Opinion Magazine
Number of visits: 9667282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટી ન તો કેવળ કથારસ છે, ન તો એ વિપક્ષને ઝૂડવાની લાકડી માત્ર છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 June 2023

કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ. એવા કોઈ સપાટ ટુચકામાં આ અનવસ્થાનો ઉગાર નથી.

પ્રકાશ ન. શાહ

હર જૂન માસના ગોરંભાતે ત્રીજે-ચોથે અઠવાડિયે 1975ના જૂનની સત્તાવીસમી તારીખ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલી એક વિલક્ષણ મૃત્યુનોંધની યાદ તાજી થઈ આવે છે, દૂઝતો જખમ જાણેઃ

D’Ocracy – D.E.M., beloved husband of T. Ruth, loving father of L.I. Bertie, brother of Faith, Hope, Justice, expired on 26th June.

દેખીતી રીતે જ, છાપાંઓ સમાચાર અને ટિપ્પણી બાબતે લગભગ મ્યાન અને મૌન હોવાનાં હતાં ત્યારે, ઇંદિરાઈ કટોકટીરાજની વળતી સવારે, જેને દેશનું ને લોકશાહીનું દાઝતું હતું એવા એક વાચકે પ્રજાસત્તાક જાણે રાણીસત્તાકમાં ફેરવાઈ ગયાની સટીક રજૂઆત જાxખના સ્વાંગમાં કરી હતી.

હમણાં મેં ‘રાણીસત્તાક’ કહ્યું પણ કટોકટીરાજ કંઇ બ્રિટિશ રાજાશાહીની જેમ, જેમાં ‘રાજાએ પોતાના ડેથ વૉરન્ટ પર પણ સહી કરવી પડે’ એવી સંસદીય લોકશાહી પ્રણાલિવાળું અલબત્ત નહોતું.

કુલદીપ નાયરથી માંડીને અનેક પત્રકારોએ અને અડવાણી સહિતના ભુક્તભોગીઓએ મૂળભૂત અધિકારો સ્થગિત હોય, હોબિયસ કોર્પસનો અતોપતો ન હોય એવી અનવસ્થા અને જેલરાજનાં ચિત્રો આપ્યાં છે. એ વરસોમાં એક્સપ્રેસ જૂથની નવીનવી પત્રકાર કૂમી કપૂરે પણ ‘ધ ઇમરજન્સીઃ પર્સનલ હિસ્ટરી’ નામે કિતાબ લખી છે. જેમાં એમના પોતાના પત્રકારી અનુભવો ઉપરાંત મિસાવાસી થનાર પતિ વીરેન્દ્ર કપૂર અને બનેવી(સુબ્રમણ્યમ્‌ સ્વામી)નાં અનુભવો અને અવલોકનો પણ અચ્છા અંબોળાયાં છે. કૂમીની કિતાબ તરતમાં ગુજરાતીમાંયે સુલભ થઈ રહી છે. ઉપરાંત, ગુજરાતીમાં આપણી પાસે ‘સંઘર્ષમાં ગુજરાત’ (નરેન્દ્ર મોદી) અને ‘મીસાવાસ્યમ્’ (વિષ્ણુ પંડ્યા) એ બે વ્યક્તિગત કાર્યાનુભવ અને કારાનુભવ સહિતનાં કટોકટીવૃતાંત સુલભ છે. સવિશેષ તો, પુરુષોત્તમ માવળંકરનાં લોકસભાનાં ને ઉમાશંકર જોશીનાં રાજ્યસભાનાં પ્રવચનો એમના પોતાના જ ગુજરાતી અનુવાદમાં પ્રાપ્ત છે. આપણી મિરાત જ કહો ને.

તે વર્ષોમાં ઇંદિરાજીના પ્રધાનમંડળના જુનિયર સાથી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે ‘એ ગાળો એક એવા દુઃસાહસનો પુરવાર થયો જેની બહુ મોટી કિંમત કાઁગ્રેસે અને દેશે ચૂકવવી પડી હતી.’ ગમે તેમ પણ ઇંદિરા ગાંધીએ કટોકટીરાજ લંબાવવાની જોગવાઈ છતાં ચૂંટણી આપી એ એક અણધારી મોટી વાત હતી. કુલદીપ નાયરે સંજય ગાંધી જેવા એ કાળના સર્વેસર્વાને પૂછ્યું કે તમે કેમ ચૂંટણી આપી ત્યારે સંજય ગાંધીએ એ મતલબનું છાંછિયું કરેલું કે હું તે વળી એવી ભૂલ કરું ? પૂછો મારી માને.)

હવે બે વરસ, અને કટોકટી જાહેરાતની ખાસી એક પચાસી પૂરી થશે. વ્યક્તિગત વાર્તારસવાળી સામગ્રીથી ઊંચે ઊઠી વિશ્લેષણાત્મક ખરી ને પૂરી તપાસ હાથ ધરવાની જરૂર છે. આ તપાસ કટોકટીકાળની તો હોય જ હોય. દુર્દૈવ વાસ્તવ, અરુણ શૌરિની યાદગાર ટિપ્પણી મુજબ, એ છે કે નાનામોટા હેતુસર ચર્ચાવિચારણા કરતી આઈ.એ.એસ. મંડળીને શાહ તપાસ પંચના હેવાલની ચર્ચા કરવાપણું લાગ્યું જ નહીં. એમાં વળી ઇંદિરા ગાંધીએ પુનઃ  સત્તારૂઢ થયા પછી હેવાલની પંચમહાભૂત આવૃત્તિ વાસ્તે અગ્રક્રમે કાળજી લીધાના વાવડ છે. 1977-78માં શાહ કમિશને જે ગંજાવર કામ દીધું તેની ટ્રાન્સક્રિપ્શન્સ સુદૂર જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં જ કદાચ જળવાઈ છે. ક્રિસ્ટોફ જે. ફ્રોલેટે ‘ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ’માં તે ખપમાં લીધી પણ છે.

જો કે શાહ કમિશન સમક્ષની બધ્ધેબધ્ધી જુબાની સુલભ થાય એ પણ પૂરતું નથી. કેમ કે કટોકટીરાજ તે એક પા ઇંદિરાઈ કાઁગ્રેસ વિ. જનતા પરિવાર (હવે બહુધા ભા.જ.પ.) એવો સીધોસાદો સ્વયંપર્યાપ્ત કિસ્સો નથી. સ્વરાજના આરંભકાળથી આજ સુધીના રંગપટ પર તે કોઈ કૌંસકથા માત્ર નથી. મહાન સ્વરાજનિર્માતાઓએ કટોકટી જોગવાઈની જરૂરત જોઈ તે વિભાજનની વિભીષિકા જોતાં સ્વાભાવિક હતું. (જો કે 1975-77માં તેનો દુરુપયોગ જોઈ બંધારણ સભાના સભ્યપદે રહેલા કે. સંથનમે આત્મશુદ્ધિના ઉપવાસ કર્યા હતા.) હૈદરાબાદની રઝાકાર પ્રવૃત્તિ, તેલંગણમાં રણદીવેની કથિત ક્રાંતિપ્રવૃત્તિ વગેરે નિમિત્તો, જેમ કે પ્રતિબંધક અટકાયતના અભિગમને દેઢાવનારાં હતાં. નેહરુ-પટેલ એની તરફેણમાં ને શ્યામા પ્રસાદ મુખર્જી એની વિરુદ્ધમાં એવું પણ જોવા મળે છે. મુખર્જીની ત્યારની બધી જ દલીલો લગભગ બેઠ્ઠી ને બેઠ્ઠી આજની સરકાર સામે શક્ય છે.

કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ., એ આ અનવસ્થાનો ઉગાર નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 જૂન 2023

https://www.google.co.uk/books/edition/India_s_First_Dictatorship/lHEhEAAAQBAJ?hl=en&gbpv=1&printsec=frontcover

Loading

કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર માત્ર હજાર જણ ગળી જાય

રમેશ ઓઝા|Opinion - Opinion|22 June 2023

રમેશ ઓઝા

શાસનની જગ્યા જ્યારે સત્તા લઈ લે ત્યારે ક્રોની કેપીટાલિઝમનો ઉદય થતો હોય છે. જગત આખાનો આ દસ્તૂર છે અને તેનો ઇતિહાસ છે. કોઈકને કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવું છે અને તેને ટકાવી રાખનારાઓ પણ મળી રહે છે, શરત એ કે સામે ટકાવી રાખવામાં મદદ કરનારને લાભ મળતો હોય. આમાંથી પરસ્પર ધરી રચાય છે અને જે નવી અર્થવ્યવસ્થા રચાય તેને ક્રોની કેપીટાલિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે. 

મહદ્અંશે ક્રોની કેપીટાલિઝમના આ પાંચ લક્ષણો હોય છે :

૧. સત્તાધારીઓ અનુકૂળ આવે અને ગોપનિયતા જળવાઈ રહે એવા ગણતરીના ઉદ્યોગપતિઓને પસંદ કરે છે. 

૨. સરકારની નીતિઓ અને નિર્ણયો એવા હોય જેને કારણે તેમને ફાયદો થાય.

૩. સરકારની માલિકીનાં સંસાધનો પસંદગીના ધોરણે તેમને ઉપલબ્ધ કરી આપવામાં આવે.  

૪. સરકારી નાણાંકીય સંસ્થાઓ કાયદેસર કે ગેરકાયદે તેમને મદદ કરે અને કૂણું વલણ અપનાવે. 

૫. નાણાંકીય વ્યવહાર પર નજર રાખવાનું કામ રિઝર્વ બેંકનું છે અને તે પારદર્શક છે કે નહીં તેનું ઓડીટ કરવાનું કામ કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું છે, એટલે એ બન્ને પદ (રિઝર્વ બેન્કના ગવર્નર અને સી.એ.જી.) પર કોઈ નમાલાને બેસાડવામાં આવે. 

જગત આખામાં લગભગ આવી એક સરખી પેટર્ન જોવા મળશે. આગળ કહ્યું એમ ક્રોની કેપીટાલિઝમ કેટલાક લોકોના સત્તામોહ ખાતર દેશનાં શાસનનો ભોગ લે છે. સત્તા અને શાસન બે જૂદી વસ્તુ છે. જૈનો “જૈનં જયતિ શાસનમ્‌” કહે છે ત્યારે એમાં સત્તા નથી હોતી, શાસન હોય છે.

‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલે ગયા જાન્યુઆરી મહિનામાં અહેવાલ આપ્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારનાં પહેલાં સાડા આઠ વરસ દરમ્યાન (૩૧, ડિસેમ્બર ૨૦૨૨ સુધી) બેન્કોએ ૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગુમાવ્યા છે એટલે માંડી વાળવા પડ્યા છે. જે લોકો લઈ ગયા છે એ પાછા આપતા નથી. એક રીતની લૂટ. ‘વાયરે’ ઉપલબ્ધ સત્તાવાર આંકડાઓ અને વ્યાજ વગેરેની ગણતરી માંડીને આ આંકડો બહાર પાડ્યો હતો અને નાણાં મંત્રાલયને આ બાબતે કેટલાક સવાલો પૂછ્યા હતા. હવે ‘વાયર’ને ભાગવત કરાડ નામના કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાં પ્રધાનનો પત્ર મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના શાસનના પહેલાં સાડા આઠ વરસ દરમ્યાન ભારતની બેન્કોએ ૧૨,૦૯,૬૦૬ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઇટ્સ ઓફિશિયલ.

કદાચ તમે વિચારતા હશો કે સરકાર બેન્કોના પૈસા ડૂબાડનારાઓને નહીં છોડે. આ કોઈ નાની રકમ છે? ૨૦૨૩-૨૦૨૪ના બજેટ મુજબ ભારતની કુલ અંદાજીત વાર્ષિક આવક ૩૫ લાખ કરોડની હશે. અંદાજીત વાર્ષિક આવકનો ત્રીજો ભાગ. દેશનાં સંરક્ષણ પાછળનો વાર્ષિક ખર્ચ ૫,૫૪,૮૭૫ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે એટલે કે સંરક્ષણ કરતાં અઢી ગણાં. આ અમૃતકાળમાં વિશ્વગુરુ દેશનાં બાળકોનાં શિક્ષણ પાછળ ૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું છે, પણ સામે ધૂર્ત લોકો અગિયાર ગણા પૈસા મારી ગયા છે! સરકાર આવા લોકોને છોડે? કદાચ ભક્ત અને ભોળા લોકો આમ વિચારતા હશે!

જુઓને! ૮મી જૂને રિઝર્વ બેન્કના ગવર્નરે સર્ક્યુલર બહાર પાડીને બેન્કોના પૈસા ડૂબાડનારાઓને સલાહ આપી છે કે તેઓ પોતપોતાની બેંકોનો સંપર્ક કરે અને બેંકો સાથે સેટલમેન્ટ કરે. માર્ક ધ વર્ડ. પૈસા પાછા આપે એમ નથી કહ્યું, સેટલમેન્ટ કરે. દસ પૈસા ચૂકવીને રૂપિયાની માંડવાળી કરે. વરસોવરસ દેવાંને કેરી ફોરવર્ડ કરતા રહેવાનો શો અર્થ? એનાં કરતાં માંડવાળી કરીને નવે ખાતે કામકાજ કરવામાં ડહાપણ છે એમ કદાચ તમે વિચારતા હશો. વિચાર તો બરાબર છે, પણ એ ત્યારે બરાબર છે જ્યારે દેશના પૈસા ડુબાડનારાઓને રાષ્ટ્રીય દેવાદાર જાહેર કરવામાં આવે અને તેમની સાથે કોઈ પણ જાતનો નાણાંકીય અને વ્યવસાયિક વહેવાર કરવામાં ન આવે એવી સલાહ આપવામાં આવે. એક એવી કાળી યાદી જેમાં આ મહાનુભાવોનો સમાવેશ થતો હોય. ડૉ રઘુરામ રાજન જ્યારે રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે તેમણે આવું સૂચન કર્યું હતું અને પરિણામ તમે જાણો છો. તેમને તગેડી મુકવામાં આવ્યા. પાટી એટલા માટે સાફ કરવામાં આવી રહી છે કે જેથી ફરીવાર ઉધાર બાજુએ એકડો માંડી શકાય. ફરીવાર મળતિયાઓને ધિરાણ આપી શકાય અને દેશને ડૂબાડી શકાય.

એમ તો ખેડૂતો પણ બેંકોનું ધિરાણ પાછું આપતા નથી અને તેમનું ધિરાણ પણ માફ કરી દેવામાં આવે છે એ વિષે તો તમે કાંઈ બોલતા નથી. ભક્તો કદાચ આવો સવાલ કરે. હા. વાત સાચી છે. ૨૦૧૫-૧૬માં ભારતનાં ખેડૂતો ઉપર ૧૨ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું જે ૨૦૨૦-૨૧માં વધીને ૧૮ લાખ કરોડ રૂપિયા થયું હતું અને અત્યારે કદાચ ૨૦ લાખ કરોડ રૂપિયાનું હશે. પણ એક બીજા આંકડા તરફ પણ નજર કરવી જોઈએ. ૨૦૧૫-૧૬માં બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની કુલ સંખ્યા હતી ૬ કરોડ ૯૦ લાખ. ૨૦૨૦-૨૧માં ૧૮ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની સંખ્યા હતી દસ કરોડ અને અત્યારે વીસ લાખ કરોડ રૂપિયાના કરજદાર ખેડૂતોની સંખ્યા હશે બાર કરોડ.

બાર કરોડ ખેડૂતો ઉપર વીસ લાખ કરોડ રૂપિયાનું દેવું. એક એક ખેડૂતના ભાગે ૧,૬૬,૬૬૬ રૂપિયાનું દેવું થયું. ઘણું કહેવાય નહીં? દેશમાં કેવા કેવા દેશદ્રોહીઓ છે? આની સામે બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા ડુબાડનારા દેશપ્રેમી શેઠજીઓની સંખ્યા કેટલી છે? અગેન રિઝર્વ બેન્કના આંકડા મુજબ માત્ર સો શેઠજીઓએ બેન્કોના અડધોઅડધ રૂપિયા ડુબાડ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના રિઝર્વ બેન્કના આંકડા મુજબ કુલ ૮,૬૪,૮૩૩ કરોડ રૂપિયા બેન્કોના ખોટા થયા હતા જેમાંથી ૪,૪૬,૧૫૮ કરોડ રૂપિયા માત્ર સો દેવાદારો પાસેથી લેવાના નીકળતા હતા. એક એક શેઠજીના ભાગે ત્યારે ૪૪ અબજ રૂપિયા નીકળતા હતા, જે અત્યારે પચાસ ટકાની સરેરાશે વધીને એક એક શેઠજીના ભાગે ૬૦ અબજ રૂપિયા થયા. એક એક શેઠજી સાઈંઠ સાઈંઠ અબજ રૂપિયા મારી ગયા છે. આ બધા ભાઈબંધ શેઠજીઓ છે. કેટલાક તો મીડિયાના માલિકો પણ છે અને તમારી અંદર દેશપ્રેમ જાગૃત કરવાનું મહાન કામ કરી રહ્યા છે.

વળી કોઈ ભક્ત વહારે ધાશે કે એકલા ભારતમાં જ થોડા બેન્કોના પૈસા ખોટા થાય છે! અર્થતંત્રની સ્થિતિ ખરાબ હોય ત્યારે આવું થાય અને બીજા દેશોમાં પણ થાય છે. તેમની વાત બિલકુલ સાચી છે. આંતરરાષ્ટ્રીય નાણાંનિધિના અભ્યાસ મુજબ સુચારુ વહીવટ ધરાવનારા જવાબદાર દેશોમાં કુલ ધિરાણમાંથી સરેરાશ એક ટકો જેટલું ધિરાણ પાછું આવતું નથી. બેન્કોએ પૈસા પીળે પાને ઉધારવા પડ્યા હોય એનું અમેરિકા અને યુરોપના વિકસિત દેશોનું પ્રમાણ ૧થી ૧.૧૦ ટકા છે. કેનેડાનું પ્રમાણ ૦.૪ ટકા છે. દક્ષિણ કોરિયા ૦.૫ ટકા, સ્વિત્ઝરલેન્ડ ૦.૬ ટકા અને ચીનનું પ્રમાણ ૧.૮ ટકા છે. જેની ગણના ગામના ઉતાર તરીકે થાય છે એ ક્રોની કેપીટાલિઝમ માટે કુખ્યાત રશિયામાં આનું પ્રમાણ ૮.૩ ટકા છે. અને ભારત? ભારતનું પ્રમાણ કેટલું છે? ડૉ મનમોહન સિંહની સરકારની મુદ્દત પૂરી થઈ ત્યારે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૪માં આનું પ્રમાણ ૪.૧ ટકા હતું જે અત્યારે વધીને ૧૨.૧૭ ટકા થયું છે.

રિઝર્વ બેંકનો ડિસેમ્બર ૨૦૨૨ના ફાયનાન્શિયલ સ્ટેબીલિટી રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વરસના સપ્ટેમ્બર મહિના સુધીમાં ખોટા થયેલા ધિરાણનું પ્રમાણ ૯.૪ ટકા હશે. આવું શેના આધારે કહ્યું હશે? રિઝર્વ બેન્કના ગવર્નરે તો સર્ક્યુલર કાઢ્યો છે કે આવો અને બેંકો સાથે ફડચો કરી જાવ. 

૪.૧ ટકા ધિરાણ ખોટું થાય એ દેશનું કલંક હતું. ૧૨.૧૭ ટકા ધિરાણ ખોટું થાય એને અમૃતકાળ કહેવાય. ભારતનાં કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર (૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ શિક્ષણ પાછળ ખર્ચાય છે તો અગિયાર વરસના બાર લાખ કરોડ થયા.) માત્ર હજાર જણ ગળી જાય એ વિશ્વગુરુ કહેવાય. અને હા, કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું નામ તમે સાંભળ્યું છે? નથી ખબર ને કોણ છે સી.એ.જી.? બિચારો મોઢું ખોલે તો ખબર પડે ને કે એ ભાઈ કોણ છે? પણ પેલા વિનોદ રાય નામના ડૉ મનમોહન સિંહના વખતના સી.એ.જી. અને તેના તોતિંગ આંકડાઓના ભણકારા આજે પણ કાને અથડાતા હશે.

આ બધા ક્રોની કેપીટાલિઝમના લક્ષણ છે જે પ્રારંભમાં બતાવવામાં આવ્યા છે. જ્યારે સત્તા શાસન ઉપર હાવી થઈ જાય અને શાસનની જગ્યાએ સત્તા કેન્દ્રસ્થાને આવી જાય ત્યારે આવું બનતું હોય છે.

(આ લેખ માટે ‘ધ વાયર’માં પ્રકાશિત થયેલ લેખ ‘ધ મોદી ગવર્નમેન્ટ મસ્ટ આન્સર ફોર ઇન્ડિયાઝ હિસ્ટોરીક લોસ ઓફ રૂ. ૧૨ લાખ કરોર’નો આધાર લેવામાં આવ્યો છે.)
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જૂન 2023

Loading

રાજદ્રોહ કાયદાની બંધારણીયતા અને ઉપયોગિતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 June 2023

ચંદુ મહેરિયા

પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે તાજેતરમાં રાજદ્રોહ કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ શાહિદ કરીમે તેમના ચુકાદામાં પી.પી.સી.(પાકિસ્તાની પિનલ કોડ)ની રાજદ્રોહ સંબંધિત ધારા ‘૧૨૪-એ’ને મનમાની અને રાજકીય ઉદ્દેશ ધરાવનારી દર્શાવી તેને અમાન્ય અને ગેરકાયદે ઠેરવી છે. ઓકટોબર ૨૦૨૨માં ભારતની સુપ્રીમ કોર્ટે પણ રાજદ્રોહને લગતી ઇન્ડિયન પિનલ કોડ(આઈ.પી.સી.)ની કલમો હેઠળ કોઈ ગુનો ન નોંધવા અને રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા સરકારને આદેશ આપ્યો હતો. ભારતને રાજદ્રોહનો કાયદો જેની દેન છે તે  બ્રિટને ઈ.સ. ૨૦૦૯માં તેને રદ્દ કર્યો હતો .. હવે પાકિસ્તાનમાં તે રદ્દ થતાં ભારત સરકાર પર તેને રદ્દ કરવાનું દબાણ વધશે.

રાજદ્રોહના કાયદાનો આરંભ સાંસ્થાનિક કાળમાં થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રાજવટ હતી ત્યારે તેમણે આ કાયદો ભારતના લોકો તેમની સામે અવાજ ના ઉઠાવે એટલે ઘડ્યો હતો. ૧૮૯૮માં લોકમાન્ય ટિળક અને ૧૯૨૨માં ગાંધીજી સામે રાજદ્રોહના કાયદા હેઠળ અંગ્રેજોએ ખટલો ચલાવી સજા સુણાવી હતી. ઈ.સ. ૧૮૬૦માં ઇન્ડિયન પિનલ કોડ આવ્યો ત્યારે તેમાં રાજદ્રોહની કલમ નહોતી. પરંતુ ૧૮૭૦માં સુધારો કરીને કલમ ‘૧૨૪-એ’ જોડી હતી. એટલે આ કાયદો દોઢસો વરસ જૂનો ગણાય, પણ વાસ્તવમાં તો અંગ્રેજ કાયદામાં તે આઠસો પચાસ વરસ પહેલા, ઈ.સ. ૧૨૭૫માં, દાખલ થયો હતો. તે સમયે રાજા સર્વેસવા હતા. રાજ અને તાજ સામે બોલનારને રાજદ્રોહી ગણવામાં આવતા હતા.

અંગ્રેજો તરફથી વારસામાં મળેલો રાજદ્રોહ કાનૂન આઝાદ ભારતમાં પણ અમલમાં છે. ભારતીય ફોજદારી ધારાની કલમો ૧૨૧, ૧૨૧-એ, ૧૨૨, ૧૨૩, ૧૨૪ અને ૧૨૪-એમાં રાજદ્રોહની જોગવાઈ છે. પરંતુ સૌથી આકરી જોગવાઈઓ કલમ ‘૧૨૪-એ’માં છે. બોલાયેલા, લખાયેલા, ઈશારા કે પ્રદર્શનમાં વપરાયેલા શબ્દો દ્વારા સરકાર વિરુદ્ધ નફરત ફેલાવવી કે તે માટે ઉશ્કેરવા કે સરકારનું અપમાન કરવું  તે ૧૨૪-એ હેઠળ રાજદ્રોહ ગણાય છે. આ ગુનો બિનજામીનપાત્ર તો છે જ તેની સજા આજીવન કારાવાસ સુધીની છે. એટલે સરકાર ટીકાકારોને ચૂપ કરવા, પરેશાન કરવા અને ડરાવવા રાજદ્રોહ કાયદાની આ કલમોનો મનમાન્યો અર્થ કરીને વિપક્ષના નેતાઓ, પત્રકારો, કલાકારો, કર્મશીલો, વિધાર્થીઓ અને સરકાર સામે અસંમત એવા ઘણા બધા સામે ગુનો નોંધે છે. પોલીસ દ્વારા સરકારો રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરે છે અને જુઠ્ઠા કેસ નોંધે છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસંમતિનો અવાજ તો લોકતંત્રનું અનિવાર્ય અંગ છે. પરંતુ સરકારો તેમની એટલી જ આલોચના સહન કરે છે જે તેના પ્રત્યે ઉગ્ર અંસંતોષ ના જન્માવે. સરકારને જે વ્યક્તિ કે વાત અસહજ હોય છે તેને દેશદ્રોહી અને ગુનેગાર ઠેરવવા આ કાયદાનો મોટાપાયે ઉપયોગ થાય છે. છેલ્લા દાયકામાં આ કાયદા હેઠળની ફરિયાદોમાં આશરે પચીસ ટકાની વૃદ્ધિ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની માહિતી પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ના નાગરિકતા સંશોધન કાયદા વિરુ્દ્ધના આંદોલન દરમિયાન ૧૯૪ લોકો સામે રાજદ્રોહના કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

કાયદાનો દુરપયોગ થાય છે તે એ હકીકતથી પણ જણાય છે કે ૨૦૧૯માં રાજદ્રોહના કેસમાં ૯૬ ધરપકડો થઈ હતી. પરંતુ માત્ર બે જ દોષિત સિદ્ધ થઈ શક્યા હતા.  ૨૦૧૪થી ૨૦૨૦માં રાજદ્રોહના માત્ર ચાર જ કેસ સાબિત થઈ શક્યા છે. એટલે સરકાર દંડિત કરવાના બદલે આલોચકો અને વિરોધીઓને વધુ તો પરેશાન કરવા  માંગતી હોવાનું જણાય છે.

જે કાયદાનો ઉપયોગ બ્રિટિશરોએ ગાંધી અને ટિળક સામે કર્યો હોય તે સ્વતંત્ર ભારતમાં કઈ રીતે અસ્તિત્વમાં હોઈ શકે ? તેવો સવાલ થવો સહજ છે. પરંતુ નહેરુએ જેટલા જલદી આ કાયદાથી મુક્તિ મેળવીએ એટલું સારું છે એમ કહ્યા પછી પણ તેને દૂર કર્યો નહોતો. પંચોતેર વરસની આઝાદી અને ચૌદ વડા પ્રધાનો છતાં દરેક્ને જાણે કે આ કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરવાની સત્તા અને શક્તિ છોડવા નથી. એટલે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાયદો આજે પણ કાયદાપોથીમાં છે.

સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨ અને ૧૯૯૫માં રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરીને તેને ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તેનું વલણ બદલાયેલું જણાય છે. આ કાયદા હેઠળ પોલીસને નવી કોઈ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) નોંધવા પર પ્રતિબંધ લાદીને તેણે તેનું વલણ જણાવી દીધું છે. જો કે સુનાવણી દરમિયાન એટર્ની જનરલની દલીલો મારફત કેન્દ્ર સરકાર કાયદો રદ્દ કરવાના પક્ષમાં ના હોવાનું જણાયું હતું. લાહોર હાઈકોર્ટના ચુકાદા અને બ્રિટને સવા દાયકા પૂર્વે તેને રદ્દ કર્યા પછી કે પત્રકારોના કિસ્સામાં તેમની સ્વતંત્રતા રક્ષિત હોવાના ચુકાદા પછી તો તેની કાયદેસરતા કે બંધારણીયતા ચકાસવાની રહેતી નથી.

બીજા ઘણા કાયદાની જેમ રાજદ્રોહનો કાયદો પણ આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળ્યો છે. એટલા માટે જ તે રદ્દ ન કરાય એવી દલીલ સ્વીકારી એ તો અંગ્રેજોએ ભારતીયો પર દમન માટે ઘડેલા કાયદાની લોકતાંત્રિક દેશમાં હવે શું જરૂર ? શા માટે સરકારો પોતાના લોકોથી જ સલામતી ચાહે છે અને ડર અનુભવે છે ? તેવો પ્રતિપ્રશ્ન થઈ શકે છે.

ના માત્ર સરકાર લોકો પણ કેટલાક કાયદાઓનો ખોટો ઉપયોગ કે દુરપયોગ કરે જ છે. એટલે કાયદાનો દુરપયોગ તેની નાબૂદીનું કારણ બની શકે ખરું ? મીસા અને પોટા જેવા કાયદા તેના વ્યાપક દુરપયોગને કારણે જ સંસદે રદ્દ કર્યા હતા. સેડિશન લૉ પણ એ જ શ્રેણીનો કાયદો છે એટલે દુરપયોગના કારણે પણ તે રદ્દ થવો ઘટે. આ કાયદાના ઉપયોગ પાછળની સત્તાધીશોની માનસિકતા સાંસ્થાનિક છે. તે લોકોને રૈયત સમજે છે. તેથી પણ તે નાબૂદ થવા પાત્ર છે.

કેન્દ્રના સત્તાપક્ષે અને કેન્દ્રના વિપક્ષ એવા કેટલાક રાજ્યોના સત્તાપક્ષોએ પણ આ કાયદાનો પોતાની સત્તાના લાભમાં ઉપયોગ કર્યો છે. એટલે રાજકીય પક્ષો કદાચ તેની નાબૂદીનું પગલું ભરશે નહીં. હાલના વડા પ્રધાન અને ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી વિરુદ્ધ અપમાનજનક કે ટીકાત્મક બાબતોને લઈને અનુક્રમે ૧૪૯ તથા ૧૪૪ રાજદ્રોહના કેસો નોંધાયા હોય ત્યારે સરાકારો રાજદ્રોહ કાયદો રદ્દ કરે તે શક્ય નથી.

અદાલતોએ સરકારની ટીકા તે દેશદ્રોહ નથી તેવું વારંવાર કહ્યા છતાં કોઈ સુધારો થતો નથી. વળી રાજદ્રોહ એ સરકારની ટીકા છે. સરકારની ટીકા કરવી કોઈ દેશ વિરુદ્ધનું કે દેશદ્રોહનું કૃત્ય નથી, તેમ સ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહને ઈરાદાપૂર્વક સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દો ગણી લેવાયા છે. એટલે આ કાયદાના ભાવિ માટે હવે તો એક માત્ર આશરો ન્યાયતંત્ર જ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0991,1001,1011,102...1,1101,1201,130...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved