Opinion Magazine
Number of visits: 9667531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણીઓની શતરંજમાં પ્યાદા બની જશે મહારાષ્ટ્રનું મુંબઈ, મુંબઈનાં ગુજરાતીઓ અને ગુજરાતીઓનું મુંબઈ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 May 2023

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો.

ચિરંતના ભટ્ટ

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે શતરંજની બાજી ખેલાઇ રહી છે. જે પક્ષને 1999માં સ્થાપ્યો હતો તે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના (NCP) સુપ્રીમો શરદ પવારે પોતાનું રાજીનામું જાહેર કરવાની વાત કરીને મોટો જુગાર રમી નાખ્યો. આ અણધાર્યા નિર્ણય પાછળ એક માત્ર હેતુ છે કે ફરી એકવાર એ પક્ષની પૂરેપૂરી લગામ પોતાના હાથમાં લઇ લેવી. 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી NCPના નેતાઓ વચ્ચે સંતુલન પાછું લાવવા માટે શરદ પવાર આકાશ પાતળ એક કરી રહ્યા હતા અને એમાં તેમને કોઇપણ પ્રકારની ધારી સફળતા નહોતી મળી રહી. એન.સી.પી.નો એક હિસ્સો મહા વિકાસ અઘાડી(MVA)ના ગઠબંધનમાંથી નીકળી જવાની ભાંજગડમાં હતો અને આ માટે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાની વાતો ચાલી રહી હતી. MVA કાઁગ્રેસ, NCP અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)નું ગઠન છે. શરદ પવારના ભત્રીજા અજીત પવારે અમિત શાહ સહિત ભા.જ.પા.ના બીજા મોટાં માથાઓ સાથે બેઠક કરી હોવાની ચર્ચાએ મુંબઈમાં સારી એવી હવા પકડી. જો કે અજીત પવારે આવું કંઇપણ થયું હોવાની કોઈ વાત સ્વીકારી નહીં. NCPમાંથી મોટી સંખ્યાના ધારાસભ્યો નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.-શિંદેના નેતૃત્વ હેઠળની સેના તરફ સરકવા થનગની રહ્યા હતા, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના પક્ષમાં જવામાં તેમને કોઇ લાભ નહોતો દેખાતો. આ તરફ NCPની મુખ્ય સમિતિએ શરદ પવારના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. પક્ષ માટે સૌથી મોટું કામ છે શરદ પવાર અને અજીત પવારને ભેગા રાખવા અને આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સેના અને કૉંગ્રેસ કોને MVAમાંથી મુખ્ય મંત્રીના પદનો ચહેરો ઠેરવે છે તેનો નિર્ણય લેવાની સૂચના પણ અપાઇ છે. શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત પાર્ટીનો ભંગ અટકાવવા માટેનું પગલું હતી તેમ માનવામાં આવી રહ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતા છગન ભૂજબળે એમ કહ્યું હતું કે શરદ પવાર પછી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં સુપ્રિયા સૂલેને આગળ કરવાં જોઇએ અને અજીત પવારને રાજ્ય સ્તરના રાજકારણની જવાબદારી સોંપવી જોઇએ. અજીત પવારે 2018માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સાથે શપથ વિધિમાં જોયા ત્યારે શરદ પવારને ઝટકો લાગ્યો હતો કારણ કે તે NCPના સાંધા મજબૂત કરવા માટે મથી રહ્યા હતા. અજીત પવારનું એ પગલું – ઘર કા ભેદી લંકા ઢાયે જેવું સાબિત થયું હતું.

આટલા બધા હાઇ-પોલિટીકલ ડ્રામા વચ્ચે તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં અમિત શાહની ટીકા કરવામાં આવી અને લખાયું કે ભા.જ.પા. મુંબઈને તોડવા માગે છે અને એટલે જ અમિત શાહ વારંવાર મુંબઈની મુલાકાતે આવે છે. આ થયું અને ભા.જ.પા.ના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ ઠાકરે પરિવારને ગુજરાતીઓ તરફથી મળતી કમાણીમાં રસ છે, તેની સાથે બિઝનેસ પાર્ટનરશીપ માફક આવે છે પણ ગુજરાતીઓથી હવે તેમને એલર્જી થાય છેની વાત કરી.

આ જે પણ થઇ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે ત્યારે એ વિચારવું રહ્યું કે મહારાષ્ટ્રની ઓળખ, પાટનગર અને દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ ગુજરાતીઓ થકી સમૃદ્ધ થયું છે. બાળ ઠાકરે જ્યારે મુંબઈ પર ‘રાજ’ કરતા હતા અને તેમણે બિન-મરાઠીઓને નિશાને લીધા હતા ત્યારે તેમણે ગુજરાતીઓ સાથે ક્યારે ય કોઈ સીધી બબાલ ખડી નહોતી કરી. મુંબઈને ઘડવામાં ગુજરાતી, પારસી, દક્ષિણ ભારતીય, રાજસ્થાનીનો નોંધપાત્ર ફાળો છે વળી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકોએ પણ મુંબઈનું ઘડતર કરવામાં પોતાનું યોગદાન આપ્યું જ છે. આપણે માત્ર ગુજરાતીઓની જ વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષીએ જે વાત કરી હતી તે યાદ કરવી રહી. અંદાજે 300થી પણ વધુ વર્ષ પહેલાં રૂપજી ધનજી દીવથી મુંબઈ આવીને વસ્યા. કપોળ અને ભાટિયાઓ મુંબઈ આવ્યા અને 19મી સદીમાં મુંબઈ ગુજરાતીઓનું મુંબઈ જ કહેવાતું અને 20મી સદીમાં મુંબઈના ગુજરાતીઓની ઓળખ ઘૂંટાઈ. 700 વર્ષથી મુંબઈને ગુજરાતીઓએ મન મૂકીને પ્રેમ કર્યો છે. 1671માં સુરતના વાણિયા મહાજને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે વેપાર સ્વતંત્રતાની માંગણી કરી અને તે મંજૂર થઇ. 1803માં ગુજરાતના દુકાળે ઘણા ગુજરાતીઓને મુંબઈ તરફ વાળ્યા. અંગ્રેજ રાજ દરમિયાન ગુજરાતીઓને કારણે મુંબઈમાંથી રૂની નિકાસ થતી તો સટ્ટા બજાર અને હીરા બજાર શરૂઆતથી માંડીને આજ સુધી ગુજરાતીઓથી ઉબાય છે. 19મી સદીમાં ધીરુભાઇ અંબાણી અને પ્રેમચંદ રાયચંદ મુંબઈ આવ્યા. અંગ્રેજોએ ગુજરાતીઓને બોમ્બે સ્ટેટમાં આવાકાર આપ્યો કારણ કે ગુજરાતીઓ બિઝનેસ લાવી આપતાં, આજે પણ લાવી આપે છે. પારસીઓ પણ તો ગુજરાતીપણાના રંગે રંગાયેલા છે જ અને જમશેદજી જીજીભૉય, અબ્દુલ હુસેન આદમજી પીરભૉય, સર કાવસજી જહાંગીર જેવા પારસીઓએ મુંબઈને ખોબલે ખોબલે આપ્યું છે. ઠાકરશી પરિવારને લીધે આજે મુંબઈ પાસે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી છે. ક્રૉફ્રડ માર્કેટમાં આવેલા કાપડ બજારો, મુંબઈની જાણીતી હૉસ્પિટલ્સ, વિલે-પાર્લે કેળવણી મંડળ જેવું તો કેટલું બધું આજે મુંબઈમાં ગુજરાતીઓને કારણે છે. નાના ચુડાસમા જેવા કેટલા ય મોટાં નામો છે જે મુંબઈની ઓળખ ઘડવામાં મોખરે રહ્યા છે અને તે પણ અલગ અલગ વ્યવસાયોમાં – કોઈ ધારાશાસ્ત્રી તો કોઇ ડૉક્ટર્સ તો કોઈ બિલ્ડર્સ અને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં કામ કરતા ગુજરાતીઓ પાછા છોગાંમાં.

જે ગુજરાતીઓને કારણે મુંબઈમાં વેપાર વાણિજ્યનો વિકાસ થયો તેમની સાથે બાથ ભીડવામાં કંઇ સાર નથી એ રાજકારણીઓ સમજવું જોઇએ. ગુજરાતીઓ સુરત તરફથી મુંબઈ આવ્યા તેનું કારણ એ પણ હતું કે શિવાજી અને તેમની ગેરીલા સેના દ્વારા થતી હેરાનગતી. સુરતને અનેકવાર લૂંટનારા મરાઠાઓથી કંટાળીને ગુજરાતીઓ મુંબઈ તરફ વળ્યા હતા. તમે મુંબઈમાં ગાંધિયાણું લેવા જશો અને ત્યાં બેઠેલો દુકાનદાર ગુજરાતી ન નીકળે તો જ નવાઈ. આવામાં મુંબઈ કોનું – વાળી બબાલ કરવાનું મૂકીને વિકાસ – સાચા અર્થમાં કોના થકી થયો છે તે સમજીને ડહાપણભર્યું વર્તન કરવું.

બાય ધી વેઃ

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો. ‘ચક દે’ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હૉકી કૉચનું પાત્ર ભજવનારા શાહરૂખ ખાન પોતાની હૉકી ટીમને પોતાની ઓળખ આપવા કહે છે અને તે દરેક ખેલાડી પોતાના રાજ્યના નામથી પોતાની ઓળખાણ આપે છે. આ પછી શાહરૂખ ખાન કહે છે કે આમ તો તમે જીતી જ નથી શકવાના, કૉચ પાસેથી મુદ્દો સમજ્યા પછી દરેક ખેલાડી પોતાની ઓળખાણ ભારતીય તરીકે આપે છે અને પછી દરેકનો અભિગમ બદલાય છે. આપણા રાજકારણીઓએ આ ફિલ્મ જોવી જોઇએ કારણ કે અંગ્રેજોની જેમ ભાગલા કરો અને રાજ કરોના ગણિતમાં બધા પોતાની જ ઘોર ખોદે છે. આપણે પ્રજા તરીકે સત્તાની લાલચમાં ભાગલા પાડનારા રાજકારણીઓથી અંજાઇ ન જવું અને મગજ વાપરીને એકતા દાખવીને પોતાના તથા બીજાના વિકાસની દિશામાં કામ કરવું તો જ લોકલ, ગ્લોબલ બધે સ્તરે સાચા અર્થમાં ઉજળો, લગભગ નિષ્પાપ કહી શકાય તેવો વિકાસ થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023

Loading

જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 May 2023

રમેશ ઓઝા

આજકાલ હું પ્રવીણ સાહનીનું પુસ્તક The last war – How Artificial Intelligence will shape India’s final showdown with China.’ વાંચું છું. આ પુસ્તક શરીરમાંથી લખલખું પસાર થઈ જાય, એવું ડરાવનારું છે. પ્રવીણ સાહની લશ્કરમાં હતા અને મુદ્દત પહેલાં નિવૃત્તિ લીધા પછી અત્યારે તેઓ ડિફેન્સ રિસર્ચનું કામ કરે છે. તેઓ નિયમિત રીતે અખબારોમાં અને ‘જેને ડિફેન્સ રિસર્ચ વીકલી’ અને એવાં બીજા લશ્કરી તેમ જ સંરક્ષણની બાબતોને લગતાં પ્રતિષ્ઠિત સામયિકોમાં લખે છે.

પ્રવીણ સાહની તેમનાં પુસ્તકમાં કહે છે કે ચીન ૨૦૨૩ના પૂર્વાર્ધમાં ભારત સામે યુદ્ધ કરવા લશ્કરી રીતે તૈયાર હશે. આનો અર્થ એવો નથી કે યુદ્ધ થશે જ પણ જો યુદ્ધ થયું તો માત્ર દસ દિવસમાં ચીન ભારતને પરાજીત કરશે, અરુણાચલ પ્રદેશ અને લડાખ છીનવી લેશે. યુદ્ધમાં જોડાઈને પાકિસ્તાન સિયાચીન લઈ લેશે અને કાશ્મીરની ખીણ યુનોમાં ચર્ચાનો વિષય બનશે અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ભારત ઉપર દબાવ આવશે. પણ ભારત, ચીન અને પાકિસ્તાન એમ ત્રણેય દેશો પાસે અણુશસ્ત્રો છે. શું અણુશસ્ત્રો પરસ્પર ડર (ડેટરંટ) પેદા કરવાનું અને એ રીતે યુદ્ધને ખાળવાનું કામ નહીં કરે? એ જ તો તર્ક આપવામાં આવે છે અણુશસ્ત્રોના ખપનો. શું અણુશસ્ત્રો ડરાવવા પૂરતા પણ ખપનાં નહીં રહે? પ્રવીણ સાહની કહે છે કે ના. એનાં કરતાં પણ ખતરનાક શસ્ત્રો ચીન પાસે છે અને તેનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રવીણ સાહનીએ તેમનાં પુસ્તકમાં પહેલું પ્રકરણ ભારત અને ચીન વચ્ચેનાં ૨૦૨૩નાં કાલ્પનિક પણ સંભવિત યુદ્ધ વિષે લખ્યું છે અને એ વાંચીને હાજાં ગગડી જાય.

એ યુદ્ધમાં છેક દસમાં અને છેલ્લા દિવસે ચીની લશ્કર અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં નજરે પડે છે. ત્યાં સુધી ભારતીય જવાનોએ કોઈ ચીનાને ભાળ્યો સુદ્ધા નહોતો. તો ચીનાઓ તરફથી યુદ્ધ લડ્યું કોણે? જવાબ છે રોબોએ, પ્રોગ્રામિંગ કરેલાં ડ્રોને, દૂરથી નરી આંખે નજરે પણ ન પડે અને મધમાખીની જેમ હજારોની સંખ્યામાં ઉડતાં આવતાં માઈક્રો ડ્રોને અને બીજાં એવાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જનિત હથિયારોએ. ચીનનો જવાન તો સરહદથી સો કિલોમીટર દૂર બેસીને યુદ્ધનું નિયંત્રણ કરતો હોય. પણ મીઝાઈલ્સ અને એવાં બીજાં શસ્ત્રો ભારત પાસે છે જે ચીનની અંદર સેંકડો કિલોમીટર સુધીનાં ટાર્ગેટ પર એટેક કરી શકવાની ક્ષમતા ધરાવે છે તે શું  યુદ્ધનું નિયંત્રણ કરનારા ચીનાઓ જ્યાં બેઠા હોય ત્યાં અટેક ન કરી શકે? નહીં. કારણ કે યુદ્ધની શરૂઆત જ ભારતની દરેક પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ હૅક કરવા સાથે થશે. મીઝાઈલસ છોડનારાઓ સુધી આદેશ જ નહીં પહોંચે કે તેમણે મીઝાઈલ્સ છોડવાનાં છે. સરહદે રહેલા ભારતીય જવાનોને દિલ્હીથી કોઈ સંદેશ જ નહીં મળે કે તેણે શું કરવાનું છે અને સામેથી મધમાખીઓનાં કદનાં ડ્રોનનો હુમલો થશે. ભારત પોતાનો પ્રદેશ પણ ગુમાવશે અને ભારે લશ્કરી ખુવારી થશે.

એ પ્રકારણના અંતે પ્રવીણ સાહની લખે છે ચીન યુદ્ધ કરશે કે નહીં એ ખાતરીપૂર્વક ન કહેવાય, પણ જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે એ ખાતરીપૂર્વક કહી શકાય. કારણ ચીનની આ રીતની તૈયારી છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો લશ્કરી હેતુ માટે ઉપયોગ કરવામાં ચીન જગત આખામાં અગ્રેસર છે જે રીતે અમેરિકા અણુમાં હતું કે છે. અણુશક્તિ દેશનાં સીમાડા  જોયા વિના પ્રચંડ સાર્વત્રિક નુકસાન પહોંચાડી શકે છે જ્યારે રોબોટિક યુદ્ધ સ્થાનિક ટાર્ગેટેડ નુકસાન પહોંચાડી શકે. આને કારણે રશિયા એક રીતે યુક્રેન સામે હારી ગયું હોવા છતાં પણ હાર કબૂલ કરતું નથી, કારણ ચીન પાસેથી તેને ડ્રોનનો પૂરવઠો મળતો રહે છે. સામે અમેરિકાનાં અણુશસ્ત્રો તેની પ્રચંડ સંહારકશક્તિ હોવાથી યુક્રેન માટે કોઈ કામનાં નથી. ટૂંકમાં ચીનના અશ્વમેઘી ઘોડાને નાથવો શક્ય નથી.

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની તાકાતની ખાતરી કરાવવા પ્રવીણ સાહનીએ એક પ્રકરણ ગો નામની રમત વિષે લખ્યું છે. આ રમત ચેસ જેવી હોય છે, પણ ગોની રમત ખૂબ જટિલ હોય છે. જેને જીનિયસ કહેવાય એવા લોકો માટેની આ રમત છે જે પ્રતિસ્પર્ધીની ૮૦ જેટલી મુવ્ઝ કેવી હશે એ વિષે વિચારી શકે. આ રમતની શોધ પણ ચીનાઓએ અઢી હજાર વર્ષ પહેલાં કરી હતી. ૨૦૧૯માં ગોની રમતમાં બીજા ક્રમના દક્ષિણ કોરિયાના વર્લ્ડ ચેમ્પિયન લી સેડોલે નિવૃત્તિ જાહેર કરી. સેડોલની ઉંમર ત્યારે માત્ર ૩૫ વરસની હતી અને આખું જગત માનતું હતું કે તે વરસ બે વરસમાં વર્લ્ડ ચેમ્પિયન લી ચાંગ હોને હારાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો છે. સેદોલને પણ એ વાતની ખાતરી હતી.

પોતાની કસમયની નિવૃત્તિ વિષે સેડોલે કહ્યું હતું કે હું ગોની રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બની પણ જઉં તો પણ એક હસ્તી એવી છે જેને હું ક્યારે ય હરાવી શકવાનો નથી. એ પછી પણ વર્લ્ડ ચેમ્પિયન તો એ હસ્તી જ રહેવાની છે. એ અજીંક્ય હસ્તીનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ.

સેડોલે નિવૃત્તિ જાહેર કરી અને આવા તારણ પર આવ્યો એની પાછળ તેનો જાતઅનુભવ હતો. ૨૦૧૬માં ડીપમાઈન્ડ નામની બ્રિટિશ કંપનીએ ગૂગલ સાથે મળીને ગોની રમત માટે આલ્ફાગો નામનો એક પ્રોગ્રામ બનાવ્યો હતો અને તેને તેઓ અજમાવવા માગતા હતા. ડીપમાઈન્ડે આલ્ફાગોને હરાવનારા વિજેતાને દસ લાખ અમેરિકન ડોલર્સનું ઇનામ જાહેર કર્યું. સેડોલે વિચાર્યું કે આલ્ફાગોને હરાવવો એ કોઈ મોટી વાત નથી. પ્રોગ્રામ બનાવનારાઓએ વિચારી વિચારીને પ્રતિસ્પર્ધીની કેટલી મૂવ્ઝ વિચારી હશે? માનવમસ્તિષ્કની કેટલી સંભાવનાઓ કલ્પી હશે? સેડોલે ચેલેન્જ સ્વીકારી અને તેના આશ્ચર્ય વચ્ચે ૧૫૦ મૂવ્ઝ પછી એ બુદ્ધિ આરોપેલા મશીન સામે હારી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ બુદ્ધિશાળી મશીન અજીંક્ય છે. એ પહેલાં ૧૯૯૭માં ડીપબ્લુ નામની ચેસની એપ સામે રમતા વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ હારી ગયો હતો. ૧૯૯૭થી ૨૦૧૬ અને હવે ૨૦૨૨.

દરમ્યાન ગૂગલ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ કરનારા અને જેને ગોડફાધર ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવવામાં આવે છે એ જયોફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે. શા માટે એની વાત આવતા સપ્તાહે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—195

દીપક મહેતા|Opinion - Opinion|6 May 2023

મુંબઈની મિલ્ક સ્ટ્રીટ અને મિન્ટ સ્ટ્રીટ 

મઝગાંવ એટલે માછલીનું ગામ કે વચલું ગામ?

નવરોજી ફરદુનજી સ્ટ્રીટ ક્યાં આવી? 

‘પ્રભુ જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો’ એમ ગાનારા અને ઇચ્છનારા માને અને કહે છે કે આજની દુનિયામાં જે કાંઈ છે તે સૈકાઓ પહેલાં, હજારો વરસ પહેલાં, આ ભવ્ય ભારતમાં હતું જ. એમને મતે પ્રાચીન ભારતમાં દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. હવે, આ વાત સાચી છે કે નહિ, એ નક્કી કરવા માટે પ્રાચીન ભારતમાં તો પાછા જઈ શકાય એમ નથી. પણ હા, એક જમાનામાં આ મુંબઈ શહેરમાં તો દૂધની નદી જેવો એક રસ્તો હતો જ. ભાયખળા સ્ટેશન રોડ અને ટેન્ક પખાડી સ્ટ્રીટને જોડતો એક રસ્તો બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે બાંધ્યો. અંગ્રેજો જેમ પોતાના અમલદારોનાં નામ મુંબઈના રસ્તાઓને આપતા એમ સ્થાનિક વિશિષ્ટતાઓ પરથી પણ નામ આપતા. એટલે આ નવા રસ્તાને નામ શું આપવું એની ચર્ચા થઈ. આ નવા રસ્તાની બંને બાજુ ઠેકઠેકાણે ભેંસોના તબેલા હતા, જે મુંબઈને રોજેરોજ તાજ્જું દૂધ પૂરું પાડતા. એટલે પહેલું સૂચન થયું કે આ રસ્તાને ‘બફેલો સ્ટ્રીટ’ એવું નામ આપવું. પણ તરત કેટલાક ‘દેશી’ સભ્યોએ કહ્યું કે આવું નામ તો હાસ્યાસ્પદ બનશે. તો પછી નામ શું આપવું? એટલે કોઈએ કહ્યું કે આ ભેંસોના તબેલા શહેરને દૂધ પૂરું પાડે છે. એટલે આ નવા રસ્તાનું નામ રાખીએ મિલ્ક સ્ટ્રીટ. આ સાંભળી કોઈક ટીખળી સભ્ય બોલ્યો : એના કરતાં વોટર સ્ટ્રીટ નામ રાખો. કારણ અહીંના દૂધમાં દૂધ કરતાં પાણી વધારે હોય છે! ઘણા સભ્યો હસ્યા ખરા, પણ નામ તો પાડ્યું મિલ્ક સ્ટ્રીટ. 

બોમ્બે મિન્ટ

મુંબઈમાં જો મિલ્ક સ્ટ્રીટ હતી, તો મિન્ટ સ્ટ્રીટ પણ હતી. અને આ ‘મિન્ટ’ એટલે ફૂદીનો નહિ હોં! ખણખણતા સિક્કા બનાવનારી ટંકશાળ. ફોર્ટ વિસ્તારમાં રિઝર્વ બેન્કના જૂના મકાનની સામે આવેલું હતું આ મિન્ટનું મકાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૨૩માં આ ટંકશાળ શરૂ કરવા માટે પરવાનગી આપી. બોમ્બે એન્જિનિયર્સના મેજર જોન હોકિન્સે આ મકાનની ડિઝાઈન તૈયાર કરી અને ૧૮૨૪માં બાંધકામ પણ તેમની જ દેખરેખ નીચે શરૂ થયું. ૧૮૨૯માં મકાન બંધાઈ રહેતાં મિન્ટ શરૂ થઈ હતી. તે વખતે ફોર્ટ સ્ટ્રીટ અને એલ્ફિન્સ્ટન સર્કલને જોડતા રસ્તાને મિન્ટ રોડ નામ અપાયું હતું. મિન્ટ શરૂ થઈ ત્યારે તે બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરના તાબા નીચે હતી. પણ ૧૮૭૬ના મે મહિનાની ૧૮મી તારીખે ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેને હસ્તગત કરી લીધી હતી. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૮માં અહીં રોયલ મિન્ટ ઓફ લંડનની શાખા શરૂ કરવામાં આવી, જ્યાં બ્રિટિશ પાઉન્ડના સિક્કા પાડવામાં આવતા. લગભગ ૧૩ લાખ સિક્કા પાડ્યા પછી ૧૯૧૯ના એપ્રિલમાં આ શાખા બંધ થઈ હતી.

૧૮૭૦માં બોમ્બે મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો

પણ હવે મકરંદ દવે કહે છે તેમ ‘નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.’ આ મારગ એટલે મઝગાંવ. અસલ સાત ટાપુઓમાંનો એક. એક જમાનામાં ‘અપ માર્કેટ એરિયા.’ ધનવાનોનાં વાડી વજીફા, બંગલા, ફુવારા. અને ચાર અક્ષરના આ નામમાં બે અક્ષર – ગાંવ – તો બિચારા સીધા સાદા છે. ગુજરાતીમાં ગામ, તે મરાઠીમાં ગાંવ. પણ પહેલા બે અક્ષર ‘મઝ’નું શું? માઝાનું મઝ થયું હશે? ના. મોટે ભાગે મચ્છગાંવનું મઝગાંવ થયું. પ્રાગઐતિહાસિક કાળથી આ ટાપુ પર માછીમાર કોળીઓની વસતી. એટલે કદાચ મૂળ નામ મચ્છગાંવ. પોર્ટુગીઝ શાસન દરમ્યાન તેનું નામ હતું માસેગોંઅ. મરાઠીમાં માસે એટલે માછલી. તો બીજા કેટલાક કહે છે કે ના ભાઈ ના. આ જગ્યાને માછલી સાથે લાગતું વળગતું નથી. મૂળ નામ તો હતું મહિષ ગ્રામ, કારણ ત્યાં ઘણી ભેંસો હતી. તો એક મત વળી એવો કે નહિ માછલી, નહિ ભેંસ. આ તો સાવ સીધું  સાદું નામ છે. મરાઠીમાં ‘માજ’ એટલે વચલું. જેમ કે ‘માજઘર’ એટલે ઘરનો વચલો ઓરડો. સાત ટાપુમાં આ વચલો ટાપુ એટલે માજગાંવ, મઝગાંવ. પારસીઓમાં મઝગામવાલા અટક જોવા મળે છે. તેવી જ રીતે કોલાબાવાલા પણ હોય છે. મરાઠી ભાષીઓમાં તો માઝગાંવકર, વાંદરેકર, ગોરેગાંવકર, પાર્લેકર, માહીમકર, જેવી અટકો સામાન્ય ગણાય. પણ હિંદુ ગુજરાતીઓમાં આવી અટક ભાગ્યે જ જોવા મળે.

મઝગાંવ ૧૮૯૭માં

તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના માહિમ સ્ટેશન પાસેના ફાટકથી લેડી જમશેદજી રોડ સુધી જતા રસ્તાનું નામ હતું મોરી રોડ. ના, જી. એ જમાનામાં ઘરોમાં નહાવા-ધોવા માટે બાથરૂમ નહિ પણ ‘મોરી’ રહેતી એટલા માટે આ નામ નહોતું. મરાઠાઓની એક પેટા જાતિ તે મોરી. આ રસ્તા પર ઘણા બધા મોરીઓનાં ઘર આવેલાં હતાં એટલે આ નામ. અને આ મોરીઓ પોતાને મૌર્યોના વંશજ માને. મૌર્યોની એક શાખાનું કોંકણ પર રાજ હતું એ વાત ખરી. એમની રાજધાની હતી ‘પુરી.’ એ નગરી અરબી સમુદ્રની લક્ષ્મી દેવી તરીકે ઓળખાતી. એટલે આ મોરીઓ પાટલીપુત્રના ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો. પણ આ પુરી નગરી તે કઈ? કેટલાક કહે છે કે ઘરાપુરી કહેતાં એલિફન્ટા એ જ આ પુરી નગરી. મુંબઈના એક નાના બંદરનું નામ પણ હતું મોરી બંદર. તો બીજા કેટલાકનું કહેવું છે કે ચંદ્રગુપ્ત અને તેના વંશજો તો બૌદ્ધ ધર્મ પાળતા. જ્યારે એલિફન્ટામાં શૈવ થાનક છે. બૌદ્ધ ધર્મ પાળતા વંશની રાજધાની શૈવ કેવી રીતે હોઈ શકે? એસ.એમ. એડવર્ડઝ નામના વિદ્વાન કહે છે કે આ મોરીઓ મૌર્યોના વંશજ હતા એ વાત તો સાચી. જેમ ચૌલુક્યોના વંશજો મહારાષ્ટ્રમાં ‘ચોલકે’ બન્યા તેમ જ આ મોરીઓ. પણ આ કોંકણી મૌર્યોની રાજધાની એલિફન્ટા નહિ, પણ ઠાણા હતી. એક જમાનામાં ઠાણે, નાલા, સોપારા વગેરે બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં મથક હતાં.

અંગ્રેજોએ આપેલાં નામમાંથી ઘણાં આપણે આઝાદી પછી બદલી નાખ્યાં છે. તો કેટલાંક નામ આજ સુધી ટકી રહ્યાં છે. કારણ એ નામ અંગ્રેજોએ આપેલાં ખરાં, પણ કોઈ ને કોઈ ‘દેશી’ આગેવાનની યાદમાં. પણ નામ ટકી ગયું હોવા છતાં એ વ્યક્તિ કોણ હતી, એનો એવો તે શો ફાળો હતો કે એક રસ્તાને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું – આ બધું આજે વિસરાઈ ગયું છે. આવું એક નામ તે નવરોજી ફરદુનજી સ્ટ્રીટ. કોલાબા કોઝવેથી આદમ સ્ટ્રીટના દરિયા કિનારા સુધીના રોડને ૧૮૯૭માં અંગ્રેજોએ આ નામ આપ્યું. આ નવરોજી એ જમાનામાં ‘લોકોના રખેવાળ’ તરીકે ઓળખાતા.

નવરોજી ફરદુનજી

નવરોજીનો જન્મ ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે, ભરૂચમાં. ભરૂચ અને સુરતમાં પ્રાથમિક શિક્ષણ. પછી આવ્યા મુંબઈ. ૧૮૩૦માં નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થતાં પ્રખ્યાત મરાઠી લેખક, પત્રકાર, સુધારક બાળશાસ્ત્રી જામ્ભેકર મદદનીશ પ્રોફેસર નિમાયા અને તેમના શિષ્ય નવરોજી તેમના સહાયક નિમાયા. ૧૮૪૬માં બાળશાસ્ત્રીનું અણધાર્યું અવસાન થયું. તે પછી અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નવરોજીની નિમણૂક થઈ.

આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત મુંબઈની સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાતી. ૧૮૪૫માં નવરોજીની નિમણૂક આ કોર્ટના દુભાષિયા તરીકે થઈ. ૧૮૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી નવરોજીએ આ નોકરી કરી. નવરોજીમાં રહેલો સમાજ સુધારક ધ્યાનપાત્ર રીતે બહાર આવ્યો તે તો ૧૮૫૧માં પારસી સમાજમાં સમાજ સુધારો કરવા માટે તેમણે રાહનુમાઈ માઝદીઅશના સભાની સ્થાપના કરી તે પછી. સરકારી નોકરી કરતા હોવા છતાં નવરોજી અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઊઠાવતાં અચકાતા નહોતા. તે વખતના ‘બોમ્બે ટાઈમ્સ’ના તંત્રી ડો. જ્યોર્જ બ્યુસ્ટ પહેલાં તો હિંદીઓ તરફી લખાણો માટે જાણીતા હતા. પણ ૧૮૫૭ના બળવાને કારણે તેઓ હિંદીઓના કટ્ટર વિરોધી બની ગયા. આ ‘બોમ્બે ટાઈમ્સ’ મૂળ તો અંગ્રેજ માલિકીનું હતું. પણ આર્થિક ભંડોળ વધારવાના હેતુથી ૧૮૫૦માં કેટલાક દેશીઓને પણ શેરહોલ્ડર બનાવેલા. નવરોજી તેમાંના એક. તેમની આગેવાની નીચે બધા દેશી શેરહોલ્ડર ભેગા થયા અને તેમણે ડો. બ્યુસ્ટને તંત્રીપદેથી દૂર કર્યા. કેટલાક અંગ્રેજો આથી ભડક્યા. પણ નવરોજીએ જે કાંઈ કર્યું તે કાયદાની મર્યાદામાં રહીને કર્યું હતું એટલે અંગ્રેજોના હાથ હેઠા પડ્યા. તેમાંના કેટલાકે ‘બોમ્બે સ્ટેન્‌ડર્ડ’ નામનું નવું છાપું કાઢી ડો. બ્યુસ્ટને તેના તંત્રી બનાવ્યા. તેવી જ રીતે મુંબઈની સુધરાઈના કારભારમાં ચાલતા ભ્રષ્ટાચારને તેમણે જાહેરમાં ખુલ્લો પાડ્યો. પરિણામે ૧૮૭૨માં સરકારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરી. ૧૮૭૫માં કરદાતાઓના પ્રતિનિધિ તરીકે નવરોજી ચૂંટાયા. એ જ વરસે તેઓ ટાઉન કાઉન્સિલના પણ સભ્ય બન્યા. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નવરોજીએ ત્રણ વખત ઇન્ગ્લંડની મુસાફરી કરી. ત્યાં જુદી જુદી સરકારી સંસ્થાઓમાં ભાષણો કરી ‘દેશીઓ’ તરફ વધુ ઉદાર વલણ દાખવવા અંગ્રેજોને અપીલ કરી હતી.

ગુજરાતી પત્રકારત્વની અનન્ય સેવા પણ નવરોજીએ કરી. આજે પ્રગટ થતાં ગુજરાતી સામયિકોમાં અમદાવાદનું ‘બુદ્ધિપ્રકાશ’ સૌથી જૂનું. પણ એ આપણી ભાષાનું પહેલું સામયિક નહિ. પહેલું ગુજરાતી સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં નવરોજીએ શરૂ કર્યું અને ૧૮૪૭ સુધી પોતે ચલાવ્યું. તે પછી તેઓ ગુજરાતી વર્તમાનપત્ર ‘જામે જમશેદ’ના તંત્રી બન્યા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું અવસાન થયું. લગભગ આખી જિંદગી લોકોપયોગી કામો કર્યાં હતાં. છતાં ૧૮૮૪માં માનપત્ર આપવા માટે મળેલી સભામાં તેમણે કહેલું : “મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ જો મેં થોડીઘણી સેવા પણ કરેલી હોય તો તેમ કરીને મેં કંઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.”

હવે ક્યારેક કોલાબા વિસ્તારમાં જાવ ત્યારે આ નવરોજી ફરદુનજી સ્ટ્રીટ પર જરૂર લટાર મારજો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; ૦૬ મે ૨૦૨૩

Loading

...102030...1,1501,1511,1521,153...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved