Opinion Magazine
Number of visits: 9743494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા માટે ભા.જ.પા.ના મુખ્ય પત્તાઃ ધર્મ, જાતિ, વિકાસ અને શક્તિપ્રદર્શન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 June 2023

‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને જીતેલી બેઠકો ઉપરાંત કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે

ચિરંતના ભટ્ટ

આવતા વર્ષે માર્ચ મહિનાની આસપાસ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હશે. ભા.જ.પા.એ 2024ની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 2019ની ચૂંટણીમાં ભા.જ.પા.એ લોકસભાની 303 બેઠકો જીતી હતી અને ત્યારે ભા.જ.પા.ના જ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 2024માં તેઓ આ કરતાં વધુ બેઠકો જીતશે. 2024ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ ઘણાં બધા પ્લાન એક્શનમાં મૂકી દીધા છે. કેટલાક તો પૂરા પણ થયા છે. અમુક યોજનાઓ દેખીતી છે તો અમુક ગ્રાઉન્ડ લેવલનું કામ છે.

જેમ કે સંસદભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું તો 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર પૂરું કરવાનું એલાન પણ થઇ ચુક્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના રાજસ્થાન સેક્શનનું ઉદ્ઘાટન પણ ફેબ્રુઆરીમાં કરાયું જેને કારણે દેશના બે મુખ્ય શહેરો વચ્ચેનો ડ્રાઇવિંગ ટાઇમ માત્ર ૧૨ કલાક થઇ ગયો છે. આ એક્સપ્રેસ વે પાંચ મોટા રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડનારો છે. ૧,૪૦૦ કિલોમિટર લાંબા આ એક્સપ્રેસવેને લોકસભા ચૂંટણીના રાજકારણ સાથે સીધી લેવા-દેવા છે એવું કહેવાઇ ચૂક્યું છે. વળી બીજી માળખાકીય સુવિધાની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઇ અને બીજી ટ્રેન્સને વંદે ભારત ટ્રેનમાં ફેરવવામાં આવશેની ચર્ચા તો છે જ. વળી વડા પ્રધાને ડિજીટલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું તો દેશના પહેલા વૉટર મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પણ લીલી ઝંડી આપી. આ તમામ પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચાલી રહ્યા હતા અને અમુક હજી પણ ચાલી રહ્યા છે પણ તેનો છેલ્લો તબક્કો ૨૦૨૪ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેની સાથે જ જાણે આવી રહ્યો છે. ભા.જ.પા.ને તો પૂરો વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં જીતી જ જશે પણ છતાં ય તેઓ કોઇ કસર છોડવા નથી માગતા. માળખાકીય સુવિધાઓ પર જ્યારે કામ થાય ત્યારે સત્તા પક્ષને એક કાંકરે બે પક્ષી મારવાનો મોકો મળે – એક તો માળખાકીય સુવિધાઓ દેખીતો વિકાસ છે અને જે તે રાજ્યમાં આ વિકાસ થાય ત્યાં જો ભા.જ.પા.ની સરકાર ન હોય તો મતદાર વિકાસના મુદ્દાને ધ્યાનમાં આપીને જ મતદાન કરે.

વ્યૂહાત્મક રીતે પણ ભા.જ.પા. સજ્જ છે અને ૨૦૨૨થી જ ‘ગ્રાઉન્ડવર્ક’ શરૂ કરી દેવાયું છે. રાષ્ટ્રવ્યાપી પ્રચાર અભિયાન ચાલુ થઇ ચૂક્યા છે જેમાં વિસ્તૃત સરવેથી માંડીને નાનામાં નાના સ્તરે જાતિ, જ્ઞાતિ આધારિત કામગીરી ચાલુ કરી દેવાઇ છે. જે ૧૬૦ બેઠકો પહેલાના જનરલ ઇલેક્શનમાં ન જીતી શક્યા તેનો બુથ આધારિત ડેટા એકઠો કરી તેનું વિશ્લેષણ કરવાની કામગીરી ગયા વર્ષે મે મહિનાથી જ ચાલુ થઇ ગઇ છે. ત્યાં મતદારોએ જે ઉમેદવારને જીતાડ્યા એમાં તેમને શું ગમ્યું પ્રકારના પ્રશ્નોથી મતદારોની માનસિકતાનો તાગ મેળવવાની જહેમત કરાઇ. એક અહેવાલ અનુસાર ૪૦ હજાર જેટલા બુથ કામદારોએ ૧ લાખ જેટલા બૂથ જે ૫૪૩  લોકસભાની બેઠકોમાં આવેલા છે ત્યાંના મતદારો પાસેથી આ પ્રતિક્રિયાઓ મેળવી છે.  ભા.જ.પા.ના લઘુમતિ મોરચાએ ‘મોદી મિત્ર’ આઉટરીચ પ્રોગ્રામ પર કામ શરૂ કરી તે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું હોવાનું પી.ટી.આઇ.ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. આ બધું ઓછું હોય તેમ ભવ્ય રેલીઓ કાઢવી એ ભા.જ.પા.ની ચૂંટણી માટેની વ્યૂહ રચનાનો એક બહુ મોટો હિસ્સો છે. જે ૧૬૦ બેઠકોમાં ભા.જ.પા.એ હાર મેળવી હતી ત્યાં બધે જ વડા પ્રધાન હાજર રહી શકે તે રીતે રેલીઓ કાઢવામાં આવશે અને જાહેર સભાઓના આયોજનો કરાશે – આ માટે આ બેઠકોને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી છે અને દરેક જૂથમાં ૪ બેઠકો આવરી લેવાશે.  આ રેલીઓના આયોજન એ રીતે થશે કે પહેલાં ભા.જ.પા. પ્રમુખ જે.પી. નડ્ડા રેલીઓમાં જશે તો પછીથી અમિત શાહ પણ રેલીઓનું આયોજન કરશે અને વડા પ્રધાન મોદીની હાજરીનો માસ્ટરસ્ટ્રોક તો ખરો જ. નરેન્દ્ર મોદી તો બાકીની ૩૮૩ બેઠકો માટેના પ્રચારમાં પણ ભાગ લેશે. વળી જે પક્ષના પ્રમુખ જેવા જે માળખા બનાવાયા હતા તે જ રીતે મહિલા મોરચા, કિસાન મોરચા પણ કામે લાગશે. મહિલા મોરચા ‘કમલ દૂત’ નામે કાર્યક્રમ કરી પંચાયત સાથે સંપર્ક સાધી મોદી સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓના લાભ અંગે પ્રચાર કરવા મંડી પડ્યા છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને પોતાની નિયત બેઠકો ઉપરાંત બીજી કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં જીત નિશ્ચિત રહે તે માટે વડા પ્રધાન મોદીની ટીમમાં જે.પી. નડ્ડા, અમિત શાહ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય વ્યવસ્થા મંત્રી બી.એલ. સંતોષ અને યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ કરાયો છે.

એવું નથી કે માત્ર બધું જોરદાર આયોજન અને વ્યવસ્થા શક્તિથી કરવાથી ભા.જ.પા.ને જે જોઇએ છે તે મેળવી શકાશે અને આ હકીકતથી પક્ષ અજાણ નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે વિદેશ પ્રવાસ હોય તે તમામમાંથી કંઇક શોધી કાઢીને તેની લીટી નાની કરવામાં પણ ભા.જ.પા. કંઇ જ બાકી નહીં રાખે એ તો નક્કી છે. કાઁગ્રેસ ચૂંટણીને મામલે વ્યૂહરચના ઘડી કાઢવામાં સફળ નથી એ પણ એક વાસ્તવિક્તા છે અને એક પક્ષ તરીકે કાઁગ્રેસની દૃષ્ટિ જાતને લઇને ગુંચવાયેલી છે – આ સંજોગોમાં ભા.જ.પા.ને માટે પણ ઘણી બાબતો સરળ થઇ જાય છે. પ્રાદેશિક વિવિધતાનો લાભ ખાટી લેતા હવે ભા.જ.પા.ને બરાબર આવડી ગયું છે. વળી સંજોગો એવા છે કે જ્યાં ભા.જ.પા.ની પકડ નથી એવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જીતવું હશે તો કાઁગ્રેસને આ રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓની મદદ જોઈશે જ. કાઁગ્રેસે જરૂર છે એવી તરકીબ કરવાની જેથી તે ભા.જ.પા. સામે મજબૂત રાષ્ટ્રીય વિરોધ પક્ષ ખડો કરી શકે જેનાથી એ તમામ રાજ્યોમાં કાઁગ્રેસને ચૂંટણીલક્ષી ડિવિડન્ડ મળે જ્યાં ભા.જ.પા.ની પકડ મજબૂત છે. કાઁગ્રેસે પોતાના પડકારોને મૂળિયાંથી સમજીને તેની પર કામ કરવું જરૂરી છે.

બાય ધી વેઃ

એક સત્ય એ પણ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે ત્યાં ધ્રુવીકરણની રાજનીતિ ચાલે એમ નથી. જેમ કે કેરળ. નરેન્દ્ર મોદીએ કેરળમાં પારંપરિક પરિધાન પહેરીને રોડ શો કર્યા, માળખાકીય પ્રોજેક્ટ લૉન્ચ કર્યા એ એક વ્યૂહાત્મક ફેરફાર છે. અહીં હિંદુત્વનું કાર્ડ રમવાનું ભા.જ.પા.એ ટાળ્યું કારણ કે કેરળમાં તે પહેલાં પણ નથી ચાલ્યું. બલકે અહીં ભા.જ.પા. પહેલાં ખ્રિસ્તીઓને આકર્ષવા માગે છે પછી તેમનું બીજું લક્ષ્ય છે યુવાનોને આકર્ષવા અને ત્રીજો રસ્તો છે માળખાકીય વિકાસનું બરાબર બ્રાન્ડિંગ કરવું. આમ જોવા જઇએ ભા.જ.પા. મોટાભાગની બેઠકોમાં પોતાના પગ જમાવવા માટે ધર્મ, યુવા અને વિકાસ વાળી ત્રિરાશિ માંડે છે  – વળી જરૂર પડે ત્યાં દલિત કાર્ડ રમવું, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડવો જેવી સોગઠી રમતાં પણ ભા.જ.પા.ને આવડે છે. ભા.જ.પા.ની વ્યૂહરચના સજ્જડ છે પછી તે મૂર્ત બાબતોની હોય કે અમૂર્ત બાબતોની, જોવાનું એ છે કે મતદારોના મન કળવામાં શું ભા.જ.પા.ને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ આડે આવે છે કે પછી ‘અબ કી બાર ૪૦૦ પાર’ વાળો ભા.જ.પા.નો દાવો સાચો પડે છે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023

Loading

વિરોધ પક્ષો વચ્ચે એકતા સંભવ છે ખરી?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2023

રમેશ ઓઝા

“વિરોધ પક્ષો વચ્ચે એકતા થશે ખરી? વિરોધ પક્ષો વચ્ચે એકતા થવી જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓએ પોતાનાં સ્વાર્થ બાજુએ રાખીને વ્યાપક દેશહિત માટે થોડું જતું કરવું જોઈએ. શું તેમને એટલું પણ નહીં સમજાતું હોય કે અત્યારે દેશ તેનું લોકતંત્ર અને તેની કલ્પનાનું ભારત ગુમાવી રહ્યો છે?” વગેરે વગેરે વગેરે. એક પ્રકારની અકળામણ સાથે કેટલાક લોકો આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. આવા પ્રશ્નો ત્યારે પણ પૂછાતા હતા જ્યારે દેશમાં કાઁગ્રેસની શાસકીય ઈજારાશાહી હતી અને અતિરેકો થવા માંડ્યા હતા. ત્યારે પણ લોકતાંત્રિક માનમર્યાદાની ચિંતા કરનારાઓ અકળાતા હતા.

સામાન્ય સમજ એવી છે કે ચૂંટણી એટલે મતોનું ગણિતશાસ્ત્ર. જો કૂલ પડેલા મતોમાંથી ૩૮ ટકા મત બી.જે.પી.ને મળતા હોય તો તેનો અર્થ એ થયો કે ૬૨ ટકા મતદાતાઓ બી.જે.પી.નો વિરોધ કરે છે. પણ જો વિરોધ પક્ષો સાથે મળીને બી.જે.પી. સામે એક જ ઉમેદવાર ઊભો રાખે તો એ ૬૨ ટકા મત એ ઉમેદવારને મળી શકે અને એ રીતે સહેજે બી.જે.પી.ને હરાવી શકાય.

પણ એવું બનતું નથી. એમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો તેને બહુ સફળતા મળી નથી. ૧૯૭૧ની સાલમાં વિરોધ પક્ષોએ મહાજોડાણ કર્યું હતું અને તેને સરિયામ નિષ્ફળતા મળી હતી. ડૉ રામ મનોહર લોહિયાએ ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવીને ગેર કાઁગ્રેસી પક્ષો વચ્ચે ચૂંટણીકીય સમજૂતી પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને મર્યાદિત સફળતા મળી હતી. સત્તામાં આવ્યા પછી એકતા ટકી પણ નહોતી અને તેણે ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડ્યું હતું. જે હિંદુ કોમવાદી પક્ષને નજીક પણ આવવા દેવામાં નહોતો આવતો, જેનું સ્થાન ભારતીય રાજકારણમાં હાંસિયામાં હતું એ ભારતીય જનસંઘને નજીક આવવા દેવામાં આવ્યો, બાથમાં લેવામાં આવ્યો અને પ્રતિષ્ઠા આપવામાં આવી. આજે હવે એમ લાગે છે કે એણે લોકતંત્રને વધારે મોટું નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ફાસીવાદીઓના સહારે લોકતંત્ર બચાવવા નીકળેલા કેટલા લોકશાહીવાદી છે એવો સવાલ ઇન્દિરા ગાંધીએ ત્યારે ઉઠાવેલો અને તેમના એ સવાલનો જવાબ ત્યારે કોઈએ આપ્યો નહોતો.

પહેલી વાત તો એ કે શા માટે આટલા બધા રાજકીય પક્ષો સ્થાપાયા છે? નાની નાની દુકાનો ખોલીને, લોકસભામાં બે-પાંચ સીટ અને વિધાનસભામાં દસ-વીસ સીટ મેળવીને સત્તા માટે કે પૈસા કમાવા માટે આમ કરવામાં આવે છે એવી જે માન્યતા છે એ સંપૂર્ણ સાચી નથી. તેની સ્થાપના થઈ ત્યારનું એ સત્ય નહોતું. મૂળમાં કેટલાક રાજકીય પક્ષોની સ્થાપના જે તે સમાજવિશેષના હિત માટે અને જે તે ભાષાઓની તેમ જ પ્રદેશોની અસ્મિતાઓના રક્ષણ માટે થઈ હતી. અંગત સ્વાર્થ માટે નહોતી થઈ. તેઓ બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ ભારતની કલ્પનાના વિરોધી નહોતા, તેઓ માત્ર એટલું કહેતા હતા કે બંધારણમાં અધોરેખિત કરવામાં આવેલું ભારત ત્યારે જ સાકાર થશે જ્યારે અમને પણ સાંભળવામાં આવશે અને અમને પણ એ ભારતમાં સ્થાન આપવામાં આવશે.

બીજું ભારતમાં રાજકારણ કરવું અને લોકપ્રતિનિધિગૃહમાં પ્રવેશ મેળવવો એ દુકાન ચલાવવા જેવું સરળ કામ નથી. ભારતમાં રાજકારણ ચોવીસ કલાકની પ્રવૃત્તિ છે. ખૂબ મહેનત કરવી પડે છે, પ્રવાસ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે, કાર્યકર્તાઓને સાચવવા પડે છે, ચિડાયા વિના કે મોઢું બગાડ્યા વિના લોકોને સાંભળવા પડે છે, અડધી રાતે લોકોની વચ્ચે જવું પડે છે. ટૂંકમાં ભારતમાં રાજકારણી અંગત સમય અને અંગત જીવન ધરાવતો નથી. જે કોઈ રાજકીય પક્ષોએ જગ્યા બનાવી છે તો તે સ્થાપનાના સમયે તેમ જ પ્રારંભનાં વર્ષોમાં તેના નેતાઓની વિચારનિષ્ઠા અને મહેનતનું પરિણામ છે. એ વાત જૂદી છે કે સમય જતા તેઓ ભટકી પડ્યા, સમાધાનો કરવા માંડ્યા, ભ્રષ્ટ થયા અને પરિવારવાદ પ્રવેશ્યો. સત્તા અને સ્વાર્થ માટે વિભાજનો થયાં અને આપણી નજરમાંથી ઊતરી ગયા.

ડૉ રામમનોહર લોહિયાએ જ્યારે ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવી ત્યારે તેમણે એવા રાજકીય નેતાઓને અને પક્ષોને એકઠા કર્યા હતા જેઓ બંધારણ કલ્પિત ભારતમાં પ્રવેશ મેળવવાની મનશા ધરાવતા હતા અને એ માટે આંદોલિત હતા. ટૂંકમાં હિન્દુત્વવાદી અને સામ્યવાદીઓને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો એકંદરે એક જ ગોત્રનાં પક્ષો હતા. એ ગોત્ર હતું બંધારણ કલ્પિત ભારત જેનું સિંચન વેદોથી લઈને વિનોબા સુધીના લોકોએ કર્યું છે. હમણાં કહ્યું એમ હિન્દુત્વવાદીઓને બંધારણ કલ્પિત ભારત સ્વીકાર્ય નહોતું, પરંતુ તેઓ લોકશાહીનિષ્ઠાનો સ્વાંગ સજીને લોહિયા(અને પછી જયપ્રકાશ નારાયણ)ના રાવણામાં જોડાઈ ગયા હતા અને એ રીતે પ્રતિષ્ઠા મેળવી હતી.

સંઘપરિવાર અને ભારતીય જનતા પક્ષની કલ્પનાનું ભારત સામેના છેડાનું છે. ૧૮૦ ડિગ્રી સામેના છેડાનું. તે સંપૂર્ણપણે આયાતી છે અને આપણી માટીમાં તેને ઉછેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનો મુકાબલો કરવો હશે (અને ભારતનાં અસ્તિત્વ માટે એ અનિવાર્ય છે) તો મતોના ગણિત દ્વારા નહીં થાય. વીતેલાં વર્ષોનું કાઁગ્રેસ વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતમાં સ્થાન મેળવવા માટેનું હતું અને અત્યારનું ભા.જ.પ. વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતને બચાવી લેવા માટેનું છે. ગેર કાઁગ્રેસવાદમાં પણ મતોનું ગણિતશાસ્ત્ર ખાસ સફળ નહોતું નીવડ્યું તો અત્યારે તો આપણી કલ્પનાના ભારતનાં અસ્તિત્વની જ લડાઈ છે. મોટી લડાઈ છે જે માત્ર વિપક્ષી એકતા દ્વારા જીતી શકાય એમ નથી.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. સમાજવાદીઓની આ ફિતરત છે. તેઓ બી.જે.પી.ને ખોળામાં બેસાડે, બી.જે.પી.ના ખોળામાં બેસે અને પાછા વિપક્ષી એકતા માટે પ્રયાસ પણ કરે. ડૉ રામમનોહર લોહિયાએ ૧૯૫૦ના દાયકામાં પક્ષ-બાંધણી કેમ કરાય અને લોકોની વચ્ચે કેમ જવાય અને રહેવાય એ વિષે જે માર્ગદર્શન આપ્યું હતું તેનું અનુસરણ તેમણે પોતે કર્યું હોત તો આજે દેશનો ઇતિહાસ જૂદો હોત. તેમણે એક પછી એક પરાજય પછી ધીરજ ગુમાવી દીધી હતી અને વિપક્ષી એકતાને નામે સમાધાનો કરવા માંડ્યા હતા અને એમાં એટલે સુધી હતાશ થઈ ગયા કે વિપરીત કૂળને પણ સ્થાન આપ્યું.

ભા.જ.પ.ની કલ્પનાના ભારતનું ગોત્ર અલગ છે. એનો મુકાબલો અતિ પ્રચલિત, અનેક વાર અજમાવાયેલ અને ભાગ્યે જ સફળ નીવડેલ વિપક્ષી એકતા દ્વારા શક્ય નથી. એનો મુકાબલો કેમ કરાય એનું રહસ્ય રાહુલ ગાંધીને જડી ગયું છે. એ શું છે એની વધુ ચર્ચા આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—200

દીપક મહેતા|Opinion - Opinion|10 June 2023

જ્યારે કોર્નવોલિસના પૂતળાની લોકો પૂજા કરતા

અસવાર વગરનો કાળો ઘોડો આજે ય ઊભો છે મુંબઈમાં 

અંગ્રેજ રાજવટ દરમ્યાન મુંબઈમાં પૂતળાં તો ઘણાં ઊભાં થયાં. પણ ‘દેશી’ લોકોના મનમાં આજ સુધી જેનો વાસ રહ્યો હોય એવું પૂતળું તે કિયું? પૂતળું હતું ત્યારે અને એ ખસેડાયું તે પછી પણ છેક આજ લગી એક આખો વિસ્તાર એ પૂતળાથી ઓળખાય છે : ‘કાળા ઘોડા’. અંગ્રેજ સરકાર માટે ઘોડો મહત્ત્વનો નહોતો, તેના પર બેઠેલો અસવાર મહત્ત્વનો હતો. પણ આપણા લોકોના મનમાં વસી ગયો તે કાળો ઘોડો, તેના પર આરૂઢ થયેલો અસવાર નહિ. પણ એ અસવાર હતો કોણ? પ્રિન્સ ઓફ વેલ્સ, જે પછીથી થયા હતા સાતમા કિંગ એડવર્ડ. જન્મ ૧૮૪૧માં, અવસાન ૧૯૧૦માં. ૧૮૧૯માં જન્મેલાં રાણી વિક્ટોરિયાનો શાસનકાળ ૧૯૦૧માં તેમના અવસાન સાથે પૂરો થયો. એટલે પ્રિન્સ ઓફ વેલ્સ છેક ૧૯૦૧માં રાજગાદી પર બેઠા હતા. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમનું અવસાન થયું.  આ પ્રિન્સ ઓફ વેલ્સે ૧૮૭૫ના નવેમ્બરની આઠમી તારીખે મુંબઈના એપોલો બંદર પર પગ મૂક્યો હતો. એ વખતે હજી આઉટ ડોર ફોટોગ્રાફી પ્રચલિત થઈ નહોતી એટલે રસાલામાં કેટલાક ચિતારા રાખવામાં આવેલા જેમણે શાહી મુલાકાતનાં અનેક ચિત્રો દોરેલાં. તેમાનું એક ચિત્ર અહીં મૂક્યું છે. મુંબઈમાં અને હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. પણ ૧૯૨૧માં તેમના અનુગામી (જે પછીથી આઠમા કિંગ એડવર્ડ બનેલા) મુંબઈ આવ્યા ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. કાઁગ્રેસે તેમની મુલાકાતનો બહિષ્કાર જાહેર કર્યો હતો એટલે મુંબઈના રસ્તાઓ પરથી તેમની શાહી સવારી નીકળી ત્યારે રસ્તા સૂમસામ હતા. સરકારી દબદબો તો કદાચ વધુ હતો, પણ લોકોની હાજરી સાવ પાંખી હતી.

મુંબઈના બારામાં પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન દર્શાવતું ચિત્ર

અને છતાં મુંબઈગરા લાંબા વખત સુધી પ્રિન્સને ભૂલ્યા નથી. લશ્કરી યુનિફોર્મમાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સનું ભવ્ય પૂતળું હાલના દાદાભાઈ નવરોજી રોડ, મહાત્મા ગાંધી રોડ, અને રામપાર્ટ રોના જંકશન પર, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે, મૂકવામાં આવ્યું હતું. આ પૂતળું હતું તો કાંસાનું, પણ તેને કાળા રંગે એવી રીતે રંગવામાં આવેલું કે તે જાણે કાળા આરસનું બનેલું હોય તેવું લાગતું હતું. ઓસ્ટ્રિયન મૂળના અંગ્રેજ શિલ્પકાર સર જોસેફ બોમે (૧૮૩૪-૧૮૯૦) આ પૂતળું તૈયાર કર્યું હતું. પૂતળાં બનાવવા ઉપરાંત તેઓ સિક્કા કે મેડલ પરની ડિઝાઈન બનાવવા માટે પણ ખૂબ જાણીતા હતા. ૧૮૮૭માં રાણી વિક્ટોરિયાની તાજપોષીને ૫૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડાયેલા સિક્કા માટે તેમણે તૈયાર કરેલી ડિઝાઈન સૌથી વધુ જાણીતી છે. લંડનમાં આ પૂતળું તૈયાર કરવાનો ખરચ ૧૨,૫૦૦ રૂપિયા (ના, જી, છાપભૂલ નથી, સાડા બાર હજાર રૂપિયા ફક્ત) આવ્યો હતો. ત્યાંથી હિન્દુસ્તાન લાવ્યા પછી ૧૮૭૯ના જૂનની ૨૯મી તારીખે મુંબઈના તે વખતના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે તેને ખુલ્લું મૂક્યું હતું.

અસલી કાળા ઘોડા પર આરૂઢ પ્રિન્સ ઓફ વેલ્સ

અને હા, આ સાડા બાર હજાર રૂપિયા બ્રિટિશ સરકારે નહોતા ખર્ચ્યા. પણ એ જમાનાના પ્રખ્યાત દાનવીર સર આલ્બર્ટ સાસૂને મુંબઈ શહેરને આ પૂતળું ભેટ આપ્યું હતું. આ સાસૂન કુટુંબ બગદાદી જ્યૂ હતું અને કપાસ અને અફીણના વેપારમાં માલેતુજાર થયું હતું. કાળા ઘોડા વિસ્તારમાં જ આવેલી મુંબઈની એક અગ્રણી લાઈબ્રેરી સર ડેવિડ સાસૂન લાઈબ્રેરી પણ તેની જ દેણ. કોલાબા વિસ્તારમાં આવેલ સાસૂન ડોક પણ તેમણે બંધાવેલો. પૂનાની સાસૂન જનરલ હોસ્પિટલ પણ આ કુટુંબની સખાવતનું પરિણામ. ભાયખલાનું મ્યુઝિયમ, ગેટ વે ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, મસીના હોસ્પિટલ વગેરે ઊભાં કરવામાં પણ તેમનો ફાળો.

આ કાળા ઘોડા વિસ્તાર એટલે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિનું કેન્દ્ર. મુંબઈની પહેલવહેલી કોલેજ એલ્ફિન્સ્ટન કોલેજ આજે અહીં આવેલી છે. ગોળાકાર મકાનમાં આવેલી એક વખતની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જેને ભોંય તળિયે આવેલો હતો જાજરમાન સર કાવસજી જહાંગીર હોલ. સંગીત, નૃત્ય, નાટકના પ્રયોગો આ હોલમાં થતા. પ્રવીણચંદ્ર રૂપારેલ સંચાલિત પ્રવૃત્તિ સંઘ દર વરસે આ જ હોલમાં કવિ સંમેલન/મુશાયરાનું આયોજન કરતો. તો સામી બાજુ મ્યુઝિયમ અને જહાંગીર આર્ટ ગેલેરી.

પણ ચડતી પછી પડતી. બીજાં બ્રિટિશ પૂતળાંની સાથે ‘કાળા ઘોડા’ને પણ એની જગ્યાએથી ઉખેડીને ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં ધકેલી દીધું. વિધિની વક્રતા તો જુઓ! બ્રિટિશ રાજવટ દરમ્યાન બંધાયું ત્યારે એનું નામ હતું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ. અને હવે રાણી વિક્ટોરિયાના આ અનુગામીને જગ્યા મળી એ જ મ્યુઝિયમની પાછળના કંપાઉંડમાં. પણ હવે આ પૂતળું એકલુ-અટૂલું નથી. બીજા ઘણા બ્રિટિશરોનાં પૂતળાં ત્યાં તેને કંપની આપી રહ્યાં છે. સત્તાવાળાઓ કાળા ઘોડાને તો તેની જગ્યાએથી ખસેડી શક્યા. પણ મુંબઈગરાના મનમાંથી ખસેડી શક્યા નહિ. આજ સુધી લોકોની જીભ પર રમતું નામ તે તો કાળા ઘોડા જ.

નવું પૂતળું : ઘોડો રહ્યો, અસવાર ગાયબ!

પછી શરૂ થયો કાળા ઘોડા આર્ટ ફેસ્ટિવલ. એણે પણ ચડતી-પડતી જોઈ, અદાલતોનાં પગથિયાં ઘસ્યાં. કેટલાકના મનમાં વિચાર ઘોળાવા લાગ્યો : આ આપણે  બધા ‘કાળા ઘોડા, કાળા  ઘોડા’ કરીએ છીએ પણ અહીં કાળો, ધોળો, કે બીજા કોઈ રંગનો ઘોડો તો છે જ નહિ. એને પાછો લાવવો જોઈએ. પણ અસલ પ્રિન્સ ઓફ વેલ્સવાળા ઘોડાને પાછો લાવવાનું તો નહોતું યોગ્ય, નહોતું શક્ય. એટલે અહીં અસવાર વગરના એક કાળા ઘોડાનું પૂતળું મૂકવાનું નક્કી થયું. અને ૨૦૧૭માં મૂળ પૂતળાની જગ્યાથી થોડે દૂર કાળા ઘોડાનું નવું પૂતળું મૂકવામાં આવ્યું. કાળા ઘોડા એસોસિયેશને તે માટેની જરૂરી રકમ ઊભી કરી. ૨૫ ફૂટ ઊંચું આ પૂતળું શિલ્પકાર શ્રીહરિ ભોસલેએ બનાવ્યું. અલબત્ત, કેટલાક લોકો માને અને કહે છે કે અસવાર વગરના ઘોડાનું પૂતળું મૂકવાનો કશો અર્થ નથી. કારણ જેના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું એ અસલ પૂતળું કાંઈ ઘોડાનું સ્મારક નહોતું. પ્રિન્સ ઓફ વેલ્સનું સ્મારક હતું. કાળા ઘોડાની સામે આવેલા મ્યુઝિયમ સાથે પ્રિન્સ ઓફ વેલ્સનું નામ જોડાયું હતું. બીજાં ઘણાં અંગ્રેજ નામોની જેમ આઝાદી પછી એ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય કરવામાં આવ્યું.

રાણી બાગમાં રાજકુમાર

***

“કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી. પણ કોટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં.” ગયા શનિવારે પ્રગટ થયેલા આ શબ્દો લખતી વખતે ખાતરી નહોતી, પહેલવહેલા પૂતળા અંગે. પણ જેમ માણસ ખરજવું ખણ્યા કરે તેમ આવી વાતોનું સમાધાન ન થાય ત્યાં સુધી મન તેને વલૂર્યા કરે. અને હકીકત ખાતરીપૂર્વક જાણવા મળે પછી જ જીવને ટાઢક થાય. આ રીતે જાણવા મળેલી થોડી વાતો : કોર્નવોલિસનું પૂતળું બનાવવાનો ખરચ એ જમાનામાં પાંચ હજાર પાઉન્ડ જેટલો આવ્યો હતો. જો કે હકીકતમાં એક નહિ, પણ પૂતળાં ત્રણ હતાં! એક કોર્નવોલિસનું, તેની બંને બાજુએ એક-એક પૂતળું – એક વિઝડમ કહેતાં ડહાપણનું, બીજું ઇન્ટગ્રિટી કહેતાં વફાદારીનું. કેટલાંક વરસ ગોદામની હવા ખાધી. ૧૮૨૪ના ઓક્ટોબરની ૧૪મી તારીખે આ પૂતળાંને કોટન ગ્રીન ખાતે ઊભાં કરવાનું કામ શરૂ થયું. એ કામ ક્યારે પૂરું થયું એ તો હજી નથી જણાયું. પણ જેવું આ પૂતળું ખુલ્લું મૂકાયું કે તરત એક સાવ અણધારી બાબત બની. સવાર-સાંજ લોકો આ પૂતળાનાં દર્શન કરવા આવવા લાગ્યા. કોઈ દીવા-અગરવાટ કરે, કોઈ હાર પહેરાવે, અરે કોઈ તો ચંદન કે સિંદુરનો લેપ પણ કરે! કારણ મુંબઈના એ વખતના લોકો દેવ-દેવીની મૂર્તિપૂજાથી ટેવાયેલા. પણ આવા હાડચામના માનવીનાં પૂતળાંથી ટેવાયેલા નહિ. ચોંકેલા સત્તાવાળાઓએ પહેલાં તો આવું કશું જ ન કરવું એમ જણાવતું પાટિયું મરાઠી અને ગુજરાતીમાં લગાડ્યું. પણ વાંચે કોણ? અને એ વખતે વાંચી-લખી શકતા હતાય કેટલા? એટલે પછી ત્યાં ચોકીદાર બેસાડ્યો જે આવી ‘પૂજા’થી પૂતળાનું રક્ષણ કરતો! તો ય ઘણા વખત સુધી લોકો થોડે દૂર ઊભા રહીને હાથ જોડતા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા!

બીજી એક વાત : પૂતળાં કે તૈલચિત્રો અંગે હૂંસાતૂસી આજે જ થાય છે એવું નથી. અંગ્રેજોનાં પૂતળાં કે તૈલ ચિત્રો અંગે અંગ્રેજોમાં પણ થતી. જોન પીટર ગ્રાન્ટ (૧૭૭૪-૧૮૪૮) ૧૮૧૨થી ૧૮૨૬ સુધી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. તે પછી ૧૮૨૭થી ૧૮૩૦ સુધી તેઓ મુંબઈની ‘સુપ્રિમ કોર્ટ’માં જજ હતા. તેમણે મુંબઈ છોડ્યું તે પછી અદાલતમાં તેમનું તૈલચિત્ર મૂકવાનું નક્કી થયું. એ ચિત્ર તૈયાર થઈને ૧૮૩૩ના ડિસેમ્બરની ત્રીજી તારીખે મુંબઈ આવ્યું. પણ એ વખતના ચીફ જસ્ટિસ સર હર્બર્ટ કોમ્પટને એ ચિત્ર અદાલતમાં ક્યાં ય પણ મૂકવાની મંજૂરી ન આપી. હવે? નાખો ગોડાઉનમાં. છેક ૧૮૯૨માં સર ચાર્લ્સ સારજન્ટ ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે પોતાની બેઠકની બરાબર સામે એ ચિત્ર મૂકાવ્યું! તો જેમના પરથી ‘કર્નાક બંદર’ નામ પડ્યું એ સર જેમ્સ કર્નાકનું પૂતળું ૧૮૪૬માં મુંબઈ આવ્યું. પેકિંગ પણ ખોલ્યા વગર તેને ટાઉન હોલ ધક્કેલી દેવામાં આવ્યું. ત્યાં દાદરની નીચે એ ખોખું પૂરાં છ વરસ પડ્યું રહ્યું! પણ પછી સફાઈ કરતી વખતે ‘અકસ્માત’ તેની ભાળ મળી! આના પરથી એક વાત સાબિત થાય છે : જેમ કાગડા બધે કાળા તેમ સરકારી ગતિ બધે ગોકળ ગાયની!

***

પ્રિય વાચક : ૨૦૧૯ના જુલાઈની ૧૩મી તારીખે શરૂ થયેલી મુંબઈની આપણી સહિયારી સફરનું આજે આ ૨૦૦મું પગલું છે. આ સફરમાં સતત સાથ આપનાર સૌ વાચક-મિત્રોનો આભારી છું. ‘ગુજરાતી મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને તેમના સાથીઓના સાથ-સહકાર વગર આ સફર શક્ય જ ન બની હોત. એટલે તેમનો સવિશેષ આભારી છું. અને આજે આ ૨૦૦મો હપ્તો પૂરો કરતી વખતે મનમાં એક ગીતના શબ્દો ગુંજી રહ્યા છે : 

‘થંભો ના, હે ચરણ ચલો.’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 10 જૂન 2023 

Loading

...102030...1,1421,1431,1441,145...1,1501,1601,170...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved