Opinion Magazine
Number of visits: 9743256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂન ૨૩-૨૪ના રોજ અમદાવાદ યુનિવર્સિટી અને દર્શક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘સુજોસાફો’ના બે-દિવસીય 50-મા વાર્તાશિબિરની ઉદ્ઘાટન-બેઠકમાં આપેલું વક્તવ્ય, લેખ-રૂપે 

સુમન શાહ|Opinion - Literature|8 July 2023

આદરણીય રઘુવીરભાઈ, મનસુખભાઈ, સંજય અને વાર્તાકારમિત્રો :

બહુ જ પ્રસન્ન થવાય એવી વાતો છે. એટલો સરસ યોગ છે કે મને એવું લાગે છે કે આપણે કોઈ અમેરિકન યુનિવર્સિટીના હૉલમાં બેઠાં હોઈએ. અને બીજો મોટો યોગ એ છે કે રઘુવીરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને દર્શક ફાઉન્ડેશનને કારણે, મનસુખભાઈ, (સદ્ગત) દર્શક પણ ‘ઉપસ્થિત’ છે એમ માનું છું. આપણી ભાષાના એ બે મહાન કથાસ્વામી અને “સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ”-નો આ ઉપક્રમ, એનો આ ૫૦-મો શિબિર, આ બધું સંયોજન આનન્દદાયક છે.

૫૦-મો શિબિર છે એટલે મને થોડી મૂળથી વાત કરવાનું મન થાય છે. ૯૦-૯૧માં, રઘુવીરભાઈ, આની સ્થાપના કરી અને ત્યારે ચિન્તા એ હતી કે સુરેશ જોષી તો સંસ્થાઓમાં માનતા ન્હૉતા ને આપણે સંસ્થા ઊભી કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે. અમે એ ચાર-પાંચ મિત્રોએ નક્કી કર્યું કે એને સંસ્થાનું રૂપ નહીં આપીએ, એને ‘અ કાઇન્ડ ઑફ ઇન્ફૉર્મલ સંગઠન’ રાખીશું, સમજો કે ‘સુજોસાફો’ એવું એક, નામનું માત્ર પાટિયું. આ સંગઠનમાં કોઈ પ્રમુખ નથી, મન્ત્રી નથી, હું સંયોજક છું એટલું કહી શકાય.

‘સુજોસાફો’માં સંજય ચૌધરીનો જે પ્રવેશ થયો એ વાત જાણવા જેવી છે. સંજય ચૌહાણ નામના એક વાર્તાકારમિત્ર છે, એમના નામને બદલે, રાજેન્દ્ર પટેલે એ શિબિરમાં આવવા માટે સંજય ચૌધરી નામ લખી દીધેલું. સંજય મને કહે, હવે શું કરું? મેં કહેલું, સરસ વાત છે, એથી રૂડું શું ! તે દિવસથી સંજય સુજોસાફો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. બધું જ મૅનેજમૅન્ટ કરે અને આજે આ શિબિર પણ યોજ્યો છે. એટલે, આપણે સૌએ સંજયનો આભાર માનવો જોઈશે.

એટલે, વાત એવી હતી કે સંસ્થા કરીશું પણ કશા વાવટા નહીં ફરકાવીએ, ઇન્શ્ટીટ્યુશનલ પોલિટિક્સ જેને કહીએ છીએ, સંસ્થાકીય રાજકારણ, તેને અંદર નહીં આવવા દઈએ, અને, માત્ર સાહિત્યપદાર્થનું જ ધ્યાન રાખીશું. આવી માનસિકતાને કારણે, પહેલાં તો ત્રણ પરિ સંવાદ કર્યા : સૌથી પહેલો પરિ સંવાદ નીતિન મહેતાની યુનિવર્સિટીમાં, બૉમ્બે યુનિવર્સિટીમાં, કર્યો, “સર્જકતા” વિશે. અઘરો વિષય ! પણ જરૂરી. બીજા બે પરિ સંવાદ કર્યા અમદાવાદમાં; એકનો વિષય હતો, ‘માય કન્સેપ્ટ ઑફ આર્ટ’ – ‘કળાને વિશેની મારી વિભાવના’. બીજો બે-દિવસીય શિબિર કરેલો, પ્રથમ આધુનિક કવિ બૉદ્લેર વિશે. બધા જ ઉત્તમ અને જાણીતા વક્તાઓ હતા.

અમે અમારા ભાષા-સાહિત્ય ભવનમાં ચા-પાણી માટે બેસીએ એ હૉલમાં હસી-મજાક પણ બહુ ચાલે. એક-બે જણે હસતાં હસતાં કહ્યું, સુજોસાફોમાં નિ રંજન ભગત ન આવે. મેં કહ્યું, શું કામ ન આવે? તો કહે, ન આવે ! મેં બીજે દિવસે સવારે નિ રંજનભાઈને ફોન કર્યો ને કહ્યું કે મારા કેટલાક મિત્રોનું માનવું છે કે સુજોસાફોમાં તમે ન આવો, જ્યારે મારું માનવું છે કે બૉદ્લેર વિશે પરિ સંવાદ ગુજરાતમાં કે ભારતમાં ક્યાં ય પણ હોય ત્યાં નિ રંજન ભગત હોય હોય ને હોય જ. હવે, એમણે જે શબ્દ વાપરેલો તે હું આ સભામાં નથી વાપરી શકતો, કહે કે એ બધા તો … છે ! હું જરૂર આવીશ. મને કહે – સુરેશભાઈ કંઈ મારા દુશ્મન થોડા છે ! હું જરૂર આવીશ, મારે લન્ડન જવાનું છે એટલે વ્યાખ્યાન કરીને નીકળી જઈશ. આવ્યા, અને સરસ વ્યાખ્યાન આપ્યું. એ પરિસંવાદ બહુ સારો થયો, એ વ્યાખ્યાનોની નૉધો પણ થઈ છે, જો કે એનું પુસ્તક નથી થઈ શક્યું.

આ ત્રણ ગમ્ભીર અને અઘરા કહી શકાય એવા વિષયના પરિસંવાદ હતા. પણ વાતાવરણ જેમ જેમ બદલાતું ગયું, અને વાતાવરણ બદલાય છે તેમ તેમ એની અસર આપણા પર પણ પડતી હોય છે, તે અમારા પર પણ પડી. અમને સમજાયું કે સારા વક્તાઓ નથી મળતા, મળે છે, તો શ્રોતાઓ નથી મળતા. એ પરથી મને વિચાર આવ્યો કે સુરેશભાઈને બહુ જ પસંદ છે એ વસ્તુ ટૂંકીવાર્તા, એનું આપણે કંઈક કેમ ન કરીએ ! એટલે મેં મારા મિત્ર મણિલાલ હ. પટેલ સાથે વાત કરી. તો મણિલાલ કહે કે કંઈક કરીએ, તમે વિચારો શું કરી શકાય. મેં કહ્યું – આપણે વર્કશોપ કરીએ જ્યાં વાર્તા લખવાનું શીખી શકાય; ભાષણો નહીં કરવાનાં, બધાંએ વાર્તા લઈને જ આવવાનું અને ચર્ચાઓ કરવાની, કેમ કે, મનસુખભાઈ, સુરેશ જોષીનો એક એવો પણ કન્સેપ્ટ હતો કે – યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ, હોવી જોઈએ.

દીવાલો વિનાની યુનિવર્સિટી કેવી હોઈ શકે? સંસ્થાઓ વિનાની ચર્ચાઓ કેવી હોઈ શકે? કૉલેજોમાં વ્યાખ્યાનો કે પરિસંવાદો થાય તે સિવાયનું શું થઈ શકે? તો આ વસ્તુ, કે મૌલિક વાર્તાઓ અને દરેક વાર્તાની અન્ય વાર્તાકારો દ્વારા ભરપૂર ચર્ચાઓ.

એનાં મૂળ આમ હતાં —ચન્દ્રકાન્ત ટોપીવાળા અને હું એ વર્ષોમાં નસીબજોગે પ્રિન્સિપાલ હતા. તે અમદાવાદ આવવાનું થતું’તું, મીટિન્ગોમાં; રાધેશ્યામ શર્માને ત્યાં ઊતરીએ. અમે દરેકે જે લખ્યું હોય એ વાંચવાનું અને એની ચર્ચાઓ કરવાની. રાતના બે-બે વાગી જતા, એમની અગાશીમાં, મોઓટ્ટી અગાશી હતી. તો એ બધું હતું મારા મનમાં કે જો આવં કંઈક કરીએ જેમાં રૂ-બ-રૂ થઈ શકાય, સાહિત્યપદાર્થની રૂ-બ-રૂ થઈ શકાય, સમજણની આપ-લે થઈ શકે, મર્યાદાઓની આપ-લે થઇ શકે. તો ઘણું સારું કામ થાય.

તો એવો પ્હૅલ્લો શિબિર કર્યો દાંતીવાડાના સણાલીમાં; ત્યાં પણ અમારો કોઈ સ્ટુડન્ટ જ હતો, હું નામ ભૂલી ગયો છું, વરસો થઈ ગયાં. પછી તો અમે ખડસલી અને એવી બધી જગ્યાઓએ ગયા છીએ, દર્શક ફાઉન્ડેશનને આનન્દ થાય એવી જગ્યાઓએ ગયા છીએ, કે જેનાં નામો મને યાદ નથી, સાવરકૂંડલા ગયા છીએ, નિમન્ત્રણપત્રમાં તમામ શિબિરસ્થળોનું હું હમેશાં મોટું લિસ્ટ આપતો હોઉં છું.

એવો કોઈ ઉપક્રમ રાખ્યો નહીં કે આમ જ હોવું જોઈશે ને તેમ જ હોવું જોઈશે. શરૂઆતમાં મિત્રો પૂછે, રઘુવીરભાઈ, કે અમારે સુરેશ જોષીના જેવી વાર્તા લખવી પડશે -? મેં કહેલું કે ના ભઈ, તમારે વાર્તા જ લખવાની, વાર્તા લઈને આવવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. કેટલાક મિત્રો આવીને ચાલ્યા ગયા કેમ કે કહેવાયું કે – અહીં તો બહુ કડક ટીકાઓ થાય છે, શું મળવાનું આપણને…? તો હું એને સુજોસાફોની સિદ્ધિ ગણું છું. સિદ્ધિ એ રીતે કે એ લોકો સમજી ગયા કે આપણાથી સારી વાર્તા નહીં લખી શકાય, લખતા પણ બંધ થઈ ગયા. તો એ પણ એક સારી વસ્તુ છે ને … આમાં અમે કોરું વિવેચન નથી કરતા, વિેવેચકને પણ આવવા દઈએ છીએ, કોઈને પણ આવવા દઈએ છીએ, પણ એણે વાર્તા લઈને આવવું જોઈશે. જો સિદ્ધાન્તો અને શાસ્ત્રોની ચર્ચાઓ કરવા ભેગા થવાનું હોય, તો એનો કોઈ મતલબ નથી. કૃતિ અને કૃતિની જ વાત; અને સૌની જાતે લખાયેલી, મૌલિક, અપ્રકાશિત વગેરે તો શરતો કરી છે, ઠીક છે; પણ ચર્ચા કરે છે કોણ? વાર્તાકારો ! વાર્તાકારો જ ચર્ચા કરે છે, સર્જકો જ ચર્ચા કરે છે. સર્જકો દ્વારા થતું આ જે વિવેચન છે કે સમીક્ષા છે, એને હું પહેલું સ્થાન આપીશ, પછી શાસ્ત્રકારો અને પછી સિદ્ધાન્તકારો …

સુરેશ જોષી સૌ પહેલાં મોટા સહૃદય હતા. એમણે એટલું બધું વાચ્યું, એમણે કલાનો એટલો બધો અનુભવ મેળવ્યો, જેમાંથી એમનું વિવેચન પ્રગટ્યું. નો ડાઉટ, બહુ સારા વિવેચકો પાસે પણ ગયા છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરમ્પરા, પશ્ચિમની પરમ્પરા, બધું એમને આત્મસાત્ હતું, પણ મૂળમાં, એમની જમીનમાં, જો કંઈ હોય, તો તે હતો સ્વાનુભવ, કલાનો અનુભવ. (દરમ્યાન ચા-નાસ્તો આવી ગયેલાં, સંજય પૂછે – પીરસાવી દઉં? મે કહ્યું – હા, અફકોર્સ, જરૂર.) એટલે એવી પણ કલ્પના સુરેશભાઈ કરતા કે ચર્ચાઓ દરમ્યાન જમતા હોઈએ, ખાતા-પીતા હોઈએ, સંજયે પૂછ્યું એટલે મને યાદ આવ્યું. આપણે લોકો ફૉર્માલિટીમાં ક્યાં સુધી રહીશું? આપણે સાહિત્યકારજીવો થઈને કેમ મુક્ત નથી? સંસ્થાઓ આપણને બાંધે છે, સંસ્થાઓ સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ કરી નાખે છે, વગેરે બધી એમની વિચારસરણી હતી – એમાં માનીએ ન માનીએ એ જુદી વાત છે …

બટ, હી હૅડ અ પૉઇન્ટ ! ઇન્સ્ટિટ્યુટ ઑફ લિટરેચર અને ઇન્સ્ટિટ્યુશનાલિઝેશન ઑફ લિટરેચર, એ બેમાં ફેર છે. સાહિત્યની એક સંસ્થા તરીકેની સ્થાપના પણ્ડિત યુગમાં થઈ, રઘુવીરભાઈ, સાહિત્યની કોઈપણ વિધા તમે લાવો, એના ઉપક્રમ થયા છે પણ્ડિત યુગમાં, નહિતર આપણે સાહિત્યમાં ન પ્રવેશી શક્યા હોત. નર્મદનો કે એ લોકોનો એ જમાનો હતો જેમાં તેઓ બધા જોડાયેલા હતા સમાજ સાથે. ‘લલિતા દુ:ખદર્શક’ નાટકથી કરવું’તું શું? – લલિતા નામની વિધવાને જે દુ:ખ પડ્યાં છે એ અમે તમને દર્શાવીએ છીએ. એમને ચિન્તા સમાજની હતી. પણ સાહિત્યની ચિન્તા પણ્ડિત યુગે કરી છે. નવલકથા આવી, ટૂંકીવાર્તા આવી, ઊર્મિકાવ્યો આવ્યાં, શોકપ્રશસ્તિ કાવ્યો આવ્યાં. શું નથી આવ્યું? ભાષાવિજ્ઞાન આવ્યું, આખો ઇતિહાસ તમે જુઓ પણ્ડિત યુગનો, સમૃદ્ધ ઇતિહાસ છે; એને હું એ મૂલ્ય આપ્યું છે કે એણે સાહિત્યની સંસ્થાની સ્થાપના કરી આપી ગુજરાતી ભાષામાં. સંસ્થાકરણ જુદી વસ્તુ છે…

તો આવા બધા વિચારો કોઈ-ને-કોઈ કારણે સંયોજાયા, ને આ સંગઠન આગળ વધી શક્યું. અને દીવાથી દીવો પ્રગટોત’તો, કોઈને કહેવું ન્હૉતું પડતું. જેમ કે આ સભામાં બધા મિત્રો બેઠા છે અને કોઈના મનમાં ઊગે કે – શિબિર મારે ત્યાં કરાવું; અને પછી જઈને વાત કરે ને પેલા ભાઈ હા પડે, મને ફોન કરે, પૂછે, ને હું હા પાડું. અને અમે પ્હૉંચી જઈએ. બધા વાર્તાકારોએ સ્વખર્ચે આવવું એમ રાખ્યું છે. કેમ કે એ ખર્ચ સંસ્થા પર નહીં નાખવાનું. જો કે આપણે મહેમાન થયા તો સંસ્થાએ, ખવડાવવું તો જોઈએ. તે બધા પ્રેમથી ખવડાવે. બધું સરસ જ થાય. જો કે એક જગ્યાએ તો અમને નીચે બેસાડી દીધા’તા. પતરાળાં ને એવું બધું હતું ને પતરાળામાં માત્ર વાનગીઓ જ આવે એવું નહીં, કણ પણ આવે ને તે ધૂળના ય હોય. પણ એ બધાંનો આનન્દ હતો. નળસરોવર ગયા ત્યારે એવું થયેલું પણ ત્યાં આપણો ભાઈ જયુ સરસ વાર્તા લખી શક્યો, ‘રાજકપૂરનો ટાપુ’.

એવા તો ઘણા પ્રસંગો છે કે ઉત્તમ વાર્તાઓ અહીં જ સરજાઈ છે, અલબત્ત, પોતે સરજીને લાવ્યો હોય, એની પોતાની જ વસ્તુ કહેવાય. પણ નક્કી એ હોય કે ટીકાટપ્પણી કરવા માટે જ ભેગા થવાનું છે, વખાણ કરવા માટે નહીં. અને વખાણ નથી કરવાં એવું પણ નથી, સરસ પ્રશંસાઓ થઈ છે, અને ટીકા સહન કરવાની તાકાત પણ કેળવાઈ છે, અને બધાં મિત્ર પણ થયાં છે. કદાચ બીજા કોઇ કારણે મૈત્રી થઈ જ નથી, મને એવું પણ લાગે ઘણી વાર. આપણા શેખે, ગુલામમોહોમ્મદ શેખે, એક વાર્તા લખેલી, ‘ચા ચેવડો ને ચુમ્બન’, કોઈ બહુ જૂના જમાનામાં. તો, આપણે કંઈ ચા ચેવડો ને ચુમ્બનની રીતે ભેગા નથી થયાં, આપણે ભેગા થયાં છીએ વાર્તા અને વાર્તામાં પણ કલાનું જે સૌન્દર્ય છે અને રસનો જે આન્નદ છે, એને માટે ભેગાં થયાં છીએ. કોઇને અહીં એવું કહેવામાં નથી આવતું કે આ પ્રમાણે લખતો થઈ જા, આવો થઈ જા, તું તારા જેવો જ રહે એવો આગ્રહ રાખવામાં આવે છે. સિદ્ધાન્તોની ચર્ચા નથી કરતા પણ પદાર્થની જ ચર્ચા કરીએ છીએ, પદાર્થ કયો, તો કે કલા, તો કલાનું સૌન્દર્ય કેવી રીતે નિર્મિત થાય છે, ટૂંકીવાર્તાના પ્રકારમાં; એટલે ધ્યાન કલાના સૌન્દર્ય વિશે છે, કે કઈ જગ્યાએ વાર્તામાં ઝોલ પડી ગયો, કઈ જગ્યાએ વાર્તા વગર કારણે દીર્ઘ થઈ ગઈ, લાંબી થઈ ગઈ, કઈ જગ્યાએ પાત્ર આવી રીતે ઝાંખું પડી ગયું છે, કઈ જગ્યાએ લેખક રાચે છે, ‘રાચવું’ ક્રિયાપદ મને બહુ ગમી ગયું, ચર્ચાઓમાં; અને હું પરેશને કહેતો – પરેશ યુ આર ઇન્ડલ્જિન્ગ ઇન ઇટ. તો પરેશ કહે, ના હું ઇન્ડલ્જ નથી કરતો, મારા પાત્રને એની બહુ જરૂર છે. પણ આપણે, રઘુવીરભાઈ, આપણે લખનારાઓ, રાચતા હોઈએ છીએ, આપણી કલમ ચાલી જાય છે અને આપણને સંયમ નથી રહેતો; તો એ બધી વસ્તુઓની ખબર પડવા માંડી સામસામે બેઠા એટલે, નહીં તો ન પડત. તન્ત્રીઓને ક્યાં પડે છે? તન્ત્રીઓ તો સામયિક લઈને બેઠા છે એટલે એમને તો છાપવું જ પડશે ! છાપવું એ એમની જરૂરિયાત છે.

હવે, ચર્ચાઓ નથી થતી, પત્રચર્ચાઓનો એક જમાનો હતો, અહીં ચર્ચાઓ થાય છે. આ બધો ઉપક્રમ રચાયો અને એનાથી બહુ જ સારું થયું અને ૫૦-મા શિબિર સુધી પ્હૉંચી શકાયું. હમણાં છાયા મને રસ્તામાં કહેતી’તી કે તમે અહીં હોત તો આપણે પંચોતેર સુધી પ્હૉંચી ગયા હોત. મેં કહ્યું કે આંકડાનું કોઈ મહત્ત્વ નથી, અને આમે ય મહત્ત્વ છે, નથી એમ નથી. આપણને ગમે છે પચાસ થયાં તે, એમાં શરમાવાનું શું કરવા? અને એમાં ખોટી શરમ પણ શું કરવા ભરવાની? વિદેશની વાર્તાઓને પણ શિબિરમાં યોજવી અને એવો એક ત્રણ દિવસનો શિબિર કરેલો, અને ત્યારે તેમ હમેશાં અમારી પાસે બે પ્રખર ચર્ચાકારો હતા અમારી પાસે, પરેશ નાયક અને અજિત ઠાકોર. હું પણ ચર્ચાઓ બહુ કરતો. મારી વાર્તાની પણ ચર્ચા થતી, કહેવાતું કે લાંબી લાગે છે; હું કહેતો એ લાંબી નથી, દીર્ઘ છે. કોઈ બે બાય ચારનું કૅન્વાસ વાપરે છે, હું ચાર બાય આઠનું વાપરું છું ! વાંધો શો છે?

રઘુવીરભાઈ, બહુ સાચી વાત તમે કરી કે આને, ટૂંકીવાર્તાને, કદ સાથે કશી લેવાદેવા છે જ નહીં. સંવેદન છે, મનુષ્ય છે, પાત્ર છે, પરિસ્થતિ છે, એને જેટલું ચાલવું હોય એ ચાલે ! અલબત્ત્ ઓછાં પાત્રો છે એટલે પરિસ્થિતિ ટૂંકી જ હોવાની. ચૅખવે આટલી નાની પણ લખી છે, મોટી પણ લખી છે, અને છતાં એ ટૂંકી વાર્તાઓ જ છે. અન્તે ચોટ હોવી જોઈએ એમ કહેવામાં આવ્યું, પણ અન્તે ચોટ ન પણ આવે – એ પણ એક પ્રકારની ચોટ જ છે. વાર્તા ટૂંકી હોવા છતાં વાચકના કે ભાવકના ચિત્તમાં આગળ ચાલે છે, એની વ્યંજના, એનો વિસ્તાર; એ જો તમે કહ્યું એ સિદ્ધ કરી શકાય, તો હું એને મોટી સફળતા ગણું છું. ટૂંકીવાર્તાની સફળતા જ આ છે !

આનું જે વાતાવરણ બને છે અને આ બે દિવસ દરમ્યાન જે વાતાવરણ રચાશે તેનો ઘણો મહિમા છે. સર્જકતાને જો કશ્શાની જરૂર હોય તો ક્રીએટિવ ઍટમોસ્ફીયરની છે, બીજા નમ્બરમાં જરૂર છે તે ક્રિટિકલ ઍટમોસ્ફીયરની. તમે, મનસુખભાઈ, બહુ સરસ વાત કરી કે મોટામાં મોટા લેખને પણ પ્રતિભાવની જરૂર હોય છે. કેમ કે સરજ્યું છે તો બીજાને માટે, બીજા મનુષ્યને માટે સરજ્યું છે. આપણે વાત કરનારું પ્રાણી છીએ, વાર્તા સાથે આપણો સમ્બન્ધ છે, આપણે વાત કર્યા વિના રહી શકતા જ નથી, વાતો કરીએ છીએ ત્યારે વાર્તા રચાઈ જ જાય છે, આપોઆપ. સાહિત્યધરાના મેં ત્રણ ઉપખણ્ડ કલ્પ્યા છે – ઊર્મિકવિતા, કથાકવિતા, નાટ્યકવિતા. ત્રણે ત્રણ રોજે રોજ બને છે. સવારમાં ઊર્મિ હોય છે, બપોરે કથા હોય છે, રાતે નાટક રચાય છે. તો, જીવનની સાથે જોડાયેલું આ તત્ત્વ છે, એની આપણે કલા કરવી છે અને કલા કરવી છે એટલે શું કરવું છે એટલું જ વિચારવાનું છે. એનાં શાસ્ત્રો અપાર છે, એના સિદ્ધાન્તો અપાર છે, એની ના નથી, પણ જો એની સમજ નથી, તો કશ્શું થઈ શકે નહીં.

મને લાગે છે મેં ઘણી વાતો કરી. રઘુવીરભાઈની વાતોથી ટૂંકીવાર્તાના ઇતિહાસની લગીર ઝાંખી થઈ. વી શૂડ નૉટ ફરગેટ વૉટ ઈઝ ધ હિસ્ટરી. બાકી, ખબર નહીં પડે કે તમારાથી સારું કે ખરાબ લોકો લખી ગયા છે. યુ આર સપોઝ્ડ ટુ નો ઇટ ! તમે એની દરકાર જ ન રાખો એ તો કેમ ચાલે? અને, જો કે માત્ર મહાનને જ વાંચો, ઘાસફુસમાં પડવાનું જ નહીં. બાકી, કેટલું બધું લખાય છે? માણસને તમે લખતો નહીં રોકી શકો, જેને લખતાં આવડે છે. એને કેવી રીતે લખવું કેવી રીતે નહીં એ જુદી વાત છે, બાકી લખવું અને સરજવું એ માણસ માટે પાયાની વસ્તુ છે; એ વ્યક્ત થયા વિના રહી શકતો નથી. તો આપણે એવી વ્યક્તિ માટે, અભિવ્યક્તિ માટે, ભેગાં થયાં છીએ, એનો મને તેમ તમને સૌને આનન્દ છે.

હવે, શિબિરનો ઉપક્રમ શરૂ કરીશું. આભાર.

(06/23/23 to 07/08/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ફૂલ સમો મહેકતો માણસ

પ્રીતમ લખલાણી|Diaspora - Features|8 July 2023

પ્રીતમ લખલાણી

મારા તમારા જેવા ત્રીસપાંત્રીસ વર્ષના યુવાનને શરમાવે તેવા કાર્યશીલ નાથાબાપા મૂળ તો નવસારી પાસે આવેલ ટોળી ગામના પટેલ. છેલ્લાં પચ્ચીસ વર્ષથી પણ વઘારે સમયથી તેઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. મૂળ પોતે જન્મે પટેલ એટલે તેમના લોહીમાં જ ખેતી અને માટીની ભીની મહેક મહેકે છે. હાલમાં નાથાબાપાની ઉંમર પાંસઠ વર્ષની આસપાસ હશે! પરંતુ નાનપણથી જ નાથાબાપાએ ખેતીવાડીનું કામકાજ કરેલ હોવાથી તેમને નિરાંતે પલાંઠી વાળીને બેસવું ગમતું નથી!

તેમના દીકરા હરેશ પટેલે દસબાર વર્ષ પહેલાં રોચેસ્ટરમાં એક મોટેલ લીઘી. મોટેલના પાછલા ભાગમાં એક દોઢબે એકરના ટુકડો સાવ પડતર પડેલ. એક બપોરે નાથાબાપાએ મનમાં ને મનમાં વિચારી લીઘું, આ પડતર જગ્યામાં એકાદ નાની સરખી શાક્ભાજીની વાડી ઊભી કરી નાખું તો કેમ રહેશે; આ વિચાર તેમણે પોતાના દીકરાને બેધડક કહી નાખ્યો! હરેશ પટેલે બાપાને ઘીરજ આપતાં જણાવ્યું કે બાપા મને આ દેશના ખેતીવાડીના કાયદા કાનૂનની આંટીઘૂંટીની કશી ખબર નથી. હું આપણા વકીલ દ્વારા બઘી કાયદેસરની તપાસ કરાવી તમને એકાદબે અઠવાડિયાંમાં જણાવું છું. એક સાંજે ડાઈનિંગ ટેબલ પર સહપરિવાર ડિનર લેતા હરેશ પટેલે નાથાબાપાને ખુશખબર આપ્યા કે આપણે મોટેલ પાછળની પડતર જગ્યામાં કાયદેસરની ખેતીવાડી કરી શકીએ! આ બાબતમાં ટાઉનને કોઈ વાંધો નથી.

બીજે દિવસે હજી સવારે સૂરજ ઊગ્યો નહતો. નાથાબાપા કોદાળી અને પાવડો લઈને પડતર જગ્યામાં લાગી પડ્યા. એકાદ અઠવાડિયા જેવા ટૂંકા ગાળામાં તો બાપાએ દોઢબે એકર જમીનને વિનોબાજીની કૃષિપદ્ઘતિથી ખેડી, સાફસૂફ કરી ગુજરાત સૌરાષ્ટ્ર્ સમું ખેતર અમેરિકાની ધરતી પર ઊભું કરી નાંખ્યું!

નાથાબાપા

તે દિવસથી આજની ક્ષણ લગી એટલે કે, છેલ્લાં દસેક વર્ષથી નાથાબાપા માર્ચ એપ્રિલથી મોટેલ પાછળના ખેતરમાં સૂરજ ઊગતાંની સાથે પાવડોકોદાળી લઈને ઑકટોબરના અંત સુઘી કામે લાગી જાય. જૂન-જુલાઈ આવતાં તો બાપાની વાડી શાકભાજીથી લચી પડે! બાપાની દિનરાત મહેનતથી વાડીમાં શાકભાજીનાં ટોપલાં ને ટોપલાં ઊતરે! અઢળક ઊતરતું શાક્ભાજી જો નાથાબાપાની જગ્યાએ બીજી કોઈ વ્યકિત હોય તો તે અમેરિકામાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર સાથે સોદો કરીને વેચી નાખે અને અઢળક કમાય, પરંતુ નાથાબાપાનું હ્રદય, મન સાગરથી વિશાળ. ઢગલાબંઘ ઊતરતાં શાક્ભાજીમાંથી ફકત સાત જણના પરિવારને જોઈએ એટલું રાખી બાકીનું શાક્ભાજી સાફસૂફ કરી મોટીમોટી ગ્રોસરીની બૅગોમાં ભરી. પોતાની કારમાં ગોઠવી, બાપા શહેરમાં વસતાં સગાંસંબંઘી, મિત્રો અને અરસપરસમાં રહેતા અમેરિકન પડોશીના દરવાજે જઈને રોજ મૂકી આવે!

એક બપોરે બાપા જોડે વાડીમાં આંટા મારતાં મારાથી કહેવાઈ ગયું, “તમે આમ રોજરોજ ગ્રોસરીની મોટીમોટી બૅગો શાકભાજીથી ભરીને શહેરના આ ખૂણેથી બીજા ખૂણા સુઘી લોકોના ઘરે પહોંચાડવા કરતાં બઘાને ફોન કરીને કહી દેતા હો, તો કે ફુરસદે વાડીમાં આવીને શાક્ભાજી લઈ જાવ તો, તમને પણ આરામ!”

બાપા હસતાહસતા કહે, “અરે! પ્રીતમભાઈ, આ દેશમાં વસતા આપણા ગુજરાતી પરિવારોની જિંદગી જોઈને ઘણી વાર મને પારાવાર દુઃખ થાય. પતિપત્ની બંને આખો દહાડો કામ કરી સાંજે થાકયાંપાકયાં ઘરે આવે એટલે ચૂલો સળગાવીને થોડાં રોજરોજ રોટલીશાક અને દાળભાત કરવાના. અમેરિકનોની જેમ કૅન ખોલી સ્પેગેટી અને પાંઉના ડૂચા ખાય ટી.વી. જોતાંજોતાં સીઘા બેડમાં. હવે આ બઘાને રોજ વાડીમાં આવીને શાક્ભાજી લેવા આવવાની કયાંથી ફુરસદ મળે! આ સમજીને હું આપણા ગુજરાતી પરિવારોના ઘરની બહાર તાજા શાક્ભાજીની થેલી મૂકી આવું છું. સાંજે ઘરે કામ પરથી આવતાં બારણામાં તાજાં શાક્ભાજીમાં પરવળ, તૂરિયાં, ટમેટાં, વાલોળ અને ભીંડો જૂએ એટલે હોંશેહોંશે બઘી રસોઈ કરવાનું મન થાય અને જો બઘી રસોઈ ન બનાવે તો, ગરમાગરમ શાકરોટલી તો અચૂક બનાવે જ!”

“આમાં કયાં મારો સમય બગડવાનો. સવારે ચારપાંચ કલાકમાં શાકભાજી વાડીમાંથી ઉતારી સાફસફાઈ કરી બાકીનો દિવસ આખો હું નવરો બેસીને શું કરવાનો! બસ મનમાં એક આનંદ થાય કે મારા ઠાકોરજીનો પ્રસાદ આજે ઘણાં ઘરે પહોંચાડ્યો. આ ભાવે જ ઘરેઘરે રોજ શાક્ભાજીની થેલી મૂક્વા જાઉં છું.”    

આ નાથાબાપાનો જીવ કોઈને ખવડાવીને ખુશ થાય, ક્યારેક જો આપણાથી મજાકમશ્કરીમાં કહેવાઈ જાય કે “બાપા, તમે શાક્ભાજીની થેલી મૂકી ગયા હતા ને તે બહુ જ કામ આવી ગઈ; કાલે અમારા ફલાણાફલાણા મિત્ર તેની પત્ની સાથે ઘરે ડિનર માટે આવ્યા હતા. તમારી વાડીનાં પરવળ, તૂરિયાં અને ગલકાંના શાકની મજા માણતાં તેઓ અમને કહેવા લાગ્યાં કે આપણાં નસીબ ક્યાંથી કે અમેરિકામાં આ શાક આપણને ખાવા મળ્યાં!” આપણું આ વાકય પૂર્ણ થયું નથી અને બાપા કહેશે કે “લાવો તમારા ફ્રેન્ડનું સરનામું અને કેવી રીતે તેના ઘરે જવાનું ડિરેકશન! આવતી કાલે સવારે તેમના ઘરે પણ એકાદ થેલી પહોંચાડી દઉં. ભલે તેઓ એકાદ અઠવાડિયું લીલાલહેર કરતાં શાકરોટલીની મજા માણે!”

નાથાબાપાની વાડીનાં શાક્ભાજીની મજા ફકત અમારા ગામના જ મિત્રો માણે છે એવું નથી. ગાંઠનું ગોપીચંદન ઘસીને અમેરિકામાં દૂરદૂર વસતાં સગાંસંબંઘી મિત્રોને બાપા યુ.પી.એસ.થી અથવા ફેડરલ એકસ્પ્રેસથી, નહીંનહીં તો અઠવાડિયે દસથી બાર જગ્યાએ, શાક્ભાજી પહોંચાડવાનો લહાવો માણે.

ક્યારેક મારાથી બાપાને કહેવાઈ જાય કે “બાપા, આ બઘી હાયવોય ગામ માટે શું કામ કરો  છો?”  બાપા કહેશે! “અરે ભાઈ, આ મનુષ્યદેહ કંઈ ઘડીએ ઘડીએ નથી મળવાનો!”

‘આ વેળા આપણે કોઈ જન્મના પુણ્યે મળ્યો છે તો પ્રભુનો પાડ માનીએ! તો પછી શું કામ મનુષ્યને શાભે તેવું જીવન ન જીવવું. આપણે અહીં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા! આ વાડીમાં આપણું શું છે! જે કંઈ છે  તે તો બઘું મારા ઠાકોરજીનું છે! આપણે કોણ? ફકત તેના નીમેલા એક રખેવાળ! ઠાકોરજીને કોઈને આપવામાં વાંઘો નથી તો પછી આપણે રખેવાળે શું કામ નકામો વાઘરી જેવો જીવ રાખવો! જે દિવસે આપણી ઈચ્છાથી આ ખેતરમાં ઊગવા માંડે ત્યારે નહીં આપીએ! પ્રભુનું દીઘેલું છે તો શું કામ બે હાથે ન વહેંચીએ!

ઑકટોબરની જેવી ઠંડી શરૂ થઈ જાય એટલે બાપા ખેતરને બે હાથ જોડી બઘું ઉઠામણ કરી, જાન્યુઆરીમાં ઇન્ડિયા જવા માટે શૉપિંગ કરવા આસપાસના મોલમાં ડિસેમ્બરના અંત સુઘી આંટા ફેરા શરૂ કરી દે.

બેચાર બૅગો છલોછલ ભરાય નહીં ત્યાં લગી બાપા પોતાના ગામના હળપતિના પરિવાર માટે શૉપિંગ કર્યે રાખે. આ બઘી બૅગોમાં પોતાના અંગત કામ માટે કે નજદીકના પરિવાર માટે બાપા સમખાવા પૂરતી એકાદ નાની વસ્તુ પણ ન ખરીદે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની એકાદ સાંજે બાપાને મુંબઇ સહાર ઍરપૉર્ટથી લઈને આવતી ગાડી ટોળીના પાદરમાં પ્રવેશે તેવું જ ગામઆખું બાપાને મળવા હડી કાઢે.

ગાડીમાંથી ઊતરતા જ બાપા ઘરમાં જવાને બદલે ફળિયામાં ખાટલો ઢાળી બઘી બૅગોને વારાફરતી ખોલે. એક પછી એક હળપતિને પરિવાર સાથે બોલાવી બઘાના ખુશખબર પૂછી, છોકરાઓને કૅન્ડી, રમકડાં અને લૂગડાં આપી તમામ બૅગોને સાવ ખાલી કરી ઘરમાં પગ મૂકતા પહેલાં ખિસ્સામાંથી પોતાની રોજિંદી ડાયરીમાં ભૂલેચૂકે જે કોઈ આ વખતે રહી ગયું હોય તેની નોંઘ કરી લે જેથી આવતા વખતે તેમને ભુલાય નહીં!

અમેરિકાથી તમે જો મુંબઈ આવતા હો અને સહાર ઍરપૉર્ટ પર કોઈ સાઠપાંસઠ વર્ષના અમેરિકન પાસપૉર્ટ ધરાવતી વ્યકિતને કસ્ટમ ઑફિસર જોડે અણીશુદ્ઘ ગુજરાતીમાં માથાઝીંક કરતી જુઓ અને તેમના મોઢેથી તમને અચૂક એક વાકય સાંભળવા મળે કે, “તને ઘર્મના સોગંદ ખાઈને કહું છું કે આ બૅગોમાં હું જે કંઈ લાવ્યો છું તે મારા ગામના ગરીબ હળપતિના છોકરાંવ માટે છે. એટલે તું ઈશ્વરને ખાતર આમાં જીવ બગાડ મા, પરંતુ જો તું મારા ગામના હળપતિઓ કરતાં દૂબળો હો તો તું તારે રાજીખુશીથી આ બૅગમાંથી તારા અને તારાં છોકરાંવ માટે જે જોઈએ તે લઈ લે.” આ સાંભળતાની સાથે જ તમારે આંખ બંઘ કરીને માની લેવું કે આ માણસ નાથા પટેલ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓ

સોનલ પરીખ|Opinion - Opinion|8 July 2023

·       ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ

·       આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન

·       લોકો મોં બંધ કરાવી શકશે, વિચારને ચૂપ નહીં કરી શકે   

—    એન ફ્રેન્ક (જન્મદિન 12 જૂન)

આપણે જાણીએ છીએ કે 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધીમાં 60 લાખ યુરોપિયન યહૂદીઓ કતલ થઈ ગયા હતા. આમાંના 15 લાખ બાળકો હતાં. આમાંનાં થોડાં બાળકોએ ડાયરીઓ લખી હતી. આ ક્ષણે એન ફ્રેન્કનું નામ મનમાં આવે જ. એનો જન્મદિન 12 જૂને હતો, એ નિમિત્તે આજે વાત કરીશું એની ડાયરીની. આ ડાયરી સૌથી વધારે પ્રખ્યાત છે એ ખરું, પણ બીજાં પણ ઘણાં બાળકોએ એ સમયની ડાયરી લખી છે. આ ડાયરીઓમાં દુ:સ્વપ્ન જેવાં એ દિવસો દરમ્યાનનાં તેમના અનુભવો અને લાગણીઓ આલેખાયાં છે.

એન ફ્રેન્કની ડાયરી પહેલાં લગભગ સાત વર્ષે મિરિયમ વૅટેનબર્ગ(મેરી બર્ગ)ની ડાયરી લોકો સુધી પહોંચી હતી. પશ્ચિમના વિશ્વએ એક બાળકની કલમે પહેલી વાર હોલોકાસ્ટની ભયાનકતા જાણી હતી. મેરી 1924માં જન્મી. પોલાન્ડ જર્મનીને શરણે ગયું એ અરસામાં એટલે કે 1939માં તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું. 1940ના નવેમ્બરમાં વૅટેનબર્ગ પરિવાર – મેરી તેના માબાપ અને નાની બહેન – ને પોલાન્ડની રાજધાની વૉર્સોના ઘેટ્ટોમાં મોકલવામાં આવ્યો. મેરીની મા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી એટલે કુટુંબને થોડી સવલતો મળી હતી.

1942ના ઉનાળામાં વૉર્સો ઘેટ્ટોના લોકોને ટ્રેબ્લિંકા લઈ જવામાં આવ્યા. મેરીનું કુટુંબ અને તેના જેવા બીજા દેશોના પાસપૉર્ટ ધરાવતા પરિવારોને બદનામ એવી પાવૈક જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાંથી ફ્રાસ અને ત્યાંથી અમેરિકા પહોંચતા બીજાં બે વર્ષ થયાં. આ વર્ષો દરમ્યાન લખાયેલી મેરીની ડાયરીમાં યહૂદીઓની સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ હતો, જે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલા જ અંગ્રેજી જાણનારા લોકો સુધી પહોંચી ગયો હતો. 1945ની શરૂઆતમાં મેરી બર્ગની ડાયરી છપાઈ અને પ્રગટ થઈ. વૉર્સો ઘેટ્ટો વિશે આ પહેલા કોઈએ વાત કરી નહોતી.

એન ફ્રેન્ક 12 જૂન 1929ના દિવસે ફ્રેન્કફર્ટમાં જન્મી. એ પરિવાર સાથે એમ્સ્ટરડમના એક જૂના મકાનમાં છુપાઈ હતી. એન ફ્રેંકની ડાયરી હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે.

એનો જન્મ ફ્રેન્કફર્ટમાં. વેપારી પિતા ઑટો અને ગૃહિણી માતા એડિથની એ બીજી દીકરી. જાન્યુઆરી 1933માં નાઝી અત્યાચારો વધી ગયા ત્યારે પરિવાર એમ્સ્ટરડમ ચાલ્યો ગયો. અને ત્યાં ગુપ્તપણે આશ્રય લીધો. એન ફ્રેન્કના પરિવાર ઉપરાંત અન્ય ચાર લોકો એટલે કે કુલ આઠ લોકો બે વર્ષ સુધી આ સ્થળે છુપાયા હતા. વાંકુ વળીને એ જગ્યાએ જવું પડતું. એક નાનકડી બારીમાંથી સાવ નાનું અમથું આકાશ જોવા મળતું અને એ બારીમાંથી ખોબા જેવડું અજવાળું આવતું.

એન ફ્રેન્ક

એનને તેના બારમા જન્મદિને એક ડાયરી ભેટ મળી હતી. તેમાં તે લખવા માંડી. પરિસ્થિતિ, મનની વાતો, બનાવોની વિગત. પણ એક બાતમીદાર પાસેથી મળેલી માહિતી પરથી એન ફ્રેન્ક સહિત કુલ આઠ લોકોને આખરે ૪ ઑગસ્ટ ૧૯૪૪ના રોજ પકડીને કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા. એન અને તેની બહેન માર્ગોટને વેસ્ટરબૉર્કની છાવણીમાં, ત્યાર પછી ઓશવિટ્ઝ અને પછી બર્ગન-બેલ્સેન મોકલવામાં આવ્યા.

એનની માતા એડિથ ફેન્કનું ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ભૂખ અને થાકને કારણે મૃત્યુ થયું. તેના બે મહિના બાદ એન અને તેની બહેન માર્ગોટ બંને બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યા. તેમનાં મૃત્યુની ચોક્કસ તારીખો મળતી નથી. ૧૨ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે બ્રિટિશરોએ કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં રહેલા લોકોને મુક્ત કર્યા, તેમાં એનના પિતા ઓટો ફ્રેન્ક પણ હતા. માંડ એમ્સ્ટરડમ પહોંચી એમણે ડાયરી અને બીજાં કાગળો મેળવ્યાં. 

પહેલીવાર નેધરલૅન્ડમાં આ ડાયરી પહોંચી ત્યારે 1947ની સાલ હતી. 1952માં અંગ્રેજીમાં ‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ નામથી એ પ્રગટ થઈ અને ઝડપથી વિશ્વના સૌથી વધારે વંચાયેલાં પુસ્તકોમાં સ્થાન પામી. એન ફ્રેન્ક હોલોકાસ્ટનો ભોગ બનેલાં તમામ બાળકોનું પ્રતીક બની ગઈ. હોલોકાસ્ટનો ભોગ બનેલાં બાળકોનાં અન્ય લખાણો થોડા વખત માટે આ ડાયરી પાછળ ઢંકાઈ ગયાં. પણ એ ડાયરીએ જે કુતૂહલ અને સહાનુભૂતિ જગાડ્યાં હતાં એને કારણે જ અન્ય ડાયરીઓ પણ પ્રગટ થઈ અને યુદ્ધગ્રસ્ત યુરોપમાં નાઝી દમનનો ભોગ બનેલા યહૂદી બાળકોની તકલીફો પર પ્રકાશ પડ્યો.

આ બાળલેખકોમાં ગરીબ ખેડૂતોનાં બાળકો હતાં. મધ્યમવર્ગનાં વ્યવસાયીઓનાં બાળકો હતાં, ધાર્મિક કુટુંબોનાં, સેક્યુલરોનાં અને શ્રીમંતોનાં સંતાનો હતાં. પણ આ બધાં શ્રદ્ધાળુ હતાં. અમુક જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગી છૂટેલાં નિરાશ્રિતો હતાં, અમુક ક્યાંક ગુપ્તપણે છુપાઈને રહેતાં હતાં. અમુક ઘેટ્ટોમાં રહેતાં, થોડાં કોન્સન્ટ્રેશન કૅમ્પોમાં પણ રહ્યાં હતાં.

આ ડાયરીઓ 1930ના અંત અને 1940ની શરૂઆતમાં લખાયેલી છે, લખનારાં છે જર્મની, ઑસ્ટ્રિયા અને ઝેક પ્રદેશનાં બાળકો. હાથમાં આવ્યાં તેવાં નોટબુક-પેન્સિલથી છુપાઈને ફફડતા જીવે લખવાનું – છતાં એમણે લખ્યું છે કેમ કે મનની વ્યથા ઠાલવવાનો એ એક જ ઉપાય હતો. ઘેટ્ટોમાં રહેતાં બાળકોની ડાયરીઓમાં વિસ્થાપનનો આતંક અને દૂર અજાણી જગામાં અપરિચિત લોકો વચ્ચે નિરાશ્રિત બનીને અનેક અભાવો વચ્ચે જીવાતા જીવનની અસહાયતા છે. અગવડો, ભય, અજાણ્યા માણસો, અભાવો, શરીર તોડી નાખે એવી મજૂરી, ટકવા માટેનો જીવલેણ સંઘર્ષ અને આ બધાં વચ્ચે પણ સર્જનાત્મકતા, આનંદ, રમવાનું ને શીખવાનું ચાલુ રાખવાની કોશિશ. ખૂબ ડાયરીઓ મળી આવેલી ત્યાંથી.

આ બાળકોએ યુદ્ધ પછી નવા દેશોમાં વસવા માટે વીઝા અને ઇમિગ્રેશન પેપર્સ માટે પડેલી તકલીફો, સંસ્કૃતિ અને ભાષાની સમસ્યાઓ, વિખૂટાપણું પણ વર્ણવ્યાં છે. ગેરકાયદેસર રીતે ભાગેલા પરિવારોનાં બાળકોએ તેમની ભયાનક સફરની યાતના અને પકડાઈ જવાના ભયનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. 

જે બાળકો ગુપ્તપણે રહેતાં તેમના પરિવારો જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગીને પૂર્વ અને પશ્ચિમ યુરોપમાં ભોંયરામાં, માળિયામાં, કોટડીઓમાં છુપાયાં હતાં. એમની તકલીફો અને ભય અને ચિંતા અનંત હતાં. આ બાળકોને બહાર જવા કે કોઈને મળવા ન મળતું. નાની એવી જગામાં કલાકો સુધી ચૂપચાપ પુરાઈ રહેવાનું. કોઈના પગલાંના અવાજ પણ એમને ધ્રૂજાવી દેતા. આસપાસના લોકો એમને શંકાની નજરે જોતા. નામ-ઓળખ છુપાવી ખોટા નામે રહેવાનું અને ભૂલેચૂકે કોઈ આવે તો પઢાવેલા જવાબો આપવાના. એમને આશ્રય આપનાર અન્ય ધર્મ પાળનારા હોય તો એમને એ ધર્મોની પ્રાર્થનાઓ શીખવી ને બોલવી પડતી, જેથી પોતે કે આશ્રય આપનાર તકલીફમાં ન મુકાય. એક ખોટું વર્તન ભયાનક જોખમ ઊભું કરી શકે એમ હતું.

અનેક ડાયરીઓ ઘેટો બહાર વસતાં બાળકોએ પણ લખી છે. આ બધી ડાયરીઓ એના લખનારને તો વ્યક્ત કરે છે, પણ સમગ્રપણે એ હોલોકાસ્ટ દરમ્યાન જીવેલાં અને મૃત્યુ પામેલાં બાળકોની કરુણ મનોદશાનો ચિતાર આપે છે. આવી અનેક ડાયરીઓ અમેરિકાના હોલોકાસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે.

એન ફ્રેન્કનું પૂરું નામ એન્નેલીસ મેરી ફ્રેન્ક હતું. તેની ડાયરી કાલ્પનિક મિત્ર કિટ્ટીને સંબોધીને લખાઈ છે. પહેલો સંદેશ જૂન 12, 1942ના દિવસે લખાયો છે. ડાયરી લખવી એ કઠોર વાસ્તવિકતામાંથી બચવાનો પ્રયત્ન હતો. 1944માં રેડિયો પર નેધરલેન્ડના પ્રધાન મંત્રીએ સંદેશ મૂક્યો કે નાઝી અત્યાચારોને લગતા દસ્તાવેજો સૌએ જાળવવા. ખાસ કરીને યહૂદીઓએ, આ સાંભળી એને પોતાની ડાયરીની વિગતો પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એન ફ્રાન્કનું સંગ્રહાલય તે જ ઘરમાં છે જેમાં તેણે આશ્રય લીધો હતો. 1959માં જ્યોર્જ સ્ટીવેન્સે ‘ડાયરી ઓફ એન ફ્રેન્ક’ નામની ફિલ્મ બનાવી હતી. તેની અભિનેત્રીને ઓસ્કાર મળ્યો હતો.

એન લખે છે તે યાદ રાખીએ, ‘ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ.’ ‘આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન’ ‘લોકો તમારું મોં બંધ કરાવી શકશે, પણ તમારા વિચારને ચૂપ નહીં કરી શકે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 જૂન 2023

Loading

...102030...1,1111,1121,1131,114...1,1201,1301,140...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved