Opinion Magazine
Number of visits: 9458210
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીએ પદયાત્રા વડે ફરી કાઁગ્રેસની અસ્સલ જમીન મેળવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 February 2023

રમેશ ઓઝા

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રા પૂરી થઈ. રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ ૪૦૮૪ કિલોમીટરની યાત્રા ૧૪૬ દિવસમાં પૂરી કરી હતી. તેમની યાત્રા તામીલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને જમ્મુ થઈને કાશ્મીરમાં શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. કુલ ૧૨ રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશો અને તેનાં ૭૫ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થઈ હતી. એ વાતનો તો હવે રાહુલ ગાંધીના દુશ્મનો પણ સ્વીકાર કરે છે કે યાત્રાને ધારવા કરતાં ઘણી વધુ સફળતા મળી હતી તો બીજા કેટલાક લોકોના અભિપ્રાય મુજબ યાત્રાને ભવ્ય સફળતા મળી હતી. ખાસ વાત એ હતી કે યાત્રાને દરેક રાજ્યમાં અને દરેક જિલ્લામાં આવકાર મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમાં સાહિત્યકારો, કલાકારો વગેરેનો પણ સમાવેશ થતો હતો.

દરેક લોક સ્વીકાર કરે છે કે યાત્રાને કારણે હવે રાહુલ ગાંધીની “પપ્પુ”વાળી ઈમેજ ખતમ થઈ ગઈ છે. આવી ઈમેજ પેદા કરવા માટે તેમના રાજકીય દુશ્મનોએ હજારો કરોડ રૂપિયા સોશ્યલ મીડિયા દ્વારા અને ગોદી ગલુડિયાઓને સાધીને કુપ્રચાર કરવા પાછળ ખર્ચ્યા હતા. પણ હવે લોકોને પ્રતીતિ થઈ છે કે તેઓ પ્રશ્નને સમજનારા, સ્પષ્ટ ભૂમિકા લેનારા, નિર્ભયતાથી બોલનારા, લોકોની વચ્ચે જવાની ક્ષમતા ધરાવનારા, અદનામાં અદના આદમીને સાચો પ્રેમ કરનારા, જાનની પરવા ન કરનારા, સાતત્ય અને ધીરજ ધરાવનારા, નિર્ભયતા અને વાત્સલ્યનો સમન્વય ધરવાનારા માણસ હોવાની ઈમેજ વિકસી છે. અને એ તો સ્વાભાવિક છે કે આવા ગુણ હોય તો જ જે રીતના પ્રહાર થતા હતા એમાં કોઈ ટકી શકે. રાહુલ ગાંધીને અક્ષરસઃ તોડી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ આ માણસ તુટ્યો નહીં અને ઉપરથી ટટ્ટાર ઊભો રહ્યો એ કોઈ જેવીતેવી સિદ્ધિ નથી. તમે તમારી જાતને રાહુલની જગ્યાએ મૂકીને વિચારો; જો દરેક ત્રીજો માણસ તમારી ઠેકડી ઉડાડે તો તમે ટકી શક્યા હોત?

કબૂલ; રાહુલ ગાંધીની યાત્રા સફળ થઈ, રાહુલ ગાંધીની અંગત છબી સુધરી, રાહુલ ગાંધીએ નેતૃત્વક્ષમતા અને પરિશ્રમ કરવાની શક્તિ સાબિત કરી આપી; પણ તેથી શું? ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અને એ પહેલાં નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં કાઁગ્રેસની સ્થિતિ સુધરશે? કાઁગ્રેસ બી.જે.પી.ને હરાવી શકશે? અન્ય વિરોધ પક્ષોના નેતાઓ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારશે? કાઁગ્રેસના નેતૃત્વમાં રાષ્ટ્રીય મોરચો આકાર લેશે? કાઁગ્રેસ પાસે ગામેગામ લોકોની વચ્ચે જમીન ઉપર કામ કરનારા કાર્યકર્તા જ નથી ત્યાં રાહુલ ગાંધીની મહેનત રાજકીય-ચૂંટણીકીય સફળતામાં પરિણમશે? આખરે સંસદીય લોકતંત્રમાં લોકોના મત દ્વારા થતાં રાજકીય પરિવર્તનનું જ મહત્ત્વ છે. બાકી પ્રશ્નો ઉઠાવવાનું અને લોકોને તેની સમજ આપવાનું કામ તો નાગરિક સમાજના સુજ્ઞ લોકો કરે જ છે. બૌદ્ધિક દૃષ્ટિએ વધારે સારી રીતે કરે છે. તેમને એવા રાજકીય પક્ષની જરૂર છે જે જરૂરી રાજકીય પરિવર્તન કરવામાં ઉપયોગી બને. શું કાઁગ્રેસ એનું વાહન બની શકશે?

આવા પ્રશ્નો માત્ર એ લોકોએ ઉપસ્થિતિ નથી કર્યા જેઓ કાઁગ્રેસનો વિરોધ કરતા આવ્યા છે, પણ એ લોકોએ પણ ઉપસ્થિતિ કર્યા છે જેઓ બી.જે.પી.ના હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે અને જેઓ એમ માને છે કે બી.જે.પી.ના રાજમાં દેશ તેનો પ્રાણ ગુમાવશે અને ફાસીવાદનો ભોગ બનશે. તેમની નજર ચૂંટણીકીય જય-પરાજય ઉપર છે અને માટે તેઓ રાહુલની પદયાત્રાની ફલશ્રુતિ શું હશે એવો પ્રશ્ન ઉપસ્થિતિ કરે છે. આગળ કહ્યું એમ અંતે તો રાજકીય પરિવર્તન જ મહત્ત્વ ધરાવે છે અને એમ માનવામાં તેઓ ખોટા નથી.

મારી દૃષ્ટિએ રાહુલની યાત્રાને પરિણામે કોઈ મોટાં ચૂંટણીકીય પરિવર્તનો નજીકનાં ભવિષ્યમાં ન થાય તો પણ આ યાત્રા ઐતિહાસિક તો ખરી જ, નિર્ણાયક પણ સાબિત થવાની છે. એ કઈ રીતે એ તપાસીએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, બી.જે.પી.ની અને નરેન્દ્ર મોદીની કલ્પનાનું ભારત મહદઅંશે દેશની જનતાને સ્વીકૃત ભારત છે અને અત્યાર સુધીનું ગાંધી-નેહરુનું બંધારણીય ભારત વિપથગામી (દેશને ખોટી દિશામાં લઈ જનારું, દેશના આત્માને અસ્વીકાર્ય એવું, અપવાદરૂપે ભટકી પડેલું, અંગ્રેજીમાં કહીએ તો aberration) એવું ભારત હતું એવું એક કલ્પન (મિથ) પેદા કરવામાં આવ્યું હતું અને તેને ઠીકઠીક પ્રમાણમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. દેશને અમૃતકાળ હવે લાભ્યો છે અત્યાર સુધી દેશ સેકયુલરિઝમના નામે વિષપાન કરતો હતો એવી એક માન્યતા (નેરેટિવ) પ્રચારિત કરવામાં આવી હતી. ટૂંકમાં સંઘપરિવારની કલ્પનાના ભારતને સાચા ભારત તરીકે, સર્વસ્વીકૃત ભારત તરીકે અને જેની કાગ ડોળે રાહ જોવાતી હતી અને માંડ સાકાર થઈ રહ્યું હોય એવા ભારત તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યું હતું. એની સામે નાગરિક સમાજના વિચારકો અને કર્મશીલો ઊહાપોહ કરતા હતા અને તેને પડકારતા હતા; પણ તેમની વાત અસરકારક રીતે લોકો સુધી પહોંચતી નહોતી. પ્રચાર એવો કરવામાં આવતો હતો કે આની સામે એકલદોકલ સેક્યુલરિયાઓને છોડીને કોઈનો વિરોધ જ નથી.

રાહુલ ગાંધીની પદયાત્રાએ આ જે નેરેટિવ પ્રચારિત અને સ્થાપિત કરવામાં આવતું હતું એમાં અસરકારક રીતે ફાંકું પાડ્યું. મોટા પ્રમાણમાં દેશની જનતાએ, ખાસ કરીને બહુમતી હિંદુઓએ યાત્રામાં જોડાઈને અને તેને ટેકો આપીને દેશ અને દુનિયાને જણાવી દીધું કે અમને સંઘની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. અત્યારે જે દિશામાં દેશને લઈ જવામાં આવી રહ્યો છે એ વિપથ છે, સુપથ તો એ હતો જે બંધારણમાં કંડારી આપવામાં આવ્યો છે. ખોંખારો ખાઈને બુલંદ અવાજમાં લોકોએ પોતાની અસ્વીકૃતિ જાહેર કરી જે કરાવવામાં નાગરિક સમાજના નેતાઓ ટૂંકા પડતા હતા. ઘણીવાર વિચારધારા આધારિત સામાજિક ધ્રુવીકરણ ઉપકારક નીવડતું હોય છે એ કરવામાં રાહુલ ગાંધી સફળ નીવડ્યા. આ અર્થમાં આ યાત્રા ઐતિહાસિક અને નિર્ણાયક બન્ને છે. અને આવું માત્ર હિંદુબહુલ ભારતમાં જ થઈ શકે. પાકિસ્તાનમાં અને અન્ય દેશોમાં બહુમતી પ્રજાએ જ્યારે સહિયારા સમાજને અને સહઅસ્તિત્વને નકારવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં કોઈ નેતાએ આવી પદયાત્રા કાઢી હોત તો? પ્રજાકીય ધ્રુવીકરણ કર્યું હોત તો? તો એ દેશોનો અને જગતનો ઇતિહાસ જુદો હોત. પણ એવું બન્યું નહીં. એવું માત્ર ભારતમાં જ બની શકે, કારણ કે ભારત માટેનો સુપથ વેદોથી લઈને વિનોબા સુધીનાઓએ કંડારી આપ્યો છે અને એ જ ખરું ભારત છે. આ જ ભારત ટકવાનું છે અને એ જ સનાતન ભારત છે.

આ તો થોડીક વ્યાપક અને વૈચારિક ભૂમિકાએ વાત થઈ. રાહુલ ગાંધીની પદયાત્રા તાત્કાલિક વ્યાવહારિક ભૂમિકાએ તપાસીએ તો પણ નિર્ણાયક છે. ૨૦૧૪માં કાઁગ્રેસનો પરાજય થયો એ પછી કાઁગ્રેસના નેતાઓને લાગતું હતું ૨૦૦૪માં બન્યું હતું એમ એક (અને વધુમાં વધુ બે) મુદ્દત પછી લોકો શાસકોથી નારાજ થશે અને સત્તાપરિવર્તન કરી આપશે. તેઓ બહુમતી હિંદુઓની લાગણીઓની ચિંતા કરતા હતા અને તેઓ નારાજ ન થાય એ સારુ સેક્યુલર ભૂમિકા લેતા ડરતા હતા. તેઓ ધાર્મિક હિંદુ હોવાનો દેખાવ કરતા હતા, રાહુલ ગાંધી મંદિરોમાં જતા હતા વગેરે. હવે પ્રજાને, ખાસ કરીને હિંદુઓને રીઝવવાના બધા વેશ ફગાવીને રાહુલ ગાંધીએ અને કાઁગ્રેસે સહિયારા સેક્યુલર ભારતના પક્ષે સ્પષ્ટ ભૂમિકા લઈ લીધી છે અને એ દેશ માટે બહુ રાહત આપનારી ઘટના છે. એક પક્ષ એવો છે જે સ્પષ્ટ સેક્યુલર ભૂમિકા લેવામાં અચકાતો નથી.

મૂળમાં આ જ કાઁગ્રેસની અસ્સલ જમીન હતી જે તેણે ચૂંટણીકીય લાભો માટે સમાધાનો કરી કરીને ક્રમશઃ ગુમાવી દીધી હતી. હવે કાઁગ્રેસે અને રાહુલ ગાંધીએ એ અસ્સલ જમીનને ખેડવાનું શરૂ કર્યું છે અને એ મોટી આવકાર્ય ઘટના છે. જો એ ખેડાણ પ્રામાણિક હશે અને સાતત્યપૂર્વકનું હશે તો એક દિવસ હિંદુ રાષ્ટ્રનું નેરેટિવ ભૂંસાઈ જશે, કારણ કે એ વિદેશથી આયાત કરેલું છે, આપણું પોતાનું ભાતીગળ નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 ફેબ્રુઆરી 2023

Loading

બે વર્ષ આયુષ્ય વધ્યું ! …. ચાલો થોડું વધું જીવી લઈએ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 February 2023

ચંદુ મહેરિયા

જન્મ દિનની મુબારકબાદી પાઠવતા આપણે ‘શતમ્‌ જીવેમ શરદ:’ કહીએ છીએ. માનવીનું આયુષ્ય સો વરસનું મનાય છે. પરંતુ સો વરસ જીવનારા બહુ ઓછા લોકો હોય છે. દર દસ લાખે જપાનમાં ૪૮૦, ઈટલીમાં ૩૧૫, ચીનમાં ૩૬, અમેરિકામાં ૨૨ અને ભારતમાં ૨૧ લોકો જ સો વરસ જીવે છે. એટલે જન્મ દિને સો શરદ જીવવાની શુભેચ્છા કે આશીર્વાદ આપવામાં આવે છે. દુનિયામાં સૌથી લાંબુ, ૮૫ વરસનું, આયુષ્ય જપાનના લોકોનું છે. જે તે દેશ, સમાજ કે સમૂહમાં વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરના આધારે આયુષ્યની આંકણી થાય છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ પ્રકારની ગણનાના આધારે ૨૦૨૨ના મધ્યમાં જાહેર થયેલા ૨૦૧૫-૧૯ના આંકડા મુજબ હવે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસનું થયું છે. ૨૦૦૯-૧૩માં તે ૬૭.૫ વરસ હતું. એટલે એક દાયકામાં આપણી આવરદા બે વરસ વધી છે.

આઝાદી સમયે ૧૯૫૦-૫૧માં ભારતના લોકોનું આયુષ્ય ૩૨.૧ વરસ હતું. સિત્તેર વરસમાં તે બમણા કરતાં વધુ વધીને ૬૯.૭ વરસ થયું તે મોટી સિદ્ધિ છે. ૧૯૫૦-૫૧માં ૩૨.૧, ૧૯૬૦-૬૧માં ૪૧.૩, ૧૯૭૦-૭૫માં ૪૯.૭, ૧૯૮૬-૯૦માં ૫૭.૭, ૧૯૯૫-૯૯માં ૬૧.૫, ૨૦૦૯-૧૩માં ૬૭.૫ અને ૨૦૧૫-૧૯માં ૬૯.૭ વરસનું આયુષ્ય અંદાજવામાં આવ્યું છે. આ આંકડાઓ પરથી જોઈ શકાય છે કે આઝાદી પછીના તરતના દસકોનો લગભગ દસ વરસનો આયુ વધારો ક્રમશ: ઘટતો રહ્યો છે અને છેલ્લા દાયકામાં તો માત્ર બે જ વરસની વૃદ્ધિ થઈ છે !

જ્યારે વૈશ્વિક આયુષ્ય ૭૨.૬ વરસનું છે ત્યારે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસ છે. એશિયા ખંડના અન્ય દેશોમાં જપાનમાં ૮૫, ચીનમાં ૭૬.૯, શ્રીલંકામાં ૭૪, બાંગ્લાદેશમાં ૭૨.૧ અને નેપાળમાં ૭૦.૫ વરસનું આયુષ્ય છે. વૈશ્વિક આવરદા કરતાં ભારતીયોની આવરદા ૨.૯ વરસ ઓછી છે. એટલું જ નહીં એશિયા ખંડના ગરીબ ગણાતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ઓછી છે. આ હકીકત વિશ્વગુરુ કે મહાસત્તા બનવા માંગતા ભારત માટે આઘાતજનક નથી શું ? આયુષ્યની બાબતમાં વૈશ્વિક સરેરાશે પહોંચતા હજુ ભારતને વીસેક વરસ લાગશે તેવા અંદાજ પછી તો દેશની વૈશ્વિક સ્તરે ઉભરતી શક્તિની જે છાપ ઊભી થઈ છે તે આભાસી છે કે વાસ્તવિક તેવો સવાલ ઊઠે છે.

ભારતીયોની જે રાષ્ટ્રીય આવરદા આશરે સિત્તેર વરસની અંદાજવામાં આવી છે તેમાં રાજ્ય, શહેરી અને ગ્રામીણ વસ્તી તથા પુરુષ અને મહિલાની દૃષ્ટિએ અંતર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા પાંચ રાજ્યોમાં દિલ્હી, કેરળ, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ છે. સૌથી ઓછું આયુષ્ય ધરાવતા રાજ્યો છતીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અસમ અને રાજસ્થાન છે. સૌથી વધુ આયુષ્ય દિલ્હીના લોકોનું ૭૫.૯ (વૈશ્વિક સરેરાશથી પણ વધુ) વરસ છે. જ્યારે સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢનું ૬૫.૩ વરસ છે. બંને વચ્ચે દસ વરસ કરતાં વધુનો તફાવત છે.

સામાન્ય રીતે ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું આયુષ્ય વધુ જોવા મળે છે. ભારતના લોકોનું જે ૬૯.૭ વરસનું આયુષ્ય છે તેમાં પુરુષોનું ૬૮.૪ અને મહિલાઓનું ૭૧.૧ વરસ છે. દિલ્હીમાં મહિલાનું આયુષ્ય ૭૭.૫ અને પુરુષોનું ૭૪.૩ છે. એટલે દેશમાં અને દેશના સૌથી વધુ આવરદા ધરાવતા રાજ્ય દિલ્હીમાં મહિલાઓ વધુ જીવે છે. પરંતુ સૌથી ઓછી આયુ ધરાવતા છતીસગઢમાં મહિલાઓ (૬૩.૭ વરસ) કરતાં પુરુષો (૬૫.૩ વરસ) વધુ જીવે છે. બિહાર અને ઝારખંડની મહિલાઓ પણ ઓછું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના કુલ ૭૦.૨ વરસના આયુષ્યમાં મહિલાઓનું ૭૨.૮ અને પુરુષોનું ૬૭.૯ વરસનું છે.

શહેરી ભારતના ૭૩ વરસના આયુષ્યની સરખામણીએ ગ્રામીણ ભારતનું આયુષ્ય ઓછું એટલે કે ૬૮.૩ વરસ છે. દુનિયા અને ભારતનું સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેર રાજધાની દિલ્હી છે. પરંતુ દિલ્હી રાજ્યના લોકોનું આયુષ્ય દેશમાં સૌથી વધુ છે ! એ જ રીતે શુદ્ધ  હવા-પાણી મેળવતા ગામડાંના લોકો કરતાં અશુદ્ધ હવા-પાણીમાં જીવતાં શહેરોના લોકો વધુ જીવતા હોય તે સહેલાઈથી ના ઉકેલી શકાય તેવો કોયડો છે.

ભારતીયોના અલ્પાયુ-દીર્ઘાયુનો આધાર આર્થિક-સામાજિક સ્થિતિ, શિશુ મૃત્યુ દર, કુપોષણ, પ્રસૂતા માતા મૃત્યુ, આરોગ્યની સ્થિતિ અને તબીબી સવલતો સુધીની પહોંચ, પર્યાવરણ, વધુ વસ્તીનું દબાણ, સરકારી નીતિઓ ખાસ કરીને રાજ્યનું આરોગ્ય ખર્ચ તથા જીવનની ગુણવત્તાનો દર કે જીવન જીવવાની સ્થિતિ પર રહેલો છે. ભારતીયોના આયુષ્યમાં નિ:શંક અસામાન્ય વધારો થયો છે પરંતુ તે પર્યાપ્ત નથી.

જન્મ સમયની અને એકથી પાંચ વરસની ઉંમર પછીની આવરદામાં પણ તફાવત જોવા મળે છે. જન્મ સમયની ૬૯.૭ વરસની આવરદા જો બાળકનું ૧થી ૫ વરસમાં મરણ ના થાય તો ૭૧.૩ વરસની થઈ શકે છે. તે પ્રમાણે ૬૦ વરસ પાર કરી ગયેલા લોકો વધુ ૧૮.૩ અને ૭૦ વરસ પછી વધુ ૧૧.૮ વરસ જીવી શકે છે.

વલ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ ૧૯૫ દેશોના શિશુ મૃત્યુ દરમાં ભારત ૧૩૮મા ક્રમે છે. ૧૯૭૦માં ભારતમાં દર એક હજારે ૧૩૨ બાળકોના મોત થતા હતા. ૨૦૨૦માં તે ઘટીને ૩૨ અને  ૨૦૨૨માં ૨૭.૮ થયા છે. આવરદાની વૃદ્ધિમાં શિશુ મૃત્યુ દર બાધક છે. જેટલા બાળ મરણ વધારે એટલી આવરદા ટૂંકી. ૧૯૯૦માં દર દસ હજારે ૫૫૬ પ્રસૂતાઓના મોત થતાં હતા. ૨૦૧૮માં તે ઘટીને ૧૧૩ થયાં છે. પરંતુ તે લાંબી આવરદા માટે પર્યાપ્ત નથી. પુરુષો કરતાં મહિલાઓને તબીબી સવલતો ઓછી મળે છે, ઘરનું વૈતરું તેના શિરે જ હોય છે અને ખાવાનું પણ પૂરતું મળતું નથી. છતાં તેની જીવટ તેને લાંબુ જીવાડે છે.

વધુ આયુષ્ય ધરાવતા દેશો અને રાજ્યોમાં આરોગ્ય પાછળ થતો ખર્ચ પણ કારણભૂત છે. દિલ્હીના મહોલ્લા ક્લિનિક, કેરળમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની લોક જાગ્રતિ તથા જીવનશૈલીને કારણે આ રાજ્યોના લોકો લાંબુ જીવે છે. અમેરિકા જી.ડી.પી.ના ૧૭.૯ ટકા, ફ્રાન્સ ૧૧.૬ ટકા, જપાન ૯.૩ ટકા, ચીન ૫ ટકા અને ભારત ૩.૯ ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે. જપાનના લોકોના દીર્ધાયુનું કારણ કદાચ જેનેટિક કે નૃવંશીય છે. પરંતુ દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા જ એક માત્ર એવો દેશ છે જેના નાગરિકોનું આયુષ્ય લાંબુ નથી. મરણની જેમ જીવનની રેખા પણ કદાચ રહસ્યમય છે. એટલે ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના જીવનરેખા બે વરસ લંબાઈ છે તો, ચાલો, મોજથી જીવી લઈએ.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

એકલતા – ગઝલાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|1 February 2023

કોરી નાંખે તેવી એકલતા

લતા હીરાણી લેખિત આ ત્રણ રચનાઓ આસ્વાદો …..

અંતરલક્ષી સહુ જણનો આ પોતીકો અનુભવ. વતનથી દૂર વસેલું આ જણ જેવું કોઈ હોય કે, લતાબહેનની જેમ આત્મીય જીવનસાથી ગુમાવ્યું હોય, કે
અન્ય કારણો સર એકલતા અનુભવતા હોય તેવા સૌની આ એકસરખી વેદના.

લતાબહેનના અછાંદસ કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વાંચવાની શરૂઆત કર્યા બાદ, એકલતાની વ્યથાને પડઘાવતી આ ત્રણ રચનાઓ ગમી ગઈ.

ઉપર દર્શાવેલ કારણોમાંનું કોઈ કારણ હોય અને એકલતા સહેવી પડતી હોય, તો તો તે સમજી શકાય તેવી વાત છે. પણ ……

સાંપ્રત સમાજમાં, હકડેઠઠ ભીડની વચ્ચે, જોર શોરથી ગર્જતા સોશિયલ મીડિયાની ભીંસની મધ્યમાં પણ માણસ એકલો પડી ગયો છે; ખોવાઈ ગયો છે – એનું શું? આધુનિક સમાજની આ બહુ શોચનીય કરુણતા છે. માહિતી અને મનોરંજનની ફેંકાફેકમાં એકમેક સાથેની આત્મીયતાની હૂંફ કેમ ગઈકાલની જણસ બની ગઈ છે?

‘કોણ બોલે ને કોણ સાંભળે?’ – એ જૂના ગઝલાવલોકનની યાદ આવી ગઈ.

એને માટે આપણી એકલતામાં ઝળઝળિયાં ખેરવીને વીરમીશું?

કે પછી…..

બીજા કોઈ વિકલ્પની શોધ કરીશુ?

e.mail : surpad2017@gmail.com
https://gadyasoor.wordpress.com/2023/01/31/loneliness-4/

Loading

...102030...1,1171,1181,1191,120...1,1301,1401,150...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved