Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દામિની : અન્યાયના અંધકાર પર ત્રાટકેલી વીજળી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 June 2023

રાજ ગોસ્વામી

આજકાલ મનોજ બાજપાઈ અભિનીત ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ ચર્ચામાં છે. ચર્ચાનું એક કારણ ખુદ બાજપાઈ છે, જેણે રાજસ્થાનની જોધપુર કોર્ટના એક વકીલ, પી.સી. સોલંકી, તરીકે દમદાર અભિનય કર્યો છે. બીજું કારણ કહાનીનો કોર્ટરૂમ ડ્રામા છે. આપણે ત્યાં થોડા વખતથી રિયાલિસ્ટિક ફિલ્મોમાં દર્શકો અને ફિલ્મ સર્જકોનો રસ વધ્યો છે, એટલે અસલી ઘટનાઓ પર ફિલ્મો બની રહી છે. સ્વાભાવિક રીતે જ, એના વિષયો ખૂન-બળાત્કારના સમાચારો આસપાસ ફરે છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં પણ વાર્તાનો વિષય આસારામ બાપુ સામે જાતીય શોષણના આરોપો અને કોર્ટમાં તેમને દોષી ઠેરવવાનો છે.

ખાસ તો, તેમાં કોર્ટરૂમની કાયદાકીય આંટીઘૂંટીઓને વાસ્તવિક રીતે રજૂ કરવાનો જે પ્રયાસ થયો છે તે દર્શકો માટે એક નવીન અનુભવ છે. બોલિવૂડમાં, કોર્ટરૂમ ડ્રામાવાળી ફિલ્મોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જેમ કે, 1960માં બલદેવ રાજ ચોપરાએ ‘કાનૂન’ ફિલ્મ બનાવી હતી. જેમાં એક એવા જજ(અશોક કુમાર)ની વાર્તા હતી, જે તેમની જ કોર્ટના વકીલ અને ભાવિ જમાઈ(રાજેન્દ્ર કુમાર)ની નજરમાં ખૂન કેસના સંદિગ્ધ આરોપી બની જાય છે.

ચોપરાના જ લઘુ બંધુ યશ ચોપરાએ 1965માં ‘વક્ત’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ આમ તો નાનપણમાં છૂટા પડી ગયેલા પરિવારની હતી, પણ તેનો અંત કોર્ટમાં હત્યાના એક ખટલામાં આવે છે. કાયદા આંધળો છે અને તેને કેવી રીતે સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી શકાય છે તેવા ઉત્તેજક વિષય સાથે 1983માં દક્ષિણના નિર્દેશક ટી. રામારાવે અમિતાભ, રજનીકાંત અને હેમા માલિનીની સાથે ‘અંધા કાનૂન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં અમિતાભનું અંતિમ કોર્ટરૂમ દૃશ્ય યાદગાર છે અને કંઇક અંશે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં બાજપાઈના અંતિમ કોર્ટરૂમ દૃશ્યની પ્રેરણા બન્યું હતું.

એ સંદર્ભમાં, 1993માં આવેલી રાજકુમાર સંતોષીની ‘દામિની’ ફિલ્મ તેના સાહસિક વિષય અને કોર્ટરૂમ ડ્રામાને લઈને સીમાચિન્હરૂપ છે. ‘દામિની’ નોંધપાત્ર ફિલ્મ એટલા માટે છે કારણ કે એક તરફ તેમાં બળાત્કારનો સામાજિક મુદ્દો હતો અને બીજી તરફ તેનું કાયદાકીય પાસું હતું. કરુણતા એ હતી એ બંને મોરચે પીડિતાની મદદગાર દામિની ગુપ્તા(મીનાક્ષી શેષાદ્રી)ને સહન કરવાનું આવે છે.

સમાજ-પરિવાર અને કાયદાના હાથે પરેશાન દામિનીની એ વિવશતાને ઘાટી કરવા માટે જ, રાજકુમાર સંતોષીએ એન્ટી-થિસિસ રૂપે એડવોકેટ ગોવિંદ શ્રીવાસ્તવ(સની દેઓલ)નું પાત્ર સરજ્યું હતું, જે દામિનીને ન્યાય તો અપાવે છે, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી દર્શકોને સમાજનાં બેવડાં ધોરણો અને કાયદાની રુક્ષતા અંગે વિચાર કરવા મજબૂર કરે છે. ગોવિંદનો એ આક્રોશભર્યો સંવાદ ‘તારીખ પે તારીખ’ અને ‘યે ઢાઈ કિલો કા હાથ’ આજે પણ એટલો જ યાદગાર છે. ફિલ્મોના દમદાર કોર્ટરૂમ ડ્રામાની જો યાદી બંને, તો ‘દામિની’માં ગોવિંદની કોર્ટની પેશી સૌથી ઉપર હોય.

રાજકુમાર સંતોષીએ ફિલ્મમાં ચાર મહત્ત્વના મુદ્દા ઊભા કર્યા હતા. 

1. ભારતીય કોર્ટોમાં બળાત્કારના કેસો બહુ લાંબા અને અસંવેદનશીલ રીતે ચાલે છે

2. સમાજમાં બળાત્કારને લઈને બેવડાં ધોરણો છે. તેમાં પીડિતાને જ અપરાધી માનવામાં આવે છે.

3. સમાજ અને કોર્ટની વ્યવસ્થા એવી છે કે સત્ય બોલવાનું મુશ્કેલ બની જાય છે.

4. ન્યાય અને સત્તા અમીર અને ગરીબ વચ્ચે તફાવત કરે છે.

ફિલ્મની નાયિકા, દામિની, સચ્ચાઈ અને સરળતાનું પ્રતિક છે. પરિવારની સમસ્યાઓ હોય, સાર્વજનિક મુદ્દાઓ હોય કે અંગત બાબતો હોય, દામિની નિષ્કપટ જીવન જીવવામાં માને છે અને ઈચ્છે છે કે તેની આસપાસ જે લોકો છે તે પણ એવું જ જીવે. તેની એ નિર્દોષતાના કારણે જ એક અમીર બિઝનેસમેન શેખર ગુપ્તા (ઋષિ કપૂર) તેના તરફ આકર્ષાય છે અને તેની સાથે લગ્ન કરે છે. વિડંબના કેવી કે દામિનીનો એ ગુણ જ પાછળથી તેમની વચ્ચે અણબનાવનું નિમિત્ત બને છે.

ફિલ્મની વાર્તા બહુ જાણીતી છે : શેખરનો ભાઈ અને તેના દોસ્તો હોળીની મજા-મસ્તીમાં કામવાળી ઊર્મિ (પ્રજકતા કુલકર્ણી) પર બળાત્કાર કરે છે. દામિની અને તેનો પતિ આ અપરાધના ચશ્મ-દીદ ગવાહ છે. દામિની ઊર્મિને મદદ કરવા માંગે છે પણ તેનાં અમીર સાસરિયાં ઈજ્જત બચાવવા માટે તેને રોકે છે. એમાં તેને ઘર-પરિવાર છોડવો પડે છે.

દામિની ગુપ્તા પરિવારના લોકોના અપરાધબોધ હેઠળ જીવી શકતી નથી અને બેબસ હાલતમાં એક શરાબી વકીલ ગોવિંદના શરણે જાય છે. ગોવિંદ, જે કાયદા અને વકાલતની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સારી પેઠે જાણે છે, તે દામિનીનો હાથ થામે છે અને અમીર લોકોના બેરિસ્ટર ઇન્દ્રજીત ચઢ્ઢા(અમરીશ પૂરી)નો સામનો કરવા માટે તૈયાર થાય છે. એ પછી કાનૂની આંટીઘૂંટીઓ ચાલુ થાય છે અને બળાત્કારના કેસોમાં લોકો કહેતાં હોય છે તેમ, કોર્ટમાં ઊર્મિ પર ‘બીજો બળાત્કાર’ શરૂ થાય છે.

‘દામિની’ એક તરફ ભારતની અસંવેદનશીલ કોર્ટ વ્યવસ્થાની ટીકા કરે છે, તો બીજી તરફ મહિલા સશક્તિકરણનું સમર્થન કરે છે. એક સીધી-સાદી અને ભોળી દામિની કેવી રીતે પુરુષપ્રધાન સમાજમાં અકસ્માતે નારી અધિકારની રખેવાળ બની જાય છે તે રસપ્રદ છે. એમાં એક દૃશ્ય નોંધપાત્ર છે. દામિની જે રીતે તેનાં સાસરિયાંના ફરમાનનું ઉલ્લંઘન કરે છે અને પરિવારની વહુની ફરજો ‘ભૂલી’ને પારકી સ્ત્રીને ન્યાય અપાવાનો ઝંડો પકડે છે, તે જોઇને ભડકેલો ચઢ્ઢા ગુપ્તા પરિવારને ‘આશ્વાસન’ આપે છે કે, “મૈં દામિની કો દુસરી ઔરતો કે લિયે કભી ભી મિસાલ બનને નહીં દુંગા.” એટલે જ તે દામિનીને પાગલ ઠેરવાની કોશિશ કરે છે. વાત તો બરાબર છે. પુરુષના વર્ચસ્વવાળા સમાજમાં જે સ્ત્રી પોતાની સ્વતંત્રતા બતાવે તે પાગલ જ કહેવાય.

90ના દાયકામાં જ્યારે રોમેન્ટિક અને એક્શન ફિલ્મો ચાલતી હતી, ત્યારે રાજકુમાર સંતોષીએ બળાત્કારને લઈને સમાજ અને ન્યાયતંત્રના નિરાશાજનક અભિગમ પર એક નાયિકાપ્રધાન ફિલ્મ બનાવાનું સાહસ કર્યું હતું. ‘અર્ધ સત્ય’(1982)વાળા ગોવિંદ નિહલાનીના સહાયક તરીકે કામ કરનાર સંતોષીએ 1990માં સની દેઓલ અને મીનાક્ષી સાથે ‘ઘાયલ’ ફિલ્મથી નિર્દેશન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ‘દામિની’ની તેમની બીજી ફિલ્મ. એવું કહેવાય છે કે સંતોષીને ફિલ્મ બનાવાની સરખી તક મળતી ન હતી અને સનીએ જ તેમણે પહેલાં ‘ઘાયલ’ અને પછી ‘દામિની’માં ફાયનાન્સની વ્યવસ્થા કરી આપી હતી.

એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે, “ઘાયલ પછી મેં તેની સિકવલ બનાવીને પૈસા છાપ્યા હોત, પરંતુ દામિનીની વાર્તા મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે આ વાર્તા ઘણી પ્રાસંગિક છે. ઘણા લોકોએ મને સૂચન કર્યું હતું કે ફિલ્મમાં મીનાક્ષીની બહેન સાથે બળાત્કાર બતાવશો તો દર્શકોની સહાનુભૂતિ વધુ મળશે. મેં કહ્યું કે પોતાની મા કે બહેન માટે તો બધા લડે. મારે તો દામિનીને નોકરાણી માટે લડતી બતાવવી હતી અને તે નોકરાણી માટે તેના પતિ, સાસરિયાં અને બીજા બધા સાથે લડી પડે છે. મારે એવી નાયિકાનો દાખલો બેસાડવો હતો.”

અને મીનાક્ષીએ પણ દામિનીની એ ભૂમિકાને તેના નામ મુજબનો જ ન્યાય કર્યો હતો. દામિનીનો અર્થ થાય છે ‘વીજળી,’ અને ફિલ્મની નાયિકા વીજળી બનીને બધા પર એવી ત્રાટકી હતી કે આજે પણ તેના કડાકાભડકા સંભળાતા રહે છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 21 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

“એવાં ભાગ્ય ક્યાંથી ?’

દાદા ધર્માધિકારી|Opinion - Opinion|21 June 2023

આદિવાસીઓના ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો. તેને બારી નહોતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતો. કેટલાંક મરઘાં હતાં. તેનાં બચ્ચાં આમતેમ રમતાં હતાં. એ લોકોએ વિચાર્યું કે મારા જેવા માણસને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી, ત્યાં ખાટલી ઢાળી દીધી. ઘરધણી મારું અપમાન કે હાંસી નહોતો કરવા માગતો, પણ એણે ભોળેભાવે કહી નાખ્યું : ‘આમ તો અહીં અમે ભૂંડ રાખીએ છીએ. પણ અમારી પાસે બીજી જગ્યા નહોતી, એટલે આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે.’ 

મેં કહ્યું, ‘ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું.’ થોડી વારે મને વિચાર આવ્યો કે, આ માણસ અહીં ભૂંડ રાખતો હતો; પણ અહીં બારણું તો છે નહીં − રાતે કોઈ અંદર ઘૂસી જાય તો ? મેં પૂછ્યું, ‘આમાં બારણું નથી ?’

એ બોલ્યો, ‘એમાં બારણાંની જરૂર નથી.’

‘કેમ ? આસપાસમાં કોઈ ચોર નથી ?’

‘ચોર તો ઘણાય છે.’

‘તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો ?’

એ બોલ્યો, ‘અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે!’

સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે, અમારું એવું ભાગ્ય નથી ! કેમ ? એમાં ભાગ્ય શા સારુ જોઈએ ? તો કહે છે : ‘અમારી પાસે એક જ ચીજ છે : ગરીબી − અને એને ચોરનારું કોઈ છે નહીં.’

મેં કહ્યું, તો તો તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય.’

‘પોલીસની અમારે તો શી જરૂર ?’

‘તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી ?’

કહે : ‘આવે છે ને!’

‘ક્યારે આવે છે ?’

‘તમારા જેવાની ઘડિયાળ ગુમ થઈ જાય, ત્યારે તે શોધવા સારુ અમારા ઘરમાં આવે છે ! તમારી અમીરી ને અમારી ગરીબી, બેયનું રક્ષણ એ કરે છે.’

[‘રોજરોજની વાચનયાત્રા :1]

Loading

નામપલટાના વિવાદ વચ્ચે આનંદ એક અમદાવાદી હોવાનો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 June 2023

કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે

પ્રકાશ ન. શાહ

હમણે હમણે અમદાવાદનાં સત્તાવાર સત્તાવર્તુળો એમ કહેતાં સંભળાયાં છે કે અહમદાબાદનું નામ કર્ણાવતી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી એ છે કે શહેરને ભારતભરમાં સર્વપ્રથમ એવો જે દરજ્જો ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે અપાયો છે એ કર્ણાવતીને નહીં, પણ અહમદશાહે બંધાવેલ બાર દરવાજા વચ્ચેના અહમદાબાદને અપાયો છે. જો હવે નામફેર થાય તો આ દરજ્જો સ્વાભાવિક જ ઘાંચમાં પડે.

આ દલીલમાં બેલાશક વજૂદ તો હોઈ શકે છે. પણ સદરહુ દરજ્જો તો હજુ હમણાંનાં વરસોની વાત છે. આવતે મહિને એને છ વરસ થશે. પણ કર્ણાવતી નામકરણની ભાવનાત્મક માગણી તો દાયકાઓથી હશે – અને 1990માં ભા.જ.પ. હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિધિવત્ ઠરાવ કરીને તે માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારના ગૃહ ખાતાને મોકલી આપી હતી. લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના આ ખાતાએ તે દરખાસ્ત માન્ય રાખી ન હતી. વચમાં વિજય રૂપાણીના મુખ્ય મંત્રી કાળમાં એક વાત એવી આગળ કરાઈ હતી કે આ માટે તો ગૃહમાં બેતૃતીયાંશ બહુમતીનો નિર્ણય જરૂરી છે. (જો કે, મારી સમજ પ્રમાણે આવી કોઈ સુનિશ્ચિત પ્રક્રિયા નથી.) મતલબ, નામાંતરમાં ખુદ ભા.જ.પ. સરકારની અસંમતિનું કારણ 2017ના હેરિટેજ દરજ્જા પૂર્વેથી છે, અને એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પી. મુખ્ય મંત્રી કાળમાં થતી રહેલી માગણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી જનતાજોગ વિધિવત્ કોઈ માહિતી અપાય.

તે સિવાય, શું નડે છે તે આપણને કેવી રીતે સમજાય. ભા.જ.પ. તો માનો કે મોડો ચિત્રમાં આવ્યો. પણ પક્ષપરિવારની માતૃસંસ્થા રૂપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માગણી તો દાયકાઓથી આ રહી છે. પોતાના વ્યવહાર પૂરતી તો ‘કર્ણાવતી’ની એણે છૂટ લીધેલી જ છે. અગાઉ, કરણ ઘેલા પરથી કર્ણાવતી થયાની પોતાની ગેરમાહિતી પણ એણે કર્ણદેવ સોલંકીના નામ સાથે સુધારી લીધેલી છે. ગુજરાત રાજ્ય રચાવાનું હતું એ અરસામાં સાવરકરે હવે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરો જ એવું લખ્યું પણ હતું. બને કે આ શહેર સાથે તેઓ વિશેષ ભાવાત્મક સંધાન અનુભવતા હોય, કેમ કે અહીં જ 1937માં એમની અધ્યક્ષતામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું હતું. હિંદમાં એક કરતાં વધુ રાષ્ટ્રો છે; કમ સે કમ હિંદુ અને મુસ્લિમ એ બે રાષ્ટ્રો તો છે જ, એવું એમણે ત્યારે અધ્યક્ષસ્થાનેથી ખાસ કહ્યું હતું. મુસ્લિમ લીગના 1940ના ઠરાવ કરતાં ત્રણ વરસ પહેલાંની આ વાત છે.

જો કે, ખરેખર તો, કર્ણાવતી નામકરણની માંગની પૂંઠે રહેલ તર્કવિવેક તપાસલાયક છે. ઇતિહાસ પ્રમાણે અહમદાબાદ બંધાયું તે કોઈ કર્ણાવતી નગરને તોડીને બંધાયું નથી. આ પંથકમાં મૂળે તો આશા ભીલનું આશાપલ્લી અગર આશાવલ હતું. કર્ણદેવ સોલંકીએ એને હરાવી આશાપલ્લીની પશ્ચિમે કર્ણાવતી નગરી વસાવી હતી. ખરું જોતાં, ત્યારે એ પૂરા કદનું નગર પણ નહોતું. એની હાજરી ને કામગીરી બહુધા લશ્કરી છાવણીની ફરતે ગોઠવાયા જેવી હતી. મૂળે ટાંક રજપૂત અને પોતાને ગુજરાતી તરીકે ઓળખાવી દિલ્હીની હકૂમતને નહીં ગાંઠનાર અહમદશાહનો ચિત્રમાં પ્રવેશ થયો અને ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા.’ કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે. ભારતીય રેલવેને ધન્યવાદ ઘટે છે કે એણે નાગરી લિપિમાં તેમ જ રોમન લિપિમાં (અંગ્રેજીમાં) અહમદાબાદ લખવા સાથે ગુજરાતીમાં અમદાવાદ પણ લખ્યું છે. ગમે તેમ પણ, અહમદાબાદના કર્ણાવતી નામાંતરની માંગ કેમ્બેના ખંભાત, બ્રોચના ભરુચ કે બરોડાના વડોદરા જેવી સહજસરળ નથી.

માનો કે તમે ઇતિહાસમાં પાછા જઈ મૂળિયાં ફંફોસવા ઈચ્છો છો અને એ ધોરણે નામાંતરની જિકર કરો છો. એ સંજોગોમાં અહમદાબાદે કર્ણાવતી કને અટકવું શા માટે જોઈએ? કર્ણાવતી પૂર્વે આશાપલ્લી હતું. એ નામ સારુ કશો ઉત્સાહ કે આગ્રહ તો ઠીક એક વૈકલ્પિક સૂચન તરીકે નકો નકો ઉલ્લેખ પણ ભાગ્યે જ જોવા મળે છે, એવું કેમ. પ્રજા અને સમાજ તરીકે આપણી ઓળખને સોલંકી રાજવટ માટે છે એટલો પક્ષપાત ભીલ શાસન માટે નથી એમ માનવું?

જેમ સમાજમાનસનો આ સવાલ છે તેમ રાજકીય અભિગમ બલકે પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહનોયે હોઈ શકે છે. ઐતિહાસિક સાંસ્થાનિક કારણોસર ગયા સૈકામાં આપણે હિંદુ અને મુસ્લિમ એવા બે અલગ રાજકીય વિભાવ (પોલિટિકલ કન્સ્ટ્રક્ટ) પર ભાર મૂકતા થયા છીએ અને 1947ના ભાગલા પછી પણ નવા વિભાજનની ધાર સુધી ધસી જઈએ એવીયે આશંકા રહે છે. અત્યારની ચર્ચામાં આ મુદ્દો દૂરાકૃષ્ટ લાગી શકે અને એમાં ન જઈએ. પણ અલગ રાજકીય વિભાવનું જે વલણ બન્યું છે તેથી આપણને કદાચ સાવરકર-ઝીણા સંલક્ષણ(સિન્ડ્રોમ)ની કળ વળતી નથી.

સમજ અને સંવેદનાનું નાળચું કથિત રાષ્ટ્રમાં ગંઠાયા વિના સભ્યતાના સુવિશાળ રંગપટ ભણી વળે તો કંઈક વાત બને. દેખીતો સુક્કો ટાટ પણ એનો એક રસ્તો નાગરિકતાની બંધારણીય વ્યાખ્યાને વશ વર્તી સિવિક અગર કોન્સ્ટિટ્યુશનલ નેશનલિઝમનો અભિગમ અપનાવવાનો છે. તે સાથે, જેમ જેમ ‘હેરિટેજ સિટી’ અગર એવાં બીજાં આલંબનો સાથે સ્થાનિક ને પ્રાદેશિક ઇતિહાસ ઝંકૃત થતો ચાલે તેમ તેમ ‘મેગા નેરેટિવ’નો મોહ ઘટતો ચાલે અને ઓજ અલબત્ત વધે.

દરમ્યાન, હમણાં તો, એક ગુર્જર ભારતવાસીને નાતે આનંદ અમદાવાદી હોવાનો!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જૂન 2023

Loading

...102030...1,1311,1321,1331,134...1,1401,1501,160...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved