Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કઠિન લાગી

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|11 May 2023

જાત સંભાળવી કઠિન લાગી,

જિંદગી માણવી કઠિન લાગી.

શબ્દ ભંડોળને ચકાસ્યા મેં,

શબ્દની વાવણી કઠિન લાગી.

બોલવું  કેટલું  સહેલું  છે,

વાતને પાળવી કઠિન લાગી.

ફેંકવાથી કશું નથી વળતું,

ધાપને માપવી કઠિન લાગી.

અવનવી યુક્તિ રોજ અજમાવે,

ઠગ વિદ્યા શીખવી કઠિન લાગી.

e.mail : addave68@gmail.com

Loading

રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું 

અમર નિરંજન ભટ્ટ - અર્ચિત પ્રકાશ જાની|Opinion - Opinion|11 May 2023

વકીલાતના વ્યવસાયમાં કેટલાક કેસ એવા હોય છે કે જેમાં સામાજિક બદલાવ માટે સકારાત્મક ભૂમિકા ભજવવાનો વકીલને મોકો મળે છે. એવા એક કેસની મારે વાત કરવી છે, જેની સાથે સંકળાવાનો મને મોકો મળ્યો.

અમર ભટ્ટ

અર્ચિત જાની

અમારામાંથી અર્ચિત પ્રકાશ જાની, જે પોતે 12મા ધોરણ ગુજરાતી માધ્યમમાં ભણેલા છે, તે એ જાણીને ચોંકી ગયા કે 6 વર્ષની તેમની દીકરી અંગ્રેજી માધ્યમની જે શાળામાં ભણે છે તે શાળામાં ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવામાં આવતું નથી. તેમને એ ચિંતા થઇ કે આપણી માતૃભાષાના શિક્ષણથી તેમની દીકરી વંચિત રહી જશે તો તે ગુજરાતી સંસ્કૃતિથી સાવ અલિપ્ત થઇ જશે. નામદાર ગુજરાત હાઈકૉર્ટમાં આ અંગે કાંઈ થઇ શકે કે નહીં તે અંગે અમારી ચર્ચાઓ અને સંશોધન ચાલુ થયાં. આજકાલ ગુજરાતી માધ્યમની નવી શાળાઓ ખૂલતી નથી, એટલું જ નહીં પણ ઘણી બધી શાળાઓ બંધ પણ થયેલ છે અથવા અંગ્રેજી માધ્યમમાં તબદિલ થયેલ છે. વધુમાં, ગુજરાત બૉર્ડ ઉપરાંત વિવિધ અન્ય બૉર્ડ જેવાં કે CBSE, ICSE, IB વગેરે સાથે સંલગ્ન હોય તેવી શાળાઓની સંખ્યા વધતી જાય છે. માતાપિતા પોતાનાં બાળકોને આવાં બૉર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ માટે દાખલ કરવાનું પસંદ કરે છે. આ શાળાઓમાં અંગ્રેજી કે હિંદી માધ્યમ હોય છે અને એમાં ગુજરાતી ભાષા એક વિષય તરીકે પણ ભણાવાતી નથી. આવી શાળાઓમાં આપણા રાજ્યનાં બાળકો આપણી જ માતૃભાષા શીખવામાંથી બાકાત કે વંચિત રહી જાય છે. ઘણી બધી શાળાઓમાં ગુજરાતી વિષયને બદલે કોઈ વિદેશી ભાષા જેવી કે ફ્રેન્ચ કે જર્મન વિકલ્પ તરીકે અપાય છે. આ પરિસ્થિતિ તત્કાલીન સરકારના ધ્યાને આવતાં સરકારે 13/4/2018ના પરિપત્ર (બિડાણ 2) દ્વારા એવો નિર્ણય લીધો કે ગુજરાતમાં કાર્યરત; વિવિધ બૉર્ડ જેવાં કે CBSE, ICSE, IB  વગેરે સાથે સંલગ્ન; ગુજરાતી માધ્યમ સિવાયના કોઈ પણ માધ્યમની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષયનું  ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે; પણ આ પરિપત્રના અમલ અંગે સૌ કોઈએ ઉપેક્ષા સેવી હતી. તેથી અમે આ પરિપત્રનો અસરકારક, શબ્દશ: અને સત્ત્વશીલ અમલ થાય તે માટે ગુજરાત હાઈકૉર્ટમાં જાહેર હિતની અરજી કરવાનું વિચાર્યું. અરજદાર તરીકે રહેવા માતૃભાષા અભિયાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ એક ક્ષણનો ય વિચાર કર્યા વિના સંમતિ આપી. તારીખ 21/7/2022ના શુકનવંતા દિવસે (કવિ ઉમાશંકર જોશીનો જન્મદિવસ) આ અરજીમાં સોગંદનામું થયું. મનોમન અમે ઘણું બધું કર્યું –

કવિમનીષી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ગણગણી –

“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી 

 મળી માતૃભાષા મને ગૂજરાતી 

 રમો માતૃભાષા મુખે ગૂજરાતી 

નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી”

પ્રેમાનંદે “ગુજરાતી ભાષા” એવો શબ્દપ્રયોગ પોતાના “દશમસ્કંધ” આખ્યાનમાં કરેલો – “બાંધું નાગદમણ હું ગુજરાતી ભાખા”. આ ભાષાને ગૌરવવંતું સ્થાન મળે નહીં ત્યાં સુધી પાઘડી નહીં બાંધવાનો પ્રેમાનંદનો સંકલ્પ યાદ કર્યો.

નર્મદ-ગોવર્ધનરામ-ન્હાનાલાલે સરસ્વતીને ખોળે માથું મૂકેલું તે માટે તેમનું  પુણ્યસ્મરણ કર્યું.

ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક “ગાંધીજી અને પાંચ સાક્ષરો’માં “ગાંધીજી અને બ.ક.ઠા.” પ્રકરણમાં એક પ્રસંગ છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી બ.ક.ઠા. એટલે કે કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખેલો જેનો જવાબ 24/7/1918ના પત્રથી નીચે મુજબ ગુજરાતીમાં આપ્યો હતો –

“જ્યારે આપણી ધારાસભા થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ હું જોઉં છું. બંને હિન્દુસ્તાનની એક જ ભાષા જાણવા છતાં, એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે અથવા બીજાની સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી અને સ્વરાજ નથી મળ્યું તે દરમિયાન જે, (આવો) ગુનો કરે તેને સારુ શા ઈલાજ થવા ઘટે એ પણ જણાવજો.”

ફાધર વાલેસના શબ્દો છે કે માતૃભાષા જશે તો સંસ્કૃતિ જશે.

આ બધું મન-હૃદયમાં ઉતારીને  અમે “યાહોમ કરીને ” ઝંપલાવ્યું.

ભારતનું બંધારણ એક અદ્દભુત દસ્તાવેજ છે. આર્ટિકલ 29માં સાંસ્કૃતિક અને ભાષાકીય અધિકારો આપવામાં આવ્યા છે. ભાષા અને સંસ્કૃતિ જોડાયેલાં છે તે ભાષાવિજ્ઞાનીઓ તો કહે છે જ, પણ બંધારણમાં ભાષાવિજ્ઞાનના આ નક્કર સત્યનો જાણે કે સ્વીકાર છે! વિશિષ્ટ ભાષા, લિપિ અને સંસ્કૃતિ ધરાવતા હોય તેવા ભારતમાં રહેતા નાગરિકોના કોઈપણ વર્ગને તેમનું જતન, સંવર્ધન કરવાનો મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ 21માં જીવન જીવવાનો હક એ મૂળભૂત અધિકાર છે. આ અધિકારમાં સંસ્કારિતાપૂર્ણ જીવન જીવવાનો હક સમાવિષ્ટ છે. આપણી સુપ્રીમ કૉર્ટે જાહેર હિતની અરજી(હવે પછી પી.આઈ.એલ.)નો ખ્યાલ વિકસાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જાહેર હિતમાં અને મૂળભૂત અધિકારોના રક્ષણ માટે આવી અરજી કરી શકે. આર્ટિકલ 21 અને 29 નીચેના મૂળભૂત અધિકારો માટે બાળકોના માતૃભાષા શીખવાના અધિકારને આગળ કરીને અને ભાષા-સંસ્કૃતિનાં જતન-સંવર્ધન માટે અમે હાઈકૉર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરી. પંજાબ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં તો માતૃભાષાના વિષય તરીકે ફરજિયાત શિક્ષણ અંગે ત્યાંનાં ધારાતંત્રોએ ઘડેલા કાયદાઓ છે. આ કાયદાઓમાં એવી જોગવાઈ છે કે જે શાળા તે કાયદાનો ભંગ કરે તે શાળાને શિક્ષાની જોગવાઈ છે. આ શિક્ષાની જોગવાઈ નાણાકીય દંડથી શરૂ કરીને જે તે બૉર્ડ સાથેની સંલગ્નતા રદ્દ કરવા સુધી જાય છે. પી.આઈ.એ.લમાં અમે આ કાયદાઓ પણ રજૂ કર્યા. ગુજરાતમાં પરિપત્ર હોવા છતાં તેના ભંગ બદલ શિક્ષાની કોઈ જોગવાઈ ન હતી. 2020ની નવી શિક્ષણ નીતિ અને 1964-66ના કોઠારી કમિશનના રિપોર્ટમાં પણ માતૃભાષાના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાયું છે.

જસ્ટિસ સોનિયા ગોકાણીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે એમાં વખતોવખત હુકમો કર્યા; સરકાર પાસે વીગતો અને માહિતી મંગાવી; સરકારને પણ અન્ય રાજ્યો જેવો કાયદો ગુજરાતમાં પણ લાવવા અંગે અનુરોધ થયો. 2022ના ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી થઇ પછી રચાયેલી સરકારમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રકાશ જાનીને લીધે શક્ય બની. આ મુલાકાતમાં સ્વનામધન્ય સાહિત્યકારો રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર,  મનસુખ સલ્લા અને રાજેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. કાયદા મંત્રીએ એકીઅવાજે માતૃભાષાના ફરજિયાત શિક્ષણ અંગે કાયદો લાવવો જોઈએ તે વાત સ્વીકારી. ગુજરાતની અન્ય માધ્યમોની શાળાઓમાં ભણતાં ગુજરાતી બાળકો પોતાની માતૃભાષા ભણવામાંથી વંચિત રહેશે તો આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિનું જતન કરવું મુશ્કેલ બનશે. આપણી માતૃભાષા ગુજરાતીનું ઐશ્વર્ય અને એની સમૃદ્ધિ આપણાં જ બાળકો સમજે ને માણે તે માટે પણ આવો કાયદો લાવવાનો તાતી જરૂરિયાત છે એવો વિચાર કૅબિનેટ સમક્ષ તાબડતોબ મૂકાયો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રાથમિક શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આખા આ વિચારમાં ખૂબ રસ લીધો.

અંતે, 21 ફેબ્રુઆરી 2023 – વિશ્વ માતૃભાષા દિવસે – ગુજરાત હાઈકૉર્ટમાં સરકારે આ દિશામાં સક્રિય પગલાં ભરવાનો પોતાનો નિર્ધાર અભિવ્યક્ત કર્યો. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠે સાહિત્યિક ભાષામાં આ અરજીનો નિકાલ કરતો હુકમ કર્યો અને 28મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાત કમ્પલસરી ટીચીંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅન્ગવેજ ઍક્ટ 2023 વિના વિરોધે પસાર થયો.

સામાન્ય રીતે કૉર્ટ કેસો(પી.આઇ.એલ. સહિત) ખૂબ લાંબા ચાલે છે. કેસ કરવામાં શરૂઆતમાં રહેલો ઉત્સાહ કૉર્ટ પ્રક્રિયામાં થતા વિલંબને લીધે ઓસરી જાય છે. પણ અહીં અરજદારના વકીલો ઉપરાંત સરકાર અને અદાલતના સકારાત્મક અભિગમને લીધે કેસ ચાલવા પર આવ્યો તેના 4-5 મહિનામાં જ માતૃભાષા શિક્ષણની દિશામાં એક સિમાચિહ્નરૂપ પ્રદાન થઇ શક્યું. અહીં તો સૌ કોઈ – અરજદારો, તેમના ધારાશાસ્ત્રીઓ, સરકાર અને હાઈકૉર્ટ – રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ બન્યા.

રમેશ પારેખના શબ્દો છે –

“ઊઠાવું પૅન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન 

 ફૂલોનું નામ લખું ત્યાં જ અનુકૂળ પવન”

કેસ ફાઈલ કર્યો ત્યારથી જ બધું અનુકૂળ થતું ગયું. અનેક પૂર્વસૂરિ સાહિત્યકારોનાં સ્પંદનો ને આશીર્વાદ અમે અનુભવી શક્યાં અને મેળવી શક્યાં, જેનું શબ્દોમાં વર્ણન થાય તેમ નથી. દલપતરામે ગુર્જરનરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ ગુજરાતી ભાષાના વકીલ તરીકે ગાયેલી આ પંક્તિઓ સૌએ યાદ રાખવા જેવી છે –

“ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું

અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં, આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું

માંડતા મુકદ્દમાને ચાર જણા ચૂંથશે તો શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,

દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.”

જો કે આ તો હજુ શરૂઆત છે. હવે જે કાંઈ કરવાનું છે તે ગુજરાતની પ્રજાએ. પ્રજા પોતે જ જો માતૃભાષાની વકીલ બને તો આ દિશામાં શું શું ન થઇ શકે?

પ્રગટ : ‘સાંપ્રત’, “નવગુજરાત સમય”; બુધવાર, 10 મૅ 2023

Loading

માવઠું 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 May 2023

કાવ્યકૂકીઝ

માવઠું હવે નિયમિત થઈ ગયું છે

પહેલાં તે ક્યારેક જ થતું

હવે ક્યારેક જ નથી થતું !

હવે ઉનાળામાં વરસાદ પડે છે

તો ચોમાસામાં ન પડે એવું બને

એટલે જતે દિવસે ચોમાસું જ માવઠું

કહેવાય તો નવાઈ નહીં !

પહેલાં શું હતું કે શિયાળામાં ટાઢ પડતી

ને ઉનાળામાં તાપ પડતો

ચોમાસું લીંબુનું શરબત પીને વરસતું

પણ હવે ઋતુઓનું ઠેકાણું રહ્યું નથી

હવે તો એક જ દિવસમાં

ત્રણે ઋતુઓનો અનુભવ થાય છે

જતે દિવસે ઋતુઓ કલાકને હિસાબે

બદલાય તો નવાઈ નહીં !

બે કલાક ટાઢ વાગે ને સ્વેટર પહેરો

ત્યાં તો પરસેવો થવા લાગે એમ બને

ઘડીભર તો ગભરામણ થાય કે

હાર્ટએટેક આવવાનો કે શું?

જરા એસી ચાલુ કરો ત્યાં તો

આકાશમાં કડાકાભડાકા થવા લાગે

ને ઘરમાં જ છત્રી ખોલવાનો વારો આવે

જરાવારમાં તો નળ સિવાય

બધેથી જ પાણી આવવા લાગે

આવું તો કેમ ચાલે?

પણ જેને પત્ની છે તેને ચાલે છે

જેમ પત્નીથી ટેવાઇ જવાય છે એમ જ

માવઠાંથી ય ટેવાઇ જવાય છે

માવઠાંનું જેમ નક્કી નહીં

એમ જ પત્નીનું ય ઠેકાણું નહીં !

આગાહી ન હોય ને વરસે તે માવઠું

એમ જ આગાહી હોય ને

પિયરથી ન આવે એ પત્ની !

પત્ની બારમાસી માવઠું છે

તે આંખોથી ન વરસે તો

મોંથી વરસતી રહે છે

પતિ પથરા જેવો હોય તો પણ

પલળીને પૂંઠા જેવો થઈ જાય છે

માવઠું વરસે તો પાકને નુકસાન થાય

ને પત્ની વરસે તો આખા ય પાકશાસ્ત્રને !

વધારે કૈં કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,1461,1471,1481,149...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved