Opinion Magazine
Number of visits: 9566319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માવઠું 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 May 2023

કાવ્યકૂકીઝ

માવઠું હવે નિયમિત થઈ ગયું છે

પહેલાં તે ક્યારેક જ થતું

હવે ક્યારેક જ નથી થતું !

હવે ઉનાળામાં વરસાદ પડે છે

તો ચોમાસામાં ન પડે એવું બને

એટલે જતે દિવસે ચોમાસું જ માવઠું

કહેવાય તો નવાઈ નહીં !

પહેલાં શું હતું કે શિયાળામાં ટાઢ પડતી

ને ઉનાળામાં તાપ પડતો

ચોમાસું લીંબુનું શરબત પીને વરસતું

પણ હવે ઋતુઓનું ઠેકાણું રહ્યું નથી

હવે તો એક જ દિવસમાં

ત્રણે ઋતુઓનો અનુભવ થાય છે

જતે દિવસે ઋતુઓ કલાકને હિસાબે

બદલાય તો નવાઈ નહીં !

બે કલાક ટાઢ વાગે ને સ્વેટર પહેરો

ત્યાં તો પરસેવો થવા લાગે એમ બને

ઘડીભર તો ગભરામણ થાય કે

હાર્ટએટેક આવવાનો કે શું?

જરા એસી ચાલુ કરો ત્યાં તો

આકાશમાં કડાકાભડાકા થવા લાગે

ને ઘરમાં જ છત્રી ખોલવાનો વારો આવે

જરાવારમાં તો નળ સિવાય

બધેથી જ પાણી આવવા લાગે

આવું તો કેમ ચાલે?

પણ જેને પત્ની છે તેને ચાલે છે

જેમ પત્નીથી ટેવાઇ જવાય છે એમ જ

માવઠાંથી ય ટેવાઇ જવાય છે

માવઠાંનું જેમ નક્કી નહીં

એમ જ પત્નીનું ય ઠેકાણું નહીં !

આગાહી ન હોય ને વરસે તે માવઠું

એમ જ આગાહી હોય ને

પિયરથી ન આવે એ પત્ની !

પત્ની બારમાસી માવઠું છે

તે આંખોથી ન વરસે તો

મોંથી વરસતી રહે છે

પતિ પથરા જેવો હોય તો પણ

પલળીને પૂંઠા જેવો થઈ જાય છે

માવઠું વરસે તો પાકને નુકસાન થાય

ને પત્ની વરસે તો આખા ય પાકશાસ્ત્રને !

વધારે કૈં કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

હવે રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાના થઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 May 2023

રમેશ ઓઝા

ભારતીય રાજકારણમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે રસપ્રદ છે. આવી એક સ્થિતિ ૧૯૬૫ પછીનાં વર્ષોમાં જોવા મળી હતી. જેમ કે સમાજવાદી વિચારધારાને વરેલો સમાજવાદી પક્ષ અને સમાજવાદી નેતાઓ સમાજવાદી ભારતીય રાષ્ટ્રનું નિર્માણ કરશે એમ માનીને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ પક્ષ માટે કામ કરતા હતા. સમાજવાદી નેતાઓ માત્ર નેતા નહોતા તેમનાં હીરો હતા. તેમણે તેમનાં પર શ્રદ્ધા રાખીને જિંદગી ન્યોછાવર કરી દીધી હતી. આવું જ સામ્યવાદી પક્ષ, કાઁગ્રેસ અને બીજા પક્ષોની બાબતમાં. જનસંઘ આમાં અપવાદ કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિચારવાની, શંકા કરાવાની અને વિચારવાની મનાઈ છે. મનાઈ શું એવી તેમને ટ્રેનિંગ જ નથી મળી. તેમને ટ્રેનિંગ વિચાર્યા વિના કે પ્રશ્ન કર્યા વિના આદેશનું પાલન કરવાની મળી છે. આ સિવાય ભારતીય જનસંઘ એક અછૂત પક્ષ હતો એટલે કોઈની પણ સાથે સહશયન કરવાનો કોઈ સવાલ નહોતો. રામનાથ ગોએન્કાના શબ્દોમાં ન મિલી કે સાધુ હતા.

હવે બન્યું એવું કે ૧૯૬૫ સુધીમાં સંસદીય રાજકારણમાં પોતાની જગ્યા બનાવતા અને બનેલી જગ્યા ટકાવી રાખવા નેતાઓએ એટલાં બધાં વૈચારિક અને નૈતિક સમાધાનનો કર્યાં કે તેમનો અસલી ચહેરો જ ઓળખી શકાય એવો નહીં રહ્યો. ધીરેધીરે યુવા કાર્યકર્તાઓની અંદર એક નિરાશા વધવા માંડી. ભ્રમનીર:સન થવા લાગ્યું, છેતરાયા હોવાની લાગણી પેદા થવા લાગી અને તેમને એવું પણ લાગ્યું કે નેતાઓની સત્તાલાલસા માટે આપણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આવું હમણાં કહ્યું એમ એક માત્ર જનસંઘને છોડીને દરેક પક્ષમાં આવી લાગણી જોવા મળી અને યુવાનો પક્ષથી દૂર થવા માંડ્યા. તેમણે વિચારધારા પકડી રાખી અને પક્ષોથી દૂર થવા લાગ્યા. તેમણે નેતાઓ સામે બળવો કર્યો અને પોતપોતાનાં સંગઠનો સ્થાપવા લાગ્યા. તેઓ પોતાને સંસદીય રાજકારણથી દૂર રહેનારા નિર્દલિય પણ રાજકીય ભૂમિકા લેનારા અને સક્રિય ભૂમિકા ભજવનારા તરીકે ઓળખાવવા લાગ્યા.

આનું પરિણામ એ આવ્યું કે રાજકીય પક્ષો વિચાર કરાવાની ક્ષમતા ધરાવનારા, પ્રતિબદ્ધ, ધગશ ધરાવનારા અને પ્રામાણિક કાર્યકરોથી વંચિત થઈ ગયા. પક્ષો વૈચારિક અને નૈતિક દબાણ અને દિશાદર્શન એમ બન્નેથી વંચિત થઈ ગયા. હવે પક્ષમાં જે આવતા હતા એ બધા જ સત્તાવાંછું હતા. તેઓ દરેક પ્રકારના સમાધાન કરતા હતા અને સત્તા માટે પક્ષાંતર કરતા હતા. સરવાળે રાજકીય પક્ષોએ તેનું મૂળ ચરિત્ર ગુમાવી દીધું.

૧૯૬૫ પછી જે જોવા મળ્યું હતું એ અત્યારે જુદા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. એમ કહી શકાય કે એક ડગલું આગળ. ત્યારે યુવાકાર્યકર્તાઓએ પક્ષના નેતાઓની આંગળી છોડી હતી તો અત્યારે જે તે પક્ષ અને તેના નેતાઓનું સમર્થન કરનારા લોકો આંગળી છોડી રહ્યા છે. ભારતમાં અનેક રાજકીય પક્ષો જે તે વર્ગવિશેષનાં હિત ખાતર સ્થપાયા હતા. કોઇ દલિતો માટે, કોઈ શીખો કે મુસલમાનો માટે. કોઈ પ્રાદેશિક અસ્મિતાઓ માટે.

હવે આજે જોવા મળી રહ્યું છે કે દેશભરમાં જે તે વર્ગવિશેષનાં લોકો આંદોલિત છે પણ તેમના નેતાઓ અને સત્તાવારપણે તેમના હિતનું રાજકારણ કરનારા પક્ષો ક્યાં ય નજરે પડતા નથી. દલિતો આંદોલિત છે પણ માયાવતી કે રામદાસ આઠવલે ક્યાં ય નજરે પડતા નથી. મુસલમાનો આંદોલિત છે પણ ઓવૈસી ક્યાં ય નજરે પડતા નથી. ખેડૂતો આંદોલન કરે છે પણ કોઈ કિસાનનેતા કે તેમનાં પક્ષો ક્યાં ય નજરે પડતા નથી. લોકોને હવે તેમની જરૂર પણ નથી. નેતાઓ વેચાઈ ગયા છે અથવા એટલા ભ્રષ્ટ છે કે તેઓ આગળ આવીને આંદોલકારીઓનું નેતૃત્વ કરતાં ડરે છે. એવું નથી કે દેશમાં નારાજગી નથી. એવું નથી કે નારાજ પ્રજા આંદોલિત નથી. ગોદી મીડિયા તે બતાવતા નથી અને નેતાઓ અને રાજકીય પક્ષો આગળ આવતા ડરે છે. કિસાન આંદોલન નેતાઓ અને પક્ષોનાં નેતૃત્વ વિના અને ખુલ્લા સમર્થન વિના પણ સફળ થયું હતું.

આનો અર્થ એવો નથી કે હવે પછીની ચૂંટણીમાં જે તે સમાજવિશેષ પોતાના પક્ષને મત નહીં આપે, ક્દાચ આપે પણ ખરાં, પણ પક્ષો અને નેતાઓએ તેમનું હોવાપણું ગુમાવી દીધું છે. પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. ૧૯૬૫ પછી જેમ કેટલાંક પક્ષો તેજસ્વી અને નિસ્પૃહ કાર્યકર્તા વિનાનાં થઈ ગયા એમ હવે પછી આ બધા રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાનાં થઈ જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 મે 2023

Loading

આખરી ખત: ખન્નાના સ્ટારડમનો પહેલો પત્ર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 May 2023

રાજ ગોસ્વામી

રાજેશ ખન્નાની ફિલ્મોની વાત થાય ત્યારે સામાન્ય રીતે તેની પહેલી ફિલ્મ ‘આખરી ખત’નો ઉલ્લેખ થતો નથી. એનાં બે કારણ છે; એક તો હિન્દી સિનેમાના તારા નહીં પણ સૂરજ જેવી તેની કારકિર્દીમાં એવી એવી ઝળહળતી ફિલ્મો આવી કે ‘આખરી ખત’ જેવી ઘણી ‘સાધારણ’ ફિલ્મો ઝંખવાઈ ગઈ અને બીજું, 1966માં આ ફિલ્મ આવી ત્યારે પણ તેની પાસેથી કોઈ ખાસ અપેક્ષા નહોતી. આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે, 1964ની તેમની ખર્ચાળ યુદ્ધ-ફિલ્મ ‘હકીકત’ પછી, લો-બજેટમાં એક પ્રયોગાત્મક ફિલ્મ તરીકે ‘આખરી ખત’ હાથમાં લીધી હતી. 1967ના ઓસ્કાર એવોર્ડ માટે ‘આખરી ખત’ને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ પણ કરવામાં આવી હતી. એને કેમ એવોર્ડ ના મળ્યો તે ખબર નથી. વિચાર કરો, રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ ઓસ્કાર માટે ગઈ હતી!

ફિલ્મની સ્ક્રિપ્ટ એકદમ પાતળી હતી; 15 મહિનાનું એક અનાથ શિશુ મુંબઈની સડકો પર ભૂલું પડી જાય છે અને સિનેમેટોગ્રાફર જાલ મિસ્ત્રીનો હાથેથી પકડેલો કેમેરા તેની પાછળ-પાછળ ફરે છે. બ્લેક-એન્ડ વ્હાઈટ ફિલ્મોના એ જમાનામાં આવા મૂવિંગ કેમેરાનો પ્રયોગ કદાચ પહેલીવાર થયો હતો. જાલ અને તેમના ભાઈ ફાલી મિસ્ત્રીએ એ જમનામાં સિનેમેટોગ્રાફીમાં બહુ નામ કાઢ્યું હતું.

ચેતન આનંદ મૂળ તો ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન(ઇપ્ટા)ની પેદાઈશ હતા. તે હિન્દી સિનેમાની સ્ટાર-સિસ્ટમમાં માનતા નહોતા. એટલા માટે, 1965માં, નિર્માતાઓના એક સંગઠન યુનાઇટેડ પ્રોડ્યુસર એન્ડ ફિલ્મફેરની પ્રતિભા-શોધ સ્પર્ધામાં વિજેતા નીવડેલા જતીન ખન્નાને તેમણે ‘આખરી ખત’ માટે અને એ સંગઠનના અધ્યક્ષ જી.પી. સિપ્પીએ ‘રાઝ’ ફિલ્મ માટે સાઈન કર્યો હતો. જો કે ‘આખરી ખત’ તેના પહેલાં રિલીઝ થઇ હતી.

આ સ્પર્ધામાં 10,000 ઉમેદવારોમાંથી 8 જણા ફાઈનલમાં આવ્યા હતા અને તેમાંથી ખન્ના, સુભાષ ઘાઈ અને ફરીદા જલાલ વિજેતા જાહેર થયા હતા. એ વર્ષે જ, શશી કપૂર-નંદાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’માં જતીન ખન્ના નામનો એક એક્ટર હતો, એટલે ખન્નાએ તેનું નામ બદલીને રાજેશ રાખ્યું હતું. ચેતન આનંદને ત્યારે અંદાજ પણ નહોતો કે 15 વર્ષ પછી તેઓ તેની સાથે ‘કુદરત’ ફિલ્મ બનાવશે, ત્યારે એ નવોદિત ખન્ના હિન્દી સિનેમાના ઇતિહાસનો સૌથી મોટો સુપરસ્ટાર બની ગયો હશે.

અમિતાબ બચ્ચનની ડેબ્યુ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’વાળા કે.એ. અબ્બાસે, 1954માં ‘મુન્ના’ નામની એક ફિલ્મ બનાવી હતી. તેમાં છ વર્ષના એક છોકરાને તેની વિધવા માતા અનાથાલયમાં મૂકી દે છે. ત્યાંથી એ છોકરો ભાગી છૂટે છે અને માતાની શોધમાં શહેરમાં ફરે છે એવી વાર્તા હતી. ‘મુન્ના’ હિન્દી સિનેમાની પહેલી ગીત વગરની ફિલ્મ કહેવાય છે. તત્કાલીન વડા પ્રધાન નહેરુને આ ફિલ્મ બહુ ગમી હતી અને ફિલ્મના યુનિટને જમવા માટે ઘરે બોલાવ્યું હતું.

‘આખરી ખત’ની પ્રેરણા અબ્બાસની ફિલ્મ હતી. તેમાં કુલ્લુ ગામમાં રહેતો શિલ્પકાર ગોવિંદ (ખન્ના) ગામની છોકરી લજ્જો (‘ધરમ વીર’માં મહારાણી મીનાક્ષીની ભૂમિકા કરનાર ઇન્દ્રાણી મુખરજી) મંદિરમાં જઈને ખાનગીમાં લગ્ન કરે છે. એ પછી ગોવિંદ વધુ ભણવા માટે શહેર જાય છે. ગામમાં લજ્જોને ખબર પડે છે કે તે પેટથી છે, એટલે તે ગોવિંદની તલાશમાં શહેર આવે છે. ગોવિંદ હવે ફરી જાય છે અને લજ્જો ગોવિંદના દરવાજે એક કાગળ મૂકીને જતી રહે છે. લજ્જો એંઠું વીણીને બાળકને ખવડાવે છે અને એક દિવસ તેને અનાથ મૂકીને મરી જાય છે. બાળક શહેરમાં રઝળી પડે છે. બીજી બાજુ, લજ્જોનો કાગળ વાંચ્યા પછી ગોવિંદને તેની ભૂલ સમજાય છે અને તે તેના દીકરાની શોધમાં નીકળે છે.

લગ્ન વગરના માતૃત્વ પર વર્ષો પછી અનેક ફિલ્મો બની હતી, પરંતુ ‘આખરી ખત’ની વિશેષતા એ હતી કે તેનો ‘હિરો’ 15 મહિનાનું બાળક બુન્ટુ હતું. બાળક શહેરમાં ભટકતું હોય તેવાં દૃશ્યોને સહજ રીતે કેપ્ચર કરવા માટે ચેતન આનંદે તેને સડકો પર છોડી મુકતા હતા અને એક માણસને સંતાડી રાખેલો કેમેરા સાથે તેની પાછળ ફરવાનું કહેતા હતા. આટલા મોટા શહેરમાં માતા વગર રઝળી જવાની તેની વ્યથા અને નિર્દોષતા આબાદ રીતે પડદા પર ઉભરી આવી હતી. એ રસ્તા પર પડેલો ખોરાક ખાય છે, મંદિરમાંથી ભગવાનનો પ્રસાદ લઇ લે છે અને કચરામાં પડેલી ઊંઘવાની ગોળીઓ ખાઈને રેલવે સ્ટેશન પર સૂઈ જાય છે.

ફિલ્મમાં મુંબઈ જેવા મોટા શહેરની નિર્દયતા પર પણ એક ટીપ્પણી હતી. જેમ કે, ગોવિંદ અને પોલીસ ઇન્સ્પેક્ટર એક બાળક પાસે રડતા માણસને રડવાનું કારણ પૂછે છે તો પેલો વળતો સવાલ કરે છે, “યહાં રોના મના હૈ? પીના તો મના હૈ, ખાના ભી મના હો રહા હૈ, હંસના તો અપને આપ હી મના હો જાયેગા, પર રોના કયું મના હૈ?”

એ બાળ કલાકારનું નામ માસ્ટર બંટી હતું. એક જમાનામાં ઇન્દ્ર કુમાર બહેલ નામના એક ભાઈ હેમા માલિનીના સેક્રેટરી હતા. આ આઈ.કે. બહેલે 1978માં, વિજય આનંદના નિર્દેશન તળે ધર્મેન્દ્ર, હેમા, દેવ આનંદ, પરવીન બાબી, શશી કપૂર, ટીના મુનિમ અને ઋષિ કપૂરને લઈને એક મલ્ટી-સ્ટારર ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી, પણ એમાં પૈસાના ગોટાળાને લઈને હેમાએ બહેલને કાઢી મુક્યા હતા. માસ્ટર બંટી આ આઈ. કે. બહેલનો દીકરો હતો. 18 વર્ષ પછી, ચેતન આનંદના લઘુ બંધુ દેવ આનંદે ‘હમ નવજવાન’ ફિલ્મમાં તેને બંટી બહેલ નામથી (સંજય દત્તની પહેલી પત્ની) રિચા શર્મા સામે હિરો તરીકે પેશ કર્યો હતો.

‘આખરી ખત’નું બીજું એક આકર્ષણ તેનું સંગીત છે. કૈફી આઝમી અને ખય્યામની જોડીએ તેમાં સુમધુર ગીતો આપ્યાં હતાં. કુલ પાંચ ગીતો હતાં. તેમાંથી બે ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે; ‘બહારો મેરા જીવન ભી સંવારો’ લતા મંગેશકર અને ખય્યામની કારકિર્દીનાં શ્રેષ્ઠ ગીતોમાંથી એક છે. પ્રેમાતુર યુવતીના દિલની વાત કહેતું તેનું હ્રદયસ્પર્શી કમ્પોઝિશન અને કૈફીની શુદ્ધ કવિતા યાદગાર છે. કૈફી એમાં લખે છે;

રચાઓ કોઈ કજરા લાઓ ગજરા, લચકતી ડાલિયોં તુમ ફૂલ વારો

લગાઓ મેરે ઇન હાથો મેં મહેંદી, સજાઓ માંગ મેરી યા સિધારો બહારો

બીજું રોમેન્ટિક ગીત ‘રૂત જવાન રાત મહેરબાન’ ભુપેન્દર સિંહના અવાજમાં છે. ચેતન આનંદે ‘હકીકત’માં તેમના અભિનયથી ખુશ થઈને ગોવિંદનો રોલ ભુપિન્દરને ઓફર કર્યો હતો. એ વાત ના બની એટલે તેમણે સંજય ખાનનો સંપર્ક કર્યો હતો અને એમાં પણ કંઈ ન ગોઠવાયું એટલે તેમણે નવોદિત ખન્નાને આ રોલ આપ્યો હતો. ખન્ના માટે આ ફિલ્મ લોટરી સાબિત થઇ.

2009માં, ખન્નાને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું, “આખરી ખત નિર્દેશકની ફિલ્મ હતી. ચેતન આનંદ બહુ સંવેદનશીલ અને કલ્પનાશીલ નિર્દેશક હતા. ફિલ્મમાં મારા માટે છેલ્લું દૃશ્ય બહુ પડકારભર્યું હતું જેમાં મારે ગમગીન મૂડ બતાવાનો હતો. ચેતન આનંદ મને મોડી રાતે ઊંઘમાંથી ઉઠાડીને શૂટ કરાવતા હતા જેથી ચહેરા પર દુઃખી ભાવ દેખાય.”

‘આખરી ખત’ને બોક્સ ઓફિસ પર બહુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો પણ ફિલ્મ વિવેચકોએ તેને ખૂબ વખાણી હતી. એમાં ખન્નાની નોંધ લેવાઈ હતી. એટલે જ, નાસિર હુસેને 1967માં તેમની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ‘બહારોં કે સપને’ માટે ખન્નાની પસંદગી કરી હતી. હુસેન સાથે ખન્નાની એ એક માત્ર ફિલ્મ છે. આર.ડી. બર્મન સાથે પણ આ તેની પહેલી ફિલ્મ. પાછળથી, ખન્ના અને બર્મન (કિશોર કુમાર સાથે મળીને) એક પછી એક હિટ ગીતો આપવાના હતા. એ જ વર્ષે, ‘રાઝ’ પણ આવી (જેની વાત ફરી ક્યારેક) અને અંગ્રેજીમાં કહે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1071,1081,1091,110...1,1201,1301,140...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved