
રમેશ ઓઝા
શરદ પવાર ચતુર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે તેમની ચતુરાઈ દ્વારા મહત્ત્વાકાંક્ષા પૂરી કરી છે અને બળબળતી મહત્ત્વાકાંક્ષાએ ચતુરાઈને ઝાંખી પાડી છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી વડા પ્રધાન બનવા પી.વી. નરસિંહ રાવ સામે તેમણે કરેલી ઉમેદવારી અને મે ૧૯૯૯માં વિદેશી સોનિયા ગાંધીનાં નેતૃત્વનો અસ્વીકાર કરીને કરેલી બગાવત આનાં ઉદાહરણ છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તક ઝડપીને મહારાષ્ટ્રને સબળ શાસકની જરૂર છે એમ કહીને વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને દિલ્હીથી મુંબઈ ધકેલી દીધા. ૧૯૯૯માં તેમને એમ લાગ્યું હતું કે દેશમાં પ્રવાહી રાજકીય સ્થિતિમાં સોનિયા ગાંધીનું વિદેશી હોવાપણું મોટો મુદ્દો બનશે અને તેઓ પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધારણ કરશે. તેમની એ ગણતરી ખોટી પડી. ઊલટું શરદ પવાર રાષ્ટ્રીય નેતાની જગ્યાએ માત્ર એક રાજ્યમાં રાજકીય હાજરી ધરાવનારા પક્ષના નેતા બની ગયા. મુલાયમ સિંહ યાદવ કે પ્રકાશસિંહ બાદલ જેવા પ્રાદેશિક નેતા નહીં, પણ માત્ર એક જ પ્રદેશમાં વગ ધરાવનારા રાષ્ટ્રીય નેતા. આ દૃષ્ટિએ શરદ પવારને એક અનોખા નેતા કહેવા જોઈએ.

શરદ પવાર
૨૪ વરસ પહેલાં તેમણે કાઁગ્રેસ છોડી હતી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. હવે તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. પ્રસંગ તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિના વિમોચનનો હતો. સામે પક્ષના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સોપો પડી ગયો. અશ્રુધારા વહેવા લાગી અને થોભો થોભો અને કોઈ રોકો રોકોના ઉદ્ગારો થવા માંડ્યા. છેવટે પવારે કહ્યું કે તેમને વિચારવા માટે ત્રણ દિવસ અને સંપૂર્ણ એકાંત આપવામાં આવે. કોઈ કાર્યકર્તા કે નેતા મળવા આવ્યો છે તો તેઓ પુનર્વિચાર નહીં કરે. ત્રણ દિવસ પછી પવાર શું નિર્ણય લે છે તેની યથા સમય જાણ થઈ જશે, પણ તેમણે આવો નિર્ણય લીધો શું કામ એ પ્રશ્ન તો રહે જ છે. પવાર કોઈ નિર્ણય વગર વિચાર્યે લેતા નથી. તેનાં દૂર દૂરનાં પરિણામ તેને ભળાય એટલા તેઓ વિચક્ષણ છે. ટાઈમિંગની બાબતમાં પણ તેઓ ભાગ્યે જ થાપ ખાય છે. શા માટે શરદ પવારે અત્યારે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હશે? બીજું તેમણે માત્ર પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતે કહ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી અને જાહેરજીવનમાંથી નિવૃત્ત થવાના નથી. આમ એન.સી.પી. અને પવાર વચ્ચેનો અવિભાજ્ય સંબંધ તેઓ હયાત છે ત્યાં સુધી અવિભાજ્ય જ રહેવાનો છે.
ભારતમાં પરિવાર સ્થાપિત રાજકીય પક્ષોમાં વારસાનો સંઘર્ષ હંમેશાં જોવા મળ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો, દરેક પક્ષમાં સ્થાપક નેતાનાં મૃત્યુ પછી કલહ જોવા મળ્યો છે. એન.ટી. રામારાવ અને બાળ ઠાકરેનાં પરિવારમાં તો તેમની હયાતીમાં જ કલહ શરૂ થઈ ગયો હતો. શરદ પવારનાં પરિવારમાં પણ પુત્રી સુપ્રિયા સૂલે અને ભત્રીજા અજીત પવાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અજીત પવારે તો ૨૦૧૯માં બી.જે.પી. સાથે હાથ મેળવ્યા પણ હતા. એમાં શરદ પવારની સંમતિ હતી કે નહીં એ આપણે નથી જાણતા. અત્યારે ફરી ચર્ચા ચાલી રહી છે કે અજીત પવાર કાકા સામે બળવો કરીને બી.જે.પી. સાથે હાથ મેળવવાના છે. અજીત પવારને એમ લાગે છે કે ભારતમાં પોતાનાં રક્તનાં અદકેરાપણાની મજબૂરી જોતાં વારસો સુપ્રિયાને જ મળવાનો હોય અને પોતાનાં નસીબમાં રાજ ઠાકરે બનવાનું લખાયું હોય તો એ નસીબ અત્યારે જ બદલી નાખવું જોઈએ.

ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ પવારથી વધુ કોને હોય? એમ લાગે છે કે તેઓ ગૃહકલેશનો પોતાની પુત્રીના પક્ષમાં અંત લાવવા અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે. જે થવાનું હશે એ તેમની હયાતીમાં નજર સામે થશે અને તેઓ તેનો સામનો કરી લેશે. કાર્યકર્તા અને જિલ્લા સ્તરના નેતાઓ શરદ પવાર સાથે હોય એટલે પક્ષમાં વિભાજનનો સવાલ નથી અને જો થાય તો પણ તેને પહોંચી વળી શકાય. શિવસેનાનો દાખલો સામે છે. આખી શિવસેના તેના ડણાક દેતા વાઘ અને ચૂંટણીચિહ્ન સહિત છીનવી લીધી હોવા છતાં, છીનવી લેનારાઓ લોકોની વચ્ચે જતાં ડરે છે, કારણ કે કાર્યકર્તા અને નાના સ્થાનિક નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ડરના માર્યા યોજવામાં આવતી નથી. આમ પક્ષના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનું દેખીતું કારણ પોતાની હયાતીમાં અજીત પવારની સંભવિત ખટપટને નાથવાનું છે.
ભારતનાં રાજકારણમાં શરદ પવાર એક માત્ર એવા નેતા છે જેમના દરેક પક્ષમાં મિત્રો છે અને તેઓ મોટા ઉદ્યોગપતિઓના પણ મિત્ર છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં જો નવાજૂની થાય અને પોતે પક્ષીય રાજકારણ અને તેની ગણતરીઓથી ઉપરવટ હોય તો કદાચ વડા પ્રધાન બનવાની તક મળે. શરદ પવાર ૧૯૮૦થી ભારતના વડા પ્રધાન બનવાના મનોરથ સેવે છે અને એ કોઈ છૂપી વાત નથી. ૧૯૯૬માં વી.પી. સિંહ વિરોધ પક્ષોમાં જે સ્થાન અને આદર ધરાવતા હતા એવું સ્થાન અને આદર મેળવી શકાય. વી.પી. સિંહ જનતા દળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને માત્ર તેને કારણે વડા પ્રધાનપદ માટે લડતા ત્રીજા મોરચાના નેતાઓએ વી.પી. સિંહને વડા પ્રધાન બનવાની વિનંતી કરી હતી. શું ખબર પવારને એવો મોકો મળે પણ ખરો!
શરદ પવારની એક મર્યાદા છે વિશ્વાસર્હતાનો અભાવ. તેઓ અંગત સંબંધમાં અત્યંત ભરોસાપાત્ર માણસ છે, પણ રાજકીય લાભ માટે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે. માત્ર રાજકીય લાભ માટે, અંગત નુકસાન ન પહોંચાડે, બલકે અંગત નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે.
શરદ પવાર સત્તામાં હોય કે ન હોય, પણ શરદ પવાર રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવાની આવડત ધરાવે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2023
![]()








હું જોઉં છું કે આપણ બધાએ અત્યારે મારા દાદાના સત્યાગ્રહ અથવા આત્માની શક્તિમાં પાછા ફરવાની જરૂર છે. તેમણે એક ચળવળની રચના કરી જેના કારણે ભારે રાજકીય ઊથલપાથલ થઈ અને કરોડો ભારતીયોને સ્વ-શાસન અપાવ્યું. પરંતુ સૌથી અગત્યનું, બાપુજીએ બતાવવાનો પ્રયાસ કર્યો કે આપણે પ્રેમ અને સત્ય દ્વારા આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ અને જ્યારે આપણે આપણો અવિશ્વાસ ગુમાવી દઈએ છીએ અને હકારાત્મકતા અને હિંમતમાં શક્તિ શોધીએ છીએ ત્યારે સૌથી મોટી પ્રગતિ થાય છે.
આપણે અત્યારે તે પરિવર્તનની જરૂર છે, કારણ કે આપણે વિશ્વમાં હિંસા અને નફરતના અસહ્ય સ્તરે પહોંચી ગયા છીએ. લોકો પરિવર્તન માટે તલપાપડ છે પણ અસહાયતા અનુભવે છે. ભારે આર્થિક અસંતુલનનો અર્થ એ છે કે અમેરિકામાં ૧૫ મિલિયનથી વધુ બાળકો અને વિશ્વભરના લાખો લોકો પાસે એક ટંક ખાવા માટે પૂરતું નથી, જ્યારે જેઓ વિપુલતા સાથે જીવે છે તેઓને લાગે છે કે તેમની પાસે બગાડવાનું લાઇસન્સ છે. જ્યારે જમણેરી ફાસીવાદીઓએ તાજેતરમાં ઉત્તર ભારતના એક ટાઉન સ્ક્વેરમાં મારા દાદાની પ્રતિમાને વિકૃત કરી હતી, ત્યારે તેઓએ વચન આપ્યું હતું કે, “You will witness a trail of terror.”(તમે આતંકના પગેરું જોશો.) જો આપણે આ ગાંડપણનો અંત લાવવો હોય તો આપણે આપણા પોતાના જીવનમાં પરિવર્તન લાવવું પડશે.