેન્દ્રસિંહ પરમાર)
*** પુસ્તકનું પ્રાપ્તિસ્થાન : જ્ઞાનની બારી, જી 1, લાભ કૉમ્પ્લેક્સ, સત્તર તાલુકા સોસાયટી, નવજીવન, ઇન્કમ ટૅક્સ, અમદાવાદ 14, મો. 9408371206. કિ.રૂ.500/-
(950 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક દિવસની અધધધ કમાણી !

રમજાન હસણિયા|Opinion - Opinion|27 December 2022

દક્ષિણ ગુજરાત જવાના બહાના સતત મળ્યા જ કરે છે. હકીકત એ પણ છે કે એ દિશામાં જવાની એક પણ તક ગુમાવવી મને પોસાય એમ નથી. પરમ આદરણીય તરલાબહેન શાહ અને નાનીબહેન મારા બે મોટાં લોહચુંબક છે, જે મને વારંવાર એ ભોંયમાં ખેંચી જાય છે.

વાલોડની એક હાઈસ્કૂલની વ્યાખ્યાનમાળાના ત્રીસમાં મણકામાં વાત કરવા ગત ઓગણીસમી તારીખે જવાનું થયું. સુરતના સ્ટેશને સ્નેહી મનીષભાઈ લેવા માટે હાજર હતા. અમે ઊગતા સૂરજના સથવારે બારડોલી ભણી ચાલ્યા. ભગવાન બુદ્ધની નિર્મળ પ્રતિમા ઘરની બહાર જ પ્રેમાળ આવકાર માટે જાણે રાહ જોઈને બેઠેલી. બુદ્ધની જ શરણમાં થોડો સમય ગાળી, ખાઈ, પી, તૈયાર થઈ ફરી મનીષભાઈની મોટર ચાલી પમપમપમ ….

આ પ્રદેશ કેટલીયે વખત જોયો છે, બલકે આંખમાં ભરી લીધો છે, મોતિયો આવે ને ઝાંખપ વરતાય એ પહેલાં હજુ પણ વારંવાર એને માલિપા ભરી દેવો છે, આંખોના દ્વારે ! શેરડીના લીલાંછમ ખેતરો જોઈને એમ થયું કે આ ભોમમાં કેટલી તો મીઠપ હશે કે આટઆટલાં વર્ષોથી એ શેરડી બનીને ઊગી નીકળે છે ! આ ધરા સદા ય રસભર જ રહે એવી દુઆ શબ્દો વિના સરી પડે છે ખુદાના કાનમાં !

તરલાબહેનનું ઘર એટલે પાંચેક સો જીવનો પરિવાર ! કાંઈ કેટલાં ય લીલાંછમ બાળ, તરુણ, યુવા તો કેટલાંક પાકટ ફૂલ પાંદડાં એક સામટા ભેટી પડે પગ મુકતા વેંત ! એ બધા પર તરલાબહેનના પ્રેમાળ હાથ અને આંખ સતત ફર્યા કરે ! મને તો એમ થાય કે આ ઘરનું છોડવું બની જાઉં !

દક્ષિણ ગુજરાતમાં થઈ ગયેલા મોટા માણસોની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા યોજવાની બહુ સમૃદ્ધ પરંપરા છે. મારો પ્રવેશ જ આવી વ્યાખ્યાનમાળાના લીધે જ થયો છે એટલે મારા માટે તો એ બધી વરદાનમાળા જ છે ! વાલોડની સ્વ. સન્મુખભાઈ હાઈસ્કૂલમાં એમનાં નામ સાથે જોડાયેલી વ્યાખ્યાનમાળામાં ‘જીવન : એક અમૂલ્ય અવસર’ એ વિષય પર થોડી વાત કરી, બધાને મળી અમે નિસર્યા વનસ્થલી ભણી ..

વનસ્થલી નામ પહેલીવાર સાંભળેલું ત્યારથી ત્યાં જવા આકર્ષણ જાગેલું. એ મુલાકાત પછીની દરેક મુલાકાતે ત્યાં જતી વેળા લગભગ મુગ્ધા કન્યા જેવો ભાવ હું અનુભવું છું. નદી કિનારે નિશાળ એ વિચાર જ રોમાંચિત કરે એવો. ને કેવળ નદી જ નથી લીલાંછમ ખેતરોને ઓળંગી ઘટાટોપ વૃક્ષોની ઓથમાં પાંગરતું વનસ્થલીનું રૂપકડું પરિસર આંખમાં ઘર કરી ગયું છે. આ વખતે પાનખરના લીધે ઘણાં વૃક્ષોએ પાંદડાને સાસરે વળાવી દીધેલાં પણ તેથી સૌંદર્યને જરા ય પાનખર ન્હોતી આવી. ત્યાંના મહેમાન ઘરમાં કાયમી વસી જવાનું મન થાય. ને તેવું જ મજાનું ભોજન. મા જેમ સંતાનના સવાદની સંભાળ લે તેમ અહીંના કાર્યકર મિત્રો મને ગમતાં ભોજન પ્રેમથી પીરસે ! ઝાડની છાયામાં ખુલ્લી હવામાં વાતોના ચટકા ને ભોજનના ચટકા એકબીજાને વધુ સ્વાદિષ્ટ બનાવે. એક વિશાળ વડ ને એવાં જ વડ જેવાં તરલાબહેનની સાગમટી ઓથમાં બેઠાં હોઈએ ત્યારે થાય કે સમય થંભી જાય તો કેવું સારું ! પણ એવું તો થાય નહિ એટલે તરલાબહેન પોતાની મીઠપ ગોળના રૂપમાં મને ભરી દે ! આ વખતે તો બે ત્રણ જાતના ઓર્ગેનિક ગોળના ગાડાં ભરી આપ્યાં. ભોજન બાદ ગાય આધારિત ખેતી કરતા એક ભાઈની વાડીની મુલાકાત પણ ગોઠવી આપી. સાવ નાનકડી જગ્યામાં એક જ ગાયના આધારે એ ભાઈ કેટકેટલું ઉગાડે છે એ જોઈ અચરજ આંખમાંથી બહાર આવી જાય ! ક્યારેક એમની વાડીની મુલાકાત લેવા જેવી.

વનસ્થલીના બહુ જ સક્રિય કાર્યકર હસમુખભાઈ (મૂળ નામ બીજું કંઈક છે પણ એટલા હસમુખા છે કે મારાથી આ જ નામ બોલાઈ જાય છે) મને પહેલાં વાડીએ ને પછી મજાના લીલાંછમ રસ્તે ગોલણ લઈ ગયા.

શ્રી વેડછી પ્રદેશ સેવા સમિતિનું ઉપાસના નામે વધુ એક પરિસર ગોલણમાં છે. એમાં શાળાના બે નવનિર્મિત ઓરડાંનો લોકાર્પણ સમારોહ હતો. નાનીબહેન, કોકીબહેન, અમરશીભાઈ વગેરે વડીલો અને સ્વજનોની હાજરીમાં એક નાનકડો ને રૂપકડો કાર્યક્રમ માણવાની મજા પડી. આ સંસ્થાઓની સજાવટ, રંગોળીઓ, વિદ્યાર્થીઓ દ્વારા થતું સમૂહગાન, નૃત્યો બધું આંખ ને હૈયું ઠારે એવું ! બાબુભાઈ, તરલાબહેન આદિ વડીલોએ પ્રાણ રેડીને ઊભાં કરેલાં આવા પરિસરો એમની જીવનભરની ઉપાસનાના પ્રસાદ જેવાં લાગે ! કાર્યક્રમ પછી વિદ્યાર્થી મિત્રો સાથે પરિસર જોવાની મજા લીધી. હવે મારે નાનીને શરણે જવાનું હતું.

જાહેરમાં અત્યંત ચૂપ રહેતાં નાનીનું વ્હાલ ગાડીમાં બેસતાં ધોધમાર વરસાદની જેમ વરસી પડે ! આંખોથી વરસતાં એ સ્નેહ પ્રસાદને હું ધરાઈને ખાઈ લઉં. ઝાઝું બોલવું નહિ, જતાવવું તો જરા ય નહિ ને કેવળ વરસ્યા કરવું – આ ક્ષણે બોટાદકરની માડીનો મેઘ બારેમાસ રે – બરાબર સમજાઈ જાય ! નાનીનો નેહ આકાશની જેમ છવાઈ જાય ને એ મીઠી છાંયડીમાં ક્યારે બારડોલી આવી જાય ખબર જ ન પડે ! આશ્રમશાળાએ પહોંચીએ ત્યાં બસોથી વધુ આંખો રાહ જોતી પોતપોતાનાં કામમાં પરોવાયેલી હોય. એ દીકરીઓને મળવા દોટ મૂકું ને સામે દોડી આવે ભોળી ભોળી આંખોનો મીઠો આવકાર ! ખાદીનાં વસ્ત્રોમાં એવી તો મીઠડી લાગે કે એમ થાય બચી ભરી લઉં ! નાનીની તાલીમ એમનાં એકેએક વ્યવહારમાં વરતાય. દર વખતે નવાં નવાં ગીત સંભળાવી કાનને ધન્ય કરી દે ! ઈલાબહેન મને ભાવતી રસોઈ બનાવી પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરે. નાનીની પડખે બેસીને બે ચાર દિવસનું ખાઈ લઉં હું તો ! વળી જાતભાતનું ભાથું બંધાય ને નાનીના રથમાં બેસી સુરત ભણી નીકળી પડું ત્યારે અગાધ સ્નેહનું ભાથું મને અંતરથી રળિયાત કરતું અનુભવાય. સાધુને શોભે એવી સ્વસ્થતાથી નાની દ્વારા અપાતી વિદાય એમના પ્રત્યે વધુ ઝુકાવી દે !

પુરપાટ જતી ટ્રેનના અવાજની વચ્ચે મારા કાનમાં ગુંજયા કરે વનસ્થલીના પવનનો સૂસવાટ, દીકરીઓનાં મધમીઠાં ગીતોનો ગણગણાટ ને તરલાબહેન અને નાનીબહેનના શબ્દોનો રણકાર ! એક દિવસની આટલી બધી કમાણી !!!!

સૌજન્ય : રમજાન હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લિયોનેલ ‘ગોટ’ મેસી : નીચાઈની ઊંચાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 December 2022

ભારતમાં ફૂટબોલ પ્રત્યેનું વળગણ પશ્ચિમ બંગાળ સુધી જ સીમિત હતું, પરંતુ પાછલા અમુક વર્ષોમાં દેશની યુવા પેઢીને તેનો રંગ લાગી રહ્યો છે. તેમાં ય આ વખતના ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલના બે ધરખમ હરીફો, ફ્રાંસ અને આર્જેન્ટિના, ટકરાયા હતા એટલે લોકોનો રસ ઔર વધી ગયો હતો. એ ફાયનલમાં જે રસાકસી હતી અને આર્જેન્ટિનાએ જે રીતે જીત હાંસલ કરી, એમાં તેનો સ્ટાર સુકાની લિયોનેલ મેસી પણ રાતોરાત લાખો ભારતીયોનો હીરો બની ગયો.

તેની કારકિર્દીનો અંતિમ વર્લ્ડ કપ રમનારો 35 વર્ષીય મેસી, વર્તમાન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓમાં ગણાય છે, પરંતુ એક સમય એવો હતો, જયારે તેણે ખુદ એવું વિચાર્યું નહોતું કે તે ફૂટબોલની દુનિયામાં આટલું મોટું નામ બનશે.

1987માં એક મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલા મેસીના પિતા ફેક્ટરીમાં મજદૂરી કરતા હતા અને તેની માતા સફાઈ કામ કરતી હતી. પિતાને ફૂટબોલનો શોખ હતો અને લોકલ ક્લબમાં કોચ પણ હતા, એમાંથી મેસીને બોલથી પ્રેમ થયો હતો. મેસી 5 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમતો થઇ ગયો હતો.

દુનિયાના જેટલા શ્રેષ્ઠ ખેલાડીઓ છે, તેઓ કોઈને કોઈ અભાવમાંથી ઉભરવા માટે તનતોડ મહેનત કરીને ઉપર આવ્યા છે. સામાજિક કે પારિવારિક સંઘર્ષ તમને તમારા ક્ષેત્રમાં તમારું શ્રેષ્ઠ આપવા મજબૂર કરે છે, જેથી એ સંઘર્ષથી પીછો છોડાવી શકાય. મેસીની એક લડાઈ તેની ગરીબી સાથે અને બીજી ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી નામની બીમારી સાથે હતી. એ બીમારીમાં બાળકોનો વિકાસ અટકી જાય છે અને તે ઠીંગણું રહી જાય છે.

તેને સ્કૂલમાંથી જ ખબર પડી ગઈ હતી કે તે બીજાં બાળકો કરતાં કદમાં નીચો છે. આર્જેન્ટિનાના રોઝારિયો શહેરના ડોકટરે મેસીને 11 વર્ષની વયે કહ્યું હતું કે, “તું આની સારવાર નહીં કરાવે તો એક સેન્ટીમીટર પણ વધીશ નહીં.” નીચાઈની એ અપરાધ ભાવનામાંથી જ જીવનમાં કંઇક મોટું કરવાની જિદ્દ આવી હતી, જેથી ઊંચા દેખાવાય. મેસી અને તેનો પરિવાર એવી ફૂટબોલ ક્લબની તલાશમાં હતાં જે તેની સારવાર માટેનો ખર્ચ ઉઠાવી શકે. એવી ક્લબ મળતી નહોતી.

એ નાનો હતો ત્યારે તેની દાદીના બગીચામાં તેના મોટા ભાઈઓ ફૂટબોલ રમ્યા કરતા હતા. એક દિવસ તેના ભાઈની ટીમમાં એક ખેલાડી ગેરહાજર હતો, ત્યારે દાદીએ બૂમ પાડીને કહ્યું હતું કે મેસીને રમવું છે. ફૂટબોલનું તેનું પહેલું કોચિંગ હતું. તેની દાદીએ તેને કાયમ પ્રોત્સાહન આપ્યું હતું. એ પછી મેસી તેના દરેક ગોલ શર્ટને કિસ કરીને અને આકાશમાં બે આંગળીઓ ઊંચી કરીને તેની દાદીને સમર્પિત કરતો રહ્યો હતો.

13 વર્ષની વયે, તેના સંઘર્ષમાં એક સકારાત્મક બદલાવ આવ્યો. એફ.સી. બાર્સેલોના નામની ક્લબે તેને ઓફર કરી કે મેસી તેમના વતી રમશે તો તે તેની સારવારનો ખર્ચ આપશે. મેસીનો પરિવાર બીજો કોઈ વિચાર કર્યા વગર સ્પેન જતો રહ્યો. પરિવાર પાસે ન તો પૈસા હતા કે ન તો ત્યાં કોઈ કામધંધો. એક જ આશા હતી કે મેસીની સરસ સારવાર થશે અને એક દિવસ તે ફૂટબોલમાં તેનું નામ કમાશે.

એ આશા ઠગારી નહોતી. એફ.સી. બાર્સેલોનાના ઇતિહાસમાં માત્ર 17 વર્ષની ઉંમરે ગોલ કરનારો મેસી પહેલો યુવાન ખેલાડી બન્યો. એ પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, ધેર વોઝ નો લૂકિંગ બેક. અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મમાં ઈફ્તેખાર બૂટપોલીસ કરતા વિજય માટે કહે છે કે “જયચંદ, યે લંબી રેસ કા ઘોડા હૈ. તુમને ઇસ લડકે કે તેવર દેખેં? યે ઉમ્રભર બૂટ પોલિસ નહીં કરેગા … જિસ જિંદગી કી રેસ મેં ઉસને સ્પીડ પકડી, યે સબકો પીછે છોડ દેગા … મેરી બાત કા ખ્યાલ રખના.”

મેસી એ ફિલ્મી વિજયનું અસલી સ્વરૂપ હતો. એ પહેલા ગોલ પછી એ જેટલી પણ ટીમો માટે રમ્યો, તેમાં તેનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું. આજે મેસી “ગોટ” (જી.ઓ.એ.ટી. – ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) કહેવાય છે તેની પાછળ તેની રમતમાં તેનું સંપૂર્ણ સમર્પણ અને અપ્રતિમ જુસ્સો છે.

મેસી તેની અંગત સમસ્યાઓને ઉકેલવા માટે ફૂટબોલમાં આવ્યો હતો. સંઘર્ષ કરવો પડે તે ખોટું નથી. જીવનમાં સંઘર્ષ તો અનિવાર્ય છે. સમસ્યા ખોટા સંઘર્ષની છે. અનુચિત માણસો સાથે, અનુચિત કારણો માટે સંઘર્ષ કરતા રહીએ, તો અંતે તે વ્યર્થ સાબિત થાય. ઉચિત સંઘર્ષ હોય, તો તે સંઘર્ષને બદલે સામંજસ્ય બની જાય. સામંજસ્યની એ સ્થિતિમાં પણ સંઘર્ષ તો હશે જ, પરંતુ એ એટલો હકારાત્મક હશે કે ઉર્જા પ્રેરક હશે, ઉર્જા શોષક નહીં.

ઉચિત સંઘર્ષમાં આપણું સર્વશ્રેષ્ઠ બહાર આવે છે. કોઈ ચીજમાં પ્રભુત્વ મેળવવા માટે, ઉચ્ચત્તમ સિદ્ધિ હાંસલ કરવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. આપણે જે કરીએ છીએ એ મૂલ્યવાન ત્યારે બને છે, જ્યારે તેમાં સંઘર્ષ હોય. જેમાં સંઘર્ષ હોય, તેની નિષ્ફળતા પણ સાર્થક હોય. વિધાર્થીઓ, રમતવીરો, સાહસિકો, ઉદ્યમીઓ એટલે જ અઘરા વિકલ્પ પસંદ કરતા હોય છે.

જીવનની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં ઘણાં દુઃખ હોય છે, પણ જીવનની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે આપણી પાસે દુઃખને પસંદ કરવાનો વિકલ્પ હોય છે. સુખેથી જીવવું એટલે દુઃખ વગર જીવવું એમ નહીં, એનો અર્થ ઉચિત કારણોસર દુઃખ ભોગવવું તે. આપણે કહીએ છીએ કે જીવનનો હંમેશાં અર્થ હોય છે. એનો અર્થ એ કે દુઃખનો પણ અર્થ હોય છે. પ્રશ્ન એટલો જ છે કે એ દુઃખ કશું કરવાનું પરિણામ છે કે નિષ્ક્રિય રહેવાનું પરિણામ છે.

બંને કિસ્સામાં દુઃખ અનિવાર્ય છે. ઉચિત કારણ માટે દુઃખ ભોગવવું પડે એ જ જીવનમાં અસલી સુખ અને સંતોષ લાવે છે. જેમ કે – પરીક્ષા આપ્યા વગર ઘરે બેસી રહેવું, તેના કરતાં પરીક્ષા આપીને નાપાસ થવું વધુ યોગ્ય છે. પર્વત પર ચઢીને થાકી જવું, ટી.વી. સામે બેસી રહેવાના આરામ કરતાં વધુ સંતોષજનક હોય છે. પરિશ્રમની નિષ્ફળતા હંમેશાં મીઠી હોય. આપણા નાના-મોટા તમામ સંઘર્ષ અનિવાર્યપણે દુઃખ લાવે છે, પણ દુઃખ જ્યારે સાર્થક હોય, ત્યારે તે દુઃખ નથી રહેતું.

સંતાનોને સફળ કેમ થવાય તે શીખવવાને બદલે નિષ્ફળતા કેમ પચાવવી તે શીખવવું જોઈએ. આઈસ સ્કેટિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. ધુરંધર સ્કેટર્સ એ નથી જે ક્યારે ય પડતા નથી, પણ એ છે જે પડીને તરત ઊભા થઇ જવામાં શ્રેષ્ઠ છે. સંતાનો સફળતાની યુક્તિથી નહીં, નિષ્ફળતાની ટ્રિકથી મજબૂત બને છે.

તેમને જ્યારે નિષ્ફળતાનો ડર લાગે, ત્યારે તે પ્રતિકૂળ સંજોગોમાં નાસીપાસની ભાવનાનો શિકાર થાય છે. એટલા માટે તેમને ભૂલો પણ કરવા દેવી જોઈએ. ઠોકરો વાગવાથી જે શીખવા મળે છે, તે કોઈ સ્કૂલ કે પુસ્તકમાં નથી મળતું. શરત એટલી જ છે કે, જેટલી વહેલી અમુક ઠોકરો વાગી જાય, એટલો વધુ સમય ઊભા થવા થઈને દોડવા માટે મળે છે.

લિયોનેલ મેસી તેનું ઉદાહરણ છે. તેની સફળતા રાતોરાત કે આકસ્મિક નથી, તેની પાછળ દૃઢ નિશ્ચય, સખ્ત મહેનત અને ધીરજનું યોગદાન છે. મેસીએ એકવાર કહ્યું હતું, “હું વર્ષોથી, દરરોજ, બહુ વહેલી શરૂઆત કરું છું અને લાંબો સમય સુધી ટકી રહું છું. મને રાતોરાત સફળ થતાં 17 વર્ષ અને 114 દિવસ લાગ્યા છે.”

મેસીની શ્રેષ્ઠતાનું એક જ મુખ્ય કારણ છે; એ એક માત્ર ખેલાડી છે જે મેદાન પર ફૂટબોલ કરતાં વધુ ઝડપે દોડે છે. જાણે એ જિંદગીની રેસ હોય!

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 25 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1551,1561,1571,158...1,1701,1801,190...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved