Opinion Magazine
Number of visits: 9458255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા : યાત્રાકરી 

દીપક મહેતા|Opinion - Literature|13 January 2023

દીપક મહેતા

અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રકારો એવા છે કે જેનું પગેરું શોધતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય સુધી પહોંચી શકાય. પણ નવલકથાની બાબતમાં આમ કરવું શક્ય નથી. અંગ્રેજી સાહિત્યના પરિચય પછી જ અને એ જમાનાના અગ્રણી અંગ્રેજ નવલકથાકારોની કૃતિઓને આદર્શ તરીકે નજર સામે રાખીને જ આ પ્રકાર આપણે ત્યાં ખેડાયો. આપણને અંગ્રેજી સાહિત્યનો પરિચય થયો ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં શરૂ થયેલ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે. નવલકથાના આવિર્ભાવને અનુકૂળ બીજું પરિબળ તે મુદ્રણની સગવડ. કેવળ કંઠ પરંપરા કે હસ્તપ્રતોને આધારે જીવવાનું નવલકથાને સદે નહિ. ૧૮મી સદીના છેલ્લા દસકા દરમ્યાન ગુજરાતી મુદ્રણની શરૂઆત તો થઈ ગઈ હતી. અને બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં થઈ ચૂકી હતી. છતાં આપણી પહેલી નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ છેક ૧૮૬૬માં. એમ કેમ?

અર્વાચીન ગુજરાતી પદ્ય અને ગદ્યના વિકાસક્રમ વચ્ચે રહેલો તફાવત કદાચ આ માટે જવાબદાર છે. અર્વાચીન પદ્યની બાબતમાં પહેલાં મૌલિક રચનાઓ અને પછી અંગ્રેજી તથા બીજી ભાષાઓમાંથી અનુવાદ, એવો ક્રમ જોવા મળે છે. જ્યારે ગદ્યની બાબતમાં પહેલાં અનુવાદ અને પછી મૌલિક લેખન એવો ક્રમ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ કે સાહિત્યિક ગદ્યનું માધ્યમ આપણે માટે નવું હતું. પદ્યની જેવી લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, એવી પરંપરા ગદ્યની આપણી પાસે નહિ. પણ નવલકથાની બાબતમાં તો અનુવાદ પણ ભાગ્યે જ જોવા મળે, ૧૮૬૬ પહેલાં પ્રગટ થયેલા.

અને જે પ્રગટ થયેલા તેના તરફ આપણે ધ્યાન જ નથી આપ્યું. છેક ૧૮૪૪માં એક અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ સુરતથી પ્રગટ થયેલો. એનું નામ ‘યાત્રાકરી.’ જેમ્સ બનિયનની પ્રખ્યાત કૃતિ ‘ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો એ અનુવાદ રેવરન્ડ ફાધર વિલિયમ ફલાવરે કરેલો. આજના ગુજરાત રાજ્યમાં પહેલવહેલું મૂવેબલ ટાઈપ વાપરતું છાપખાનું લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરંડ જેમ્સ સ્કિનર અને રેવરંડ વિલિયમ ફાઈવીએ ૧૮૨૦માં શરૂ કર્યું, જે પછીથી લંડન મિશનરી પ્રેસ તરીકે ઓળખાયું. બાઈબલના ન્યૂ ટેસ્ટમેન્ટનો ગુજરાતી અનુવાદ કરીને એ બંનેએ આ પ્રેસમાં છાપીને ૧૮૨૧ના જુલાઈમાં પ્રગટ કર્યો. ૧૮૩૯માં આ જ સોસાયટીના રેવરંડ વિલિયમ ફ્લાવર સુરતમાં સ્થાયી થઈ ચૂક્યા હતા. અને તેમણે કરેલો અનુવાદ ‘યાત્રાકરી’ એ જ સુરત મિશન પ્રેસમાં છપાઈને ૧૮૪૪માં પ્રગટ થયેલો. તેની બીજી આવૃત્તિ એ જ પ્રેસમાં છપાઈને ૧૮૭૭માં પ્રગટ થઈ હતી.

યાત્રાકરીનું ગદ્ય નર્મદ અને દલપતરામના ગદ્ય પહેલાંનું છે. જેની માતૃભાષા ગુજરાતી નથી તેવા એક અંગ્રેજનું છે. છતાં પ્રમાણમાં સારું એવું સફાઈદાર છે. કથાની શરૂઆતનો પહેલો ફકરો જોઈએ. (હવે પછી બધાં અવતરણોમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

હું આ જંગલરૂપ દુનિયામાં ફરતે ફરતે એક જગ્યાએ જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફા હતી, તેમાં હું સૂઈ ગયો. હું ઉંઘતો હતો એટલામાં મને સમણું આવ્યું. તે સમણામાં ફાટાંતુટાં લૂગડાં પહેરેલો માણસ એક જગ્યામાં ઉભેલો જોયો. તેનું મ્હોં પોતાના ઘરની ગમથી અવળું હતું, તેના હાથમાં પુસ્તક હતું, ને તેની પીઠ પર એક મોટો બોજ હતો. મેં તેને પુસ્તક ઉઘાડીને વાંચતાં જોયો. વાંચતાં વાંચતાં તે રડતો ને ધ્રુજતો હતો, પછી દુઃખ ન દાબી શકાયાથી તેણે મોટે ઘાંટે વિલાપ કરી કહ્યું, કે ‘હું શુ કરૂં?’

અહી નોંધાવા જેવી પહેલી વાત એ કે ભાષા ક્યાં ય તરજુમિયા કે અંગ્રેજીગંધી નથી લાગતી. બીજી વાત તે ભાષાની પ્રવાહિતા અને સરળતા. ત્રીજી વાત તે સમણું, લૂગડાં (કપડાંને બદલે), ગમથી, ઘાંટે, જેવા સુરત બાજુ બોલચાલમાં વપરાતા શબ્દોનો ઉપયોગ. ચોથી, એ વખતે પણ ‘દુઃખ’માં વિસર્ગનો ઉપયોગ. એટલે કે અનુવાદકને સંસ્કૃત વ્યાકરણથી પ્રભાવિત ‘શુદ્ધ’ ગુજરાતીનો પણ પરિચય હશે. આથી જ કથાના ખંડો માટેના મૂળમાંના ‘સ્ટેજ’ માટે તેમણે ‘અધ્યાય’ શબ્દનો પ્રયોગ કર્યો છે.

મૂળ કૃતિનો સારો એવો ભાગ સંવાદાત્મક છે, એટલે જોઈએ એક સંવાદનો ભાગ, પંદરમા ‘અધ્યાય’માંના આશાવાદ અને ખ્રિસ્તી વચ્ચેના સંવાદમાંથી.

ખ્રીસ્તી : આપણે ભૂલા પડીશું એવું પહેલાંથી કોને સૂઝત?

આશા : પહેલાં હું એ રસ્તે આવતાં બીધો, માટે મેં તમને થોડા ચેતાવ્યા. તમે મારા કરતાં વત્તી ઉમરના છો, નહિ તો હું ખુલ્લું કહેત.

ખ્રીસ્તી : ભલા ભાઈ, તમે નાખૂશ ન થાઓ. મારા કહેવાથી તમે આ રસ્તે આવ્યા ને એવા ભયમાં પડ્યા, માટે હું દિલગીર છુ. મારા ભાઈ, મને માફ કરો. મેં જાણી જોઇને એવું કીધું નથી.

આશા : મારા ભાઈ, ધીરજ રાખો. હું તમને માફ કરું છુ. મને ભરોસો છે કે એમાંથી આપણે ફાયદો થશે.

ખ્રીસ્તી : મારી સાથે દયાળુ ભાઈ છે, એથી હું ખૂશી છું, પણ હ્યાં આપણે ઊભા તો ન રહેવું. આપણે પાછા જવાનું યત્ન કરીયે. 

નોંધાવા જેવી વાતો : સંવાદમાં બોલચાલની વાક્છટા. ‘મોટી ઉંમર’ને બદલે ‘વત્તી ઉમર.’ ‘કર્યું’ ને બદલે ‘કીધું’. યાતના અને વિઘ્ન જેવા સંસ્કૃત શબ્દોનો પણ ઉપયોગ. ‘યત્ન’નો નાન્યતર જાતિમાં પ્રયોગ પણ ધ્યાન ખેંચે.

મૂળના પદ્યોનો અનુવાદકે અહીં પદ્યાત્મક અનુવાદ કર્યો છે. છઠ્ઠા અધ્યાયમાંથી એક નમૂનો :

પાતક પીડાએ લાદેલો, હું આવ્યો આ ઠામ,

તાં લગ કોપણ રીત થકી તો, નો’તું સુખનું નામ.

ધન ધન આ તો ઠાંમ ગણું છું, સુખનો અહિં આરંભ.

મજ શિર પરથી બોજ ગયો છે, તરત, – વિના જ વિલંબ.

જે બંધનથી હું બાંધેલો, તે અહિં છૂટી જાય,

મજ બેડીનાં ભારે દુઃખો, દૂર બધાં તો થાય.

અહીં નોંધપાત્ર છે લયની પ્રવાહિતા અને અંત્યાનુપ્રાસ મેળવવાનો સભાન પ્રયત્ન. ૧૮૪૫માં લખાયેલા દલપતરામના કાવ્ય ‘બાપાની પીપર’ પહેલાનું આ પદ્ય છે. અને તેમાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની છાંટ ભાગ્યે જ જોવા મળે છે. એટલે યાત્રાકરીનું ગદ્ય તેમ જ પદ્ય, ભલે મૌલિક ન હોય, પણ નર્મદ અને દલપતરામનું પુરોગામી ઠરે તેમ છે.

આ લખનારને યાત્રાકરી’ની ૧૮૭૭ની બીજી આવૃત્તિની નકલ જોવા મળેલી, અને આખા પુસ્તકની ઝેરોક્સ નકલ પણ મેળવી શકાઈ. તેમાં પહેલી આવૃત્તિ ક્યારે પ્રગટ થયેલી તે છાપ્યું નથી. તો પછી ૧૮૪૪ની સાલ ક્યાંથી આવી? ૧૯મી સદીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકો અંગેની ખાતરીભરી માહિતી મેળવવાનું એક સાધન છે જે.એમ. બ્લમહાર્ટની લંડનથી પ્રગટ થયેલી પુસ્તક-સૂચિઓ. તેઓ લંડનની યુનિવર્સિટી કોલેજમાં હિન્દુસ્તાની (ઉર્દૂ), હિન્દી અને બંગાળીના અધ્યાપક હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે બંગાળી શીખવતા હતા. અગાઉ પ્રગટ થયેલી સૂચિઓ ઉપરાંત ૧૯૦૮માં તેમની એક સૂચિ Catalogue of the Library of the India Office પ્રગટ થઈ. તેના ખંડ ૨, ભાગ ૫માં મરાઠી અને ગુજરાતી પુસ્તકો નોંધાયાં છે. આ સૂચિના ૨૫૨મા પાને ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસના આ અનુવાદની ૧૮૪૪ અને ૧૮૭૭ની, એમ બંને આવૃત્તિ નોંધાઈ છે. ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરીના સંગ્રહમાંનાં પુસ્તકો જોઇને આ સૂચિ બનાવાઈ છે, દ્વૈતિયીક સાધનોને આધારે નહિ. એટલે તેના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય તેમ છે. એટલે ૧૮૬૬માં આપણી ભાષાની પહેલી નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ તે પહેલાં બાર વરસે આ અનુવાદિત નવલકથા પ્રગટ થઈ હતી. પાદરીઓ, પરદેશીઓ, અને પારસીઓએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તેની આપણા સાહિત્યનાં વિવેચન અને ઇતિહાસ લખનારાઓએ લગભગ અવગણના કરી છે. એટલે આપણી ભાષાની આ પહેલી અનૂદિત નવલકથા તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

Email: deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; ડિસેમ્બર 2022 

Loading

આત્મકથા ‘From Servitude To Freedom’ યાને ‘ગુલામીથી આઝાદી તરફ’

નટુભાઈ પરમાર|Opinion - Opinion|13 January 2023

વેનકુવર-કેનેડામાં રહેતા ૧૦૨ વર્ષીય પંજાબી દલિત ખુશીરામના આત્મચરિત્ર ‘From Servitude To Freedom’નો મેં ટોરન્ટો-કેનેડાથી લખેલ અને અમદાવાદથી પ્રકાશિત ‘દિશા’ પત્રિકામાં પ્રકાશિત થયેલ અવલોકન લેખ આપને તસવીરો સાથે મોકલું છું. આભાર.

— નટુભાઈ પરમાર

●

:: પુસ્તક પરિચય ::

● એક સમયે ભારતમાં ઉચ્ચ અધિકારી ને હવે કેનેડા વસતા ૧૦૨ વર્ષીય પંજાબી દલિત ખુશીરામે ૯૦ની ઉમરે  લખેલી આત્મકથા અનોખી છે

………………………………………..

● મરી ગયા પછી પોતાનો મૃતદેહ માતૃભૂમિ ભારતને નહીં પણ કેનેડાની યુનિવર્સિટીને સંશોધન માટે સોંપી દેવાનું ખુશી રામે વીલ કર્યું છે !

………………………………………..

● ડૉ. બાબાસાહેબની હયાતીમાં તેમણે સ્થાપેલ સંગઠનના હોદ્દેદાર રહ્યા છે ખુશી રામ : સાથે હતા નાનકચંદ રત્તુ પણ

…………………………………….

● અસમાનતાની ભૂમિ ભારતમાં આયખાનાં ૯૦ વર્ષ ગુજારનાર ખુશીરામને કેનેડા સમાનતાનું સ્વર્ગ જણાય છે !

દશમી ડિસેમ્બર ૨૦૨૨એ હું અહીં ટોરન્ટો (કેનેડા) મારા દીકરાને ત્યાં આવ્યો, એના ત્રીજા જ દિવસે, કેનેડાના વેનકુવર શહેરથી એક ફોન મારા મોબાઇલ પર રણક્યો, એ હતો મુંબઈનિવાસી પણ હાલ મારી જેમ તેમના દીકરા પાસે કેનેડા આવેલા વાલજીભાઈ વિરાસનો ! અને એમને આ રેફરન્સ આપેલો ‘દિશા’ તંત્રી મિત્ર મૂળજીભાઈ ખુમાણે !

ઔપચારિક વાત પછી તરત વાલજીભાઈએ ત્યાં વેનકુવરમાં એમના ઘરે, એમની સાથે એક સોફા પર બેઠેલા ૧૦૨ વર્ષીય પંજાબી દલિતબંધુ-વડીલ ખુશીરામ સાથેની તસવીર મને વોટ્સએપ કરીને, ખુશીરામ અને એમના આ આત્મકથનાત્મક પુસ્તક ‘From Servitude To Freedom (Autobiographical & Philosophical Reflaction)’નો સંદર્ભ આપીને, અહીં ફુરસદના સમયમાં તેના પર લખવા મને આગ્રહ કર્યો.

તદઅનુસંધાને મેં જે કંઈ લખ્યું તે આ –  જે આપ વાંચી રહ્યા છો.

આ પુસ્તક ખુશીરામની માતૃભાષા પંજાબીમાં તો છે જ, તે મરાઠી ભાષામાં પણ ”पराधीनतेकडून स्वाधीनतेकडे’ (અનુવાદ : ડૉ.માધુરી સુટે) શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યારે નેહરુ કેબિનેટમાં પ્રથમ કાયદા મંત્રી હતા ત્યારે – તે જ અરસામાં તા. ૧૫\૦૯\૧૯૪૮ના રોજ ખુશીરામ UPSC(ભારત સરકાર)માં આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા અને ત્યાં જ છેક ડેપ્યુટી સેક્રેટરી સુધી પહોંચી ૧૯૭૯માં નિવૃત્ત થયેલા.

નિવૃત્તિ પછી પણ તેઓએ SBIના ભરતી બોર્ડના સદસ્ય અને આંન્ધ્રા બેન્કના ડાયરેક્ટર પદે પણ પ્રશસ્ય સેવાઓ બજાવેલી. પ્રતિનિયુક્તિ સેવાઓના ભાગ રૂપે ભારત સરકારના SC/ST કમિશનમાં પણ તેઓએ નોંધપાત્ર સેવાઓ આપી. UPSCની નોકરી માટે ખોટા જાતિ પ્રમાણપત્રો રજૂ કરનારાને શોધી કાઢી, તેમણે નિયમોમાં ઘણા ફેરફાર કરાવ્યા હતા. દિલ્હીમાં લાંબો સમય રહીને અનેક દલિતબંધુઓની આંગળી ઝાલીને – તેમને નોકરી અપાવીને – તેમને આર્થિક રીતે મજબૂત બનાવીને ‘Pay back to the society’ના સિદ્ધાંતને ખુશીરામે ખરા અર્થમાં ચરિતાર્થ કરેલો.

દિલ્હીમાં ડૉ. આંબેડકર ભારત સરકારમાં કાયદા મંત્રી હતા ત્યારે તેમણે ‘દિલ્હી શિડ્યૂલ્ડ કાસ્ટ વેલફેર એસોસિયેશન’ની સ્થાપના કરી હતી અને સરકારે દિલ્હીમાં ફાળવેલ એક સ્થળે તેની ઓફિસ કાર્યરત હતી. ખુશીરામ લખે છે કે, ૧૯૪૫માં સરકારમાં ભરતી પામેલા મોટા ભાગના પંજાબી વાલ્મીકિ અને ચમાર કર્મચારીઓ તેના સભ્યો હતા. આ સંગઠનના ખુશીરામ પણ સભ્ય બન્યા ને તેના મહા મંત્રી પણ નિમાયા ત્યારે નાનકચંદ રત્તુ (જેઓ પાછલા દિવસોમાં ડૉ. બાબાસાહેબના અંતેવાસી બની રહ્યા) પણ તેમના સાથીદાર હતા. ખુશીરામના કાર્યકાળમાં જ આ સંગઠનને સરકારી માન્યતા મળી. આ સંગઠન ડૉ. આંબેડકરના જન્મદિન અને ગુરુ રવિદાસની જન્મજયંતીની હંમેશાં વિશિષ્ટ ઉજવણી કરતું.

દળદાર દલિત આત્મચરિત્રો તો આપણે ઘણાં વાંચ્યાં છે કિન્તુ આ લેખક તો માત્ર ૬૩ (ત્રેસઠ) પાનાંના તેમના આત્મકથાનકમાં, અસ્પૃશ્યતાના પારાવાર ડંખોથી છેદાયેલા એક આખા જીવનનો ચિતાર આપણી સમક્ષ તાદ્દશ કરી દે છે. તેઓ લખે છે ૯૦ની ઉંમરે જ્યારે મેં આત્મકથા લખવાનું શરૂ કર્યું ત્યારે મારા ગામમાં મારી ઉંમરનું કોઈ બચ્યું જ નહોતું !

કહેવું જોઈએ કે ખુશીરામે એમની માતૃભાષા પંજાબીમાં લખેલી આત્મકથા અને એ પરથી મરાઠીમાં અનુવાદિત થયેલ આત્મકથા પ્રમાણમાં વિસ્તૃત અને વધારે પાનાંમાં ફેલાયેલી છે કિન્તુ એની અંગ્રેજી આવૃત્તિ પ્રમાણમાં  Compact અને સંક્ષિપ્ત કરેલી જણાય છે. મરાઠી કે પંજાબી વાંચવી મારા બસની વાત ન હોય, મેં અંગ્રેજી આવૃત્તિના સહારે આ લેખ લખેલ છે.

ટૂંકમાં લખવું ને સચોટ-સટીક લખવું એ ખરેખર જ એક આવડત ને સિદ્ધિ કહેવાય. ખુશીરામની આ આત્મકથા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

૧૦(દશ) પ્રકરણોમાં અવિભાજીત ભારતના પંજાબના (તે સમયે હુશૈનાબાદ જિલ્લાના) સૈનાબાદ-જલંધરમાં ૧૯૨૧માં જન્મેલા ખુશીરામે બાળપણ, પ્રાથમિક – ઉચ્ચતર શિક્ષણ, કોલેજના દિવસો, સરકારી સેવાની સુદીર્ઘ કારકિર્દી, જાહેરજીવનની પ્રવૃત્તિઓ, ભારતના ભાગલા, બાબાસાહેબના સાંનિધ્યમાં મળેલ સમાજસેવાની તક, સમાજ માટે કંઈક કરી છૂટવાના તેમના પ્રયાસો, જીવનના ખરાબ તબક્કા ને દરેક તબક્કે થયેલા જાતિવાદના અનુભવો આલેખ્યા છે.

જીવનની પાછલી સંધ્યાએ આજીવન અસ્પૃશ્યતાના કારમા ડંખ દેનારી માતૃભૂમિ ભારતને કાયમ માટે તિલાંજલિ આપીને, (લેખકના શબ્દોમાં જાતિવાદી ભેદભાવ વિનાના) કેનેડાના સ્વર્ગમાં એક નવા જીવનને – એક નવી ઓળખ સાથે – પામવાના પ્રયાસને લેખક અત્યંત ઓછા ને સાવ જ સંયમિત શબ્દોમાં જે રીતે રજૂ કરે છે, તે આત્મચરિત્ર લખવાનું વિચારનારા ભાવિ લેખકોને માર્ગદર્શન રૂપ પુરવાર થાય તેમ છે.

૯૦ વર્ષ સુધીની સુદીર્ઘ જીવનયાત્રામાં આવેલા અનેક મુકામોને લેખકે અહીં જીવનના એકથી વધુ ટર્નિંગ પોઇન્ટ તરીકે આલેખ્યા છે. પિતાને મજૂરી કામમાં મદદ કરનાર બાળક ખુશીરામને કાકા જીદ કરીને પ્રાથમિક શાળાના પાંચમા ધોરણમાં મૂકી આવ્યા તેને પ્રથમ ટર્નિંગ પોઈન્ટ, વર્નાક્યુલર ફાઈનલમાં ઉચ્ચ ક્રમાંકે પાસ થનાર ખુશીરામને ગામના શિક્ષક ધરમસિંહ ખાલસાએ હાઈસ્કૂલમાં  પ્રવેશ અપાવ્યો તેને બીજા ટર્નિંગ પોઇન્ટ અને મેટ્રિકમાં ૭૦ % મેળવનાર ખુશીરામને પોતાના ઘેર રાખી જલંધર કોલેજમાં પ્રવેશ અપાવનાર શિક્ષકની માનવીયતાને ત્રીજા ટર્નિંગ પોઈન્ટ તરીકે ઓળખાવે છે.

બી.એ. પાસ થયા નોકરી મેળવવા લાહોર ગયા પણ ભારત-પાકિસ્તાન વિભાજનની હવા વચ્ચે પરત આવ્યા ને તે પછી વતનના ગામમાં જ શિક્ષક તરીકે જોડાઈને સમાજના દલિતબંધુઓના ઉત્થાન અને જાગૃતિ માટે પ્રયત્નશીલ થયેલા ખુશીરામને, ‘તમને હરિજનોના ઉદ્ધાર માટે અમે નથી રાખ્યા’ એમ કહી સ્કૂલ બોર્ડે શિક્ષક પદેથી બરતરફ કર્યા તેને ચોથા ને એમણે નોકરી માટે દિલ્હીની વાટ પકડવી પડી તેને જીવનના પાંચમા ટર્નિંગ પોઈન્ટ તરીકે ઓળખાવતા ખુશીરામના જીવનનો અંતિમ ટર્નિંગ પોઈન્ટ તે તેમનું ભારત છોડીને કાયમ માટે કેનેડા જઈ વસવું અને ૧૦૨ની આયુએ અડીખમ રહી અહીં શ્વસવું  !

આત્મચરિત્રમાં ખુશીરામ થોડા શબ્દોમાં પણ ઘણું જ કહી ગયા છે. પિતા ધન્નારામ કેવા હતા ? તો લેખક લખે છે : ‘સુદઢ બાંધો. ગોરું શરીર. કોઈ ગ્રીક નાયક જેવું એમનું વ્યક્તિત્વ. સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન હતા અને એ માટે જ એ વધુ મહેનત કરતા – એક સાથે બે જણનું કામ કરી લે એવા પડછંદ હતા. આર્મીમાં હોત તો નામ મેળવતા. ૮૪ની ઉમરે મારા દિલ્હીના ઘરમાં તેમણે દેહ છોડ્યો.’

વતનનું ગામ સૈનાબાદ કેવું હતું ? તો ખુશીરામ જણાવે છે : ‘નાનકડા સૈનાબાદમાં ૧૦૦ ઘર જાટ જાતિના હતા, ગામની બધી જમીન એમને હસ્તક હતી. ૨૫ દલિતો(ચમાર-રામદાસિયા-વાલ્મીકિ)ના ઘર, બે મુસ્લિમ ગુજ્જરોના ઘર, બે મુસ્લિમ મોચીના ઘર, એક મુસ્લિમ મેરાશીનું ઘર, પાંચ શીખ સુથારોના ઘર, એક ભિસ્તીનું ઘર અને ત્રણ બ્રાહ્મણોના ઘર હતા ! જમીનમાં વધુ ભાગલા ન પડે માટે જાટ પરિવારમાંથી કોઈ એક જ પરણતો ને બાકીના વાંઢા રહેતા ! પણ આજે કોઈ ત્યાં નથી. મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા છે ને બાકીના બધા વિદેશ વસી ગયા છે.’

ખુશીરામ લખે છે, ઘર નામે અમારે માત્ર દોઢ રૂમ હતો. દલિતો વણવાનું, ચામડાનું યા ખેતીનું કામ કરતા. ગામમાં બે-ત્રણ જ પાકા મકાનો હતા ને વાહન નામે ગામમાં આખી મળીને બે જ સાયકલો હતી ! નહેરુ કેબિનેટના પહેલા મંત્રી સ્વર્ણસિંહ પણ આ જ ગામના.

માતા જસ્સીએ બનાવેલી માટીની કોઠી જેમાં કપડાં સહિતની કિંમતી ચીજો સચવાતી, ત્યારના માટીનાં વાસણો, ત્યારનો ગામનો ગુરુદ્વાર જે મહિનાની પહેલી તારીખે જ ખુલતો ને ત્યાં ય દલિતોને લોકો પગરખાં ઉતારે ત્યાં જ બેસવાનું  લેખકને બરાબર યાદ છે.

બાળપણના એક પ્રસંગનો ઉલ્લેખ કરતા ખુશીરામ લખે છે, નાનો હતો ત્યારે હું ગામડેથી અમારા રિસ્તેદારને ત્યાંથી એક પપી-ગલૂડિયું લઈ આવેલો. તે એક જાટના છોકરાએ જીદ કરતાં, મારા પિતાએ ઊંચી જાતિ જાટના ભયે તે મારી પાસેથી છીનવીને જાટના છોકરાને દઈ દીધેલું. કિન્તુ એક દિવસ ફરતા ફરતા મારી પાસે આવેલા તે ગલુડિયાને હું છેક ત્રણ કિલોમીટર દૂર ગામડે ચાલીને ચૂપચાપ પાછું મૂકી આવેલો ને એમ મેં મારો બદલો લીધો હતો !

ભણવાના એ દિવસો ને વેઠવા પડેલા જાતિવાદી અપમાનોને યાદ કરતા ખુશીરામ લખે છે, પ્રાથમિક શાળામાં નોટ કે પેન્સિલ તો અમે જોઈ જ ન હતી, સ્લેટના ટૂકડા પર લખતા. ઊંચી જાતિના છોકરા કંતાન પર બેસતા ને અમે કોરી જમીન પર. શાળામાં પાણી તો હતું પણ કોઈ પાય તો જ અમારે પીવાનું રહેતું. શાળાનું ગ્રાઉન્ડ અમારે જ સાફ કરવાનું. ઘોડા પર આવતા શિક્ષકના ઘોડાનું ઘાસ પણ ખેતરોમાંથી અમારે જ માંગી લાવવાનું. ત્રીજામાં હતો ને મને પરણાવી દેવાયેલો !

આમ તો અમે હિન્દુ શીખ પણ ઘરમાં કયો ધર્મ પળાતો એની મને ખબર જ નહોતી પડતી ! માતા હિન્દુ-મુસ્લિમ બે ય ધર્મમાં માનતી ! સામાજિક પ્રસંગોએ કેટલાક શીખો પણ મુસ્લિમો જેવાં કપડાં પહેરીને પધારતા !

એક સમયે પોતાને ભણવા મોકલવાને બદલે મજૂરી કરાવીને પરિવારને મદદરૂપ થવાનો આગ્રહ રાખનારા પિતા, પોતે (ખુશીરામ) ચોથા ધોરણથી પરિવારના ને ગામના પત્રો વાંચતા થઈ ગયેલા એથી ખૂબ જ રાજી રહેતા. ખુશીરામ ભણવામાં એવા તો તેજસ્વી હતા કે હંમેશાં ઊંચા ગુણાંકે ઉત્તીર્ણ તો થયા જ, તેજસ્વી છાત્રોને મળવાપાત્ર સરકારી સ્કોલરશિપ પણ તેમને છેક કોલેજ અભ્યાસ સુધી મળતી રહી.

પંજાબના તે સમયના દલિત આગેવાન બાબુ મંગુ રામ અને ભારતના દલિત આગેવાન ડૉ. આંબેડકરનો નતમસ્તકે ઋણસ્વીકાર કરતા ખુશીરામ લખે છે, જો આ નેતાઓની છાયા ને એમનો પ્રભાવ ન હોત તો આજે ય વતનના કોઈ ખેતરમાં પોતે ઘાસ કાપતા હોત.

આજે તો કેનેડાના વેનકુવરમાં દીકરા-દીકરીઓ ને બહોળા પરિવાર સાથે અહીં વસી ગયેલા ને અહીંની આંબેડકરી-બૌદ્ધ-માનવ અધિકારની પ્રવૃત્તિઓ તેમ જ અન્ય સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય ખુશીરામના જીવનસંગિની ભાગવંતી જે હવે સદેહે નથી, એના એક માત્ર વસવસા સાથે ભેદભાવ વિનાની અને એમના મતે ‘સ્વર્ગ જેવી’ કેનેડાની ભૂમિ પર બાળકોનાં બાળકો સાથે સંતોષ અને આનંદનું જીવન જીવી રહ્યા છે.

ખુશીરામ લખે છે : ‘એક મારા પિતા હતા જે જીવનના સંઘર્ષ વચ્ચે મારું ધ્યાન પણ નહોતા રાખી શકતા, ત્યાં હવે મારાં બાળકોનાં બાળકો પળેપળ મારી દેખરેખ નીચે પૂરી સુખસુવિધા સાથે કેનેડાની ધરતી પર ઉછરી રહ્યા છે.’

ખુશીરામ  માટે  એક અર્થમાં આ જીવનના સંતોષનો સમય જો છે, તો સાથે જ જાતિવાદી અપમાનિત જીવનથી જોજનો દૂર પહોંચી તેનાથી છૂટકારાનો સમય પણ છે, જેના ખરા અર્થમાં  તેઓ અધિકારી છે.

આત્મકથાના પ્રકરણ-૨ હેઠળના નાના ભાગમાં પોતે અનેક સંઘર્ષો વચ્ચે જે મુકામ પર પહોંચ્યા ને આ કંટકભરી સફરે એમને જે શિખવ્યું એનો સંક્ષિપ્ત હિસાબ આપવાનો પ્રયાસ ખુશીરામે કર્યો છે તે પણ તેમના વ્યક્તિત્વનો પરિચાયક અને જિદંગી પ્રત્યેના તેમના અભિગમનો પરિચાયક બની રહે છે. અને તેથી જ તેઓ લખી શકે છે : ‘હું હિન્દુ-શીખ પરિવારમાં જન્મ્યો પણ તેનાથી મને અસંતોષ સિવાય કંઈ મળ્યું નથી, મારો ધર્મ માનવધર્મ છે.’

ખુશીરામ કેનેડા વસી તો રહ્યા છે ને અહીંના ગુરુદ્વારાઓમાં પ્રવેશ કરનારની જાતિ જાણવાને આતુર કેટલાક તત્ત્વોથી તેમની નફરત પણ બરકરાર છે. અહીં કેનેડામાં પણ અસ્તિત્વમાં આવી રહેલા રવિદાસીયાઓના અલગ-આગવા ગુરુદ્વારાઓથી પણ ખુશીરામ વ્યથિત છે.

વિશાળ ઘેરાવાવાળા એક જ દેશ કેનેડામાં આવેલા બે શહેરો ટોરેન્ટો અને વેનકુવર વચ્ચે વિમાન માર્ગે જ ચાર કલાક થાય છે ! અને ઉપરથી અહીંની કાતિલ ઠંડી ! અત: ખુશીરામને મળવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં, ફોન સંપર્ક સિવાય તેમને રૂબરૂ મળવાનો સંયોગ ન થયો એનો મને રંજ છે.

વિશેષ આભાર તો વાલજીભાઈ વિરાશનો કે જેઓએ વેનકુવરમાં એકથી વધુ વાર ખુશીરામ સાથે સંપર્ક કરી, મારી સાથે વીડિયોકોલથી તેમની વાત કરાવી, મેં લખેલ લખાણમાં કોઈ હકીકતદોષ નથી તેની ખાતરી, આ આખાય આલેખને ખુશીરામ સમક્ષ હિન્દીમાં રજૂ કરીને મને મેળવી આપી તે બદલ વાલજીભાઈનો દિલથી આભાર માનું છું.

ભારતભરમાં દલિતોની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પંજાબ છે ત્યારે અહીંના દલિત સમાજની જે તે કાળની સ્થિતિ પર આ આત્મકથા એક આધારભૂત દસ્તાવેજ છે.

ખુશીરામને અભિનંદન સાથે સારાં સ્વાસ્થ્યની શુભકામનાઓ.

૧૦૧ વર્ષીય આપણા ગુજરાતી દલિત સર્જક માન. બબલદાસ ચાવડા પાસે પણ શું આપણે આવા કોઈ આત્મચરિત્રાત્મક લખાણની અપેક્ષા રાખી શકીએ ?!

(હાલ : ટોરેન્ટો-કેનેડા; તા. ૨૦\૧૨\૨૦૨૨)

□□□

e.mail : natubhaip56@gmail.com

Loading

અસ્વસ્થ / અસરળ અનુવાદો

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|13 January 2023

રીટા કોઠારીનો પરિચય ગુજરાતી સાહિત્યપ્રેમીઓને આપવાની જરૂર નથી. તેઓ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી શકનારા, આંગળીને વેઢે ગણી શકાય એવા જૂજ અનુવાદકોમાંના એક છે. તેમણે જોસેફ મેકવાનની ‘આંગળિયાત’, મુનશીની ‘પાટણની પ્રભુતા’, ઈલા આરબ મહેતાની ‘વાડ’ જેવી ઘણી

રીટા કોઠારી

કૃતિઓના અંગ્રેજી અનુવાદ કર્યા છે. પણ આ પરિચય એક અધૂરો પરિચય છે.

ગુજરાતી સાહિત્યમાં ભલે એ અનુવાદક તરીકે ઓળખાય, પણ તેમનું કામ ભાષાશાસ્ત્ર, અનુવાદશાસ્ત્ર, માનવશાસ્ત્ર જેવા વિષયોમાં પણ એટલું જ મહત્ત્વનું લેખાય છે. તેમણે કચ્છમાં રહેતા સિંધી સમુદાયની, ભારત વિભાજન બાદ થયેલ વિસ્થાપન દ્વારા અનુભવાયેલી પીડા આલેખી છે, તો ભારતના અનેક ભક્તકવિઓ પર કામ ય કર્યું છે. અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચેના રાજકારણની વાત કરી છે, તો ભાષામાં વણાઈ ગયેલા અને રહેલા જાતિવાદી અને પિતૃસત્તાક તત્ત્વોની પણ ચર્ચા કરી છે. પોતે ગુજરાતી, સિંધી, અંગ્રેજી, હિન્દી, અને મરાઠી ભાષા જાણે છે. અનુવાદશાસ્ત્રના તો એ international authority ગણાય છે. તેમના લેખો/પુસ્તકો દેશ-વિદેશની કોલેજોમાં ભણાવાય છે. નહિ નહિ તો ત્રીસેક વર્ષથી એ અધ્યાપક તરીકે સક્રિય છે, દેશ-વિદેશની ઘણી યુનિવર્સિટીઝમાં તેમણે ભણાવ્યું છે. એક સ્કોલર, અનુવાદક અને શિક્ષક તરીકેની ત્રીસેક વર્ષની ઝગમગતી કારકિર્દી બાદ તેમણે એક પુસ્તક લખ્યું છે : “Uneasy translations : Self, experience and Indian literature”. તાજેતરમાં જ એ પ્રકાશિત થયું છે, અને મેં હમણાં જ પૂરું કર્યું. આજે એ પુસ્તકની થોડી વાત કરવી છે. 

“Uneasy”નો શબ્દકોશમાં અર્થ જોઈએ તો અર્થ થાય છે અ-સરળ. આ પુસ્તક અસરળ, કહો કે અઘરા અનુવાદો વિશે છે. આ શબ્દનો એક બીજો અર્થ પણ થાય છે : અસ્વસ્થ. અસ્વસ્થ અનુવાદો. પુસ્તકના શીર્ષકમાં આ બંને અર્થ અભિપ્રેત છે, કારણ કે રીટા કોઠારી જે અનુવાદોની વાત કરે છે એ ખાલી પુસ્તકોના અનુવાદોની નથી, પણ સ્વાનુભવને ભાષામાં જ્યારે વ્યક્ત કરીએ ત્યારે એ અનુભવના થતા અનુવાદની પણ વાત છે. શિક્ષણ, સંશોધન, અનુવાદ—આ ત્રિવિધ ધરી પર ફરતાં રીટા કોઠારીનાં ત્રીસ વર્ષના અનુભવોનો નીચોડ આ પુસ્તકમાં છે.

કોઈ પણ પુસ્તક એ કેવા સવાલો પૂછે છે એના થકી જ મહાન હોય છે. આ પુસ્તકમાં એવા અનેક સંકુલ, દાર્શનિક સવાલો પૂછાયા છે, ચર્ચાયા છે. દા.ત. ભાષામાં વ્યક્ત થવું એટલે શું? સૌ પહેલા આપણે કશુંક અનુભવીએ છીએ અને પછી એને ભાષા થકી સમજીએ છીએ, કે પછી ભાષા જ આપણા અનુભવને ઘડે છે? ધારો કે કોઈ ભાષાની linguistic range સીમિત છે અને કોઈ એક અનુભવને વ્યક્ત કરી શકવાની એ ભાષાની ક્ષમતા નથી, તો એ અનુભવનું શું કરવાનું? એને શું નામ આપવાનું? અને ખાસ તો, મૂળ ભાષામાં જ કોઈ અનુભવ સરખી રીતે વ્યક્ત ન થઈ શક્યો હોય ત્યારે એનો અનુવાદ કેમનો કરવો?

અનુભવ અને એ અનુભવને ભાષામાં વ્યક્ત કરવા જઈએ ત્યારે જે ચુકી જવાય છે ત્યાં કવિતા વાસ કરે છે. એ ચુકી જવાતી જગ્યા જ આ પુસ્તકનું મુખ્ય થીમ છે. એ ખાલી જગ્યાને કોઠારીએ અલગ અલગ દૃષ્ટિકોણથી માપી જોઈ છે. અનુભવને અને ભાષાને ચગડોળે ચડાવ્યા છે, હિન્દી, મરાઠી, ગુજરાતી, સિંધી અને અંગ્રેજી ભાષાઓમાંથી કૃતિઓ લઈને આ સવાલો સાહિત્યકૃતિઓ થકી ચકાસ્યા છે. ક્રાંતિકારી દલિત સાહિત્યકાર નીરવ પટેલની વાર્તા ‘ક્રિમી લેયર’નું વિશ્લેષણ વાર્તાના અનેક લેયર્સ ઉઘાડી આપે છે. વાત ખાલી દલિત અને સવર્ણ અનુભવ વચ્ચેના તફાવતની નથી, પણ ઉચ્ચ શિક્ષણ પામેલ અને શહેરમાં વસનાર દલિત વ્યક્તિ અને અશિક્ષિત, ગામડાંમાં રહેનાર દલિત વ્યક્તિ વચ્ચેના તફાવતની છે. અનુભવના તફાવતને વ્યક્ત કરવા ભાષા કેવી ટૂંકી પડે છે એ કોઠારી નીરવ પટેલની વાર્તા થકી દર્શાવે છે. 

તો રમેશ પારેખની અત્યંત જાણીતી ગઝલ “આમ અછતા ન થયા, આમ ઉઘાડા ન થયા”ના વિશ્લેષણથી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અલગ તાસીર આ ગઝલનો અનુવાદ કરતી વખતે કેવા સીધા ચઢાણ ચડાવે છે એની વાત કરી છે. રમેશ પારેખની આ ગઝલના દાર્શનિક, સામાજિક અને ભાષાકીય કાકુઓ કોઠારીએ એવા તો ઉઘાડી આપ્યા છે કે જે કોઈ પણ એમનું વિશ્લેષણ વાંચશે એને ર.પા.ની આ ગઝલ નવેસરથી જ જોવી પડશે. આવું આવું તો ઘણું છે પુસ્તકમાં. ભાષાપ્રેમીઓએ, સાહિત્યપ્રેમીઓએ, અનુવાદપ્રેમીઓએ આ જરૂર વાંચવું જોઈએ.

સૌજન્ય : અભિમન્યુ આચાર્યની ફેઇસબૂલ દીવાલેથી સાદર

Loading

...102030...1,1351,1361,1371,138...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved